CIA ALERT

બિઝનેસ Archives - Page 72 of 92 - CIA Live

April 17, 2019
jet.jpg
1min6710

આર્થિક ભીંસમાં સપડાયેલી જૅટ ઍરવેઝની ઇન્ટરનેશનલ ફલાઇટ્સની સર્વિસ અચાનક બંધ થયા બાદ લોકોની વેકેશનની યોજના પડી ભાંગી છે. છેલ્લી ઘડીએ એડવાન્સમાં બુક કરાવેલી ફલાઇટની ટિકિટો રદ થતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ખાનગી કંપનીઓએ તેના ભાવમાં એકાએક વધારો કરતા અનેક પ્રવાસીઓની મુશ્કેલી વધી ગઇ છે. હાલમાં વેકેશનની સિઝન ચાલુ હોવાથી ફલાઇટની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા છે તેમ જ અન્ય ઍરલાઇન્સના ભાડા પણ તુલનામાં વધુ છે, તેને કારણે ટ્રાવેલ્સ કંપનીઓએ તેના ટૂરના પૅકેજના ભાવ વધારી દીધા છે. પરિણામે લોકોને તેના ખિસ્સામાંથી વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા હોવાથી તેમનું આર્થિક બજેટ પણ ખોરવાયું છે.

એપ્રિલથી જૂન મહિનો એ વેકેશનનો સમયગાળો હોય છે. શાળા-કૉલેજમાં રજા હોવાથી મોટા ભાગના લોકો સહપરિવાર બહારગામ અથવા દેશ-વિદેશમાં પોતાની મેળે અથવા ટૂર્સ એન્ડ ટ્રાવેવ્સ મારફત ફરવા માટે જતા હોય છે. આ સમયગાળામાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇને ફલાઇટની ટિકિટો પણ પ્રમાણમાં મોંઘી થાય છે. તેને કારણે અનેક લોકો અગાઉથી જ ફલાઇટની ટિકિટ બુક કરાવીને રાખતા હોય છે, જેથી કરીને તેમને વધુ પૈસા ન ચૂકવવા પડે. જોકે, જૅટ ઍરવેઝે છેલ્લી ઘડીએ ઇન્ટરનેશનલ ફલાઇટ્સ રદ કરતા અનેક પ્રવાસીઓની વેકેશનની યોજના અટવાઇ પડી છે. અનેક લોકો પર બહારગામ પહોંચ્યા પછી પાછા ફરવા માટે મોંઘી ટિકિટ ખર્ચવાની નોબત આવી છે.

આ અંગે એક પર્યટન કંપનીના જણાવ્યા અનુસાર પર્યટન કંપનીઓ એકસાથે અનેક પર્યટકોની વિમાનની ટિકિટ આરક્ષિત કરતી હોય છે. એવામાં છેલ્લી ઘડીએ ફલાઇટ રદ થતા નવેસરથી ટિકિટ કાઢવાનું ખર્ચાળ પડે છે. ટૂરના ખર્ચમાં વધારો થતા અમારે પણ પર્યટકો પાસેથી પૈસા વસૂલવા પડે છે. જો એમ ન કરીએ તો અમારે નુકસાન વેઠવાનો વારો આવે. જૅટની પરિસ્થિતિનો ફટકો આગામી એકાદ બે વર્ષ સુધી પર્યટન વ્યવસાય પર પડવાની શકયતા છે.

દરમિયાન એક પ્રવાસીએ તેનો અનુભવ જણાવતા કહ્યું હતું કે સિંગાપુર જવા માટે જૅટની ટિકિટ 27 હજાર રૂપિયામાં મળે છે. જોકે, આવી પરિસ્થિતિમાં ઍર ઇન્ડિયા અને સિંગાપુર ઍરલાઇન્સની ટિકિટ છેલ્લી ઘડીએ 72 હજાર રૂપિયા પર ગઇ. તેને કારણે બીજી કંપનીના વિમાન મારફત ચેન્નઇ દ્વારા પ્રવાસ કરવો પડ્યો. સવા પાંચ કલાક માટે 12 કલાક પ્રવાસ કરીને હાલાકી ભોગવવી પડી હોવાથી પ્રશાસન સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

April 14, 2019
income_tax-1280x853.jpg
1min5740

અમદાવાદ, ગોધરા, વડોદરા, સુરત સહિત વિવિધ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 8 કરોડ, 11 લાખની રોકડ રકમ જપ્ત

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે મોટાપાયે રોકડની હેરફેર થતી હોવાની બાબતને ધ્યાનમાં લઈને ઈન્કમટૅક્સ વિભાગ સક્રિય બની શુક્રવારે સવારથી જ એક જાણીતી આંગડિયા પેઢીઓની અમદાવાદ, સુરત, ગોધરા, રાજકોટ, સહિતના સ્થળે આવેલી ઑફિસો પર દરોડા પાડીને કરોડોની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. લોકસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઈન્કમટૅક્સ વિભાગ વધુ સક્રિય થઈ આંગડિયા પેઢીઓ, ટૂર ઓપરેટરના ઑફિસ, એન્ટ્રી ઓપરેટર અને સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરીને અમદાવાદ, ગોધરા, વડોદરા, સુરત સહિત વિવિધ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 8 કરોડ, 11 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.

રૂ. ત્રણ કરોડના દાગીના, ઝવેરાત જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં જાણીતા એન્ટ્રી ઓપરેટરના ત્યાંથી રૂ. 46 લાખની રોકડ સાથે કરોડોની એન્ટ્રીની વિગતો મળી આવી હતી. નવરંગપુરામાં એક ટૂર ઓપરેટરના ત્યાં દરોડા પાડીને રૂ. 47.26 લાખ અને ઝવેરાત કબજે કરી હતી. ટૂર ઓપરેટરની સરદાર પટેલ કોલોની- નવરંગપુરામાં આવેલ ઑફિસ તેમ જ ધનંજય ટાવરમાં આવેલ બંગલોમાં સર્ચ ચાલી રહી હતી. અમેરિકા, માલ્ટામાં આવેલી કંપનીઓમાં તેમનું કરોડોનું રોકાણ કર્યાનું અને દુબઈમાં પણ ઑફિસો અને કંપની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ટૂર ઓપરેટર દ્વારા હવાલા મારફતે વિદેશોમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાની આશંકા છે. ઈન્કમટૅક્સ વિભાગ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે મોટાપાયે કરચોરીઓ સામે આવવાની શક્યતા છે.

April 12, 2019
SGCCI.jpg
1min12700
  • લોકશાહી પ્રક્રિયાને અવગણીને સગવડીયો ધર્મ અપનાવતા નાવડીયા-ગુજરાતી જૂથના કહેવાતા ઉદ્યોગપતિઓ
  • 16 ઉમેદવારો માંથી 15 રાજી હોવાનો દાવો, હીરા અને ડાયમંડ ઉદ્યોગપતિઓએ અંદરોઅંદર સેટિંગ કરી લીધું
  • આ વર્ષે દિનેશ નાવડીયા વાઇસ પ્રેસિડેન્ટ બને અને આવતા વર્ષે આશિષ ગુજરાતી બને તેવું બે મોટા જૂથોનું કહેવાતું સેટિંગ
  • નીતિન ભરૂચા આ સગવડીયા સમાધાનની વિરુધ્ધમાં હોવાની સ્થિતિ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) ને કેટલાક ઉદ્યોગપતિઓ પોતાની જાગીર સમજતા થઇ ગયાની અનુભૂતિ આજે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે કહેવાતા ઉદ્યોગપતિઓના સમૂહ વચ્ચે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદની થયેલી વહેંચણી પરથી થઇને રહે છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના આગામી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે કુલ 16 ઉમેદવારો મેદાનમાં હતા. 16 ઉમેદવારો પૈકી આજે 15 જણા વચ્ચે એવી સમજૂતી થઇ કે આ વખતે ચેમ્બરનું વાઇસ પ્રેસિડેન્ટ પદ હીરા ઉદ્યોગને એટલે કે દિનેશ નાવડીયાને આપવામાં આવે અને આવતા વર્ષે ટેક્સટાઇલ ઉદ્યોગના આશીષ ગુજરાતીને આપવામાં આવે.

અત્યાર સુધી ગમે તે સંજોગોમાં ચૂંટણી લડું લડું કરનારા 13 ઉમેદવારો આ સમાધાન માટે રાજી થઇ ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે એક ઉમેદવાર કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિન ભરૂચાએ આ સગવડીયા ધર્મ સામે સખત વિરોધ નોંધાવતા સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ગમે તે સંજોગોમાં તેઓ લોકશાહીને જીવંત રાખશે અને હાલ તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં પથારીવશ હોવા છતાં ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી લડશે.

લોકશાહીની પ્રક્રિયાને કોરાણે મૂકીને સગવડીયું સેટિંગ 

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)માં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે નક્કી એવું થયું છે કે દિનેશ નાવડીયા અને આશીષ ગુજરાતી એમ બે જૂથોના ઉદ્યોગપતિઓ ભેગા થઇ ગયા છે અને બન્ને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ વખતે આશીષ ગુજરાતી જૂથ દિનેશ નાવડીયાના આડે નહીં આવે અને જો ચૂંટણી થાય તો તેમને સપોર્ટ કરશે જ્યારે આવતા વર્ષે દિનેશ નાવડીયા-બીએસ અગ્રવાલ જૂથ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આશિષ ગુજરાતીને સપોર્ટ કરશે.

સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવનાર આશીષ ગુજરાતીએ ચેમ્બર પ્રમુખ બનવું છે

જે કાર્યક્રમમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) સહ આયોજક હતું એ કાર્યક્રમ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના હિત માટે યોજાયો હતો અને તેમાં ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની ઉપસ્થિત રહ્યા હતા. સોનાની થાળી સમા આ કાર્યક્રમમાં આશીષ ગુજરાતીએ લોઢાનો મેખ રચતા સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવ્યા હતા. આશીષ ગુજરાતીએ કોંગ્રેસી અશોક જીરાવાળા સાથે મળીને ફોગવાના નામે ચેમ્બર સામે જ બાંયો ચઢાવી હતી. ચેમ્બર ઓફ કોમર્સની ટેક્સટાઇલ કમિટીની જવાબદારી હોવા છતાં ચાર ચાર મહિના સુધી નિષ્ક્રીય રહીને ચેમ્બર સામે બાંયો ચઢાવનાર આશીષ ગુજરાતીને તો જે જોઇતું હતું એ મળી ગયું છે આજે નહીં તો આવતા વર્ષે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) ના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે તેમણે સેટિંગ કરી લીધું છે.

April 12, 2019
kapas.jpg
1min5100

દેશમાં રૂના મુખ્ય ઉત્પાદક રાજ્ય ગુજરાતમાં આ વર્ષે કપાસનો વાવેર વિસ્તાર સામાન્ય સરેરાશ કરતાં વધુ રહ્યો હોવા છતાં રાજ્યનાં મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ ઓછો થવાને કારણે હેક્ટરદીઠ ઊપજમાં ઘટાડો થતાં ઉત્પાદન એક દાયકાની નીચી સપાટીએ રહેવાની ભીતિ સેવાઈ રહી છે.

તાજેતરમાં કૉટન એસોસિયેશન ઑફ ઈન્ડિયાએ જાહેર કરેલાં રૂનાં પાકના અંદાજોમાં ગુજરાતમાં રૂના ઉત્પાદનનો અંદાજ ગત 2017-18ની મોસમની 105 લાખ ગાંસડી સામે 82.5 લાખ ગાંસડીનો મુક્યો છે. ગુજરાતમાં આ વર્ષે રૂનું ઉત્પાદન વર્ષ 2008થી 2019 સુધીનું સૌથી ઓછું રહેવાની શક્યતા છે. સામાન્યપણે બીટી કપાસના પાકને પાણીની આવશ્યકતા વધુ હોય છે અને સિંચાઈની ઓછી વ્યવસ્થાની પાક પર વિપરીત અસર પડશે, એમ રૂના એક સ્થાનિક વેપારી અરુણ દલાલે જણાવતાં ઉમેર્યું હતું કે વર્ષ 2018-19માં ગુજરાતમાં રૂની હેક્ટરદીઠ ઊપજ જે ગત સાલ 619 કિલોગ્રામની હતી તે ઘટીને 532 કિલોગ્રામ આસપાસ રહે તેમ જણાય છે.

કુલ અંદાજીત ઉત્પાદન પૈકી 61 લાખ ગાંસડીની બજારમાં આવકો થઈ છે. રાજ્યમાં કપાસનો વાવેતર વિસ્તાર ગત સાલના 26.02 લાખ હેક્ટર સામે વધીને 27.12 લાખ હેક્ટર રહ્યો છે. એકંદરે જો ગુજરાતમાં રૂના ઉત્પાદનમાં ઘટાડો થાય તો દેશનાં કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેમ હોવાથી કુલ ઉત્પાદન પણ ગત મોસમની 365 લાખ ગાંસડી સામે ઘટીને એક દાયકાની નીચી 321 લાખ ગાંસડી આસપાસ રહેશે. એકંદરે રૂના ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાને ધ્યાનમાં લેતાં ભાવમાં પણ સુધારાનો પવન ફૂંકાયો છે. રૂની બૅન્ચમાર્ક સંકર 6 ના ઑક્ટોબર અંતે ભાવ જે ખાંડીદીઠ (356 કિલોગ્રામ) રૂ. 40,000થી 42,000 આસપાસ હતા તેની સામે હાલ આ મહિને વધીને રૂ. 46,500થી 47,000 આસપાસની સપાટીએ પ્રવર્તી રહ્યાના અહેવાલ છે.

April 8, 2019
forbes_1200x1200.jpg
1min8300
ફોર્બ્સ ઇન્ડિયાની બિલિયોનરની યાદીમાં પહેલીવાર અમદાવાદના 8 લોકોનો સમાવેશ
Photo Credit : Creative Yatra

હાલમાં જ ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિને ભારતના બિલિયોનર્સની યાદી જાહેર કરી હતી. મહત્વની વાત એ છે કે ફોર્બ્સ ઇન્ડિયાએ પહેલીવાર અમદાવાદના બિલિયોનર્સની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં અમદાવાદના ચાર બિલિયોનર્સનો સમાવેશ થયા છે. ભારતભરના બિલિયોનર્સની યાદીમાં નજર કરીએ તો મુંબઇ, દિલ્હી અને બેંગ્લોર બાદ અમદાવાદ ચોથા ક્રમે આવે છે.

ગુજરાતની યાદીમાં ગૌતમ અદાણી પહેલા સ્થાને
બિલિયોનર્સની યાદીમાં ગૌતમ અદાણી પહેલા સ્થાન પર છે. ગૌતમ અદાણીની સંપત્તિની વાત કરીએ તો
 8.7 બિલિયન ડોલર્સ એટલે કે 596 અબજની નેટવર્થ ધરાવે છે. તે મુખ્યત્વે પોર્ટથી લઇને ગેસના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ભારત ભરમાં સફળ બિઝનસ મેનની યાદીમાં ગુજરાતીઓમાં અંબાણી બાદ અદાણી પરીવાર સૌથી સફળ ગણવામાં આવે છે.

નિરમાના ફાઉન્ડર કરશન પટેલ બીજા ક્રમે
ફોર્બ્સની ગુજરાતી બિલિયોનર્સની યાદીમાં બીજા નંબર પર નિરમા ગ્રુપના કરશન પટેલ છે. તેમની સંપત્તિની વાત કરીએ તો 4.7 બિલિયન ડોલર્સ એટલે કે 322 અબજની નેટવર્થ ધરાવે છે. 1969માં કરશનભાઇ પટેલે ફોસ્ફેટ ફ્રી પીળા પાઉડર બનાવાનો ધંધો શરુ કર્યો હતો. જેને તેમણે ખૂબ વિશાળ બનાવ્યો.

ટોરેન્ટ ગ્રુપના સુધીર અને સમીર મહેતા ત્રીજા સ્થાને
ગુજરાતી બિલિયોનર્સની યાદીમાં ત્રીજા નંબર પર ટોરેન્ટ ગ્રુપના સુધીર અને સમીર મહેતા આવે છે. તેમની સંપત્તિની વાત કરીએ તો 4 બિલિયન ડોલર્સ એટલે કે 274 અબજની નેટવર્થ ધરાવે છે. આ ઉદ્યોગની શરુઆત સ્વ. યુ.એન મહેતાએ કરી હતી અને હાલ તેમના પુત્રો સુધીર અને સમીર આ કારોબાર સંભાળે છે.

ઇન્ટાસ ગ્રુપના હસમુખ ચુંડગર ચોથા ક્રમે છે
બિલિયોનરની યાદીમાં અમદાવાદના ઇન્ટાસ કંપનીના હસમુખ ચૂડગર ચોથા નંબરે આવે છે. જેની નેટવર્થ 247 અબજ છે. આપણે જાણીએ છીએ કે અમદાવાદ ફાર્મા કંપનીનું હબ છે. ત્યારે એક નાની ફાર્મા કંપની તરીકે શરુઆત થયેલી ઇન્ટાસ ફાર્મા આજે દેશની ટોપ ટેન ફાર્મા કંપનીમાં સ્થાન ધરાવે છે.

ઝાયડસના ચેરમેન પંકજ પટેલ પાંચમાં ક્રમે
અમદાવાદના બિલિયોનર્સની યાદીમાં પાચમાં સ્થાન પર છે ઝાયડસ ગ્રુપના ચેરમેન પકંજ પટેલ. રમણભાઇ પટેલના વારસાને ઝાયડસના ચેરમેન પંકજ પટેલે આગળ વધાર્યો. તેમની નેટવર્થ 247 અબજ એટલે કે 4 બિલિયન ડોલર્સ છે.

AIA એન્જીનીયરીંગના ભદ્રેશ શાહ છઠ્ઠા ક્રમે
ત્યાર બાદ બિલિયોનરની યાદીમાં છઠ્ઠા સ્થાન પર છે
 AIA એન્જીન્યરીંગના ભદ્રેશ શાહ. તેમની તેની સંપત્તિની વાત કરીએ તો તે 1.5 બિલિયન ડોલર્સ એટલેકે નેટવર્થ 96 અબજની સંપતી ધરાવે છે. આ કંપની સિમેન્ટમાઇનિંગ અને પાવર જેવી કંપનીઓને રિપ્લેસમેન્ટ પાટર્સ સપ્લાય કરે છે. છેલ્લા 15 વર્ષમાં આ કંપનીએ જબરદસ્ત પ્રગતિ કરી છે.

સિમ્ફની કુલર્સના MD અચલ બેકરી સાતમાં ક્રમે
ફોર્બ્સની ગુજરાતી બિલિયોનરની યાદીમાં દેશભરમાં પ્રખ્યાત અમદાવાદના સફળ ગણાતા સિમ્ફની કુલર્સના એમડી અચલ બેકરીનું સ્થાન સાતમાં ક્રમે આવે છે. તેની સંપત્તિની વાત કરીએ તો હાલ તે
 1.3 બિલિયન ડોલર્સ એટલે કે તેમની નેટવર્થ 75 અબજની નેટવર્થ ધરાવે છે.

એસ્ટ્રલ પાઇપ્સના સંદિપ એન્જિનિયર આઠમાં ક્રમે
તો ગુજરાતના અંતિમ એટલે કે આઠમાં ક્રમમાં બિલિયોનર એસ્ટ્રલ પાઇપ્સના સંદિપ એન્જિનિયર આવે છે. હાલ સંદિપ એન્જિનિયરની સંપતીની વાત કરીએ તો 74 અબજની નેટવર્થ ધરાવે છે. PVC પાઇપ્સના નિર્માણમાં આવ્યા બાદ તેમને હરણફાળ સફળથા મેળવી અને દેશ વિદેશમાં તેમણે પોતાનો બિઝનસ ફેલાવ્યો. જોકે આ પહેલા તે કેમિકલ અને ફાર્માના બિઝનસમાં નિષ્ફળ ગયા હતા. ત્યાર બાદ PVC પાઇપ્સના બિઝનસમાં મોટી સફળતા મેળવી.

April 5, 2019
kapas.jpg
1min13100
કપાસનો ભાવ સૌરાષ્ટ્રના અર્થતંત્ર ઉપર ઉંડો પ્રભાવ પાડનારો રહ્યો છે. મંદી હોય ત્યારે બૂમરાણ મચી જાય પણ તેજી વખતે બજારમાં તેની ચમક હોય. લગભગ આઠ વર્ષના દિર્ધ ગાળા પછી પ્રથમ વખત કપાસનો ભાવ સૌરાષ્ટ્રમાં મણદીઠ રૂ. 1300ની સપાટીએ પહોંચ્યો છે. કપાસના ઉત્પાદનમાં મોટું ગાબડું નીકળ્યું છે તેના પરિણામે માલ ખૂટવા લાગ્યો છે. બીજી તરફ મંદીની બૂમરાણ મચાવી રહેલા મોટાં ટ્રેડરો અને કંપનીઓ પણ તેજીમાં આવી જતા કપાસની સાથે રૂ, કપાસિયા તથા ખોળમાં પણ ભારેખમ તેજી થઇ છે. જોકે કપાસનો જથ્થો હવે જૂજ ખેડૂતો પાસે હોય તેજીનો લાભ મેળવવામાંથી મોટાંભાગના વંચિત રહી ગયા છે.
અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસ રૂ. 1090-1300માં વેચાયો હતો. જોકે ગામડે પણ રૂ. 1275 સુધી કામકાજ થયા હતા. મહિનામાં પેમેન્ટ કરવાની શરતે રૂ. 1300માં કેટલાક ગામડાંમાંથી સોદા થયા હતા તેમ સૌરાષ્ટ્ર કોટન અને કોટનસીડ બ્રોકર્સ એસોસીએશનના પ્રમુખ અવધેશભાઇ સેજપાલે કહ્યું હતુ. તેમણે કહ્યું કે, સીઝનના આરંભે 370 લાખ ગાંસડી રૂનો પાક થશે તેવા અંદાજો હતા પરંતુ વાતાવરણની પ્રતિકૂળતા વચ્ચે પાક હવે 300-310 લાખ ગાંસડી માંડ માંડ આવશે એવી ધારણા બજારમાં બધે જ પ્રવર્તી છે. અગાઉ મોટાં પાકની ધારણા વચ્ચે મંદીમાં મહાલી રહેલો તમામ વર્ગ તેજીમાં આવી જતા લાવ લાવની તેજી થઇ છે.
તેમણે કહ્યું કે, કપાસની સીઝન શરું થવાની હોય ત્યારે મોટાં મોટાં સંગઠનો પાકના આસમાની અંદાજો મૂકે છે. મોટાં અંદાજોની અસરથી ખેડૂતો માલ વેંચી નાંખે છે અને જિનો પણ ખોટમાં ચાલે છે. સીઝનના અંતે પાક ઓછો નીકળતા ખેડૂતોને કપાસની તેજીનો લાભ મળતો નથી. અત્યારે એવી જ સ્થિતિ છે. મોટાંભાગના ખેડૂતો કપાસ વેંચી ચૂક્યાં છે. હવે 10 ટકા સ્ટોક ફક્ત મજબૂત હાથમાં છે તેમને જ તેજીનો લાભ મળી રહ્યો છે.
કપાસનો ભાવ રૂ. 1300 થયો છે. બીજી તરફ રૂનો ભાવ તુલનાત્મક રીતે ઓછો વધે છે એટલે જિનીંગ મિલોને રૂ. 1500ની ડિસ્પેરીટી થઇ ગઇ છે. ડિસ્પેરીટી ઘટાડવા માટે જિનો કપાસિયા ઉંચા ભાવે વેંચવા લાગતા કપાસિયામાં પૂરપાટ તેજી ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં કપાસિયા રૂ 580-600માં વેંચાતા હતા. ચાલુ સીઝનનો સર્વોચ્ચ ભાવ થઇ ગયો છે. કપાસમાં એક દિવસમાં રૂ. 20નો વધારો થયો છે. જ્યારે કપાસિયામાં રૂ. 30 ઉંચકાઇ ચૂક્યાં છે.
કપાસની તેજી વચ્ચે સંકર રૂનો ભાવ પણ સીઝનની ટોચ ઉપર રૂ. 45800-46300એ પહોંચી ગયો છે. રૂ બજારમાં વધુ તેજી શક્ય છ ઁતેમ અભ્યાસુઓ કહેછે. રૂમાં સ્થાનિક અને નિકાસ માગ ઉંચા મથાળે અટકી ગઇ છે.
અભ્યાસુઓના મતે તેજીને લીધે કપાસની વેચવાલીમાં સાવ ઘટાડો આવે એમ છે. એ જોતા જિનોને કાચો માલ મળે તેમ નથી. કાચો માલ ન મળતા જિનીંગ મિલો પંદર વીસ દિવસમાં મોટેભાગે બંધ થઇ જાય તેમ છે.
April 4, 2019
RBI.jpg
1min15770

આરબીઆઈ દ્વારા આજે તા.4 એપ્રિલ 2019ના રોજ ભારતના અર્થતંત્રને વેગ આપતી મોનેટરી પોલિસી જાહેર કરી હતી. જેના ભાગરૂપે રેપોરેટ, વ્યાજના દરમાં 0.25 ટકાનો સતત બીજી વાર ઘટાડો કરાયો છે. આ સાથે જ એશિયામાં ભારત એક માત્ર એવો દેશ છે કે જેણે ત્રણ મહિનામાં વ્યાજના દરમાં બે વાર ઘટાડો કર્યો છે.

નાણાકીય વર્ષ 2019-20ની સૌ પહેલી મોનેટરી પોલિસીમાં રેપો રેટ એટલે કે વ્યાજ દરમાં ઘટાડો કરાતા હવે તે 6 ટકા પર આવી ગયો છે. રેપો રેટ એવો દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને નાંણા ધીરે છે.

વ્યાજ દરમાં ઘટાડો કરવાના કારણમાં મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે હાલના નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં જીડીપી ગ્રોથ રેટ 6.8 થી 7.1 ટકા વચ્ચે રહી શકે છે, અને પછીના છ મહિનામાં તે વધીને 7.3 થી 7.4 ટકા થઈ શકે છે.

આ સિવાય ફુગાવાનો દર આ નાણાકીય વર્ષમાં 2.9 થી 3 ટકા આસપાસ રહેશે. ફુગાવો ઘણો નીચો રહેવાની શક્યતા પર આરબીઆઈએ વ્યાજના દર ઘટાડ્યા છે. જ્યારે 2019-20ના છેલ્લા છ મહિનામાં ફુગાવાનો દર 3.5 થી 3.8 ટકા સુધી રહેવાનો અંદાજ રિઝર્વ બેંકે વ્યક્ત કર્યો છે.

આરબીઆઈ આ વખતે પણ વ્યાજના દરમાં ઘટાડો કરશે તેવું નક્કી મનાતું હતું. જો વ્યાજ દરમાં ઘટાડો ન થાય તો પણ તે સ્થિર રહે તેવી પૂરી શક્યતા હતી, કારણકે હાલની સ્થિતિને જોતા રિઝર્વ બેંક કોઈ સંજોગોમાં વ્યાજ દર નહીં વધારે એમ માનવામાં આવી રહ્યું છે.

 

April 2, 2019
SGCCI.jpg
1min10380

દિનેશભાઇ નાવડીયાએ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવી છે, પણ તેમની સાથે બીજા 16 ઉમેદવારોએ ઝુકાવ્યું છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં વાઇસ પ્રેસિડેન્ટની એક પોસ્ટ માટે યોજાનારી ચૂંટણીમાં આ વખતે પહેલી વખત ડાયમંડ ઉદ્યોગના પ્રતિનિધિને ચૂંટી કાઢવાની દરખાસ્ત સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા કરવામાં આવી છે. સુરતના અર્થતંત્રમાં મોટું યોગદાન ધરાવતા ડાયમંડ ઉદ્યોગમાંથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વર્તમાન ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ દાવેદારી નોંધાવી છે.

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આ મુજબનો પત્ર જારી કરવામાં આવ્યો છે.

એ પૂર્વે તા.1લી એપ્રિલ 2019ના રોજ ચેમ્બરમાં વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદત સુધીમાં કુલ 17 મેમ્બર્સે ઝંપલાવ્યું છે. આ મેમ્બર્સની નામાવલી માં

  • દિનેશ નાવડીયા
  • નીતિન ભરૂચા
  • નિખીલ મદ્રાસી
  • હિમાંશુ બોડાવાલા
  • મહેશ વાણાવાલા
  • અતુલ પાઠક
  • રાજેન્દ્ર લાલવાલા
  • બંદના ભટ્ટાચાર્ય
  • ભદ્રેશ શાહ
  • જનક પચ્ચીગર
  • આશા દવે
  • હરીવદન રાણા
  • સુનીલ જૈન
  • દિપક શેઠવાલા

વગેરે ઉમેદવારોનો સમાવેશ થાય છે. આગામી તા.6 એપ્રિલના રોજ ઉમેદવારી પરત કરવાની અંતિમ મુદત છે એ પછી પણ ચારેક ઉમેદવારો મેદાનમાં રહે તેવી શક્યતા જોવાય રહી છે. ચેમ્બરમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આ વખતે ત્રિપાંખીયો જંગ નહીં પણ બહુંપાંખીયો જંગ ખેલાય તેવી ભીંતી વર્તાય રહી છે.

ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગ્રવાલએ તાજેતરમાં મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં બાંયો ચઢાવીને છેવટે પાણીમાં બેસી ગયા હતા. પરંતુ, આ ઘટનાના એવા પ્રત્યાઘાત ચેમ્બરના વહીવટ પર પડ્યા છે કે હવે દરેક તબક્કે જ્યાં પોસ્ટ-પદ વહેંચવાની વાત આવશે ત્યાં ચૂંટણી વગર નિવેડો નહીં આવે એવો ટ્રેન્ડ સેટ થઇ ગયો છે. આ વખતે પણ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવનારા દાવેદારોનો મૂડ એવો જ છે કે હારી જઇએ તો હારી જઇએ પણ ચૂંટણી તો લડવી જ છે. આ વખતે પાસ્ટ પ્રેસિડેન્ટસને સર્વસંમતિ સધાવામાં ઝાઝી સફળતા મળે તેમ જણાતું નથી.

 

April 2, 2019
gst.jpg
1min9780

માર્ચ મહિનામાં GST કલેક્શન વધીને ₹1.06 લાખ કરોડની નવી ઊંચાઈએ પહોંચ્યું છે. ફેબ્રુઆરીમાં સરકારની GST આવક ₹97,247 કરોડ રહી હતી. રિટર્નની સંખ્યામાં વૃદ્ધિને પગલે કમ્પ્લાયન્સમાં સુધારો થવાથી GSTના આંકડામાં વધારો નોંધાયો છે.

સત્તાવાર નિવેદન અનુસાર માર્ચ 2019માં GSTની કુલ આવક ₹1,06,577 કરોડ રહી છે. જેમાં કેન્દ્રીય GST ₹20,353 કરોડ, સ્ટેટ GST ₹27,520 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST ₹50,418 કરોડ અને સેસ ₹8,286 કરોડ છે.

31 માર્ચ સુધીમાં ફાઇલ કરાયેલા ફેબ્રુઆરી મહિનાના GSTR-3B સમરી સેલ્સ રિટર્નની કુલ સંખ્યા 75.95 લાખ રહી છે. GST અમલી બન્યો ત્યારથી અત્યાર સુધીમાં માર્ચ 2019નું GST કલેક્શન સૌથી વધુ છે, જે માર્ચ 2018ની તુલનામાં 15.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

માર્ચ 2018માં GST કલેક્શન ₹92,167 કરોડ નોંધાયું હતું. 2018-’19માં GST રેવન્યુની માસિક સરેરાશ ₹98,114 કરોડ રહી છે, જે અગાઉના નાણાંકીય વર્ષની તુલનામાં 9.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આંકડા દર્શાવે છે કે, ઘણી ચીજોના GST દરમાં ઘટાડો છતાં છેલ્લા કેટલાક મહિનાથી GST કલેક્શન વધી રહ્યું છે.

સરકારે 2018-’19 માટેનો GST કલેક્શન ટાર્ગેટ ઘટાડીને ₹11.47 લાખ કરોડ કર્યો છે, જે અગાઉ ₹13.71 લાખ કરોડ હતો. GST કલેક્શન એપ્રિલમાં ₹1.03 લાખ કરોડ, મેમાં ₹94,016 કરોડ, જૂનમાં ₹95,610 કરોડ, જુલાઇમાં ₹96,483 કરોડ, ઓગસ્ટમાં ₹93,960 કરોડ, સપ્ટેમ્બરમાં ₹94,442 કરોડ, ઓક્ટોબરમાં ₹1,00,710 કરોડ, નવેમ્બરમાં ₹97,637 કરોડ, ડિસેમ્બર 2018માં ₹94,725 કરોડ, જાન્યુઆરી 2019માં ₹1.02 લાખ કરોડ અને ફેબ્રુઆરીમાં ₹97,247 કરોડ હતું. 2019-’20 માટે GST કલેક્શન ટાર્ગેટ ₹13.71 લાખ કરોડ નિર્ધારિત કરાયો છે.

ઊંચા કલેક્શનને કારણે સીધા વેરાની વસુલાતમાં ઘટ પૂરવામાં મદદ મળશે. માર્ચના અંત સુધીમાં સીધા વેરાની વસુલાતનો અંદાજ ₹11.50 લાખ કરોડ છે. કર અધિકારીઓ એપ્રિલને બદલે માર્ચના અંતમાં પીએસયુને ટીડીએસ જમા કરાવવા સહિતના ઉપાય અજમાવતા હોય છે. 2018-19 માટેના સુધારેલા અંદાજમાં સરકારે સીધા કરવેરાની વસુલાતનો આંક ₹11.5 લાખ કરોડથી વધારીને ₹12 લાખ કરોડ કર્યો છે. આમ, સુધારેલા અંદાજ કરતાં ₹60,000 કરોડની ઘટ રહેવાનો અંદાજ છે.

પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા વિભાગના અધિકારીઓ દ્વારા વસુલાત માટેનાં છેલ્લી ઘડીનાં પ્રયાસને પગલે જીડીપીના 3.4 ટકાના રાજકોષીય ખાધનો લક્ષ્ય વસુલ થશે એવો વિશ્વાસ નાણાં મંત્રાલયે વ્યક્ત કર્યો હતો. ફેબ્રુઆરીના અંતમાં રાજકોષીય ખાધ સમગ્ર વર્ષનાં લક્ષ્ય કરતાં 34.2 ટકા વધી ગઇ હતી.

March 30, 2019
eway_bill.jpg
1min10180

GSTની ચોરી અટકાવવા ઇ-વે બિલમાં નવા ફેરફાર થશે

જીએસટીમાં ઇવે બિલિંગ સિસ્ટમથી ત્રાસી ગયેલા સુરતના લાખો ટેક્સટાઇલ વ્યાપારીઓ માટે રાહતના સમાચાર એ છે કે ભારત ઇલેક્ટ્રોનિક-વે (ઇ-વે) બિલિંગ સિસ્ટમમાં ઘણા ફેરફારની યોજના ધરાવે છે. જેમાં GSTની ચોરી અટકાવવા માલની હેરફેર માટેના અંતરની આપમેળે ગણતરીનો સમાવેશ થાય છે. જેથી એક ઇન્વોઇસના આધારે એકથી વધુ ઇ-વે બિલ્સ બનાવતા બિઝનેસ પર અંકુશ લાવી શકાય.

  • એક ઇન્વોઇસના આધારે એકથી વધુ ઇ-વે બિલ્સ બનાવતા બિઝનેસ પર અંકુશ લાવી શકાશે
  • પોસ્ટલ પીનલ કોડના આધારે માલ હેરફેરના અંતરની આપમેળે ગણતરી કરાશે
  • ઇ-વે બિલ વગર પકડાતી ટ્રક્સ પર ₹10,000 સુધીની પેનલ્ટી લાગે છે


ઇ-વે બિલ સિસ્ટમમાં સ્થળોના પિન કોડના આધારે ગૂડ્ઝની હેરફેરના અંતરની આપમેળે ગણતરી કરાશે. જેમાં માત્ર 10 ટકા ફેરફારની છૂટ રહેશે. ઉદાહરણ તરીકે, સ્થળ A અને સ્થળ Bના પિન કોડને આધારે તેમનું અંતર 655 કિલોમીટર હોય તો યુઝર નવી શરતો પ્રમાણે 720 કિલોમીટર (655 કિલોમીટર + 65 કિલોમીટર) સુધીનું અંતર ગણી શકશે.

સરકાર કમ્પ્લાયન્સ માટે ટેક્‌નોલોજી પર વધારે પડતી નિર્ભર છે અને તાજેતરના ફેરફાર તેનું વધુ એક ઉદાહરણ છે. પ્રસ્તાવિત સિસ્ટમને કારણે કોમ્પોઝિશન કરદાતા દ્વારા બે રાજ્યો વચ્ચેની હેરફેરના ઇ-વે બિલ પર પ્રતિબંધ આવશે. GST એક્ટમાં કોમ્પોઝિશન કરદાતાને બે રાજ્યો વચ્ચે ટ્રાન્ઝેક્શન કરવાની પરવાનગી નથી. એટલે આ પગલું સિસ્ટમની છટકબારી બંધ કરવા લેવાયું છે.

અંતરની આપમેળે ગણતરી અને એક ઇન્વોઇસ માટે એક ઇ-વે બિલ જેવા ફેરફાર સાથે સરકાર માટે RFID એનેબલ્ડ વાહનો પર વધુ ફોકસ અને કન્સાઇન્મેન્ટ પર નજર રાખવાનું સરળ બનશે.  જોકે, અપવાદરૂપ સ્થિતિમાં સિસ્ટમ ફ્લેક્સિબલ હોવી જરૂરી છે. જેમ કે, રોડ બંધ હોવાને કારણે અન્ય માર્ગ પસંદ કરવો પડે તો એવી સ્થિતિમાં સિસ્ટમ આપમેળે ગણાયેલા અંતરમાં જે 10 ટકાની છૂટ આપે છે તેમાં વધારો કરવાની જરૂર પડી શકે.

નવા નિયમોમાં એક ઇન્વોઇસ પર એકથી વધુ ઇ-વે બિલ જનરેટ કરવાની મંજૂરી નથી. એટલે કે એક વખત ઇન્વોઇસ નંબર સાથે ઇ-વે બિલ જનરેટ થયા પછી કન્સાઇનર, કન્સાઇની કે ટ્રાન્સપોર્ટર એ જ ઇન્વોઇસ નંબર સાથે બીજું ઇ-વે બિલ જનરેટ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજ્યો વચ્ચે ₹50,000થી વધુ મૂલ્યના માલની હેરફેર માટે ઇ-વે બિલ જરૂરી છે.

ઇ-વે બિલ વગર પકડાતી ટ્રક્સ પર ₹10,000 સુધીની પેનલ્ટી લાગે છે. ઉપરાંત, કરચોરીની ગણતરી માટે કાર્ગોની તપાસ પણ થઈ શકે. કરચોરી પુરવાર થાય તો ટેક્સ ઉપરાંત, કરચોરીની રકમના 100 ટકા જેટલી પેનલ્ટીની જોગવાઈ છે. સરકારને 2018-’19માં GST દ્વારા ₹6.43 લાખ કરોડની આવકનો અંદાજ છે.