CIA ALERT

Blog - Page 293 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 27, 2020
Sanket_mehta.jpg
1min4980

કોરોના ઇન્ફેકશનના સૌથી જૂજ લક્ષણોનો શિકાર બનેલા સુરતના યુવા ડોક્ટર સંકેત મહેતા બિલકુલ સ્વસ્થ થઇને ચેન્નઇ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ થયા છે. ડો.સંકેત મહેતા જયારે કોરોનાગ્રસ્ત હતા અને ટ્રીટમેન્ટ લઇ રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ પેશન્ટને ઓક્સિજન સપોર્ટ આપવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. 28 જુલાઈના રોજ પહેલીવાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુરતના BAPS હોસ્પિટલમાં દાખલ ડો. મહેતાની તબિયત વધુ ખરાબ થતા તેમને ચેન્નઇની MGM હોસ્પિટલ બાય એર એમ્બ્યુલન્સથી લઈ જવામાં આવ્યા હતા.

તબીબોના જણાવ્યા અનુસાર ડો. સંકેત મહેતાને એવા પ્રકારનું ઇન્ફેકશન થયું હતું જેના કેસો વિશ્વમાં કદાચ આંગળીના વેઢે ગણી શકાય તેટલા હશે. અત્યંત ગંભીર પરિસ્થિતિમાં ડો.સંકેત મહેતાને વધુ સારવાર માટે ચેન્નઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચેન્નઇ ખાતે ડો. સંકેત મહેતાના ફેંફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા આવ્યા હતા.

ડો. મહેતા 96 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. ગુજરાતમાં કોઈપણ કોવિડ 19ના દર્દી માટે હોસ્પિટલમાં રહેવાનો આ સૌથી વધુ સમય છે.

ડો. મહેતાના પત્ની પિનલના જણાવ્યા મુજબ હાલમાં ડો.સંકેત મહેતાનું સ્વાસ્થય નોર્મલ સ્થિતિ ધરાવે છે, બોલવામાં હજુ તેઓ તકલીફ અનુભવી રહ્યા છે. જેના કારણે તેઓ સાઇન લેંગવેજમાં વાત કરે છે. પરંતુ તેઓ નોર્મલ રીતે શ્વાસોશ્વાસ લેવામાં સક્ષમ છે. તેમણે પોતાની સાઇન લેંગવેજથી જણાવ્યું કે વૃદ્ધ દર્દીને ઓક્સિજન સપ્લાયની મદદ કરીને તેઓ ખૂબ જ ખુશ છે.’


ચેન્નઇની MGM હોસ્પિટલ જ્યાં ડો. સંકેત મહેતાની ટ્રીટમેન્ટ થઇ એ હોસ્પિટલના કાર્ડિયાક સાયન્સના ડિરેક્ટર અને ચેરમેન ડો. કે.આર. બાલાક્રિશ્નને કહ્યું કે ‘આગામી એક મહિનાના સમયગાળામાં ડો. સંકેત મહેતા ફરી તેમનો તબીબી વ્યવસાય કરી શકશે. તેઓ હવે ફૂલ રિકવર થઈ ગયા છે અને હવે તેમને ફક્ત સ્પીચ થેરાપી અને ફિઝિયોથેરાપીની જરુર છે.’


October 27, 2020
naresh_kanodia.jpg
1min5870

પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાનાના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના ગંભીર ઇન્ફેકશનની સારવાર દરમિયાન આજરોજ તા.27મી ઓક્ટોબર 2020ની સવારે નિધન થયું છે. 77 વર્ષીય નરેશ કનોડીયા અમદાવાદની યુએન મહેતા કોલેજમાં સારવાર હેઠળ હતા.

નરેશ કનોડીયાના મોટા ભાઇ મહેશ કનોડિયાનું અવસાન બે દિવસ પહેલા જ  થયું હતું.

ઢોલીવુડના સ્ટાર નરેશ કનોડિયાને કોરોના થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હોવાના સમાચાર આવ્યા હતા. સ્વર્ગસ્થ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમના મોતની અફવા પણ ઉડી હતી, જેના પર તેમના પુત્રએ ખુલાસો કર્યો હતો.

ગંભીર હાલતમાં રહેલા નરેશ કનોડિયાની રિકવરી માટે તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દેશ-વિદેશમાં અનેક શો કરી ચૂકેલી મહેશ-નરેશની જોડી બે દિવસ પહેલા જ ખંડિત થઈ હતી. મોટાભાઈના અવસાન વખતે પણ નરેશ કનોડિયા હોસ્પિટલમાં હોવાથી હાજરી નહોતા આપી શક્યા.

100થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નરેશ કનોડિયાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. તેઓ કરજણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતા. તેમના દીકરા હિતુ કનોડિયા હાલ ઈડરના ધારાસભ્ય છે. તેમના મોટાભાઈ મહેશ કનોડિયા પણ પાટણ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા

October 27, 2020
deputy_cm_nitin_patel_6483857_835x547-m.jpg
1min5620

કરજણના કુરાલી ગામે ઘટનાથી ચકચાર, ચપ્પલ ફેંકનાર ઈસમની શોધખોળ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામે જાહેર સભા પુરી થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરતા હતા ત્યારે તેમના પર ચપ્પલ ફેંકાતા ચકચાર મચી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કરજણ તાલુકાના કુરાલી ગામે આજે મોડી સાંજે કરજણ પેટા ચૂંટણીના પ્રચાર બાદ ગુજરાતના નાયબ”’ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરતા હતા. દરમિયાન કોઈએ તેમની સામે ચપ્પલ ફેંકતા રાજકીય મોરચે આ ચર્ચાનો વિષય બન્યો હતો. ચપ્પલ ફેંકાયું છતાં નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું.

આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો. તેમ છતાં ચપ્પલ ફેંકનાર ઈસમ ફરાર થઈ ગયો હતો. આ યુવકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

કરજણના ભાજપ પ્રવક્તા હર્ષદભાઈ પરમારે કહ્યું છે કે આવું પ્રકરણ બન્યું નથી. બીજી બાજુ બરોડાની ઉચ્ચ પોલીસ ચપ્પલ ફેંકનારને શોધી રહી છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા જુતાની ઘટનાને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. કોંગ્રેસના આગેવાનો કહે છે કે લોકશાહીમાં પોતાનો રોષ વ્યકત કરવાની આ પધ્ધતિ બિલકુલ વાજબી નથી. પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે તે સમજાતું નથી. નીતિનભાઈ જાહેર જીવનના સંન્નિષ્ઠ રાજપુરુષ છે. તેઓ કોંગ્રેસની સભામાં આવ્યા ન હતા. જે જગ્યાએ સભા યોજાઈ હતી તે સભા, મંડપ, નેતાઓ અને આગેવાનો ભાજપના હતા. તો ત્યાં કોંગ્રેસના આગેવાનો શું કામે જાય ?
ભાજપની સભામાં કોંગ્રેસી ઘુસ્યા કે ભાજપી આગેવાનનું કારસ્તાન ?

આ ઘટના બાદ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે, કે ભાજપની સભામાં કોઈ કોંગ્રેસી ઘુસ્યા કે ભાજપના જ કોઈ અસંતુષ્ટ આગેવાનનું આ કારસ્તાન છે ? ભાજપના અક્ષય પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં નાયબ મુખ્યમંત્રી ગયા હતા. તેમના પર ચપ્પલ ફેંકાયું પણ તેમને વાગ્યું ન હતું. બનાવના પગલે નાયબ મુખ્યમંત્રીની સુરક્ષા વધારી દેવાઈ છે. ચપ્પલ ફેંકનારની હજુ સુધી ઓળખ થઈ નથી.

October 27, 2020
ground_nuts.jpg
1min5530

મગફળીની આવકે ગુજરાતમાં નવો વિક્રમ સર્જ્યો છે. ગુજરાતભરમાં સોમવારે આશરે સાડા સાતથી આઠ લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવક થઇ હતી. એક તરફ સરકારી ખરીદીનો આરંભ થયો અને બીજી તરફ માર્કેટ યાર્ડોમાં ઐતિહાસિક આવક થતા સૌ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ખેડૂતો મગફળી સાચવીને રાખવા ન માગતા હોય તેમ ઘડાધડ વેંચી રહ્યા હોવાથી નાનામાં નાના સેન્ટરમાં પણ ક્યારેય ન થઇ હોય એટલી આવક થઇ છે. જોકે ખેડૂત વેચવાલી આ પ્રકારે રહી તો પાકમાંથી ઘણો માલ બજારમાં તત્કાળ આવી જશે.

મગફળીની તીવ્ર વેચવાલીના એક નહીં અનેક કારણ છે. ઉંચા ભાવ ઉપરાંત અતિવૃષ્ટિ અને પછી પાછોતરા વરસાદથી મગફળીને વ્યાપક નુક્સાન થયું છે. અસરગ્રસ્ત મગફળી સાચવી રાખવાથી બગાડનું જોખમ છે એ કારણે વેચી રહ્યા છે. વળી, આ વખતે કપાસ મોડો છે. તલ, મગ અને અડદ જેવા પાકો નાશ પામ્યા છે એટલે ખેડૂતોની આર્થિક સંકડામણ દૂર કરવા મગફળી વેંચવાનો વિકલ્પ છે.

ગયા મહિને ગોંડલમાં એક લાખ ગુણી પ્રથમ વખત આવી ત્યારે એમ લાગતું હતુ કે હવે આવી આવક ચાલુ સીઝનમાં નહીં થાય. પરંતુ ખેડૂતોએ ગઇકાલે પોણા બે લાખ ગુણી ઠાલવી દીધી. રાજકોટમાં ય સવા ગુણી આવી ગઇ. આમ મોટાં યાર્ડોમાં સામાન્ય કરતા ત્રણ ગણી આવક થઇ ગઇ છે. નાના સેન્ટરોમાં ય ક્ષમતા કરતા વધારે આવક થઇ છે. આવકોનો અતિરેક એ બતાવે છેકે ખેડૂતોને મગફળી રાખવામાં ઓછો રસ છે.

રાજકોટ અને ગોંડલ યાર્ડ મોટાં છે એટલે ત્યાં જંગી આવક થાય છે. પરંતુ સોમવારે નાના સેન્ટરોમાં પણ ઉડીને આંખે વળગે તેવી આવક હતી. જામજોધપુરમાં લગભગ 16 હજાર ગુણી, જેતપુરમાં 3, અમરેલીમાં 5, કાલાવડમાં 7, વાંકાનેરમાં 6, હળવદમાં 12 અને બોટાદમાં 13 હજાર ગુણી આવક થઇ હતી. મહુવામાં 39 હજાર ગુણી અને જામનગરમાં 35 હજાર ગુણીની ચિક્કાર આવક હતી. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો જાણે મગફળીથી’ ઉભરાઇ રહ્યા હોય તેવી સ્થિતિ છે.
ગુજરાતમાં પણ ડિસા ખાતે એક લાખગુણી, પાથાવાડામાં 40 અને હિંમતનગર જેવા સેન્ટરમાં 20 હજાર ગુણી આવી હતી.

જોકે જંગી આવક વચ્ચે માઠી હાલત મગફળીના ખરીદ કેન્દ્રો ઉપર થઇ છે. ત્યાં સોમવારે કાગડાં ઉડતા હતા. ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતોને બોલાવાયા હતા તેના કરતા ફક્ત 20-30 ટકા ખેડૂતો જ આવ્યા હતા. સરકારી કેન્દ્રો ઉપર ખેડૂતો ન જવાનું કારણ ખૂલ્લા બજારમાં રોકડાં નાણાં અને ઉંચો ભાવ મળવાનું છે. આમ જ ચાલ્યું તો સરકારને 13 લાખ ટનના ટારગેટ સામે 6 લાખ ટન જેટલો જથ્થો પણ માંડ માંડ મળશે. એ ખેડૂતો અને વેપારીઓ માટે પણ સારી બાબત છે.
ખેડૂતોને ગયા વર્ષમાં ન હતો મળ્યો એટલો ભાવ અત્યારથી મળવા લાગ્યો છે એમ એક અભ્યાસુ ખેડૂત કહે છે. પાછલા વર્ષે રૂ. 700-800 માં મગફળી વેંચતા હતા તેના અત્યારે રૂ. 900-1150 સુધીના ભાવ ઉપજી રહ્યા છે. જામનગરમાં તો અમુક જથ્થો રુ. 1465માં વેચાયો હતો. જ્યારે મહુવામાં રુ. 1250 સુધીનો ઉંચો ભાવ થયો હતો.

સરેરાશ ખેડૂતોને રૂ. 1000-1100 સુધીનો ભાવ મળે છે એટલે સરકારી કેન્દ્રો પર વેંચવામા’ કોઇને રસ નથી. સરકારનો રૂ. 1055નો ભાવ છે. વળી એમાં વેંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વેંચ્યા પછી પેમેન્ટ મળવાના વાંધા છે. દિવસો સુધી પૈસા મળતા નથી.
વરસાદથી અસરગ્રસ્ત મગફળી વેંચવા જતા ખેડૂતોને કાઉન્ટમાં સમસ્યા થાય છે એટલે પણ સરકારી ઓટલે જવામાં બહુ ઓછાં ખેડૂતોને રસ છે, સૌને યાર્ડનો ઉંબરો વધારે પસંદ છે.

જામનગર યાર્ડમાં રેકોર્ડબ્રેક 35 હજાર ગુણી આવી

જામનગર,તા. 26 : જામનગરના હાપા મારકેટ યાર્ડમાં ગઇરાત્રે 12 વાગ્યાથી આજે સવારે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને પોતાની મગફળીનો જથ્થો લઇ આવવા માટેની જાણકારી અપાઈ હતી. તે દરમિયાન રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા 225 વાહનોમાં મગફળીની 35,000 ગુણીની આવક થઇ છે. મગફળીનો ભાવ 850 રૂપિયાથી 1465નો બોલાયો હતો. તે પણ એક રેકોર્ડ છે. હવે પાંચ દિવસ આવક બંધ કરાઈ છે. આજે સવારે 10 વાગ્યાથી હાપા માર્કેટીંગ યાર્ડમાં ઓપન બજારમાં હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 20 કિલો (એક મણ) મગફળીનો ભાવ 850થી રેકોર્ડ કહી શકાય એટલો 1,465નો ભાવ બોલાયો હતો. જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. મગફળી સારી હોવાથી 1465 જેટલો ભાવ મળતો હોવાના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેંચાણ પ્રક્રિયામાં નિરસતા દાખવી છે.

October 26, 2020
sumul.jpg
1min7160

આગામી રવિવારે આવી રહેલા સુરતીઓના પોતિકા તહેવાર ચંદી પડવા નિમિત્તે સુરતીઓની ઘારીની ડિમાંડને પહોંચી વળવા માટે સુમુલ ડેરીએ યુદ્ધના ધોરણે મેનેજમેન્ટ હાથ ધર્યું છે. અને તેમાં પણ આ વખતે કોવીડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં સુરતીઓએ ઘારી માટે દર વર્ષની જેમ લાઇનો લગાડવી ન પડે તેની ખાસ તકેદારી રાખતા સુમુલ ડેરીએ સુરતીઓને ઘરે બેઠા વ્યાજબી ભાવે, હાઇજેનિક, માનવ સ્પર્શ (હ્યુમન ટચ) રહિત ક્વોલિટીયુક્ત ઘારી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા હાથ ધરી છે.

સુમુલ ડેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે સુમુલ ડેરીની ઘારી ઘરે બેઠા મેળવવા માટે નીચેના નંબરો પર સંપર્ક કરવા જણાવાયું છે.

