2006ના ઐતિહાસિક પૂર પછી બેઝમેન્ટના વીમા બંધ થતાં ટેક્સટાઇલ વેપારીઓ ડબલ ફટકો ભોગવી રહ્યા છે
રિંગરોડથી સારોલી સુધી અનેક માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી પાણી ઘૂસ્યાં; લાખોના સાડી-ડ્રેસ મટિરિયલના સ્ટોકને નુકસાન, પ્રાથમિક સર્વે બાદ જ નુકસાનનો સાચો અંદાજ આવશે
CiA Live ન્યુઝ વેબ
સુરતમાં થયેલા ભારે વરસાદ બાદ શહેરના રિંગરોડ, કમેલા દરવાજા, લિંબાયત, પરવટ પાટિયા, સારોલી, પૂણા સહિતના ટેક્સટાઇલ હબ વિસ્તારોમાં આવેલી અસંખ્ય માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ જતાં ટેક્સટાઇલ વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તૈયાર સાડીઓ, ડ્રેસ મટિરિયલ તથા અન્ય કાપડના મોટા પ્રમાણમાં રાખવામાં આવેલા સ્ટોક પાણીમાં પલળી જતાં વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. જોકે નુકસાનનું વાસ્તવિક ચિત્ર આવતીકાલથી સ્પષ્ટ થશે, જ્યારે વેપારીઓ બેઝમેન્ટમાંથી પલળેલો માલ બહાર કાઢવાની કામગીરી શરૂ કરશે.
વેપારી સંગઠનોના સૂત્રોના જણાવ્યા મુજબ આજે દિવસભર વિવિધ માર્કેટોના બેઝમેન્ટમાંથી પમ્પ દ્વારા ડી-વોટરિંગ કરીને પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. અનેક સ્થળોએ કલાકો સુધી પાણી ભરાયેલું રહેતાં માલસામાનને ભારે અસર પહોંચી હોવાનું માનવામાં આવે છે. હાલ તંત્ર તેમજ વેપારી સંસ્થાઓ માટે સૌથી પ્રથમ પ્રાથમિક સર્વે કરાવવો જરૂરી બન્યો છે, જેથી કઈ માર્કેટમાં કેટલી દુકાનો અને ગોડાઉનોને અસર થઈ છે તથા કુલ નુકસાનનો અંદાજ મેળવી શકાય.
ટેક્સટાઇલ વેપારીઓ માટે સૌથી મોટી ચિંતા વીમા સુરક્ષાની છે. વર્ષ 2006ના ઐતિહાસિક પૂર બાદ મોટાભાગની વીમા કંપનીઓએ બેઝમેન્ટમાં આવેલી નવી દુકાનો અને ગોડાઉનો માટે વીમા કવર આપવાનું લગભગ બંધ કરી દીધું હતું. પરિણામે 2006 પછી વિકસેલી અનેક નવી ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટમાં વ્યવસાય કરતા વેપારીઓ પાસે હાલમાં વરસાદી નુકસાન સામે કોઈ વીમા સુરક્ષા ઉપલબ્ધ નથી.
ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ 2006 પહેલાં જેમના બેઝમેન્ટના વીમા પોલિસી ચાલુ હતા અને જેમણે સતત તેનું રિન્યૂઅલ કરાવ્યું છે, તેઓ નુકસાનના ક્લેઇમ માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી શકશે. પરંતુ ત્યારબાદ બનેલી માર્કેટોમાં બેઝમેન્ટ માટે વીમાની જોગવાઈ ન હોવાથી આવા વેપારીઓને થયેલું સમગ્ર નુકસાન પોતાના ખર્ચે સહન કરવું પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં બેઝમેન્ટનો ઉપયોગ મુખ્યત્વે તૈયાર સાડી, ડ્રેસ મટિરિયલ અને અન્ય કાપડના મોટા જથ્થાના સંગ્રહ માટે થાય છે. એક જ ગોડાઉનમાં લાખો રૂપિયાથી લઈને કરોડો રૂપિયાનો માલ રાખવામાં આવતો હોવાથી પાણી ભરાવાની ઘટનામાં નુકસાનનું પ્રમાણ પણ ખૂબ ઊંચું રહે છે. પ્રાથમિક અંદાજ મુજબ અનેક વેપારીઓને લાખો રૂપિયાનો ફટકો પડ્યો હોવાની ચર્ચા છે, પરંતુ સત્તાવાર આંકડા સર્વે પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
વેપારી સંગઠનોએ તંત્ર સમક્ષ અસરગ્રસ્ત તમામ ટેક્સટાઇલ માર્કેટોમાં સંયુક્ત સર્વે હાથ ધરવાની માંગ કરી છે, જેથી નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકે અને સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ અથવા સહાય જાહેર કરવામાં આવે તો તેનો લાભ અસરગ્રસ્ત વેપારીઓ સુધી પહોંચી શકે. સાથે જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે વરસાદી પાણીના ઝડપી નિકાલ, ડ્રેનેજ વ્યવસ્થાના સુધારણા અને બેઝમેન્ટ સુરક્ષા માટે લાંબા ગાળાના આયોજનની પણ જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

