CIA ALERT

Metro Trial Run at Surat Archives - CIA Live

March 30, 2026
image-13.png
1min48

ભારતમાં સતત મેટ્રો સેવાનો વ્યાપ વધી રહ્યો છે, ગુજરાતમાં અમદાવાદ બાદ હવે ગાંધીનગર પણ મેટ્રો સેવાથી જોડાઈ ગયું છે. ત્યારે હવે મેટ્રો સેવા રાજ્યના ડાયમંડ સિટીમાં પણ મેટ્રો સેવાના પગરણ મંડાયા છે. સુરત શહેરના ડ્રીમ સિટી અને અલથાણ ટેનામેન્ટ સ્ટેશનો વચ્ચેના 8.5 કિમી લાંબા એલિવેટેડ વાયડક્ટનું કામ પૂર્ણ થતા આ રૂટ પર મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડ્રીમ સિટી અને અલથાણ ટેનામેન્ટ સ્ટેશનો વચ્ચેના 8.5 કિમી લાંબા એલિવેટેડ વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ રૂટ પર મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન પણ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યા છે, જે શહેરના પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.

મેટ્રો અધિકારીઓના જણાવ્યા મુજબ, સિસ્ટમ ટેસ્ટિંગના ભાગરૂપે આ રૂટ પર અંદાજે 500 કલાક સુધી ટ્રાયલ ઓપરેશન ચલાવવામાં આવશે. આ કોરિડોર પર ટ્રેક બિછાવવાનું કામ અને ટ્રેક્શન પાવર માટે જરૂરી ‘થર્ડ રેલ સિસ્ટમ’ ઇન્સ્ટોલ કરવાનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ રૂટ પર આવેલા તમામ સાત સ્ટેશનોનું માળખાકીય કામ પૂરું થઈ ગયું છે, જ્યારે હાલમાં એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સહિતની અન્ય ફિનિશિંગ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

હવે પછીના તબક્કામાં રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) અને કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી (CMRS) દ્વારા સુરક્ષા અને કામગીરીની સજ્જતાની કડક તપાસ કરવામાં આવશે. આ સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ, આ કોરિડોરને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.