  • ફક્ત સુરત શહેર વિસ્તારમાં ઘરે બેઠા ઘારી મેળવવા માટેના સુમુલ ડેરીના નંબરો
  • 77788 43785
  • 80007 17777
  • 82380 72000

કેમ ખરીદવી જોઇએ સુમુલ મેડ ઘારી

  • સમુલ ઘારી સુમુલના શુદ્ધ ઘીમાંથી બને છે જેથી ગુણવત્તાની પૂરેપૂરી ખાત્રી
  • ચણાની દાળ વાટીને ચણાનો લોટ વપરાય છે, તૈયાર લોટ વપરાતો નથી, જેથી મિલાવટની શક્યતા નથી
  • ઘારી માટે વપરાતો દૂધનો માવો સુમુલના ઓટોમેટિક પ્લાન્ટમાં બને છે તેથી આરોગ્યપ્રદ અને સુરક્ષિત છે.
  • ખાંડની ચાસણી સુમુલ પ્લાન્ટમાં ફિલ્ટર કરીને બૂરું બને છે.ૉ
  • સુમુલ મેડ ઘારીમાં સુકો મેવો લેબોરેટરી એપ્રુવ્ડ ક્વોલિટીના યોગ્ય ચકાસણી થયેલા સુકામેવાનો ઉપયોગ કરવામાં આવે છે.

ઘારી બનાવવામાં ક્યાંય માનવ સ્પર્શ (હ્યુમન ટચ) નહીં

સુમુલ ડેરીની ઘારીની સૌથી મોટી વિશેષતા એ છે કે ઘારીના મેકિંગમાં ક્યાંય માનવ સ્પર્શ નથી થતો. આજે કોવીડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં સમગ્ર દુનિયામાં ખાસ તકેદારી રાખવામાં આવે છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ જ પ્રમાણે સુમુલ ડેરીમાં સંપૂર્ણપણે હાઇજેનિક મશીન મેડ ઘારી બને છે. સ્વાસ્થ્ય માટે સુમુલની ઘારી સંપૂર્ણ સુરક્ષિત છે.

સુગર ફ્રી અને લૉ કેલેરી ઘારી ઉપલબ્ધ

સુમુલ ડેરી દ્વારા રેગ્યુલર ઘારી ઉપરાંત ખાસ હેલ્થ કોન્સિયસ તથા લૉ કેલેરી ફુડ પ્રિફર કરતા નાગરીકો માટે ફાઇબર તથા નેચરલ લૉ કેલેરી સ્વીટનર (પ્રી-બાયોટિક)થી ખાંડ વગરની ઘારી પણ તૈયાર કરવામાં આવે છે. એ પણ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે.

October 25, 2020
sharadpurnima.jpg
1min970

વર્ષમાં ૧૨ પૂર્ણિમા આવે, તેમાં કાર્તિક, પોષીપૂર્ણિમા, ફાગણ મહિનાની હુતાસનીની પૂર્ણિમા, ચૈત્રીપૂર્ણિમા, વૈશાખીપૂર્ણિમા, શ્રાવણની રક્ષાબંધનની પૂર્ણિમા અને શરદઋતુની શરદપૂર્ણિમા મોટી પૂર્ણિમાઓ છે.

શરદપૂર્ણિમા શરદસંપાત પછી આવે છે, જ્યારે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં થોડા જ દિવસ પહેલા પ્રવેશ્યો છે, તેમ છતાં આ વખતે સૂર્ય ખગોળીય વિષુવવૃત્તની નજીક હોય છે અને ચંદ્ર પણ ખગોળીય વિષુવવૃત્તની નજીક હોય છે. તેથી ક્ષિતિજ પર તે બંન્ને થોડા મોટા અને વધુ તેજસ્વી દેખાય છે. તેથી બધી જ પૂર્ણિમાઓમાં શરદપૂર્ણિમા મહારાણી ગણાય છે.

sharad purnima 2020 date and time sharad purnima date and time importance  puja vidhi and story hisd | Sharad Purnima 2020 Date And Time : शरद  पूर्णिमा 2020 में कब है, जानिए

ચોમાસા પછી પૂર્ણપણે સ્વચ્છ આકાશમાં ચંદ્ર પોતાની ચાંદની ફેલાવે છે. માટે આ પૂર્ણિમા વિશિષ્ટ બને છે. ચાંદીના ઢોળ જેવી ચાંદની પૃથ્વી પર પથરાય છે આ કારણે માનવીઓનાં હૈયા હિલોળે ચઢે છે. સાથે સાથે પૂર્ણિમા હોવાથી મહાસાગરોમાં પણ મોટી મોટી ભરતી આવે છે. સૂર્યથી પૃથ્વીનું અંતર વધારે હોતું નથી, અને પૃથ્વીથી ચંદ્રનું અંતર પણ વધારે હોતું નથી. તેથી ચંદ્ર ખૂબ જ પ્રકાશિત લાગે છે. ચોમાસુ ગયા પછી આકાશમાંના ઘણાખરા ધૂલિકણો વરસાદના પાણી સાથે પૃથ્વી પર આવી ગયા હોય છે. માટે આકાશ ક્રિસ્ટલ ક્લીઅર થઇ જાય છે, જેથી ચંદ્ર વધુ દેદીપ્યમાન લાગે છે.

શરદપૂર્ણિમાની બીજી એક વિશિષ્ટતા એ હોય છે કે ચોમાસુ સમાપ્તિના આરે હોવાથી વરસાદની રંગમાં ભંગ પડવાની શક્યતા બહુ ઓછી હોય છે અને હજુ શિયાળો બેઠો નથી હોતો, તેથી રાતે ઠંડીનો ચમકારો પણ હોતો નથી. ઑક્ટોબરના દિવસની ગરમી પછી રાત અતિ સુંદર અને ઠંડી હોય છે. ધીરે ધીરે પવનની લેરખીઓ આવે છે.

ખેતરોમાં પાક સારો થવાનો હોવાથી અને ઉપર દિવાળીનું પર્વ આવવાનું હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ વ્યાપેલો હોય છે પછી શિયાળો બેસવાનો હોવાથી શિયાળાના દિવસોમાં પૂર્ણિમા માણી શકાય તેમ હોતું નથી. આ બધા કારણોસર શરદપૂર્ણિમા વિશિષ્ટ પૂર્ણિમા બને છે, અને હિંદુ કૅલેન્ડર પ્રમાણે તે વર્ષની છેલ્લી પૂર્ણિમા હોય છે. જેમ શરદપૂર્ણિમાની રાત સ્વચ્છ અને ચાંદીના ઢોળે મઢેલી લાગે છે તેમ ૧૫ દિવસ પછી આવનારી દિવાળીની અમાસ તેટલી જ સ્વચ્છ અને કાળી ડિબાંગ લાગે છે. તેમાં ચમકતા તારા અમાસની નવી જ આભા ઉત્પન્ન કરે છે અને તેને દિવ્યતા અને ભવ્યતા અર્પે છે. આસો મહિનાની શરદપૂર્ણિમા અને દિવાળીની અમાસ કુદરતની બે બાજુઓને સ્પષ્ટ કરે છે આ વિરોધાભાસી હોવા છતાં તાર્કિક અને અર્થપૂર્ણ છે. શરદપૂર્ણિમાની રાતે દૂધ-પૌઆ ખાવાનો રિવાજ છે. દૂધ, ચાંદની રાત જેવું સફેદ, પૌઆ પણ સફેદ, તેમાં પડતી સાકર પણ સફેદ અને તેમાં પડતી ચાંદની પણ સફેદ આ બધું દૂધ-પૌઆને દૂધામૃત બનાવે છે.

બધી જ પૂર્ણિમાએ ચંદ્રના દર્શન કરો અને શરદપૂર્ણિમાએ ચંદ્રના દર્શન કરો, આપણને પોતાને જ તેની દિવ્યતાની ખબર પડશે. આપણું હૈયું પ્રકાશમય થયેલું જણાશે. શરદપૂર્ણિમાની સાંજે પૂર્વમાં ઉદય પામતા ચંદ્રને જોવાનો આનંદ તદ્ન અનેરો હોય છે. તે હકીકતમાં થોડો મોટો દેખાય છે. એક તો તે ક્ષિતિજ પાસે છે માટે મોટો દેખાય છે, બીજું તે પૃથ્વીની નજીક હોવાથી થોડો મોટો દેખાય છે અને પૃથ્વી સૂર્યની નજીક હોવાથી ચંદ્ર વધુ પ્રકાશમય અને થોડો મોટો દેખાય છે. કોઇ પણ પૂર્ણિમાએ ચંદ્ર પૂરી રાત સાંજથી સવાર સુધી આકાશમાં રહે છે. સૂર્ય પૃથ્વીનો આત્મા છે તો ચંદ્ર તેનું હૃદય છે. પૂર્ણિમાની રાતે કુદરતની નજાકત અને કરિશ્મા માણવાનો લ્હાવો લેવો જ જોઇએ તે મસ્તિસ્કને તરોતાજા કરે છે, અને મગજને દિવ્ય વિચારો કરવાની ક્ષમતા આપે છે.

આજના જમાનામાં કેટલાક યુવાનો શરદપૂર્ણિમાને આધ્યાત્મિક અને સાત્ત્વિક રીતે માણવાને બદલે મહાસાગર, પહાડો, નદીઓ પૃથ્વી પર પડતી ચાંદનીને નિરખવાને બદલે માદક પદાર્થ પીને અને ખાઇને છાકટા બનેલાં દેખાય છે. આ સમાજની અધોગતિ દેખાડે છે અને દિવ્યતામાં વિકૃતિ દેખાડે છે.

જૂના જમાનામાં કે થોડા દશકા પહેલાંની દેશની નવરાત્રિ કે શરદપૂર્ણિમાના રાસ-ગરબા જુઓ અને હાલની કોમર્શિયલ નવરાત્રિ કે શરદપૂર્ણિમાના રાસ જુઓ. હાલ શક્તિની ઉપાસના કરવાને બદલે તેની અવહેલના થતી દેખાય છે. માત્ર દૂષિત મનોરંજનની રાત્રિ દેખાય છે. નવરાત્રિના કે શરદપૂનમના રાસ-ગરબાનો હેતુ જ ખલાસ થઈ ગયો છે. આ કાર્ય થોડા ધંધાર્થીઓએ કર્યું છે અને ઉત્સવ બગાડી નાંખ્યો છે. શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસ રમવા શરદપૂર્ણિમાને પસંદ કરી તે ખૂબ જ બુદ્ધિમત્તાનું કાર્ય કર્યું છે. ગોપીઓને ઘરમાંથી બહાર કાઢી સ્ત્રી-સશક્તિકરણનો દાખલો બેસાડ્યો. શ્રીકૃષ્ણની રાસલીલા દ્વૈતમાંથી અદ્વૈતતાનું રહસ્ય સમજાવે છે. સ્ત્રી-પુરુષમાં કોઇ ભેદભાવ નથી. બધાં જ આત્મા છે. આ આત્મા અને પરમાત્માનું મિલન છે. આ બ્રહ્માંડમાં બધે જ રાસ-ગરબા ચાલે છે તે રાસ-લીલા કરી શ્રીકૃષ્ણ ભગવાને આપણને દર્શાવ્યું. દેવાધિ દેવ શંકર ભગવાને પણ તાંડવ નૃત્ય કરી નાદબ્રહ્મ, શબ્દબ્રહ્મ, નૃત્યબ્રહ્મનો આપણને અહેસાસ કરાવ્યો છે. ગ્રહો, સૂર્ય ફરતે રાસ લે છે, ઉપગ્રહો ગ્રહોની ફરતે રાસ લે છે, ઇલેક્ટ્રોન્સ અણુની નાભિ ફરતે રાસ લે છે. આપણે પણ એકબીજાની ફરતે રાસ જ લઇએ છીએ. આપણી જીભ મુખમાં રાસ લે છે, આપણે ચાલીએ છીએ, તે પણ એક રાસ જ છે. બ્રહ્માંડમાં બધે રાસ જ નજર આવે છે તે શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી આપણને દેખાડ્યું છે.

October 25, 2020
Balmandir-1280x1211.jpg
4min11960

તમારા સંતાનને કયા બાળમંદિરમાં પ્રવેશ અપાવશો? ડિટેઇલ ગાઇડન્સ માટે ક્લીક કરો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વખતે કોરોના પેન્ડેમિકને કારણે સ્કુલો બંધ છે નહીં તો દિવાળી પહેલા તો અનેક સ્કુલોમાં બાળમંદિર (પ્રીપ્રાઇમરી)માં પ્રવેશની કામગીરી પૂરી થઇ જતી હોય છે. બાળમંદિરોમાં પ્રવેશની કામગીરી સપ્ટેમ્બર માસમાં શરુ થઇ જાય છે અને ફેબ્રુઆરી સુધી ચાલતી હોય છે. જો આપનું સંતાન કે આપના પરિવારમાં કોઇ બાળકની વય 3 વર્ષની આસપાસ છે તો તમારા માટે આ આર્ટિકલ ઉપયોગી નિવડશે.

આટલા વિશાળ નેટવર્કમાંથી શું પસંદ કરશો

બાળમંદિરમાં પ્રવેશની દિશા બાળકના સમગ્ર શાળાકીય જીવનનો રસ્તો નક્કી કરતી હોય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા પ્રવેશાર્થીઓના વાલીઓએ એ નક્કી કરવું જોઇએ કે કયા માધ્યમમાં પ્રવેશ લેવો જોઇએ.

  • ગુજરાતી મિડીયમ ( મોટા ભાગની સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઇંગ્લિશ મિડીયમ (80 ટકા સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન, 20 ટકા અધરધેન ગુજરાત બોર્ડ)
  • ગ્લોબલ ગુજરાતી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • હિન્દી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • મરાઠી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઉર્દૂ મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)

કયા બોર્ડને પસંદ કરશો

સુરત શહેર જિલ્લાની વાત કરીએ તો

  • ગુજરાત બોર્ડ – 850 પ્લસ સરકારી-પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલો
  • સેન્ટ્રલ બોર્ડ – CBSE 46 સ્કુલ, તમામ પ્રાઇવેટ સ્કુલ ઉપરાંત 5 કેન્દ્રીય વિદ્યાલય સરકારી સ્કુલો
  • આઇ.સી.એસ.ઇ. – ICSE 02 સ્કુલ
  • આઇ.બી. બોર્ડ – IB 01 સ્કુલ
  • કેમ્બ્રિજ બોર્ડ – 01 સ્કુલ
  • એન.આઇ.ઓ.એસ. NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કોઇપણ સ્કુલે ગયા વગર ઘરે બેસીને અભ્યાસ. ધો.12 સુધી કોઇપણ પ્રવાહમાં ભણી શકાય. ધો.12 પછી મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, બીબીએ, સમેત કોઇપણ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મળી શકે. (તમામ પ્રવેશ પરીક્ષાઓમાં મેરીટના આધારે)

રેગ્યુલર સ્કુલ કે રેસિડેન્સિયલ

પ્રવેશાર્થીના માબાપ તથા પરિવારજનોએ એ બાબતને પણ નિયત કરવાની રહેશે કે તમારા સંતાનને રેગ્યુલર સ્કુલમાં પ્રવેશ અપાવવો છે કે રેસિડેન્સિયલ (નિવાસી) શાળામાં. છેલ્લા ત્રણેક વર્ષથી સમગ્ર ભારતમાં રેસિડેન્સિયલ કન્સેપ્ટ ધરાવતી સ્કુલો તરફ વાલીઓનો ઝોક વધ્યો છે. આવી સ્કુલોમાં ધો.5થી હોસ્ટેલ એકોમોડેશન પૂરું પાડવામાં આવે છે. સુરતમાં આવી પણ અનેક શાળાઓ આવેલી છે.

તમારા ક્રાઇટેરીયા નક્કી કરો

બાળમંદિર પ્રવેશાર્થીઓના વાલીઓએ પોતાના ક્રાઇટેરીયા અનુસાર સંસ્થાની પસંદગી કરવાની રહેતી હોય છે. દેખાદેખી કે સાંભળેલી વાતોને આધાર બનાવ્યા વગર તમારા પોતાના ક્રાઇટેરીયા અને સ્વયં તપાસ (રિયાલિટી ચેક)ના આધારે તમારા બાળકનું સ્કુલિંગ ડેસ્ટિનેશન નક્કી કરવું જોઇએ.

