CIA ALERT
01. May 2024

dikri jagat janani Archives - CIA Live

December 26, 2022
cia_multi-1280x1045.jpg
1min1260

પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ આયોજિત “દીકરી જગત જનની” ભવ્ય લગ્નોત્સવમાં શનિવારે 150 દીકરીઓના લગ્ન બાદ રવિવારે પણ 150 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ સાથે કુલ 300 યુગલની લગ્નવિધિ સંપન્ન થઇ હતી. આજે નવ દંપતીને આશીર્વાદ આપવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ડૉ. મહેન્દ્ર મુંજપરા સહિતના રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, સમાજ અગ્રણીઓ, સંતો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવાણી પરિવારના બે દીકરા મોનાર્ક અને સ્નેહ સવાણી પણ દીકરી જગત જનનીના આંગણે માંડવા રોપાયા હતા.

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે રવિવારની સાંજે ફરી એકવાર શનિવારની માફક જ ઢોલ ઢબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ સર્જાયો હતો. આજે વધુ 150 દીકરીઓ નવજીવનની કેડી કંડારવા નીકળી હતી. ઉપરાંત સવાણી પરિવારના બે દીકરા સ્નેહ રાજુભાઈ સવાણી અને મોનાર્ક રમેશભાઈ સવાણી પણ આ જ માંડવે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

તમામ નવદંપતીને આશીર્વાદ આપવા માટે પધારેલા કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મંચ પરથી આશીર્વચન આપતા ડાયરાને રામ રામ કરીને જણાવ્યુ હતુ કે, “સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. આ સમૂહ લગ્ન સુરતની ઓળખ અને પરંપરા બની ગયા છે. મહેશ ભાઈના આ ભગીરથ કાર્યને ભોળાનાથ ક્યારેય અટકવા નહિ દે એવી હું પ્રાર્થના કરૂ છુ. અને ભારત સરકાર વતી હું મહેશભાઈએ આ સુંદર સેવાકાર્ય બદલ અભિનંદન પાઠવું છું.” સમૂહલગ્નમાં અંગદાનની પ્રવૃત્તિને બિરદાવતા મંત્રીએ કહ્યુ કે, સમૂહલગ્ન સાથે અંગદાનની આ પ્રવૃત્તિ દેશને નવી દિશા આપશે. લોકોએ મહેશ ભાઇને એમની દરેક સેવાકીય પ્રવૃત્તિ માટે ખુબ સમર્થન આપ્યુ છે. ઘરના છોકરાઓને પણ સમૂહ લગ્નમાં જોડવા એ ખુબ અઘરૂ અને ક્રાંતિકારી કામ છે જે મહેશભાઈ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે મહેશ ભાઇએ નાની ઉંમરમાં આ પ્રવૃત્તિ ઊભી કરી અને વિકસાવી એની પાછળ વલ્લભભાઈ સવાણીનો સહયોગ છે. વલ્લભભાઈનો સરળ પોષાક, સરળ સ્વભાવ એમને માર્ગદર્શન આપે છે.

કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યુ હતુ કે સર્વ ધર્મ અને સમાજની દીકરીઓના સમૂહ લગ્નનો અવસર નોંધનીય છે. એમણે દીકરીઓને સલાહ આપતા કહ્યું કે, સાસુ સસરાને જ તમારા માતા પિતા માનજો. ઉલ્લેખનીય છે કે આ વર્ષેનો સમગ્ર લગ્ન સમારોહ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી પર્વને સાદર અર્પણ કરાયો છે. બે દિવસ ચાલેલા ભવ્ય લગ્ન સમારોહ દીકરી જગત જનનીમા સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી મહેમાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે બીજા દિવસે પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, પૂજ્ય પીપી સ્વામી, સ્વરાજ આશ્રમના નિરંજના બા, પૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર,જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમૂહ લગ્નમાં સવાણી પરિવારના દીકરાના લગ્નની અનોખી પરંપરા

સવાણી પરિવાર ના કાર્ય અને કરણીમાં અંતર નથી. એ વાત દરેક સમૂહ લગ્નમાં સાબિત થાય છે. આ વખતે પણ પરિવારના બે દીકરાના લગ્ન દીકરી જગત જનની સમારોહમાં જ થયા છે. સંસ્કાર કહો કે પરંપરા પણ વલ્લભભાઈ સવાણીના તમામ દીકરા અને દીકરીઓના લગ્ન સમૂહલગ્નમાં જ થયા છે. એ જ રીતે હવે અગાઉ મહેશભાઈના દીકરા મિતુલ અને મોહિતણી જેમ જ રમેશભાઈનો દીકરો મોનાર્ક અને રાજુભાઈનો દીકરો સ્નેહ સવાણી આજે સમૂહલગ્નના મંડપમાં પરણ્યા હતા.

