- તાપી પાસેથી અત્યાર સુધી લીધે રાખ્યું, હવે તાપી નદીના ખરા અર્થમાં જતનનું કામ શરૂ થશે
- ખુદ નરેન્દ્ર મોદી તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સુરત આવે તેવી સંભાવના
- લોકસભાની ચૂંટણી પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરી દેવાય તેવી વકી
- મોટી સંખ્યામાં કોલેજીયન, યંગસ્ટર્સને તાપી ડેવલપમેન્ટમાં કારસેવા કરવા માટે જોડવામાં આવશે
- ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મળીને અંદાજે 13 કરોડ લોકો તાપી નદીના પાણી પર નિર્ભર

(Map of Tapi)
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તેમજ જેના મૂળીયા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા છે એ સૂર્યપૂત્રી તાપી નદીના ડેવલપમેન્ટ માટે ગુજરાતના સ્થાનિક વહીવટીતંત્રોએ તૈયાર કરેલા રૂ.952 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રૂ.21 કરોડ વધારાની ગ્રાન્ટ ઉમેરીને કુલ રૂ.973 કરોડના પ્રોજેક્ટને આજે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ તેમજ રાજ્ય સરકારે એક પણ સવાલ ઉઠાવ્યા વગર, એક પણ સૂચન કર્યા વગર લીલીઝંડી આપી દીધી હોવાની વિગતો જાણવા મળી છે.
સુરત ભાજપના કદાવર નેતા અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલએ તાપી શુદ્ધિકરણના આ પ્રોજેક્ટને સત્વરે મંજૂરી મળે તે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં આક્રમક લોબિંગ કર્યું હતું. તેઓ સતત આ કામનો ફોલોઅપ કરતા રહ્યા અને આખરે ઝડપભેર પ્રોજેક્ટ સાકાર થઇ શકે અને સુરતની જીવાદોરી સમાન આ પ્રોજેક્ટનું કામ શરૂ થાય તેવા તેમના પ્રયાસો હતા.
તાપી નદી પાસેથી અત્યાર સુધી સુરત હોય કે દક્ષિણ ગુજરાતની પ્રજા અને વહીવટીતંત્રોએ બધું લીધું જ છે, તાપી નદીના જતન માટે કોઇ નક્કર યોજના ભૂતકાળથી લઇને અત્યાર સુધી ક્યારેય બની ન હતી. પરંતુ, સુરત પર વસતિનું ભારણ વધતા તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાંથી વિતરીત સિંચાઇ પુરવઠાની ખેંચ પડવા માંડતા તાપી નદીને હવે મેઇન્ટેન કરવા, શુધ્ધ કરવા તેમજ અન્ય આનુષંગિક કામો કરીને દક્ષિણ ગુજરાતની લોકમાતા કહો કે જીવાદોરી સમાન તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે કેન્દ્ર સરકારે પણ લીલીઝંડી આપી દીધી છે. અને લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ થઇ જાય તે માટે હવે સ્થાનિક વહીવટીતંત્રોથી લઇને ભાજપાએ પણ કાર્યક્રમો ગોઠવવા માંડ્યા છે.

આગામી દિવસોમાં તાપી મૈયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના શુભારંભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુદ સુરત આવે તેમજ સ્થાનિક યુવાપેઢી, કોલેજિયન તાપી કાર સેવામાં મોટી સંખ્યામાં જોતરાય તેવા પ્રોજેક્ટને આકાર આપવામાં આવી રહ્યો છે.
આગામી દિવસોમાં સ્થાનિક વહીવટીતંત્રોના સથવારે ભાજપા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને એક ચૂંટણી મુદ્દા તરીકે એન્કેશ કરે તેવા કાર્યક્રમો જોવા મળશે. એ ભલે કંઇપણ કરે પરંતુ, તાપી નદીનો વિકાસ થશે એ બહું આવકારદાયક પગલું બની રહેશે.














