CIA ALERT

Blog - Page 499 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 8, 2019
ENGINEERNG-ADMISSION-BANNER.jpg
1min7690

ગુજરાતમાં ચાલુ વર્ષે ડિગ્રી ઇજનેરી ક્ષેત્રે પ્રવેશ માટે 34 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેથી હવે એડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્શિશ દ્વારા પ્રવેશની આગળની કાર્યવાહી હાથ ધરવાનું શરૂ થશે. ફાર્મસી ક્ષેત્રે 7 હજાર જગ્યાઓ સામે 16 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. કોમ્પ્યુટર, મિકેનિકલમાં વિદ્યાર્થીઓને વધુ રસ પડયો.

એન્જિનિયરીંગમાં ર0 સરકારી અને બાકીની સ્વનિર્ભર મળી કુલ 137 કૉલેજો છે ગયા વર્ષે 30 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહી હતી. આ વખતે પ્રથમ વખત આર્થિક અનામતનો માપદંડ લાગુ પડતા બેઠકોની સંખ્યા વધીને 73 હજાર થઇ ગઇ છે, જેમાં 34 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તે તમામ પ્રવેશ મેળવી લ્યે તો પણ 39 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેશે. બે વર્ષથી ઈજનેર ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની રૂચી ઓછી થઈ હોય તેમ પ્રવેશ લેવામાં ઘસારો ઓછો થયો છે, જે ઈજનેર અભ્યાસ માટે ચોંકાવનારું પરિણામ શિક્ષણ તજજ્ઞો માની રહ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે 10 ટકા ઈબીસી કોટામાં વધારો કરતાં ઈજનેર ક્ષેત્રે બેઠકની સંખ્યા વધીને 72 હજાર જઈ હતી, જેમાં 34 હજાર જેટલા ફોમ ભરાયા હતા. ત્યારે હવે તા.12 જૂને કામચલાઉ મેરિટ લિસ્ટ બહાર પડશે તે જ દિવસથી તા. 16 સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ એટલે કે, કૉલેજ પસંદગી કરી શકાશે. તા. 19મીએ મોક રાઉન્ડનું પરિણામ જાહરે થશે તેજ દિવસે ફાઇનલ મેરિટ લીસ્ટ જાહેર થશે

તા.19 થી ર3 જૂન એડમિશનના પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા થશે તા. ર6મીએ કૉલેજ ફાળવણીની પ્રથમ યાદી જાહેર થશે. આ.સી.પી.સી.ની યાદી જણાવે છે કે ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ વર્ષ-ર019 માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા.4 ના રોજ પૂર્ણ થઇ છે. જે ઉમેદવારોએ વેરિફિકેશન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપર મુજબની સમય મર્યાદામાં પૂર્ણ કરી છે અને આવા ઉમેદવારોએ જો રજિસ્ટ્રેશન દરમ્યાન જાતિ અંગેના પ્રમાણ પત્રો તથા ટયૂશન ફી માફી યોજના માટે આવકનું પ્રમાણ પત્ર રજૂ કર્યું ન હોય તો તેવા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો ઉપલબ્ધ થયે કેટેગરીમાં સુધારો, તેમ જ ટયૂશન ફી માફી યોજના માટે સુધારા કરાવવા હોય તો તેને લાગતા દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ તથા રજિસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ સાથે નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઇ ને ફોર્મ ભરી તા. 8/6/ર019ના સાંજે પ કલાક સુધીમાં રૂબરૂ જમાં કરાવવા જણાવવામાં આવે છે.

June 8, 2019
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min6800

ગુજરાતમાં ચાયનાની અનેક અગ્રગણ્ય ઉદ્યોગ કંપનીઓએ પોતાના પ્લાન્ટસ અને કારોબાર શરૂ કરીને ગુજરાતને સેક્ધડ હોમ બનાવ્યું છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

અમદાવાદમાં ચાયના ઈન્ડિયા-ગુજરાત ઇકોનોમિક એન્ડ ટ્રેડ કો-ઓપરેશન કોન્ફરન્સ-ર019નો પ્રારંભ કરાવતા તેમણે વધુમાં કહ્યું હતું કે, આ બધી જ બાબતો અને પરસ્પર સહભાગીતાની ઉત્સુકતા એ વાતની પરિચાયક છે કે ગુજરાત અને ચીન ખાસ કરીને ગુઆન્ગડોંગ પ્રાંત સાથે સામાજિક અને આર્થિક વિકાસની મજબૂત ભાગીદારી સ્થાપિત થઇ છે.

