CIA ALERT

ગુજરાત Archives - Page 4 of 158 - CIA Live

April 12, 2026
electionbond.jpg
1min89

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક સ્વ એટલે કે પોતાનું રાજ ચાલતું હોય તેમ ઉમેદવારીપત્રો ભરાવાના છેલ્લા દિવસે જ 100 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, તેમાં મોટાભાગના ભાજપના છે. રાજ્યમાં મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની કુલ 10,005 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાનાર છે. જ્યારે બુધવાર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. આ સંજોગોમાં બિનહરીફ જીતનારની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 237 ઉમેદવારો બિનહરીફ થયા હતા તેમાં વધારો થશે કે ઘટાડો તેના ઉપર રાજકીય પંડિતોની નજર છે.

ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન, 11મી એપ્રિલના રોજ ઉમેદવારીપત્રો નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારી નોંધાવાઈ છે ત્યાં જ રાજ્યભરની કુલ દસ હજાર બેઠકોમાંથી એક ટકો એટલે કે 100 બેઠકો ઉપર ઉમેદવારો સીધા જ બિનહરીફ વિજેતા બન્યા છે. બિનહરીફ જાહેર થયેલાંમાં મોટાભાગના ભાજપના છે. સામે પક્ષે ઉમેદવારી ન નોંધાવાના કારણે અને એક જ ઉમેદવાર હોવાથી બિનહરીફ વિજેતા જાહેર થાય છે. તો, કોઈ સ્થળે નોંધાવાયેલી ઉમેદવારી ટેકનિકલ કારણોસર રદ થાય અને એક જ ઉમેદવાર વધે તો બિનહરીફ વિજેતા જાહેર થતાં હોય છે.

બિનહરીફ વિજેતા થનારાઓની સંખ્યા તાલુકા પંચાયતોમાં વિશેષ રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્વ એટલે કે પોતાના કે પક્ષના જોરે અન્ય કોઈની ઉમેદવારી ન નોંધાય તેવી સ્થિતિમાં બિનહરીફ વિજેતા જાહેર થાય છે.

ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે સૌથી મોટો વિજય ભાજપે કડી પાલિકા જીતીને મેળવ્યો છે. કડીની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ 1, 3 અને 6ની જ 12 બેઠકોનો સમાવેશ થાય છે. કચ્છમાં ભુજ પાલિકાની 3, નખત્રાણા તાલુકા પંચાયતની બે અને માંડવી તાલુકા પંચાયતની બે બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 9, ગણદેવી તાલકા પંચાયતમાં 6, તાપીમાં 4, વલસાડ તાલુકા પંચાયતમાં 5, મહેમદાવાદ નગર પાલિકા અને તાલુકા પંચાયતમાં 6, ઓલપાડ તાલુકા પંચાયતમાં 2, સુરેન્દ્રનગર તાલુકા પંચાયતમાં 2, ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ-1ની ચાર, પોરબંદરના વોર્ડ નંબર 12ની ચાર, તાલુકા પંચાયતની 3 બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. તો બનાસકાંઠામાં ચાર, જામજોધપુર તાલુકા પંચાયતમાં એક, ગોધરા પાલિકાના વોર્ડ 3, 4 અને 11માં ત્રણ મહિલા કાઉન્સિલર, ગોંડલ પાલિકાના વોર્ડ-7માં બે મહિલા અને રાજપિપળા પાલિકાના વોર્ડ-7માં પૂર્વ મહિલા પ્રમુખ બિનહરીફ થયાં છે. તો, કોંગ્રેસે હિંમતનગર પાલિકાના વોર્ડ-3માં એક બેઠક બિનહરીફ મેળવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના વાસણા વોર્ડમાં ચારમાંથી કોંગ્રેસના એક ઉમેદવાર ઓબીસી અનામત સર્ટીફિકેટ રજૂ ન કરી શકતાં એક સીટ ભાજપને બિનહરીફ મળી છે. વાસણા વોર્ડની ઓબીસી અનામત બેઠકમાં ચકાસણી બાદ ભગવતીબહેન ભરવાડ બિનહરીફ જાહેર થશે તો અમદાવાદમાં મતદાન પહેલાં જ ભાજપ જીતનું ખાતું ખોલાવશે.

