FTA between India and UK Archives - CIA Live

July 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min21

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી બે નિકાસકારો કરશે પ્રથમ શિપમેન્ટ; કસ્ટમ્સ અધિકારીઓની હાજરીમાં થશે પ્રસ્થાન

ભારત અને બ્રિટન વચ્ચે આવતીકાલે, તા. 15 જુલાઈથી અમલમાં આવનારા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)નો લાભ લેતી સુરતમાંથી હીરા અને ઝવેરાતની પ્રથમ નિકાસ કરવામાં આવશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના સંકલન હેઠળ શહેરના બે નિકાસકારો બ્રિટન માટે હીરા-ઝવેરાતની પ્રથમ ડ્યૂટી-ફ્રી શિપમેન્ટ રવાના કરશે.

આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અને ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ હેઠળ થનારી પ્રથમ નિકાસ પ્રક્રિયાના સાક્ષી બનશે. સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આ પ્રસંગને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભારત-બ્રિટન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટથી બ્રિટિશ બજારમાં ભારતીય હીરા અને ઝવેરાતને વધુ સ્પર્ધાત્મક સ્થાન મળશે. આયાત શુલ્કમાં મળનારી રાહતને કારણે ભારતીય નિકાસકારોને ભાવની દૃષ્ટિએ લાભ મળશે, જેના પરિણામે નિકાસમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત વિશ્વનું અગ્રણી હીરા કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર છે. શહેરમાંથી દર વર્ષે મોટી માત્રામાં હીરા અને જ્વેલરીની નિકાસ થાય છે. નવી વેપાર સંધિ અમલમાં આવતા સુરતના નિકાસકારોને બ્રિટનના બજારમાં વધુ તકો મળશે અને લાંબા ગાળે નિકાસ તેમજ રોજગારી બંનેમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પ્રસંગને ધ્યાનમાં રાખીને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ શિપમેન્ટને પ્રતીકાત્મક રીતે રવાના કરવામાં આવશે. ઉદ્યોગજગતની નજર હવે એ તરફ છે કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના અમલ બાદ બ્રિટન તરફની હીરા અને ઝવેરાતની નિકાસમાં કેટલો વધારો નોંધાય છે.