ભારતની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતા ગુજરાતનો જીડીપીમાં 8 ટકા, નિકાસમાં રર ટકા ફાળો છે. એટલું જ નહીં, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં પણ ગુજરાત વિશ્ર્વમાં ચોથા ક્રમે છે. આટઆટલી વિશેષતાઓ સાથે ગુજરાત ભારતમાં અન્ય રાજ્યોની તુલનાએ વિદેશી રાજ્યો-રાષ્ટ્રો સાથેના સંબંધોમાં અગ્રેસર રહ્યું છે તે જ રીતે ગુજરાતનું સીસ્ટર સ્ટેટ ચાયનાનું ગુઆન્ગડોંગ પણ ચીનનું આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું પાવર હાઉસ માનવામાં આવે છે.

આ પ્રસંગે મેમ્બર ઓફ ધ પોલિટિકલ બ્યુરો ઑફ ધ સીપીસી સેન્ટ્રલ કમિટી, પાર્ટી સેક્રેટરી ઓફ ગુઆંગડોંગ સીપીસી કમિટીના શ્રીયુત લી ક્ષીએ જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચે મહત્ત્વપૂર્ણ વ્યાપાર-વાણિજ્યિક સંબંધો વર્ષોથી રહ્યા છે. ગુઆન્ગડોંગ પ્રાંત અને ગુજરાત વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત અનેક પ્રોજેક્ટ્સ ગુજરાતમાં સફળતાપૂર્વક કાર્યાન્વિત થયા છે. અમે ગુજરાત સાથે વધુને વધુ વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે આતુર છીએ.

June 8, 2019
ambaji_accident.jpg
1min6030

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર એક ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં એક પેસેન્જર જીપની બ્રેક ફેઇલ થઈ જતા જીપ પલટી મારતા સ્થળ પર જ નવ મુસાફરોના મોત નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં પાંચ જેટલાની હાલત ગંભીર હતી.

અંબાજી પાસેના ત્રિશુળિયા ઘાટ પાસે 25 પેસેન્જરો ભરેલી જીપની બ્રેક અચાનક ફેઈલ થતાં પલટી મારી ગઈ હતી. જેમાં આઠથી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. વડગામના ભલગામથી અંબાજી દર્શન કરીને તેઓ પરત ફરતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જીપકારમાં મોટાભાગના મુસાફરો વડગામના ભલગામના હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે 108ની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને પાલનપુર અને દાંતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

June 8, 2019
icc-vs-bcci.jpg
1min11970

મહેન્દ્રસિંહ ધોનીએ બુધવારે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપની પોતાની પ્રથમ લીગ મૅચમાં આર્મીના ‘બલિદાન બેજ’ ચિહ્નવાળા વિકેટકિપિંગના લીલા રંગના ગ્લવ્ઝ પહેરીને રમ્યો એ મુદ્દે ભારતના ક્રિકેટ-વહીવટકારો અને ક્રિકેટજગતનું સંચાલન કરતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે.

ધોની આ સ્પર્ધામાં હવે પછી આ નિશાનવાળા ગ્લવ્ઝ ન પહેરે એની તકેદારી રાખવાની જે વિનંતી આઇસીસીએ બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઇ)ને કરી એને ભારતની આ સર્વોચ્ચ ક્રિકેટસંસ્થાએ નકારી કાઢી છે અને ઊલટાનું એણે આઇસીસીને કહ્યું છે કે તમે ધોનીને આ ગ્લવ્ઝ પહેરવાની પરવાનગી આપો.

કમિટી ઑફ એડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાયે ભારપૂર્વક કહ્યું હતું કે આ કોઈ લશ્કરી ચિહ્ન નથી એટલે ધોની એ પહેેરવાનું ચાલુ રાખશે.

જોકે, આઇસીસી આવી કોઈ પરવાનગી આપે એવી શક્યતા નથી, કારણકે નિયમ એવો છે કે વિકેટકીપિંગ માટેના ગ્લવ્ઝ પર એક જ સ્પૉન્સરનો લોગો રાખવાની છૂટ છે. ધોનીના કિસ્સામાં તેના ગ્લવ્ઝ પર એસજી લોગો અગાઉથી જ છે અને જો તેને આર્મીના નિશાનવાળો લોગો રાખવાની છૂટ અપાય તો ક્રિકેટના સાધનો સાથેના સ્પૉન્સરશિપ કરારોનો ભંગ થયો કહેવાય.

વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે સાઉધમ્પ્ટન ખાતે ભારતની પહેલી મેચમાં ધોનીના લીલા રંગના વિકેટકિપિંગના ગ્લવ્ઝ પર આર્મીનું ચિહ્ન હતું કે જે લશ્કરના પ્રતીકને મળતું આવતું હતું. ‘બલિદાન બેજ’ તરીકે ઓળખાતું એ ચિહ્ન પૅરા કમાન્ડો જ વાપરી શકે છે. ભારતીય સેનાનું ખાસ મિશન પૂરું પાડનારી યુનિટ પૅરા સ્પેશિયલ ફોર્સ (પીએસએફ) તરીકે ઓળખાય છે અને એ આ ચિહ્નનો ઉપયોગ કરે છે. 2016ની સાલમાં પાકિસ્તાન પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇક વખતે પીએસએફના જવાનોએ સક્રિયપણે ભાગ લીધો હતો.

આઈ. સી. સી.ના નિયમો પ્રમાણે ખેલાડીઓ ધંધાદારી, ધાર્મિક અથવા લશ્કરી પ્રતીક દર્શાવી શક્તા નથી અને રાયના કહેવા પ્રમાણે ધોનીના કિસ્સામાં કોઈ ધંધાદારી કે ધાર્મિક મુદ્દો નથી જેથી ધોનીએ કોઈ નિયમભંગ કર્યો નથી.

ધોની ટેરિટોરિયલ આર્મીની પેરેશૂટ રેજિમેન્ટમાં માનદ્ લેફટનન્ટ કર્નલ છે.

એવું જાણવા મળ્યું હતું કે બીસીસીઆઇની વિનંતીને પગલે હવે આઇસીસીની ક્રિકેટ ઑપરેશન્સ ટીમ તથા વર્લ્ડ કપની ઇવેન્ટ ટેક્નિકલ કમિટી વચ્ચે ચર્ચા થશે. યોગાનુયોગ, આ બન્ને કમિટીના અધ્યક્ષસ્થાને જ્યોફ ઍલરડાઇસ છે.

ધોનીના ગ્લવ્ઝ પરનું નિશાન લશ્કરનું પ્રતીક નથી એ બીસીસીઆઇએ સાબિત કરવું પડશે. જો ઇવેન્ટ ટેક્નિકલ કમિટી એ સાબિતીથી સંતુષ્ટ થશે તો ધોનીને ફરી એ ગ્લવ્ઝ પહેરવા દેવાશે.

June 7, 2019
premji_rishad.jpg
1min10600

આઇટી સર્વિસિસ કંપની વિપ્રો લિમિટેડના સ્થાપક અને સખાવતી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરતા અઝિમપ્રેમજી જુલાઇના અંત સુધીમાં કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થઇ જશે.

53 વર્ષ સુધી કંપનીનું સુકાન સંભાળનાર 74 વર્ષીય અઝિમ પ્રેમજી નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્થાપક ચેરમેન તરીકે યથાવત રહેશે તેમ કંપનીએ જણાવ્યું છે. ચીફ સ્ટ્રેટજી ઓફિસર અને બોર્ડના સભ્ય તેમજ તેમના પુત્ર રિષદ પ્રેમજીને કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેનપદનો હોદો અપાશે. કંપનીમાં નવા એમડી તરીકે સીઇઓ અબિદાલી ઝેડ નીમુચવાલાની નિમણૂક કરાશે.

આ ફેરફારો 30 જુલાઇથી અમલી બનશે રિષદની 31 જુલાઇ 2019થી 30 જુલાઇ 2024 સુધી પાંચ વર્ષ માટે ફુલ ટાઇમ ડિરેકટર તરીકે ફેરનિમણૂક કરાઇ છે. આ માટે શેરહોલ્ડરોની મંજૂરી લેવી પડશે.

અઝિમ પ્રેમજીએ જણાવ્યું છે કે, “અમે એક લાંબી અને સંતોષકારક મજલ કાપી છે. હું ભવિષ્યમાં મારી પરોપકારી ગતિવિધિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પર વધુ સમય આપવા માગું છું. મને રિશદના નેતૃત્વ પર ભરોસો અને વિશ્વાસ છે. તેઓ કંપનીના વિકાસમાં વધુ સહયોગ આપશે.”

ભારતીય ઉદ્યોગપતિઓમાં અઝીમ પ્રેમજી સૌથી વધારે ઉદાર દાતા રહ્યા છે. માર્ચ મહિનામાં તેમણે તેમની માલિકીના 34 ટકા જેટલા વિપ્રોના શેર અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને દાનમાં આપ્યા હતા જે શિક્ષણ માટે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અત્યાર સુધીમાં તેમણે પોતાની 67 ટકા સંપત્તિ અથવા ₹1.45 લાખ કરોડનું દાન કર્યું છે. આ ફાઉન્ડેશન દ્વારા 2010માં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રેમજી પરિવાર સોફ્ટવેર નિકાસકાર કંપનીમાં 74 ટકા હિસ્સો ધરાવે છે.

પ્રેમજીએ બે વર્ષ અગાઉ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિપ્રોની સ્થાપના મારા પિતા હશમ પ્રેમજીએ કરી હતી. મેં તેની પ્રોડક્ટ રેન્જ અને ડાઇવર્સિફિકેશનમાં યોગદાન આપ્યું છે.

અમે જે કામ ભૂતકાળમાં કરતા આવ્યા હતા તેને વધુ સારી રીતે કરવા માટે મને પ્રેરણા મળી હતી. 1996માં પ્રેમજી 21 વર્ષની વયે સ્ટેન્ફર્ડ કોલેજ છોડીને ભારત આવ્યા હતા અને પિતાના મૃત્યુ પછી વિપ્રોનો હવાલો સંભાળ્યો હતો. વિપ્રોનું અસલ નામ વેસ્ટર્ન ઇન્ડિયા વેજિટેબલ પ્રોડક્ટ લિ. હતું અને ત્યારે તે મુખ્યત્વે ખાદ્યતેલ બનાવતી કંપની હતી

June 7, 2019
pramila.jpg
1min12040

ઓડિશાથી બે લાખથી વધુ મતોની સરસાઇથી ચૂંટાયેલા પ્રમિલા બિસોઇ નામના મહિલા સાંસદની જીવન કથની કોઇ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી છે. ઓડિશાનાં પ્રમિલા બિસોઈ આંગણવાડીમાં ભોજન બનાવવાનું કામ કરતાં હતાં, પછી તેમણે મોટાપાયે મહિલાઓને સ્વરોજગારમાં સહાયતા કરી રહ્યા હતા એ હવે 17મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયાં છે.

સાડી, માથા પર ચાંદલો, સ્પષ્ટ દેખાતું સિંદૂર અને નાકમાં પારંપરિક દાણો પહેરેલાં 70 વર્ષીય મહિલા પ્રમિલા બિસોઈ બીજૂ જનતા દળ (બીજેડી)ની ટિકિટ પર ઓડિશાની અસ્કા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યાં છે.

સ્થાનિક લોકો તેમને પ્રેમથી ‘પરી મા’ કહે છે. સ્વયં સહાયતા સમૂહનાં એક સામાન્ય મહિલાથી સાંસદ સુધીનો તેમનો પ્રવાસ એક ફિલ્મી કહાણી જેવો છે.

માત્ર પાંચ વર્ષની વયે પ્રમિલાનાં લગ્ન થઈ ગયાં હતાં. એ માટે તેઓ આગળ શિક્ષણ મેળવી શક્યાં ન હતાં.

ત્યારબાદ પ્રમિલાએ ગામમાં જ આંગણવાડીમાં રસોઈનું કામ શરૂ કરી દીધું.

પછી તેમણે ગામમાં જ એક સ્વયં સહાયતા સમૂહની શરૂઆત કરી. તેમને જલદી સફળતા મળી અને તેઓ ઓડિશાનાં પહેલા સ્વયં સહાયતા સમૂહ ‘મિશન શક્તિ’નાં પ્રતિનિધિ બની ગયાં.

બીજેડી સરકારે પ્રમિલા બિસોઈને પોતાની મહત્ત્વકાંક્ષી યોજના મિશન શક્તિનો ચહેરો બનાવ્યો છે. દાવો છે કે આ યોજનાથી 70 લાખ મહિલાઓને ફાયદો મળ્યો.

માર્ચમાં પ્રમિલા બિસોઈની ઉમેદવારીની જાહેરાત કરતા પ્રદેશના મુખ્ય મંત્રી નવીન પટનાયકે કહ્યું હતું, “આ મિશન શક્તિ સાથે જોડાયેલી લાખો મહિલાઓ માટે એક ભેટ છે.”

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રમિલાના પતિ ક્લાસ 4ના સરકારી કર્મચારી હતા.

તેમનાં મોટા દીકરા દિલીપ ચાની દુકાન ચલાવે છે અને નાના દીકરા રંજનની ગાડીઓની રિપેરીંગની દુકાન છે.

આ પરિવાર એક પતરાની છત ધરાવતા નાના એવા ઘરમાં રહે છે.

તેમના પાડોશી જગન્નાથ ગૌડા તેમને નાનપણથી ઓળખે છે. સ્થાનિક પત્રકાર સુબ્રત કુમારને તેઓ કહે છે, “તેમણે માત્ર ત્રીજા ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું છે પણ તેમણે નજીકના ગામમાં રહેતી ગરીબ મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે. તેઓ 15 વર્ષથી સક્રિય રીતે સમાજસેવા સાથે જોડાયેલાં છે. ગામમાં તેમનાં પ્રયાસથી એક ઇકો પાર્ક બન્યું છે.”

તેમની નેતૃત્વ ક્ષમતા પર જગન્નાથ જણાવે છે કે ખૂબ ઓછું શિક્ષણ મેળવ્યાં છતાં પ્રમિલા સામયિક ઘટનાઓ પર તુરંત ગીત રચવાનું હૂનર ધરાવે છે અને મહિલાઓને પ્રેરિત કરવા માટે ગીત ગાય પણ છે.

જગન્નાથ કહે છે કે પ્રમિલા પાસે એક એકરથી ઓછી જમીન છે, જેમાં કામ કરવા તેઓ પોતે પણ ઘણી વાર જાય છે.