April 7, 2026
image-4.png
1min118

Indian Embassy Vietnam Travel Advisory: વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાંની મુલાકાતે જતા ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્ત્વની એડવાઈઝરી બહાર પાડી છે. આ એડવાઈઝરીમાં મુખ્યત્વે બે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે: ફૂ ક્વોક(Phu Quoc) ટાપુ માટેના વિઝા નિયમો અને મુસાફરી દરમિયાન પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં ઊભા થતા જોખમો. હાલના સમયમાં ફૂ ક્વોક ટાપુ ભારતીય પ્રવાસીઓ માટે લોકપ્રિય બન્યો છે કારણ કે ત્યાં અમુક મર્યાદાઓ સાથે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા મળે છે, પરંતુ દૂતાવાસે ચેતવણી આપી છે કે આ છૂટછાટ માત્ર આ ટાપુ પૂરતી જ સીમિત છે.

દૂતાવાસના જણાવ્યા અનુસાર, વિઝા વગર માત્ર ફૂ ક્વોક ટાપુ પર જ રહી શકાય છે, ત્યાંથી વિયેતનામના મુખ્ય ભૂભાગ જેવા કે હો ચી મિન્હ સિટી અથવા હનોઈમાં પ્રવેશ મેળવી શકાતો નથી. જો કોઈ પ્રવાસી પાસે માન્ય વિઝા ન હોય અને ટાપુ પર રોકાણ દરમિયાન કોઈ તબીબી કટોકટી, ફ્લાઈટમાં વિક્ષેપ કે અન્ય કોઈ અનિવાર્ય કારણસર ટાપુ છોડવાની ફરજ પડે, તો તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વિઝા વગર મુખ્ય ભૂભાગમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવાથી તબીબી સારવારમાં વિલંબ, અવરજવર પર નિયંત્રણો અને ઈમિગ્રેશનને લગતી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આથી, દૂતાવાસે સલાહ આપી છે કે ભલે તમારો પ્રવાસ માત્ર ફૂ ક્વોક ટાપુ પૂરતો જ હોય, તો પણ અગાઉથી યોગ્ય વિયેતનામ વિઝા મેળવી લેવા હિતાવહ છે.

આ ઉપરાંત, બીજી મહત્ત્વની બાબત પાસપોર્ટ ખોવાઈ જવા અંગેની છે. જો કોઈ ભારતીય નાગરિક વિયેતનામમાં પોતાનો પાસપોર્ટ ખોઈ બેસે, તો તેણે તાત્કાલિક જે-તે વિસ્તારના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવી પડશે. આ ફરિયાદની નકલ હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ અથવા હો ચી મિન્હ સિટી સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયામાં જમા કરાવવાની રહેશે. જોકે ભારતીય સત્તાવાળાઓ તે જ દિવસે ઇમરજન્સી સર્ટિફિકેટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પ્રવાસીઓએ વિયેતનામીસ સત્તાવાળાઓ પાસેથી ‘એક્ઝિટ પરમિટ’ મેળવવા માટે ફરજિયાત રાહ જોવી પડે છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 3થી 5 કામકાજના દિવસો લાગે છે અને જ્યાં સુધી આ ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી ભારતીય નાગરિકોએ વિયેતનામમાં જ રોકાવું પડે છે, જેના કારણે પરત ફરવામાં વિલંબ થઈ શકે છે.

April 6, 2026
image-1.png
1min155

ગુજરાતમાં કારનું વેચાણ વધ્યું છે. નાણાકીય વર્ષ 2026માં ગુજરાતના પેસેન્જર વ્હીકલ માર્કેટમાં 11% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આ વૃદ્ધિ ક્લીન મોબિલિટી તરફના સંપૂર્ણ ઝુકાવને બદલે વિવિધ પ્રકારના ઈંધણના વિકલ્પો પર વધુ આધારિત રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના તાજેતરના રજિસ્ટ્રેશન ડેટા મુજબ, કારનું કુલ વેચાણ નાણાકીય વર્ષ 2025માં 3.47 લાખ યુનિટથી વધીને નાણાકીય વર્ષ 2026માં 3.86 લાખ યુનિટ થયું છે. આ આંકડા ખર્ચ, પર્ફોર્મન્સ અને ઉપયોગની પદ્ધતિના આધારે બદલાતી ગ્રાહકોની પ્રાથમિકતા દર્શાવે છે.

ડીઝલ વાહનો આ વૃદ્ધિમાં સૌથી મોટા ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યા છે. ડીઝલ વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે અંદાજે 11,800 યુનિટનો વધારો થયો છે, જે લગભગ 16% નો ઉછાળો સૂચવે છે. ઉદ્યોગના નિષ્ણાતો આ સ્થિરતા પાછળ SUV અને મોટા વાહનોની સતત માંગને જવાબદાર માને છે, જ્યાં ડીઝલ એન્જિન હજુ પણ શ્રેષ્ઠ ટોર્ક, ઈંધણ કાર્યક્ષમતા અને હાઈવે પર્ફોર્મન્સ આપે છે.

સૂત્રોએ જણાવ્યું કે, SUV પ્રત્યેનો મજબૂત આકર્ષણ ડીઝલની માંગ વધારી રહ્યો છે. જે ગ્રાહકો વારંવાર લાંબા અંતરની મુસાફરી કરે છે તેઓ હજુ પણ ડીઝલને સૌથી વ્યવહારુ વિકલ્પ માને છે. સમગ્ર ગુજરાતમાં SUVની લોકપ્રિયતા વધી રહી છે કારણ કે પરિવારો હવે લાંબા અંતરની સડક મુસાફરીને વધુ પસંદ કરી રહ્યા છે. સેડાન પસંદ કરતા ગ્રાહકો હવે હાઈવે પર વધુ આરામ, જગ્યા અને ડ્રાઈવિંગ કોન્ફિડન્સ માટે SUV પસંદ કરી રહ્યા છે. ઘરોમાં હવે એક SUV પ્રવાસ માટે અને બીજી કાર રોજિંદા ઉપયોગ માટે રાખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ સ્થિતિમાં, ઊંચી કિંમત હોવા છતાં ડીઝલ SUV લોકપ્રિય પસંદગી બની રહી છે.

પેટ્રોલ-CNG વાહનોમાં પણ 14% થી વધુ અથવા 18,000 થી વધુ યુનિટ્સનો મજબૂત વધારો નોંધાયો છે. ઈંધણના ઊંચા ભાવોને કારણે શહેરી અને અર્ધ-શહેરી ગ્રાહકો ઓછા રનિંગ કોસ્ટ માટે CNG તરફ વળી રહ્યા છે. આનાથી ભારતના સૌથી મજબૂત CNG વ્હીકલ માર્કેટ તરીકે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત થયું છે.

હાઈબ્રિડ સેગમેન્ટમાં ટકાવારીની દ્રષ્ટિએ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં ડીઝલ હાઈબ્રિડમાં 55% અને હાઈબ્રિડ EVમાં 36% નો વધારો થયો છે. જોકે, તેમની કુલ સંખ્યા હજુ મર્યાદિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EV અપનાવવામાં આવતા પડકારો વચ્ચે હાઈબ્રિડ વાહનો એક મધ્યમ માર્ગ તરીકે સ્વીકૃતિ મેળવી રહ્યા છે, જોકે ઊંચી કિંમત અને મર્યાદિત મોડેલો હજુ પણ તેના વ્યાપક ઉપયોગને મર્યાદિત કરે છે.

માત્ર પેટ્રોલથી ચાલતા વાહનોના વેચાણમાં થોડો ઘટાડો થયો છે. ડેટા મુજબ ગ્રાહકો ઈલેક્ટ્રિફિકેશન તરફ એકધારો ફેરફાર કરવાને બદલે ખર્ચ અને જરૂરિયાત મુજબ ઈંધણની પસંદગી કરી રહ્યા છે.

April 6, 2026
image-1280x720.png
1min131

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે 05/04/2026 અહીં તેમની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપતા ગુજરાતના લોકોને “અભણ” ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને “મૂરખ” બનાવવામાં આવી રહ્યા છે. આને કારણે મોટો વિવાદ થયો છે. આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પ્રતિક્રિયા આપી છે. તેમજ કહ્યું છે કે આ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. તેમજ ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલા નિવેદનો ખૂબ જ વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.

ખડગેએ કહ્યું હતું કે મોદી કે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયન કેરળના લોકોને મૂરખ બનાવી શકતા નથી, તેમણે કેરળના લોકોને “ખૂબ જ હોંશિયાર અને શિક્ષિત” ગણાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, “કેરળના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર અને શિક્ષિત છે. મોદીજી, વિજયન, તમે બંને ગુજરાત કે અન્ય સ્થળોએ જે લોકો અશિક્ષિત છે તેમને મૂરખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂરખ બનાવી શકતા નથી.

તેમણે એવો આક્ષેપ કરતા આ ટિપ્પણી કરી હતી કે મોદી અને વિજયન બંને એક જ રસ્તા પર ચાલી રહ્યા છે અને તેઓ જે પક્ષોનું નેતૃત્વ કરે છે તે સિવાય તેમની વચ્ચે કોઈ તફાવત નથી. ખડગેએ કહ્યું કે, “એલડીએફ અને ભાજપ સાથે મળીને આગળ વધી રહ્યા છે અને કોંગ્રેસ પર હુમલો કરી રહ્યા છે. દિલ્હીમાં મોદી અને કેરળમાં વિજયનની કાર્યશૈલી સમાન છે. તેઓ સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત રાખવા માંગે છે.”
તેમણે દાવો કર્યો હતો કે, હકીકતમાં, મેં લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે પિનારાયી વિજયન કેરળના મોદી છે અને ભાજપ તથા એલડીએફએ કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે ગુપ્ત રીતે કાવતરું ઘડ્યું છે.

ખડગેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિજયન પર મોદીનું નિયંત્રણ છે અને તેઓ હવે સ્વતંત્ર માણસ રહ્યા નથી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ સૌથી કોમવાદી પક્ષ છે અને તે આરએસએસની સાથે મળીને દેશને બરબાદ કરી દેશે. ખડગેએ મોદીને “જૂઠા” ગણાવ્યા અને લોકોને તેમના પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે પીએમ સત્તામાં આવ્યા પછી દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું તેમનું વચન પૂરું કરવામાં નિષ્ફળ રહ્યા છે.

જ્યારે આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પ્રતિક્રિયા આપી છે. તેમજ કહ્યું છે કે આ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. તેમજ ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલા નિવેદનો ખૂબ જ વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે આવી ટિપ્પણીઓ માત્ર ગુજરાતના 6 કરોડ લોકોનું અપમાન જ નથી કરતી પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિની ગરિમાને પણ ઊંડી ઠેસ પહોંચાડે છે.

ગુજરાતે હંમેશા રાષ્ટ્રનિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રાખશે. આવા નિવેદનો કોંગ્રેસ પક્ષની સંકુચિત માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. આ ટિપ્પણીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપની વિકાસની રાજનીતિ અને તેને મળી રહેલા વ્યાપક જાહેર સમર્થન સામે કોંગ્રેસ કેટલી અસ્વસ્થતા અને અસુરક્ષિત અનુભવે છે. ગુજરાતના જાગૃત લોકો આવા નિવેદનોનો જવાબ કેવી રીતે આપવો તે જાણે છે. તેમજ એ ચોક્કસ છે કે આવનારા સમયમાં, કેરળના લોકો પણ કોંગ્રેસને નકારી કાઢશે અને ભાજપની વિકાસની રાજનીતિને ટેકો આપશે.

April 6, 2026
bad_weather.jpg
1min174

એપ્રિલની શરૂઆતથી જ સમગ્ર દેશમાં હવામાન પલટાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં આંધી-વરસાદે કહેર મચાવ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે, આ સપ્તાહે ઉત્તર પશ્ચિમ ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર 7 અને 8 એપ્રિલે સૌથી વધારે જોવા મળશે. આ દરમિયાન 12 રાજ્યોમાં આંધી-વરસાદની સાથે કરાનું એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે. 8 એપ્રિલથી રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે.

ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી આંધી-વરસાદની સાથે કરા પડી શકે છે. આઈએમડી અનુસાર 7 અને 8 એપ્રિલે પશ્ચિમ યુપીમાં આંધી-વરસાદ, 8-9 એપ્રિલે પૂર્વ યુપીમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન આશરે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં બુધવાર સુધી ભારે વરસાદ અને કરા પડી શકે છે.

બિહારમાં પણ આંધી-વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન 50 થી 70 કિમીને ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તરાખંડમાં મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે 72 કલાક સુધી ભારે પવન સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરી છે. વીજળી પડવાની સાથે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે.

પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. રાજસ્થાનના અનેક હિસ્સામાં છેલ્લા બે દિવસમાં થયેલા વરસાદ-કરાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. 6-7 એપ્રિલે ભારે પવન ફૂંકાઈ શકે છે અને પશ્ચિમ તથા પૂર્વ રાજસ્થાનમાં ક્યાંક કરા પડ શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડમાં કેટલીક જગ્યાએ 6 થી 8 એપ્રિલ દરમિયાન કરા, વરસાદની શક્યતા છે. આ દરમિયાન હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. ઓડિશાના કેટલાક જિલ્લામાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.

March 21, 2026
image-9.png
1min120

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાએ મળીને કરેલા હુમલાને ત્રણ સપ્તાહ થયા છે. જેની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. યુદ્ધની આગાના કારણે ગુજરાતના ઉદ્યોગોને આશરે ₹10,000 કરોડના નુકસાનનું સંકટ છે. જેમાંથી કેટલોક હિસ્સો ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવો હોઈ શકે છે.

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે રાજ્યની નિકાસમાં લગભગ 30% જેટલો ઘટાડો થયો છે. આમાંથી આશરે ₹10,000 કરોડનો વ્યવસાય કાયમી ધોરણે ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેની વસૂલાત થવાની શક્યતા ઓછી છે. આ અસર સિરામિક, ફૂડ એન્ડ બેવરેજીસ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ તેમજ ટેક્સટાઈલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.

જો સ્થિતિ આવી જ રહેશે તો નુકસાન વધુ વકરી શકે છે. તેમણે કહ્યું, ₹10,000 કરોડનો આંકડો એ લઘુત્તમ અંદાજ છે. લગભગ 30% નિકાસને અસર થઈ હોવાથી, જો સંઘર્ષ ચાલુ રહેશે તો આગામી ક્વાર્ટરમાં નુકસાન નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે. સૂત્રોએ યુદ્ધના કારણે વેપારમાં અવરોધ અને ઈંધણના ભાવમાં વધારાથી થતા વ્યાપક આર્થિક પરિણામો અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આ સંઘર્ષ વધુ ત્રણ મહિના લંબાશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદી જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે.

ક્રૂડના ભાવમાં પહેલેથી જ લગભગ 35% નો વધારો થયો છે, જેના કારણે ઉદ્યોગોને તેમની ઉત્પાદન ક્ષમતા 100% થી ઘટાડીને લગભગ 50% કરવાની ફરજ પડી છે. આ એવું નુકસાન છે જે સ્થિતિ સામાન્ય થાય તો પણ રિકવર કરી શકાતું નથી. તેમણે ઉમેર્યું હતું કે જો ઝડપી ઉકેલ આવે તો નુકસાન મર્યાદિત કરી શકાય છે. જો 30 થી 45 દિવસમાં સ્થિતિ સ્થિર થાય, તો ઉદ્યોગો અમુક નુકસાન રિકવર કરી શકે છે. જો કે, જો સંઘર્ષ લાંબો ખેંચાશે, તો નુકસાન બે થી ત્રણ ગણું વધી શકે છે.

વોર-રિસ્ક ઈન્સ્યોરન્સ, ઉંચા નૂર (ભાડું) ખર્ચ, લાંબા શિપિંગ રૂટ, ઈંધણના વધેલા ભાવ અને મોંઘા કાચા માલના કારણે ખર્ચમાં વધારો થયો છે, જે કાયમી નુકસાનમાં વધારો કરી રહ્યો છે. એકમાત્ર રાહતની વાત મજબૂત સ્થાનિક વપરાશ છે, જેણે તૈયાર અને અર્ધ-તૈયાર માલના મોટા હિસ્સાને સમાવવામાં મદદ કરી છે.

March 21, 2026
image-8-1280x853.png
1min134

સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના સાગરીતો દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના નકલી નોટના કૌભાંડે સમગ્ર દેશની તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમને ઘી કાંટા ફોજદારી કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. આ કૌભાંડમાં હવે પાકિસ્તાન પ્રેરિત ‘ઈકોનોમિક ટેરર’ની આશંકા સેવાઈ રહી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતના ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે પ્રદીપ જોટાંગિયા નકલી નોટોનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીઓએ છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ આશરે અઢી થી ત્રણ કરોડ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરી દીધી છે. પોલીસે મુકેશ ઠુમ્મરના ઘરે દરોડો પાડી 500 રૂપિયાના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી છે. આરોપીઓ અત્યંત આધુનિક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી અસલી નોટો સ્કેન કરી તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા.

બનાવટી ચલણી નોટોના કરોડોના કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલા અન્ય આરોપીઓમાં મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બાલાર, દિવ્યેશ રાણા, ભરત કોટડિયા અને આરતીનો સમાવેશ થાય છે.

રો-મટીરીયલ: નકલી નોટ છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ ચીનથી મંગાવવામાં આવતો હતો. આ કાગળમાં આરબીઆઈનો લોગો અને ભારતનું નામ અગાઉથી હોવાની શક્યતા છે.

આતંકી એજન્સીઓની એન્ટ્રી: પાકિસ્તાન દ્વારા ચીન મારફતે ભારતના અર્થતંત્રને તોડવા માટે આ ‘ઈકોનોમિક ટેરર’ ચલાવવામાં આવતું હોવાની આશંકા છે. જેને પગલે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને R&AW (રૉ) જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

કયા મુદ્દે તપાસ કરવામાં આવશે?

•આરોપીઓએ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનની સંસ્થા સહિત કયા કયા ખાતાઓમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા?
•આરોપી મુકેશ ઠુમ્મરે નકલી નોટો છાપવા માટે ચાઈનાથી ખાસ કાગળ કોના મારફતે અને કઈ રીતે મંગાવ્યો હતો?
•આરોપીઓના વાર્ષિક આઈટી રિટર્ન તપાસીને નકલી નોટોના આ કૌભાંડથી મેળવાયેલી રકમમાંથી કોઈ અપ્રમાણિક મિલકતો વસાવવામાં આવી છે કે કેમ?
•આ સમગ્ર પ્રકરણમાં કુલ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ.
•આરોપીઓના ફોન કોલ્સ અને સીડીઆર ડેટાના આધારે તેમના સંપર્કોની તપાસ.
•આરોપીઓ એઆઈ (AI)ની મદદથી 500 રૂપિયાની અસલ નોટ સ્કેન કરીને સિરિયલ નંબર બદલી નકલી નોટો છાપતા હતા.

February 28, 2026
image-33.png
1min179

સોરઠની શાન કહેવાતા સાવજના મોતના આંકડા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. ગૃહમાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં, રાજ્યમાં ૨૫૫ પુખ્ત નર સિંહ, ૪૦૫ સિંહણ અને ૨૩૧ બચ્ચા છે. એટલે કે અંદાજે 891 સિંહ છે. જોકે, વસ્તીની વિગતોની સાથે, મૃત્યુદરના આંકડાઓએ ચિંતા જગાવી છે. વર્ષ ૨૦૨૪ અને જાન્યુઆરી ૨૦૨૬ વચ્ચે, ગુજરાતમાં કુલ ૩૨૨ સિંહ, સિંહણ અને બચ્ચાના મૃત્યુ નોંધાયા હતા.

વર્ષ પ્રમાણે વિગતવાર આંકડા જોઈએ તો ૨૦૨૪માં કુલ ૧૬૫ સિંહના મૃત્યુ નોંધાયા હતા, આમાંથી ૩૯ મૃત્યુને અકુદરતી ગણવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૫માં રાજ્યમાં ૧૪૮ સિંહના મૃત્યુ નોંધાયા હતા, આમાંથી ૨૨ મૃત્યુ અકુદરતી તરીકે નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરી ૨૦૨૬માં પહેલા મહિનામાં જ ૯ સિંહના મૃત્યુ નોંધાયા હતા, જેમાં ૩ મોત અકુદરતી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

સત્તાવાર માહિતી અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં કુદરતી અને અકુદરતી બંને કારણોસર નોંધપાત્ર સંખ્યામાં સિંહોના મૃત્યુ થયા છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2024 દરમિયાન, કુલ 28 સિંહ, 28 સિંહણ અને 68 બચ્ચા કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા.

