CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 56 of 79 - CIA Live

July 23, 2019
suratfire.jpg
1min6730

૨૪મી મેના રોજ સરથાણા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ફાટી નીકળેલી ભયાવહ આગની ઘટનામાં ૨૨ જેટલા માસૂમો જીવતા ભડથું થઈ ગયાં હતાં. આ કેસમાં ક્રાઈમબ્રાંચે ૧૧ આરોપીઓ વિરુદ્ધ ૪૨૭૫ પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ક્રાઈમબ્રાંચ દ્વારા પહેલા જ દિવસથી કલાસના સંચાલકથી લઈને બિલ્ડર, પાલિકાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ અને જીઈબીના અધિકારીઓ સહિત કુલ ૧૧ આરોપીઓ દર્શાવ્યા છે. આ કેસમાં કુલ ૨૫૧ લોકોને સાક્ષી તરીકે લઈને દળદાર ૪૨૭૫ પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ત્રણ આરોપીઓને ભાગેડું દર્શાવ્યાં છે. જોકે હજુ ધરપકડનો દોર ચાલુ રહેશે. ૬૦ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે તે નિયમ અનુસાર સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી છે. વોન્ટેડ આરોપી ભાગેડું જાહેર કરવાની કામગીરી કરવામાં આવશે.સમગ્ર ઘટનામાં હજુ તપાસ ચાલુ છે.

July 16, 2019
t.jpg
1min20530

22 નિર્દોષ વિદ્યાર્થીઓને યાતનાભર્યું મોત આપવા માટે જવાબદાર સુરતના વરાછાના તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ડોમનું ડિમોલિશન કરવાની કામગીરી આજે સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ડોમનું બાંધકામ ગેરકાયદેસર હોવા છતાં તેને યેનકેન પ્રકારે ભ્રષ્ટાચારી રીતરસમોથી ઇમ્પેક્ટ ફી ના કાયદામાં લાવી દેવાયું હોવાનું ધ્યાને આવ્યું હતું.

આગ હોનારત બાદ આજે અહીં સુરત મહાનગરપાલિકાએ સ્ટાફને ખડકી દઇને ડોમની તોડફોડ શરૂ કરી છે.

સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ તક્ષશિલા આર્કેડના ડોમની તોડફોડ માટો પહોંચ્યા ત્યારે અહીં લોકો ભેગા થઇ ગયા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, બરાબર ડોમની નીચે જ ચલાવવામાં આવતા ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓની સિટીંગ એરેંજમેન્ટના ભાગરૂપે નોનયુઝ્ડ ટાયર રાખવામાં આવ્યા હતા. તક્ષશિલાની આગ સાથે ટાયરો પણ બળવા માંડતા ભયંકર ધૂમાડો ઉત્પન્ન થયો હતો, અને તેમાં કેટલાક સ્ટૂડન્ટ્સ ગુંગળાઈને મોતને ભેટ્યા હતા.

સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ આજે ડોમની ઉપરના ભાગે ચઢીને એક પછી એક છાપરાઓ ઉતારવાની કામગીરી હાથ ધરી હતી.

July 14, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14420

જયેશ બ્રહ્મભટ્ટ

ચંદ્રયાન-૨, ભારતનું ચંદ્રયાન-૧ પછીનું બીજું ચંદ્ર યાન છે. આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહન (રોવર) નો સમાવેશ થાય છે, આ ત્રણેય સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી અને ભારતીય વૈજ્ઞાનિકો વડે જ નિર્મિત છે. ભારતના સ્પેશ મિશનનું આ સૌથી મહત્વાકાંક્ષી કદમ માનવામાં આવી રહ્યું છે અને એટલે જ તા.15મીની મધરાત્રે ખુદ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આ વિરલ ઘટનાના સાક્ષી બનવા માટે શ્રીહરીકોટા લોંચ સ્ટેશન ખાતે ખાસ ઉપસ્થિત રહેશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

આ યાન તા.15મી જુલાઇએ મધરાત્રે લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જિઓસિંક્રોન સેટેલાઇટ લોંચ વેહિકલ માર્ક III (જીએસએલવી એમકે 3) કે જેને “બાહુબાલી”ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે કેમકે તે અત્યાર સુધીના ભારતના સ્પેશ મિશનનું સૌથી વજનદાર રોકેટ છે. 640 ટન રોકેટ 15 માળની ઇમારત જેટલું ઊંચું છે અને તે ચંદ્રની મુસાફરી દરમિયાન 3.8 ટન સેટેલાઇટ તેમજ રોવરનું વહન કરીને ત્યાં લઇ જશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

ચંન્દ્રયાન -2માં પણ સુરતના હિમસન સિરેમિકમાં ઉત્પાદિત થયેલા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત શહેર માટે ગૌરવવંતી બાબત એટલા માટે છે કેમકે સુરતના હિમસન સિરેમિક કે જેઓ છેલ્લા 25 વર્ષથી ઇસરોને જરૂરી સ્પેરપાર્ટસ સિરેમિકમાંથી ઉત્પાદિત કરી આપીને તેમને સપ્લાય કરે છે.

(Nimeshbhai Bachkaniwala, Director of Himson Ceremic)

સુરત સ્થિત હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ જણાવ્યું હતું કે તેઓ તેમનું સદભાગ્ય માને છે કે આજથી 25 વર્ષ પહેલા પહેલી વખત તેમણે ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને તેના જુદા જુદા સ્પેશ મિશન માટે જરૂરી સિરેમિકના પાર્ટસ બનાવી આપવાનો આરંભ કર્યો હતો. છેલ્લા 25 વર્ષથી ઇસરોના દરેક અવકાશી અભિયાનમાં સુરતમાં બનેલા પાર્ટસનો ઉપયોગ કરાયો છે.

આમ, સુરત માટે પણ આ ગૌરવવંતી બાબત છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સુરતનું પણ ભારતના સ્પેશ મિશનમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન યોગદાન રહ્યું છે. છેલ્લા 25 વર્ષથી ઇસરોના અવકાશ મિશન માટે, રોકેટ્સ, સેટેલાઇટ્સ વગેરે માટે સિરેમિક પાર્ટસ બનાવી આપતા સુરતની હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ અંતમાં કહ્યું કે તેઓ ઇસરોના આભારી છે કે છેલ્લા 25 વર્ષથી અવિરત પણે તેમને ભારતના સ્પેશ મિશનમાં યોગદાન આપવા માટે સંસ્થા પર અને અમારા પર વિશ્વાસ જગાડ્યો. તેમણે ઉમેર્યું કે સૌથી મોટી ખુશી એ છે કે ભારતને ગૌરવ અપાવતા સ્પેશ મિશનમાં સુરતના એક અદની સંસ્થાના પ્રતિનિધિ તરીકે યોગદાન કરવાની તક મળી છે એ અમારા માટે પણ ગૌરવવંતી બાબત છે.

 

July 13, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14360

જયેશ બ્રહ્મભટ્ટ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં દિનેશ નાવડીયાની ઉમેદવારીના મૂળમાં જે મુદ્દો હતો કે હીરા ઉદ્યોગકારને પ્રતિનિધિત્વ મળવું જોઇએ, એ ખરેખર ખરેખર સાર્થક થયાની અનુભૂતિ તા.12મી જુલાઇ 2019ના રોજ ચેમ્બર દ્વારા જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજાયેલા ડાયમંડ ઉદ્યોગકારો માટેના ગાઇડન્સ પ્રોગ્રામમાંથી થઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટફોર્મ પર જે રીતે હીરા ઉદ્યોગકારોને માર્ગદર્શન મળ્યું એવા કાર્યક્રમોની આવશ્યકતા રહેલી છે

સુરતનું અર્થતંત્ર જેના પર સૌથી વધુ આધારિત છે, જે ઉધોગ પર શહેરના લાખો પરિવારોનું ગુજરાન ચાલી રહ્યું છે એ હીરા ઉધોગ હાલમાં મંદી અને નાણાભીડમાંથી પસાર થઇ રહ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાના નાતે સ્વાભાવિક છે કે દિનેશ નાવડીયા સતત પ્રયાસો કરતા રહે છે કે ડાયમંડ ઉદ્યોગકારો પછી એ નાના હોય કે મોટા તમામ આ મંદીના સમયમાંથી હેમખેમ બહાર નીકળી જાય.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પાયાના હેતુઓમાં એક હેતુ એ છે કે દક્ષિણ ગુજરાતના વેપાર, ધંધા-રોજગાર, ઉદ્યોગના વેલ્ફેર માટે સક્રીય રહીને કાર્યક્રમો કરવા. બસ આ મૂળભૂત હેતુને આગળ ધપાવતા વર્તમાન ચેમ્બર પ્રમુખ કેતનભાઇ દેસાઇ અને વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાએ શહેરના હીરા ઉદ્યોગકારો માટે ગાઇડન્સ કાર્યક્રમ રાખીને ચેમ્બરના બેઝિક્સને વળગી રહીને કાર્યક્રમો આપવાનો સંકેત આપી દીધો છે.

તા.12મી જુલાઇ 2019ના રોજ ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગકારો માટે યોજવામાં આવેલો ગાઇડન્સ કાર્યક્રમ ખરેખર સમયસરનો અને સચોટ રહ્યો હતો. હીરા ઉધોગપતિ શ્રી સેવંતીભાઇ શાહ અને શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ તેમના ઉદ્યોગજીવન દરમિયાન જોયેલી તડકી-છાંયડીનો નિચોડ ઠાવલતા જે માર્ગદર્શન આપ્યું એ શહેરના અનેક નાના હીરા ઉદ્યોગકારો માટે રાહ ચિંધનાનું બની રહેશે એમાં બે મત નથી. આ શક્ય એટલે જ બની શક્યું કેમકે ચેમ્બરના વહીવટમાં હીરા ઉદ્યોગના દિનેશ નાવડીયાની એન્ટ્રી થઇ અને તેમાં વર્તમાન પ્રમુખ કેતન દેસાઇની લિડરશીપ મળી.

કાર્યક્રમ પૂરો થયા બાદ અનેક ઉદ્યોગકારોએ સી.આઇ.એ લાઇવ ને જણાવ્યું કે ખરેખર આવા કાર્યક્રમો ચેમ્બર ઓફ કોમર્સે યોજવા જોઇએ.

અત્યાર સુધી એવું જણાયું હતું કે હીરા ઉધોગ માટે કેટલાક સ્ટીરીયોટાઇપ કાર્યક્રમો ચેમ્બર જે દર વર્ષે યોજે છે એ યોજીને કામ પૂરું, પણ જેની જરૂરીયાત છે એ શોધી કાઢીને ઉદ્યોગકારોને મદદરૂપ થવાનો આ અભિગમ ખરેખર બિરદાવવા લાયક રહ્યો છે.

July 13, 2019
sgcci_dia1-1280x853.jpg
1min7610

ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિઅંગે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મૂળમાં શહેરના ઉદ્યોગ-ધંધા-રોજગારના મૂળભૂત હેતુઓનું જતન-સંવર્ધન કરવાનો સમાવેશ કરાયો છે, એને અનુરૂપ એક સમયસરનો આવકારદાયક કાર્યક્રમ તા.12મી જુલાઇ 2019ના રોજ જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન મંદીની સ્થિતિ દરમિયાન કેવી રીતે વર્તવું, કેવી રીતે કામ કરવું એ અંગે શહેરના ટોચના ઉદ્યોગપતિઓ શ્રી સેવંતીભાઇ અને શ્રી ગોવિંદ ધોળકીયાનું માર્ગદર્શન નાના, મધ્યમ હિરા કારખાનેદારોને મળ્યું હતું.

કાર્યક્રમમાં વિનસ જવેલ્સના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સેવંતિભાઇ શાહ અને શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સના શ્રી ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હીરાના કારખાનેદારોને ધીરજ રાખી અને શિસ્તબદ્ધ રહીને વિકટ સમયમાંથી પસાર થવાની દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ.

આ કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને કારખાનેદારો ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, દેશના અર્થતંત્રમાં હીરા ઉદ્યોગનો મોટો ફાળો રહયો છે. રોજગાર માટે પણ આ ઈન્ડસ્ટ્રીનું મોટું યોગદાન છે. હાલ આ ઇન્ડસ્ટ્રી કપરા સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે આ સમયે શું કાળજી રાખવી તે વિશે આજના મહાનુભાવો આપણને માર્ગદર્શન આપશે.

માનવસર્જિત મંદી છે હિરા ઉદ્યોગમાં કહે છે સેવંતીભાઇ શાહ

શ્રી સેવંતીભાઇ શાહે હીરાના કારખાનેદારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, વર્ષ ર૦૦૮–૦૯ની મંદીમાંથી હીરા ઉદ્યોગ પસાર થઇ ચૂકયો છે. એવો સમય ફરીથી નહીં આવે તે માટે વિચાર વિમર્શ જરૂરી છે. વર્ષ ૧૯૬પમાં હું જયારે આ ધંધામાં આવ્યો ત્યારે ધંધામાં શિસ્ત હતી. બેંકોની ફેસિલિટી મળતી હતી અને ધંધો પણ મર્યાદામાં ચાલતો હતો. હવે કારખાનેદારો ખૂબ જ ઝડપથી પસાર થઇ રહયા છે. પાઇપલાઇનમાં પુષ્કળ સ્ટોક હોય એવું આજે ધંધાનું મોડલ બનાવી દીધું છે. તેમણે જણાવ્યુ હતુ કે કારખાનેદારને માલ બનાવવાનો છે, આપણું કામ ફાયનાન્સનું નથી. ફાયનાન્સનું કામ બેંકોનું છે. ધંધામાં શિસ્તના અભાવને કારણે આ માનવસર્જીત મંદી છે. આપણે શિસ્તમાં આવીશું તો આ વિકટ પરિસ્થિતિમાંથી વહેલામાં વહેલા બહાર આવી શકીશું.

તેમણે કારખાનેદારોને ટકોર કરતા જણાવ્યુ હતુ કે, કારીગરો આપણો પરિવાર જ છે. એટલે તેઓની જવાબદારી પણ આપણી બને છે. બેંકરપ્ટ થયેલા લોકો મુળમાં ખોટા ન હતા પણ જે રીતે ધિરાણ મળ્યુ. એના કારણે ગજા કરતા મોટો ધંધો થયો અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. બેંકરપ્સી પાછળ તેમણે બેંકોના વ્યાજને પહેલું કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહયુ કે હાલની પરિસ્થિતિ પહેલા કરતા જુદી છે. મેન્યુફેકચરીંગ નહીં પણ મુડી ઘટતી જાય છે. એટલે બધાએ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને આ સ્થિતિમાંથી પસાર થવુ પડશે.

થોડી કાળજી રાખીશું તો હિરા ઉદ્યોગ ફરી ઝળહળતો થશે

શ્રી સેવંતીભાઇ શાહે કહયુ કે, મંદીના કારણમાં સિન્થેટીક ડાયમંડની અસર ગણાવી શકાય છે. નેચરલ અને સિન્થેટીક ડાયમંડની ભેળસેળને કારણે પણ લોકોએ ડાયમંડ ખરીદવાનું ઓછું કરી દીધું છે. લોકોની હીરા ખરીદવાની ઇચ્છા તુટી ગઇ છે એ પણ વાસ્તવિકતા છે. પણ નિરાશાવાદી થવાનું કામ નથી. અઠવાડીયામાં ચાર – પાંચ દિવસ કારખાનું ચલાવો અને કારીગરોનો પણ વિચાર કરો. ધંધો ફરીથી પહેલાની જેમ ચાલી જશે. થોડી કાળજી રાખીશું તો હીરા ઉદ્યોગને ફરીથી ઝળહળતો કરી દઇશું.

જીવનમાં કોઇ પરિસ્થિતિ કાયમી નથી, મંદી આવી છે ને જવાની છે એ નક્કી છે કહે છે ગોવિંદ ધોળકીયા

શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, આપણે સમયની સાથે ચાલવું પડશે. જે સમય આવ્યો છે તે જવાનો છે. મંદી હોય કે તેજી કોઇવાર કાયમી રહેતી નથી. આ ચક્ર ફરતુ રહેવાનું છે. મંદીનું પુર બધાને જ આવ્યુ છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પોતાના પ્રત્યે તેમજ આપણી કંપની કયાં છે તે અંગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હીરાનો ધંધો ખૂબ જ સારો છે અને એનો હું પપ વર્ષનો સાક્ષી છું. હીરો એ કલ્પવૃક્ષ અને ચિંતામણી છે. આ વિકટ પરિસ્થિતિ કાયમી રહેવાની નથી. ધીરજ રાખીને આગળ વધવું અને આવેગ કે આવેશમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં.

આ કાર્યક્રમમાં ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ શ્રી મૃણાલ શુકલ અને ચેમ્બરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી કમિટીના ચેરમેન શ્રી કીર્તિકુમાર શાહે પ્રાસંગિક વિધી કરી હતી.

હીરા ઉદ્યોગના બંને અગ્રણીઓએ કારખાનેદારોના સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા.

અંતે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

July 13, 2019
pandesara.jpg
1min9330
સુરતમાં કારીગરનાં મૃત્યુ બાદ ટોળાંનો હોબાળો: અશ્રુવાયુ છોડાયો
સુરતના ઔદ્યોગિક વિસ્તાર, પાંડેસરા બમરોલીમાં એક કારખાનામાં કારીગરનું કહેવાતા ઇલેક્ટ્રીક શોટ લાગવાથી મોત નિપજ્યું હતું જો કે લોકટોળાએ આ મોતને શંકાસ્પદ મોત જણાવીને મોટું તોફાન મચાવી મૂક્યું હતું. તોફાનીઓને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડયા હતાં. ઘટનાસ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલાને ખડકી દેવાયો હતો.
તા.12મી જુલાઇને શુક્રવારે સવારે પાંડેસરાનાં બમરોલી વિસ્તારની હરિઓમ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો મૂળ ઓરિસ્સાવાસી 40 વર્ષીય દયા મોહન ગોડ નામનો કારીગર અચાનક જ જમીન પર ઢળી પડયો હતો. દયા મોહન ગોડને જમીન પર ઢળેલો જોઈ સાથી કારીગરો તેને બહાર લાવ્યા હતાં. એકમનાં માલિક અંકુર જંયતિ ચેવલીને ઘટનાની જાણ કરવામાં આવતાં તેઓ કારખાનાએ દોડી આવ્યા હતાં.
કારીગર ભાનમાં નહીં આવતા 108 એમ્બ્લુલન્સ બોલાવીને તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પ્રાથમિક તપાસમાં જ તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો.
ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ કારીગરનું મોત કરંટ લાગવાથી થયું હોવાની અફવા ફેલાવતાં વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન એક શબવાહિનીની તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે તંગ બની ગયેલાં વાતાવરણમાં સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે અશ્રુવાયુના ચાર સેલ છોડયા હતાં.
કારખાનાના માલિક અંકુર જંયતિ ચેવલીએ નવી સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોની હાજરીમાં જણાવ્યું હતું કે પાંડેસરામાં આવેલા વડોદ ગામના ગણેશનગરમાં દયા ગોડ રહે છે. છેલ્લા 6 માસથી અમારા કારખાનામાં કામ કરતો હોય રાત્રી દરમિયાન દયા ચા પીવા માટે બહાર ગયો હતો. ત્યારબાદ તેણી તબિયત લથડતા ઓફિસમાં સૂઇ ગયો હતો. સવારે 6.55 કલાકે સાથી કારીગર તેણે જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે ઉઠયો ન હતો.
દરમિયાન કેટલાક કારીગરોએ કરંટથી મોત થયું હોવાની વાતા ફેલાવતાં આજુબાજુમાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળા એકત્ર થયા હતાં. કારીગરના પરિવારે રૂા. 10  લાખ વળતર પેટે માગ્યા હતાં. કારીગરનાં મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.
July 8, 2019
surat_airport.jpg
1min15300

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત એરપોર્ટના મેનેજમેન્ટે અક્કલનું દેવાળું ફૂંક્યું હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. હેરીટેજ સાઇટ (ઐતિહાસક ઇમારત) માં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પૌરાણિક ધરોહર સમી ઇમારતોમાં જેને સ્થાન આપીને હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જેનું જતન કરવામાં આવે છે એ ડચ સિમેટ્રી (ડચ કબ્રસ્તાન)નું વોલ પેપર સુરત એરપોર્ટની મૂતરડી (યુરિનલ)માં મૂકવામાં આવ્યું છે. આવું કૃત્ય કરીને સુરત એરપોર્ટ ઓથોરિટીએ સમગ્ર સુરત માટે નામોષીજનક સ્થિતિ પેદા કરી છે.

જુઓ સુરત એરપોર્ટની મૂતરડીમાં ઐતિહાસિક ધરોહર તરીકે જેનો સમાવેશ કરાયો છે એ સુરતના કતારગામ સ્થિત ડચ સિમેટ્રીનું આ વોલપેપર સૂચવે છે કે અક્કલનું દેવાળું ફૂંકીને આવું કોણે કર્યું હશે અને આ ભૂલ હવે ક્યારે સુધારી લેવાશે

માહિતી એવી મળી રહી છે કે જ્યારથી સુરત એરપોર્ટ ધમધમતું થયું છે ત્યારથી આ પ્રકારનું વોલપેપર મૂતરડીમાં ડિસ્પ્લો કરવામાં આવ્યું છે. અત્યાર સુધી મૂતરડીનો ઉપયોગ કરતા લોકોના ધ્યાને આ બાબત આવી ન હતી કે સુરત એરપોર્ટની મૂરતડીમાં જે વોલ પેપર છે એ ઐતિહાસિક ધરોહર સમી ડચ સિમેટ્રીનું છે. પરંતુ, કેટલાક બુદ્ધિજીવીઓના ધ્યાન પર આ બાબત આવતા હવે આ બાબત વાઇરલ થવા પામી છે.

એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે સુરત એરપોર્ટ મેનેજમેન્ટના અધિકારીઓને ઐતિહાસિક ઇમારત તરીકે જેને સ્ટેટસ મળ્યું છે એ સુરત સ્થિત ડચ સિમેટ્રીના ફોટોગ્રાફ્સ ડિસ્પ્લે કરવા માટે સુરત એરપોર્ટ પર મૂરતડીની દિવાલ સિવાય અન્ય કોઇ જગ્યા જ નહીં મળી હોય

કેટલાક લોકો માને છે કે ખરેખર આ અક્કલનું દેવાળું ફૂંકવા સમાન છે. એક તરફ સુરત મહાનગરપાલિકા આ હેરિટેજ સાઇટનું જતન-જાળવણી કરવા પાછળ લાખો રૂપિયા ખર્ચી રહી છે, સુરત આવતા વિદેશી મહેમાનોને ખાસ અહીં મુલાકાતે લઇ જવામાં આવે છે ત્યારે સુરત એરપોર્ટએ આવી ઐતિહાસિક ધરોહરને મૂતરડીમાં સ્થાન આપીને સુરતને નામોષી મળે તેવું પરાક્રમ કર્યું છે.

July 8, 2019
Harsh_shangvi.jpg
1min13540

જયેશ બ્રહ્મભટ્ટ

ગઇ તા.21મી જુન 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત કેન્દ્ર સરકારના બધા મંત્રીઓ, સમગ્ર ભાજપાના નેતાઓ યોગ દિવસના જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત હતા ત્યારે સુરત મજૂરાના ભાજપના ધારાસભ્ય ફાયર બ્રાન્ડ ગણાતા હર્ષ સંઘવી એકાએક નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમને ત્યાં તંત્રવાહકોની કામગીરીથી સંતોષ ન થતા જાહેરમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીને ધમકી આપી હતી કે ટાંટીયા તોડાવી નાંખીશ.

આ રહ્યો વિડીયો જેમાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નવી સિવિલ હોસ્પિટલમાં ટાંટીયા તોડાવી નાંખવાની ધમકી આપી હતી

મધ્યપ્રદેશના આકાશ કૈલાશ વિજય વર્ગીય પ્રકરણ બાદ મહારાષ્ટ્રમાં નીતિશ નારાયણ રાણે પ્રકરણ અને હર્ષ સંઘવીની ધમકી વચ્ચે રહેલું સામ્ય અને આવી ઘટનાઓ પરત્વે ખુદ નરેન્દ્ર મોદીની નારાજગીને જોતા હર્ષ સંઘવીને કેટલાક હિતુચ્છુઓએ સમગ્ર ઘટના અંગેની માહિતી દિલ્હી સ્થિત બીજેપી હાઇકમાન્ડના નેતાઓ સુધી પહોંચાડીને આ મામલામાં શિસ્તભંગના પગલાં ભરવા માટે રજૂઆતો કરી છે.

જોવાનું એ રહે છે કે નરેન્દ્ર મોદીના ખાસ મનાતા હર્ષ સંઘવી સામે ભાજપા આગામી દિવસોમાં કેવું વલણ અપનાવે છે.

