CIA ALERT

Alert Archives - Page 5 of 519 - CIA Live

July 22, 2026
cia_windo-1280x793.jpg
1min55

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં જુલાઈ 23 થી ઓગસ્ટ 02, 2026 દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ઓડિશા AM/NS India જિમ્નાસ્ટિક્સ હાઈ-પરફોર્મન્સ સેન્ટર (Odisha AM/NS GHPC)ના 3 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કેટેગરીમાં પસંદ કરાયેલા કુલ 8 ખેલાડીઓમાંથી 3 ખેલાડીઓ – તપન મોહંતિ, તપેશ્વરનાથ દાસ અને ઓલિમ્પિયન પ્રણતિ નાયક – ઓડિશા AM/NS GHPCનો ભાગ છે.

તપન મોહંતિ અને તપેશ્વરનાથ દાસ પુરુષોની આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કેટેગરીમાં ભારતીય પુરુષ ટીમના સભ્ય છે. જ્યારે ઓલિમ્પિયન પ્રણતિ નાયક મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કેટેગરીમાં ભારતીય મહિલા ટીમના સભ્ય છે.

આ સિદ્ધિ ખેલાડીઓની સમર્પિતતા અને સખત મહેનત તેમજ ઓડિશા AM/NS GHPC ખાતે આપવામાં આવતી વિશ્વસ્તરીય તાલીમ અને સર્વાંગી વિકાસને ઉજાગર કરે છે. આ કેન્દ્ર યુવા પ્રતિભાઓને વિકસાવવામાં અને ભારતમાં જિમ્નાસ્ટિક્સ રમતને નવી ઊંચાઈએ પહોંચાડવામાં સતત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

શ્રી આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaના જણાવ્યા અનુસાર, “અમારા ઓડિશા AM/NS GHPCના 3 ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે, તે અમારા માટે ગૌરવની મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તપન મોહંતિ, તપેશ્વરનાથ દાસ અને ઓલિમ્પિયન પ્રણતિ નાયક અમારા કેન્દ્રમાં વિકસાવવામાં આવેલી શ્રેષ્ઠતા, શિસ્ત અને અડગ મનોબળના ઉત્તમ ઉદાહરણ છે. તેમની આ સિદ્ધિ ઓડિશામાં અમે ઊભી કરેલી વિશ્વસ્તરીય તાલીમ અને સર્વાંગી વિકાસની વ્યવસ્થાનું પ્રતિબિંબ છે. AM/NS India વતી હું તેમને હાર્દિક અભિનંદન પાઠવું છું અને વૈશ્વિક મંચ પર પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.”

ઓડિશા AM/NS GHPCના ખેલાડીઓ ઇન્ટરનેશનલ કોન્ટિનેન્ટલ કપ 2026 (લિસ્બન), આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપ 2025, તુર્કીના અંતાલિયામાં યોજાયેલ FIG વર્લ્ડ કપ 2025 તેમજ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશિપ્સ 2025–2026 સહિતના વિવિધ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મંચો પર સતત ઉત્કૃષ્ટ દેખાવ કરીને અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, જે આ કેન્દ્રની સતત શ્રેષ્ઠ કામગીરી અને વૈશ્વિક મંચ માટેની તેની સજ્જતા દર્શાવે છે.

July 22, 2026
image-42.png
1min78

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં શ્રાવણ મહિનાના દર્શન, વહીવટી સુધારા અને ધાર્મિક સંચાલન અંગે મહત્વના નિર્ણયો લેવાયા. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવવા ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરાયું, જેના અધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી બન્યા. SBIની દાનની રકમની ગણતરીમાં બેદરકારી સામે ટ્રસ્ટે નારાજગી વ્યક્ત કરી. નવા સચિવ અને પ્રવક્તાની નિમણૂક કરાશે.

અયોધ્યામાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી શ્રાવણ મહિનામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા, વહીવટી સુધારા અને મંદિરના પરંપરાગત ધાર્મિક સંચાલનને લઈને અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

રામ મંદિરના તમામ ધાર્મિક કાર્યોનું સંચાલન હવે સંતોના માર્ગદર્શન હેઠળ જ થશે. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવી રાખવા માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે, જેમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી સહિત દેશના દિગ્ગજ સંતોનો સભ્યો તરીકે સમાવેશ કરાયો છે.

દાનની રકમની ગણતરી માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે થયેલા કરાર (MOU)ની સમીક્ષા કરવામાં આવી હતી. બેંકની કાર્યપ્રણાલી અને બેદરકારી સામે ટ્રસ્ટે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ અંગે નાણાકીય સમિતિને SBI સાથેના ભવિષ્યના સંબંધો અને નિયમોની સમીક્ષા કરીને નિર્ણય લેવા આદેશ અપાયો છે.

દાનની રકમની ગણતરીમાં ગડબડના આરોપો અંગેની તપાસ કરી રહેલી SITનો આખરી રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી, જેથી તે મુદ્દે આખરી નિર્ણય બાકી રાખવામાં આવ્યો છે. આ સિવાય, મંદિર પરિસરમાં દાન ગણતરી રૂમ સહિત તમામ મહત્વના CCTV કેમેરાનું એક્સેસ સુરક્ષા એજન્સીઓને પૂરું પાડવામાં આવ્યું હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

મંદિરમાં CEOની પસંદગી પ્રક્રિયા માટે કમિટીએ વધુ 1 મહિનાનો સમય માંગ્યો છે, જેને ટ્રસ્ટે મંજૂરી આપી છે. વહિવટી કામગીરી સરળ બનાવવા માટે હાલ એક નવા સચિવની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ મીડિયા અને સમાજ સાથે યોગ્ય સંવાદ જાળવી રાખવા માટે ટ્રસ્ટ દ્વારા પહેલીવાર સત્તાવાર પ્રવક્તા નીમવામાં આવશે.

ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે વિવિધ અફવાઓ અને આરોપો છતાં રામ મંદિરે આવતા રામભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ટ્રસ્ટે આને કરોડો ભક્તોની અટૂટ શ્રદ્ધા ગણાવીને તમામ શ્રદ્ધાળુઓ અને સંત સમાજનો આભાર માન્યો છે.

July 21, 2026
image-29.png
1min75

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.

July 20, 2026
adani-Navchetan.jpg
1min64

સુરત, હજીરા: નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ (શિવરામપુર) દ્વારા ‘તાપી પ્રાગટ્ય દિવસ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. પર્યાવરણીય જાગૃતિના હેતુથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હજીરા ખાતે તાપી નદીના કિનારે પહોંચીને તાપી મૈયાનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.

મુલાકાત પૂર્વે શિક્ષકોએ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના ભૌગોલિક મહત્વ, પ્રદૂષણના કારણો અને નદી સંરક્ષણ અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ જ્ઞાનને અમલમાં મૂકતા વિદ્યાર્થીઓએ નદી કિનારે ઉત્સાહભેર સફાઈ ઝુંબેશ ચલાવી હતી અને પ્લાસ્ટિકમુક્ત તાપીનો સંદેશ આપતી એક પ્રભાવશાળી મૂક રેલી યોજી હતી.

વિદ્યાર્થીઓએ સ્વહસ્તે બનાવેલા આકર્ષક પોસ્ટરો દ્વારા સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને રાહદારીઓને નદી બચાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ સરાહનીય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા હજીરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.

કાર્યક્રમના અંતે સૌએ તાપી નદીને કચરામુક્ત રાખવા, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને પર્યાવરણનું જતન કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રેરણાદાયી અભિયાન દ્વારા અદાણી વિદ્યાલયે વિદ્યાર્થીઓ સાથે સમાજમાં પણ પર્યાવરણીય સંવેદનશીલતા જગાવવાનો સશક્ત પ્રયાસ કર્યો છે.

