CIA ALERT
18. May 2024

ગુજરાતી છોકરી ઑલિમ્પિક્સમાં

Share On :
Print Friendly, PDF & Email

સ્પોર્ટ્સના મહાકુંભ ગણાતા ઑલિમ્પિક્સ આડે ગણતરીના દિવસો બચ્યા છે. જાપાનના ટાકિયોમાં ૨૩ જુલાઈથી શરૂ થનારી ઓલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે કોણ કોણ ઉતરશે તેના ક્વોલિફાઈંગ રાઉન્ડ ચાલી રહ્યા છે ને રોજ જ કોઈ ને કોઈ ભારતીય ખેલાડી ક્વોલિફાઈ થયાના સારા સમાચાર આવે છે. શુક્રવારે બહુ સારા સમાચાર અને વાસ્તવમાં તો ઐતિહાસિક સમાચાર એ આવ્યા કે, સ્વિમર માના પટેલ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ છે. આ સમાચાર આપણા માટે બહુ સારા એ રીતે છે કે, માના પટેલ ગુજરાતી છોકરી છે ને ઐતિહાસિક એ રીતે છે કે, ઑલિમ્પિક્સના ઈતિહાસમાં ભારતની કોઈ છોકરી સ્વિમિંગ માટે ક્વોલિફાઈ થઈ હોય એવું પહેલી વાર બન્યું છે.

માના પટેલે એ રીતે પણ ઈતિહાસ રચ્યો છે કે, ઑલિમ્પિક્સ માટે પસંદ થનારી પહેલી ગુજરાતી છોકરી બની છે. બલ્કે હજુ સુધી કોઈ ગુજરાતી ઑલિમ્પિક્સમાં રમ્યો જ નથી એ જોતાં માના ઑલિમ્પિક્સના સ્વિમિંગ પૂલમાં ઉતરશે એ સાથે વધુ એક ઈતિહાસ રચાશે. ૨૧ વર્ષની માનાએ દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે એવો ઈતિહાસ રચી દીધો છે. ભારત વતી આમ તો શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ એ બે સ્વિમર પહેલાં જ ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. માના ભારત વતી ક્વોલિફાઈ થનારી ત્રીજી સ્વિમર છે પણ પહેલી છોકરી છે.

માના ઑલિમ્પિક્સમાં યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ક્વોલિફાઈ થઈ છે. આ ક્વોટા હેઠળ કોઈ પણ દેશમાંથી એક પુરુષ અને એક મહિલા ખેલાડીની ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે પસંદગી કરાય છે. વિશ્ર્વમાં તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સના આયોજન માટે ઈન્ટરનેશનલ ઑલિમ્પિક્સ કમિટી (આઈઓસી) દ્વારા માન્ય એસોસિયેશન સફિના’ છે. ફિના’ એ ઈન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના ફ્રેન્ચ નામ ફેદરેશાં ઈન્તરનેશના દ નેશનનું ટૂંકું સ્વરૂપ છે. ‘ફિના’ ઑલિમ્પિક સીલેક્શન ટાઈમના આધારે કયા કયા સ્વિમર ઑેલિમ્પિક્સમાં રમશે એ નક્કી કરે છે. એ માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ્સ યોજાય છે અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને ઑલિમ્પિક્સમાં રમવાની તક મળે છે.