પ્રમિલા સાથે સ્વયં સહાયતા સમૂહમાં કામ કરી ચૂકેલાં શકુંતલાએ જણાવ્યું કે તેમનાં સમૂહની મહિલાઓ પ્રમિલાને મા સમાન માને છે.

દસ વર્ષ પહેલા પ્રમિલાનાં કહેવા પર જ શકુંતલા અને ગામની 14 મહિલાઓએ મળીને એક સ્વયં સહાયતા સમૂહની શરૂઆત કરી હતી.

સમૂહની મહિલાઓએ ચર્ચા કરીને મકાઈ, મગફળી અને શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું અને તેનાથી આવકમાં પણ વધારો થયો.

પ્રમિલા સારી રીતે હિંદી બોલી શકતાં નથી. પરંતુ અંગ્રેજી સમાચારપત્ર ‘ધ હિંદુ’ સાથે વાતચીતમાં તેમણે એ દલીલને ફગાવી દીધી કે રાષ્ટ્રીય રાજકારણમાં માત્ર હિંદી કે અંગ્રેજી બોલતા લોકો જ સફળ થઈ શકે છે.

તેમણે કહ્યું, “હું ગર્વથી સંસદમાં મારી માતૃભાષા ઉડિયામાં જ બોલીશ.”

 

June 7, 2019
abhyas.jpg
1min17890

જોતમારી મોંઘી કે કિંમતી વસ્તુ ચોરાઈ હોય તો તે તમે મુંબઈમાં જ આવેલી ચોર બજારમાંથી પાછી મેળવી શકો છો, એવો મત મુંબઈને ખૂબ જ નજીકથી ઓળખવાનો દાવો કરનારા નિષ્ણાતો દ્વારા કરાય છે, પણ શું તમને ખબર છે કે આ બજારનું મૂળ નામ તો ‘શોર’ બજાર હતું. શોર બજાર એટલે એક એવી બજાર કે જ્યાં સતત ઘોંઘાટ જ તમારા કાન પર પડે. પણ બ્રિટિશરોના ખોટા ઉચ્ચારને કારણે આ બજારનું નામ ‘શોર’માંથી ચોર થઈ ગયું. સાંભળવામાં ભલે ગમે એટલું રમૂજી લાગે, પણ આજે આ બજાર જાણે એના નામને સાર્થક કરી રહ્યું હોય એવું લાગે છે. ૧૫૦ વર્ષથી વધુ જૂના આ ચોર બજાર આજે મુંબઈના ટૂરિસ્ટ સ્પૉટમાં પોતાની અનોખી જ જગ્યા બનાવી ચૂકી છે. ખૅર એની વાત પછી ક્યારેક વિસ્તારથી કરીશું, પણ તમને થયું ને આજે અચાનક કેમ મુંબઈની ગલીઓ, બજાર અને રસ્તાઓ વિશેની વાત થઈ રહી છે? પણ બૉસ આપણે કોઈ વાત કરીએ તો તેની પાછળ ચોક્કસ જ કોઈક કારણ તો હોય છે અને આજે પણ આવું જ કંઈક છે. આજની આપણી સ્ટોરીની મેઈન હીરોઈન ઉપ્સ સૉરી મેઈન એલિમેન્ટ છે મુંબઈની અભ્યાસ ગલી ઉર્ફે પઢાઈ ગલી.

માયાવી નગરી મુંબઈમાં આવી તો કંઈ કેટલીય બજારો છે અને રસ્તાઓ છે કે જે તેનાં વિચિત્ર નામોને કારણે જ પ્રસિદ્ધિ પામ્યા છે. પણ આજે આપણે વાત કરવાના છીએ એક એવી ગલી વિશે કે જે લગભગ વિદ્યાર્થીઓની બેથી ત્રણ પેઢીઓ માટે સ્વર્ગથી જરાય ઓછી નથી ઊતરી. હવે તમને થશે કે આખરે એવી તે કઈ ગલી છે આ અને તેનું આટલું બધું મહત્ત્વ કેમ છે? અહીં વાત થઈ રહી છે વરલીની પોદ્દાર હૉસ્પિટલની પાછળ આવેલી અભ્યાસ ગલી ઉર્ફે પઢાઈ ગલીની. મૂળ તો આ ગલી સુદામ કાલી આહિરે માર્ગનો જ એક ભાગ છે. પણ રાત પડ્યે આસપાસની ચાલીનાં નાનાં-નાનાં ઘરોમાં, મોટા-મોટા પરિવારો સાથે રહેનારા વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોવાને કારણે આ ગલી અનઓફિશિયલી અભ્યાસ ગલી તરીકે ઓળખાતી. પણ થોડાક સમય બાદ સ્થાનિક રહેવાસીઓએ નગરસેવક સમક્ષ આ રસ્તાનું નામ બદલીને અભ્યાસ ગલી રાખવાનો પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો અને બસ ત્યારથી જ ઓફિશિયલી આ લૅન અભ્યાસ ગલીના નામે ઓળખાય છે.