July 20, 2026
image-23-1280x853.png
1min51

માત્ર રૂ. 50માં સાત્વિક ભોજનની સુવિધા • હીરા ઉદ્યોગના વેપારીઓના સહયોગથી સામાજિક સેવાનું અનોખું મોડેલ • SDB માત્ર વેપાર નહીં, સંસ્કારનું પણ કેન્દ્ર બની રહ્યું છે

વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાતા સુરત ડાયમંડ બુર્સ (SDB)માં હવે માત્ર હીરાના વેપાર પૂરતો જ નહીં, પરંતુ સામાજિક સેવા અને માનવ કેન્દ્રિત સુવિધાઓનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. આજે SDB ખાતે ‘ચોવહાર હાઉસ અને ભોજનશાળા’નો પ્રારંભ કરવામાં આવ્યો, જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, કર્મચારીઓ, મુલાકાતીઓ તેમજ જૈન સમાજના લોકો માટે મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે.

આ ભોજનશાળામાં દરરોજ બપોરે માત્ર રૂ. 50ના સેવામૂલ્યે સ્વચ્છ, સાત્વિક અને ભરપેટ શાકાહારી ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત સાંજના સમયે ચોવહારની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી જૈન ધર્મના નિયમોનું પાલન કરતા લોકોને અનુકૂળતા મળશે.

પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ ચોવહાર હાઉસ અને ભોજનશાળા સમિતિના પ્રમુખ સેવંતીભાઈ શાહે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગના વેપારીઓ અને દાતાશ્રીઓના સ્વૈચ્છિક સહયોગથી આ સેવા શરૂ થઈ છે અને તેનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત તથા સાત્વિક ભોજન સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

SDBના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સ હવે માત્ર વૈશ્વિક હીરા વેપારનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનું પણ પ્રતીક બની રહ્યું છે. ભવિષ્યમાં પણ વેપારીઓ અને દાતાશ્રીઓના સહયોગથી આવી સેવાઓ સતત ચાલુ રહેશે.

આ પ્રસંગે હીરા ઉદ્યોગના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રકલ્પ અનેક દાતાશ્રીઓના ઉદાર યોગદાનથી સાકાર થયો હોવાનું સમિતિએ જણાવ્યું હતું.

SDB માટે આ પહેલ કેમ મહત્વપૂર્ણ?

છેલ્લાં કેટલાક વર્ષોમાં સુરત ડાયમંડ બુર્સે પોતાની ઓળખ માત્ર ઓફિસ સ્પેસ પૂરતી સીમિત રાખી નથી. વેપારીઓને એક જ કેમ્પસમાં બેંકિંગ, કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ, સુરક્ષા, કોન્ફરન્સ સુવિધાઓ અને હવે ગુણવત્તાયુક્ત ભોજન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે. ‘ચોવહાર હાઉસ અને ભોજનશાળા’ જેવી પહેલ કર્મચારીઓ અને વેપારીઓ માટે સમય તથા ખર્ચની બચત સાથે કાર્યક્ષમતામાં વધારો કરશે.

વિશેષ કરીને હજારો કર્મચારીઓ અને મુલાકાતીઓ દરરોજ SDBમાં આવે છે. આવી સ્થિતિમાં ઓછી કિંમતમાં સ્વચ્છ અને વિશ્વસનીય ભોજન મળવાથી સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમને સીધો લાભ મળશે. આ પહેલ SDBને ‘વર્કપ્લેસથી આગળ વધીને સંપૂર્ણ બિઝનેસ કમ્યુનિટી’ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

July 20, 2026
image-22.png
1min33

કેન્સર સર્જરીમાં આધુનિક ટેકનોલોજીથી દર્દીઓ માટે ઝડપી રિક્વરી શક્ય

હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી મહત્વની

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રવિવારે તા. 19 જુલાઈ 2026ના રોજ સવારે 10:30 કલાકે, સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘નાનું કટ.. કેન્સર પર મોટી જીત’ વિશે સેશન યોજાયું હતું, જેમાં પીપી મણિયા હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ સર્જન ડો. મિશાલ શાહે કેન્સર સર્જરી વિશે અને ડો. મૃદુલ પટેલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ વિસ્તૃત સમજ આપી હતી.

હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી મહત્વનીઃ ડો. મિશાલ શાહ
સીનિયર કન્સલ્ટન્ટ સર્જન ડો.મિશાલ શાહે કેન્સર સર્જરીમાં આવેલા પરિવર્તનો વિશે વાત કરતા જણાવ્યું કે, હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી અને પેશન્ટ કેટલી વહેલી તકે સામાન્ય જીવનમાં પરત ફરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે લેપ્રોસ્કોપી (દૂરબીનથી થતી સર્જરી) દ્વારા પેટના અને છાતીના મોટાભાગના કેન્સરના ઓપરેશન હવે શક્ય છે, જેનાથી પેશન્ટને ઓછામાં ઓછો દુખાવો થાય છે.

ડો.મૃદુલ પટેલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ સમજાવતા કહ્યું કે,

  • પરંપરાગત 15-20 સે.મી.ના મોટા ચીરાને બદલે માત્ર 1 સેમીના નાના કાણાં દ્વારા જટિલ ઓપરેશનો કરવામાં આવે છે.
  • 3D અને 4K કેમેરા સિસ્ટમ દ્વારા ડોક્ટર્સને પેટની અંદરનું 360 ડિગ્રી સ્પષ્ટ દ્રશ્ય દેખાય છે, જે વધુ ચોકસાઈપૂર્વક સર્જરી કરવામાં મદદ કરે છે.
  • નાના ચીરાને કારણે પેશન્ટ 24 કલાકમાં ચાલતું થઈ જાય છે અને 4 થી 5 દિવસમાં રજા મેળવી શકે છે.
  • કેન્સરની સર્જરી બાદ કીમોથેરાપી કે રેડિએશનની જરૂર હોય તો દર્દી ઝડપથી રિક્વર થવાને કારણે સમયસર બીજી સારવાર શરૂ કરી શકાય છે.

સેમિનારમાં ICG ડાઈ જેવી નવી ટેકનોલોજી અને ચોથા સ્ટેજના કેન્સર માટે ‘પાઈપેક’ (PIPAC) જેવી અત્યાધુનિક પદ્ધતિઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી, જેના દ્વારા પેટમાં ભરાતા પાણીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. નિષ્ણાંતોએ સ્પષ્ટ કર્યું હતું કે દૂરબીનથી થતા ઓપરેશન કોઈ પ્રયોગ નથી, પરંતુ આજના સમયમાં તે ‘સ્ટાન્ડર્ડ ઓફ કેર’ છે.

આ સેશનમાં ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, ડો.સોહમ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના કો-ચેરમેન ડો.ભાવિની દીક્ષિતે વક્તાનો પરિચય આપ્યો હતો. અંતે, ઉપસ્થિતોને મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો વક્તાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના ચેરમેન ડો.જગદીશ વઘાસિયા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તેમજ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.

July 20, 2026
image-21.png
1min78

ન્યુ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવી ટાઇટલ જીત્યું. 16 વર્ષ બાદ સ્પેને વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચ્યો. ફેરાન ટોરેસે 106મી મિનિટે ગોલ ફટકારી સ્પેનને જીત અપાવી. મેસીની ટીમ ટાઇટલ બચાવવામાં નિષ્ફળ રહી.

Spain vs Argentina FIFA World Cup Final: ન્યુ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ 2026 ના હાઈ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં સ્પેને શાનદાર પ્રદર્શન કરતા ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ફૂટબોલ જગત પર પોતાનો કબજો જમાવ્યો છે. આ જીત સાથે સ્પેને 16 વર્ષ લાંબો વર્લ્ડ કપનો દુકાળ ખતમ કર્યો છે. અગાઉ સ્પેનિશ ટીમ 2010માં ચેમ્પિયન બની હતી. બીજી તરફ, લિયોનેલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમ પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી હતી અને સતત બે વાર વર્લ્ડ કપ જીતવાનો ઇટાલી અને બ્રાઝિલનો ઐતિહાસિક રેકોર્ડ બરાબરી ચૂકી ગઈ હતી. જેના બાદ મેદાનમાં મેસી રડતો દેખાયો હતો.

ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. નિર્ધારિત 90 મિનિટના સમય સુધી બંનેમાંથી એકપણ ટીમ ગોલ કરી શકી નહોતી અને સ્કોર 0-0 ની બરાબરી પર રહ્યો હતો. આથી મેચ એક્સ્ટ્રા ટાઈમમાં પ્રવેશી હતી. મેચની 106મી મિનિટે સ્પેન માટે સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે આવેલા ફેરાન ટોરેસે નિકો વિલિયમ્સના શાનદાર પાસ પર ગોલ ફટકારીને સ્પેનને 1-0ની નિર્ણાયક લીડ અપાવી હતી, જે અંત સુધી જળવાઈ રહી હતી અને ટોરેસ જીતનો અસલી હીરો બન્યો હતો.

આ મહામુકાબલામાં આર્જેન્ટિનાના સુપરસ્ટાર કેપ્ટન લિયોનેલ મેસીનો જાદુ બિલકુલ ચાલ્યો નહોતો. સ્પેનિશ ડિફેન્ડર્સે મેસીને આખી મેચ દરમિયાન જકડી રાખ્યો હતો. મેચના આંકડા પર નજર કરીએ તો સ્પેનનું પલડું ભારે રહ્યું હતું. પ્રથમ હાફમાં સ્પેન પાસે 65% અને બીજા હાફમાં 68% બોલ પઝેશન રહ્યું હતું. સ્પેને ગોલપોસ્ટ પર ઘણા સચોટ પ્રહારો કર્યા હતા, જેનો આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે બચાવ કર્યો હતો. જ્યારે આર્જેન્ટિના આખી મેચમાં એક પણ શૉટ ઓન ટાર્ગેટ લગાવી શકી નહોતી. મેચના અંતિમ સમયમાં આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડીઝને બીજો યલો કાર્ડ મળતાં રેડ કાર્ડ આપી મેદાનની બહાર મોકલી દેવાયો હતો, જે આર્જેન્ટિના માટે મોટો ઝટકો હતો.

બંને ટીમો માટે ફાઇનલ સુધી પહોંચવાનો રસ્તો સરળ રહ્યો ન હતો. સ્પેને ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યા બાદ રાઉન્ડ ઓફ-32માં ઓસ્ટ્રિયા, રાઉન્ડ ઓફ-16માં પોર્ટુગલ, ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ અને સેમિફાઇનલમાં મજબૂત ફ્રાન્સને 2-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ, આર્જેન્ટિનાએ ઇજિપ્ત, સ્વિટ્ઝર્લેન્ડ અને સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રોમાંચક જીત મેળવીને સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ જીત સાથે સ્પેને આર્જેન્ટિના સામે વર્લ્ડ કપના ઇતિહાસમાં 60 ર્ષ જૂનો હિસાબ પણ બરાબર કરી લીધો છે.

July 18, 2026
solar.jpeg
1min59

એસજીસીસીઆઈ પ્રમુખ અશોક જીરાવાલાની રજૂઆતને મોટી સફળતા: એમએનઆરઇ (MNRE) દ્વારા નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સ માટે એલએમએમ (ALMM) માંથી મુક્તિની મુદત વધારી

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અશોક જીરાવાલા દ્વારા નવી દિલ્હી ખાતે કરવામાં આવેલી સક્રિય રજૂઆતો અને બેઠકોના પરિણામે, ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) દ્વારા આજે તા.18મી જુલાઇને શનિવારના રોજ સોલાર ઉદ્યોગ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ્સ માટે ALMM (એપ્રુવડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ) માંથી મુક્તિની મુદતમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ટૂંકમાં સોલાર પાવર પ્લાન્ટમાં હવે નવી મુદત સુધી આયાતી (ઇમ્પોર્ટેડ પેનલ) તેમજ સેલ્સનો વપરાશ કરી શકાશે.
આ નિર્ણયના સંદર્ભમાં પૃષ્ઠભૂમિ એ છે કે, એસજીસીસીઆઈના પ્રમુખ અશોક જીરાવાલાની અધ્યક્ષતામાં એક પ્રતિનિધિમંડળ દ્વારા ગત ૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ નવી દિલ્હી ખાતે MNREના સેક્રેટરી સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. આ બેઠકમાં, સોલાર ઉદ્યોગ દ્વારા નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ સોલાર પ્રોજેક્ટ્સમાં ALMM લિસ્ટ-૧ (સોલાર પીવી મોડ્યુલ્સ) અને ALMM લિસ્ટ-૨ (સોલાર પીવી સેલ્સ)ના ફરજિયાત ઉપયોગ કરવાના નિર્ણયને કારણે ઉપસ્થિત થયેલા પડકારોની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
એસજીસીસીઆઈની આ મજબૂત રજૂઆત અને ત્યારબાદ સોલાર ઉદ્યોગના વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે કરવામાં આવેલી વિગતવાર ચર્ચા-વિચારણાના અંતે, MNRE દ્વારા આજે તા.18 જુલાઈ 2026ના રોજ ઓફિસ મેમોરેન્ડમ (No. 283/53/2026-GRID SOLAR) બહાર પાડવામાં આવ્યું છે

મુક્તિની મુદતમાં વધારો: તમામ નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ્સ, જે ALMM ની ફરજિયાત જરૂરિયાતોને પાત્ર હતા, હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં અમલીકૃત (commissioned) થશે, આથી તેમને ALMM લિસ્ટ-૧ (સોલાર પીવી મોડ્યુલ્સ માટે) અને ALMM લિસ્ટ-૨ (સોલાર પીવી સેલ્સ માટે)માંથી મુક્તિ આપવામાં આવી છે.

અગાઉની મુદત: અગાઉ, નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સ માટે આ મુક્તિ માત્ર ૩૧ મે ૨૦૨૬ સુધી જ ઉપલબ્ધ હતી.

નિયમોની સુધારણા: આ મુક્તિ સાથે, એવા પ્રોજેક્ટ્સ કે જેઓ પહેલેથી જ રોકાણ કરી ચૂક્યા છે, તેઓ હવે ALMM લિસ્ટ-૨ ના કડક નિયમોના પાલન વિના પણ તેમના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી શકશે.

એસજીસીસીઆઈના પ્રમુખ અશોક જીરાવાલાએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, આ આયાતી ALMM મુદતમાં વધારો એ દક્ષિણ ગુજરાત અને સમગ્ર ભારતના સોલાર ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અને અત્યંત રાહતકારી સમાચાર છે. આ નિર્ણયથી નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા અસંખ્ય ઉદ્યોગ સાહસિકો અને ખાસ કરીને MSME સેક્ટરને મોટી રાહત મળશે. અગાઉ ALMM ના નિયમોને કારણે પ્રોજેક્ટ્સમાં થઈ રહેલા વિલંબ અને નાણાકીય બોજમાંથી ઉદ્યોગને મુક્તિ મળશે. હું MNRE મંત્રાલય અને ખાસ કરીને સચિવનો આભાર માનું છું કે જેમણે ઉદ્યોગની વાસ્તવિક સમસ્યાઓને સમજીને તાત્કાલિક અસરકારક પગલાં લીધા.
એસજીસીસીઆઈ તમામ સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઉદ્યોગ સાહસિકોને વિનંતી કરે છે કે તેઓ આ અદ્યતન મુદત (૩૧ ડિસેમ્બર ૨૦૨૬) નો લાભ લઈને તેમના નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરે જેથી તેમને આ મુક્તિનો લાભ મળી શકે.

