CIA ALERT
17. May 2024
October 25, 20201min733

શરદપૂર્ણિમા @ 360

Share On :
Print Friendly, PDF & Email

વર્ષમાં ૧૨ પૂર્ણિમા આવે, તેમાં કાર્તિક, પોષીપૂર્ણિમા, ફાગણ મહિનાની હુતાસનીની પૂર્ણિમા, ચૈત્રીપૂર્ણિમા, વૈશાખીપૂર્ણિમા, શ્રાવણની રક્ષાબંધનની પૂર્ણિમા અને શરદઋતુની શરદપૂર્ણિમા મોટી પૂર્ણિમાઓ છે.

શરદપૂર્ણિમા શરદસંપાત પછી આવે છે, જ્યારે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં થોડા જ દિવસ પહેલા પ્રવેશ્યો છે, તેમ છતાં આ વખતે સૂર્ય ખગોળીય વિષુવવૃત્તની નજીક હોય છે અને ચંદ્ર પણ ખગોળીય વિષુવવૃત્તની નજીક હોય છે. તેથી ક્ષિતિજ પર તે બંન્ને થોડા મોટા અને વધુ તેજસ્વી દેખાય છે. તેથી બધી જ પૂર્ણિમાઓમાં શરદપૂર્ણિમા મહારાણી ગણાય છે.

sharad purnima 2020 date and time sharad purnima date and time importance  puja vidhi and story hisd | Sharad Purnima 2020 Date And Time : शरद  पूर्णिमा 2020 में कब है, जानिए

ચોમાસા પછી પૂર્ણપણે સ્વચ્છ આકાશમાં ચંદ્ર પોતાની ચાંદની ફેલાવે છે. માટે આ પૂર્ણિમા વિશિષ્ટ બને છે. ચાંદીના ઢોળ જેવી ચાંદની પૃથ્વી પર પથરાય છે આ કારણે માનવીઓનાં હૈયા હિલોળે ચઢે છે. સાથે સાથે પૂર્ણિમા હોવાથી મહાસાગરોમાં પણ મોટી મોટી ભરતી આવે છે. સૂર્યથી પૃથ્વીનું અંતર વધારે હોતું નથી, અને પૃથ્વીથી ચંદ્રનું અંતર પણ વધારે હોતું નથી. તેથી ચંદ્ર ખૂબ જ પ્રકાશિત લાગે છે. ચોમાસુ ગયા પછી આકાશમાંના ઘણાખરા ધૂલિકણો વરસાદના પાણી સાથે પૃથ્વી પર આવી ગયા હોય છે. માટે આકાશ ક્રિસ્ટલ ક્લીઅર થઇ જાય છે, જેથી ચંદ્ર વધુ દેદીપ્યમાન લાગે છે.

શરદપૂર્ણિમાની બીજી એક વિશિષ્ટતા એ હોય છે કે ચોમાસુ સમાપ્તિના આરે હોવાથી વરસાદની રંગમાં ભંગ પડવાની શક્યતા બહુ ઓછી હોય છે અને હજુ શિયાળો બેઠો નથી હોતો, તેથી રાતે ઠંડીનો ચમકારો પણ હોતો નથી. ઑક્ટોબરના દિવસની ગરમી પછી રાત અતિ સુંદર અને ઠંડી હોય છે. ધીરે ધીરે પવનની લેરખીઓ આવે છે.

ખેતરોમાં પાક સારો થવાનો હોવાથી અને ઉપર દિવાળીનું પર્વ આવવાનું હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ વ્યાપેલો હોય છે પછી શિયાળો બેસવાનો હોવાથી શિયાળાના દિવસોમાં પૂર્ણિમા માણી શકાય તેમ હોતું નથી. આ બધા કારણોસર શરદપૂર્ણિમા વિશિષ્ટ પૂર્ણિમા બને છે, અને હિંદુ કૅલેન્ડર પ્રમાણે તે વર્ષની છેલ્લી પૂર્ણિમા હોય છે. જેમ શરદપૂર્ણિમાની રાત સ્વચ્છ અને ચાંદીના ઢોળે મઢેલી લાગે છે તેમ ૧૫ દિવસ પછી આવનારી દિવાળીની અમાસ તેટલી જ સ્વચ્છ અને કાળી ડિબાંગ લાગે છે. તેમાં ચમકતા તારા અમાસની નવી જ આભા ઉત્પન્ન કરે છે અને તેને દિવ્યતા અને ભવ્યતા અર્પે છે. આસો મહિનાની શરદપૂર્ણિમા અને દિવાળીની અમાસ કુદરતની બે બાજુઓને સ્પષ્ટ કરે છે આ વિરોધાભાસી હોવા છતાં તાર્કિક અને અર્થપૂર્ણ છે. શરદપૂર્ણિમાની રાતે દૂધ-પૌઆ ખાવાનો રિવાજ છે. દૂધ, ચાંદની રાત જેવું સફેદ, પૌઆ પણ સફેદ, તેમાં પડતી સાકર પણ સફેદ અને તેમાં પડતી ચાંદની પણ સફેદ આ બધું દૂધ-પૌઆને દૂધામૃત બનાવે છે.

બધી જ પૂર્ણિમાએ ચંદ્રના દર્શન કરો અને શરદપૂર્ણિમાએ ચંદ્રના દર્શન કરો, આપણને પોતાને જ તેની દિવ્યતાની ખબર પડશે. આપણું હૈયું પ્રકાશમય થયેલું જણાશે. શરદપૂર્ણિમાની સાંજે પૂર્વમાં ઉદય પામતા ચંદ્રને જોવાનો આનંદ તદ્ન અનેરો હોય છે. તે હકીકતમાં થોડો મોટો દેખાય છે. એક તો તે ક્ષિતિજ પાસે છે માટે મોટો દેખાય છે, બીજું તે પૃથ્વીની નજીક હોવાથી થોડો મોટો દેખાય છે અને પૃથ્વી સૂર્યની નજીક હોવાથી ચંદ્ર વધુ પ્રકાશમય અને થોડો મોટો દેખાય છે. કોઇ પણ પૂર્ણિમાએ ચંદ્ર પૂરી રાત સાંજથી સવાર સુધી આકાશમાં રહે છે. સૂર્ય પૃથ્વીનો આત્મા છે તો ચંદ્ર તેનું હૃદય છે. પૂર્ણિમાની રાતે કુદરતની નજાકત અને કરિશ્મા માણવાનો લ્હાવો લેવો જ જોઇએ તે મસ્તિસ્કને તરોતાજા કરે છે, અને મગજને દિવ્ય વિચારો કરવાની ક્ષમતા આપે છે.

આજના જમાનામાં કેટલાક યુવાનો શરદપૂર્ણિમાને આધ્યાત્મિક અને સાત્ત્વિક રીતે માણવાને બદલે મહાસાગર, પહાડો, નદીઓ પૃથ્વી પર પડતી ચાંદનીને નિરખવાને બદલે માદક પદાર્થ પીને અને ખાઇને છાકટા બનેલાં દેખાય છે. આ સમાજની અધોગતિ દેખાડે છે અને દિવ્યતામાં વિકૃતિ દેખાડે છે.

જૂના જમાનામાં કે થોડા દશકા પહેલાંની દેશની નવરાત્રિ કે શરદપૂર્ણિમાના રાસ-ગરબા જુઓ અને હાલની કોમર્શિયલ નવરાત્રિ કે શરદપૂર્ણિમાના રાસ જુઓ. હાલ શક્તિની ઉપાસના કરવાને બદલે તેની અવહેલના થતી દેખાય છે. માત્ર દૂષિત મનોરંજનની રાત્રિ દેખાય છે. નવરાત્રિના કે શરદપૂનમના રાસ-ગરબાનો હેતુ જ ખલાસ થઈ ગયો છે. આ કાર્ય થોડા ધંધાર્થીઓએ કર્યું છે અને ઉત્સવ બગાડી નાંખ્યો છે. શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસ રમવા શરદપૂર્ણિમાને પસંદ કરી તે ખૂબ જ બુદ્ધિમત્તાનું કાર્ય કર્યું છે. ગોપીઓને ઘરમાંથી બહાર કાઢી સ્ત્રી-સશક્તિકરણનો દાખલો બેસાડ્યો. શ્રીકૃષ્ણની રાસલીલા દ્વૈતમાંથી અદ્વૈતતાનું રહસ્ય સમજાવે છે. સ્ત્રી-પુરુષમાં કોઇ ભેદભાવ નથી. બધાં જ આત્મા છે. આ આત્મા અને પરમાત્માનું મિલન છે. આ બ્રહ્માંડમાં બધે જ રાસ-ગરબા ચાલે છે તે રાસ-લીલા કરી શ્રીકૃષ્ણ ભગવાને આપણને દર્શાવ્યું. દેવાધિ દેવ શંકર ભગવાને પણ તાંડવ નૃત્ય કરી નાદબ્રહ્મ, શબ્દબ્રહ્મ, નૃત્યબ્રહ્મનો આપણને અહેસાસ કરાવ્યો છે. ગ્રહો, સૂર્ય ફરતે રાસ લે છે, ઉપગ્રહો ગ્રહોની ફરતે રાસ લે છે, ઇલેક્ટ્રોન્સ અણુની નાભિ ફરતે રાસ લે છે. આપણે પણ એકબીજાની ફરતે રાસ જ લઇએ છીએ. આપણી જીભ મુખમાં રાસ લે છે, આપણે ચાલીએ છીએ, તે પણ એક રાસ જ છે. બ્રહ્માંડમાં બધે રાસ જ નજર આવે છે તે શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી આપણને દેખાડ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :