પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ટાણે પહેલેથી જ SIR હેઠળ મતદારોના નામ કપાવાનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હજુ પણ 60 લાખ મતદારોના નામ પર વિચારણા ચાલી રહી હોવાનો ડેટા જાહેર થયો છે. ચૂંટણી પંચે આજે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)માં વિચારાધીન 60 લાખ મતદારોના નામનો ડેટા જાહેર કર્યો છે.
ચૂંટણી પંચે પહેલીવાર જિલ્લા મુજબ નામ દાખલ કરવાની અને હટાવવાની માહિતી શેર કરી છે. પંચના જણાવ્યા મુજબ, બંગાળમાં એસઆઇઆર પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં કુલ 90.66 મતદારોના નામ હટાવવામાં આવ્યા છે. પંચે 2025માં પ્રથમ તબક્કા હેઠળ ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં 58.2 લાખ મતદારોના નામ હટાવાયા હતા, ત્યારપછી ફેબ્રુઆરી-2026માં અંતિમ યાદી જાહેર કરાઈ હતી અને આમાં વધુ 5.46 લાખ મતદારો નામ કપાયા છે.
ચૂંટણી પંચે કહ્યું છે કે, ડેટામાં ટેકનિકલ સમસ્યાના કારણે 60 લાખથી વધુ મતદારોની ઊંડાઈપૂર્વક તપાસ કરીને ખાતરી કરાઈ રહી છે. અધિકારીઓ સંપૂર્ણ ચોક્સાઈથી તપાસ કરી શકે તે માટે આ મતદારોના નામ ન્યાયિક પ્રક્રિયા હેઠળની રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 59.84 લાખ મતદારોની ખાતરી કરી લેવાઈ છે, જેમાં સંપૂર્ણ તપાસ બાદ લગભગ 32.68 લાખ યોગ્ય મતદારોના નામ યાદીમાં નોંધવામાં આવ્યા છે, જ્યારે પાત્રતા વિનાના 27.16 લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે.
બંગાળમાં 23-29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા બાદ જિલ્લા મુજબ નામ જોડવાનો અને હટાવવાનો ડેટા જાહેર કરાયો છે. ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય, SIRની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવાનો અને મતદાર યાદીની વિશ્વસનિયતા વધારવાનો છે. અત્રે એ જણાવી દઈએ કે, આ ડેટા હવે જાહેરમાં ઉપલબ્ધ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલ-2026ના રોજ મતદાન યોજોવાનું છે, જ્યારે ચોથી મેના રોજ મતગણતરી થવાની છે.
એપ્રિલની શરૂઆતથી જ સમગ્ર દેશમાં હવામાન પલટાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં આંધી-વરસાદે કહેર મચાવ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ પ્રમાણે, આ સપ્તાહે ઉત્તર પશ્ચિમ ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર 7 અને 8 એપ્રિલે સૌથી વધારે જોવા મળશે. આ દરમિયાન 12 રાજ્યોમાં આંધી-વરસાદની સાથે કરાનું એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે. 8 એપ્રિલથી રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે.
ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી આંધી-વરસાદની સાથે કરા પડી શકે છે. આઈએમડી અનુસાર 7 અને 8 એપ્રિલે પશ્ચિમ યુપીમાં આંધી-વરસાદ, 8-9 એપ્રિલે પૂર્વ યુપીમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન આશરે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં બુધવાર સુધી ભારે વરસાદ અને કરા પડી શકે છે.
બિહારમાં પણ આંધી-વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન 50 થી 70 કિમીને ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તરાખંડમાં મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે 72 કલાક સુધી ભારે પવન સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરી છે. વીજળી પડવાની સાથે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે.
પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. રાજસ્થાનના અનેક હિસ્સામાં છેલ્લા બે દિવસમાં થયેલા વરસાદ-કરાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. 6-7 એપ્રિલે ભારે પવન ફૂંકાઈ શકે છે અને પશ્ચિમ તથા પૂર્વ રાજસ્થાનમાં ક્યાંક કરા પડ શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડમાં કેટલીક જગ્યાએ 6 થી 8 એપ્રિલ દરમિયાન કરા, વરસાદની શક્યતા છે. આ દરમિયાન હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. ઓડિશાના કેટલાક જિલ્લામાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે.
જૂન 2025માં વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત દેશની વસ્તી ગણતરીનું કાર્ય ૧ એપ્રિલથી શરુ થશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર જાતિગણના આ પ્રક્રિયાની બીજા તબક્કામાં શરુ થશે જેને જનસંખ્યા ગણના નામ આપવામાં આવ્યું છે. રજિસ્ટ્રાર જનરલ અને જનગણવા આયુકત મુત્યુજય કુમાર નારાયણે પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય જનગણનાની વ્યૂહરચનાનું વિસ્તારથી વર્ણન કર્યુ હતું. વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં આવાસ સૂચીકરણ અને જન ગણના, આવાસની સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ અને ઘરેલું સંપતિઓ પર કેન્દ્રીત છે જે બીજા ચરણ માટે એક મૂળભૂત આધાર આપશે.
વસ્તી ગણતરીના બીજા ચરણમાં જનસાંખ્યિકીય,સામાજિક- સાંસ્કૃતિક અને આર્થિક માપદંડો પરના ડેટા પ્રદાન કરે છે જેમાં પ્રવાસન અને પ્રજનનદરનો સમાવેશ થાય છે. વસ્તી ગણતરીનું પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે. જનગણના ૨૦૨૭માં ૩૬ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો,૭૮૪ જિલ્લા,૫૧૨૭ શહેર અને ૬૩૯૯૦૨ ગામોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ના અપડેશન અંગે અત્યાર સુધી કોઇ નિર્ણય નહી લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગત જૂન મહિનામાં કેન્દ્ર દ્વારા એક અધિસૂચના બહાર પાડીને ૨૦૨૭ની વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની આજે 30/03/2026 હુંડિયામણ અને શેર બજાર સહિતના બજારો પર અસર યથાવત્ રહી હતી. બીજીબાજુ આરબીઆઈએ રૂપિયાને તૂટતો બચાવવા માટે લીધેલા પગલાંના કારણે હુંડિયામણ બજારમાં આજે રૂપિયામાં બેતરફી રેકોર્ડ બ્રેક અફડાતફડીના અંતે ડોલર ઉછળી પ્રથમવાર રૂ.૯૫ની સપાટી કુદાવી રૂ.૯૫.૨૪ની નવી ટોચે પહોંચી જતાં રૂપિયો નવા નીચા તળિયે પટકાયો હતો.
આરબીઆઈએ રૂપિયામાં અસ્થિરતા રોકવા લીધેલા પગલાંના કારણે સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી વધ્યો હતો પરંતુ તેની અસર માંડ અડધો કલાક રહી હતી. વૈશ્વિક પરિબળો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના પગલે રૂપિયામાં ઉછાળો ઉભરા જેવો નિવડયો હતો અને બપોર પછી રૂપિયો ફરી ગબડયો હતો. ડોલરના ભાવ ઇન્ટ્રા-ડે સ્પ્રિંગની જેમ ઉછળી ૯૫.૨૪ પહોંચ્યા હતા. રૂપિયાને ઉગારવા રિઝર્વ બેન્કના વિવિધ પગલાઓ વચ્ચે રૂપિયા સામે ડોલરના ભાવ જે શનિવારે બંધ બજારે રૂ.૯૫ બોલાયા હતા તે સોમવારે સવારે રૂ.૯૩.૫૯ ખુલી નીચામાં ભાવ રૂ.૯૩.૫૭ સુધી બોલાઈ ગયા હતા. જો કે ત્યારબાદ ડોલરના ભાવ ફરી ઉછળી ઉંચામાં ભાવ રૂ.૯૫.૨૪ની ટોચે પહોંચી રૂ.૯૫.૧૧ રહ્યા હતા. શેરબજારમાં નવો કડાકો બોલાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૧૧૭ ડોલર નજીક પહોંચી ગયાના નિર્દેશો વચ્ચે ં રૂપિયા પર દબાણ ચાલુ રહ્યું હતું
રિઝર્વ બેન્કના સૂત્રોના જણાવ્યા મુજબ ઓનશોર ડિલીવરેબલ માર્કેટમાં દરેક દિવસના અંતે ભારતીય રૂપિયાની નેટ ઓપન પોઝીશન ૧૦ કરોડ ડોલરની સપાટીની અંદર રાખવાનું ઓથોરાઈઝડ ડિલર્સને જણાવવામાં આવ્યું છે. ડોલરમાં તેજીનો સટ્ટો કાબુમાં રાખવા રિઝર્વ બેન્કે આવો આદેશ બહાર પાડતાં મુંબઈ કરન્સી બજારમાં સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી ઉંચકાયો હતો. જો કે ત્યાર બાદ ડોલર ફરી ઉછળતાં રૂપિયો ગબડી રૂ.૯૫ની અંદર જતો રહ્યો હતો.
દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૩૪ થઈ ૧૦૦.૨૫ રહ્યાના નિર્દેશો હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સમાં માર્ચમાં નોંધાયેલી વૃદ્ધિ છેલ્લા ૮ મહિનાની સૌથી મોટી મંથલી વૃદ્ધિ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વોર-ઈફેકટ વચ્ચે વિશ્વ બજારમાં ડોલરમાં સેફ-હેવન બાઈંગ જોવા મળ્યું હતું.
દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૫ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૨૪.૧૭ થઈ રૂ.૧૨૫.૩૮ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૬ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૭.૮૨ થઈ રૂ.૧૦૮.૯૪ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૦૩ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૧૧ ટકા માઈનસમાં રહી હતી.
ડોલર સામે આજે 30/03/2026 રૂપિયામાં બેતરફી ૧૬૭ પૈસાનો ઉછળકુદ નોંધાતા દૈનિક વધઘટનો પણ નવો રેકોર્ડ સર્જાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં દેશમાં ફુગાવો તથા મોંઘવારી વધશે.
મુંબઈ કરન્સી બજારમાં 30/03/2026 સોમવારે મોડી સાંજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઘટી રૂ.૯૪.૭૭ રહ્યા હતા જે ઉંચામાં રૂ.૯૫.૨૪ સુધી ઉછળ્યા હતા. આમ સોમવારે આખા દિવસ દરમિયાન રૂપિયા તથા ડોલરના ભાવમાં બેતરફી મોટી ઉછળકૂદ દેખાઈ હતકી. દરમિયાન, મોડી સાંજે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૧૨૫.૫૧ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ મોડી સાંજે રૂ.૧૦૯ બોલાઈ રહ્યા હતા.
મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ઉર્જા પુરવઠા પર ખૂબ ગંભીર દેખાઈ રહી છે. હાલ LPGની તંગી વચ્ચે LPG પરનું દબાણ ઘટાડવા અને સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ કટોકટીના પગલાની જાહેરાત કરી છે. સત્તાવાર આદેશ અનુસાર, સર
કારે ઘરગથ્થુ વપરાશ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ કેરોસીનની એડ-હોક ફાળવણી કરી છે. આ 60 દિવસની ઈમરજન્સી વ્યવસ્થા હેઠળ ફાળવવામાં આવેલ કેરોસીનનો ઉપયોગ મુખ્યત્વે રસોઈ બનાવવા અને પ્રકાશ માટે કરી શકાશે, જેથી LPGના પુરવઠામાં આવતા અવરોધો સામે લોકોને વૈકલ્પિક ઇંધણ મળી રહે.
નોંધવા જેવી વાત એ છે કે, આ નિર્ણય હેઠળ દેશના એવા 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કામચલાઉ ધોરણે કેરોસીનનું વિતરણ ફરી શરૂ કરવામાં આવશે, જેમને અગાઉ ‘PDS કેરોસીન મુક્ત’ જાહેર કરવામાં આવ્યા હતા. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જે પરિવારો હાલમાં LPGની મર્યાદાઓ અથવા અન્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમને પાયાની જરૂરિયાતો માટે આવશ્યક ઇંધણની સુવિધા સતત મળતી રહે. આ પગલાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મોટી આર્થિક અને વ્યવહારિક રાહત મળવાની અપેક્ષા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ૨૯ માર્ચ, ૨૦૨૬ના રોજ એક મહત્વનું જાહેરનામું બહાર પાડીને દેશભરમાં ઉર્જા પુરવઠા પરના દબાણને હળવું કરવા માટે કટોકટીના પગલાં જાહેર કર્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉર્જા પુરવઠામાં સર્જાયેલા અવરોધોને ધ્યાનમાં રાખીને, સરકારે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ સુપિરિયર કેરોસીન ઓઈલની એડ હોક ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ સહિત કુલ ૨૧ એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કે જેમને અગાઉ ‘કેરોસીન મુક્ત’ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યાં ફરીથી ઘરગથ્થુ વપરાશ માટે રસોઈ અને પ્રકાશના હેતુસર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે સરકારે પેટ્રોલિયમ નિયમોમાં કેટલીક મહત્વની છૂટછાટો પણ આપી છે. નવા આદેશ મુજબ, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ પર હવે ૫,૦૦૦ લિટર સુધી કેરોસીનનો સંગ્રહ કરવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત, એજન્ટો અને ટેન્કર વાહનોને પણ વિતરણ માટે જરૂરી પરવાનાઓમાં વિશેષ મુક્તિ અપાઈ છે જેથી સામાન્ય જનતા સુધી ઇંધણ પહોંચાડવામાં વિલંબ ન થાય.
એરલાઇન્સે એક જ પીએનઆર ધરાવતાં પ્રવાસીઓને નજીક બેઠકો ફાળવવી પડશે
દેશમાં નાગરિક ઉડ્ડયન વિભાગમાં નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ- દ્વારા એરલાઇન્સ માટે સૂચવવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર પ્રવાસીઓની સુવિધાઓને બહેતર બનાવવા માટે ફલાઇટમાં ઓછામાં ઓછી ૬૦ ટકા બેઠકો મુક્તપણે ફાળવવાની રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો વેબ ચેક ઇન યા બેઠકની પસંદગી કરતી વખતે પ્રવાસીઓ પાસેથી પડાવવામાં આવતાં વધારાના દરો પર નિયંત્રણ આવશે. પ્રવાસીઓના અધિકારોને વધારે અસરકારક બનાવવા માટે પણ ડીજીસીએ દ્વારા વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા છેે. ભારતનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ બની ચૂક્યુ છે અને દેશમાં એરપોર્ટ્સ પર રોજ પાંચ લાખ પ્રવાસીઓ આવનજાવન કરે છે.
ડીજીસીએના માર્ગદર્શક આદેશ અનુસાર વિમાનપ્રવાસને વધારે સરળ અને પારદર્શક બનાવવા માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ઘણી એરલાઇન્સ ટિકિટ બુક કરાવ્યા પછી અથવા વેબ ચેક ઇન દરમ્યાન પસંદગીની બેઠકો ફાળવવા માટે વધારે ચાર્જ વસૂલ કરતી હતી. નવા નિર્દેશોનો હેતુ આ પ્રકારની પ્રવૃત્તિ પર લગામ તાણવાનો છે.
એરલાઇન્સને જણાવવામાં આવ્યું છે કે એક જ પીએનઆર પર પ્રવાસ કરનારા યાત્રીઓને સાથે પ્રવાસ કરવા મળે તે માટે તેમને નજીક નજીક બેઠકો ફાળવવામાં આવે. હાલ એકબીજાની પાસે બેસી પ્રવાસ કરવા માટે સીટ પસંદ કરો તો તેનો અલગ ચાર્જ ચૂકવવો પડે છે. આ ઉપરાંત એરલાઇન્સને રમતગમતના કે સંગીતના સાધનો લઇ જવાની સુવિધા બાબતે પણ પારદર્શી અભિગમ દર્શાવવાનો રહેશે. આ જ રીતે પાળેલાં જનાવરોના પ્રવાસ બાબતે પણ સ્પષ્ટ નિયમો નક્કી કરવા જણાવાયું છે.
સરકારે ફલાઇટ મોડી પડે, કેન્સલ થાય કે બોર્ડિંગ અટકાવવામાં આવે ત્યારે પ્રવાસીઓના અધિકારો શું છે તેની જાણ એરલાઇન્સે તેની વેબસાઇટ, મોબાઇલ એપ, બુકિંગ પ્લેટફોર્મ અને એરપોર્ટ્સ પરના કાઉન્ટર્સ પર સ્પષ્ટ દર્શાવવાના રહેશે. પ્રવાસીઓના અધિકારોને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રકાશિત કરવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત પ્રવાસીઓને કિફાયતી દરે ભોજનની સુવિધા આપવા માટે ઉડાન યાત્રી કેફે અને મફત પુસ્તકો વાંચવા માટે ફ્લાયબ્રેરી અને મફત વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની પણ એરલાઇન્સને સૂચના અપાઇ છે.
મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કુવાઓ પર મિસાઈલ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. ભારતીય શેરબજારમાં પણ ગુરુવારે શરૂઆતી મિનિટોમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું છે. અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધે હવે ‘ઓઈલ વોર’નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાન દ્વારા કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર થયેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને 112 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ જબરદસ્ત ઉછાળાને કારણે આજે એશિયાઈ બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ સુનામી જેવી સ્થિતિ સર્જાઈ છે.
Date 19/03/2026 ગુરુવારે ટ્રેડિંગની શરૂઆત થતાની સાથે જ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,704 ની સરખામણીએ સીધો 74,750 પર ખુલ્યો હતો અને જોતજોતામાં તે 1900 પોઈન્ટ તૂટીને 74,685 સુધી નીચે ઉતરી ગયો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 23,777 ના અગાઉના સ્તરથી 550 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 23,197 પર ખુલ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી બજારમાં જોવા મળી રહેલી તેજી પર આજે બ્રેક લાગી ગઈ છે.
વૈશ્વિક બજારોમાં પણ કોહરામ
ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વના બજારો આજે લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે:
જાપાન: નિક્કેઈ ઈન્ડેક્સમાં 1500 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે.
હોંગકોંગ: હેંગસેંગ ઈન્ડેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.
દક્ષિણ કોરિયા: કોસ્પી ઈન્ડેક્સમાં પણ 1.50% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
બજારમાં આવેલી આ સુનામીમાં બ્લુચિપ કંપનીઓના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. સૌથી વધુ પ્રભાવિત થયેલા શેરોમાં HDFC Bank (4.50%), L&T (3.50%), Eternal (3%), અને Bajaj Finance (2.80%) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત Axis Bank, Asian Paints અને Kotak Bank જેવા મોટા શેરો પણ 2% થી વધુ તૂટ્યા છે.
પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના કુલ 17.4 કરોડ મતદાર ચૂંટણી પર્વ સામેલ થશે, જ્યારે પાંચ રાજ્યની કુલ 824 વિધાનસભાની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજવામાં આવશે, જ્યારે મે મહિનામાં પરિણામ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બંગાળ સહિત અન્ય રાજ્યની ચૂંટણીની સાથે આદર્શ આચારસંહિતા લાગુ કરવાની જાહેરાત કરી હતી.
ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટેની તારીખ જાહેર કરી દીધી છે. આસામ, કેરળ અને પોડિચેરીમાં 9 એપ્રિલે મતદાન થશે, જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં વોટિંગ યોજાશે. પશ્ચિમ બંગાળમાં મતદાન બે તબક્કામાં 23 એપ્રિલ અને 29 એપ્રિલે થશે. આ દરેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે.
આ પાંચ રાજ્યોની કુલ 824 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો, તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો, આસામમાં 126 બેઠકો, કેરળમાં 140 વિધાનસભા બેઠકો અને પુડુચેરીમાં 30 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.
મતદારોની વાત કરવામાં આવે તો, આસામમાં 2.50 કરોડ મતદાતાઓ, કેરળમાં 2.70 કરોડ મતદાતાઓ, પુડુચેરીમાં 9.44 લાખ મતદારો, તમિલનાડુમાં 5.67 કરોડ મતદારો અને પશ્ચિમ બંગાળમાં 6.44 કરોડ મતદારો મતદાન કરવાના છે. મતદાનની વાત કરીએ તો, આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. તમિલનાડુમાં પણ 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં, 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે.
ચૂંટણીની તારીખો જાહેર કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, અમે પાંચ રાજ્યોમાં 25 લાખ અધિકારીઓને તૈનાત કર્યા છે. આમાં 8,50,000 સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરવામાં આવશે. આ પાંચ રાજ્યોમાં 2,18,000 પોલિંગ બુથ સ્થાપિત કરવામાં આવશે. વધુમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, BLO ને ઓળખ કાર્ડ આપવામાં આવશે. આ ચૂંટણીને લગતી તમામ વિગતો ECI-NET પર ઉપલબ્ધ રહેશે. મતદાન પૂર્ણ થયા પછી તરત જ મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવશે. મતગણતરી પ્રક્રિયા માટે 40,000 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, આસામમાં 20 મે 2026, કેરળમાં 23 મે 2026, પુડુચેરીમાં 15 જૂન, તમિલનાડુમાં 10 મે 2026 અને પશ્ચિમ બંગાળમાં 7 મે 2026 થી વર્તમાન સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ રાજ્યોમાં ચૂંટણી માટે અંદાજે 15 લાખ મતદાન કર્મચારીઓ, 8,50,000 સુરક્ષા કર્મચારી, મતદાન માટે 49,000 માઇક્રો-ઓબ્ઝર્વર્સ, 1,444 નિરીક્ષકો, લગભગ 40,000 મતગણતરી અધિકારીઓ, 21,000 સેક્ટર અધિકારી અને ગણતરી માટે 15,000 માઇક્રો-ઓબ્ઝર્વર્સ તૈનાત કરવામાં આવ્યા હોવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાની બાબત સુવિધાજનક છે સાથે ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી કે ચૂંટણી પછી હિંસા માટે સંબંધિત અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજકીય હિંસા અને ચૂંટણીમાં અવરોધ ઊભા કરનારા સામે કડક પગલા લેવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને પ્રત્યેક મતદાન કેન્દ્ર પર સરેરાશ મતદારની સંખ્યા 750-900 આસપાસ રહેશે.
મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે, જેનાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે.
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ઓઈલ કંપનીઓએ 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 07 માર્ચ 2026 થી જ અમલી બની ગયા છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2025 પછી ઘરેલું સિલિન્ડરના ભાવમાં આ પ્રથમ વધારો છે.
મેટ્રો શહેરોમાં નવી કિંમતો (14.2 કિલો સિલિન્ડર):
દિલ્હી: ₹853 થી વધીને ₹913
કોલકાતા: ₹879 થી વધીને ₹939
ચેન્નાઈ: ₹868.50 થી વધીને ₹928.50
કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં હવે ₹1883 અને મુંબઈમાં ₹1835 થયો છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, દેશમાં ઉર્જા અને ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગ્રાહકોએ પુરવઠામાં અવરોધ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સરકાર સસ્તું અને ટકાવ ઈંધણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાના અહેવાલોને અફવા ગણાવી ફગાવી દેવામાં આવ્યા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ખોરવાવાની આશંકા હોવા છતાં ભારત અત્યારે ‘કમ્ફર્ટેબલ’ સ્થિતિમાં છે. ભારત પાસે વિવિધ સ્ત્રોતોમાંથી એટલો એનર્જી સપ્લાય ઉપલબ્ધ છે કે જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પ્રભાવિત થનારા જથ્થા કરતાં ઘણો વધારે છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના વધતા ભાવોની અસર કિંમતો પર જોવા મળી રહી છે.
ICC T-20 Cricket વર્લ્ડ નંબર-વન ભારતે 05/03/2026 વાનખેડે સ્ટેડિયમમાં નંબર-ટૂ ઇંગ્લૅન્ડને ટી-20 વર્લ્ડ કપની દિલધડક સેમિ ફાઇનલમાં હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને હવે ત્રીજું ટાઇટલ ફક્ત એક ડગલું દૂર છે. ભારતને સતત બીજી વખત અને વિક્રમજનક ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીતવાનો સુવર્ણ મોકો મળ્યો છે. રવિવારે 08/03/2026 અમદાવાદની ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી)માં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે મુકાબલો થશે. નસીબવાન ઓપનર સંજુ સૅમસન (89 રન, 42 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) સતત બીજા મુકાબલામાં મૅચ-વિનર બન્યો હતો. તે 15મા રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકે તેનો કૅચ છોડ્યો હતો અને સૅમસનને મળેલું જીવતદાન બ્રિટિશરોને છેવટે ભારે પડ્યું. વાનખેડેની સાત નંબરની પિચ પર રમીને ભારતીયો સાત રનથી જીત્યા.
ભારતે 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ શરૂઆતથી વિકેટ ગુમાવતી રહી હતી. જૅકબ બેથેલ (105 રન, 48 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) એકલા હાથે ભારતીય બોલર્સ સામે ઝઝૂમ્યો હતો. તેની સેન્ચુરી યાદગાર બની, પણ મૅચ-વિનિંગ ન બની શકી. ઇંગ્લૅન્ડ 254 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી શક્યું અને ભારતનો સાત રનથી રોમાંચક વિજય થયો હતો.
ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર વિલ જૅક્સે (35 રન, 20 બૉલ, બે સિક્સર, ચાર ફોર) જૅકબ બેથેલ સાથે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કર્યા બાદ વિકેટ ગુમાવી હતી. મૅચને ટર્ન અપાવનાર આ વિકેટમાં અર્શદીપના ત્રણ વાઇડ પછીના બૉલમાં જૅક્સના ઊંચા શૉટમાં અક્ષર પટેલે બૉલ ઝીલ્યા બાદ સમયસૂચકતા વાપરીને બાઉન્ડરી લાઇનની બહાર જતાં બૉલ શિવમ દુબે તરફ ફેંક્યો હતો અને દુબેએ કૅચ ઝીલી લીધો હતો. એ પાંચમી વિકેટ વખતે કુલ સ્કોર 172 રન હતો અને ત્યાર બાદ સૅમ કરૅન અને બેથેલે ટીમને જિતાડવાની ખૂબ કોશિશ કરી હતી, પણ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીયો સામે તેમનું કંઈ નહોતું ચાલ્યું અને છેવટે બ્રિટિશરોએ હાર સ્વીકારવી પડી હતી.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત સેમિ ફાઇનલ રમાઈ અને જે ભારતે જીતી લીધી. કૅપ્ટન સૂર્યાએ ગેમપ્લાન બદલીને 18મી ઓવર બુમરાહને અને 19મી ઓવર હાર્દિકને આપી હતી જેમાં અનુક્રમે માત્ર છ રન તથા નવ રન બન્યા હતા. શિવમ દુબેને આ મૅચમાં પહેલી જ વખત બોલિંગ અપાઈ અને એ પણ અંતિમ ઓવર જેમાં તેણે બાકીના 30 રન ડિફેન્ડ કર્યા હતા. એ ઓવરના પ્રથમ બૉલમાં જૅકબ બેથેલ રનઆઉટ થયો હતો. હાર્દિકના થ્રોમાં વિકેટકીપર સૅમસને આબાદ કલેક્ટ કરીને બેથેલને રનઆઉટ કરી દીધો હતો અને ત્યારે જ ભારતીયોએ જીતનું સેલિબે્રશન શરૂ કરી દીધું હતું.
બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500મી વિકેટ લીધી હતી અને હૅરી બ્રૂક તેનો 500મો બહુમૂલ્ય શિકાર બન્યો હતો. બુમરાહ 500 કે વધુ વિકેટ લેનાર આઠમો ભારતીય બોલર બન્યો છે.
એ પહેલાં, ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભરોસાપાત્ર ઓપનર સંજુ સૅમસન ઉપરાંત ચાર બૅટ્સમેનની સાધારણ છતાં આક્રમક ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 253 રન કરીને ઇંગ્લૅન્ડને 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. સૅમસન માત્ર 15 રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકથી તેનો આસાન કૅચ છૂટી ગયો હતો જેનો સૅમસને પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.
ટીમ ઇન્ડિયાના પત્ની સાક્ષી સાથે આવેલા એમએસ ધોનીની હાજરીમાં ભારતીય બૅટ્સમેનોએ જબરદસ્ત ફટકાબાજી કરી હતી. જોકે તેઓ 256 રનનો આ વર્લ્ડ કપનો પોતાનો જ વિક્રમ તેમ જ 260 રનનો શ્રીલંકાનો વર્લ્ડ કપનો વિશ્વવિક્રમ નહોતા તોડી શક્યા.
અભિષેક શર્મા (નવ રન)એ બીજી જ ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ સૅમસને બાજી સંભાળી લીધી હતી અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની અણનમ 97 રનની ઇનિંગ્સ જેવું રમ્યો હતો. સૅમસન 14મી ઓવરમાં કુલ 160 રનના સ્કોર પર સ્પિનર વિલ જૅક્સના બૉલમાં ફિલ સૉલ્ટના હાથમાં કૅચઆઉટ થયો ત્યાર પછી ટીમ ઇન્ડિયાનું રનમશીન ધીમું પડી ગયું હતું. ત્યાર પછી લગભગ અઢી ઓવર બાદ સૂર્યકુમારે શિવમ સાથે 30 રનની ભાગીદારી કરીને વિકેટ ગુમાવી હતી.
32,000-પ્લસ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ઇશાન કિશન (39 રન, 18 બૉલ, બે સિક્સર, ચાર ફોર), ચોથા નંબર પર મોકલવામાં આવેલા શિવમ દુબે (43 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, એક ફોર), હાર્દિક પંડ્યા (27 રન, 12 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તથા તિલક વર્મા (21 રન, સાત બૉલ, ત્રણ સિક્સર)એ નાના-મોટા યોગદાન સાથે છગ્ગા-ચોગ્ગાથી પ્રેક્ષકોનું અને સેલિબ્રિટીઝનું મનોરંજન કર્યું હતું. સૅમસન અને ઇશાન બાદ શિવમ, હાર્દિક તથા તિલક વર્માએ મેદાનની ચારેય બાજુએ બૉલ બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. ઇંગ્લૅન્ડના છ બોલર્સમાં સ્પિનર વિલ જૅક્સ તથા બીજા સ્પિનર આદિલ રાશીદ બે-બે વિકેટ સાથે સૌથી સફળ રહ્યા હતા.
વાનખેડેમાં ઉપસ્થિત સેલિબ્રિટીઝમાં આઇસીસી ચૅરમૅન જય શાહ તેમ જ કે. એલ. રાહુલ, નીતા અંબાણી, શ્લોકા અંબાણી, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ, વરુણ ધવન, લક્ષ્મી મિત્તલ વગેરેનો સમાવેશ હતો. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહોતો કર્યો, જ્યારે ઇંગ્લૅન્ડે રેહાન અહમદના સ્થાને ઑવર્ટનને મોકો આપ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.