CIA ALERT

ઇન્ડીયા Archives - Page 4 of 218 - CIA Live

May 2, 2026
gst.jpg
1min250

  • ઇરાન યુદ્ધથી ક્રૂડનાં ભાવ વધ્યા છતાં એપ્રિલમાં જીએસટી કલેક્શન 8.7 ટકાનો વધારો
  • અગાઉનું સૌથી મોટું જીએસટી કલેક્શન ગયા વર્ષે એપ્રિલમાં રૂ. 2.23 લાખ કરોડ હતું

ઇરાન યુદ્ધને કારણે ક્રૂડનાં ભાવ વધ્યા હોવા છતાં એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શન ૮.૭ ટકા વધી લગભગ ૨.૪૩ લાખ કરોડ રૂપિયાનાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે તેમ શુક્રવારે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. આ આંકડા વૈશ્વિક અનિશ્ચિતતા છતાં મજબૂત આર્થિક પ્રવૃત્તિઓનાં સંકેત આપી રહ્યાં છે.

આ અગાઉ સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટીથી થનાર અત્યાર સુધીનું સૌથી મોટું જીએસટી કલેક્શન ગયા વર્ષે એપ્રિલમાં નોંધવામાં આવ્યું હતું. જે ૨.૨૩ લાખ કરોડ રૂપિયાથી વધુ હતું.

સ્થાનિક વ્યવહારોમાંથી કુલ આવક ૪.૩ ટકા વધીને ૧.૮૫ લાખ કરોડ રૂપિયાથી વધુ થઇ હતી. જ્યારે એપ્રિલ, ૨૦૨૬માં આયાતમાંથી જીએસટી કલેક્શન ૨૫.૮ ટકા વધીને ૫૭,૫૮૦ કરોડ રૂપિયા થયું હતું.

એપ્રિલમાં કુલ સીજીએસટી અને એસજીએસટી કલેક્શન અનુક્રમે ૫૨,૧૪૦ કરોડ રૂપિયા અને ૬૧,૩૩૧ કરોડ રૂપિયા રહ્યું છે. આ મહિના દરમિયાન આઇજીએસટી કલેક્શન ૧.૨૯ લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું હતું.

એપ્રિલ દરમિયાન રિફંડમાં ૧૯.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે ૩૧,૭૯૩ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી નેટ જીએસટી કલેક્શન ૭.૩ ટકા વધીને ૨.૧૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

નવા નાણાકીય વર્ષનાં પ્રથમ મહિનાનાં જીઅસટી કલેક્શનમાં મોટો ઉછાળો એ વાતનાં સંકેત આપી રહ્યાં છે દેશનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે.

જીએસટી કલેક્શનમાં ટોચનાં પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર (૧૩, ૭૯૩ કરોડ રૂપિયા), કર્ણાટક (૫૮૨૯ કરોડ રૂપિયા), ગુજરાત (૫૪૫૫ કરોડ રૂપિયા), તમિલનાડુ (૪૭૨૪ કરોડ રૂપિયા) અને ઉત્તર પ્રદેશ (૪૩૯૯ કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે.

May 1, 2026
image.png
1min165

દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલા કર્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમણે ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અગાઉથી ચેતવણી આપી હતી અને હવે તેવું જ થયું છે. તેમણે કહ્યું, આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 993 રૂપિયા વધી ગયા છે. એક દિવસમાં આટલો બધો ભાવ વધારો કરાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમણે આ ભાવવધારાને ‘ચૂંટણી બિલ’ ગણાવ્યું છે.

દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂરી થયા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1 એપ્રિલના રોજ 2078.50 રૂપિયા હતી. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઇ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે. 

April 29, 2026
image-23.png
2min245

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે બુધવાર, 29 એપ્રિલના રોજ સવારે 7:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના સાત જિલ્લાઓની કુલ 142 બેઠકો પર આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં 23 એપ્રિલના રોજ 152 બેઠકો પર રેકોર્ડબ્રેક 93.19% મતદાન નોંધાયું હતું, જે રાજ્યના ઈતિહાસમાં સૌથી વધુ છે.

