CIA ALERT
06. May 2024

ઇન્ડીયા Archives - Page 3 of 183 - CIA Live

November 2, 2022
world-cup-t20-1.png
1min264

ટીમ ઇન્ડિયા Dt.2/11/22 બુધવારે અહીં રમાનાર ગ્રુપ-બેના તેના લીગ મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ વિજય મેળવીને સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ભારતીય ટીમના હાલ 3 મેચમાં 2 જીત અને 1 હારથી કુલ 4 પોઇન્ટ છે અને દ. આફ્રિકા પછી પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. બાંગલાદેશની ટીમની પણ ભારત સમાન જ સ્થિતિ છે, પણ તે નેટ રન રેટમાં પાછળ છે. આથી તે ત્રીજા સ્થાને છે. ભારતનો રન રેટ 0.844 અને શ્રીલંકાનો માઇનસ 1.પ33 છે. બાંગલાદેશની ટીમ ઉલટફેર કરવામાં માહિર છે, પણ આ મેચમાં ટીમ ઇન્ડિયા જીતની પ્રબળ દાવેદાર છે.

બંગલાદેશ સામેના મેચમાં ભારતીય ટીમ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કેએલ રાહુલને ફરી ઓપનિંગમાં ઉતરાવનું પસંદ કરશે. જ્યારે અનફિટ દિનેશ કાર્તિકના સ્થાને ઋષભ પંતને તક મળી શકે છે અને તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે તેવું માનવામાં આવે છે. કેએલ રાહુલ ટી-20 વિશ્વ કપમાં હજુ સુધી 3 મેચમાં 22 રન જ કરી શકયો છે. જો કે કોચ દ્રવિડ અને કપ્તાન શર્મા તેના પર પૂરો ભરોસો રાખે છે. બાંગલાદેશનું બોલિંગ આક્રમણ પ્રમાણમાં નબળુ છે આથી રાહુલ પાસે ફોર્મમાં વાપસી કરવાનો મોકો બની રહેશે.

બંગાલદેશના બોલિંગ આક્રમણમાં મુસ્તાફિઝૂર, તસકીન, મહેંદી હસન, હસન મહમૂદ અને કપ્તાન શકિબ છે, પણ નિશ્ચિત રીતે આ આક્રમણ વિશ્વસ્તરીય નથી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી વિશ્વ કપમાં શાનદાર ઇનિંગો રમી ચૂકયા છે. આથી તેની સામે બાંગલાદેશની બોલિંગની કસોટી થશે. ભારતીય ટીમને કપ્તાન રોહિત શર્મા પાસેથી મોટી અને વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. પાછલા મેચમાં વિકેટકીપર કાર્તિક ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેના સ્થાને પંતને મોકો મળી શકે છે. ભારતીય ટીમમાં દીપક હુડ્ડાના સ્થાને અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. કારણ કે બાંગલાદેશની ટીમમાં 4 ડાબોડી બેટધર છે. આ મેચમાં પણ ભારત ઝડપી બોલર ત્રિપુટી ભુવનેશ્વર, અર્શદિપ અને શમી સાથે ઉતરવાનું પસંદ કરશે.
ટોસ જીતનાર ટીમ એડિલેડમાં પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. કારણ કે એડિલેડમાં સંધ્યા ટાણે બોલ વધુ સ્વિંગ થાય છે. જેનો ફાયદો મળી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 1-30થી શરૂ થશે.

October 31, 2022
modi-in-gujarat.jpeg
1min282

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોના પોલીસ દળના જવાનોએ પરેડ કાઢી હતી જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ‘આરંભ 2022’માં તાલીમાર્થી પોલીસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા.

આ ‘આરંભ’ કાર્યક્રમની ચોથું સંસ્કરણ હતું અને આ વર્ષની થીમ હતી- ‘અમૃત કાલમાં સુશાસનઃ ડિજિટલ ટેક્નોલોજી, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ’. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 5 રાજ્યોના BSF અને પોલીસ દળોએ પરેડમાં ભાગ લીધો હતો. અંબાજીનું આદિવાસી બાળકોનું સંગીત બેન્ડ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ હતું. એક સમયે આ બેન્ડના સભ્યો અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા. આ સિવાય પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 પ્રવાસન સ્થળો- મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.

2018માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું ત્યારથી પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા કાર્યક્રમોની બરાબરી પર લાવ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ‘રન ફોર યુનિટી’નું આયોજન પણ કરવામાં આવે છે. 

October 30, 2022
india-vs-sa-t20.png
1min217

 વિશ્વકપમાં ગુરૂવારે ભારતીય ટીમે નેધરલેન્ડને 56 રને હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં આ ટીમ ઈન્ડિયાની સતત બીજી જીત છે. આ પહેલા મેલબર્નમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. અત્યારે ટીમ ઈન્ડિયાના બે મેચમાં ચાર પોઈન્ટ છે અને ગ્રુપ બેમાં ટોપ ઉપર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે. દક્ષિણ આફ્રિકાએ ગુરૂવારે બંગલાદેશ સામે મોટી જીત નોંધાવી હતી. જો કે દક્ષિણ આફ્રિકાનો પહેલો મેચ ઝિમ્બાબ્વે સામે હતો જે ધોવાઈ ગયો હતો. જેના કારણે બે મેચમાં ત્રણ પોઈન્ટ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમના ત્રણ પોઈન્ટ છે. હવે આવતીકાલે દક્ષિણ આફ્રિકાની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો મેચ ભારતીય સમયઅનુસાર 4.30 વાગ્યે શરૂ થશે. ટી20 વિશ્વકપનો આ 30મો મેચ હશે. જેમાં ભારતીય ટીમ પર્થમાં પોતાનો પહેલો મેચ રમશે. જો ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવવામાં સફળ રહેશે તો ગ્રુપ બેમાં ટોચ ઉપર યથાવત રહેશે. બીજી તરફ જો દક્ષિણ આફ્રિકાની ટીમ જીતી જશે તો તે ટોચ ઉચપર પહોંચી જશે. અત્યારે ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા બન્નેના ત્રણ ત્રણ પોઈન્ટ છે. જો કે સારી રનરેટના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે.

પર્થમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના મેચમાં વરસાદની સંભાવના નથી. એટલે કે મેચ કોઈપણ અડચણ વિના 40 ઓવરનો રમાશે અને ક્રિકેટ ચાહકો એક રોમાંચક મેચની મજા માણી શકશે.

ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો રોહિત શર્માના નેતૃત્વમાં પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. પહેલા મેચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું અને નેધરલેન્ડ સામે 56 રને જીત મળી હતી. તેવામાં દક્ષિણ આફ્રિકા સામે કાબુ મેળવવો ભારતીય ટીમ સામે મુશ્કેલ રહેશે નહી. જો કે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે સારુ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ભારતીય ટીમ સાવધાન રહેવું પડશે.’

પર્થની વિકેટ ઝડપી બોલર માટે સૌથી અનુકુળ માનવામાં આવે છે. પર્થ દુનિયાની સૌથી ઝડપી પીચ છે.
જેના કારણે બેટરોને પરેશાની થઈ શકે છે. આ જ કારણથી ભારતે ટી20 વિશ્વકપની તૈયારી પર્થમાં જ કરી હતી. ભારતીય ટીમ વિશ્વકપ શરૂ થયાના એક અઠવાડીયા સુધી પર્થમાં રહી હતી અને પ્રેક્ટિસ કરી હતી. તેમજ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે બે અભ્યાસ મેચ પણ રમ્યા હતા. તેવામા આ પ્રેક્ટિસ કેટલી કારગર સાબિત થાય છે તે દક્ષિણ આફ્રિકા સામે રવિવારના મુકાબલામાં જોવા મળશે.

October 28, 2022
bcci_logo.jpg
1min210

મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો છે.

આજે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચેનો ભેદભાવ દુર થવા જઈ રહ્યો છે.ક્રિકેટ બોર્ડ જે મહિલા ક્રિકેટરો કોન્ટ્રાક્ટમાં સામેલ છે તેમને પુરુષો જેટલુ જ વેતન આપવા જઈ રહ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, હવે સમાનતાના નવા યુગમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચ ફી મળશે.

ઉલ્લેખનીય છે કે, પુરુષોની ટીમને હાલમાં બોર્ડ એક ટેસ્ટ માટે પંદર લાખ રુપિયા અને એક વન ડે માટે 6 લાખ રુપિયા ચુકવે છે.જ્યારે ટી 20 મેચ માટે 3 લાખ રુપિયા ચુકવાય છે.

પુરુષ અને મહિલાને સમાન પૈસા આપવાની શરુઆત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી હતી.

October 24, 2022
rishi-sunak-1.png
1min193

બ્રિટનમાં સત્તા ઉપર રહેલી કોન્ઝર્વટીવ પાર્ટીના નેતાની વરણી કરવાની મુદ્દત હવે પૂર્ણ થઇ ગઈ છે. નેતાની વરણી થતા જ બ્રિટીશ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત એશીયાઇ મૂળના, મૂળ ભારતીય અને દેશની અગ્રણી ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની ઈન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનાકની વરણી થઇ છે. 

બોરીસ જહોન્સન સરકારમાં નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનાર ઋષિ સુનાક પાસે ૧૯૬ જેટલા સાંસદોનો ટેકો છે. બ્રિટનમાં છેલ્લા સાત વર્ષમાં ચાર વખત સામાન્ય ચૂંટણી યોજાઈ છે અને તેના કારણે પક્ષનો એવો અભિપ્રાય છે કે ફરી ચુંટણીઓ યોજવી જોઈએ નહી. વર્તમાન સંસદની મુદ્દત પૂર્ણ થવી જોઈએ. 

ઋષિ સુનાકના દાદા મૂળ પંજાબના રહેવાસી હતા. સુનાકના પિતાનો જન્મ કેન્યામાં થયો હતો જયારે તે પોતે બ્રિટનમાં જ જન્મેલા છે. સુનાક બ્રિટનના વડાપ્રધાન બને તો તે બ્રિટનના દક્ષિણ એશિયાઈ રહેવાસીઓ માટે એક મોટી વાત છે કારણ કે બ્રિટનમાં પ્રથમ વખત કોઈ એશીયાઇ મૂળની વ્યક્તિ વડાપ્રધાન પદે બિરાજશે.

ઋષિ સુનાકને પડકાર આપવા અગાઉ પૂર્વ વડાપ્રધાન બોરીસ જહોન્સન પણ મેદાનમાં હતા અને તેમની પાસે ૧૦૬ જેટલા સાંસદોનો ટેકો હતો. જોકે, છેલ્લી ઘડીએ તેમણે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. ખુદ બોરીસ જોહોન્સને ઋષિ સુનાકને વડાપ્રધાન પદ માટે ટેકો જાહેર કર્યો હતો અને અન્ય સાંસદોને પણ ટેકો જાહેર કરવા માટે ભલામણ કરી હતી. 

આ પછી પેન્ની મોર્ડાટ મેદાનમાં રહ્યા હતા. સુનાક સામે પક્ષની સામાન્ય સભામાં મતદાન થાય અને બન્ને નેતાઓ વચ્ચે ચૂંટણી યોજાય તેના માટે કોઇપણ વ્યક્તિ પાસે ઓછામાં ઓછા ૧૦૦ સાંસદોનો ટેકો હોવો જરૂરી છે. પરંતુ, પેન્ની પાસે છેલ્લી ઘડી સુધી ૨૬ જ સાંસદોનો ટેકો હોવાનું બહાર આવ્યું હતું. બ્રિટનની કોનઝરવેટીવ પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પેન્નીને રેસમાંથી હટી જવાની અપીલ કરી હતી પણ તેમના અભિયાન ચલાવતા નેતાઓએ દાવો કર્યો હતો કે અમારી પાસે ૧૦૦ કરતા વધારે સાંસદોનો ટેકો છે. 

અગાઉ, જોહોન્સને રાજીનામું આપ્યા બાદ ઋષિ સુનાક અને લીઝ ટ્રસ વચ્ચે વડાપ્રધાન બનવા માટે લડાઈ ચાલી હતી. બન્ને વચ્ચે ચાર ડીબેટ અને એક મહિનાના પ્રચાર અભિયાન પછી ટ્રસ વધારે મત સાથે વડાપ્રધાન બન્યા હતા. 

October 24, 2022
modi-in-kargil.jpg
1min258

વડાપ્રધાન નરેન્દ્ર મોદી Dt.24-10-2022, સોમવારે સવારે જમ્મુ કાશ્મીરના કારગિલ પહોંચી ગયા છે. તેઓ અહીં સેનાના જવાનોની સાથે દિવાળી મનાવશે. પીએમ સેનાના જવાનોની સાથે છેલ્લા 8 વર્ષથી દિવાળીનો પર્વ મનાવતા આવી રહ્યા છે. 

વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની ખુરશી સંભાળી છે તેઓ હંમેશા જવાનો સાથે જ દિવાળીનો તહેવાર મનાવે છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પરંપરાને જાળવી રાખતા જમ્મુ-કાશ્મીરના કારગિલ દ્રાસ પહોંચી ગયા છે.

અગાઉ વડાપ્રધાન મોદી દિવાળીના તહેવાર પર જુદા-જુદા સ્થળોએ પહોંચી રહ્યા છે. તેઓ સૌથી પહેલા 21 ઓક્ટોબરે બાબા કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ 23 ઓક્ટોબરે અયોધ્યાના દીપોત્સવમાં સામેલ થયા. સાથે જ અયોધ્યા પહોંચીને તેમણે રામલલા વિરાજમાનના પણ દર્શન કર્યા. પીએમ મોદીએ પોતાના ટ્વીટર પર દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી છે. 

October 23, 2022
babar_kohli-1280x843.jpg
1min237

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-૨૦ વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે ૧-૩૦ થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે. જોકે પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે. જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમક બેટિંગ નિર્ણાયક બનશે.

ભારતને ડેથ ઓવરમાં ૧૫ થી ૨૫ રન આપતું હોઈ ચિંતા છે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કે કાર્તિક કોને રમાડવા તે કોયડો છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવે છે. મેલબોર્નમાં વરસાદની આગાહી પણ છે. ચાહકો એવી પ્રાર્થના કરે છે કે વરસાદ ન પડે અને વિઘ્ન પડે તો પણ અમુક ઓવરોની મેચ પણ યોજાય. નિયમ પ્રમાણે ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવરની મેચ રમાડી શકાય.

કેપ્ટન રોહિત શર્મા અને કોહલી જેવા અનુભવી પણ ઈનિંગને બિલ્ટ અપ કરી શકવા સક્ષમ છે.

પાકિસ્તાને ભારતને એશિયા કપમાં હરાવ્યું હોઈ તેઓ આત્મવિશ્વાસ સાથે ઉતરશે.

October 21, 2022
happy-diwali.jpg
1min734

પ્રકાશ, ઉમંગનો તહેવાર દીવાળી દરવર્ષે કારતક મહિનાની અમાસે ઉજવવામાં આવે છે. આ વખતે દીપોત્સવ એટલે કે દીવાળી 24 ઑક્ટોબર 2022ના છે. પાંચ દિવસના આ તહેવારમાં સવાર-સાંજે રંગોળી બનાવવામાં આવે છે, પ્રદોષ કાળમાં દીવા પ્રગટાવવાની રીત છે. દીવાળી પર ખાસ તો માટીના દીવા પ્રગટાવવાનું મહત્વ છે. જ્યારે ભગવાન રામ લંકા પર વિજય પ્રાપ્ત કરી સીતા સાથે અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે આખું શહેર દીવાથી ઝગમગી ઊઠ્યું હતું. ભગવાન શ્રી રામના સ્વાગતમાં ચારેય તરફ પ્રકાશ જ પ્રકાશ હતો. પ્રાચીન કાળથી જ શુભ કાર્ય પહેલા દીવા પ્રગટાવવાની પરંપરા ચાલી આવી છે.

રંગોળી બનાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. શુભ કાર્યમાં લોટ, ચોખા કે માંડ અને હવે તો અનેક રંગોથી રંગોળી બનવવામાં આવે છે. રંગોળીનો અર્થ છે રંગ અને અવલ્લી (પંક્તિ). દીવાળીમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિભિન્ન પ્રકારના રંગોનો ઉપયોગ કરીને રંગોળી પૂરવામાં આવે છે.

કહેવામાં આવે છે કે રંગોળી ઉત્સાહનું પ્રતીક છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. માતા લક્ષ્મીજી ત્યાં વાસ કરે છે જ્યાં ઘરમાં સુખ-શાંતિ અને ઉત્સાહનો પ્રવાહ હોય. શાસ્ત્રો પ્રમાણે રંગોળી બનાવવાથી ઘરમાં આકર્ષણનું કેન્દ્ર એક જગ્યા પર બને છે. ધનતેરસથી લઈને દીવાળી સુધી દરરોજ સ્નાન બાદ સવારે ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મીના ચરણ ચિન્હ બનાવવામાં આવે. પદ ચિન્હ ઘરની અંદર તરફ આવતા હોવા જોઈએ. આથી મા લક્ષ્મી ઘરમાં બિરાજમાન થાય છે.
દીવાળીના દિવસે માટીના દીવા પ્રગટાવવાને ખૂબ જ શુભ માનવમાં આવે છે. માટીના દીવા પંચતત્વોને મિક્સ કરીને બનાવવામાં આવે છે જે ઘર અને આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
ઋગ્વેદ પ્રમાણે દીવામાં દેવતાઓનો તેજ રહે છે, આના પ્રકાશથી યશ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.

દીવાળીમાં માતા લક્ષ્મીની દરેક ઘરમાં પૂજા થાય છે આથી આ દિવસે ઘરનો કોઈપણ ખૂણે અંધારામાં ન રાખવો જોઈએ, કારણકે ધનનાં દેવી ત્યાં જ બિરાજમાન થાય છે જે ઘર પ્રકાશવાન છે. અનેક લોકો દીવાળીની આખી રાત એક દીપક પ્રજ્વલિત કરી રાખે છે જેથી માતા લક્ષ્મી સ્થિર થઈ જાય. કહેવામાં આવે છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

માન્યતા છે કે પૂજા-પાઠમાં દરેક કામ માટે ધાર્મિક ગ્રંથોમાં મંત્ર આપવામાં આવ્યા છે. આનું ઉચ્ચારણ કરતી વખતે શુભ કાર્ય કરવામાં આવે તો તેનો પ્રબાવ વધારે પડે છે. દીવાળી પર દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો – શુભમ્ કરોતિ કલ્યાણં, આરોગ્યં ધન સંપદામ્, શત્રૂ બુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતિ. માન્યતા છે કે આ મંત્રથી વાસ્તુ દોષ દૂર થાય છે.

October 19, 2022
engpak.jpg
1min237

ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લેવા નહીં જાય એ તેના કારણે એશિયા કપ પણ પાકિસ્તાનની જગ્યાએ તટસ્થ દેશમાં ખસેડાશે તેવા સંજોગો નિર્માણ પામ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડની એ.જી.એમ.માં આજે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ ભલે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હોય તો પણ પાકિસ્તાનમાં રમવા માટે નહીં જાય. ભારતીય ક્રિકેટ બોર્ડના આવા નિર્ણયથી ક્રિકેટ જગતમાં અને વિશેષ કરીને પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાએ ભારે રોષ સાથે ધમકી આપી છે કે જો ભારત એશિયા કપ રમવા નહીં આવે તો અમે આવતા વર્ષે ભારતમાં યોજનારા વનડેના વર્લ્ડ કપમાં ભાગ લેવા નહીં જઈએ.

આમ તો ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે દ્વીપક્ષિય ક્રિકેટ રમવાનાં સંબંધ રાજકીય તનાવ અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ હજુ પણ પ્રવર્તતો હોઈ દોઢ દાયકાથી નથી. ભારત પાકિસ્તાનમાં છેલ્લે ૨૦૦૮માં એશિયા કપ રમ્યું હતું.

આમ છતાં આઇસીસી આયોજિત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારત રમશે તેવું ઠરાવવામાં આવ્યું હોઈ એશિયા કપ, ચેમ્પિયન્સ ટ્રોફી કે ટી-૨૦ અને વન ડેના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાઓ થતા જ રહ્યા છે. પાકિસ્તાન ભારતમાં આવીને પણ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમ્યું છે. જોકે ભારત માટે આટલા વર્ષોમાં નિર્ણાયક સમય નહોતો આવ્યો તેનું કારણ એ હતું કે સલામતિના કારણોસર પાકિસ્તાનને ભોગે કોઈ ટુર્નામેન્ટ આઇસીસી દ્વારા અપાતી જ નહોતી. અન્ય દેશો પણ પાકિસ્તાન રમવા જવા તૈયાર નહોતા.

પણ છેલ્લા દોઢેક વર્ષથી ક્રમશઃ અન્ય ટીમો પાકિસ્તાન જતી થઇ છે. પાકિસ્તાન ક્રિકેટ લીગમાં પણ ભાગ લે છે. આવતા વર્ષ સુધીમાં પણ પાકિસ્તાનનું ક્રિકેટ પુનઃ સ્થાપિત વધુ થઈ ગયું હશે અને એશિયા કપ રમવા જવા માટે વિદેશી ટીમોને વાંધો નહીં હોય.

રોટેશન પ્રમાણે એશિયા કપનો વારો ૨૦૨૩માં  પાકિસ્તાનનો છે.

ભારત અને અન્ય દેશોથી પાકિસ્તાનમાં રમવાના સંદર્ભમાં સ્થિતિ જુદી છે. અગાઉની પાકિસ્તાનના ભાગની ટુર્નામેન્ટ યુ.એ.ઇ.માં યોજવી પડી છે. પણ પાકિસ્તાન હવે ઘરઆંગણે યજમાન માટે સજ્જ છે. ભારત સિવાય કોઇ દેશને વાંધો નથી. ભારતના પાકિસ્તાન જોડેના સંબંધો તો વણસ્યા જ છે પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ કાશ્મીરમાં જારી જ છે.

પાકિસ્તાન બોર્ડને આર્થિક રીતે પગભર થવા ભારત સામે રમવું અત્યંત જરૂરી છે. આઇસીસીની આવકનો હિસ્સો પાકિસ્તાન બોર્ડને મળે.

October 9, 2022
ShivSena.jpeg
1min314

ચૂંટણી પંચે હાલ શિવસેના નામ પર અને તેના ચિન્હ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જેને પગલે હાલ શિવસેનાના બેમાંથી એક પણ જૂથને શિવસેના નામ અને તેના ચિન્હ ધનુષનો ઉપયોગ કરવા નહીં દેવાય. જ્યારે બન્ને જૂથોએ ૧૦મી ઓક્ટોબરે બપોરે ૧ વાગ્યા સુધી પોત પોતાના નવા ચૂંટણી ચિન્હ ચૂંટણી પંચ સમક્ષ રજુ કરવાના રહેશે. ફ્રી ચિન્હોમાંથી કોઇ પસંદ કરવાના રહેશે. 

આઠ ઓક્ટોબરના રોજ જારી કરેલા પોતાના આદેશમાં ચૂંટણી પંચે કહ્યું છે કે શિવસેના ધનુષ અને તીર ચૂંટણી ચિન્હ સાથે મહારાષ્ટ્રમાં એક માન્યતા પ્રાપ્ત પક્ષ છે. ૨૫મી જૂન, ૨૦૨૨ના રોજ ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેશાઇએ પંચને એકનાથ શિંદેના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યો દ્વારા પાર્ટી વિરોધી ગતિવિધિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું. તેઓએ શિવસેના અથવા બાળાસાહેબના નામનો ઉપયોગ કરીને કોઇ પણ રાજકીય પક્ષની સ્થાપના સામે વિરોધ નોંધાવ્યો હતો. 

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે બાદ અનિલ દેસાઇએ ૦૧.૦૭.૨૦૨૨ના રોજ મોકલવામાં આવેલા ઇમેલમાં ૩૦ જુનના જારી કરાયેલા ત્રણ પત્રોને પણ અટેચ કર્યા હતા. જેમાં એ ઉલ્લેખ કરાયો હતો કે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેનારા ચાર સભ્યોએ સ્વેચ્છાએ પાર્ટીનું સભ્યપદ છોડી દીધુ છે. અને તેથી સભ્યોને શિવસેના નેતાના ઉપનેતાના પદેથી હટાવવામાં આવે છે. જેમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, તાંજી સાવંત અને ઉદય સાવંત સામેલ હતા. 

સાથે જ જણાવવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રમુખ છે. તેવી જ રીતે એકનાથ શિંદે જૂથ દ્વારા પણ પક્ષના નામ અને ચિન્હ પર પોતાનો દાવો કરવામાં આવ્યો છે. બન્ને જૂથ દ્વારા હાલ શિવસેના નામ અને ચિન્હને લઇને ખેંચતાણ ચાલી રહી છે અને બન્નેની ફરિયાદો પર ચૂંટણી પંચ વિચારણા કરી રહ્યું છે. હાલ બન્નેમાંથી કોઇ જૂથ નામ કે ચિન્હનો આગામી આદેશ સુધી ઉપયોગ નહીં કરી શકે તેવી ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી દીધી છે. તેથી હાલ આગામી ત્રણ નવેમ્બરના રોજ અંધેરી પૂર્વની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આ બન્ને જૂથોમાંથી કોઇ પણ નામ કે ચિન્હનો ઉપયોગ નહીં કરી શકે. હાલ એવી છૂટ જરૂર આપવામાં આવી છે કે જે બન્ને જૂથ ઇચ્છે તો પોત પોતાના નામની પાછળ સેના શબ્દનો ઉપયોગ કરી શકે છે. હાલ ૧૦મીએ આ બન્ને જૂથોએ પંચ સમક્ષ નામ અને ફ્રી ચિન્હોમાંથી ત્રણ વિકલ્પ પ્રાથમિક્તાના આધારે બતાવવા પડશે.