Alert Archives - Page 335 of 521 - CIA Live

September 4, 2019
laddu-1280x960.jpg
1min14860

લાડુ આરોગવાની સ્પર્ધા ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસમાં અભિન્ન અંગ ગણાય. લુપ્ત થતી જતી આ પરંપરાને જીવંત રાખવા માટે જામનગર સ્થિત સંસ્કૃત પાઠશાળાએ લાડુ આરોગવાની સ્પર્ધા યોજી હતી. જેમાં 58 વર્ષના એક બ્રાહ્મણએ 100 ગ્રામના એક એવા 13 લાડુ (1 કિલો 300 ગ્રામ) અને સાથે બીજા એટલા જ વજનની દાળ પી ને સ્પર્ધા જીતી લીધી હતી.

નવીનભાઇ દવે નામના એક બ્રાહ્મણે સ્પર્ધા જીતવા માટે 3250 કેલેરી લાડુમાંથી અને 750 કેલેરી દાળમાંથી મળીને કુલ 4000 કેલેરી એક જ ઝાટકે પેટમાં ઉતારી દીધી હતી. આટલી કેલેરીની વાત સાંભળીને ડાયેટીંગ કરતા લોકો કે ડાયેટીશ્યન્સ પણ અચંબામાં પડી જાય. 100 ગ્રામના એક લાડુમાં 250 કૈલેરી અને દાળની એક વાટકીમાં 100 કૈલેરી મળીને કુલ 4000 કૈલેરી ધરાવતો ખોરાક જામનગરના નવીન દવે એક ઝાટકે આરોગી ગયા અને તેમને હજમ પણ થઇ ગયો હતો.

જામનગર સંસ્કૃત પાઠશાળાએ ગણેશ ચતુર્થીના ઉપલક્ષમાં યોજેલી લાડુ આરોગવાની સ્પર્ધામાં 100 ગ્રામના વજનનો એક લાડુ અને સાથે દાળ પીરસવામાં આવી હતી.

જામનગર શહેરમાં ગણેશચોથના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા સંસ્કૃત પાઠશાળામાં યોજવામાં આવી હતી.

ત્રણ વિભાગમાં વહેંચાયેલી લાડુ ખાઉ સ્પર્ધામાં ચુરમાના લાડુ સાથે દાળ પીરસવામાં આવી હતી.

લાડુ ખાઉ સ્પર્ધામાં જામનગર, મોરબી, ખંભાળિયા, જામજોધપુર, જામકંડોરણા, ધ્રોલ, નડીયાદ, પાટણ શહેરોમાંથી સ્પર્ધકો આવ્યાં હતાં.

કુલ ૧૯ ભાઇઓ, ૫ બહેનો તથા ૫ બાળકો મળીને કુલ ૩૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં ભાઇઓના વિભાગમાં ૫૮ વર્ષના જામકંડોરણાના નવીન દવેએ ૧૦૦ ગ્રામનો એક એવા ૧૩ લાડુ આરોગી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

૧૨ લાડુ આરોગી નાનજી મકવાણા દ્વિતીય સ્થાને રહ્યા હતા.

બહેનોના વિભાગમાં મિતલ રૂપાપરા ૬ લાડુ આરોગી પ્રથમ, ક્રિષ્ના ચોક્સી ૫ લાડવા સાથે દ્વિતીય સ્થાને રહ્યા હતાં.

બાળકોમાં કેવીન વાઢેર ૫ લાડવા સાથે પ્રથમ, આદિત્ય આણદાની ૪ લાડવા સાથે દ્વિતીય રહ્યા હતા. વિજેતાઓને સંસ્થા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં.

September 3, 2019
pidhad.jpg
1min16730

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ગણપતિ બાપ્પાનો આ ઉત્સવ મુંબઇ પછી સૌથી વધુ જો ઉજવાતો હોય તો એ સુરત છે અને સુરતમાં આ વર્ષે 70 હજારથી પણ વધુ ગણેશજીની મૂર્તિઓના સ્થાપન થયા છે, સુરતમાં ગણપતિ ઉત્સવ એટલી ભવ્ય રીતે ઉજવાય છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અને હાલ વિજય રુપાણી મુખ્યમંત્રી છે તેઓ પણ ખાસ ગણેશોત્સવમાં સુરત પધારીને ગણપતિ મંડપોની મુલાકાત લે છે.

આ પીધ્ધડોએ આખી દુનિયામાં સુરતને બદનામ કરી દીધું

આ રીતે સુરત ગણેશોત્સવ માટે ફેમસ છે. પરંતુ, કેટલાક પીધ્ધડો દારુ પીને એટલું ભાન ભૂલ્યા કે ગણપતિજીની મૂર્તિની સામે જ જાહેર રોડ પર બેરોકટોક પણે દારૂ પીને ઝૂમી રહ્યા હતા. આ વિડીયો એકલા ગુજરાત કે ભારતમાં નહીં પણ વિશ્વભરના લોકોએ ગણતરીના કલાકોમાં જોઇને સુરત અને સુરતીઓ માટે ન બોલવાનું બોલી લીધું. આ પીધ્ધડોએ સુરતને ભારે બદનામ કર્યું એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

દારૂ વીડિયો ઝડપાયેલા આરોપી

કમલેશ ઉર્ફે કાલુ કાંતિભાઈ રાણા તેજસ કિરીટ રાણા રોશન જશવંત રાણા અમિત સોમચંદ્ર રાણા અનિલ રમેશ રાણા અશરફખાન અખ્તરખાં પઠાણ રજનીકાંત પ્રાણજીવન રાણા ગણેશ રવીચંદ્ર રાણા

મળતી માહિતી મુજબ સુરત પોલીસે ગણપતિની પ્રતિમા સામે બેરોકટોક દારૂ પીને ઝૂમી રહેલા પીધ્ધડોની સામે કેસ નોંધીને તેમને ઝબ્બે કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. આ પીધ્ધડો દારુ વેચવા, પીવા માટે બદનામ સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારુ પીને ઝૂમી રહેલા 8 ને પકડી લીધા છે. આ પીધ્ધડો શિવગણેશ યુવક મંડળના ગણપતિ સામે દારૂ પીને છાકટા થયા હતા. તમામ પીધ્ધડો ગોલવાડના હોવાનું બહાર આવ્યું છે.

ગણેશ નામના કોઇ આયોજક અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો છે. એથી વિશેષ આ પીધ્ધડોને રજનિકાંત નામના એક પીધ્ધડની માતાએ પોતાની લિકર પરમીટમાંથી બિયર ખરીદીને આપ્યા હોવાની વિગતો મળતા પોલીસે આ પ્રકરણમાં બે ગુના નોંધ્યા છે.

September 3, 2019
jee_main.png
1min18410

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવા સમાચાર એ છે કે તા. 2 સપ્ટેમ્બર 2019થી જેનું રજિસ્ટ્રેશન થયું છે એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે એન્ટ્રીલેવલ ટેસ્ટ જેઇઇ મેઇન્સ ની પરીક્ષા પેટર્ન બદલવામાં આવી છે.

અત્યાર સુધી 360 માર્કસની લેવાતી જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 થી 300 માર્કસની લેવામાં આવશે.

ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયમાં કુલ 25-25-25 સવાલો હશે. 20 સવાલો એમસીક્યુ બેઝ્ડ હશે, આ સવાલોના પ્રત્યેક સાચા જવાબના કુલ 4 ગુણ અને ખોટા જવાબોના માઇનસ એક ગુણ જ્યારે જવાબ નહીં લખનારને ઝીરો માર્કસ મળશે. 5 સવાલોના ન્યુમેરિકલ જવાબો હશે. ન્યુમેરિકલ જવાબો ધરાવતા સવાલોમાં નેગેટિવ માર્કિંગનો નિયમ લાગુ પડશે નહીં.

જેઇઇ મેઇન્સ 2020થી પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફારો આવ્યા પછીની પેટર્ન માટે આ વાંચો

જેઇઇ મેઇન્સ પરીક્ષામાં જાન્યુઆરી 2020થી થઇ રહેલા ફેરફારો અંગે સુરત સમેત ગુજરાતની મોટા ભાગની સાયન્સ સ્કુલો અને તેમાં જેઇઇ ભણાવી રહેલા શિક્ષકો તેમજ ધંધાદારી કોચિંગ ક્લાસીસોના સંચાલકો અજાણ છે, આ સમાચાર શક્ય હોય તેટલા ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ સુધી પહોંચતા કરવા જરૂરી છે.

September 3, 2019
ganapati-1280x720.jpg
1min9680

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વનો એવો કોઇ દેશ નહીં હોય ત્યાં ગુજરાતી ન વસ્યો હોય અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે ત્યાં ત્યાં ગુજરાતી સંસ્કૃતિની સુવાસ પણ પ્રસરે. ગુજરાતના જ સુરતીઓની વાત આવે ત્યારે મનમોજીલા સુરતીઓ માટે કહેવાય છે કે આફતને પણ અવસરમાં ફેરવી નાંખે. સુરતીઓની સુવાસ પણ વિશ્વભરમાં પથરાયેલી છે અને આ પરંપરાને સુરતના યુવાનોએ જર્મનીના ક્લાઉસ્થલ (clausthal) શહેરમાં પણ પ્રસરાવી છે.

જર્મનીના ક્લાઉસ્થલ શહેરમાં અભ્યાસાર્થે ગયેલા સુરતના જૈમિક મહેશ કહાર અને યશ ગાંધી અને તેમના મિત્રોએ ત્યાં ભક્તિભાવથી ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. જર્મનીમાં તપાસ કરી તો ક્યાંયે ગણેશજીની પ્રતિમા મળે નહીં સ્વાભાવિક છે. આથી તેમણે નક્કી કર્યું કે સુરતથી ખાસ માટીની મૂર્તિ મંગાવીને 10 દિવસ તેની સ્થાપના કરીને પૂજા પાઠ કરીશું.

જૈમિક કહારે સુરતમાં ટીમ એક્સપર્ટસ નામથી ટ્રાવેલિંગનો બિઝનેસ કરતા તેમના પિતા મહેશ કહારને ગણેશજીની માટીની મૂર્તિ મોકલાવવા માટે જણાવ્યું. મહેશભાઇ કહાર એન્ડ ફેમિલીએ સરસ મજાની માટીની મૂર્તિ ખરીદીને પુત્રને બાય પ્લેન મોકલી આપી. અઠવાડીયા ગણેશ ચતુર્થી 2જી સપ્ટેમ્બર 2019ના રોજ હતી. એના અઠવાડીયા અગાઉ જમર્નીના ક્લાઉસ્થલ (clausthal) શહેરમાં જૈમિક કહાર, યશ ગાંધી અને તેમના મિત્રોને ગણેશજીની પ્રતિમા મળી ગઇ. અને તા.2જી સપ્ટેમ્બર 2019ના રોજ જૈમિક અને યશ એ પોતાના રૂમમાં ગણેશજી માટે ખાસ સાફસફાઇ કરીને ભાવપૂર્ણ રીતે તેમનું સ્થાપન કર્યું હતું. જૈમિક કહાર, યશ ગાંધી અને તેમના મિત્રોએ ગણેશ સ્થાપન પૂર્વે લાઇટિંગ, ફ્લાવર બુકેથી રૂમને ડેકોરેટ કર્યો અને તેમનું પૂરી શ્રદ્ધાથી આવાહન કર્યું હતું.

જર્મનીના ક્લાઉસ્થલ સિટી ખાતે રહેતા સુરતના યુવાનોએ ગણેશ સ્થાપન કર્યું

જૈમિક કહાર, યશ ગાંધી સાથે સુરતના અન્ય યુવાનો પણ જર્મનીના ક્લાઉસ્થલ (clausthal) ખાતે સાથે રહીને અભ્યાસ કરી રહ્યા છે આ તમામ યુવાનો ગણેશોત્સવમાં જોડાયા છે અને સવાર સાંજ પોતાના સ્ટડી, વર્કમાંથી હાલ સમય કાઢીને ગણેશજી મનથી પૂજા કરી રહ્યા છે.

ધન્ય છે આ સુરતી યુવાનોને કે જેમણે ભારતની સંસ્કૃતિની ઓળખ સમા ગણેશોત્સવને જર્મની જેવા અજાણ્યા શહેરમાં પણ ધબકતો કર્યો છે.

September 3, 2019
kohli.jpg
1min5080

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને જમૈકા ખાતે બીજી ટેસ્ટ મેચમાં 257 રને હરાવીને બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ ભારતનો આ 28મો ટેસ્ટ ટેસ્ટ વિજય રહ્યો છે. આ સાથે જ કોહલીએ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બનીગ યો છે. તેણે એમએસ ધોનીના 27 ટેસ્ટ વિજયનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

આ સાથે જ કેરેબિયન્સનો ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં વ્હાઈટ વોશ થયો હતો. ભારતે પ્રથમ ટેસ્ટ 318 રને જીતી હતી.

September 3, 2019
Sensex-down_.jpg
1min6740

તા.3 સપ્ટેમ્બર 2019ને મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી આંક પણ 95 પોઈન્ટ ગગડીને 11,000 નીચેના ટ્રેડ ઝોનમાં આવી જતા રોકાણકારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

તાતા મોટર્સ, તાતા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઓએનજીસી, એડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી વેદાન્તા, આઈટીસી અને એસબીઆઈ સહિતના શેરોમાં ચાર ટકાનો કડાકો નોંધાયો હતો.

ગયા શુક્રવાર બાદ ત્રણ રજાઓમાં ગણેશ ચતુર્થી તેમજ સંવતસરીના પર્વને પગલે સોમવારે શેરબજારમાં કામકાજ બંધ રહ્યા હતા. આજે તા.3જી સપ્ટેમ્બરને મંગળવારે સવારે ખુલતામાં જ શેરબજારમાં ચોતરફી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

ઓગસ્ટના ઓટો વેચાણના આંકડા નિરાશાજનક રહ્યા છે. આ ઉપરાંત ઉત્પાદન ક્ષેત્રે વિકાસ રૂંધાયો હોવાના અહેવાલ છે. નવું રોકાણ ઠપ રહેતા શેરોમાં ઓફલોડિંગ વધ્યું હતું. સેન્સેક્સ 400 પોઈન્ટના કડાકા સાથે 37,000ની સપાટી નીચે ગબડ્યો હતો.

September 3, 2019
tmc-bjp-clash.jpg
1min13430

પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં ભાજપ અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સોમવારે થયેલા હિંસક ઘર્ષણમાં કેસરિયા પક્ષના 25 કાર્યકર ઘાયલ થઈ ગયા હતા. તમામને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ભાજપે નોર્થ 24 પરગણા જિલ્લામાં તેના સાંસદ અર્જુનસિંહ પર રવિવારે થયેલા હુમલાના વિરોધમાં આજે પાળેલા 12 કલાકના બંધ દરમ્યાન આ સંઘર્ષ થયો હતો. અગાઉ, ભગવા પાર્ટીના સાંસદ અર્જુનસિંહના વાહનને શ્યામનગર રેલવે સ્ટેશન પર તોડફોડ કરાઈ હતી.

સાંસદે દાવો કર્યો હતો કે, તૃણમૂલ સમર્થકોએ તેમના પર હુમલો કરવા સાથે તેમની કારને નુકસાન પહોંચાડયું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ વિવિધ સ્થળોએ ભાજપ કાર્યાલયો પર બળપૂર્વક કબ્જો કરવાની કોશિશ કરે છે.

બીજીતરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીના પક્ષે ભાજપ નેતા તરફથી કરાયેલા તમામ આરોપો ફગાવી દીધા હતા. ઊલટું, બંગાળના ખાદ્યાન્ન પ્રધાન જ્યોતિપ્રિય મલિકે સામો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ કાર્યકરોએ બૈરકપુર સ્થિત તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલય પર બળજબરીથી કબ્જો કર્યો હતો.

September 3, 2019
tokyo-1280x720.jpg
1min7200

વિશ્વના સૌથી સલામત શહેરોની કલબમાં એક નવા સભ્યદેશનો ઉમેરો થયો છે, વોશિંગ્ટન ડીસીનો, અને ટોપ ટેનના સૂચકાંકમાં આ શહેરે પ્રથમ વાર સ્થાન મેળવ્યું છે.’

ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટે આપેલા રેન્કિંગમા ટોકયો (સતત ત્રીજી વાર) નંબર વનના સ્થાને આવ્યુ છે. સિંગાપોર અને ઓસાકા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે. હોંગકોંગ ’17માં 9મા સ્થાને હતું. તેમાંથી વીસમા સ્થાને આવી ગયું છે. નવી દિલ્હી પ3મા સ્થાને છે.

ટોપ ટેનમાં એશિયા-પેસિફિક શહેરો છવાયેલા રહ્યા છે-જેમ કે સિડની, સોલ, મેલબોર્ન વગેરે. લંડન અને ન્યુયોર્ક છ સ્પોટ કૂદાવીને અનુક્રમે 14મા અને 1પમા સ્થાને આવ્યા છે.

આ સૂચકાંકમાં પાંચ ખંડોના 60 શહેરોને આવરી લેવાયા છે. અંઁકંદરે શહેરી સલામતીના મૂલ્યાંકન માટે ડિજિટલ, આરોગ્ય, આંતરમાળખું અને અંગત સુરક્ષા જેવા પરિબળોને ચકાસવામાં આવે છે. ઈન્ડેક્ષમાં અગ્રીમ રહેલા શહેરોમાં લોકો ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય જાળવણી, સમર્પિત સાયબરસિકયોરિટી ટુકડીઓ, ડિઝાસ્ટર કન્ટીન્યુઈટી પ્લાનિંગ અને કમ્યુનિટી-બેઈઝડ પોલીસ પેટ્રોલિંગની પહોંચ ધરાવે છે.

કરાચી પ7મા અને ઢાકા પ6મા સ્થાને છે.

August 30, 2019
thennarasan-1280x720.jpg
1min27450

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાઇપ્રોફાઇલ ગણાતા સુરત શહેરના સૌથા નબળા કમિશનર તરીકે સુરતના બુદ્ધિજીવીઓ જેને માની રહ્યા છે એ થેન્નારાસનની આજે રાજ્યના 79 સનદી અધિકારીઓની બદલીની યાદીમાં નામ જોતા જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓથી લઇને અધિકારીઓ અને કેટલાક ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ખુશીથી ઝુમી ઉઠ્યા છે.

થેન્નારાસનના સમયમાં સ્વચ્છતામાં સુરત દેશમાં 4થા ક્રમેથી 14માં ક્રમે ધકેલાય ગયું

અમાસના દિવસે પનોતી ઉતરતી હોય એમ સુરતની પનોતી ઉતરી હોવાની પોસ્ટસ પણ વાઇરલ થઇ છે. સુરતમાં આમ તો એસ.આર. રાવ, જગદીશન, ગુરુપ્રસાદ મહાપાત્ર, પંકજ જોશી જેવા સ્માર્ટ કમિશનરો આવ્યા પણ વર્તમાન કમિશનર થેન્નારાસને સુરતને સ્માર્ટ સિટી બનાવવાના નામે જે દાટ વાળ્યો છે એમાંથી સુરતને બેઠું થતાં વર્ષો નીકળી જશે. રાવ, જગદીશન, મહાપાત્ર, પંકજ જોશી જેવા કમિશનરોને સુરત પ્રત્યે લગાવ હતો, સુરતના વિકાસમાં તેમને રસ હતો, આ કમિશનરની સૌથી મોટી ત્રુટી એ હતી કે એ એક અધિકારી તરીકેની ઔપચારિકતા પૂરી કરતા હોવાનું નરી આંખે જણાઇ આવતું. સંવેદનશીલ સુરતને સંવેદનશીલ અધિકારીઓ ખપે.