કન્યા વિદાય વખતે કરૂણતા વ્યાપી

આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે. માંડવો જ નહિ આખો માહોલ હીબકે ચઢે છે. આવો જ માહોલ દીકરી જગત જનની લગ્નોત્સવમાં સર્જાયો હતો.. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસર તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા…

December 23, 2022
dikri.png
1min304

મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… , મહેંદી લીલીને રંગ રાતો.., મારી મહેંદીનો રંગ ઊડી જાય રે…. મહેંદી તો રંગ લાતી હૈ… મહેંદી લગા કે રખના… જેવા મહેંદી ના હિન્દી ગુજરાતી ગીતોથી ગુરુવારે સવારથી અબ્રામાગામ ગુંજી રહ્યું હતું: પ્રસંગ હતો, પીપી સવાણી ગ્રુપ આયોજિત લગ્નોત્સવની મહેંદી રસમનો.

આગામી તા – 24 અને 25 ડિસેમ્બરે પીપી સવાણી ગ્રુપ અને જાનવી ગ્રુપ આયોજિત દીકરી જગત જનની લગ્નોત્સવ અંતર્ગત તા- 22મી ડીસેમ્બર ગુરૂવારે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો.

આ પ્રસંગે મહેશભાઈની દીકરી(પુત્રવધુ) આયુષી મોહિત સવાણી એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આમંત્રિત મહેમાનો, દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ; સર્વ મહેમાનોનું પુસ્તક, બૂકે અને સ્મૃતિભેટ આપી સ્વાગત કર્યું હતું. દિવસ દરમિયાન લગભગ 5000 થી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇનની મહેંદી મૂકાતા અબ્રામાં ગામ આખું મહેંદીની સુગંધથી પણ મઘમઘી ઉઠ્યું હતું. આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર 300 દીકરીના પાલક પિતા મહેશ સવાણીએ પણ દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકી હતી.

મહેશભાઈ સવાણી એ પ્રભુતામાં પગલાં પાડનારી 300 દીકરી અને અન્ય બહેનો-દીકરીઓને પિતાની હુંફ સાથે જણાવ્યું હતું કે જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે એટલે જ આ અવસરનું નામ “દીકરી જગત જનની” રાખવામાં આવ્યુ છે. દીકરીઓને આદર્શ જીવનનું ભાથુ બાંધી આપતા મહેશભાઈએ કહ્યુ કે, દીકરી સાસરિયાને સ્વર્ગ બનાવે અને ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે. સાથે દીકરીએ સહનશક્તિ કેળવવી જરૂરી છે. સાસુ -સસરા, નણંદ, દેરાણી -જેઠાણીની ફરિયાદ ઘરે કરવી નહિ, દીકરી સાસરેથી પાછી આવે ત્યારે પરિવારને ઘણું સાંભળવું પડે છે તેથી પરિવારનો વિચાર કરીને સાસરિયામાં સેટ થઇ જવું ઉત્તમ છે. સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો. શરૂઆતમાં સમય આપશો એટલે સફર આસાન થઈ જશે. કોઈ ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારૂ પરિણામ મળશે.

મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ: શાલીની અગ્રવાલ(IAS) (મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સુરત), બી.આર.પટેલ(IPS)(DCP,સુરત), દિવ્યાબેન શિરોયા (GST ઈન્સ્પેક્ટરશ્રી), ડો.સંધ્યાબેન છાસટીયા(ગાયનેકોલોજિસ્ટ), ડૉ.દક્ષાબેન ભાદિયાદરા (ઓપ્થાલમોલોજીસ્ટ), ડૉ.શીતલબેન સુહાગિયા(RMO), આદર્શગૃહિણીઓ : દિપ્તીબેન પંડ્યા, ભાવિકાબેન જોયસર, અસ્મિતાબેન રાબડીયા, હિરલબેન કાછડીયા, આશાબેન કોશિયા, ઉર્વશી બેન ધોરાજીયા, દિવ્યાબેન રૈયાણી, જલ્પાબેન રંઘોલિયા, ધિરલ બેન રાસડિયા વગેરે બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ.