CIA ALERT
17. May 2024

વુમન્સ વર્લ્ડ Archives - Page 4 of 19 - CIA Live

September 28, 2021
nima_aacharya.jpg
1min304

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આજે Date 27/9/2021, વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ભૂજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

ચૌદમી ગુજરાત વિધાનસભામાં નવમા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ડૉ.નીમાબેન’ આચાર્યની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી માટે કરેલી દરખાસ્તને શાસકપક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યોએ ઉત્સાહભેર વધાવી લઇને સર્વાનુમતે ટેકો આપીને મહિલા સશક્તીકરણને વધુ પ્રાધાન્ય આપવા એક હકારાત્મક અભિગમની અનોખી પહેલ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે જેમના નામ પરથી ગુજરાત વિધાનસભા ગૃહનું નામકરણ થયેલું છે તેવા અને વર્ષ 1925માં ઈકઅના પ્રથમ સભ્ય એવા વિઠ્ઠલભાઇ પટેલની પણ આજે જન્મતિથિ છે તેવા શુભ દિવસે સભાગૃહે એક નવી ઉજ્જવળ પરંપરાનો પ્રારંભ કરીને ડૉ. નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે વરણી કરી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ડૉ.નીમાબહેન આચાર્યને પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સભાગૃહવતી અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિધાનસભા ગૃહમાં મંત્રીમંડળના સભ્યો, વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી સહિત તમામ ધારાસભ્યોએ ડૉ.નીમાબેન’ આચાર્યને ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અધ્યક્ષપદે નિમણુંક થયા બાદ ડો.નીમાબેન આચાર્યએ ગૃહનો આભાર માનતા જણાવ્યું હતું કે, સ્ત્રી સશક્તિકરણના હિમાયતી આ ગૃહે પ્રથમ નારી શક્તિ માટે ગૌરવસમાન આ પદ આપવા બદલ હું આપ સૌની ઋણી છું.

August 29, 2021
bhavina.jpg
1min270

ટોક્યો પેરાલિમ્પિકસમાં ભારતની ગુજરાતી ભાવિના પટેલે ટેબલ ટેનિસના વર્ગ-૪ ની કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં તેનો મુકાબલો વિશ્વની નંબર વન ચીની ખેલાડી ઝોઉં યિંગ સામે હતો તેની સામે તે 11-7, 11-5, 11-6થી હારી જતા ભાવિનાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. ટેબલ ટેનિસમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે.

August 24, 2021
maitri_pilot_pic-copy.jpg
1min1409

સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામના ખેડૂત કાંતિભાઇ અને તેમની વીસ વર્ષિય દિકરી મૈત્રીએ. કાંતિભાઇ પટેલની અદમ્ય ઇચ્છા હતી કે તેમની દિકરી મૈત્રી વિમાનની પાઇલોટ બને, તેમણે આ ઇચ્છાને પૂરી સિદ્દતથી સેવી અને દિકરી મૈત્રીનું મનોબળ બચપનથી જ એટલું મક્કમ બનાવ્યું કે આજે 19 વર્ષ અને 11 મહિનાની ઉંમરે મૈત્રીએ અમેરિકા દેશમાંથી કમર્શિયલ ટ્રેનિંગ પાઇલોટનું લાઇસન્સ મેળવી લઇને પોતાના પિતાના સપનાને પાંખા આપવાનું કામ કર્યું છે. આજે અમેરિકાથી સુરત પરત ફરેલી મૈત્રી પટેલને સત્કારવા માટે સુરત એરપોર્ટ પર તેના પરિવારજનો ઉમટી પડ્યા હતા અને મૈત્રીની સિદ્ધીને જોઇને તમામ ભાવવિભોર બની ગયા હતા.

ઓલપાડના શેરડી ગામના ખેડૂત કાંતિભાઇ પટેલે વાતચીત કરતા કહ્યું હતું કે તેમણે તેમની દિકરી જ્યારે પ્રાથમિક શાળામાં ભણતી ત્યારથી જ તેના મનમાં વિમાનના પાઇલોટ બનવાનું સપનું સેવ્યું હતું અને તેની સતત ટકોર પણ કર્યે રાખતા હતા. પિતાની અદમ્ય ઇચ્છા જોઇને મૈત્રીએ ધો.10 પછી વિમાની પાઇલોટ બનવા માટે જરૂરી ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કર્યો. સુરતની સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કુલમાં ફાઇવ ડે વીક ભણતી મૈત્રીને ધો.11-12ના બે વર્ષ દરમિયાન દર શનિવારે વહેલી સવારે 3 વાગ્યે કાંતિભાઇ મુંબઇ લઇ જતા અને મુંબઇમાં સ્કાયલાઇન એરોનોટિકલ ઇન્સ્ટીટ્યુટમાં ગ્રાઉન્ડ થિયરીનો કોર્સ કમ્પ્લીટ કરાવ્યો. આમ, ધો.11-12 સાયન્સમાં અભ્યાસની સાથે જ મૈત્રી પટેલે વિમાની પાઇલોટ બનવા માટેની થીયરીનો કોર્સ ઇન્ડીયામાં પૂરો કરી દીધો હતો.

જેવો ધો.12નો અભ્યાસ પૂરો થયો એટલે મૈત્રીનું અમેરિકાના કેર્લિફોનિયામાં આવેલા ઇન્સ્ટીટ્યુટમાં એડમિશન લઇને એર પાઇલોટની ફિઝિકલ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી. મૈત્રીએ 250 કલાક જેટલું વિમાન ઉડાડીને અમેરીકાનું કમર્શિયલ પાઇલોટ લાઇસન્સ મેળવવા માટેની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક પાર કરી દીધી. આશ્ચર્યની વાત તો એ છે કે મૈત્રી પટેલે 18 મહિનાની ટ્રેનિંગ ને એક વર્ષમાં જ પૂરી કરી દઇને કમર્શિયલ પાયલોટનું અમેરીકાનું લાઇસન્સ મેળવી લીધું.

અમેરિકાની સ્કાય ક્રિએશન ઈન્સ્ટિટ્યુમાં નિયત સમય કરતાં ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ ફક્ત 19 વર્ષ અને 11 મહિનાની ઉંમરે મેળવનાર કદાચ પહેલી ભારતીય બની છે સુરતની મૈત્રી પટેલ.

સુરતના ઓલપાડના શેરડી ગામની 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઇ હોવાનો દાવો તેના પિતા કાંતિલાલ પટેલ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે  ભારતમાં કાશ્મીરની 25 વર્ષીય યુવતી સૌથી નાની વયે પાયલોટ બની હતી. સાથે જ અગાઉ ત્રણેક મહિલાઓ સુરત પંથકમાંથી અગાઉ પાયલોટ બની છે.

August 18, 2021
women_military_police.jpg
1min620

સુપ્રીમ કોર્ટે આજરોજ તા.18મી ઓગસ્ટે આપેલા એક મહત્વના ચુકાદામાં મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મહિલાઓ નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં સામેલ થઈ શકે છે. આ આદેશ ૫ સપ્ટેમ્બરે યોજાનારી એનડીએની પરીક્ષાથી જ લાગુ થશે. 

આ મામલે સુનાવણી દરમિયાન સેનાએ કહ્યું કે, એનડીએ પરીક્ષામાં મહિલાઓને સામેલ ન કરવી પોલિસી નિર્ણય છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ પોલિસી નિર્ણય છે તો તે ભેદભાવપૂર્ણ છે. જો કે, ૫ સપ્ટેમ્બરે પરીક્ષામાં બેસવાનો આદેશ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે.

અગાઉ, આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે મહિલાઓને એનડીએની પરીક્ષામાં સામેલ કરવામાં આવે. સાથે અરજીમાં એવો ઉલ્લેખ પણ કરાયો હતો કે, લિંગના આધાર પર મહિલાઓને એનડીએમાં સામેલ કરવામાં આવતી નથી, જેથી તે સમાનતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કહી શકાય. 

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ૧૨ પાસ કરનારી મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધારે NDA અને નૌસેની એકેડમી પરીક્ષા આપવાના અવસરથી વંચિત કરી દેવામાં આવે છે. જેના લીધે યોગ્ય પાત્રતા ધરાવતી મહિલા ઉમેદવારોને પ્રવેશ મેળવવાનો કોઈ માર્ગ નથી. જ્યારે સમાન શિક્ષણ પ્રાપ્ત કરનાર પુરુષ ઉમેદવારોને પરીક્ષા આપવાનો અવસર મળે છે. 

August 14, 2021
Self-Help-Groups-in-india.jpg
1min293

મહિલાઓનું સૅલ્ફ-હૅલ્પ ગ્રુપ ગામડાંઓને સમૃદ્ધિ સાથે જોડી શકે તે માટેનું વાતાવરણ સરકાર સતત ઊભું કરી રહી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા.12 ઓગસ્ટ 2021ને ગુરુવારે કહ્યું હતું. મહિલાઓનાં આવાં ચાર લાખ કરતાં પણ વધુ સૅલ્ફ-હૅલ્પ ગ્રુપને આર્થિક ટેકો આપવા વડા પ્રધાને રૂ. ૧૬૨૫ કરોડ ફાળવ્યા હતા. 

‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ શીર્ષક હેઠળ  મહિલાઓનાં સૅલ્ફ-હૅલ્પ ગ્રૂપ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે બદલાતા ભારતમાં મહિલાઓ માટે આગળ આવવાની તક વધી રહી છે. 

છેલ્લાં છ-સાત વર્ષમાં મહિલાઓનાં સૅલ્ફ-હૅલ્પ ગ્રૂપની ગતિવિધિઓ વધી છે અને આ ગ્રૂપની ૭૦ લાખ કરતા પણ વધુ મહિલાઓ દેશભરમાં કામ કરી રહી છે. આ આંકડો અગાઉ કરતા ત્રણગણો હોવાનું તેમણે કહ્યું હતું. 

આ ગ્રૂપ સાથે દેશની આઠ કરોડ કરતા પણ વધુ મહિલાઓ સંકળાયેલી છે, એમ તેમણે કહ્યું હતું. 
મિનિસ્ટ્રી ઑફ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝની પ્રાઈમ મિનિસ્ટર ફૉર્માલાઈઝેશન ઑફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઍન્ટરપ્રાઈસિસ (પીએમએફએમઈ) યોજના હેઠળ એસએચજીના ૭૫૦૦ સભ્ય માટે રોકાણ માટે મોદીએ પચીસ કરોડ અને ૭૫ એફપીઓ (ફાર્મર પ્રોડ્યૂસર ઑર્ગેનાઈઝેશન) માટે ૪.૧૩ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. 

દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહૂડ મિશન હેઠળ એસએચજી ગ્રૂપને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

August 11, 2021
phoghat.jpg
1min247

ગેરશિસ્ત મુદ્દે ફોગાટને અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી. તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ ગેમ્સમાં ત્યાં સુધી રમી નહીં શકે જ્યાં સુધી નોટિસનો જવાબ નહીં આપે

ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ગેરશિસ્ત આચરવા સામે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ દેશની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટને અચોક્કસ સમય માટે સસ્પેન્ડ કરી દીધી છે. ફેડરેશનને ફોગાટની સાથી પહેલવાન સોનમ મલિકને પણ નોટિસ ફટકારી છે. વિનેશ ફોગાટે ફેડરેશનની કાર્યવાહી હેઠળ 16 ઓગસ્ટ સુધી પોતાની ગેરવર્તૂંણક કરવા પાછળની સ્પષ્ટતા આપવાની રહેશે. એમાં પણ વિનેશના જવાબ આપ્યા પછી છેલ્લો નિર્ણય ફેડરેશનનો રહેશે.

વિનેશે ટોકિયો ઓલિમ્પિક દરમિયાન ત્યાં રહીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ સાથે તાલીમ લેવાથી ઇનકાર કરી દીધો હતો. માહિતી મુજબ વિનેશ ફોગાટે ભારતીય પહેલવાન સાથે તાલીમ લેવાથી ઇનકાર કર્યો હતો. એના વર્તન પરથી લાગતું હતું કે તે ભારતીય દળ સાથે નહીં પરંતુ હંગરી ટીમ સાથે આવી હતી. આ સિવાય તેણે સ્પોન્સરની ટી-શર્ટ પહેરવાથી પણ ઇનકાર કરી દીધો હતો. મેચ દરમિયાન તે Nikeની ટી-શર્ટ પહેરની મેદાનમાં ઉતરી હતી. ટોકિયો ઓલિમ્પિકમાં હાજર અધિકારીઓ મુજબ ફોગાટે એ સમયે પણ હંગામો કર્યો હતો જ્યારે તેને ભારતીયો સાથે એક રુમની ફાલવણી કરવામાં આવી હતી. તેનું કહેવું હતું કે સાથે રહેવાથી તેની પર કોરોના સંક્રમણનું જોખમ વધી જશે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ વિનેશને ગેરશિસ્ત મુદ્દે અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની કુશ્તી પર રોક લગાવી દેવામાં આવી છે. વિનેશ ફેડરેશનની નોટિસનો જવાબ નહીં આપે ત્યાં સુધી તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.

August 5, 2021
VIJAY_rupani.jpg
1min276

રાજ્યમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ  ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધિરાણ આપવામાં આવશે. આ નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન  નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સમગ્ર રાજ્યની નારીશક્તિની અભિવંદના કરવા વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્ર્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પૂરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ આદર્યો છે. 

રૂપાણીએ આ જનસેવા યજ્ઞનો વિરોધ કરનારા લોકોને આડે હાથે લેતા કહ્યું કે, અમે આંબા-આંબલી બતાવનારા લોકો નથી. પરંતુ જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું’ એ અમારા સંસ્કાર છે. જન જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસની વિભાવના સાથે આપણે અનેક નિર્ણયો કર્યા છે, અને લોકો સુધી તેના લાભો પહોંચાડ્યા છે.

 નારીશક્તિનું મહિમામંડન કરતા રૂપાણીએ કહ્યું હતું કે, જ્યાં નારીઓનું સન્માન અને ગૌરવગાન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. એનો મતલબ કે નારીશક્તિનું સન્માન એ સમૃદ્ધિ તરફનો માર્ગ છે. નારીશક્તિને વિકસવા માટેનું યોગ્ય આર્થિક વાતાવરણ રાજ્ય સરકારે આપ્યું છે. 

July 12, 2021
Maana_Patel.jpg
1min292

સ્પોર્ટ્સના મહાકુંભ ગણાતા ઑલિમ્પિક્સ આડે ગણતરીના દિવસો બચ્યા છે. જાપાનના ટાકિયોમાં ૨૩ જુલાઈથી શરૂ થનારી ઓલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે કોણ કોણ ઉતરશે તેના ક્વોલિફાઈંગ રાઉન્ડ ચાલી રહ્યા છે ને રોજ જ કોઈ ને કોઈ ભારતીય ખેલાડી ક્વોલિફાઈ થયાના સારા સમાચાર આવે છે. શુક્રવારે બહુ સારા સમાચાર અને વાસ્તવમાં તો ઐતિહાસિક સમાચાર એ આવ્યા કે, સ્વિમર માના પટેલ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ છે. આ સમાચાર આપણા માટે બહુ સારા એ રીતે છે કે, માના પટેલ ગુજરાતી છોકરી છે ને ઐતિહાસિક એ રીતે છે કે, ઑલિમ્પિક્સના ઈતિહાસમાં ભારતની કોઈ છોકરી સ્વિમિંગ માટે ક્વોલિફાઈ થઈ હોય એવું પહેલી વાર બન્યું છે.

માના પટેલે એ રીતે પણ ઈતિહાસ રચ્યો છે કે, ઑલિમ્પિક્સ માટે પસંદ થનારી પહેલી ગુજરાતી છોકરી બની છે. બલ્કે હજુ સુધી કોઈ ગુજરાતી ઑલિમ્પિક્સમાં રમ્યો જ નથી એ જોતાં માના ઑલિમ્પિક્સના સ્વિમિંગ પૂલમાં ઉતરશે એ સાથે વધુ એક ઈતિહાસ રચાશે. ૨૧ વર્ષની માનાએ દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે એવો ઈતિહાસ રચી દીધો છે. ભારત વતી આમ તો શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ એ બે સ્વિમર પહેલાં જ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. માના ભારત વતી ક્વોલિફાઈ થનારી ત્રીજી સ્વિમર છે પણ પહેલી છોકરી છે.

માના ઑલિમ્પિક્સમાં યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ક્વોલિફાઈ થઈ છે. આ ક્વોટા હેઠળ કોઈ પણ દેશમાંથી એક પુરુષ અને એક મહિલા ખેલાડીની ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે પસંદગી કરાય છે. વિશ્ર્વમાં તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સના આયોજન માટે ઈન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી (આઈઓસી) દ્વારા માન્ય એસોસિયેશન સફિના’ છે. ફિના’ એ ઈન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના ફ્રેન્ચ નામ ફેદરેશાં ઈન્તરનેશના દ નેશનનું ટૂંકું સ્વરૂપ છે. ‘ફિના’ ઑલિમ્પિક સીલેક્શન ટાઈમના આધારે કયા કયા સ્વિમર ઑેલિમ્પિક્સમાં રમશે એ નક્કી કરે છે. એ માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ્સ યોજાય છે અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને ઑલિમ્પિક્સમાં રમવાની તક મળે છે.

‘ફિના’ ઑલિમ્પિક સિલેક્શન ટાઈમના આધારે પણ કેટલાક સ્વિમર્સને ઑલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે નિમંત્રણ મોકલે છે. કોઈ દેશમાંથી આ બંનેમાંથી કોઈ પણ રીતે એક પણ સ્વિમર ક્વોલિફાઈ ના થયો હોય પણ તેનો ટ્રેક રેકોર્ડ જોરદાર હોય તો ‘ફિના’ એ દેશના એક પુરુષ તથા એક મહિલાને યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ કરે છે. માના પટેલ આ ક્વોટા હેઠળ ક્વોલિફાય થઈ હોવાથી કોઈને તેની સિદ્ધિ બહુ મોટી ના લાગે પણ એ વાત ભૂલવા જેવી નથી કે, ‘ફિના’ પણ યુનિવર્સાલિટી ક્વોટા હેળ ગમે તેને પસંદ કરતું નથી.
ટ્રેક રેકોર્ડ જોરદાર હોય ને જેમણે નજીકના ભૂતકાળમાં ઑલિમ્પિક્સમાં ઉતરવા જેવો દેખાવ કર્યો હોય એવા સ્વિમર જ આ ક્વોટા હેઠળ પસંદ થાય છે. માનાએ ઉઝબેકિસ્તાન ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ વખતે તેણે ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થવા જરૂરી સમય લીધો હતો. સર્બિયા અને ઈટાલીમાં તેણે વધારે સારો દેખાવ કર્યો તેના કારણે તેને ઑલિમ્પિક્સમાં તક મળી છે. માનાએ એ રીતે પોતાના સારા દેખાવના જોરે જ ઓલિમ્પિક્સમાં રમવાની તક મેળવી છે. ઑલિમ્પિક્સમાં તક મેળવવી એ બચ્ચાંના ખેલ નથી જ ને ફાસફૂસિયાઓને એ તક મળતી નથી તેથી માનાની સિદ્ધિ ગર્વ અનુભવવા જેવી છે જ તેમાં કોઈ શંકા નથી.

ગુજરાતીઓ માટે તો આ સમાચાર વધારે મોટા છે કેમ કે ગુજરાતીઓમાં તો સ્પોર્ટ્સનું કલ્ચર જ નથી. આમ તો આપણા દેશમાં ક્યાંય સ્પોર્ટ્સનું કલ્ચર નથી કેમ કે આપણે શરીરને નહીં પણ આત્માને પૂજનારી પ્રજા છીએ. આપણા કહેવાતા સાધુ-સંતો ને ધર્મગુરુઓએ આત્માના ઉધ્ધારની ને લખ ચોરાસીના ફેરામાંથી છૂટવાની વાતો કરી કરીને આપણને એ હદે માયકાંગલા બનાવી દીધા છે કે, આપણે આપણા જ ઋષિઓ કહી ગયેલી વાત ભૂલી ગયા કે, વીરો દુનિયામાં બધે પૂજાય છે. વીરતાનો સંબંધ શારીરિક ને માનસિક બંને પ્રકારની વીરતા સાથે છે ને સ્પોર્ટ્સમાં બંને પ્રકારની વીરતા જોઈએ. આપણે બાવાજીઓ જે ચૂરણ ચટાડે છે તે ચાટી ચાટીને આત્માના ઉધ્ધાર માટે મથ્યા કરીએ છીએ પણ માનસિક ને શારીરિક રીતે વીર થવા માટે પ્રયત્ન સુધ્ધાં કરતા નથી તેના કારણે સાવ માયકાંગલા રહી ગયા છીએ.

ભારતમાં કેટલાંક રાજ્યોમાં સુધારો થયો છે ને સ્પોર્ટ્સનું કલ્ચર વિકસી રહ્યું છે પણ ગુજરાત એ રાજ્યોમાં નથી જ. પંજાબ, હરિયાણા, મણિપુર જેવાં નાનાં નાનાં રાજ્યો આ કેટેગરીમાં આવે પણ ગુજરાત ના આવે. ગુજરાતીઓને તો સ્પોર્ટ્સમાં રસ લઈને કલ્ચર વિકસાવવાનું છોડો પણ સ્પોર્ટ્સ જોવામાં પણ રસ નથી પડતો. આપણે સ્પોર્ટ્સના નામે ક્રિકેટ જોયા કરીએ છીએ ને તેના પર સટ્ટો રમ્યા કરીએ છીએ. આપણું સ્પોર્ટ્સ કલ્ચર તેનાથી આગળ વધતું નથી. આ માહોલ  હોય ત્યાં એક છોકરી સ્પોર્ટસમાં આગળ આવે ને ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ થવાની સિદ્ધિ મેળવે એ વાત બહુ મોટી છે.

માનાની મહેનતને તો તેના માટે જશ આપવો જ જોઈએ પણ સાથે સાથે તેનાં મા-બાપને પણ સલામ કરવી જોઈએ કે જેમણે પોતાની દીકરીને સ્પોર્ટ્સમાં મહેનત કરવા માટે પ્રોત્સાહન આપ્યું, તેને આગળ વધવાની તક આપી. બાકી મોટા ભાગનાં મા-બાપ તો છોકરી સ્પોર્ટસમાં આગળ જવા માગતી હોય તેમાં જ ભડકી જતાં હોય છે ને તેને છણકો કરીને બેસાડી દેતાં હોય છે. માનામાં માતા-પિતા અને તેનો પરિવાર એ રીતે ખરેખર સલામને લાયક છે, સન્માનને લાયક છે. છોકરી સ્વિમિંગ જેવી રમતમાં આગળ વધવા માગતી હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવા બહુ સમજદારી જોઈએ, બહુ ધીરજ જોઈએ. માનાનાં માતા-પિતામાં એ સમજદારી, એ ધીરજ છે એ આનંદની વાત કહેવાય. રાજીવ પટેલ અને આનલ પટેલ પણ માનાની સિદ્ધિમાં જશનાં પૂરાં ભાગીદાર છે.

માનાએ આ સ્તરે પહોંચવા જે મહેનત કરી તેની વાત કરી શકાય તેમ નથી. શારીરિક રીતે તો તેણે કાળી મજૂરી કરી જ છે પણ માનસિક રીતે પણ તેણે જે સંઘર્ષ કર્યો હશે તેના માટે ગજવેલનું હૈયું જોઈએ. માના અમદાવાદમાં રહે છે પણ અમદાવાદ હોય કે મુંબઈ હોય કે ગુજરાતીઓનાં બીજાં કોઈ પણ શહેર હોય, સ્પોર્ટ્સ માટેની સવલતો કેવી છે એ આપણે જાણીએ છીએ. સારા કોચ બધે હોય છે પણ સવલતો વિના એ બિચારા પણ કરે શું ? આ કારણે ઘણા સારા ખેલાડી હાંફીને ઘરે બેસી જતા હોય છે. સ્વિમિંગ જેવી રમતને તો જરાય પ્રોત્સાહન ના મળે તેથી નાની ઉંમરનાં છોકરાં અડધાં તો તેમાં  હતાશ થઈ જાય. ક્રિકેટ રમતા હો તો પબ્લિસિટી મળે, તાળીઓ પણ મળે ને ભવિષ્યમાં આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળશે તો બેડો પાર થઈ જશે એવી આશા પણ હોય. સ્વિમિંગમાં તો આમાંનું કશું ના હોય ને ખાલી મહેનત જ કર્યા કરવાની હોય ને લોકો આપણા પર હસે એ તો અલગ. માનાએ તેનાથી વિચલિત થયા વિના તર્યા કર્યું એ મોટી વાત છે.
ઑલિમ્પિક્સમાં માનાનું શું થશે એ ખબર નથી પણ માના પટેલ ભારતને ઑલિમ્પિક્સ મેડલ અપાવીને વધુ ગૌરવ અપાવી શકે છે. ભારત પાસે વિશાળ દરિયાકિનારો છે, મોટી મોટી નદીઓ છે પણ દુનિયામાં સ્વિમિંગમાં ભારતની કોઈ ગણતરી જ નથી. ઑલિમ્પિક્સની વાત છોડો પણ એશિયન ગેમ્સમાં પણ ભારત સ્વિમિંગમાં જીતી શકતું નથી. ઑલિમ્પિક્સમાં ભાગ લેનારા ભારતીય સ્વિમરની વાત નીકળે ત્યારે વીરધવલ ખાડે સિવાય બીજું કોઈ નામ જ યાદ ના આવે એવી હાલત છે. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બીજી બધી રમતોની જેમ સ્વિમિંગમાં પણ આપણે સાવ કંગાળ જ છીએ.

માના પટેલ આ કંગાલિયત દૂર કરીને દેશને મેડલ અપાવશે તો એ મોટી સિદ્ધિ હશે. માનાની વય ૨૧ વર્ષની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનો તેનો રેકોર્ડ ઑલિમ્પિક્સ મેડલ પાકો જ લાગે એવી આશા આપનારો નથી એ કબૂલવું પડે પણ સ્પોર્ટ્સમાં કશું ભૂતકાળના આધારે થતું નથી. મેદાન પર ઊતરે ત્યારે કમાલ કરી જાય તેનો દિવસ હોય છે ને જેમની પાસેથી આશા પણ ના હોય એવા ખેલાડીઓ કમાલ કરીને ઈતિહાસ રચી દેતા હોય છે. માના તો આશા રાખી શકાય એવી છોકરી છે ને આ આશા ફળે તો માનાની સિદ્ધિ અમૂલ્ય થઈ જાય.

July 10, 2021
barty_pliskova-1.jpg
1min289

વિમ્બલ્ડનના મહિલા સિંગલ્સના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની નંબર વન એશ્લે બાર્ટીની ટક્કર ઝેક ગણરાજયની ખેલાડી કેરોલિના પ્લિસકોવા વિરૂધ્ધ થશે. પ્લિસકોવાએ નંબર બે ખેલાડી સબાલેંકા સામે એક સેટ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરીને સેમિ ફાઇનલમાં જીત મેળવી હતી. ફાઇનલ મુકાબલો શનિવારે રમાશે. પ્લિસકોવાએ સેમિ ફાઇનલમાં બેલારૂસની બીજા ક્રમની ખેલાડી આર્યના સબાલેંકા સામે પ-7, 6-4 અને 6-4થી લડાયક જીત મેળવીને ફાઇનલમાં જગ્યા પાકી કરી હતી.

June 16, 2021
women_military_police.jpg
2min1519

Jayesh Brahmbhatt 98253 44944

ઇન્ડિયન આર્મી દ્વારા ફક્ત મહિલા ઉમેદવારો માટે મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વર્ગમાં ધો.10 પાસ હોય તેવી મહિલાઓને ભરતી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન ગઇ તા.6 જુન 2021થી શરૂ થઇ ચૂક્યા છે અને તા.20 જુલાઇ 2021 રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ છે.

આ રહી લિંક https://joinindianarmy.nic.in/

ઈન્ડિયન આર્મીમાં સોલ્જર જનરલ ડ્યુટી (વુમેન મિલિટ્રી પોલીસ)માં જોડાવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની અરજી કરવા સંબંધિત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદામાં છૂટછાટ, પરીક્ષા પદ્ધતિની વિગતો, ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ, પરીક્ષા ફી વગેરે સંબંધિત તમામ સૂચનાઓ http://joinindianarmy.nic.in વેબસાઈટ પરથી મેળવી શકાશે.

મહિલા મિલીટરી પોલીસ ભરતી પ્રક્રિયાના નોટિફિકેશનના પહેલા બે પેજ અહીં પ્રસ્તુત છે

આ ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન પીડીએફ ફાઇલ ડાઉન લોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://joinindianarmy.nic.in/writereaddata/Portal/Notification/747_1_women_MP_rally_notification_-_28_May_2021.pdf