અમાસના દિવસે સુરતના મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસનની બદલી

સામાન્ય રીતે સુરતમાંથી કોઇ સનદી અધિકારીની બદલી થાય ત્યારે તેમની ખુશામતો થતી હોય પરંતુ, અમે સી.આઇ.એ. લાઇવ સીધી સટ વાત કરવા માટે ટેવાયેલા છે.

જેમ કમિશનર તરીકે થેન્નારાસનને મળેલી સત્તાઓ અને તેના પ્રભાવમાં ભાજપ શાસકો સાથે મળીને તેમણે સુરતના લોકોના કરોડો રૂપિયા બિનજરૂરી કામોમાં વેડફી નાંખ્યા, એમ અમે પણ માર્કેટમાં તેમણે કરેલા કામો અંગે સામાન્ય લોકોના મોઢેથી સાંભળેલી વાતોને વાચા આપી રહ્યા છે.

વાંચો અહીં : અમે કેમ થેન્નારાસનને સૌથી નબળો કમિશનર કહી રહ્યા છીએ?

  • બ્યુટીફિકેશનના નામે ફૂટપાથો અને ફ્લાયઓવર બ્રિજની નીચે સુંદરતા વધારવા માટે કરોડો રૂપિયા વેડફ્યા, આ કામોની જરૂર જ ન હતી
  • સ્માર્ટ સિટીના નામે ફૂટપાથોમાં કરોડો નાંખ્યા, આજે થેન્નારાસનના સમયમાં બનેલી કહેવાતી સ્માર્ટ સિટીની ફૂટપાથની ડિઝાઇન જાણે લારી, ગલ્લાવાળાઓ માટે પ્લેટફોર્મનું એકદમ ફીટ બેસતું સ્ટ્રક્ચર બનાવી આપ્યું હોય એ રીતે લારીગલ્લા, ખાણીપીણાવાળા ફૂથપાથ વાપરી રહ્યા છે.
  • સ્માર્ટ સિટીના નામે ફૂટપાથની
  • સ્માર્ટ સિટીમાં સુરતના લોકોના 2000 કરોડ રૂપિયા વાપરી નાંખ્યા, વર્ષે રૂ.500 કરોડનું સંયુક્ત બજેટ વાપરવાનું હતું, આ કમિશનરે સુરતના લોકોના વેરાથી ભરાતી તિજોરીના રૂ.2000 કરોડ ખર્ચી કાઢ્યા, ભાજપ શાસકોએ પણ તેમાં હામી ભરાવી.
  • તેમના રાજમાં સુરત મહાનગરપાલિકાની તિજોરીની એટલી દયનીય હાલત થઇ ગઇ હતી કે એક તબક્કે કર્મચારીઓને પગાર કરવાના ફાંફા પડી ગયા હતા.
  • સુરત મહાનગરપાલિકાએ બોન્ડ બહાર પાડવા પડે તેટલી ફાઇનાન્સીયલ ક્રાઇસીસમાં સુરત મહાનગરપાલિકાને લાવીને મૂકી દીધી. આજે બોન્ડના કેટલા રૂપિયા આવ્યા એ પણ કોઇને ખબર નથી.
  • સ્ટ્રીટ ફર્નિચરમાં એવા કામો કર્યા છે કે તકલાદી હોવા ઉપરાંત અત્યંત મોંઘી કિંમતે ખરીદવામાં આવ્યા હતા.
  • સુરત શહેરનો વિકાસ ઇન્દૌરની કોપી તરીકે કરવાની પોલિસી અપનાવી, સુરત અને ઇન્દૌર બન્ને શહેરની કોઇ કમ્પેરીઝન ન થઇ શકે આમ છતાં તેમની નીતિઓ ઇન્દૌરની જેમ હોવાની છાપ જોવા મળતી હતી.
  • શહેરમાંથી કચરાપેટીઓ દૂર કર્યા બાદ ઉદ્ભવેલી પરિસ્થિતિમાં રોડ પર થતાં કચરાના ઢગલા ઉપાડવા માટે ટ્રેક્ટરો ભાડે રાખવામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો અને એમાં સનદી અધિકારી સુધી છાંટા ઉડ્યા, આવું અગાઉ ક્યારેય કોઇ કમિશનર સામે થયું નથી.
  • જીપીએસ ધરાવતી 50 હજાર રૂપિયાની એક એવી અનેક સાઇકલ ખરીદીને લોકો માટે મૂકવાનો બિનજરૂરી પ્રોજેક્ટ હઠાગ્રહ કરીને હાથ ધરાવ્યો, આજે આ સાઇકલો ક્યાં ચાલે છે એ પણ જોવા મળતું નથી.
  • તક્ષશિલા કાંડમાં કાર્યવાહી કરવામાં સાવ વામણા પૂરવાર થયા. ન તો અધિકારીઓને દંડી શક્યા ન તો બચાવી શક્યા. સમ ખાઇ શકાય તેવી કામગીરી ક મને હાથ ધરી. તક્ષશીલા કાંડ પછી હાથ ધરાયેલી ડિમોલિશનની કામગીરીમાં વ્હાલાદવલાની નીતિ અપનાવી હોવાના સંગીન આક્ષેપો તેમના પર થયા છે.
  • હાઇપ્રોફાઇલ સુરત મહાનગરપાલિકાનું સૌથી નબળું બજેટ ચાલુ વર્ષે તેમણે જાહેર કર્યું હતું. એકેય નવા પ્રોજેક્ટની વાત તો દૂર રહી પણ જુનાને પણ પૂરા કરી શક્યા નહીં.
  • સૌથી મોટી કાળી ટીલી તો સુરતના લોકોના કરોડો રુપિયાના ખર્ચીને તૈયાર કરવામાં આવેલો પાલ-ઉમરા બ્રિજ 95 ટકા તૈયાર છે, હવે તૈયાર બ્રિજ સડી રહ્યો છે. લોકો ટ્રાફિક જામમાં રોજેરોજ પીસાઇ રહ્યા છે, પણ એક કમિશનર તરીકે એટલી પણ સૂજબૂજથી કામ કરાવીને બ્રિજના એપ્રોચ રોડને નડતર અસરગ્રસ્તો સાથે સમાધાન કરી શકવામાં સાવ જ નિષ્ફળ નિવડ્યા. એક બિલકુલ તૈયાર બ્રિજ આજે વણઉપયોગી બનીને સડી રહ્યો છે. પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે સમગ્ર કોકડું ભાજપ શાસકોના માથે નાંખી દઇને પોતે એક કમિશનર, સનદી અધિકારી હોવા છતાં અસમર્થ જાહેર થયા.
  • તાપી નદીના એકેય પ્રોજેક્ટમાં લિડરશીપ લઇને કામ કરવા કે કરાવવામાં બિલકુલ રસ દાખવ્યો નહીં. સુરત માટે તાપી નદી જીવાદોરી સમાન છે
  • સુરતને કન્ટેનર ફ્રી સિટી બનાવવાનું શ્રેય લેવા જતા એવો દાટ વાળ્યો કે લોકો દિવસો સુધી તેમની જોહુકમીનો ભોગ બન્યા. સ્વચ્છતા સર્વેક્ષણમાં કન્ટેનર ફ્રી સિટી હોય તો 18 માર્ક મળે એ 18 માર્ક મેળવવા માટે રાતોરાત 1016 પોઇન્ટ પરથી કચરાના કેન્ટેનરો ઉઠાવી લીધા અને પછી જે સુરતમાં કચરાના ઢગલાઓ થયા, અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા.
  • પોસ્ટ બોક્સ (ટપાલ પેટીઓ) જેવી કચરાપેટીઓ મૂકી લાખો રૂપિયા વેડફ્યા, પ્રોજેક્ટ સાવ જ ફેઇલ ગયો. ટપાલ પેટી જેવી એક કચરાપેટીની કિંમત રૂ.13 હજાર હતી. સુરતના લોકોએ વેરો ભરીને કોર્પોરેશનની તિજોરી છલકાવી હતી, જે આ સાહેબે વેડફી નાંખી. એક ઝોનમાં 200થી 250 જેટલી સંખ્યામાં આવી કચરા પેટીઓ મૂકાઇ હતી, આજે આ કચરાપેટીઓ સાવ ભંગાર અવસ્થામાં આવી ગઇ છે.
  • આ પ્રકારે જો તેમની નિષ્ફળતાઓ, વિવાદીત કામગીરીઓ, સુરતના લોકોના રૂપિયા વેડફવાની વાતો લખવા બેસીએ તો તેમણે જેટલા દિવસ સુરતમાં કામ કર્યું તેટલા સંગીન મામલાઓ લખી શકાય.

