CIA ALERT

ગુજરાત Archives - Page 107 of 158 - CIA Live

September 26, 2019
fraud.jpg
1min6970

છત્તીસગઢની ડૉ. સી.વી રમણ યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓથી ગુજરાતમાંથી લંડન મોકલવાનું કૌભાંડ ઝડપાયું હતું, જેમાં અમદાવાદ ઍરપોર્ટ પોલીસે બે અલગ અલગ ફરિયાદના આધારે ચાર એજન્ટ સહિત છ સામે ગુનો નોંધી બે જણની ધરપકડ કરી હતી.

અમદાવાદનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અતિહાદની ફ્લાઇટમાં લંડન જતા આણંદના કેયૂર પટેલ તથા એરઇન્ડિયા ફ્લાઇટમાં જતા નડિયાદના સાગર પ્રજાપતિને એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે ઝડપી તેમનાં ડૉક્યુમેન્ટ તપાસતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. બંને યુવકોના વિઝા લિગલ હતા, પરંતુ કૉલેજ માટે ઍજ્યુકેશન ડૉક્યુમેન્ટ જોડેલા હતા તેમાં બી.કોમની ડિગ્રી બોગસ હોવાની શંકા જતાં પૂછપરછ કરી હતી આથી તેમણે કબૂલાત કરી હતી કે ડો. સી.વી રમણ યુનિવર્સિટી બિલાસપુર, છત્તીસગઢમાંથી બોગસ ડિગ્રી માટે ૫૬ હજાર રૂપિયા આપ્યા હતા.

જે માટે વલ્લભવિદ્યાનગરનાં એઆઈસીએસઈટીના સંચાલક સિરીન પટેલે ત્યાંના એજન્ટ કલ્પેશભાઈને વિઝા અંગેની અને લંડન યુનિવર્સિટીમાં ઍડમિશનની કામગીરી આપી હતી. આ માટે તેઓ પાંચ લાખ રૂપિયા પડાવતા હતા. પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી એજન્ટોની શોધખોળ હાથ ધરી હતી.

September 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7090

(સુરતીઓ માટે અગત્યના સમાચાર) ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટમાં હવેનું સપ્તાહ નિર્ણાયક

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં પીવાના, ખેતી સિંચાઇના પાણીનો એક માત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટી તા.25મી સપ્ટેમ્બર 2019ને બુધવારે બપોરે 4 વાગ્યે 344.12 ફૂટ નોંધાઇ હતી. બપોરે 2 વાગ્યે ડેમમાં પાણીની સપાટી આ સિઝનમાં નહીં બલ્કે 6 વર્ષમાં પહેલી જ વાર 344 ફૂટને પાર થઇ હતી. એ નોંધનીય છે કે ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હવે પોણો ફૂટ જેટલું પાણી ડેમમાં સમાઇ શકે તેમ છે.

25 સપ્ટેમ્બર બુધવારે બપોરે 4 વાગ્યે ઉકાઇ ડેમ તેમજ તાપીના ઉપરવાસના ડેમોની પાણીની સપાટીની સત્તાવાર વિગતો

આ વખતે વરસાદની સીઝનમાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટીનું મેનેજમેન્ટ જેને વોટર લેવલ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે એની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ જડબેસલાક રીતે કામગીરી કરી અને દરેક કદમ પર, ડેમમાં કેટલું પાણી આવે ત્યારે કેટલું પાણી છોડવું એ બાબતે ચોક્કસ નિર્ણયો લઇને તેનો અમલ કર્યો તેના કારણે અત્યાર સુધીનું વોટર મેનેજમેન્ટ વખણાયું છે.

સુરત શહેરમાં સહેજેય એવી સ્થિતિનું નિર્માણ ન થવા દીધું કે પેનિક ફેલાય, અફવાઓ ફેલાય. ખુદ કલેક્ટર ડો. ધવલ પટેલએ નિયમિત રીતે ઓડિયો મેસેજિસ વીથ ટાઇમ ડેટ આપ્યા. જેને લઇને અફવાઓ બિલકુલ ફેલાઇ નહીં.

હવે ખરી કસોટી આગામી સપ્તાહમાં થઇ શકે તેમ છે. ઉકાઇ ડેમના વોટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓને યશ મળશે કે અપયશ એ જતું ચોમાસું નક્કી કરશે. જો હવે મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં ધોધમાર વરસાદ તૂટી પડે અને એ પાણી ડેમમાં આવે તો હવે ડેમમાં પાણી સમાઇ શકે તેટલી જગ્યા ઓછી બચી છે અને ડેમમાંથી પાણી છોડવાની નોબત આવે તો પરિસ્થિતિ તંગ બને. આ બધું જ કુદરત પર છે અને જો અને તો પર છે. પણ અત્યાર સુધી ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ કાબિલેતારફી કામગીરી કરી છે એમાં બે મત નથી.

September 25, 2019
kandla_guj.png
1min10680

ગુટખા તથા તમાકુની બનાવટો નીચા ભાવે ખરીદી અત્યંત ઊંચા ભાવે એસઈઝેડને વેચી ખોટાં બિલો ઊભાં કરીને સમગ્ર ગેરરીતિ આચરાતી હતી. આવા 400 કરોડના વ્યવહાર એસઈઝેડમાંથી અને કુલ્લે 1000 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં કાર્યરત કેટલાક ઉદ્યોગગૃહ મારફતે ચાલી રહેલા ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવવાના વ્યાપક ષડયંત્રનો ડાયરેકટોરેટ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સે પર્દાફાશ કરતાં કરચોર તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ડીજીજીઆઈના એડિશનલ ડાયરેકટર જનરલ વિવેકપ્રસાદની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે દિલ્હીના નેશનલ કેપિટલ રિજિયન (એનસીઆર) સ્થિત અંદાજે 20 જેટલી નિકાસી પેઢીઓ, કંપનીઓ દ્વારા એસઈઝેડની કેટલીક કંપનીઓ સાથે મળીને આ ગેરરીતિ ચલાવાતી હતી.

બાતમીને આધારે ડીજીજીઆઈના’ અધિકારીઓની ટીમે એસઈઝેડના ત્રણ એકમ તથા એનસીઆર સ્થિત નિકાસકારો અને તેમના ગોદામોની તપાસ હાથ ધરતાં આ ભાંડો ફૂટયો હતો. આ નિકાસકારો દિલ્હી તથા આસપાસમાંથી ગુટખા તથા તમાકુના અન્ય ઉત્પાદનો નજીવી કિંમતે ખરીદી 3000 ટકા જેટલું વિશાળ ઓવર વેલ્યુએશન કરતા હતા અને પછી ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવતા હતા.

એક ગણતરીપૂર્વકનું ષડયંત્ર હતું. ગુટખા તથા તમાકુના ઉત્પાદનો ઉપર 93 તથા 188 ટકા વેરો લાગુ પડે છે. આ ઓવર વેલ્યુએશનને કારણે ઈનપુટ ટેકસ ક્રેડિટ ખૂબ મોટી થઈ જાય છે. જે માલની મૂળ કિંમતથી વધી જાય છે.

તમાકુના આવાં ઉત્પાદનો સીધાં ઉપભોકતા સાથે સંકળાયેલાં હોવાથી તેનાં જીએસટી ભરેલાં ઈન્વોઈસ મેળવવા સહેલાં છે. બિલ બનાવ્યા વિના જ તેનું વેચાણ પણ થઈ શકે છે. નોઈડા સ્થિત કેટલાક યુનિટ ઊતરતી ગુણવત્તાના જર્દા, કિમામ, ફિલ્ટર ખૈનીનું કરવેરા ચૂકવ્યા વિના જ ઉત્પાદન કરે છે અથવા તો સ્થાનિક બજારમાંથી રૂા. 150થી 350 પ્રતિ કિલોના ભાવે ખરીદે છે. ત્યાર પછી આ માલ રૂા. 5000થી 9000 પ્રતિ કિલોએ એસઈઝેડ સ્થિત યુનિટને નિકાસ કરે છે.
ડીજીજીઆઈએ આવા ફર્જી વ્યવહાર શોધી કાઢયા છે. કંડલા એસઈઝેડમાંથી તેનો ઈનપુટ ટેકસ ક્રેડિટ માગવાનો આંકડો 400 કરોડ થવા જાય છે. આ તપાસ દરમ્યાન ડીજીજીઆઈ આવા 25 સપ્લાયર્સને શોધી શકી છે. જે આસામ, બિહાર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ફેલાયેલા છે. આ તમામે રૂા. 1000 કરોડના જાલી ઈન્વોઈસ એનસીઆર સ્થિત નિકાસકારોને પૂરાં પાડયાં છે.

ષડયંત્ર પ્રકાશમાં આવતાં એજન્સીએ તત્કાળ 300 કરોડની ઈનપુટ ટેકસ ક્રેડિટ અટકાવી દીધી છે અને વધુ 100 કરોડ સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણથી જીએસટીની ચોરી કરનારાં તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

September 25, 2019
ravi_pujari.jpeg
1min6960

વર્ષોથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને અમદાવાદ લાવવા ગુજરાત પોલીસે તૈયારીઓ કરી લીધી છે. રવિ પૂજારીનો કબજો મેળવવા માટે ગુજરાત પોલીસે આફ્રિકાની સેનેગલ સરકાર સાથે પત્રવ્યવહાર કર્યો હતો, જેથી ટૂંક સમયમાં જ રવિ પૂજારીએ અમદાવાદ લાવી શકાય અને તેની સામે નોંધાયેલા તમામ ગુનાની તપાસ કરી શકાય.

અન્ડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ વિદેશથી ફોન કરીને ગુજરાતના ઉદ્યોગપતિ, ધારાસભ્યો સહિત ૨૦ જણા પાસે કરોડોની ખંડણી માગી હતી, જેમાં ખાસ કરીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ અને વિમલ શાહ અને પૂજા વંશ સહિત ગુજરાતનાં ૨૦ જણાને ધમકી આપી હતી. આમાં અમદાવાદના ૧૨ વ્યક્તિનો સમાવેશ થાય છે. ઉપરાંત અમૂલ ડેરીના એમડીને પણ ફોન કરીને કરોડોની ખંડણી માગી હતી તથા ધમકી આપી હતી.

September 23, 2019
roro.jpg
1min15000

24 સપ્ટેમ્બરથી ભાવનગર બાય રોડ જ જવું પડશે

ભાવનગરના ઘોઘાથી ભરૂચના દહેજ વચ્ચે દરીયામાં દોડતી રો રો ફેરી સર્વિસ તા.24મીથી અચોક્કસ મુદત માટે બંધ થઇ રહ્યાની જાહેરાત બુકિંગ સાઇટ પર લાલ અક્ષરમાં લખીને કરવામાં આવી છે. તસ્વીરમાં જોઇ શકાય છે.

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભાવનગરના ઘોઘા થી દક્ષિણ ગુજરાતના ભરૂચ નજીક દહેજ વચ્ચે દરીયામાં દોડતી રો રો ફેરી આવતીકાલ તા.24મી સપ્ટેમ્બર 2019ના રોજથી અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાની જાહેરાત રો રો ફેરી સર્વિસની બુકિંગ સાઇટ પર ફ્લેશ કરવામાં આવી છે. કોઇપણ જાતના કારણ આપ્યા વગર કંપનીએ દહેજથી ઘોઘા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય કરતા સમગ્ર ગુજરાતમાં જે જે વ્યક્તિને આ સમાચાર મળી રહ્યા છે તેમને નવાઇ લાગી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં આ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું.

કેટલાક ટેકનિકલ કારણોસર રો રો ફેરીને ચલાવવામાં મુશ્કેલીઓ પડતી હતી. જેમકે ભરૂચ નજીક દહેજના દરિયાકાંઠે જરુરી ઉંડાઈ ન મળતી હોવાના કારણે રો રો ફેરી માં એકાદ બે વખત મોટી નુકસાની થયાની માહિતી મળી છે. એક વખત ઘોઘા બંદર નજીક એવી પણ ઘટના બની હતી કે રો રો ફેરીમાં પાણી વધારે ઉંડું ન હોવાથી કૂલિંગ પાઈપ વાટે એન્જિનમાં દરિયાની રેતી તેમજ પ્લાસ્ટિક જેવો કચરો ઘૂસી જતાં રો રો ફેરી ખોટકાઈ ગઈ હતી.

એવી પણ વાતો ઉપસ્થિત થઇ છે કે મુસાફરોનો રિસ્પોન્સ પણ મળતો ન હતો.

September 23, 2019
Gandhinagar-Gujarat.jpg
1min7840

ગુજરાતમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકોમાંથી ચાર બેઠકો માટે શનિવારે કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર કર્યા બાદ આજે રાધનપુર અને બાયડ એમ વધુ બે બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરી છે. જોકે હજુ મોરવા હડફ બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. આ બેઠકો પર પણ ચાર બેઠકોની સાથે જ આગામી ૨૧મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે ૨૪મી ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

રાધનપુર બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરતી કૉંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપીને ભાજપ પ્રવેશ કર્યો હતો. તેથી બંને બેઠકો ખાલી પડી હતી.

શનિવારે અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જ્યારે રાધનપુર, બાયડ અને મોરવા હડફ બેઠકોની જાહેરાત ન થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.રાજયમાં ૨૧મી ઑક્ટોબરે છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થસે જ્યારે ૨૪મી ઑક્ટોબરે મતગણતરી યોજાશે. સાત બેઠકોમાંથી રાધનપુર બાયડ અને મોરવા હડફ એમ ત્રણ બેઠકો કૉંગ્રેસે કબજે કરી હતી, જયારે બાકીને ચાર બેઠકો ભાજપની હસ્તક જ હતી.

September 22, 2019
windy.jpg
1min9320

ગુજરાતના વેરાવળથી પશ્ચિમ-દક્ષિણ તરફ 170 કિલોમીટરના અંતર અરબી સમુદ્રમાં હવાનું ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને એ 24 કલાકમાં ચક્રવાતમાં તબદીલ થઇ શકે તેવી આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે. 72 કલાક દરમિયાન આ સંભવિત ચક્રવાત અખાતી વિસ્તારમાં ઓમાન તરફ ફંટાય જાય તેવી આગાહી હાલ તુરત તા.22મી સપ્ટેમ્બર 2019ને રવિવારે બપોરે 2 વાગ્યે કરવામાં આવી છે.

ભારતના હવામાન વિભાગે રવિવાર, તા.22મી સપ્ટેમ્બર 2019ની બપોરે 12 વાગ્યે આગાહી કરતા વધુમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં આ ડીપ્રેશન ડીપ ડીપ્રેશનમાં તબદીલ થઈ જશે અને ચક્રવાતમાં પરિવર્તિત થશે. જો કે 72 કલાકમાં ચક્રવાત ઓમાનના દરિયાકાંઠા તરફ ફંટાવાની સંભાવના રહેલી છે.

આ સંભવિત ચક્રવાતને કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી દરિયામાં 45-55 કિમી અને મહત્તમ 65 કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે જેને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.  

September 22, 2019
m2.jpg
1min6080
Peanut

વરસાદ ખમૈયા કરે અને હવે તડકો નીકળે તો’ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીમાં બમણું વધીને 32 લાખ ટન થઈ શકે એવું પૂર્વાનુમાન જીજીએન રિસર્ચના ચેરમેન ગાવિંદભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું.’ ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડરનો એક કાર્યક્રમ રાજકોટમાં યોજાયો હતો, એમાં તેમણે દેશમાં કુલ 50 લાખ ટન મગફળી પાકશે એમ જણાવ્યું હતું.

ગાવિંદભાઈએ પાકના અંદાજ અંગે વધુમાં કહ્યું હતું કે, પાછલા વર્ષે 16 લાખ ટન મગફળી ગુજરાતમાં પાકી હતી. જ્યારે દેશમાં 37 લાખ ટન મગફળીનો પાક આવ્યો હતો. ગુજરાતમાં વરસાદ હજુ પણ ચાલુ છે, હજુ વધુ સમય ચાલુ રહે તો પાકમાં નુકસાન થઈ શકે. પાક 30 લાખ ટન સુધી સીમિત રહી શકે. પાકને હવે તડકાની જરૂર છે. તડકો નીકળે તો ગુજરાતનું ઉત્પાદન 32 લાખ ટન સુધી પણ પહોંચી શકે એમ છે.

ઉલ્લેખનીય છેકે સૌરાષ્ટ્રના આગેવાન વેપારીઓ અને નિકાસકારોએ મગફળીના પાકનો અંદાજ 25-30 લાખ ટન આસપાસ આપ્યો છે. કેટલોક વર્ગ વધુ પડતા વરસાદને કારણે પાકને નુકસાન થવાનું કહીને પાકના 30 લાખ ટનના અંદાજ સાથે સહમત નથી. જોકે પાક પાછલા વર્ષ કરતા ઘણો વધારે રહેશે એ નક્કી માનવામાં આવે છે.

આ વર્ષે વરસાદ/પાણી સારા થયા છે. નદીનાળાં છલકાઈ ગયા છે. પાણીની હવે અછત નથી ત્યારે ઉનાળુ મગફળીનો પાક પણ દેશમાં કુલ મળીને 15 લાખ ટન સુધી જઈ શકે છે. પાછલા વર્ષ માં 11 લાખ ટનનું ઉત્પાદન થયું હતું.

તેમણે દેશમાં સોયાબીનના પાકનો અંદાજ 90 લાખ ટનનો આપ્યો હતો. પાછલા વર્ષે સોયાબીનનું ઉત્પાદન 103 લાખ ટનનું થયું હતું. રાયડાનો પાક પણ વધીને 80 લાખ ટન થવાની ધારણા તેમણે મૂકી હતી.

September 22, 2019
gseb.png
1min7860

ધો.12 સાયન્સ-કોમર્સમાં માર્કનો સરવાળો કરવામાં ભૂલો : પરીક્ષકોને 30 લાખનો દંડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવાયેલી પરીક્ષામાં ધોરણ-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી દરમિયાન બેદરકારી દાખવીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા કરનાર ૩૫૧૭ શિક્ષકો અને સમીક્ષકોને શિક્ષણ બૉર્ડ દ્વારા રૂપિયા ૩૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હદ તો ત્યારે થઇ કે શિક્ષકોએ પ્રશ્નોના ગુણોની ગણતરી કરવામાં લોચા માર્યા હતા.

માર્ક્સની કુલ ગણતરીમાં ભૂલ કરનારા એટલે કે સરવાળા કરવાની સામાન્ય ભૂલો કરનારા શિક્ષકોનોને દંડ ફટકાર્યો હતો .

સાયન્સની ઉત્તરવહીમાં માર્કનો સરવાળો કરવામાં સાયન્સના પરીક્ષકોને રૂ.6 લાખ અને કોમર્સવાળાને રૂ.24 લાખનો દંડ

શિક્ષણ બૉર્ડના સત્તાવાળાઓએ ઑગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરેલી ઉત્તરવહીની ચકાસણીની કાર્યવાહીમાં માર્ક્સની ગણતરીમાં ગોટાળો કરનારા શિક્ષકો અને સમીક્ષકોને બોલાવવામાં આવ્યા હતા અને ગણતરીમાં ૧૦થી વધુ માર્કની ભૂલ કરનારા શિક્ષકો અને સમીક્ષકોને બીલ દીઠ ૧૦૦ના હિસાબે રૂપિયા ૧૦૦૦ કે તેથી વધુની દંડની સજા ફટકારી હતી.

બોર્ડની આ કાર્યવાહીમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં વિવિધ વિષયની ઉત્તરવહીની ચકાસણીમાં સરવાળા-માર્ક્સનો સરવાળો કરવામાં ભૂલ કરનારા ૪૧૭ શિક્ષકને અને સમીક્ષકોને છ લાખનો દંડ કર્યો હતો.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની વિવિધ ઉત્તરવહીની ચકાસણીમાં ટોટલ મારવામાં ભૂલ કરનારા ૩૧૦૦થી વધુ શિક્ષક-સમીક્ષકોને રૂપિયા ૨૪ લાખનો દંડ ફટકારાયો હતો. જોકે, આ શિક્ષકોમાં દસ માર્કથી ઓછી ભૂલ કરનારા શિક્ષકોનો સમાવેશ કરાયો નથી. તેમને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની કાળજી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.

September 21, 2019
gauri-shankar-lake-bhavnagar.jpg
1min6110

ગુજરાતમાં નર્મદા ડેમની પૂર્ણ સપાટી એટલે કે ૧૩૮.૬૭ મીટર સુધી જળરાશિ ભરાતાં ભાવનગર ખાતે ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’નું આયોજન કરાયું હતું. જે કાર્યક્રમ ગૌરીશંકર તળાવ થાપનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયો હતો. સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, આગામી સમયમાં લિન્ક ચારથી ગૌરીશંકર તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવશે, જેથી ભાવનગરને પીવાના પાણીની સમસ્યા નહીં રહે. મહોત્સવમાં ભાવનગરના પ્રજાવત્સલ રાજવી શ્રીકૃષ્ણકુમારસિંહજીનો પ્રજાપ્રેમ રજૂ કરતું નાટક ભજવાયું હતું અને નર્મદાની આરતી તેમજ પૂજન-અર્ચન કરાયું હતું અને મેઘલાડુના પ્રસાદનું વિતરણ કરાયું હતું.