
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં રૂ.2 હજારના દરની નોટને ચલણમાંથી પરત ખેંચી લેવાના આશય સાથે આ નોટના વ્યવહારુ ઉપયોગ માટે આપેલી કટઓફ ડેટ આવતીકાલ તા.30મી સપ્ટેમ્બર છે. છેલ્લા છ મહિનામાં દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો બેંકોમાં જમા થઇ ચૂકી છે. આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે નવી ગાઇડલાઇન જારી થાય તેવી શક્યતાઓ બેંકર્સ જૂથમાંથી સંભળાય રહી છે.
તા.8મી નવેમ્બર 2016ના રોજથી ભારતમાં રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો નાબૂદ થઇ હતી અને રૂ.500ની નવી અને રૂ.2000ની ચલણી નોટ પ્રથમ વખત ચલણમાં મૂકવામાં આવી હતી. 71 મહિના બાદ આવતીકાલ તા.20મી નવેમ્બર 2023ના રોજ રિઝર્વ બેંકે આપેલી સૂચના અનુસાર રૂ.2000ના ચલણી નોટનો વ્યવહારુ ભારત સહિત વિદેશોમાં પણ ઉપયોગ બંધ થઇ જશે. દક્ષિણ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સરકારી બેંકો, સહકારી બેંકો અને પ્રાઇવેટ બેંકો મળીને અત્યાર સુધીમાં અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો જમા થઇ ચૂકી છે અને આ પૈકીની મોટા ભાગની નોટો રિઝર્વ બેંકને સુપરત પણ કરી દેવામાં આવી છે. છેલ્લા એકાદ મહિનાથી તો બેંકોમાં અઠવાડીયે માંડ એકાદ બે ખાતેદારો દ્વારા પાંચ-પંદર નોટો જમા કરાવવામાં આવી રહી છે. સામાન્ય રહેવાસીઓ પાસે હવે રૂ.2000ની દરની નોટો વધુ સંખ્યામાં હોવાની કોઇ શક્યતા નથી રહી એમ બેંકીંગ વર્તુળોમાંથી જાણવા મળે છે.
બેંકર્સ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે વધુ એક ગાઇડલાઇન જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. એવું બની શકે કે ફક્તને ફ્કત બેંકમાં જ રૂ.2 હજારના દરની ચલણી નોટ જમા કરાવી શકાય તેવી અવધિ આપવામાં આવે પરંતુ, હજુ સુધી રિઝર્વ બેંકે આ અંગે કોઇ જ ગાઇડલાઇન બહાર પાડી નથી. ફક્ત શક્યતાઓ જોવાય રહી છે.















