CIA ALERT

varachhabank Archives - CIA Live

July 13, 2026
Cia_business_news-1280x936.jpg
1min26
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફ્લડ લોન યોજનાનું લોકાર્પણ
  • પૂર અને પાણી ભરાવા સામે રક્ષણ આપતી વિશેષ વીમા યોજના પણ શરૂ

સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત બનેલા વેપારીઓ, ઉદ્યોગકારો અને નાગરિકોને આર્થિક રાહત પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્યની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ સહકારી બેંક – ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત દ્વારા માત્ર 9% વ્યાજદરે રૂ|. 5 લાખ સુધીની વિશેષ “ફ્લડ લોન” યોજના જાહેર કરવામાં આવી છે. આ સાથે પૂર અને પાણી ભરાવાના કારણે વેપારીઓના માલસામાન, સ્ટોક અને મિલકતને થતા નુકસાન સામે રક્ષણ આપતી વિશેષ ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ બંને લોકહિતકારી યોજનાઓનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે યુદ્ધના ધોરણે પૂર્ણ કરી અસરગ્રસ્તોને ઝડપથી રાહત પહોંચાડવા પ્રતિબદ્ધ છે. કુદરતી આફતના સમયમાં સરકાર હંમેશા લોકોની પડખે ઊભી રહે છે અને જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોની સાથે વરાછા બેંકે પણ સામાજિક જવાબદારી નિભાવી પૂરગ્રસ્તોને તાત્કાલિક આર્થિક સહાય મળે તે માટે વિશેષ ફ્લડ લોન યોજના અને ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના શરૂ કરી છે, જે અત્યંત પ્રશંસનીય અને સમયોચિત પહેલ છે. તેમણે બેંકના ચેરમેનશ્રી નરેન્દ્ર કુકડીયા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સમગ્ર મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પૂરગ્રસ્ત પરિવારોને ઝડપથી સહાય પહોંચાડવા માટે સતત કાર્યરત છે અને વરાછા બેંક દ્વારા કરવામાં આવેલી આ લોકહિતકારી પહેલ સમાજ માટે પ્રેરણાદાયી છે.

બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ફ્લડ લોન યોજના હેઠળ અસરગ્રસ્તોને રૂ. 5 લાખ સુધીની લોન માત્ર 9 % વ્યાજદરે અને 60 મહિનાની સરળ ચુકવણી મુદત સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. લોનની મંજૂરી ઝડપથી મળી રહે તે માટે વરાછા બેંકની મુખ્ય કચેરી ખાતે વિશેષ Dedicated Flood Assistance Counter શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં અરજદારોને માર્ગદર્શન તથા જરૂરી સહાય ત્વરિત ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત, ભવિષ્યમાં પૂર અને પાણી ભરાવાની પરિસ્થિતિમાં વેપારીઓના સ્ટોક, ગોડાઉન, દુકાન તથા અન્ય વ્યવસાયિક મિલકતને થતા નુકસાન સામે આર્થિક રક્ષણ મળે તે માટે વિશેષ ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોને બેંકની શાખાઓ મારફતે જ બેંકિંગ તથા વીમા – બંને સેવાઓનો લાભ એક જ સ્થળે મળશે.

ચેરમેનશ્રી નરેન્દ્ર કુકડીયાના નેતૃત્વ હેઠળ વરાછા બેંકે પૂરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓને ઝડપથી આર્થિક સહાય ઉપલબ્ધ કરાવી સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા સુરતમાં ખાડીપૂરના કાયમી ઉકેલ માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશડોલ સહાય ચૂકવવાની કામગીરી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વરાછા બેંકની ફ્લડ લોન યોજના વેપારીઓ અને નાગરિકોને ફરી આર્થિક રીતે સશક્ત બનવામાં મહત્વપૂર્ણ સહાયક બનશે.

આ યોજના અંગે વધુ માહિતી માટે ગ્રાહકો સુરત, નવસારી, અંકલેશ્વર, અમદાવાદ તથા રાજકોટ ખાતે આવેલી વરાછા બેંકની કોઈપણ શાખાનો સંપર્ક કરી શકશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, સામાજિક અગ્રણી શ્રી દિનેશભાઈ નાવડીયા, ઉદ્યોગપતિ શ્રી જયંતીભાઈ એકલારા, સામાજિક અગ્રણી શ્રી મુકેશ પટેલ, બેંકના તમામ ડિરેક્ટર્સશ્રીઓ, જનરલ મેનેજર શ્રી વિઠ્ઠલ ધાનાણી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એજીએમ શ્રી શૈલેષભાઈ ભૂત દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ડિરેક્ટર શ્રી વલ્લભભાઈ ચોથાણી દ્વારા કરવામાં આવી હતી.