સૂરતના પાલ સ્થિત અન્નપૂર્ણા મંદિરમાં રચાઇ રહ્યો છે સવા લાખ સકિર્તન હનુમાન ચાલીસા પઠનનો ઇતિહાસ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સૂરત શહેરમાં આજે રામ-રહીમ એક છે, ઇશ્વર-અલ્લાહ એક સમાન છે ને ચરિચાર્થ કરતી એક વિરલ ઘટના સૂરતના પવિત્ર યાત્રાધામ તરીકે વિકસી રહેલા પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર અને સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર સંકુલમાં આકાર પામી રહી છે. અહીં આજે કાલ ભૈરવ જયંતિ પર્વે વિશ્વ શાંતિ હેતુ સવા લાખ હનુમાન ચાલીસા સકિર્તન પાઠ યોજાઇ રહ્યા છે અને સોનામાં સુગંધ ભળે એમ મુસ્લિમ છાત્રો પણ હોંશે હોંશે આ સકિર્તન હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા છે.
પાલ પાટીયા સ્થિત હનુમાન ચાલીસા મંદિર સંકુલ ખાતે બપોરે 4 વાગ્યે શરૂ થયેલા સવાલાખ હનુમાન ચાલીસા સકીર્તન પાઠમાં 300 ભાવિક ભક્તજનોએ ભાગ લીધો છે. પ્રી રજિસ્ટ્રેશન પ્રક્રીયા ચાલી રહી હતી ત્યારે કુલ 7 છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આ પૈકી આજે આ લખાઇ રહ્યું છે ત્યારે અન્નપૂર્ણા મંદિર સંકુલમાં 3 મુસ્લિમ છાત્રો હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા છે.

સવા લાખ સકિર્તન હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમના આયોજક અને અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના મે.ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે 300 ભાવિકો આજે 4 વાગ્યાથી સવાલાખ હનુમાન ચાલીસનું પઠન શરુ કર્યું છે. અમે જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કરાવ્યું ત્યારે મુરબ્બી સ્વ. શ્રી શંભુભાઇ પટેલ દ્વારા સ્થાપિત સૂરત એજ્યુકેશન સોસાયટી સંચાલિત સૂરતના સુમુલડેરી રોડ પર આવેલી આઇ.સી. ગાંધી સ્કુલમાં ધો.10-12માં અભ્યાસ કરતા 7 મુસ્લિમ વિદ્યાર્થીઓએ પણ નામો નોંધાવ્યા હતા.
શ્રી મહેતાએ ઉમેર્યું કે અમે મુસ્લિમ છાત્રો અને તેમના પરિવારજનોને આ અંગે ઘનિષ્ઠતાથી વાત કરી હતી. તેમણે કહ્યું કે બાળકો શાળામાં પણ નિયમિત રીતે હનુમાન ચાલીસા પઠન કે અન્ય ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના માતા પિતાએ તેમાં સંમતિ આપી હતી. મુસ્લિમ છાત્રોનું કહેવું છે કે ઇશ્વર અલ્લાહ એક જ છે. હનુમાન ચાલીસા પઠન કરવાની મક્કમ મનોબળ બને છે અમે એની અનુભૂતિ કરી રહ્યા છીએ.
કુલી ભાઇઓ પણ હોંશભેર હનુમાન ચાલીસા ગાઇ રહ્યા છે
સૂરત રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા કુલીભાઈઓ પણ સામૂહિક હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં હોંશભેર જોડાયા છે. પોતાના પરીધાનમાં સજ્જ કુલીઓને સવાલાખ હનુમાન ચાલીસા મંત્ર પઠન અંગે માહિતી મળી એટલે તેમણે સામૂહિક રીતે આ કાર્યક્રમમાં જોડાવાનો નિશ્ચય કર્યો હતો.





