  • સૌથી પહેલો ક્રાઇટેરીયા એરીયા. તમારા રેસિડેન્સ વિસ્તારની સ્કુલમાં લેવું છે કે અન્ય વિસ્તારમાં, કેમકે બાળકે 15 વર્ષ, 5000થી વધુ દિવસો સુધી ત્યાં અપડાઉન કરવાનું હોય છે. એટલે સૌથી પહેલા નક્કી કરો કે કયા એરિયાની સ્કુલમાં અભ્યાસ કરાવવો બહેતર રહેશે.
  • બીજો ક્રાઇટેરીયા ફી. ફી માટે કહેવાય છે કે ખાંડ નાંખો એટલું ગળ્યું થાય. એમ જેટલી ફી વધુ તેટલું સારું એજ્યુકેશન મળી રહે. આ સૂત્ર બધે ઠેકાણે કામ નથી કરતું પણ 99 ટકા સ્કુલો પર લાગૂ પડે છે. ઉંચી ફી ધરાવતી સ્કુલોનું એજ્યુકેશન બાળકનો ઓવરઓલ વિકાસ કરે છે. મોંઘવારીના જમાનામાં સારા શિક્ષકોનો પગાર સંસ્થાઓને પરવડતો નથી હોતો.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માળખાગત સુવિધાઓ. આજે એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાળકના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી થઇ ગયું છે. લાઇબ્રેરી, લેબોરેટરીઓ અપડુડેટ હોવા સાથે પ્લેગ્રાઉન્ડ, ડિજિટલ લેબ્સ, ઓડીટોરીયમ, રોબોટિક્સ, મ્યુઝિક સ્ટુડીયો વગેરે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકોનો ગ્રોથ વધુ જોવાય છે.
  • એજ્યુકેશન. ત્રીજો ક્રાઇટેરીયા એજ્યુકેશન. સુરતના શાળાકીય શિક્ષણમાં જબરદસ્ત કોમ્પિટીશન જોવા મળે છે, તેનો ફાયદો વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્નેને મળે છે. ક્વોલિટી એજ્યુકેશન આપતી સંસ્થાઓના વિદ્યાર્થીઓનું જાહેર પરીક્ષાઓમાં પરફોર્મન્સ જ માપદંડ છે. એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વયં જાણી શકે છે કે એજ્યુકેશન વાઇઝ પરફોર્મન્સ જે તે શાળાઓનું કેવું રહે છે.

સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલયમાં પ્રવેશ કાર્યવાહી શરૂ

રાંદેર રોડ, અડાજણ વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલય તેમજ સ્વામીનારાયણ એચ.વી. એકેડેમીમાં પ્રીપ્રાઇમરી સેકશનમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. ઉપરોક્ત પોસ્ટરમાં તમામ વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. રસ ધરાવતા વાલીઓએ સત્વરે ન્યુ રાંદેર રોડ, સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાસંકુલ પર સંપર્ક કરવો.

ઉધના સ્થિત શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં પ્રવેશ કાર્વાહી શરૂ

25/10 થી શરૂ થઇ કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલની પ્રવેશ કામગીરી

ઉમરાની ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના એડમિશન તા.26/10/2020 થી

ભૂલકાવિહાર સ્કુલમાં પ્રવેશ કાર્યવાહી 26મી નવેમ્બરથી શરૂ થશે

ભૂલકા ભવનમાં 26 નવેમ્બરથી બાળમંદિરમાં પ્રવેશની કામગીરી

આપની સ્કુલમાં બાળમંદિરમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો અહીં સમાવવા અમને વ્હોટ્સએપ કરો 98253 44944

બાળમંદિરમાં પ્રવેશ અંગે પેરેન્ટ કાઉન્સેલિંગ, આપની એપોઇન્ટમેન્ટ અહીં બુક કરાવો 98253 44944

October 25, 2020
Dirty-Politics.jpg
1min5620

સમગ્ર વિશ્વમાં ભારતના રાજનીતિ કરનારાઓ ભારે બદનામ છે, કેમકે આવા રાજનીતિકોમાં ખેલદીલની ભાવના બિલકુલ જ નથી હોતી. જેનો તાદ્શ દાખલો હાલ ભારતની રાજનીતિમાં જોવા મળી રહ્યો છે. કોરોના સામે જીવન રક્ષક વેક્સિન હજુ તો બની નથી, તેનો સ્ટોક આવ્યો નથી અને એ પહેલા તેને મફતમાં આપવાની રાજનીતિ શરૂ થઇ છે. બિહારની ચૂંટણીનો મુદ્દો બનેલી વેક્સિન આવતા આવશે પણ રાજકીય નેતાઓ કોરોના વેક્સિનના નામે પોતાનો રોટલો શેકી લેવાની ફિરાકમાં છે.

કોરોના મહામારીથી બચવાનો એકમાત્ર વિકલ્પ કોરોના વેક્સીન ભારતમાં બને એ પહેલા જ ચૂંટણીનો મુદ્દો બની ગઇ છે. બીજેપી દ્વારા બિહારમાં સત્તામાં આવવા પર દરેક વ્યક્તિને ફ્રી કોરોના વેક્સીનની જાહેરાત બાદ બધા જ રાજકીય પક્ષોએ મુદ્દો ઉઠાવી લીધો છે. તેમના મત મુજબ દરેક રાજ્યને કેન્દ્ર તરફથી ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ. 