July 18, 2026
image-20.png
1min41

સુરત ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું

  • :
  • સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે : નાયબ મુખ્યમંત્રી
  • પર્યાવરણ પૂરક અને હાઈ-ક્વોલિટી ‘વેલ્યુ એડિશન’ ઉત્પાદન પર ભાર મૂકવા નાયબ મુખ્યમંત્રીનો અનુરોધ
  • સુરતમાં આગામી સમયમાં વધુ ૧૦થી ૧૫ હજાર નવા એર જેટ લૂમ્સ મશીનો ધમધમશે

માહિતી બ્યુરો, સુરત, શનિવાર:

ટેક્સટાઇલ નગરી તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકીકરણને વેગ આપવા સુરતના સણિયા હેમાદ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન’ દ્વારા ‘વિવર્સ પરામર્શ સંમેલન’ યોજાયું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ જે માર્કેટમાં પગ મૂકે તે માર્કેટ આપણું થઈ જાય, વ્યાવસાયિક સફળતા એ ગુજરાતીઓના લોહીમાં છે. એરજેટના ક્ષેત્રમાં પણ આવું જ છે. આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એર જેટ મશીનો આપણા સુરતમાં ચાલતા હશે એમ જણાવી તેમણે સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પર્યાવરણ પૂરક અને હાઈ-ક્વોલિટી ‘વેલ્યુ એડિશન’ ઉત્પાદન પર ભાર મૂકતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉદ્યોગકારોએ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે પર્યાવરણને અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ‘વેલ્યુ એડિશન’ સાથેના ઉત્પાદનો પર વિશેષ ભાર મૂકવો જોઈએ.

તેમણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોની સાહસિકતાને બિરદાવતા કહ્યું કે, સુરત હંમેશાં નવી ટેકનોલોજીને અપનાવવામાં અગ્રેસર રહ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ હાલમાં કાર્યરત અંદાજિત ૩૦ હજાર જેટલા અત્યાધુનિક ‘એર જેટ લૂમ્સ’ મશીનો છે. ઉદ્યોગકારોના હકારાત્મક અભિગમ અને સાનુકૂળ વાતાવરણને કારણે આગામી વર્ષમાં જ સુરતમાં વધુ ૧૦ થી ૧૫ હજાર નવા એર જેટ મશીનો કાર્યરત થશે, આવનાર પાંચ વર્ષમાં સુરત દુનિયાનું સૌથી મોટું એર જેટ લૂમ્સ હબ બનશે. જે રોજગારી અને ઉત્પાદન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરશે.

સરકાર ઉદ્યોગકારોની પડખે હોવાની ખાતરી આપતા શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટેની સરકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના વિવર્સ સુધી પહોંચાડવામાં આવશે. સુરતના કાપડને વૈશ્વિક સ્તરે મોટું બજાર મળી રહે તે માટે આગામી સમયમાં ‘એક્સપોર્ટ ફેસિલિટેશન’ અને ‘ક્લસ્ટર ડેવલપમેન્ટ’ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સાથે જ તેમણે દેશના વિવિધ પ્રાંતોમાંથી રોજગારી અર્થે સુરત આવીને સ્થાયી થયેલા નાગરિકોના સપના સાકાર કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારના પ્રોત્સાહનોની વિગતો આપતા શ્રી સંઘવીએ જણાવ્યું કે, ટેક્સટાઇલ પોલિસી હેઠળ એક જ વર્ષમાં આઠ હજાર કરોડ રૂપિયા ગુજરાતના વેપારીઓને ચૂકવવામાં આવ્યા છે. વહીવટી પ્રક્રિયાને વેગવંતી બનાવતા MSME હેઠળ પહેલા દરરોજ ૧૭૦ ફાઇલો ક્લિયર થતી હતી, જે અત્યારે વધીને ૩૯૭ થઈ છે અને આગામી સમયમાં દરરોજ ૫૦૦ વેપારીઓને ઇન્સેન્ટિવ ડાયરેક્ટ બેંક ખાતામાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, હાલમાં ‘પીએમ મિત્રા પાર્ક’નું ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, જેનાથી દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલની સૌથી મોટી ઇકો-સિસ્ટમ બનાવવાની તકો ઉભરી રહી છે. મંત્રીશ્રીએ ઉદ્યોગકારોને વેલ્યુ-એડિશન સાથે ગાર્મેટિંગ તરફ વળવા અનુરોધ કરી, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત દેશનું સૌથી મોટું ગાર્મેટિંગ હબ બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પરામર્શ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતમાં વધતા જતા ‘એર જેટ લૂમ્સ ઈન્ડસ્ટ્રીઝ’ના વ્યાપ, નવી ટેકનોલોજીના સ્વીકાર અને કાપડ ઉદ્યોગમાં વેલ્યુ એડિશન વધારીને વૈશ્વિક સ્તરે સુરતની પકડ મજબૂત કરવાનો રહ્યો હતો.
આ સંમેલનમાં સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ ધોળિયા, ગ્રીનલેબ ડાયમંડના મુકેશભાઈ પટેલ, ગોલ્ડી સોલરના ઈશ્વરભાઈ ધોળકિયા, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમ, અગ્રણી મનહરભાઈ સાચપરા, સંદિપભાઈ કેડિયા, ઔદ્યોગિક ઝોન કમિશનર જે. પી. દવે સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ, વિવર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ, વેપારી મિત્રો તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

July 18, 2026
image-19.png
1min69

જાણીતા પર્યાવરણવિદ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી હટાવ્યા છે. 20 દિવસથી અનશન પર બેઠેલા વાંગચુકને વહેલી સવારે પોલીસ હોસ્પિટલ લઈ ગઈ. સતત ઉપવાસથી તેમની તબિયત લથડી હતી અને 9 કિલો વજન ઘટ્યું હતું. પોલીસે અન્ય પ્રદર્શનકારીઓને પણ હટાવી, બેનર-પોસ્ટરો જપ્ત કર્યા. વિદ્યાર્થીઓએ લાઠીચાર્જનો આક્ષેપ કર્યો, જોકે પોલીસે નકાર્યો છે.

દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી અનશન પર બેઠેલા જાણીતા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રવિવારે વહેલી સવારે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાનો જંતર-મંતર પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ સોનમ વાંગચુકને ત્યાંથી ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પોલીસની આ ઓચિંતી કાર્યવાહીને પગલે આંદોલન સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સતત 20 દિવસના ઉપવાસના કારણે સોનમ વાંગચુકની તબિયત લથડી રહી હતી અને તેમનું વજન પણ 9 કિલો કરતાં વધુ ઘટી ગયું હતું.

દિલ્હી પોલીસે માત્ર સોનમ વાંગચુકને જ હોસ્પિટલ ખસેડ્યા નથી, પરંતુ જંતર-મંતર પરથી અન્ય તમામ પ્રદર્શનકારીઓને પણ હટાવી દીધા છે. આંદોલન સ્થળે લગાવવામાં આવેલા તમામ બેનરો અને પોસ્ટરો પોલીસે કબજે કરીને હટાવી દીધા છે. સોનમ વાંગચુકના સમર્થકો અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, જોકે દિલ્હી પોલીસે લાઠીચાર્જના આ આરોપોને સરેઆમ નકારી દીધા છે.

‘કોકરોચ જનતા પાર્ટી’ના નેતાનો પોલીસ પર માર મારવાનો આરોપ

આ આંદોલન સાથે જોડાયેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પછી એક અનેક પોસ્ટ કરીને દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, “દિલ્હી પોલીસે જંતર-મંતર પર કડક વલણ અપનાવ્યું છે. લોકો પર બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને સોનમ સરને જબરદસ્તીથી લઈ જવામાં આવ્યા છે.” દીપકે વધુમાં આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને પણ રોકી રાખ્યા હતા, તેમની સાથે મારપીટ કરી હતી અને બાદમાં કસ્ટડીમાં લઈ લીધા હતા. આ કાર્યવાહી બાદ જંતર-મંતર પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.