હર્ષ સંઘવી પોતાના આવા આક્રમક વલણ માટે જાણીતા છે, અગાઉ તાપી નદીના શુદ્ધીકરણના મુદ્દે તેમણે સ્થાનિક અધિકારીઓને આ જ પ્રકારે લબડધક્કે ચઢાવી ચૂક્યા છે.

(With Thanks From the Facebook wall of Parul Mahadik, courtesy TV-9 Gujarati.)

આ ધમકી 15 દિવસે નવી દિલ્હી સ્થિત ભાજપા હાઇકમાન્ડ સુધી પહોંચી છે અથવા પહોંચાડવામાં આવી છે.

બન્યું એવું કે થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશ ભાજપાના કૈલાશ વિજય વર્ગીયના દિકરા આકાશએ ત્યાના લોકલ અધિકારીને કોઇક મુદ્દા પર બેટ વડા ફટકાર્યા હતા એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને ખુદ નરેન્દ્ર મોદીએ આવી ઘટનાઓ ભાજપાની છબી બગાડતી હોવાની ટકોર કરીને આવા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવાની હાકલ કરી હતી.

કૈલાશ વિજયવર્ગીય પુત્ર માટે છબી પરિણામ

ભાજપાના મધ્યપ્રદેશ એકમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોરને પગલે આકાશ વિજય વર્ગીયને નોટિસ ફટકારી છે અને આ ઘટના પછી લાઇમલાઇટમાં રહેતા મધ્યપ્રદેશના નેતા વિજય વર્ગીય હાલ કોર્નર કરી દેવાયા છે.

એ પછી મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નીતિશ નારાયણ રાણે કે જે પોતે પણ ધારાસભ્ય છે એણે બિસ્માર માર્ગના મુદ્દે સ્થાનિક અધિકારીને કાદવથી નવડાવીને જાહેરમાં અપમાનિત કર્યા. આ ઘટના બાદ નીતિશ રાણેએ જેલવાસ ભોગવવાનો વખત આવ્યો હતો.

નિતીશ રાણે માટે છબી પરિણામ

 

 

July 8, 2019
weather-forecast.jpg
1min11390
Satellite

સોમવાર, તા.8મી જુલાઇએ સવારે 8 વાગ્યાથી શરૂ થતા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભારે વરસાદ થાય તેવી સેટેલાઇટ ઇમેજને સહારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરુચ, વડોદરા, ડાંગ, દાહોદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં આમેય છેલ્લા 48 કલાક દરમિયાન વાપી, ઉમરગામ, ડાંગ વગેરે વિસ્તારમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. હવે મંગળ અને બુધવારના આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની સંભાવના દેખાઈ રહી છે.

July 5, 2019
b1-1280x720.jpg
1min15980

સુરતમાં આજે વર્સેટાઇલ માઇનોરિટી ફોરમ દ્વારા મોબ લિંચીંગની દેશભરમાં બની રહેલી ઘટનાઓના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલી ખ્વાજાદાના દરગાહથી નીકળીને કાદરશાની નાળ થઇને મક્કાઇ પુલ તરફ આગળ વધી રહી હતી ત્યારે જ કોઇ અગમ્ય કારણોસર બબાલ શરૂ થઇ હતી.

ઘટના સ્થળે ચર્ચાતી વાતો મુજબ રેલી પર કોઇકે પત્થર ફેંક્યો હતો અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. વણઓળખાયેલા લોકોના ટોળાએ પત્થરમારો કરવા સાથે આસપાસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલો મળ્યા હતા. ટોળાએ ત્યાંથી પસાર થઇ  રહેલી બસ પર પણ પત્થરમારો કર્યો હતો.

તોફાને ચઢેલા તોફાનીઓને ખદેડવા માટે પોલીસે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા.

થોડી મિનિટોમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને રેલીને વિખેરી નાંખી હતી.

પોલીસે તાત્કાલિક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી લઇને નાનપુરાથી મજૂરાગેટ તરફનો વાહનવ્યવહાર શરૂ કરાવી દીધો હતો. ઘટના સ્થળેથી પોલીસે રેલી વિખેરી નાંખવા સાથે લોકોના ટોળાને પણ વિખેરી નાંખ્યા હતા.