સમગ્ર ગુજરાત સમેત પશ્ચિમ ભારતમાં છેલ્લા 24 કલાકમાં મૂશળધાર વરસાદે વાતાવરણને આલ્હાદ્ક બનાવી દીધું છે. ખાસ કરીને સુરતમાં સુરતીઓ તા.25મી જુનને સવારથી જ મૂશળધાર વરસાદનો આનંદ માણી રહ્યા છે.
મંગળવારે સવારે સુરતીઓ જાણે હિલ સ્ટેશનનો માહોલ અનુભવી રહ્યા હતા. શોખીન સુરતીઓએ પોતાની પરંપરા જાળવતા પહેલા વરસાદે ભજીયા પાર્ટીનો આનંદ લીધો હતો.
ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે રવિવારની રાતથી શરૂ થયેલા વરસાદે સોમવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતમાં પણ સરેરાશ અડધા ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. મધરાત્રે અમદાવાદમાં પવન સાથે વરસાદ થતા અનેક ઠેકાણે ઝાડ તૂટી પડ્યા હતા. જ્યારે સોમવારે સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા હતા.
રાજકોટ જિલ્લાના આટકોટમાં 1 કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે અમરેલી શહેર અને જિલ્લામાં સોમવારની સાંજથી ધોધમાર વરસાદ શરૂ થતા નદી-નાળામાં ભરાયાં હતા. આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી સેતુબંધ ડેમ ઓવરફ્લો થયો હતો. એક યુવાન ચંપલ લેવા સેતુબંધ ડેમમાં પડ્યો હતો. ગોંડલ નગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા યુવાનની શોધખોળ ચાલુ કરાઇ હતી.
દરમિયાન સોમવારે સવારે પૂરાં થતા છેલ્લાં ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં 24 કલાકમાં સૌથી વધુ 75 મી.મી. એટલે કે 3 ઇંચ રસાદ વરસ્યો છે.
રાજ્યના 19 જિલ્લાઓના 66 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર મળીને કુલ 9 જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બિલકુલ વરસાદ વરસ્યો નથી. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં અને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સામાન્ય મીછાંટણા થયા હોવાનું જાણવા મળ્યું છે.