બીજા તબક્કામાં કુલ 3,21,73,837 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેની વિગત નીચે મુજબ છે:

  • પુરુષ મતદારો: 1,64,35,627
  • મહિલા મતદારો: 1,57,37,418
  • થર્ડ જેન્ડર: 792
  • કુલ ઉમેદવારો: 1,448

આ તબક્કામાં રાજ્યના અનેક મોટા ચહેરાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના પરંપરાગત મતક્ષેત્ર ભબાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમની સામે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી મેદાનમાં છે. આ સિવાય રાજ્ય મંત્રી સુજીત બોસ (બિધાનનગર), ફિરહાદ હકીમ (કોલકાતા પોર્ટ), બ્રાત્ય બસુ (દમ દમ) અને ભાજપના અર્જુન સિંહ (નોઆપાડા) તથા સ્વપન દાસગુપ્તા (રાશબિહારી) જેવા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. ડાબેરી પક્ષો તરફથી મીનાક્ષી મુખર્જી અને આઈએસએફના નૌશાદ સિદ્દીકી પણ આ જંગમાં છે.

  • ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી છે.
  • કેન્દ્રીય સુરક્ષા દળોની 2,321 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે
  • સૌથી વધુ 273 કંપનીઓ માત્ર કોલકાતામાં છે.
  • કુલ 41,001 મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ દ્વારા સીધું નિરીક્ષણ કરવામાં આવશે.
  • ડ્રોન કેમેરાથી પણ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવશે.
  • 142 જનરલ ઓબ્ઝર્વર્સ અને 95 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.

એક તરફ ચૂંટણીનો ગરમાવો છે, તો બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ બંગાળમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અસર મતદાનની ટકાવારી પર પડી શકે છે.

April 27, 2026
image-20.png
1min130

ભારત-ન્યૂઝીલૅન્ડે આજે 27/04/26 નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલૅન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલૅન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.

FTAની સૌથી મહત્ત્વની વાત એ છે કે, બંને દેશોએ મુક્ત વેપાર કરારને અંતિમરૂપ આપવા માટે 16 માર્ચ-2025થી વાતચીત શરૂ કરી દીધી હતી, જેમાં માત્ર 9 મહિનાના અંતે આ ડીલને ફાઇનલ કરી દેવાઈ છે. આ સમજૂતી લાગુ થયા બાદ ભારત અને ન્યૂઝીલૅન્ડના નિકાસકારો ટેક્સ વગર એકબીજાના દેશમાં નિકાસ કરી શકશે.

ન્યૂઝીલૅન્ડમાં ભારતીય ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ હતો

સમજૂતી પહેલા ન્યૂઝીલૅન્ડે ભારતમાંથી નિકાસ થતાં 450 ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ લગાવ્યો હતો. હવે નવી સમજૂતી થયા બાદ આ ટેક્સ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. આનાથી ભારતીય કાપડ અને તૈયાર વસ્ત્રો, ચામડા ઉદ્યોગ, ટોપીઓ, ચીની માટીના વાસણો (સિરેમિક્સ), ગાદલા, વાહનો તથા તેના સ્પેરપાર્ટ્સની નિકાસમાં વધારો થશે. આ ઉપરાંત ભારતે પણ ન્યૂઝલૅન્ડથી આવતા 95 ટકા ઉત્પાદનો પર ટેક્સમાં રાહત અથવા ઘટાડી દીધો છે.

મુક્ત વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરતી વખતે ન્યૂઝીલૅન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ રોકાણ યુરોપિયન ફ્રી ટ્રેડ ઍસોસિએશન (EFTA) દ્વારા ભારત સાથે કરવામાં આવેલા કરારમાં પ્રસ્તાવિત 100 અબજ ડૉલરના રોકાણ માળખા જેવું જ છે.

ભારતે મુક્ત વેપાર કરાર કરતી વખતે ખેડૂતો અને એગ્રીકલ્ચર ઉદ્યોગના હિતને પણ ધ્યાને રાખ્યું છે. FTAમાંથી દૂધ, ક્રીમ, મઠ્ઠો, દહીં અને પનીર જેવા ઉત્પાદનોને બહાર રખાયા છે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદનોની નિકાસ પર પણ રાહત આપી નથી. સમજૂતીથી સર્વિસ સેક્ટરથી લઈને એગ્રીકલ્ચર સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધવાની પણ આશા વ્યક્ત કરાઈ છે.

FTAની કેટલીક મહત્ત્વની વાતો

વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર: ન્યૂઝીલૅન્ડે વૈશ્વિક સ્તરે પ્રથમ વખત કોઈ દેશ સાથે વિદ્યાર્થીઓની અવરજવર અને અભ્યાસ પછીના વર્ક વિઝા (પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા) અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે અઠવાડિયામાં 20 કલાક સુધી કામ કરી શકશે અને તેમને લંબાવવામાં આવેલા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાનો લાભ પણ મળશે.

કુશળ વ્યાવસાયિકો માટે તક : ઊંચા પગારવાળી નોકરી ઇચ્છતા કૌશલ્ય ધરાવતા ભારતીય વ્યાવસાયિકો માટે 5000 કામચલાઉ રોજગાર વિઝાનો વિશેષ કોટા નક્કી કરવામાં આવ્યો છે. આ વિઝા દ્વારા વ્યાવસાયિકો ત્રણ વર્ષ સુધી ન્યૂઝીલૅન્ડમાં રહીને નોકરી કરી શકશે.

વર્કિંગ હોલિડે પ્રોગ્રામ : આ સમજૂતી હેઠળ એક વિશેષ ‘વર્કિંગ હોલિડે વિઝા’ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દર વર્ષે 1000 ભારતીય યુવાનો 12 મહિના માટે ન્યૂઝીલૅન્ડમાં મલ્ટિપલ એન્ટ્રી કરી શકશે.

April 25, 2026
image-15.png
1min224

સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે (24મી એપ્રિલ) ટ્યુશનથી ઘરે જઈ રહેલી સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. આ મામલે આજે (25મી એપ્રિલ) પકડાયેલા આરોપી મોહમ્મદ અઝીઝને લઈને જ્યારે પોલીસ ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી, ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઉગ્ર બનેલી ભીડ અને મહિલાઓના વિરોધ વચ્ચે પોલીસે ભારે જહેમત બાદ આરોપીને બહાર કાઢવો પડ્યો હતો.

ગત રાત્રે 24/04/2026 અલથાણ વિસ્તારમાં આવેલી એટલાન્ટા મોલ પાસેના ટ્યુશન ક્લાસથી 12 વર્ષની દીકરી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન અંદાજે 40 વર્ષીય મહંમદ અઝીઝ નામના શખસે સગીરાની છેડતી કરી હતી. બાળકીએ હિંમત બતાવી ચીસાચીસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

પાટીદાર સમાજની દીકરી સાથે છેડતીનો મેસેજ સોશિયલ મીડિયા વાઈરલ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગત રાત્રે 24/04/2026 પણ ૩ કલાક સુધી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

આજે 25/04/2026 પોલીસ જ્યારે આરોપી મોહમ્મદ અઝીઝ ઈમ્તીયાઝને એટલાન્ટા મોલ પાસે રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયાં હતાં. ભીડને જોતા પોલીસ આરોપીને અડધો કિલોમીટર દૂર ઉતારીને કન્સ્ટ્રક્શન સાઈટના રસ્તેથી લાવી હતી.

આ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. આરોપીને જોતા જ મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી ચપ્પલ અને પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. બેકાબૂ બનેલી ભીડથી આરોપીને બચાવવા પોલીસે માનવ સાંકળ બનાવી સુરક્ષા કવચ તૈયાર કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આરોપીને વાનમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધો હતો. અલથાણ વિસ્તારમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી છે. પોલીસ આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

April 24, 2026
paytm-payment-banks.png
1min191

ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજ(24 એપ્રિલ 2026) રોજ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ‘પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ’ (PPBL)નું બેંકિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવાયું છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 22(4) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ કે ગ્રાહકો સાથે વ્યવહાર કરી શકશે નહીં. RBI એ સ્પષ્ટ કર્યું છે કે શુક્રવાર, 24 એપ્રિલના રોજ કામકાજના કલાકો પૂરા થયા બાદથી આ આદેશ અમલી બની ગયો છે.

RBIના જણાવ્યા અનુસાર, પેટીએમ પેમેન્ટ્સ બેંક સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી અને તેની કામગીરી કરવાની રીત ગ્રાહકો તથા થાપણદારોના હિતમાં નહોતી. બેંકના મેનેજમેન્ટ સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે બેંકને વધુ સમય આપવો એ જાહેર હિતમાં નથી, કારણ કે તે લાયસન્સ માટેની જરૂરી શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ લાયસન્સ રદ થયા બાદ હવે RBI હાઈકોર્ટમાં અરજી કરશે જેથી બેંકને સંપૂર્ણપણે બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.

ગ્રાહકો માટે રાહતના સમાચાર આપતા RBI એ જણાવ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પાસે પૂરતી લિક્વિડિટી (નાણાં) ઉપલબ્ધ છે, જેથી તે તેના તમામ થાપણદારોના પૈસા પરત કરી શકશે. એટલે કે, જે લોકોના પૈસા બેંકમાં જમા છે, તેઓને ચિંતા કરવાની જરૂર નથી; બેંક બંધ કરવાની પ્રક્રિયા દરમિયાન તેમના નાણાં પરત કરવાની ખાતરી આપવામાં આવી છે.

નોંધનીય છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર મુશ્કેલીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. માર્ચ 2022માં RBI એ બેંકને નવા ગ્રાહકો જોડતા અટકાવી હતી. ત્યારબાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં પણ તેના વોલેટ અને ડિપોઝિટ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આખરે, લાંબા સમયથી ચાલી રહેલી અનિયમિતતાઓને કારણે આજે બેંકનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ભારતીય ફિનટેક સેક્ટરમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

April 24, 2026
image-13.png
1min102

આમ આદમી પાર્ટીના સાત સાંસદો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભામાં સમિકરણો બદલાઈ ગયા છે. સાતેય સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની ગઈ છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે (24 એપ્રિલ) પ્રેસ કોન્ફરન્સ કરીને અન્ય બે સાંસદો સાથે AAP છોડવાની જાહેરાત કરી છે. તેમની સાથે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક અને અશોક મિત્તલે પણ પાર્ટી છોડી દીધી છે અને ત્રણેય નેતાઓએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીમાં આ અત્યાર સુધીની સૌથી મોટી તિરાડ છે.

રાજ્યસભામાં ભાજપની સંખ્યા વધીને 113 થઈ

તાજેતરના આંકડા મુજબ, ભાજપ પાસે રાજ્યસભામાં 106 સભ્યો છે. જેમાં AAPના 7 પક્ષપલટુ સાંસદો ઉમેરાયા બાદ ભાજપની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે. આ પક્ષપલટાથી રાજ્યસભામાં ભાજપ મજબૂત થઈ છે, સાથે જ આગામી કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભાજપને પક્ષપલટુઓનો સાથ મળતા મજબૂત તો થયું જ છે, સાથે તેમના સાથી પક્ષોના સહયોગના કારણે પણ આ સંખ્યાને મજબૂતી આપી છે. હાલ ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં સાથી પક્ષોના સાંસદો સહિત કુલ 136 સાંસદો છે અને હવે સાત સાંસદોના પક્ષપલટા બાદ આ સંખ્યાબળ 143 પર પહોંચી ગયું છે. સામાન્ય રીતે આ સભ્યો અનેક મહત્વના ખરડાઓ દરમિયાન સરકારનું સમર્થન કરતા રહ્યા છે, જેનાથી સત્તા પક્ષને વ્યૂહાત્મક સરસાઈ મળે છે.