મુંબઈ માટે એવું કહેવાય છે કે આ શહેર ક્યારેય ઊંઘતું નથી પણ મધરાતના જે ગણતરીના કલાકોમાં આ શહેર મીઠી નિંદર માણતુંં હોય છે ત્યારે આ અભ્યાસ ગલી વિદ્યાર્થીઓથી ઉભરાતી હોય છે. બસ સાંજ પડે અને રસ્તા પર લગાવવામાં આવેલી હેલોજનથી અભ્યાસ ગલી ચમકી ઊઠે અને એની સાથે પોત-પોતાના પુસ્તકો અને બૅગ્સ લઈને વિદ્યાર્થીઓ પણ જગ્યા શોધીને મોડી રાત સુધી કોઈ પણ પ્રકારની ખલેલ વિના ભણવાનું શરૂ કરી દે છે. સાંભળવામાં એકદમ કોઈ ફિલ્મી સ્ટોરી જેવું લાગે, પણ આ કોઈ ફિલ્મની સ્ટોરી નહીં રિયલ લાઈફની હકીકત છે.

અહીં વિદ્યાર્થીઓ માત્ર સેલ્ફ સ્ટડી જ નહીં પણ ગ્રુપ સ્ટડીઝ કરવા પણ આવે છે અને વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે એકલા ભણવાને બદલે ગ્રુપમાં બેસીને ભણવાથી વધુ સારી રીતે ભણી શકાય છે. અહીં આવનારા મોટાભાગના વિદ્યાર્થીઓ બીડીડી ચાલના છે. આઠ બાય દસની નાનકડી ઓરડીમાં સાત-આઠ વ્યક્તિનો પરિવાર વસતો હોય ત્યાં અભ્યાસ માટે જોઈતું યોગ્ય વાતાવરણ ક્યાં મળી શકે? શહેરની લાઈબ્રેરીમાં એક તો મર્યાદિત જ જગ્યાઓ હોય છે અને રાતના સમયે તો બધી લાઈબ્રેરી પણ બંધ થઈ જાય છે, એવામાં આ અભ્યાસ ગલી જ વિદ્યાર્થીઓ માટે નાઈટ લાઈબ્રેરી બની જાય છે.

વિદ્યાર્થીઓ અહીં કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વિના જેટલો સમય ઈચ્છે એટલો સમય આરામથી ભણી શકે છે. અહીં ભણવા માટે આવનારા વિદ્યાર્થીઓ એસએસસીના પણ હોય અને એન્જિનિયરિંગ કે એમબીબીએસના પણ હોય. બધા માટે આ અભ્યાસ ગલીના દરવાજા ખુલા છે. મુંબઈની આ અભ્યાસ ગલીમાં વિદ્યાર્થીઓ કઈ રીતે ભણે છે એની વાત કરીએ. કેટલાક વિદ્યાથીઓ ઘરેથી કપડું કે નાનકડી ચટાઈ લઈને આવે છે કે પછી જૂના હૉર્ડિંગ્સ કે બૅનર લઈને તે ફૂટપાથ પર પાથરીને અભ્યાસ કરે છે તો કેટલાક પાછા રસ્તાની સાઈડ પર પાર્ક કરેલી બાઈક પર બેસીને ભણવાનું પસંદ કરે છે.

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં જેમ સવારે ૬થી ૧૦ અને સાંજે ૫થી ૮ વાગ્યા સુધીનો સમય જેમ પીક અવર્સ ગણાય છે એ જ રીતે સાંજના ૭ વાગ્યાથી લઈને રાતના ૧૦-૧૨ વાગ્યા સુધીનો સમય એ અભ્યાસ ગલી માટે પીક અવર્સ ગણાય છે. આ ઉપરાંત ઘણી વખત આ જ ગલીમાં ભણીને જિંદગીમાં આગળ વધી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ પરીક્ષાના સમયમાં અહીં આવીને તેમના જુનિયર્સ અને અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આવી પહોંચે છે.

વિદ્યાર્થીઓ એકબીજાને નામથી ઓળખે છે, એટલું જ નહીં પણ કોણ કયો કૉર્સ કરી રહ્યો છે એની પણ માહિતી રાખે છે. કેટલાક વિદ્યાર્થીઓ એક જ કૉલેજમાં જતા હોય, એક જ કૉર્સ કરતાં હોય એવા વિદ્યાર્થીઓ પણ અહીં ભટકાઈ જાય છે અને તેઓ રૅફરન્સ બૂક પણ શૅયર કરે છે.