August 30, 2019
sda.jpg
1min12310

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિકરી તો પારકી થાપણ કહેવાય….આ લોકપ્રિય ગુજરાતી ગીતની કડી સાથે ગૌરવભેર ઉમેરાય એવી કડી જોડી છે સુરતની રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલના કર્તાહર્તાઓએ.

દિકરીઓને પારકી થાપણ સમજતા સમાજમાં પ્રેરણાદાયી દાખલો બેસે એ માટે અને ભારત સમેત ગુજરાતમાં જ્યારે સેક્સ રેશિયો 1000 પુરુષે 823 સ્ત્રી સુધી નિમ્નસ્તરે પહોંચી ચૂક્યો છે એવા સંજોગોમાં સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલના સંચાલકોએ બેટી બચાવો અભિયાન હાથ ધર્યું અને પરિવારમાં બીજી દિકરીને જન્મ આપતા માબાપને ધન્યતાથી વધાવવા સાથે તેમના ઘરે જન્મેલી (લોકગીત મુજબ પારકી થાપણ) દિકરીઓના નામે પોતીકી (પોતાની) થાપણ મૂકીને તેમનું જાહેર અભિવાદન કરવામાં આવે છે.

ભારત બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરવા માટે ચૌતરફા પ્રયાસો થઇ રહ્યા છે. સરકારથી શરૂ કરીને બિનસરકારી સંસ્થાઓ અને વ્યકિગત પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ, કહેવા દો કે બેટી બચાવો માટેનો સૌથી નક્કર અને પરીણામદાયી પ્રયાસ માનવામાં આવે છે સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલની બોન્ડ વિતરણના કન્સેપ્ટને.

RTSV ડાયમંડ હોસ્પિટલ, સુરતના મંત્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે તેઓ આગામી તા.31મી ઓગસ્ટને શનિવારે 250 દિકરીઓના મા-બાપને (પ્રત્યેક) 1-1 લાખ રૂપિયાના બોન્ડ એનાયત કરવા જઇ રહ્યા છે.

તેમણે કહ્યું કે RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલએ 5 વર્ષ પૂરા કરીને 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ બેટી બચાવો અભિયાન હાથ ધરીને અત્યાર સુધીમાં હજારો દિકરીઓને જન્મ મળે એ માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.

દિનેશ નાવડીયાએ કહ્યું કે જે પરિવારમાં એક દિકરી પછી બીજી દિકરી જન્મે એ પરિવારનું જાહેર અભિવાદન કરવા સાથે એ માબાપને દિકરીના નામે રૂ.1 લાખના બોન્ડ અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1018 દિકરીઓને આ પ્રમાણે રૂ.1-1 લાખના બોન્ડ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. એક લાખ રૂપિયાના બોન્ડ દિકરી જ્યારે 18 વર્ષની થશે ત્યારે તેના ખાતામાં જમા થઇ જાય એ પ્રકારની વેલિડીટી ધરાવે છે.

આમ પારકી થાપણોના નામે પોતીકી થાપણ આપવાનો આવકારદાયક પ્રયાસ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ કરી રહી છે.