રાજ્યસભામાં NDAના સાથી પક્ષોની સ્થિતિ

તમિલનાડુની AIADMKના 5 સભ્યો
તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના 2 સભ્યો
શિવસેનાના 2 સભ્યો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર જૂથના 4 સભ્યો
રામદાસ અઠાવલેની RPIના 1 સભ્ય
બિહારમાં નીતીશ કુમારની JDUના 4 સભ્યો
કર્ણાટકમાં JDSનો 1 સભ્ય
ઉત્તર પ્રદેશમાં પ્રભાવ ધરાવતી RLDના 1 સભ્ય
આસામની AGPના 1 સભ્યો
UPPLના 2 સભ્યો

રાજ્યસભામાં બહુમતીનો આંકડો પાર કરવો NDA માટે હંમેશા પડકાર રહ્યો છે. લોકસભામાં મજબૂત બહુમતી હોવા છતાં, ઉપલા ગૃહમાં સંખ્યા ઓછી હોવાને કારણે ઘણી વખત સરકારે વિપક્ષ સાથે તાલમેલ બેસાડવો પડતો હતો, પરંતુ હવે 113ના આંકડા સુધી પહોંચવાથી સરકાર માટે બિલ પાસ કરાવવું સરળ બની શકે છે.

April 23, 2026
image-12.png
1min102

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે(23 એપ્રિલ, 2026) પ્રથમ તબક્કાની 152 બેઠકો પર બમ્પર વોટિંગ થયું છે. બાકીની 142 બેઠકો પર 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઇનો લાગી હતી. 

સત્તાવાર પોલિંગ ટ્રેન્ડ્સ (VTR) મુજબ, તમિલનાડુમાં અંદાજે 84.41 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં આ આંકડો આશ્ચર્યજનક રીતે 91.46 ટકા સુધી પહોંચી ગયો છે. લોકશાહીના આ પર્વમાં લોકોએ મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે રાજકીય સમીક્ષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ આંકડાઓ હજુ અંદાજિત છે અને અંતિમ આંકડાઓમાં આંશિક ફેરફાર થઈ શકે છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો પર બમ્પર વોટિંગ થયું છે. બાકીની 142 બેઠકો પર 29 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં રેકોર્ડબ્રેક મતદાન થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમિલનાડુમાં અંદાજે 82.24% મતદાન થયું છે. બંગાળમાં અંદાજે 89.93% મતદાન થયું છે. એટલે કે બંને રાજ્યોમાં લોકોએ મોટી સંખ્યામાં વોટ નાખ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી ઘણી વધારે છે, જે દર્શાવે છે કે લોકો ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા 2021માં બંગાળની ચૂંટણીમાં સરેરાશ 81.69% મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળમાં જ્યાં TMC અને BJP વચ્ચે કડક મુકાબલો છે, તો તમિલનાડુમાં પણ DMKની આગેવાની હેઠળના ઈન્ડિયા (INDIA) ગઠબંધન અને AIADMK-BJPના NDA વચ્ચે ટક્કર છે. બંને રાજ્યોમાં સવારથી જ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી અને મહિલાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો.

આમ આદમી પાર્ટીના સંયોજનક અરવિંદ કેજરીવાલ બંગાળ ચૂંટણીમાં TMCનો પ્રચાર કરશે. મમતા બેનર્જીએ પ્રચાર કરવા આમંત્રણ આપ્યું હતું જેથી કેજરીવાલ 26-27 એપ્રિલના રોજ TMC માટે જનતા વચ્ચે જઈને વોટ માંગશે.

‘ચૂંટણી પંચ સફળ રહ્યું છે, શાંતિપૂર્ણ મતદાન થયું છે. મારી જાણકારી મુજબ 90 ટકા મતદાન થયું છે. અમે પ્રથમ તબક્કામાં 125 બેઠકો જીતીશું. મુસ્લિમ મતો તો પહેલાથી જ Consolidate (એકત્રિત) થઈ ગયા હતા, પરંતુ પરિણામો પછી જો જો કે 85 ટકા હિન્દુઓ તમને ભાજપની સાથે જોવા મળશે. બીજો તબક્કો અમારા માટે મુશ્કેલ નથી. બસ ગુંડાગીરી પર કાબૂ મેળવવો પડશે. ચૂંટણી પંચ પ્રથમ તબક્કા પછી 100 ટકા કામગીરી કરી શક્યું છે.’

