રાજ્યની સરકારી હોસ્પિટલોમાં થઇ રહેલા નવજાત બાળકોના મૃત્યુના કેસોમાં ગાજ તબીબો પર પડી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર ભીંસ વધારતા એવા સવાલો કર્યા કે જેમાંથી સ્ટાફની કમીની વિગતો બહાર આવી અને તેની સાથે એવી પણ સ્ફોટક માહિતી સપાટી પર આવી કે 2019 યુવક-યુવતિઓ સરકારી કોલેજમાં સસ્તામાં ડોક્ટરી ભણીને બાદમાં વિદેશ ભાગી ગયા છે. ભાગી ગયા એટલા માટે કહેવાય છે કે તેમણે નિયમાનુસાર ઇન્ટર્નશીપ કરવાની હતી એનો ભંગ કરીને તેઓ વિદેશમાં સ્થાયી થઇ ચૂક્યા છે.
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં તબીબી શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સરકારમાં સેવા આપવાની નિયત સમય મર્યાદાનો ભંગ કરીને ૨૧૯ ડોક્ટરો વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમની પાસેથી રૂ. ૨.૯૪ કરોડની બોન્ડની રકમની વસૂલાત કરવામાં આવી છે.
સરકારી ખર્ચે સસ્તામાં ભણીને તબીબ બન્યા બાદ સેવા આપ્યા વગર વિદેશ જતા રહે છે તે વધુ એક વખત બહાર આવ્યું છે. વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારે રાજ્યમાંથી ડોક્ટરો તબીબી અભ્યાસ પૂર્ણ કરીને વિદેશ જતા રહ્યા હોવાના અને બોન્ડની રકમ વસૂલ કરવા અંગેનો સવાલ કર્યો હતો. જેના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં તબીબી શિક્ષણ પૂર્ણ કરીને નિયત સેવા મર્યાદાનો ભંગ કરીને ૨૧૯ ડોક્ટરો વિદેશ જતા રહ્યા છે. જેમની પાસેથી ૨.૯૪ કરોડની બોન્ડની રકમ વસૂલ કરવામાં આવી છે. બાકીના કિસ્સાઓમાં હજુ ૨૧.૧૩ કરોડની રકમ વસૂલ કરવાની કામગીરી ચાલી રહી છે.
કોંગ્રેસના જ જીતુ ચૌધરીએ સરકારી મેડિકલ કોલેજમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી કરાર આધારીત, માનદ વેતન અને આઉટ સોર્સિંગથી કેટલી જગ્યા છે તેની માહિતી માગતો સવાલ રજૂ કર્યો હતો. આ સવાલના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં વર્ગ-૧થી વર્ગ-૪ સુધીનું કુલ મંજૂર મહેકમ ૩૭૫૪ કર્મચારી-અધિકારીનું છે. તેમાંથી કરાર આધારીત ૧૧, માનદ વેતન અપાતું હોય તેવા ૩ અને આઉટસોર્સથી રાખવામાં આવ્યા હોય તેવા ૮૯૬ કર્મચારી છે. આઉટ સોર્સિંગથી નિમાતા કર્મચારીઓ-અધિકારીઓ ગેરરીતિ આચરે તો તેમની સામે ટેન્ડરની શરતો મુજબ કાર્યવાહી કરવાની થતી હોવાનું પણ જવાબમાં જણાવાયું હતું.




















