7/7/26: Suratમાં વરસાદી આફત, 10 ઈંચ ખાબકતાં શહેર પાણી પાણી, જનજીવન ઠપ્પ
તા.8મી જુલાઇને બુધવારે સુરત શહેર જિલ્લામાં તમામે તમામ શાળા કોલેજોમાં શૈક્ષણિક કામ બંધ રહેશે
ભારે વરસાદની આગાહીને પગલે આજે મંગળવારની જેમ આવતીકાલ તા.8મી જુલાઇને બુધવારે પણ સુરત શહેર જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જારી કરી છે.

વીર નર્મદ યુનિવર્સિટીના કુલસચિવની 8 જુલાઇના રોજ રજા અંગેની જાહેરાત
તા.7મી જુલાઇ, આજરોજ સવારે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ કોલેજ આવનારા-જનારા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં આવેલી કોલેજોમાં માત્ર વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે તથા ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કોલેજએ બોલાવવા કે ન બોલાવવા અંગેનો નિર્ણય કૉલેજના આચાર્યશ્રી/વિભાગીય વડા શ્રી એ વિવેકબુદ્ધિપૂર્વક તથા વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખી કરવો.સુરત જિલ્લા ઉપરાંત ના દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ના વિસ્તાર માં આચાર્ય શ્રી વિધાર્થી ઓને રજા આપવા બાબતે વિવેકબુદ્ધિ ને આધિન યોગ્ય નિર્ણય લઈ શકે છે
નોંધ :જો કોલેજ ખાતે કોઈ પરીક્ષા ચાલતી હોય તો યુનિવર્સિટી સાથે યોગ્ય સંકલન/પરામર્શન કરવું પરીક્ષા બાબતે અને પછી રજા અંગે નિર્ણય કરવાનો રહેશે અથવા યુનિ એ પરીક્ષા સંબંધિત કરેલ જાહેરાત મુજબ કરવું

આજે તા.7મી જુલાઇના રોજ વહેલી સવારથી સુરતમાં વરસાદ ત્રાટક્યો હતો. સવારે 8થી સાંજે 4 સુધીના 8 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. સરથાણા, જકાતનાકા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા. BRTS અને ST બસ વ્યવહાર ઠપ થયો. ફાયર વિભાગે 21 લોકોને બોટ દ્વારા બચાવ્યા. હવામાન વિભાગે સુરત સહિત 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
સુરત શહેરમાં ગઈકાલથી શરૂ થયેલો અવિરત ભારે વરસાદ આજે પણ આફત બનીને વરસી રહ્યો છે, છેલ્લા 8 કલાકમાં 10 ઈંચ વરસાદના કારણે સમગ્ર શહેરના જનજીવન પર માઠી અસર પડી છે. સિટી, BRTS અને એસટી બસ વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે ખાસ કરીને સરથાણા અને જકાતનાકા વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, અને રસ્તાઓ પર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત, લાલદરવાજા અને પટેલ વાડી વિસ્તાર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
સુરત શહેરમાં વરસી રહેલા અવિરત ભારે વરસાદના કારણે પાંડેસરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંડેસરાના શિવમ નગર, કૃષ્ણનગર અને પ્રેમ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. અસરગ્રસ્ત વિસ્તારના તમામ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીના ભાગરૂપે નજીકમાં આવેલી ઓડીસા પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
બોટ દ્વારા કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ
અનરાધાર વરસાદને પગલે સુરત સર્વોદય બેંક અને રેલવે સ્ટેશન ગરનાળા (અંડરપાસ) વિસ્તારમાં કમરબૂડ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ વણસતાં જ સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપનની રાહત ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પાણીના ભારે પ્રવાહ વચ્ચે ફસાયેલા નાગરિકોની વહારે આવીને ફાયર બ્રિગેડની ટીમે બોટ તૈનાત કરી હતી અને ભારે જહેમત બાદ કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા.
સુરતમાં ધોધમાર વરસાદે ગોડાદરા વિસ્તારની ANTM માર્કેટને જળબંબાકાર બનાવી દીધી હતી. માર્કેટ બહાર રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાના માલસામાન પર સંકટ તોળાતાં વેપારીઓએ દુકાનોના દરવાજા આગળ લાકડાં અને અન્ય સામગ્રીની આડાશ ઊભી કરીને પાણી અંદર ઘૂસતું અટકાવવાનો યુદ્ધના ધોરણે પ્રયાસ કર્યો હતો. રસ્તા પર એટલું પાણી ભરાયું કે ટ્રક સહિત અનેક વાહનો વચ્ચે રસ્તામાં જ બંધ પડી ગયા અને વાહનો અડધા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ કામરેજ 8.31 ઇંચ, સુરત સિટી 6.93 ઇંચ, પલસાણા 5.94 ઇંચ, નવસારી 5.71 ઇંચ, ડાંગના સુબિરમાં 5.31 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના જલાલપોરમાં 5.16 ઇંચ), બારડોલીમાં 5.08 ઇંચ તેમજ મહુવા અને તાપીના વાલોડમાં 3.94 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા છે. વલસાડના કપરાડામાં પણ 3.78 ઇંચ વરસાદ ખાબક્યો છે.
હવામાનની ગંભીર પરિસ્થિતિને જોતા હવામાન વિભાગ દ્વારા રાજ્યના 8 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ‘રેડ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ખરાબ હવામાન અને પ્રચંડ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના તમામ પોર્ટ પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.
બીજી તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ તેમજ ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્રને એલર્ટ કરી દેવાયું છે. આ ઉપરાંત, રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત જૂનાગઢ, બોટાદ, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