બિહારમાં ભાજપની ફ્રી વેક્સીનની જાહેરાત પછી મધ્ય પ્રદેશ અને તમિલનાડૂ જેવા રાજ્યોમાં પણ રાજકીય પક્ષો દ્વારા ફ્રી કોરોના વેક્સીનું એલાન કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ફ્રી કોરોના વેક્સીનનો મુદ્દો ઉઠાવી લીધો છે. તેમનુ કહેવુ છે કે સમગ્ર દેશમાં ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ, કારણ કે તે દેશનો અધિકાર છે.   

October 25, 2020
sarita-gaykwad.jpg
1min8140

ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્યન શ્રમજીવી પરિવારની 23 વર્ષિય આ આદિવાસી યુવતિને ડાંગ સહિત આસપાસના વિસ્તાનરમાં લોકો ડાંગની રાજધાનીના નામે ઓળખે છે. સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ-2018માં ભારત માટે 4 ×400 મીટર રીલેદોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેણીએ ગુજરાત સરકારના “બેટી બચાવો અભિયાન”ની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ઓસ્ટ્રેલિયા ખાતે 2018 કોમનવેલ્થ ગેમ્સ ખાતે સરિતા ગાયકવાડને 4 ×400 મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે સરિતા ગાયકવાડની પસંદગી કરવામાં આવી હતી છે. તેણી આ સાથે પ્રથમવાર ગુજરાત રાજ્યમાંથી કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી પ્રાપ્ત કરનાર ટ્રેક અને ફિલ્ડ પ્રથમ ખેલાડી બની હતી.

ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ‘ડાંગ એક્સપ્રેસ’ સરિતા ગાયકવાડને નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સી.વી. સોમે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની નીતિ મુજબ સરિતા ગાયકવાડને ડીવાયએસપી તરીકે સીધી નિમણૂક આપવામાં આવી છે જે એક ક્લાસ વન રેન્ક છે. તે આઈપીએસ તરીકે નામાંકન મેળવી શકશે અને એડીજીપી ક્રમ સુધી પહોંચી શકે છે. સરકાર તેમને પોલીસ અધિકારી તરીકે શ્રેષ્ઠ કારકિર્દીની શુભેચ્છા પાઠવે છે. રાજ્યના તમામ ખેલાડીઓ માટે આ એક મોટું પ્રોત્સાહન છે

આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સરિતા ગાયકવાડને ટ્વીટર પર શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે, ‘ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન’

October 25, 2020
dussehra-1603512636.jpg
1min10660

હિન્દુ કેલેન્ડર પ્રમાણે આસો મહિનાની દસમી તિથિ અને વિજય મુહૂર્તના સંયોગ પર વિજયાદશમીનું પર્વ મનાવવામાં આવે છે. આ વખતે હિન્દુ પંચાગ પ્રમાણે બે દશેરાનો યોગ છે. આ સંયોગની તારીખ વિશે મતમતાંતર પ્રવર્તે છે. જ્યોતિષીઓના મત અનુસાર 25 ઑક્ટોબરના રોજ દસમી તિથિ દરમિયાન દિવસે વિજય મુહૂર્તમાં શ્રી રામ, વનસ્પતિ અને શસ્ત્ર પૂજા કરવી જોઈએ. એ પછી મૂર્તિ વિસર્જન અને સાંજે રાવણ દહનની પરંપરા છે. વિજયાદશમીને જ્યોતિષશાસ્ત્રમાં વણજોયું મુહૂર્ત ગણવામાં આવ્યું છે. યાને કે આ દિવસે પ્રોપર્ટી, વાહનો કે અન્ય કોઈપણ પ્રકારની ખરીદી કરી શકાય છે.

હિન્દું પંચાંગ પ્રમાણે 25 ઑક્ટોબર, રવિવારના દિવસના શુભ મુહૂર્ત

  • બપોરે 1.30થી 2.50 સુધી (વિસર્જન અને ખરીદી મુહૂર્ત)
  • બપોરે 2.00થી 2.40 સુધી (ખરીદી, અપરાજિતા, શમી અને શસ્ત્ર પૂજા મુહૂર્ત)
  • બપોરે 3.45થી સાંજે 4.15 સુધી (વિસર્જન અને ખરીદી મુહૂર્ત)

ગરબા / મૂર્તિ વિસર્જનનાં મુહૂર્ત (26 ઑક્ટોબર, સોમવાર)

  • સવારે 6.30થી 8.35 સુધી
  • સવારે 10.35થી 11.30 સુધી

આ વખતે આજના દિવસે પૂજા, ખરીદી અને વિસર્જન માટે ત્રણ મુહૂર્ત છે. તેના પછીના દિવસે સૂર્યોદયના સમયે દસમી તિથિ હોવાને કારણે 26 ઑક્ટોબરના રોજ પણ મૂર્તિ વિસર્જન કરી શકાશે. આ દિવસે સવારે લગભગ 11-30 સુધી દસમી તિથિ હોવાને લીધે મૂર્તિ વિસર્જન માટે 2 મુહૂર્ત છે. આ વખતે દશેરા દેશના અમુક ભાગમાં 25મીએ તો અમુક જગ્યાઓએ 26 ઑક્ટોબરે મનાવવામાં આવી રહ્યા છે.