CIA ALERT
27. April 2024

Draupadi Murmu Archives - CIA Live

June 22, 2022
draupadi_murmu.jpg
1min291

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ પછી હવે ભાજપના નેતૃત્વમાં એનડીએએ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી માટે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હશે. સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂના નામ પર સંમતી સધાઈ હતી.

ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. આ વખતે પૂર્વીય ભારતમાંથી કોઈને તક આપવા અંગે સંસદીય બોર્ડમાં સહમતી બની હતી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે દેશને હજી સુધી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. એવામાં બેઠક પછી દ્રૌપદી મુર્મૂના નામ પર બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી. 

મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી જશે તો ભારતના ઈતિહાસમાં તેઓ પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત તેઓ ચૂંટણી જીતી જાય તો પ્રતિભા પાટિલ પછી દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પહેલા મહિલા ગવર્નર હતા. તેઓ ઓડિશાનાં પહેલા એવા મહિલા આદિવાસી નેતા છે, જેમને કોઈ રાજ્યમાં ગવર્નર બનાવાયા હોય અને તેમણે કાર્યકાળ પૂરો કર્યો હતો.

દ્રૌપદી મુર્મૂનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. તેઓ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારમાં પેદા થયાં હતા. તેમણે રૈરંગપુરના શ્રી અરબિંદો ઈન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં પગાર વિના જ શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેમણે રાજકીય કારકિર્દી રૈરંગપુર એનએસીના વાઈસ ચેરમેન તરીકે શરૃ કરી હતી. તેમને ઓડિશા વિધાનસભામાં ૨૦૦૭માં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ભાજપ સમર્થિત એનડીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના ઈલેક્ટોરલ કોલેજમાં ૪૮ ટકાથી વધુ વોટ શૅર ધરાવે છે અને તેના ઉમેદવારને વિપક્ષના ઉમેદવાર કરતાં સ્પષ્ટ લાભ મળશે. નવી દિલ્હીમાં મંગળવારે મોડી સાંજે વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ૨૦ જેટલા નામોની ચર્ચા થઈ હતી.

વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મેદાનમાં ઉતારતા ૧૮મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાશે. મતગણતરી ૨૧મી જુલાઈએ થશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૨૯ જૂન છે.