April 13, 2026
image-8.png
1min130

આશા ભોસલેના 92 વર્ષે નિધન પછી આજે તેમના પાર્થિવ શરીર તેમના ઘરે લાવવામાં આવ્યું છે. આજે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી પાર્થિવદેહના દર્શન માટે રાખવામાં આવશે, ત્યાર બાદ બે વાગ્યા પછી અંતિમયાત્રા કાઢવામાં આવશે. શિવાજી પાર્કમાં ચાર વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે. દરમિયાન મીડિયા સહિત ફોટોગ્રાફરને સંયમપૂર્ણ કવરેજ કરવાની અપીલ કરવામાં આવી છે.

જોકે, આજે 12/04/2026 સાંજના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યા પછી ઘરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત અન્ય નેતા અને જેકી શ્રોફ હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. એના અગાઉ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને પોસ્ટ મૂકી હતી.

મંગેશકર પરિવારની ગાયિકા બહેનોમાં લતા મંગેશકર પછી સૌથી વધુ પ્રસિદ્ધિ મેળવનાર ગિનીસ બુકમાં સ્થાન મેળવનાર, પદ્મ વિભૂષણથી સન્માનિત અને કરોડો ચાહકોના દિલ પર સાત દાયકાથી વધુ સમયથી રાજ કરનાર, સૌના લાડલી ‘તાઈ’ આશા ભોસલેનો ચાહક વર્ગ સામાન્ય વ્યક્તિથી લઈને રાજકારણીઓનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમના નિધનથી ભારતીય સંગીતમાં એક યુગનો અંત આવ્યો છે. ભોસલેનું રવિવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું.

તાજેતરમાં થયેલી વાતચીતને યાદ કરતાં ફડણવીસે કહ્યું, “અમે વિશ્વ રેડિયો દિવસના કાર્યક્રમમાં સાથે હતા જ્યાં તેમણે મને ‘અભી ના જાઓ છોડકર’ ગાવાનો આગ્રહ કર્યો અને સ્મિત સાથે કહ્યું, ‘જુઓ, મેં મુખ્યપ્રધાન પાસે ગવડાવ્યું’. એ માનવું મુશ્કેલ છે કે હવે તેઓ આપણી વચ્ચે નથી.”ફડણવીસે તેમની ગાયકીની વૈવિધ્યતાને યાદ કરતા ભોંસલેના અવાજને “સંગીતનો આત્મા” ગણાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે બદલાતા સમય સાથે સરળતાથી અનુકૂલન સાધનાર તેઓ અનન્ય કલાકાર હતા, જેમની ખોટ પૂરી નહીં શકાય.

રાજ્યપાલ વર્માએ તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે આશા ભોસલે ભારતે જોયેલા સૌથી કુશળ અને બહુમુખી પ્લેબેક ગાયકોમાંના એક હતા. તેમણે વધુમાં કહ્યું કે તેમનો મધુર અવાજ, વિવિધ શૈલીના સંગીત ગાવાની તેમની ક્ષમતા અને ભારતીય સંગીતમાં તેમના વિશાળ અને વૈવિધ્યસભર યોગદાને ભારત અને વિશ્વભરના સંગીત પ્રેમીઓની અનેક પેઢીઓ પર અમીટ છાપ છોડી છે. રાજ્યપાલે જણાવ્યું હતું કે તેમના પ્રખ્યાત ગીત “જો ભી હૈ બસ યહી એક પલ હૈ”ની પંક્તિ તેમના જીવનની ફિલોસોફી બની ગઈ હતી. રાજ્યપાલે નોંધ્યું કે આશા ભોંસલેએ સ્વર્ગસ્થ આરડી બર્મન સાથે લગ્ન કર્યા હોવાથી તેમના પરિવાર સાથે તેમનો ગાઢ સંબંધ હતો.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પેઢીઓને મંત્રમુગ્ધ કરનાર દિવ્ય અવાજ શાંત થઈ ગયો. આશા ભોંસલેને ‘ગાનસામ્રાજ્ઞિ’ની ઉપમા આપતા તેમણે કહ્યું કે, અસંખ્ય હૃદયોને તેઓ જાદુઈ દુનિયામાં લઈ ગયા હતા.

નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે કહ્યું કે આશા ભોંસલેના અવસાનથી સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે, અને “સુરોની મહારાણી” ઇતિહાસમાં વિલય થયો છે. આશા ભોંસલેની કારકિર્દી કલા પ્રત્યેની સખત મહેનત, સાતત્ય અને સમર્પણનું પ્રતીક છે, એમ તેમણે જણાવ્યું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે લખ્યું હતું કે તેમણે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમના નિધનના સમાચાર હૃદયવિદારક છે, એમ તેમણે એક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું. ત્રણ મહિના પહેલા અશાતાઇ સાથે થયેલી મુલાકાત પણ તેમણે યાદ કરી હતી.

April 7, 2026
image-4.png
1min106

Indian Embassy Vietnam Travel Advisory: વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાંની મુલાકાતે જતા ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્ત્વની એડવાઈઝરી બહાર પાડી છે. આ એડવાઈઝરીમાં મુખ્યત્વે બે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે: ફૂ ક્વોક(Phu Quoc) ટાપુ માટેના વિઝા નિયમો અને મુસાફરી દરમિયાન પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં ઊભા થતા જોખમો. હાલના સમયમાં ફૂ ક્વોક ટાપુ ભારતીય પ્રવાસીઓ માટે લોકપ્રિય બન્યો છે કારણ કે ત્યાં અમુક મર્યાદાઓ સાથે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા મળે છે, પરંતુ દૂતાવાસે ચેતવણી આપી છે કે આ છૂટછાટ માત્ર આ ટાપુ પૂરતી જ સીમિત છે.

દૂતાવાસના જણાવ્યા અનુસાર, વિઝા વગર માત્ર ફૂ ક્વોક ટાપુ પર જ રહી શકાય છે, ત્યાંથી વિયેતનામના મુખ્ય ભૂભાગ જેવા કે હો ચી મિન્હ સિટી અથવા હનોઈમાં પ્રવેશ મેળવી શકાતો નથી. જો કોઈ પ્રવાસી પાસે માન્ય વિઝા ન હોય અને ટાપુ પર રોકાણ દરમિયાન કોઈ તબીબી કટોકટી, ફ્લાઈટમાં વિક્ષેપ કે અન્ય કોઈ અનિવાર્ય કારણસર ટાપુ છોડવાની ફરજ પડે, તો તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વિઝા વગર મુખ્ય ભૂભાગમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવાથી તબીબી સારવારમાં વિલંબ, અવરજવર પર નિયંત્રણો અને ઈમિગ્રેશનને લગતી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આથી, દૂતાવાસે સલાહ આપી છે કે ભલે તમારો પ્રવાસ માત્ર ફૂ ક્વોક ટાપુ પૂરતો જ હોય, તો પણ અગાઉથી યોગ્ય વિયેતનામ વિઝા મેળવી લેવા હિતાવહ છે.

આ ઉપરાંત, બીજી મહત્ત્વની બાબત પાસપોર્ટ ખોવાઈ જવા અંગેની છે. જો કોઈ ભારતીય નાગરિક વિયેતનામમાં પોતાનો પાસપોર્ટ ખોઈ બેસે, તો તેણે તાત્કાલિક જે-તે વિસ્તારના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવી પડશે. આ ફરિયાદની નકલ હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ અથવા હો ચી મિન્હ સિટી સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયામાં જમા કરાવવાની રહેશે. જોકે ભારતીય સત્તાવાળાઓ તે જ દિવસે ઇમરજન્સી સર્ટિફિકેટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પ્રવાસીઓએ વિયેતનામીસ સત્તાવાળાઓ પાસેથી ‘એક્ઝિટ પરમિટ’ મેળવવા માટે ફરજિયાત રાહ જોવી પડે છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 3થી 5 કામકાજના દિવસો લાગે છે અને જ્યાં સુધી આ ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી ભારતીય નાગરિકોએ વિયેતનામમાં જ રોકાવું પડે છે, જેના કારણે પરત ફરવામાં વિલંબ થઈ શકે છે.