CIA ALERT

બિઝનેસ Archives - Page 73 of 92 - CIA Live

March 26, 2019
home_appliances-1-1280x489.jpg
1min13710

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ નીચું વેચાણ ધરાવતી પ્રોડક્ટ્સના ભાવમાં ચાલુ મહિને લગભગ 20 ટકાનો ઘટાડો કર્યો છે. કન્ઝ્યુમર માંગ નબળી છે ત્યારે માલનો ભરાવો થયો હોવાથી તેના નિકાલ માટે અમુક પ્રોડક્ટના ભાવ ઘટાડવા પડ્યા છે તેમ એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું.

દિવાળી પછી માંગ લગભગ સપાટ છે. આ વખતે ઉનાળો પણ મોડો આવ્યો હોવાના કારણે રેફ્રિજરેટર અને એર કંડિશનરના વેચાણમાં મંદી છે. ડીબીએસ-એમ્કેના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર એલજી, સેમસંગ, પેનાસોનિક, વ્હર્લપૂલ, ગોદરેજ, ડાઇકિન, હિટાચી, વોલ્ટાસ અને કેરિયર જેવી કંપનીઓએ જુલાઈ-ઓક્ટોબરના ભાવની તુલનામાં આ વખતે ભાવમાં લગભગ 20 ટકા સુધી ઘટાડો કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે કેટલીક બ્રાન્ડે ફેબ્રુઆરીમાં ભાવ વધાર્યા હતા પરંતુ માર્ચમાં તેમાં ઘટાડો કર્યો છે. ઉદાહરણ તરીકે કેરિયરે 1.5 ટનના થ્રી સ્ટાર એસીના ભાવમાં પાંચ ટકાનો કાપ મૂક્યો છે જ્યારે વ્હર્લપૂલે આવા જ મોડલનો ભાવ ત્રણ ટકા ઘટાડ્યો છે. રેફ્રિજરેટરમાં એલજીએ માર્ચમાં બે મોડલના ભાવ 5-9 ટકા ઘટાડ્યા છે. આઇએફબીએ અમુક વોશિંગ મશીનના મોડલના ભાવ ઘટાડ્યા છે.

ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ કમલ નંદીએ કહ્યું કે બ્રાન્ડ્સ વચ્ચે નબળી માંગના કારણે ભાવમાં ફેરફાર કરાયો છે. શિયાળો લાંબો ચાલ્યો હોવાથી માર્ચમાં વેચાણ વધારવા ભારે પ્રેશર છે અને બ્રાન્ડ્સ વેચાણ વધારવા માંગે છે. અત્યારે બજારમાં પુષ્કળ ડિસ્કાઉન્ટ અને પ્રમોશનલ ઓફર્સ ચાલુ છે.

મુંબઈમાં 26 સ્ટોર ધરાવતી રિટેલર કોહિનૂર ઇલેક્ટ્રોનિક્સના ડિરેક્ટર વિશાલ મેવાણીએ કહ્યું કે દિવાળી પછી ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી છે. શિયાળો હજુ સુધી ચાલતો હતો તેથી માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ઉનાળામાં એપ્લાયન્સનું વેચાણ વધવાની આશા છે. ૫૫ ઇંચના ટીવીમાં બ્રાન્ડ્સે ભાવમાં ₹5,000થી ₹8,000નો ઘટાડો કર્યો છે.

ડીબીએસ-એમ્કેના રિપોર્ટ મુજબ પેનાસોનિક, હિટાચી, કેરિયર, લોઇડ અને વ્હર્લપૂલે એસીના ભાવમાં માર્ચમાં 4-20 ટકા ઘટાડો કર્યો છે. રેફ્રિજરેટરમાં ગોદરેજ, સેમસંગ, એલજી અને વ્હર્લપૂલે ઓક્ટોબરની સરખામણીમાં 5-17 ટકાનો ઘટાડો કર્યો છે. વોશિંગ મશીન્સમાં પણ આવી જ રીતે ભાવ ઘટ્યા છે જેમાં આઇએફબી, સેમસંગ, વ્હર્લપૂલ, એલજી, પેનાસોનિક સામેલ છે.

પેનાસોનિક ઇન્ડિયાના સીઇઓ મનીષ શર્માએ કહ્યું કે સામાન્ય રીતે બ્રાન્ડ્સ એપ્રિલમાં ટીવી અને વોશિંગ મશીનનાં નવાં મોડલ લોન્ચ કરે છે. તેથી ઇન્વેન્ટરીને આધારે જે મોડલ બંધ થવાના હશે તેના પર ડિસ્કાઉન્ટ મળશે. હવે આનાથી વધારે ભાવ ઘટવાની શક્યતા નથી.

એલજી ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ (હોમ એપ્લાયન્સિસ) વિજય બાબુએ કહ્યું કે સાઉથ અને વેસ્ટમાં ઉનાળામાં સમર એપ્લાયન્સિસની સારી માંગ જોવા મળે છે. તેમણે દાવો કર્યો હતો કે કોઈ પ્રોડક્ટના ભાવ ઘટ્યા નથી.

વૈશ્વિક બજારમાં ઓઇલના ઊંચા ભાવ અને ડોલર એક્સ્ચેન્જ રેટને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બરમાં કંપનીઓએ ભાવમાં વધારો અટકાવ્યો હતો કારણ કે બજારમાં માંગ નબળી હતી. ત્યાર બાદ દિવાળી વખતે પણ વેચાણ જોઈએ તેવું સારું રહ્યું ન હતું.

March 24, 2019
sugar.jpg
1min36460
જયેશ બ્રહ્મભટ્ટ
આગામી તા.31મી માર્ચ 2019ના રોજ સુગર મિલો દ્વારા શેરડીના ભાવો જાહેર કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. સામી ચૂંટણીએ શેરડીના ભાવોને લઇને ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધુ શેરડી પાકે છે અને જ્યાં રાજ્યની 95 ટકા સુગર ફેક્ટરીઓ આવેલી છે એ વિસ્તારના ખેડૂતોમાં શેરડીના ભાવ બાબતે ખેડૂતો ભારે નારાજ થાય તેમ છે. એક તરફ રાજ્ય સરકારે ખાંડનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ.31 જાહેર કર્યો છે, ત્યારે બીજી તરફ ખેડૂતોને રૂ.3100 પ્રતિટન શેરડીનો ભાવ જોઇએ છે, ખેડૂતોની માગ તો આનાથી પણ વધારે છે જ્યારે ત્રીજા પક્ષે સુગર મિલો રૂ.3000 પણ આપી શકે તેમ નથી. આમ, સરકાર, ખેડૂત અને સુગરમિલો ત્રણેયના ભાવોમાં તફાવત પડે તેમ છે. અને ફરીથી એક વખત જગતના તાતના હિસ્સે જ અન્યાય સહન કરવાનું આવે તેમ છે. ખેડૂતોને શેરડીના અપેક્ષિત ભાવ તો દૂરની વાત પરંતુ, પોષણક્ષમ (કોસ્ટિંગ) જેટલા પણ ભાવ ન મળે તેવી શક્યતાઓ જોવાય રહી છે.
  • ખેડૂતોની મુશ્કેલી એ છે કે મહેનત અને પડતરના નાણાં પણ છૂટતા નથી
  • સુગર મિલોની કઠિણાઇ એ છે કે એટલું વિપુલ ઉત્પાદન છે કે શેરડીનો સંગ્રહ ક્યાં કરવો અને પીલાણ કેવી રીતે કરવું
  • સરકારે તૈયાર ખાંડના રૂ.31 ભાવ નિર્ધારિત કર્યો છે, એ જોતા ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ.3100 મળવા જોઇએ
ખેડૂતોની મોટી કમનસીબી એ છે કે એક તરફ શેરડીનું ઉત્પાદન વધી રહ્યું છે અને આ વર્ષે બમ્પર ઉત્પાદન છે અને એ કારણે સપ્લાય વધે તેમ હોઇ સ્વાભાવિક છે કે તેના ભાવ નીચે જાય તેમ છે. ગુજરાતમાં સૌથી વધુ શેરડીનો પાક દક્ષિણ ગુજરાતમાં લેવાય છે. આગામી તા.31મી માર્ચે જ્યારે સુગર મિલો શેરડીનો ભાવ જાહેર કરશે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ થાય એવી શક્યતાઓ નકારી શકાતી નથી. રાજ્યમાં હાલ વર્કિંગ મોડમાં હોય તેવી કુલ 19 સુગર મિલો પૈકીની 17 સુગરમિલો દક્ષિણ ગુજરાતમાં કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાં 80 હજાર મેટ્રીક ટન જેટલી શેરડીનું પીલાણ કરવામાં આવે છે.

સામી ચૂંટણીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ નારાજ થાય તેવા સંજોગો

બેન્કો પાસેથી ઓવરડ્રાફ્ટ લઈને જેમ-તેમ ચાલતી ખાંડ ફેક્ટરીઓની માંદી હાલત જોતાં દક્ષિણ ગુજરાતની એકપણ સુગર ફેક્ટરી રૂા. 3 હજારથી વધુ ભાવ આપી શકે તેમ નથી. ગત વર્ષનો ખાંડનો સ્ટોક અને આ વર્ષના બમ્પર ઉત્પાદને ખાંડનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
હવે જ્યારે સરકારે તૈયાર ખાંડનો ભાવ જ રૂ. 31નો નિર્ધારિત કર્યો છે ત્યારે સુગર ફેક્ટરીઓના પિલાણ સહિતના ખર્ચા અને બૅન્કોના ઓવરડ્રાફ્ટની વિગતો બાદ કરતાં એવી ગણતરી બેસે છે કે ખેડૂતોને પ્રતિ ટન શેરડીના રૂ. 3100ની આસપાસ ભાવ મળવો જોઈએ. ખેડૂત આગેવાનો કહે છે કે સુગર ફેક્ટરીઓએ બમ્પર પાકનો હવાલો આપી વાતાવરણ ઊભું કર્યું છે તે જોતાં આખરમાં શું ભાવ મળશે તે અંગે અનેક સવાલો ખેડૂતોનાં મનમાં ઊભા થયા છે.
March 22, 2019
gst.jpg
1min14410
  • નાણાકીય વર્ષ 2017-’18ની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાકી હોય તો તે ક્લેમ કરવાની આ છેલ્લી તક
  • અગાઉના કોઈ જીએસટીઆર-3બીમાં તે ક્રેડિટ ક્લેમ કરવામાં ના આવી હોય તો 31 માર્ચ સુધીમાં તે ક્લેમ કરવી

નાણાકીય વર્ષ 2017-’18ની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાકી હોય તો તે ક્લેમ કરવાની આ છેલ્લી તક છે. કરદાતાઓએ વર્ષ 2017-’18 અને 2018-’19ના તેમના જીએસટીઆર-2એ રિટર્ન ચેક કરવા જોઈએ અને જો તેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ જમા હોય અને અગાઉના કોઈ જીએસટીઆર-3બીમાં તે ક્રેડિટ ક્લેમ કરવામાં ના આવી હોય તો 31 માર્ચ સુધીમાં તે ક્લેમ કરવી જોઈએ. વર્ષ 2018-’19ની પેન્ડિંગ આઇટીસી સપ્ટેમ્બર 2019 સુધીમાં ક્લેમ કરી શકાય છે પરંતુ કરદાતાઓ માર્ચ 2019ના જીએસટીઆર-૩બીમાં જ તે ક્લેમ કરી લે તે સલાહભર્યું છે.

અગાઉ બિઝનેસે ઈનવોઇસ જનરેટ કર્યાં હોય, ટેક્સ ભર્યો હોય અને રિટર્ન ભર્યાં હોય તેના આધારે આઇટીસી ક્લેમ મંજૂર થતા હતા પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (સીબીઆઇસી) એવો આદેશ કર્યો છે કે જીએસટીઆર-2 સાથે Input Tax Credit આઇટીસી ક્લેમ મેચ થવા જરૂરી છે.

સપ્લાયરોએ રિટર્ન ફાઇલ કર્યાં હોય તેના આધારે જીએસટીઆર-2 તૈયાર થાય છે, જે સિસ્ટમ જનરેટેડ છે. જીએસટી અમલીકરણના પ્રથમ નાણાકીય વર્ષ (જુલાઈ 2017થી માર્ચ 2018)ની બાકી આઇટીસી ક્લેમ કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2018 હતી તે લંબાવીને 31 માર્ચ કરવામાં આવી છે.

જો અગાઉના કોઈ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં ભૂલ થઈ હોય અથવા ખોટી કે અધૂરી માહિતી અપાઈ હોય તો તે પણ માર્ચ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં સુધારી લેવી જરૂરી છે જેથી વાર્ષિક સમરી સાથે જીએસટીઆર-3બી મેચ થઈ શકે.

March 21, 2019
mumbai_indian.png
1min11960

ફોર્બ્સે ના અહેવાલ મુજબ મુંબઇ ઇન્ડિયન્સની કુલ માર્કેટ વેલ્યુ 50 બિલિયન ડોલર

આજને સમયમાં વિશ્વમાં મુકેશ અંબાણીનું નામ એટલે બિઝનસ બની ગયું છે. તે ત્યારે હવે ફોર્બ્સે હાલમાં જ એક યાદી જાહેર કરી હતી. આ યાદી વિશ્વમાં સ્પોર્ટ્સ ટીમના સૌથી અમીર માલિકોની હતી. જેમાં અન્ય કોઇ જ નહી પરંતુ ભારતના અને મુળ ગુજરાતી એવા રીલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિક છે. આમ મુકેશ અંબાણી વિશ્વની સ્પોર્ટ્સ ટીમના માલિકોમાં સૌથી વધુ ધનીક છે. ફોર્બ્સે કુલ 20 લોકોને આ યાદીમાં સામેલ કર્યા હતા.

 

13 ટીમના માલિકોની સંપતિમાં વધારો થયો

ફોર્બ્સે જાહેર કરેલી યાદી પ્રમાણે ગત વર્ષ કરતા કુલ 13 ટીમના માલિકોની સંપતીમાં વધારો થયો છે. તો બીજી તરફ 5 માલિકોની સંપતિમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તો બે માલિકોની સંપતિમાં કોઈ ફેરફાર થયો નથી. મુકેશ અંબાણીએ વર્ષ 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદી હતી.

NBAની લોસ એન્જિલ્સ ટીમના માલિક સ્ટીવ બીજા ક્રમે

ફોર્બ્સની આ લિસ્ટમાં NBA ની ટીમ લોસ એન્જિલિસ ક્લિપર્સના માલિક સ્ટીવ બાલમર બીજા અને ઓટો રેસિંગ ટીમ રેડ બુલના માલિક ડિએટ્રિચ માટેશિટ્ઝ ત્રીજા નંબર પર છે. આ સિવાય આઈસ હોકી ટીમ સાન જોસ શાર્કના માલિક હાસો પ્લેટનર એન્ડ ફેમિલી, ચેલ્સી ફુટબોલ કલબના માલિક રોમન અબ્રામોવિચ અને કેરોલિના પૈંથર્સ ફૂટબોલ ટીમના માલિક ડેવિડ ટેપર પણ લિસ્ટમાં સામેલ છે.

ટોપ સ્પોર્ટ્સ ટીમ માલિક

ટીમના માલિક     
                  ટીમ                રમત                             નેટવર્થ

મુકેશ અંબાણી                  મુંબઇ ઇન્ડિયન્સ     આઇપીએલ           50 બિલિયન ડોલર
સ્ટીવ બાલમર                   લોસ એન્જલિસ      એમબીએ             41.2 બિલિયન ડોલર
ડિઅટ્રિચ માટેશિટઝ         રેડ બુલ                   ઓટો રેસિંગ          18.9 બિલિયન ડોલર
હાસો પ્લેટનર & ફેમિલી    સાન જોસ શાર્ક      આઇસ હોકી          13.5 બિલિયન ડોલર
રોમન અભ્રામોવિચ           ચેલ્સી ક્લબ            ફુટબોલ                 12.4 બિલિયન ડોલર

March 21, 2019
ipl-2019-min-1024x585.jpg
1min16050

22 ચેનલો ઉપર પ્રસારણ કરાશે: ગત વર્ષ કરતા 20 ટકા વધારે આવક

સ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી આવૃત્તિમાં જાહેરાત મારફતે 21 અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે. છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને 20 ટકા વધારે રકમ મળનાર છે.

બ્રોડકાસ્ટરને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મથી કુલ મળીને 1750 કરોડ રૂપિયાની કમાણી 2018માં થઈ હતી. સ્ટારના વરિષ્ઠ કારોબારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ કંપની માટે ખૂબ સારી બાબત છે. જાહેરાતોને લઇને જવાબ પણ શાનદાર મળી રહ્યો છે. છેલ્લી આઈપીએલને લઇને કરવામાં આવેલી અમારી મહેનત અને આ વર્ષની તૈયારીના આ પુરાવા છે. 80 ટકાથી વધારે ઇવેન્ટરીનું વેચાણ કરવામાં આવી ચુક્યું છે. આઈપીએલ-19ની શરૂઆત 23મી માર્ચના દિવસે થશે.

મોગે મીડિયાના ચેરમેન ડોક્ટર સંદીપ ગોયેલે કહ્યું છે કે, આ વર્ષે સ્ટાર દ્વારા જોરદાર દેખાવ રહેનાર છે. ગયા સપ્તાહ સુધી સ્ટારની પાસે 2100 કરોડ રૂપિયાની જાહેરાતો આવી ગઈ હતી. સ્ટારને અલગ અલગ ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણ કરવાની રણનીતિથી પણ ફાયદો થયો છે.

આ સિઝનમાં ટીવી અને હોટસ્ટાર ઉપર આવનાર મોટી જાહેરાતોમાં કોકાકોલા, વિવો, ઓપો, સ્વિગી, મારૂતિ સુઝુકી, એમઆરએફ, વોલ્ટાજ, એશિનય પેઇન્ટ્સ, સેમસંગ એલઇડી, ફ્યુચર ગ્રુપ, વિમલ પાનમસાલા, મોબાઇલ પ્રિમિયર લીગ અને પોલીકેબનો સમાવેશ થાય છે. એમેઝોન પે, ફ્લિપકાર્ટ, મુદ્રા ગારમેન્ટ, નેસ્લેના મેગી જેવા પ્રોડક્ટે માત્ર હોટ સ્ટાર ઉપર ડિજિટલી સ્પોન્સરશીપ મેળવી છે. 12 ચેનલો ઉપર છ ભાષામાં પ્રસારણ કરવામાં આવનાર છે. આ વર્ષે બ્રોડકાસ્ટર 22 ચેનલો ઉપર આઈપીએલનું પ્રસારણ કરનાર છે.’

March 20, 2019
jet-1280x720.jpg
1min6140

ઉડ્ડયન કંપની જેટ એરવેઝના વધુને વધુ પ્લેન ઉડાનના બદલે જમીન પર જ રહ્યા છે, અનેક ફલાઈટ રદ થઈ છે. ઉડ્ડયન જોખમી બન્યા છે. એરલાઈનના ઍરક્રાફટ મેઈનટેનન્સ એન્જિનિયર્સ યુનિયને એવિયેશન રેગ્યુલેટરને પત્ર લખીને જણાવ્યું છે કે ત્રણ મહિનાથી પગાર ચૂકવાયો નથી.

  • 3 મહિનાથી પગાર ચૂકવાયો નથી
  • નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે

ડિરેકટર જનરલ ઑફ સિવિલ એવિયેશનને મોકલેલા પત્રમાં જેટ ઍરક્રાફટ એન્જિનિયર્સ વેલ્ફેર એસોસિયેશને જણાવ્યું છે કે અમારી નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા કઠિન બન્યું છે. પરિણામ સ્વરૂપ ઍરક્રાફટ એન્જિનિયર્સને કામ કરવામાં પ્રતિકૂળ સ્થિતિ ઊભી થઈ છે. આ કંપનીના પ્લેનના ઉડ્ડયન સામે જોખમ પણ ઊભું થયું છે.

સિનિયર મેનેજમેન્ટ ઉકેલ લાવવાનો માર્ગ શોધી રહી છે. એન્જિનિયર્સ સમયસર વેતન નહીં મળતા સતત તાણ હેઠળ કામ કરી શકતા નથી. ત્રણ માસથી પગાર મળ્યો નથી. નાણાભીડ અનુભવતા જેટ એરવેઝના 41 પ્લેનના ઉડાન બંધ થયા છે. યુનિયને ડીજીસીએને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

જેટ એરવેઝમાં 560 એન્જિનિયર્સ છે. ત્રણ માસથી વેતન નહીં મળતા તેઓેનો કંપની માટે વિશ્ર્વાસ ડગમગી ગયો છે. યુનિયને પત્રની કોપી વડા પ્રધાન મોદી, નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુને પણ મોકલી હતી.

March 15, 2019
Narendra_Modi_PTI_0.jpeg
1min7910

ભારતમાં જ નહીં બલ્કે વિશ્વમાં નરેન્દ્ર મોદી સુપર હિરોની ઇમેજ ધરાવી રહ્યા છે, મોદીના નામ પર આજે ભારતમાં કંઇપણ વેચાય જાય છે, કેટલાક ધંધાદારીઓએ ફેસબુક પર મોદીના ફોટા અને નામ પર ધંધા શરૂ કરી દીધા હતા

ફેસબુકની એડ લાઇબ્રેરી પ્રમાણે બેબીચક્ર, એન્ટિ-UV સનગ્લાસની અજાણી બ્રાન્ડ હેલોફી, પાંચ નાની રિક્રુટમેન્ટ એજન્સી અને કેટલીક શંકાસ્પદ ફાઇનાન્સ કંપનીઓ અને કૌભાંડીઓ એડ્.માં મોદીના ફોટાનો ઉપયોગ કરી મોદીની ઇમેજ એન્કેશ કરવાનો ધંધો કરી રહ્યા છે

ભારતમાં નરેન્દ્ર મોદીની ઇમેજ કોઇ કાલ્પનિક સુપર હીરો કરતા પણ વધી ગઇ છે, લોકો નરેન્દ્ર મોદીને રોબિનહુડ, સુપરમેનથી લઇને ભગવાનનું માનવીય સ્વરૂપ માનવા લાગ્યા છે, સારી બાબતોની સાથે કેટલીક નરસી બાબતો પણ જોડાયેલી છે એમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના વહેણમાં પોતાની બ્રાન્ડ વહાવીને રોકડી કરવા માંગતો તત્વો પણ મોદીની ઇમેજને બેરોકટોક પણે એન્કેશ કરી રહ્યા હતા. જેને ફેસબુકે બંધ કરાવ્યા છે.

સોશિયલ મીડિયામાં મોદીના ફોટાની આડમાં કમાણી કરવા માંગતી નાની બ્રાન્ડ્સ અને કેટલાક સ્માર્ટ કૌભાંડીઓ મોદીની લોકપ્રિયતાનો દુરુપયોગ કરી રહ્યા છે. ફેસબુકની એડ પ્રમાણે બેબીચક્ર, એન્ટિ-UV સનગ્લાસની અજાણી બ્રાન્ડ હેલોફી, પાંચ નાની રિક્રુટમેન્ટ એજન્સી અને કેટલીક શંકાસ્પદ ફાઇનાન્સ કંપનીઓ અને કૌભાંડીઓ એડ્.માં મોદીના ફોટાનો ઉપયોગ કરી તેમની લોકપ્રિયતામાંથી રોકડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રોડક્ટ્સ અને સર્વિસિસની એડ્ માટે મોદીના ફોટાનો ઉપયોગ કરનારી અન્ય ફર્મ્સમાં ફ્રેશર્સ ગ્રૂપ, ટુડે વોકિન્સ, ગવર્મેન્ટ જોબ્સિફાય, ઓમ નૌકરી અને પ્રાઇવેટ જોબ્સ જેવા જોબ સર્ચ અને રિક્રુટમેન્ટ પોર્ટલ્સ સામેલ છે.

મોદીના ફોટાનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરાતો હોવાની ફરીયાદો મળતા જ ફેસબુકે આખરે આ તમામ ફેક જાહેરાતોને હટાવી દીધી છે. કંપનીએ જણાવ્યું હતું કે, એડ્ મુકાયા પછી જાણ થઈ હતી કે, વડાપ્રધાન જેવા રાષ્ટ્રીય મહત્ત્વના વ્યક્તિ સાથે સંકળાયેલી છે. ફેસબુક પરની એક એડ્માં બે હાથમાં પિસ્તોલ અને પીઠ પર મોટી બંદૂક સાથેના વ્યક્તિના ચહેરા પર મોદીનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાંથી બહાર નીકળતા એ વ્યક્તિએ કાઉબોય હેટ અને કાળાં ચશ્માં પહેર્યાં હતાં. આ ₹799ના ‘PubG વાળાં ચશ્માં’ની એડ્ હતી, જેમાં મોદીનો ઉપયોગ કરાયો હતો.

ઓનલાઇન પેરેન્ટિંગ પ્લેટફોર્મ્સ બેબીચક્ર અને હેલોફીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (PMMVY) અને ગર્ભવતી મહિલાની બાજુમાં વડાપ્રધાન મોદીનો ફોટો દર્શાવ્યો હતો. વાસ્તવમાં તો હેલોફીની સોશિયલ મીડિયા એડ્માં દાવો કરાયો હતો કે, તે ભારત સરકારની પ્રેગનન્સી એપ્લિકેશન હતી.

બેબીચક્ર અને હેલોફીને અનુક્રમે ઇક્વાનિમિટી વેન્ચર્સ અને ઓમિડ્યાર નેટવર્ક જેવા રોકાણકારોની છાયામાં રહીને બંને કંપનીએ કુલ 25 જેટલી જાહેરાતો પાછળ ₹15 લાખ જેટલો ખર્ચ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ (પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રોપર યુઝ) એક્ટ, 1950 મુજબ વ્યાવસાયિક હેતુ માટે વડાપ્રધાન મોદીના નામ અને તસવીરના ઉપયોગ પર પ્રતિબંધ છે. 2016માં એડ્ માટે વડાપ્રધાન મોદીની તસવીરનો ઉપયોગ કરવા PayTM અને રિલાયન્સ જિયોને કડક ઠપકાનો સામનો કરવો પડ્યો હતો. વડાપ્રધાન કાર્યાલય (PMO) અને ભાજપના અમિત માલવિયાને મોકલાયેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો ન હતો. બેબીચક્ર અને હેલોફીએ પણ કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

મોદીના ફોટાનો ઉપયોગ કરતી કેટલીક એડ્ શંકાસ્પદ અને છેતરપિંડીવાળી હતી. જેમ કે, ડિજિટલ ઇન્ડિયા મોબાઇલ્સ નામના એક ફેસબુક પેજ પર વડાપ્રધાને લોન્ચ કરેલી યોજનાના નામે ₹499માં સ્માર્ટફોનનું વેચાણ થતું હતું. 

વાસ્તવમાં સરકારે આવી કોઈ સ્કીમ લોન્ચ કરી નથી. એવી રીતે ‘પ્રધાનમંત્રી યોજના’ અને ‘જનધન યોજના’ના અન્ય પેજમાં PayTM એકાઉન્ટમાં ₹99 ટ્રાન્સફર કરી સ્માર્ટફોન મેળવી શકાતો હોવાનો દાવો કરાયો હતો. આવા પેજ પર યુઝર્સને .TK ડોમેનવાળી વેબસાઇટ્સ પર લોગ-ઈન કરવાનું જણાવાય છે. ઘણા કિસ્સામાં આવી વેબસાઇટ્સનો ઉપયોગ કૌભાંડીઓ કરતા હોય છે.

March 14, 2019
smpp-bulletproof-jackets_650x400_51523292050.jpg
1min7530
  • ભારતની કંપની SMPPને આર્મી માટે બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે રો મટિરીયલ સપ્લાયર યુરોપીયન દેશો  હતા
  • ભારતની કંપની SMPPએ કોન્ટ્રાક્ટ ઓર્ડર મળી ગયા બાદ રો મટિરીયલ સપ્લાય તરીકે ચાઇનીઝ કંપનીઓને ઓર્ડર આપી દીધો
  • ચાઇનીઝ માલમાંથી બનેલા 10000 બુલેટ પ્રુફ જેકેટ્સ આર્મી માટે સ્વીકારી પણ લેવાયા

પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને બચાવવા માટે ચીને ખુલ્લંખુલ્લા પ્રયાસો કર્યા, ભારત સાથે હરહંમેશ દગાખોરી કરતા આવેલા ચીનની કંપનીઓ જ ભારતના 1.80 લાખ સૈનિકો માટેના બુલેટ પ્રુફ જેકેટ્સ બનાવવા માટેનું મટિરીયલ સપ્લાય કરી રહી છે. ચીનની કંપનીઓને કમસેકમ રૂ.500 કરોડ ઉપરાંતનો ઓર્ડર આપવાાં આવ્યો છે. ભારતની કંપની SMPPને 1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો એ પછી 2018માં એપ્રિલમાં ઓર્ડર મળ્યા પછી કંપનીએ સપ્લાયર્સ બદલી નાંખ્યા છે અને હવે ચાઇનીઝ કંપનીઓ કંપનીઓ 1,80,000 બુલેટપ્રુફ જેકેટના ઓર્ડર માટે કાચા માલનો મુખ્ય સ્રોત છે.

( symbolic photo of bulletproof jackets)

મસૂદ અઝહર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો છે, જે 14 ફેબ્રુઆરીના પુલવામા સહિત ભારતમાં થયેલા સંખ્યાબંધ ત્રાસવાદી હુમલા માટે જવાબદાર છે. સરકાર બુલેટપ્રૂફ જેકેટ્સના ઓર્ડરને સૈનિકો માટેની સૌથી મોટી સિદ્ધિ ગણાવી રહ્યું છે. કારણ કે અગાઉની સરકારે લશ્કરને આવા જેકેટ આપવાનો ઇનકાર કર્યો હતો. માહિતી મુજબ જેકેટનું 40 ટકા મટિરિયલ કાપડ અને બોરોન કાર્બાઇડ પાઉડરમાંથી બનેલું છે આ મટિરીયલ સંપૂર્ણપણે ચીનથી આયાત કરવામાં આવે છે.

બુલેટ પ્રુફ જેકેટ્સની પસંદગીની પ્રક્રિયામાં ભારતની SMPP કંપનીએ યુરોપ અને અમેરિકાના કાચા માલમાંથી બનેલા જેકેટ્સ નમૂના તરીકે રજૂ કર્યા હતા. અને કેટલાક ટેકનિકલ કારણો આગળ ધરીને કોન્ટ્રાક્ટ મળ્યા પછી SMPP કંપનીએ સપ્લાયર્સ બદલી કાઢ્યા હતા.

કંપનીના જણાવ્યા અનુસાર આ ફેરફારથી પ્રોડક્ટમાં કોઈ તફાવત નહીં પડે. SMPPના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આશિષ કંસલે જણાવ્યું હતું કે, હા, અમે સપ્લાયર્સ બદલ્યા છે અને લશ્કરને તેની જાણ પણ કરી છે. તેને લીધે ગુણવત્તામાં કોઈ ફેર નહીં પડે અને જેકેટ્સ ટેસ્ટ કરાયેલાં ધોરણો મુજબનાં જ હશે.

ભારતની SMPP કંપની એ 2018માં ઓર્ડર મળ્યા પછી બેઇજિંગના ચેંગપિંગ જિલ્લામાં આવેલી ચીનની કંપનીઓને ઓછામાં ઓછા ₹26 કરોડ ચૂકવ્યા છે. તેના બદલામાં ચીનની કંપનીઓએ ભારતીય કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે બુલેટપ્રુફ જેકેટ્સ માટેના મટિરિયલની ડિલિવરી કરી છે.

1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ ખરીદવાના આ મસમોટા કામ પેટે ભારતની SMPP કંપનીને ₹60 કરોડની રકમ એડવાન્સમાં ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં પણ ગુણવત્તા માટે આગના શ્રેણીબદ્ધ ટેસ્ટિંગ પછી 10,000 જેકેટ્સની પહેલી રેકને મંજૂરી પણ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેકેટ્સ સ્વીકારતાં પહેલાં તેનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરાયું હતું.

March 14, 2019
income_tax-1280x853.jpg
1min6660

લોકસભા ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણીખર્ચ મોનિટરિંગના ભાગરૂપે રોકડ રકમની હેરફેર પર નજર રાખવા અને બિનહિસાબી રોકડ જપ્ત કરવા માટે આવકવેરા વિભાગે રાજ્યના 33 જિલ્લામાં ટીમની રચના કરી છે. પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આપવામાં આવતા કેસ ઉપરાંત કન્ટ્રોલ રૂમ તથા એર ઇન્ટેલિજન્સ દ્વારા પર આવકવેરા વિભાગ બિનહિસાબી રોકડ અને મૂલ્યવાન ધાતુઓની હેરફેર પર નજર રાખશે.

આવકવેરા વિભાગના ડિરેક્ટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) અમિત જૈને બુધવારે જણાવ્યું હતું કે, “લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ દ્વારા ચૂંટણીખર્ચ મોનિટરિંગ કરવામાં આવશે અને તેના ભાગરૂપે તમામ રોકડની હેરફેર પર નજર રાખવામાં આવશે પરંતુ સામાન્ય નાગરિકોને મુશ્કેલી ના થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલી રોકડ રકમ હિસાબી હોવાના પૂરતા પુરાવા આપે તેમને સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

જો બિનહિસાબી રોકડ પકડાશે તો તે નાણાં જપ્ત કરવામાં આવશે અને તેનું એસેસમેન્ટ હાથ ધરાશે અને આવકવેરા કાયદાની કલમ 153(એ) મુજબ નોટિસ, પ્રોસિક્યુશન, પેનલ્ટી અને વ્યાજ સહિતનાં પગલાં લેવામાં આવશે. 1 કિગ્રાથી વધુ મૂલ્યના સોનાના દાગીના કે બુલિયન અને ₹10 લાખથી વધુની રોકડ પોલીસ દ્વારા પકડવામાં આવે તો તેવા કિસ્સા ફરજિયાતપણે આવકવેરા વિભાગને સોંપવાના રહે છે.”

આવકવેરા વિભાગે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કુલ ₹4.66 કરોડની રોકડ પકડી હતી જેમાંથી ₹1.39 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા અને 27 કિગ્રા સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

આવકવેરા વિભાગે સમગ્ર રાજ્યમાં છ ઝોનલ હેડ ઓફિસર અને એક સ્ટેટ હેડ ઓફિસની નિમણૂક કરી છે. અમદાવાદમાં બે અને રાજકોટ, સુરત, વડોદરા, વાપીમાં એક-એક ઝોનલ હેડની નિમણૂક કરીને તેમના વિસ્તારના જિલ્લાની વહેંચણી કરવામાં આવી છે.

દરેક જિલ્લામાં એક ટીમ બનાવવામાં આવી છે. આવકવેરા વિભાગે 24 કલાક કાર્યરત એક કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો છે અને તેમાં જે જિલ્લામાં રોકડની હેરફેર અંગે માહિતી આવે તે રિયલ ટાઇમ તે જિલ્લાની ટીમને ટ્રાન્સમિટ કરવાની સિસ્ટમ રચી છે. રાજ્યનાં 11 એરપોર્ટ પર પણ સર્વેલન્સ માટે એર ઇન્ટેલિજન્સ યુનિટની રચના કરવામાં આવી છે. ચૂંટણી સુધી રોકડની હેરફેર પર નજર રાખવા માટે વિભાગના કુલ ૪૦૪ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે પણ આચાર સંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે કોઈ ઉમેદવાર કે તેનો એજન્ટ કે પક્ષનો કોઇ કાર્યકર, ચૂંટણી સંબંધિત સામગ્રી જેવી કે ચોપાનિયા, ભીંત ચિત્રો સાથે તે વાહનમાં ₹50,000 કરતાં વધુ રોકડ રકમ લઈ જતાં મળે તો અથવા તેવાહનમાં કોઈ પણ પ્રકારનાં ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો કે અન્ય ગેરકાનૂની વસ્તુઓ લઇ જવાતી હશે- જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય-તો તેને તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવશે.

આ તપાસ અને જપ્તની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો/ સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વીડિયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.

March 13, 2019
SGCCI.jpg
1min7730
  • SGCCI મેનેજિંગ કમિટીમાં 13 નવા ચહેરાઓને સ્થાન
  • સત્તાધારી પક્ષ તરફથી 7 નવા ચહેરા સમાવાશે
  • બીએસ અગ્રવાલ જૂથના 6 ચહેરાઓ અને એ નવા અને જેન્યુઇન વ્યવસાયિક કે ઉદ્યોગપતિ છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક તરફ આજના અખબારોમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી અંગેની નોટિસ પ્રકાશિત કરવામાં આવી હતી તો બીજી તરફ સાંજના સુમારે એવા સમાચાર આવ્યા હતા કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ચીફ પેટ્રનની 12, પેટ્રનની 6 અને લાઇફ મેમ્બરની કુલ 46 બેઠકો માટેની ચૂંટણી ટળી જવા પામી છે. માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલ કેમ્પ દ્વારા સમાધાનકારી વલણ અપનાવીને સત્તાધારી પેનલ સાથે સમાધાનની ફોર્મ્યુલા પર સંમતિ આપવામાં આવી હતી.

સાંજે 5 વાગ્યે ચેમ્બર કાર્યાલય ખાતે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલે જણાવ્યું હતું કે કંઇક નવીન કાર્ય કરવા જઇએ એટલે સ્વાભાવિક વિરોધ થાય. હું તો પ્રમુખ બની ચૂક્યો છું, આમ છતાં મેં કેમ મેનેજિંગ કમિટીની ચૂંટણી થાય તેવો અભિગમ અપનાવ્યો એ બાબતે મને લોકો સવાલો કરતા હતા. બી.એસ. અગ્રવાલે કહ્યું કે ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં નવા ચહેરાઓ ખાસ કરીને જેન્યુઇન બિઝનેસમેન, વ્યવસાયિકોને સ્થાન મળે તેવા પ્રયાસ માટે મેં આગ્રહ રાખ્યો હતો. તેમણે કહ્યું કે આ વખતની મેનેજિંગ કમિટીમાં ઘણાં નવા ચહેરાઓ આપને જોવા મળશે.

સત્તાધારી પેનલ સાથે કેટલી બેઠકો પર સમાધાન થયું એ અંગે બીએસ અગ્રવાલે કોઇ ફોડ પાડ્યો ન હતો. પરંતુ, સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બી.એસ. અગ્રવાલ જૂથના 6 જેટલા પ્રતિનિધિઓને મેનેજિંગ કમિટીમાં સ્થાન મળશે એ નિશ્ચિત મનાય છે. આ વખતની ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં કુલ 13 નવા ચહેરાઓ જોવા મળશે. બીએસ જૂથ ઉપરાંત સત્તાધારી જૂથ દ્વારા પણ કેટલાક જૂના નેતાઓને પડતા મૂકીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

જોકે, ચૂંટણી ટળવાની આધિકારીક ઘોષણાં મોડી સાંજે કરવામાં આવશે એમ મનાય છે. તા.13મી માર્ચ 2019ને બુધવારે સાંજે 5.10 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે ચેમ્બરની ચૂંટણી ટળી ગયાના પહેલા સમાચાર સી.આઇ.એ. લાઇવને મૌખિક રીતે મળ્યા હતા.

ટૂંકમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી હવે ટળી જવા પામી છે. હવે પછીનો જંગ વાઇસ પ્રેસિડેન્ટશીપ માટે લડાશે.