CIA ALERT
18. April 2024

Related Articles



પિતા વિહોણી 300 દીકરીઓનો લગ્ન ઉત્સવ સંપન્ન, સવાણી પરિવારના બે દીકરાએ સમૂહલગ્નમાં પરણીને કુટુંબની પરંપરા જાળવી જગત જનની 300 દીકરીઓને સાસરે વળાવતા સવાણી અને લાખાણી પરિવાર ૧,૩૮,૨૮૩ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો

Share On :
Print Friendly, PDF & Email

પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ આયોજિત “દીકરી જગત જનની” ભવ્ય લગ્નોત્સવમાં શનિવારે 150 દીકરીઓના લગ્ન બાદ રવિવારે પણ 150 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ સાથે કુલ 300 યુગલની લગ્નવિધિ સંપન્ન થઇ હતી. આજે નવ દંપતીને આશીર્વાદ આપવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ડૉ. મહેન્દ્ર મુંજપરા સહિતના રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, સમાજ અગ્રણીઓ, સંતો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવાણી પરિવારના બે દીકરા મોનાર્ક અને સ્નેહ સવાણી પણ દીકરી જગત જનનીના આંગણે માંડવા રોપાયા હતા.

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે રવિવારની સાંજે ફરી એકવાર શનિવારની માફક જ ઢોલ ઢબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ સર્જાયો હતો. આજે વધુ 150 દીકરીઓ નવજીવનની કેડી કંડારવા નીકળી હતી. ઉપરાંત સવાણી પરિવારના બે દીકરા સ્નેહ રાજુભાઈ સવાણી અને મોનાર્ક રમેશભાઈ સવાણી પણ આ જ માંડવે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

તમામ નવદંપતીને આશીર્વાદ આપવા માટે પધારેલા કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મંચ પરથી આશીર્વચન આપતા ડાયરાને રામ રામ કરીને જણાવ્યુ હતુ કે, “સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. આ સમૂહ લગ્ન સુરતની ઓળખ અને પરંપરા બની ગયા છે. મહેશ ભાઈના આ ભગીરથ કાર્યને ભોળાનાથ ક્યારેય અટકવા નહિ દે એવી હું પ્રાર્થના કરૂ છુ. અને ભારત સરકાર વતી હું મહેશભાઈએ આ સુંદર સેવાકાર્ય બદલ અભિનંદન પાઠવું છું.” સમૂહલગ્નમાં અંગદાનની પ્રવૃત્તિને બિરદાવતા મંત્રીએ કહ્યુ કે, સમૂહલગ્ન સાથે અંગદાનની આ પ્રવૃત્તિ દેશને નવી દિશા આપશે. લોકોએ મહેશ ભાઇને એમની દરેક સેવાકીય પ્રવૃત્તિ માટે ખુબ સમર્થન આપ્યુ છે. ઘરના છોકરાઓને પણ સમૂહ લગ્નમાં જોડવા એ ખુબ અઘરૂ અને ક્રાંતિકારી કામ છે જે મહેશભાઈ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે મહેશ ભાઇએ નાની ઉંમરમાં આ પ્રવૃત્તિ ઊભી કરી અને વિકસાવી એની પાછળ વલ્લભભાઈ સવાણીનો સહયોગ છે. વલ્લભભાઈનો સરળ પોષાક, સરળ સ્વભાવ એમને માર્ગદર્શન આપે છે.

કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યુ હતુ કે સર્વ ધર્મ અને સમાજની દીકરીઓના સમૂહ લગ્નનો અવસર નોંધનીય છે. એમણે દીકરીઓને સલાહ આપતા કહ્યું કે, સાસુ સસરાને જ તમારા માતા પિતા માનજો. ઉલ્લેખનીય છે કે આ વર્ષેનો સમગ્ર લગ્ન સમારોહ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી પર્વને સાદર અર્પણ કરાયો છે. બે દિવસ ચાલેલા ભવ્ય લગ્ન સમારોહ દીકરી જગત જનનીમા સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી મહેમાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે બીજા દિવસે પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, પૂજ્ય પીપી સ્વામી, સ્વરાજ આશ્રમના નિરંજના બા, પૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર,જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમૂહ લગ્નમાં સવાણી પરિવારના દીકરાના લગ્નની અનોખી પરંપરા

સવાણી પરિવાર ના કાર્ય અને કરણીમાં અંતર નથી. એ વાત દરેક સમૂહ લગ્નમાં સાબિત થાય છે. આ વખતે પણ પરિવારના બે દીકરાના લગ્ન દીકરી જગત જનની સમારોહમાં જ થયા છે. સંસ્કાર કહો કે પરંપરા પણ વલ્લભભાઈ સવાણીના તમામ દીકરા અને દીકરીઓના લગ્ન સમૂહલગ્નમાં જ થયા છે. એ જ રીતે હવે અગાઉ મહેશભાઈના દીકરા મિતુલ અને મોહિતણી જેમ જ રમેશભાઈનો દીકરો મોનાર્ક અને રાજુભાઈનો દીકરો સ્નેહ સવાણી આજે સમૂહલગ્નના મંડપમાં પરણ્યા હતા.

કન્યા વિદાય વખતે કરૂણતા વ્યાપી

આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે. માંડવો જ નહિ આખો માહોલ હીબકે ચઢે છે. આવો જ માહોલ દીકરી જગત જનની લગ્નોત્સવમાં સર્જાયો હતો.. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસર તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા…

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :