GJEPC Surat Archives - CIA Live

July 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min45

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી બે નિકાસકારો કરશે પ્રથમ શિપમેન્ટ; કસ્ટમ્સ અધિકારીઓની હાજરીમાં થશે પ્રસ્થાન

ભારત અને બ્રિટન વચ્ચે આવતીકાલે, તા. 15 જુલાઈથી અમલમાં આવનારા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)નો લાભ લેતી સુરતમાંથી હીરા અને ઝવેરાતની પ્રથમ નિકાસ કરવામાં આવશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના સંકલન હેઠળ શહેરના બે નિકાસકારો બ્રિટન માટે હીરા-ઝવેરાતની પ્રથમ ડ્યૂટી-ફ્રી શિપમેન્ટ રવાના કરશે.

આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અને ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ હેઠળ થનારી પ્રથમ નિકાસ પ્રક્રિયાના સાક્ષી બનશે. સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આ પ્રસંગને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભારત-બ્રિટન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટથી બ્રિટિશ બજારમાં ભારતીય હીરા અને ઝવેરાતને વધુ સ્પર્ધાત્મક સ્થાન મળશે. આયાત શુલ્કમાં મળનારી રાહતને કારણે ભારતીય નિકાસકારોને ભાવની દૃષ્ટિએ લાભ મળશે, જેના પરિણામે નિકાસમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત વિશ્વનું અગ્રણી હીરા કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર છે. શહેરમાંથી દર વર્ષે મોટી માત્રામાં હીરા અને જ્વેલરીની નિકાસ થાય છે. નવી વેપાર સંધિ અમલમાં આવતા સુરતના નિકાસકારોને બ્રિટનના બજારમાં વધુ તકો મળશે અને લાંબા ગાળે નિકાસ તેમજ રોજગારી બંનેમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પ્રસંગને ધ્યાનમાં રાખીને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ શિપમેન્ટને પ્રતીકાત્મક રીતે રવાના કરવામાં આવશે. ઉદ્યોગજગતની નજર હવે એ તરફ છે કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના અમલ બાદ બ્રિટન તરફની હીરા અને ઝવેરાતની નિકાસમાં કેટલો વધારો નોંધાય છે.

March 12, 2023
Cia_business_news-1280x936.jpg
1min426

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, પ્રાદેશિક કાર્યાલય સુરત દ્વારા ઇન્ડિયા ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ, વેસુ કેમ્પસ ખાતે એક્સપોર્ટ (નિકાસ) કોર્સની શરૂ કરવામાં આવેલા બીજા બેચને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે. કુલ 25 ઉદ્યોગકારોની ક્ષમતા સામે 90 જેટલા ઉદ્યોગકારોએ નિકાસની સમગ્ર પ્રક્રિયા શીખવાડતા કોર્સમાં જોડાવા માટે એનરલોમેન્ટ કરાવ્યું છે.

જીજેઇપીસી સુરત સંચાલિત એક્ષ્પોર્ટ પ્રોસેસ કોર્સમાં નિકાસ કરવા માટેની તમામ માહિતી, ડોક્યુમેન્ટેશન, પ્રક્રિયા વગેરેની જાણકારી આપવામાં આવે છે. આ કોર્સ ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે. નિકાસ કરવા પહેલા માર્કેટ સરવે, માર્કેટ રિસર્ચ, એક્ષ્પોર્ટ માર્કેટિંગ, દસ્તાવેજીકરણ, નીતિ અને લોજિસ્ટિક્સ સંબંધિત જ્ઞાન વહેંચવામાં આવશે. આ કોર્સ 25 ની મર્યાદિત બેઠકો માટે શરૂ કરવામાં આવ્યો હતો, જો કે GJEPC ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને કુલ 90+ સભ્યોએ કોર્સમાં તેમની નોંધણી કરાવી છે.

February 4, 2023
gjepc-symbol.jpeg
1min441

જીજેઇપીસી દ્વારા આગામી એપ્રિલમાં સુરતમાં ઇન્ટરનેશનલ બાયર્સ-સેલર્સ મીટ યોજાશે

નાણાં મંત્રી નિર્મલા સીતારમને યુનિયન બજેટમાં લેબગ્રોન ડાયમંડના વિકાસ અંગેનો કોલ આપતા જ સમગ્ર ભારતમાં લેબગ્રોન ડાયમંડના સૌથી મોટા ઉત્પાદક સુરતમાં લેબગ્રોન ડાયમંડ્સની ગતિવિધિઓ તેજ બની ગઇ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સુરત સ્થિત રિજિયોનલ ઓફિસ દ્વારા સુરતમાં આગામી તા.4 અને 5 એપ્રિલે લેબગ્રોન ડાયમંડના ટ્રેડિંગ માટે ઇન્ટરનેશનલ બાયર્સ એન્ડ સેલર્સ મીટનું આયોજન કર્યું છે.

વધુ માહિતી આપતા જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકીયા, દિનેશ નાવડીયા, ગ્રીન લેબ્સના સ્મીત પટેલ, લેબગ્રોન એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણી, જયંતિ સાવલિયા અને રજત વાણીએ જણાવ્યું હતું કે સુરતમાં સમગ્ર ભારતના સૌથી વધુ કુત્રિમ હીરા, લેબગ્રોન ડાયમંડ (સીવીડી)નું ઉત્પાદન થાય છે. મહિને સુરતમાં પાંચ લાખ કેરેટ જેટલા જંગી પ્રમાણમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થઇ રહ્યું છે. લેબગ્રોન ડાયમંડ એફોર્ડેબલ ડાયમંડ ગણાય છે અને સમગ્ર વિશ્વમાં તેની માગ વધી છે આથી જીજેઇપીસી દ્વારા આગામી તા.4 અને 5 એપ્રિલે સુરતમાં લેબગ્રોન ઇન્ટરનેશનલ બાયર્સ એન્ડ સેલર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાયર્સ સેલર્સ મીટમાં હીરા વેચનારા તમામ સુરતના જ ઉત્પાદકો હશે જ્યારે ખરીદારોમાં 50 ટકા ખરીદારો ઓસ્ટ્રેલિયા, અમેરીકા, યુરોપ, મિડલ ઇસ્ટ જેવા દેશોમાંથી ખાસ સુરત તેડાવાશે. જ્યારે 50 ટકા ખરીદારો ભારતના જુદા જુદા શહેરોમાંથી સુરત આવશે અને તેમની સામે સુરતમાં જ ઉત્પાદિત થયેલા લેબગ્રોન ડાયમંડનું વ્યૂઇંગ થશે.

વધુમાં લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો ઇચ્છે તો હાલમાં તેઓ બાયર્સ સેલર્સ મીટમાં પોતાનું રજિસ્ટ્રેશન જીજેઇપીસીમાં કરાવી શકે છે.

જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન વિજય માગુકીયાએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં લેબગ્રોન ડાયમંડસના ટ્રેડિંગ માટે સૌથી પ્રથમ વખત ઇન્ટરનેશનલ બાયર્સ સેલર્સ મીટ યોજાઇ રહી છે અને એ સુરત શહેરમાં યોજાઇ રહી છે. આ માટે હાલમાં ઘનિષ્ઠ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. વિદેશથી આવતા ખરીદારોને સુરતમાં બનેલા સારામાં સારા લેબગ્રોન રફ ડાયમંડ્સનો માલ જોવા અને ખરીદવા મળે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

January 30, 2023
vijay-mangukiya.jpeg
1min479

Reported on 30 January 2023

GJEPCના રિજિયોનલ કાઉન્સિલ ચેરમેન વિજય માંગુકીયાએ જણાવ્યું છે કે કાઉન્સિલ દ્વારા આજે તા.30 અને આવતીકાલ તા. 31મી જાન્યુઆરીના રોજ e-Commerce એક્સપોર્ટ કરવા માટેના લોજિસ્ટિક્સ પાર્ટનર સાથે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સ્થિત જીજેઇપીસીની રિજિયોનલ કચેરીએ આજે ઇતિહાસ રચતા એક જ દિવસમાં 50 નવા નિકાસકારો એસ્ટાબ્લિશ કર્યા છે, જેઓ અત્યાર સુધી પાર્સલની જેમ માલ વિદેશોમાં પોતાના ગ્રાહકોને મોકલતા હતા હવે તેઓ નિકાસકારની હેસિયતથી પોતાના ગ્રાહકોને ટૂંકસમયમાં જ કાયદેસર રીતે માલ ઘરે બેઠા મોકલી શકશે. જો તેઓ શીપમેક્સ કંપની પાસેથી ફાસ્ટ સર્વિસ લેશે તો પાંચ દિવસમાં વિદેશમાં ગમે ત્યા અને સ્લો સર્વિસમાં 9માં દિવસે વિશ્વમાં ગમે તે દેશમાં પોતાના ગ્રાહકના ઘરે બેઠા માલ પહોંચાડી શકશે. આ સેવામાં હાલ 12થી 18 દિવસનો સમય નીકળી જતો હતો.

જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માં સુરત અને ગુજરાત વર્ષોથી અગ્રેસર છે, હાલ માં સુરત માં લેબ ગ્રોન ડાયમંડ તેમજ ડાયમંડ સ્ટડેડ જ્વેલરી નું મેન્યુફેક્ચરિંગ પણ હરણફાળ ભરી રહેલ છે. નવીપેઢી ના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ eCommerce ના મધ્યમ થી સીધો વિદેશ વ્યાપાર વધારવા સક્ષમ છે પરંતુ પાછલા ઘણા સમય થી eCommerce દ્વારા વેચતા નાના પર્સલ્સ નું સીધું એક્સપોર્ટ કરવા માટે કોઈ પર્યાય મોજૂદ નહોતો, જેને કારણે જ્વેલરી ના મેન્યુફેક્ચર્સ સીધું એક્સપોર્ટ કરી નહોતા શકતા. ગુજરાત ના રીજઓનલ ચેરમેન શ્રી વિજય માંગુકિયા એ આ બીડું ઝડપ્યું અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ના મધ્યમ થી Shypmax નામક લોજિસ્ટિક્સ પાર્ટનર સાથે વાટાઘાટ કરીને જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી સ્પેસિફિક સેર્વિસેસ ચાલુ કરવવા માંગ કરી હતી, અને એમને આ ઈન્ડસ્ટ્રી માં રહેલ પોટેન્શિયલ વિષે જાણ કરી હતી. શ્રી માંગુકિયા ના અવિરત પ્રયાસો થી આ સંસ્થાએ પોતાની સેવાઓ ગુજરાતના જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે ખુલ્લી મૂકવાના પ્રસ્તાવ નો સ્વીકાર કર્યો.

આ વિષય પર GJEPC દ્વારા 8 દિવસ અગાઉ એક વેબીનાર કરવામાં આવ્યો હતો જેમાં 500 થી વધુ એક્સપોર્ટર્સ જોડાય હતા અને એમાં થી જે મેમ્બર્સ રીટેલ કે eCommerce એક્સ્પોર્ટ નું કામ હાલ શરૂ કરવા માંગતા હોય એમને સહાય કરવા હેતુ થી GJEPC ઓફિસ માં જ Shypmax ના અધિકારીઓને આમંત્રણ આપી બધા મેમ્બર્સ ની ઓનબોર્ડ રજીસ્ટ્રેશન ની કામગિરિ હાથ ધરવામાં આવી હતી.

તે સિવાય eCommerce દ્વારા થતાં એક્સપોર્ટ પછી બેકિંગ સોલુશન અપાય તે માટે ICICI બઁક ના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

GJEPC ના ગુજરાત રીજઓનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયા એ જણાવ્યુ હતું કે “જ્યારથી મે GJEPC નું ગુજરાત રીજઓનલ ચેરમેન પદ સંભાળ્યું, તે દિવસથી મારો એક જ ઉદેશ્ય છે કે GJEPC દ્વારા થતી દરેક એક્ટિવિટી રિજલ્ટ ઓરિએંટેડ એટ્લે કે પરિણામ લક્ષી હોય, આજે એક જ દિવસ માં 50 નોન-એક્સ્પોર્ટર ભાઈઓ એક્સપોર્ટ કરવાની અંતિમ પડાવ પાર કરી ચૂક્યા છે, જે માત્ર સુરત જ નહીં પરંતુ આખા ભારતના GJEPC ના ઇતિહાસ નો મોટો દિવસ ગણી શકાય. અને મને ખુશી છે કે હું અને અમારી GJEPC ની ટિમ આ ઐતિહાસિક દિવસના માંધ્યમ બન્યા છે. આવનાર સમયમાં પણ મારૂ લક્ષ્ય એ જ રહેશે કે કઈ રીતે વધુ ને વધુ પરિણામ લક્ષી કર્યો કરી ને આવનાર 5 વર્ષ માં સુરતનું એક્સપોર્ટ મુંબઈ કરતાં પણ વધુ થાય.”

November 24, 2022
Cia_business_news-1280x936.jpg
1min471

ગુજરાતમાં હાલ અમલી બનેલી વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે રાજ્યમાં હીરા ઝવેરાત ક્ષેત્રના જુદા જુદા સ્ટેક હોલ્ડર્સ પોતાના કિંમતી માલસામાનની હેરફેરમાં ભારે સમસ્યા અનુભવી રહ્યા છે. કેટલાક ઝવેરીઓનો કરોડો રૂપિયાના દાગીના સીઝ થયાના પણ બનાવો બન્યા છે. આવી સ્થિતિમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ની રિજિયોનલ કચેરી, સુરતના ચેરમેન વિજય માગુકીયાની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળે તા.23મી નવેમ્બરે સાંજે સુરત કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી આયુષ ઑકને મળીને આ મુદ્દા પર ક્લેરિટી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે સ્પષ્ટતા માગી હતી.

હજુ ચૂંટણીની આચારસંહિતા તા.8મી ડિસેમ્બર 2022 સુધી લાગૂ થવાની હોઇ, હવે પછીના દિવસોમાં હીરા ઝવેરાત ક્ષેત્રના વેપારીઓ, સ્ટેક હોલ્ડર્સ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાના હીરા ઝવેરાત, દાગીનાની હેરફેર કરશે તો તેમને કોઇ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

જીજેઇપીસીના ચેરમેન વિજય માંગુકીયા, જીજેઇપીસીના ડે.ડાયરેક્ટર રજતભાઇ, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ જયંતિ સાવલિયા સહિતના મહાનુભાવોએ મુખ્ય ચૂંટણી અધિકારી એવા જિલ્લા કલેક્ટર આયુષ ઑકને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી.

શ્રી ઓકે GJEPC ના પ્રો-એક્ટિવ અભિગમની પ્રશંસા કરી અને એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલી બનાવવાની ખાતરી આપી હતી. હીરા ઝવેરાત ઉદ્યોગ સાથે સંકળાયાલા સ્ટેક હોલ્ડર્સ જો એ એસ.ઓ.પી.ની પ્રક્રિયાનો અમલ કરશે તો તેમને તથા GJEPC સુરત ઑફિસ મેમ્બર્સને કિંમતી માલસામાનની હેરફેર બેરોકટોક પણે કરી શકશે.

તદુપરાંત જિલ્લા કલેક્ટરે હીરા ઝવેરાત ક્ષેત્રના પ્રતિનિધિમંડળને એવી પણ ખાતરી આપી હતી કે અત્યાર સુધી ઝવેરીઓના જે સમાન સીઝ કરાયો છે, એ નિયમાનુસાર પ્રક્રિયા બાદ બે દિવસમાં રિલિઝ પણ કરવામં આવશે.

GJEPC સુરત ઑફિસ SOP પર વેબિનારનું આયોજન કરશે અને SOP ને તમામ GJEPC મેમ્બર અને અગ્રણી એસોસિએશનને સરક્યુલેટ કરશે, જે એકવાર સુરતના કલેક્ટરની ઑફિસમાંથી પ્રાપ્ત થશે.