
જે જિલ્લાઓમાં કેસ વધ્યા છે અને જ્યાં વેક્સિનનેશન ધીમી ગતિએ થઈ રહ્યું છે ત્યાં વધુ રસીકરણ કરાવવાની વ્યૂહ રચના તૈયાર કરવા કેન્દ્ર સરકારે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે.
પહેલી એપ્રિલથી દેશના ૪૫થી વધુ વયના તમામ લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરતા અગાઉ કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી હતી અને કોરોનાના નવા વધુ કેસ ન નોંધાય તે માટે જરૂરી પગલાં લેવાં જણાવ્યું હતું.
નેશનલ હૅલ્થ ઑથોરિટી (એનએચએ)ના સીઈઓ અને ઍમ્પાવર્ડ ગ્રુપ ઑન વૅક્સિનેશનના અધ્યક્ષ ડૉ. આર. એસ. શર્મા અને કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ ઉચ્ચ સ્તરીય બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
આ બેઠકમાં આરોગ્ય સચિવ, એનએચએમના મિશન ડિરેક્ટર અને તમામ રાજ્ય તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશના ઈમ્યુનાઈઝેશન ઑફિસરોએ હાજરી આપી હતી.
વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે યોજવામાં આવેલી આ બેઠકમાં વૅક્સિનેશન ઝુંબેશની ઝડપ અને હાલની સ્થિતિ તેમ જ પહેલી એપ્રિલથી શરૂ કરવામાં આવનારી રસીકરણની ઝુંબેશની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.
ખાનગી કોવિડ વૅક્સિનેશન સેન્ટરની ક્ષમતાના યોગ્ય ઉપયોગની નિયમિતપણે સમીક્ષા કરવાનું પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવી દેવામાં આવ્યું છે.
વૅક્સિનના જથ્થાની નિયમિત રીતે સમીક્ષા કરવાનું તેમ જ વૅક્સિનની અછતને કારણે વૅક્સિનેશનમાં કાપ મુકવાની ફરજ ન પડે તેની કાળજી રાખવાનું, વૅક્સિનનો વૅસ્ટેજ દર એક ટકાથી ઓછો રહે તેનું ધ્યાન રાખવાનું તેમ જ વૅક્સિનની મુદત પૂરી થઈ જાય તે અગાઉ સમયસર તેનો ઉપયોગ કરવાની કાળજી લેવાનું પણ તેમને જણાવવામાં આવ્યું છે.