હાલ તો આ અભ્યાસ ગલી થોડી સૂની પડી ગઈ છે, કારણ કે શાળા-કૉલેજોમાં વેકેશન ચાલી રહ્યું છે. પણ આવતા મહિનાથી એટલે કે જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક વર્ષની સાથે જ અભ્યાસ ગલીમાં ફરી વિદ્યાર્થીઓના ટોળેના ટોળા ઊમટી પડશે. જોકે અત્યારે પણ અભ્યાસ ગલીમાં ૧૫-૨૦ વિદ્યાર્થીનું એક નાનુું ગ્રુપ એન્જિનિયરિંગ, સેન્ટ્રલ એન્ડ સિવિલ સર્વિસ ઍક્ઝામ કે પછી કમ્પની સેક્રેટરીની પરીક્ષાઓની તૈયારી કરતાં જોવા મળશે જ. પણ ચોમાસાના દિવસોમાં આ અભ્યાસ ગલી સાવ સૂની પડી જાય છે, કારણ કે વિદ્યાર્થીઓ પણ સરકારી લાઈબ્રેરી કે રીડિંગ રૂમમાં જઈને અભ્યાસ કરવાનું પસંદ કરે છે.

વિદ્યાર્થીઓ એટલી એકાગ્રતાથી અભ્યાસ કરતાં હોય છે કે તેમને મચ્છર, અચાનક જ ઝડપથી પસાર થઈ રહેલાં વાહનોનો અવાજ કે બિલાડીના પડછાયા પણ તેમનું ધ્યાન ફંટાવી શકતા નથી. ભણવાની સાથે સાથે વચ્ચે બ્રેક લઈને ચિટ-ચેટ, વૉક લેવાનું કે મ્યુઝિક સાંભળવાનું પણ ચૂકતા નથી. વીતેલાં વર્ષોની સાથે સાથે જ આ અભ્યાસ ગલીએ મુંબઈને કેટલાય ડૉક્ટર, એન્જિનિયર, વેપારી અને પોલીસ ઑફિસર પણ આપ્યા છે, પણ એની નોંધ કોણ લે છે?

જોકે ધીરે ધીરે આ અભ્યાસ ગલી હવે તેનો જૂનો ચાર્મ ગુમાવી રહી છે અને નિર્જન અને ખાલી રસ્તાને કારણે અહીં આસામાજિક તત્ત્વોની હાજરી વધી રહી છે. રાતના સમયે રસ્તા પર બાઈક રેસિંગ કરનારા જૂથને કારણે અહીં શાંતિથી ભણવા આવનારા વિદ્યાર્થીઓ માટે જોખમ ઊભું થઈ રહ્યું છે, તો ક્યાંક દૂર કોઈક ખૂણામાં પાંચ-છ જણ ચરસ-ગાંજાનો નશો કરનારાઓનું એક ગ્રુપ બેઠેલું જોવા મળે છે. જોકે મુંબઈ પોલીસ કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના થાય એ માટે આ વિસ્તારમાં રાતના સમયે પેટ્રોલિંગ વધારી દીધું છે, જેથી આ વિદ્યાર્થીઓ કોણ પણ પ્રકારના ભય વિના આરામથી સુરક્ષિત વાતાવરણમાં ભણી શકે.

શહેરમાં જગ્યા નથીની ફરિયાદ કરનારાઓ માટે અભ્યાસ ગલીએ એ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, કે શહેરમાં ક્યારેય જગ્યાની અછત નહીં વર્તાય અને ખાસ કરીને અભ્યાસ માટે તો ક્યારેય નહીં!

June 7, 2019
Sarla-Didi.jpg
1min12430

ઓમ શાંતિ બ્રહ્માકુમારીઝના ગુજરાતના ડાયરેક્ટર અને ઝોનલ હેડ રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદીનું ગુરુવારે તા.6 જુન 2019ના રોજ નિધન થયું છે. તેમનો પાર્શ્ર્વ દેહ સાંજે 5 કલાકથી 8 કલાક સુધી અમદાવાદના બ્રહ્માકુમારી, સુખ શાંતિ ભવન, ભૂલાભાઈ પાર્ક રોડ, કાંકરીયા અમદાવાદ ખાતે પુષ્પાંજલિ માટે રાખવામાં આવ્યો હતો.

તા.7 જુન 2019ને શુક્રવારે સવારે 6 કલાકે તેમના દેહને અમદાવાદથી માઉન્ટ આબુ ખાતે આવેલા બ્રહ્માકુમારીના મુખ્યાલય ખાતે અંતિમસંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે.

દરમિયાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ કોહલીએ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના મુખ્ય સંચાલિકા રાજયોગિની સરલા દીદીના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. બી. કે. સરલા દીદીને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે, પ0 વર્ષથી તેઓએ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતના વડા તરીકે સેવાઓ આપીને ત્યાગ, તપસ્યા, સેવામય વ્યક્તિત્વથી સંસ્થાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યુ હતું.

June 7, 2019
brasil.png
1min7370

2017માં બ્રાઝિલમાં 65602 હત્યા થઈ હતી. આરોહ્ય મંત્રાલયે આપેલી વિગત પ્રમાણે 65602 એટલે કે પ્રતિ કલાક સાતથી વધુ વ્યક્તિની હત્યા થઈ હતી. યુવાન, અશ્ર્વેત પુરુષોની મોટા પ્રમાણમાં હત્યા થઈ હતી. 4936 મહિલાઓની હત્યા થઈ હતી જેમાં બે તૃતીયાંશથી વધુ અશ્ર્વેત મહિલા હતી.

બોલિવિયા અને પેરુથી થતા ડ્રગ સ્મગલિંગના નિયંત્રણ માટે હરીફ ગેંગ વચ્ચેના સંઘર્ષમાં મોટા ભાગના યુવાનો માર્યા ગયા હતા. નિષ્ણાતો માને છે કે બ્રાઝિલના પ્રમુખ જૈર બોલ્સીનારે ગન કાયદા હળવા કર્યા છે. તે જોતા પરિસ્થિતિ હજુ વધુ વણસે તેવી સંભાવના છે.

ટ્રક ડ્રાઈવરો, રાજકારણીઓ, શિકારીઓ અને પત્રકારોને ગન ધરાવવાની પરમિટ મળશે. પ્રમુખ બોલસોનારેના ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડાકરવામાં આવ્યો છે. એક સંસ્થાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એક દશક અગાઉ એક વર્ષમાં જેટલી હત્યા થઈ હતી તેની સરખામણીમાં હત્યાનો આંકડો 36.1 ટકા વધ્યો છે.

June 7, 2019
Pashupatinath-Temple-Nepal-1280x853.jpg
1min10320

પાંચમી સદીના આ ટેમ્પલના ટ્રસ્ટ પાસે 9.276 કિલો સોનું, 316 કિલો ચાંદી અને 1.2 અબજ રૂપિયા રોકડા

નેપાળના જગવિખ્યાત પશુપતિનાથ ટેમ્પલ પાસે 9.276 કિલો સોનું, 316 કિલો ચાંદી અને 120 કરોડ રૂપિયા રોકડ રકમ છે. દેશના સૌથી પવિત્ર તથા સૌથી ધનિક ગણાતા આ હિન્દુ મંદિરની અસ્ક્યામતોના અભ્યાસ માટે રચવામાં આવેલી સમિતિ દ્વારા પહેલી જ વાર આ વિગતો વિશેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.

પશુપતિ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આ મંદિરની આવકની ચકાસણી માટે રચાયેલી તપાસ સમિતિના જણાવ્યા મુજબ સોના તથા ચાંદીના આ જથ્થાની આવક 1962થી 2018 સુધીના 56 વર્ષના સમયગાળાની છે. આ વિગતો ટ્રસ્ટના એક્ઝિક્યૂટિવ ડિરેકટર રમેશ ઉપરેટીએ આપી હોવાનું કઠમંડુના એક અખબારમાં જણાવાયું હતું.

પશુપતિનાથ (ભગવાન શિવ)ના આ મંદિરના 1.20 અબજ (120 કરોડ) રૂપિયા વિવિધ બૅન્કોમાં જમા કરાવેલા છે, જ્યારે આ ટ્રસ્ટ પાસે કુલ 3,667 રોપાનીસ (186 હેક્ટર) જમીન પણ છે.

સુપ્રીમ કોર્ટે 2009ની 24મી ડિસેમ્બરે આ મંદિરના સત્તાધીશોને તિજોરીઓ ન ખોલવાનો આદેશ આપ્યો હોવાથી મંદિરની અસ્ક્યામતો વિશેના અહેવાલમાં આ ખજાનાના ખરેખરા મૂલ્યનો સમાવેશ નથી કરાયો.

પાંચમી સદીમાં બનેલું પશુપતિનાથ મંદિર કઠમંડુનું સૌથી જૂનું મંદિર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના પ્રધાનમંડળના કેટલાક સાથીઓએ નેપાળના પ્રવાસ દરમિયાન આ મંદિરની મુલાકાત લીધી હતી.

ટ્રસ્ટ પાસે જેટલી રજિસ્ટર્ડ જમીન છે એમાંથી 1,161 રોપાનીસ (59 હેક્ટર) જમીન ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ તથા ગૉલ્ફ કોર્સ માટે 99 વર્ષના પટ્ટે (વાર્ષિક 50 લાખ રૂપિયાના ભાડા પર) આપવામાં આવી છે. એ જ પ્રમાણે, ટ્રસ્ટ દ્વારા 17 રોપાનીસ જમીન બૌદ્ધા ખાતેની ફાઇવ-સ્ટાર હોટેલ હયાત રિજન્સીને લીઝ પર આપવામાં આવી છે.