2025 માં, કુદરતી મૃત્યુમાં 28 સિંહ, 38 સિંહણ અને 55 બચ્ચાનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2026 માં (31 જાન્યુઆરી સુધી), બે સિંહ, એક સિંહણ અને ત્રણ બચ્ચા કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા.અકુદરતી મૃત્યુની વાત કરીએ તો, 2024માં 12 સિંહ, 19 સિંહણ અને 11 બચ્ચા નોંધાયા હતા, જ્યારે 2025 માં આ આંકડો ચાર સિંહ, પાંચ સિંહણ અને 11 બચ્ચા હતો. જાન્યુઆરી 2026 માં, એક સિંહ અને બે સિંહણ અકુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા, આ સમયગાળા દરમિયાન કોઈ બચ્ચાના મૃત્યુની જાણ થઈ નથી.

બીજી બાજુ સિંહોના અકુદરતી મૃત્યુને રોકવા માટે વન વિભાગ ઘણા અલગ અલગ પગલાં લે છે. અત્યાધુનિક મેડિકલ સારવાર, એમ્બ્યુલન્સ, વાઈલ્ડ લાઈફ ટ્રીટમેન્ટ સેન્ટર બનાવવામા આવ્યા છે.

આ સાથે રેડિયો કૉલર સહિતની ટેકનોલોજીની મદદ પણ લેવામાં આવી રહી છે. અકસ્માતો રોકવા માટે સ્પીડ બ્રેકર્સ, કૂવા આસપાસ સંરક્ષણ દિવાલો, રાજુલા-પીપાંવાવ રેલવે ટ્રેક પાસે ચેઈન લિંક ફેન્સિંગ જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારે જણાવ્યું હતું કે તે ગુજરાતમાં સિંહના અકુદરતી મૃત્યુ ઘટાડવા અને તેમને સુરક્ષિત રાખવા માટે ટેકનોલોજી-આધારિત મોનિટરિંગ, તબીબી સેવાઓ અને જનજાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

February 23, 2026
image-27.png
1min143

ગુજરાત હાઈકોર્ટે એક પિતાની હિબસ-કૉર્પ્સ પિટિશન ડિસમિસ કરી હતી અને કહ્યું હતું કે તેમની 18 વર્ષીય દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કાયદાકીય દૃષ્ટિએ તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. 

પિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને એક પુરુષે ગેરકાયદે પોતાની સાથે રાખી છે. જોકે દીકરીએ પરિવારની સંમતિ વિના પોતાની મરજીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારની દીકરીને પૂરતી સુરક્ષા સાથે કોર્ટમાં બોલાવવામા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી આ પુરુષ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણનો ઈનકાર કર્યો હતો. આ સમયે તેનાં માતા-પિતા પણ હાજર હતા.

પિતાએ પણ લગ્નનો ઈનકાર કર્યો ન હતો અને તેણે પોતાની અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જોડ્યું હતું. 
કોર્ટે એમ પણ નોંધ્યું કે અરજદાર પિતા તેમનાં પત્ની અને તેમની દીકરી સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમની વચ્ચેનો મતભેદ ઉકેલી શકાયો ન હતો અને પિતા દીકરીને માફ કરવા તૈયાર ન હતા. દીકરીએ પણ સાફ કહ્યું હતું કે તે તેનાં પતિ સાથે જ રહેવા માગે છે. કોર્ટે પિતાની અરજીને ડિસમિસ કરી હતી અને 18 વર્ષની દીકરી 18 વર્ષની થઈ છે અને પોતાની મરજીથી પોતાનું લગ્નજીવન શરૂ કરી રહી છે.

February 23, 2026
image-23.png
1min226

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સોમવારે (23મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.