‘ફિના’ ઑલિમ્પિક સિલેક્શન ટાઈમના આધારે પણ કેટલાક સ્વિમર્સને ઑલિમ્પિક ગેઈમ્સમાં રમવા માટે નિમંત્રણ મોકલે છે. કોઈ દેશમાંથી આ બંનેમાંથી કોઈ પણ રીતે એક પણ સ્વિમર ક્વોલિફાઈ ના થયો હોય પણ તેનો ટ્રેક રેકોર્ડ જોરદાર હોય તો ‘ફિના’ એ દેશના એક પુરુષ તથા એક મહિલાને યુનિવર્સાલિટી ક્વોટા હેઠળ ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ કરે છે. માના પટેલ આ ક્વોટા હેઠળ ક્વોલિફાય થઈ હોવાથી કોઈને તેની સિદ્ધિ બહુ મોટી ના લાગે પણ એ વાત ભૂલવા જેવી નથી કે, ‘ફિના’ પણ યુનિવર્સાલિટી ક્વોટા હેળ ગમે તેને પસંદ કરતું નથી.
ટ્રેક રેકોર્ડ જોરદાર હોય ને જેમણે નજીકના ભૂતકાળમાં ઑલિમ્પિક્સમાં ઉતરવા જેવો દેખાવ કર્યો હોય એવા સ્વિમર જ આ ક્વોટા હેઠળ પસંદ થાય છે. માનાએ ઉઝબેકિસ્તાન ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ વખતે તેણે ઑલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થવા જરૂરી સમય લીધો હતો. સર્બિયા અને ઈટાલીમાં તેણે વધારે સારો દેખાવ કર્યો તેના કારણે તેને ઑલિમ્પિક્સમાં તક મળી છે. માનાએ એ રીતે પોતાના સારા દેખાવના જોરે જ ઓલિમ્પિક્સમાં રમવાની તક મેળવી છે. ઑલિમ્પિક્સમાં તક મેળવવી એ બચ્ચાંના ખેલ નથી જ ને ફાસફૂસિયાઓને એ તક મળતી નથી તેથી માનાની સિદ્ધિ ગર્વ અનુભવવા જેવી છે જ તેમાં કોઈ શંકા નથી.

ગુજરાતીઓ માટે તો આ સમાચાર વધારે મોટા છે કેમ કે ગુજરાતીઓમાં તો સ્પોર્ટ્સનું કલ્ચર જ નથી. આમ તો આપણા દેશમાં ક્યાંય સ્પોર્ટ્સનું કલ્ચર નથી કેમ કે આપણે શરીરને નહીં પણ આત્માને પૂજનારી પ્રજા છીએ. આપણા કહેવાતા સાધુ-સંતો ને ધર્મગુરુઓએ આત્માના ઉધ્ધારની ને લખ ચોરાસીના ફેરામાંથી છૂટવાની વાતો કરી કરીને આપણને એ હદે માયકાંગલા બનાવી દીધા છે કે, આપણે આપણા જ ઋષિઓ કહી ગયેલી વાત ભૂલી ગયા કે, વીરો દુનિયામાં બધે પૂજાય છે. વીરતાનો સંબંધ શારીરિક ને માનસિક બંને પ્રકારની વીરતા સાથે છે ને સ્પોર્ટ્સમાં બંને પ્રકારની વીરતા જોઈએ. આપણે બાવાજીઓ જે ચૂરણ ચટાડે છે તે ચાટી ચાટીને આત્માના ઉધ્ધાર માટે મથ્યા કરીએ છીએ પણ માનસિક ને શારીરિક રીતે વીર થવા માટે પ્રયત્ન સુધ્ધાં કરતા નથી તેના કારણે સાવ માયકાંગલા રહી ગયા છીએ.

ભારતમાં કેટલાંક રાજ્યોમાં સુધારો થયો છે ને સ્પોર્ટ્સનું કલ્ચર વિકસી રહ્યું છે પણ ગુજરાત એ રાજ્યોમાં નથી જ. પંજાબ, હરિયાણા, મણિપુર જેવાં નાનાં નાનાં રાજ્યો આ કેટેગરીમાં આવે પણ ગુજરાત ના આવે. ગુજરાતીઓને તો સ્પોર્ટ્સમાં રસ લઈને કલ્ચર વિકસાવવાનું છોડો પણ સ્પોર્ટ્સ જોવામાં પણ રસ નથી પડતો. આપણે સ્પોર્ટ્સના નામે ક્રિકેટ જોયા કરીએ છીએ ને તેના પર સટ્ટો રમ્યા કરીએ છીએ. આપણું સ્પોર્ટ્સ કલ્ચર તેનાથી આગળ વધતું નથી. આ માહોલ  હોય ત્યાં એક છોકરી સ્પોર્ટસમાં આગળ આવે ને ઑલિમ્પિક્સમાં રમવા માટે ક્વોલિફાઈ થવાની સિદ્ધિ મેળવે એ વાત બહુ મોટી છે.

માનાની મહેનતને તો તેના માટે જશ આપવો જ જોઈએ પણ સાથે સાથે તેનાં મા-બાપને પણ સલામ કરવી જોઈએ કે જેમણે પોતાની દીકરીને સ્પોર્ટ્સમાં મહેનત કરવા માટે પ્રોત્સાહન આપ્યું, તેને આગળ વધવાની તક આપી. બાકી મોટા ભાગનાં મા-બાપ તો છોકરી સ્પોર્ટસમાં આગળ જવા માગતી હોય તેમાં જ ભડકી જતાં હોય છે ને તેને છણકો કરીને બેસાડી દેતાં હોય છે. માનામાં માતા-પિતા અને તેનો પરિવાર એ રીતે ખરેખર સલામને લાયક છે, સન્માનને લાયક છે. છોકરી સ્વિમિંગ જેવી રમતમાં આગળ વધવા માગતી હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવા બહુ સમજદારી જોઈએ, બહુ ધીરજ જોઈએ. માનાનાં માતા-પિતામાં એ સમજદારી, એ ધીરજ છે એ આનંદની વાત કહેવાય. રાજીવ પટેલ અને આનલ પટેલ પણ માનાની સિદ્ધિમાં જશનાં પૂરાં ભાગીદાર છે.

માનાએ આ સ્તરે પહોંચવા જે મહેનત કરી તેની વાત કરી શકાય તેમ નથી. શારીરિક રીતે તો તેણે કાળી મજૂરી કરી જ છે પણ માનસિક રીતે પણ તેણે જે સંઘર્ષ કર્યો હશે તેના માટે ગજવેલનું હૈયું જોઈએ. માના અમદાવાદમાં રહે છે પણ અમદાવાદ હોય કે મુંબઈ હોય કે ગુજરાતીઓનાં બીજાં કોઈ પણ શહેર હોય, સ્પોર્ટ્સ માટેની સવલતો કેવી છે એ આપણે જાણીએ છીએ. સારા કોચ બધે હોય છે પણ સવલતો વિના એ બિચારા પણ કરે શું ? આ કારણે ઘણા સારા ખેલાડી હાંફીને ઘરે બેસી જતા હોય છે. સ્વિમિંગ જેવી રમતને તો જરાય પ્રોત્સાહન ના મળે તેથી નાની ઉંમરનાં છોકરાં અડધાં તો તેમાં  હતાશ થઈ જાય. ક્રિકેટ રમતા હો તો પબ્લિસિટી મળે, તાળીઓ પણ મળે ને ભવિષ્યમાં આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળશે તો બેડો પાર થઈ જશે એવી આશા પણ હોય. સ્વિમિંગમાં તો આમાંનું કશું ના હોય ને ખાલી મહેનત જ કર્યા કરવાની હોય ને લોકો આપણા પર હસે એ તો અલગ. માનાએ તેનાથી વિચલિત થયા વિના તર્યા કર્યું એ મોટી વાત છે.
ઑલિમ્પિક્સમાં માનાનું શું થશે એ ખબર નથી પણ માના પટેલ ભારતને ઑલિમ્પિક્સ મેડલ અપાવીને વધુ ગૌરવ અપાવી શકે છે. ભારત પાસે વિશાળ દરિયાકિનારો છે, મોટી મોટી નદીઓ છે પણ દુનિયામાં સ્વિમિંગમાં ભારતની કોઈ ગણતરી જ નથી. ઑલિમ્પિક્સની વાત છોડો પણ એશિયન ગેમ્સમાં પણ ભારત સ્વિમિંગમાં જીતી શકતું નથી. ઑલિમ્પિક્સમાં ભાગ લેનારા ભારતીય સ્વિમરની વાત નીકળે ત્યારે વીરધવલ ખાડે સિવાય બીજું કોઈ નામ જ યાદ ના આવે એવી હાલત છે. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બીજી બધી રમતોની જેમ સ્વિમિંગમાં પણ આપણે સાવ કંગાળ જ છીએ.

માના પટેલ આ કંગાલિયત દૂર કરીને દેશને મેડલ અપાવશે તો એ મોટી સિદ્ધિ હશે. માનાની વય ૨૧ વર્ષની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનો તેનો રેકોર્ડ ઑલિમ્પિક્સ મેડલ પાકો જ લાગે એવી આશા આપનારો નથી એ કબૂલવું પડે પણ સ્પોર્ટ્સમાં કશું ભૂતકાળના આધારે થતું નથી. મેદાન પર ઊતરે ત્યારે કમાલ કરી જાય તેનો દિવસ હોય છે ને જેમની પાસેથી આશા પણ ના હોય એવા ખેલાડીઓ કમાલ કરીને ઈતિહાસ રચી દેતા હોય છે. માના તો આશા રાખી શકાય એવી છોકરી છે ને આ આશા ફળે તો માનાની સિદ્ધિ અમૂલ્ય થઈ જાય.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :