મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિનમાં વેઇટરની 13 ખાલી પડેલી જગ્યાએ નોકરી માટે 7,000 ઉમેદવારોએ અરજી કરી છે અને.તેમાં મોટા ભાગના અરજદાર ગ્રેજ્યુએટ ડિગ્રી ધારક છે. રાજ્યમાં યુવાનો પાસે નોકરી નથી અથવા જેમની પાસે નોકરી છે તેઓ તેનાથી સંતુષ્ટ નથી એવી ચર્ચાઓ કરતા એવી ચર્ચાઓને વ્યાપક સ્થાન મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિન એવી જગ્યા છે જ્યાંથી મહારાષ્ટ્ર કે મુંબઇના જ નહીં બલ્કે દેશભરના અબજો રૂપિયાના પ્રોજેક્ટસના બી રોપાય છે, મહારાષ્ટ્ર મંત્રાલયમાં આવતા જતા લોકો આર્થિક, સામાજિક, રાજકીય રીતે પાવરફુલ મનાય છે અને એટલા માટે જ અહીંથી લાયેઝનિંગનું કામ સરળતાથી થઇ શકે છે.

સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં વેઇટરના પદ માટે 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને તે માટેની શૈક્ષણિક લાયકાત ચોથા ધોરણ પાસ હતી. પરીક્ષાની પ્રક્રિયા 31 ડિસેમ્બરે પૂર્ણ થઇ ચૂકી છે અને હાલમાં નોકરીમાં જોડાવા અંગેની પ્રક્રિયા શરૂ છે. વેઇટરના પદ માટે પસંદ કરવામાં આવેલા 13 અરજદારમાંથી આઠ પુરુષ અને બાકીની મહિલાઓ છે.
મંત્રાલયમાં વેઇટરની નોકરી માટે પસંદ કરવામાં આવેલા 13 જણ પૈકી 12 ગ્રેજ્યુએટ છે, જયારે એક બારમું ધોરણ પાસ છે. આ તમામની વય 25-27 વર્ષ વચ્ચે છે.
બીજીતરફ મહારાષ્ટ્રના વિપક્ષી નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે માત્ર 13 પદ માટે 7,000 અરજીઓ આવી એ દર્શાવે છે કે રાજ્ય અને દેશમાં રોજગારની સ્થિતિ કેટલી ગંભીર છે. ચોથા ધોરણની લાયકાત ધરાવતા પદ માટે ગ્રેજ્યુએટ અરજી કરે આ દુ:ખની વાત છે. દરમિયાન બે કરોડ લોકોને રોજગાર આપવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવા વિરુદ્ધ તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં પોલીસના 852 ખાલી પદ માટે 10.5 લાખ લોકોએ અરજી કરી હતી. તે જ પ્રમાણે રેલવેમાં પણ 10,000 ખાલી પદ માટે એક કરોડ બેરોજગાર લોકોએ અરજી કરી હતી. મોદી સરકારના જીએસટી અને નૉટબંધી જેવા નિર્ણયને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ પડી ગયા, પરિણામે બેરોજગારીમાં વધારો થયો.





















