આજે તા.7મી સપ્ટેમ્બર 2022ને બુધવારે સવારથી જ દેશભરમાં એક સો ઉપરાંત સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને ગુજરાતમાં કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ અને તેમની સાથે ઘરોબો ધરાવતા લોકોના ધંધાકીય તેમજ રહેણાંકના સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરતા સમગ્ર મામલો દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. બ્લેક મની એટલે કે, કાળા નાણાંને વ્હાઈટ કરવા માટેના ગોરખધંધાનો પર્દાફાશ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકીય ફંડ અંગેના આ મેગો આપરેશન અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ આવકવેરા વિભાગે દેશના 7 રાજ્યોના 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડામાં 300થી વધારે પોલીસકર્મી સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે. આજની આઇટી રેડની કાર્યવાહીમાં 100 જેટલા વાહનો પણ ઉપયોગમાં લેવાયા છે. ઉપરાંત આઈટી અધિકારીઓએ સુરક્ષા માટે CRPFના જવાનોને પણ સાથે લીધા છે.
જાણવા મળ્યા મુજબ પોલિટિકલ ફન્ડિંગ મામલે આ એક્શન હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી નાના રાજકીય પક્ષો સાથે સંકળાયેલી છે જે લોકો પાસેથી ફંડ મેળવ્યા બાદ તેમને રોકડ સ્વરૂપે અમુક રકમ પરત કરે છે. ચૂંટણી પંચના રિપોર્ટ બાદ આઈટી વિભાગ એક્શનમાં આવ્યું છે.
આવકવેરા વિભાગની ટીમો દિલ્હીથી શરૂ કરીને ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં એક્શનમાં આવી છે અને દિલ્હીના અનેક ઉદ્યોગપતિઓ કરચોરી મામલે આઈટીની રડારમાં છે. રાજસ્થાનના જયપુરમાં પણ ઉદ્યોગપતિઓના સ્થળોએ દરોડા પડ્યા છે.
મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેશનલ લેવલની વેટરનરી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જેનો સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે એ નીટ યુજી NEET UG પરીક્ષાનું પરીણામ આજે તા.7મી સપ્ટેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે. આજે બપોરે 12 કલાકે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નીટ યુજીની વેબસાઇટ https://neet.nta.nic.in/ પર પરીણામ જાહેર કરવામાં આવશે. એવી જાહેરાત કરાયા બાદ દર વખતની જેમ એન.ટી.એ. દ્વારા પરીણામ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવતાં લાખો વિદ્યાર્થીો અને વાલીઓ મૂઝાયા છે.
જે રીતે આન્સર કી જાહેર કરવામાં દસથી બાર કલાકનો વિલંબ કરાયો હતો એવું જ નીટના રીઝલ્ટ જાહેર કરવામાં થઇ રહ્યું છે.
કુલ 18.79 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ યુજી 2022ની પરીક્ષા ગઇ તા.17મી જુલાઇ 2022ના રોજ આપી હતી. એ પછી દોઢ મહિને નીટનું પરીણામ જાહેર થઇ રહ્યું છે. તેમાં પણ આ પ્રકારે વિલંભ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂઝવણ અનુભવી રહ્યા છે. ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીણામની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.
આન્સર કી વખતે જ પરીણામ 7મી સપ્ટેમ્બરે જાહેર થશે તેવી ઘોષણા કરવામાં આવી હતી
ગુજરાતની મેડીકલ-પેરામેડીકલ કોર્સમાં ગયા વર્ષનું કટઓફ મેરીટ જોવા માટે નીચેની લિંક પર ક્લીક કરો
જો કે ડ્રાઇવિંગ દરમિયાન સીટ બેલ્ટ નહી બાંધવોએ ખોટું છે, કાર એકિસડન્ટનો ભોગ બનેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર,2022,મંગળવાર
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન અને સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મુત્યુ ચર્ચાનો વિષય બન્યું છે. કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ પણ પ્રતિક્રિયા આપી છે અને અમદાવાદ-મુંબઇ હાઇવેને ખતરનાક હોવાનો સ્વીકાર કર્યો છે. ગડકરીએ એ પણ જણાવ્યું હતું કે અમદાવાદ-મુંબઇ હાઇવે પર ટ્રાફિક વોલ્યૂમ 1 લાખ અને 25 હજાર પેસેન્જર કાર યૂનિટ છે.
આ સંખ્યા માપદંડ કરતા 6.25 ગણી વધારે છે. એવામાં ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માતની શકયતા વધારે રહે છે. ગડકરીએ ડ્રાઇવિંગ દરમિયાન સીટ બેલ્ટ નહી બાંધવોએ ખોટું હોવાનું ગણાવ્યું છે. ફ્રન્ટ સીટ જ નહી કારની પાછળની સીટમાં બેઠેલા પ્રવાસીઓ પણ સીટ બેલ્ટ બાંધવો એટલો જ જરુરી છે. કાર એકિસડન્ટનો ભોગ બનેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો.
સીટ બેલ્ટ નહી બાંધવાથી રોજ 41 જેટલા મુત્યુ થાય છે
એક માહિતી મુજબ સીટ બેલ્ટ નહી બાંધવાથી રોજ 41 જેટલા મુત્યુ થાય છે. હવે દરેક કારમાં સીટ બેલ્ટ બાંધો એવો રિમાઇન્ડર લગાવવું ફરજીયાત કરી દેવાયું છે. આ એલાર્મ છતાં કારમાં સીટ બેલ્ટ નહી બાંધવાનું વલણ વધતું જાય છે. કારમાં ફ્ન્ટમાં બેઠેલા સીટ બાંધે છે પરંતુ પાછળ બેઠેલા 70 ટકા પ્રવાસીઓને સીટ બેલ્ટ હોતો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના સ્ટડીમાં પણ જણાવવામાં આવ્યું હતું કે સીટ બેલ્ટ બાંધવાથી અકસ્માત સમયે મુત્યુનું પ્રમાણ 25 થી 30 ટકા જેટલું ઘટે છે.
– પાણીમાં ફસાયેલી યુવતીનું વીજ કરંટથી મોત થતા લોકોમાં રોષ, સતત બીજા દિવસે પણ શહેરમાં ઘૂંટણસમા પાણી
બેંગાલુરુ : દેશના આઇટી હબ ગણાતા બેંગાલુરુમાં અતી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. પીવાના પાણીના પમ્પિંગ સ્ટેશન ડુબી ગયા છે તેથી બે દિવસ પાણીનો કાપ જાહેર કરાયો હતો, જ્યારે હવે મંગળવારે બેંગાલરુની સ્કૂલોમાં રજાઓ જાહેર કરાઇ છે અને કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ ઓનલાઇન કામ કરવા કહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી લોકો પોતાની કારોને ઘરે છોડીને ટ્રેક્ટર પર ઓફિસ જવા મજબૂર થયા છે.
સતત બીજા દિવસે પણ બેંગાલુરુના મોટા ભાગના રોડ પર ઘંૂટણ જેટલા પાણી ભરાયા છે. બીજી તરફ કર્ણાટક સરકાર બેંગાલુરુની હાલત માટે જવાબદારી લેવા તૈયાર નથી અને અગાઉની સરકારો પર ઢોળી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસાવરાજ બોમ્મઇએ કહ્યું હતું કે બેંગાલુરુની વર્તમાન સ્થિતિ માટે અગાઉની કોંગ્રેસ સરકાર જવાબદાર છે. જ્યારે કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો હતો. બેંગાલુરુુની સ્થિતિને લઇને એકબીજા પર આરોપો થઇ રહ્યા છે ત્યારે લોકોની સ્થિતિ કથળતી જાય છે.
બેંગાલુરુમાં એક યુવતીને વીજળીના થાંપલાનો શોટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. બેંગાલુરુમાં સ્કૂટી બંધ પડી જતા ચાલતા જ આ યુવતી જઇ રહી હતી. એવામાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, તેથી તે પાણીમાં પડી ગઇ હતી, તે જે સ્થળે પડી ગઇ હતી ત્યાં જ વીજળીનો થાંપલો હતો, જેમાં વિજ કરંટ લાગતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ લોકોમાં પ્રશાસન અને કર્ણાટક સરકાર પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો જાહેર કરીને મદદ માગી રહ્યા છે પણ કોઇ મદદ માટે આગળ નથી આવી રહ્યું તેવી પણ ફરિયાદો કરી રહ્યા છે.
બીજી તરફ કાવેરી નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. નદીના કાંઠાવાળા વિસ્તારોના ગામડાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. અનેક લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને સાલેમ જિલ્લામાં આવેલા મેટ્ટુર ડેમની સપાટી વધી ગઇ છે અને પાણી છોડાઇ રહ્યું છે. હવામાન વિભાગે આગામી નવમી તારીખ સુધી બેંગાલુરુ સહિતના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરી છે તેથી પરિસ્થિતિ વધુ કફોડી બનવાની ભીતિ છે.
– ગુજરાત આજે ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું છે, આ એવું રાજ્ય છે જયાં આંદોલન માટે પણ પરમિશન લેવી પડે છે
અમદાવાદ : કન્યાકુમારીથી ભારત જોડો પદયાત્રાના આરંભ અગાઉ અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલન સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાકે, એક બાજુ, સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં આવે છેને બીજી બાજુ, એ જ સરદારની વિચારધારા પર આક્રમણ કરવામાં આવે છે.એ વિચારધારાનુ અપમાન કરાય છે.
રાહુલ ગાંધીએ પણ વાયદો કર્યો હતોકે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો, ખેડૂતોનુ ત્રણ લાખ રૂપિયા સુધીનુ દેવુ માફ કરાશે.દિકરીઓને મફત શિક્ષણ અપાશે જયારે ૩૦૦ યુનિટ વીજળી મફત અપાશે. આ ઉપરાંત બુથ કાર્યકરોને રાહુલ ગાંધીએ જીતનો મંત્ર આપ્યોકે, ગુજરાતની જનતા આજે ત્રસ્ત બની ગઇ છે. જો પ્રજાલક્ષી પ્રશ્નોને આગળ ધરીને લડાયક બનીને ચૂંટણી લડશો તો કોંગ્રેસની સરકાર નક્કી છે.
સરદાર પટેલ એ કોઇ વ્યક્તિ નહી પણ એ દેશના ખેડૂતોનો અવાજ હતો. તેમના મોઢામાંથી જે નીકળતુ તે ખેડૂતોના હિતમાં હતુ. જો સરદાર ન હોત તો અમૂલ ન હોત. તે વાતનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ એવા પ્રહારો કર્યાં કે,મોદી અને આરએસએસના લોકોએ સરદારની દેશની સૌથી ઉંચી પ્રતિમા બનાવી પણ તેઓ જે ખેડૂતો માટે લડયાં તે જગતના તાત માટે કેન્દ્ર સરકારે ત્રણ કાળા કાનૂન લાવી. ભાજપ કહેછેકે, આ ખેડૂતોના હિતમાં છે.હકીકતમાં ખેડૂતોનો હક છિનવવા આ કાયદા લવાયા હતા. સરદારની વિચારધારા પર આક્રમણ થઇ રહ્યુ છે તો પછી વિશાળ મૂર્તિનો શો અર્થ. મારે તમને પુછવુ છેકે, આજે સરદાર હોત તો શુ ઉદ્યોગપતિના દેવા માફ કરત કે પછી ખેડૂતોના..સરદાર પટેલે જ ગુજરાતમાં લોકતાંત્રિક સંસ્થાઓ ઉભી કરી હતી. જેના માટે સરદાર સાહેબ સમગ્ર જીવન લડયા તેને ભાજપ-આરએસએસ અપક્વી શક્યા નહી.
રાહુલ ગાંધીએ ભાજપ સરકારને આડે હાથે લેતા કહ્યું કે, ગુજરાત આજે ડ્રગ્સનુ સેન્ટર બન્યુ છે. કોઇ સામાન્ય વ્યક્તિ પાસે ડ્રગ્સ પકડાય તો કાર્યવાહી થાય છે પણ મુંદ્રા પોર્ટ પરથી કરોડોનુ ડ્રગ્સ પકડાય તો પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી. ઉદ્યોગપતિઓને હજારો એકર જમીનોની લ્હાણી કરી દેવાય છે જયારે ગરીબ આદિવાસી તેના હકની જમીન માંગે તો તેને મળતી નથી. લોકતંત્ર પર જ નહીં, ગુજરાતની જનતા પર આક્રમણ થઇ રહ્યુ છે પણ કોઇ બોલી શકતુ નથી. ગુજરાત માત્ર એવુ રાજ્ય છે જયાં આંદોલન માટે પણ પરમિશન લેવી પડે છે. શું સરદાર પટેલે અંગ્રેજો સામે લડવા માટે પરમિશન લીધી હતી. નાના ઉદ્યોગો ગુજરાતની તાકાત છે પણ જીએસટી-નોટબંધીને લીધે ઘણુ સહન કરવુ પડયુ છે. કોઇ વેપારીને પુછી જોજો,શું ફાયદો થયો.જવાબ મળશે. રાહુલ ગાંધીએ કાર્યકરોને બબ્બર શેર ગણાવી જોમ જુસ્સો આપતાં કહયુકે, તમે જે લડાઇ લડી રહ્યાં છો તે રાજકીય પાર્ટી સાથેની લડાઇ નથી બલ્કે વિચારધારાની લડાઇ છે. તમે કોની સામે લડી રહ્યાં છો તે સમજવુ પડશે.તેમણે જીતનો મંત્ર આપ્યો કે, ગત વખતની જેમ લડાયક બનીને ચૂંટણી લડશો તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નક્કી રચાશે.
છેલ્લે રાહુલ ગાંધીએ ચૂંટણી વાયદો કર્યોકે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો, બધાય ખેડૂતોનુ દેવુ માફ કરાશે. કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂા.૪ લાખ વળતર અપાશે.૩૦૦ યુનિટ સુધી વીજળી મફત અપાશે. ૩ હજાર નવી અંગ્રેજી શાળા ખોલાશે. કન્યાઓને મફત શિક્ષણ અપાશે. ગેસ સિલિન્ડર માત્ર રૂા.૫૦૦માં અપાશે. ગુજરાતમાં આખેઆખી સરકાર બદલવી પડી એ જ દેખાડે છેકે, ભ્રષ્ટાચાર કેટલો થયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આક્ષેપ કર્યાંકે, છેલ્લાં ૨૭ વર્ષના ભાજપના શાસનમાં ગુજરાતની જનતા દુખી છે. ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા જ મુખ્યમંત્રી થી માંડીને બધાય મંત્રીઓ બદલવા પડયા હતાં. ગત ચૂંટણીમાં અમિત શાહ કહેતાં હતાંકે, ૧૫૦ બેઠકો આવશે.કોંગ્રેસ તો લડાઇમાં જ નથી. પણ માત્ર ૯૯ બેઠકો જ આવી હતી. પ્રભારી ડૉ.રઘુ શર્માએ પણ ડબલ એન્જિનની સરકારને ખોટકાયેલુ એન્જિન ગણાવીને આકરી ટીકા કરી હતી. પ્રદેશ પ્રખુખ જગદીશ ઠાકોરે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતાં. સભા સંબોધન બાદ રાહુલ ગાંધીએ ગાંધીઆશ્રમમાં મહાત્મા ગાંધીને પ્રતિમાને પુષ્પાજંલિ પણ અર્પી હતી.
નેટ બૅન્કિંગ અને ક્રેડિક કાર્ડ પેમેન્ટ કરવા ગેટ વેનો ઉપયોગ કરનારે કન્વિનિયન્સ ચાર્જ ચૂકવવો પડશે
કન્વિનિયન્સ ચાર્જ તરીકે ૧૦૦ રૃપિયે ૮.૫ પૈસા જમા કરાવવાના આવશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર
આવકવેરાના ઇ-ફાઈલિંગના પોર્ટલ પર ક્રેડિટ કાર્ડ કે પછી નેટ બૅન્કિંંગથી પેમેન્ટ એપ પરથી આવકવેરાના નાણાં જમા કરાવનારાઓને ટેક્સ ઉપરાંત ચોક્કસ રકમનો ચાર્જ ભરવાની અને તેના ઉપરાંત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભરવાની પણ જવાબદારી આવી શકે છે. પરિણામે નેટબૅન્કિંગ કે પછી ક્રેડિટ કાર્ડથી આવકવેરાની રકમ જમા કરાવતા પૂર્વે તમારે માથે આવી પડનારી અન્ય જવાબદારીઓને પણ વિચારક રવો જરૃરી છે.
આવકવેરા ખાતાએ ઇ-ફાઈલિંગનું નવું પોર્ટલ ચાલુ કર્યું છે. તેના પર કોઈ વ્યક્તિગત કરદાતા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને ઇન્કમ ટેક્સ જમા કરાવશે તો તેવા સંજોગોમાં તેમણે ચોક્કસ ચાર્જ જમા કરાવવો પડશે. એક કાલ્પનિક ઉદાહરણ આપીને વાત કરીએ તો રૃા. ૧૦,૦૦૦નો ટેક્સ જમા કરાવનારે પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવા માટે રૃા. ૧૦૦નો સર્વિસ ચાર્જ અને તેના પર નક્કી કરેલા દરે જીએસટી પણ જમા કરાવવો પડશે. આ ચાર્જને કન્વિનિયન્સ ચાર્જ તરીકે ઓળખાવવામાં આવશે. કયા કયા મોડથી પેમેન્ટ કરવામાં આવે તો ચાર્જ લાગશે તે અંગે હજી હવે નિર્ણય લેવામાં આવશે.
બેન્ક દ્વારા લેવામાં આવતા ટ્રાન્ઝેક્શન ચાર્જ પર નજર નાખવામાં આવે તો નેટબૅન્કિંગથી પેમેન્ટ કરવા માટેની સુવિધા-સગવડ પૂરી પાડવા માટેના ચાર્જ તરીકે એચડીએફસી રૃા.૧૨, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૃા. ૯, સ્ટેટ બૅન્ક અને એક્સિસ બૅન્ક રૃા. ૭-૭ વસૂલે છે. તેના પર ૧૮ ટકાના દરે જીએસટી પણ લેવૈામાં આવે છે.
કન્વિનિયન્સ ચાર્જ પેટે ૦.૮૫ ટકા લેવામાં આવે છે. આ ચાર્જને કેન્દ્રમાં રાખીને વિચાર કરવામાં આવે તો રૃા. ૪૦,૦૦૦ આવકવેરા પેટે નેટબેન્કિંગ કે પછી ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરનારાઓએ ૩૪૦ રૃપિયા કન્વિનિયન્સ ચાર્જ તરીકે ચૂકવવા પડશે. તેમ જ તેના પર ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. આ સંજોગોમાં તેમણે જીએસટીના બીજા અંદાજે રૃા. ૬૦ મળીને કુલ ૃા. ૪૦૦નો ચાર્જ કન્વિનિયન્સ ચાર તરીકે ચૂકવવો પડશે. આમ સરેરાશ ટેક્સની રકમના એક ટકા જેટલો ચાર્જ તેમણે કન્વિનિયન્સ ચાર તરીકે ચૂકવવાની નોબત આવી શકે છે.
આમ ટેક્સની રકમ વધતી જાય તેમ તેમ આ ચાર્જ વધી શકે છે. ઇન્કમટેક્સના નવા પોર્ટલ પર પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને આવકવેરો ચૂકવનારાઓને માથે આ જવાબદારી આવશે. તેમાંય ખાસ કરીને નેટ બૅન્કિંગ કે પછી ક્રેડિટ કાર્ડથી ટેકસ જમા કરાવનારાઓએ આ વધારોનો બોજ વેંઢારવાનો આવશે. હા, અધિકૃત કરેલી બેન્કોના ક્રેડિટ કાર્ડ જ આ પેમેન્ટ માટે માન્ય ગણાશે. પેમેન્ટ માટે જે બૅન્કોના ક્રેડિટ કાર્ડ અધિકૃત ગણાય છે તેમાં કોટક મહિન્દ્રા બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા અને ફેડરલ બેન્કનો સમાવેશ થાય છે. એનએસડીએલની વેબસાઈટ પર જઈને આવકવેરો જમા કરાવવામાં આવશે તો તેને માટે કરદાતાઓ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહિ.
– મૂર્તિ પૂજા કરનારી રૂબી ખાન ઈસ્લામ વિરોધી : દેવબંધ મુફ્તિનો ફતવો, લોકોએ કહ્યું, સલમાન ખાન સામે પણ ફતવો જાહેર કરીને બતાવો
અલીગઢ : ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની ઉપાધ્યક્ષ રૂબી ખાને ગણેશ પૂજન કર્યું હતું. ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કર્યું હતું. એનો વીડિયો સામે આવ્યો તે પછી દેવબંધના મુફ્તિએ રૂબી ખાન સામે ફતવો બહાર પાડયો હતો અને તેને ઈસ્લામ વિરોધી ગણાવી હતી.
ગણેશ ચતુર્થીએ અલીગઢમાં ભાજપના મુસ્લિમ નેતા રૂબી ખાને ઘરમાં ગણેશ ભગવાનનું સ્થાપન કર્યું હતું અને ગણેશપૂજન કર્યું હતું. આખો પરિવાર ગણેશ ભગવાનની પૂજા કરતો હોય અને લાડુનો પ્રસાદ ધરાવતો હોય એવો વીડિયો પણ શેર કર્યો હતો.
મુસ્લિમ પરિવારે ગણેશ પૂજન કર્યું એનો વીડિયો સામે આવ્યો પછી કેટલાક કટ્ટરવાદીઓએ એનો વિરોધ કર્યો હતો. દેવબંધના મુફ્તિ અરશદ ફારૂકીઅ એક નિવેદનમાં કહ્યું હતું કે ગણેશ ભગવાન હિન્દુધર્મમાં પૂજનીય છે અને જ્ઞાાન, સુખાકારી, સમૃદ્ધિના દાતા છે. પરંતુ ઈસ્લામમાં મૂર્તિ પૂજા થતી નથી. તેથી મૂર્તિ પૂજા કરનારા ઈસ્લામ વિરોધી છે. એવું કરનારા સામે જે હુકમ જાહેર થાય છે એવો જ હુકમ રૂબી ખાન સામે પણ જાહેર થવો જોઈએ. મૂર્તિ પૂજા કરનારા ઈસ્લામના વિરોધી છે એટલે રૂબી ખાન પણ ઈસ્લામની વિરોધી છે.
આ ફતવા પછી રૂબી ખાને કટ્ટરવાદીઓની ઝાટકણી કાઢી હતી. રૂબી ખાને કહ્યું હતું કે તેને આવા ફતવાની કોઈ જ પરવા નથી. આવા ફતવાથી દેશમાં ભાગલા પડે છે. આપણાં દેશમાં હિન્દુ-મુસ્લિમ એક થઈને રહે છે. એ જ આપણી સદીઓ જૂની પરંપરા રહી છે.
સાચા મુસ્લિમો આ ભાષામાં વાત કરતા નથી. લોકોએ રૂબી ખાનના સમર્થનમાં કટ્ટરવાદી ધાર્મિક નેતાઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે રૂબી ખાન જેમ ઘરમાં ગણેશ સ્થાપન અને પૂજા કરે છે, એમ સલમાન ખાન પણ કરે છે. મુફ્તિઓ અને મૌલાનાઓ સલમાન ખાન સામે ફતવો જાહેર કરી બતાવે.
દુબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિય કપની સુપર ફોરની મેચ આવતીકાલે ભારતીય સમય પ્રમાણે સાંજે ૭-૩૦થી રમાશે.
આ ટુર્નામેન્ટની ગુ્રપ ‘એ’ની મેચમાં ભારતે હાર્દિક પંડયા અને જાડેજાની બેટિંગ અને ભુવનેશ્વર કુમારની બોલિંગને સહારે પાકિસ્તાનને આખરી ૨૦મી ઓવરમાં ચોથા બોલે પરાજય આપ્યો હતો.
પાકિસ્તાને ગુ્રપ મેચમાં શુક્રવારે હોંગકોંગને જે રીતે પરાજય આપ્યો તેનાથી ભારત સામેની કાલની મેચમાં જુસ્સો વધારે જોવા મળશે.
પાકિસ્તાને ૧૯૩ રન બે વિકેટ ગુમાવીને કર્યા બાદ હોંગ કોંગને ૩૮ રનમાં જ ખખડાવ્યું હતું. તેની તુલનામાં ભારત સામે હોંગ કોંગે પરાજય છતા સન્માનજનક દેખાવ કર્યો હતો.
ભારત તેની ટીમમાં ઈજાગ્રસ્ત જાડેજાના સ્થાને અક્ષર પટેલ કે અશ્વિનને સમાવી શકે છે. ફાસ્ટર આવેશ ખાનની જગ્યાએ પણ એક બોલર સ્થાન પામશે. કે. રાહુલના ફોર્મ પર નજર રહેશે. રોહિત શર્મા અને કોહલીએ આગવા પ્રભુત્વ સાથે રમવાનું છે. પંતને કઈ રીતે સ્થાન અપાય છે તે જોવાનું રહેશે.
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ચીનની લોન એપ કેસમાં ડિજિટલ પેમેન્ટ કંપનીઓ પેટીએમ, રેઝરપે અને કેશ ફ્રીના પરિસરો પર દરોડા પાડયા હતા. ચીનના લોકો દ્વારા નિયંત્રિત ‘ગેરકાયદે’ ઈન્સ્ટન્ટ સ્માર્ટફોન આધારિત લોન સાથે સંકળાયેલા કેસમાં ઈડીએ પીએમએલએની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી છે. ઈડીએ જણાવ્યું કે શુક્રવારે બેંગ્લુરુમાં પેમેન્ટ ગેટવે કંપનીઓના છ સ્થળો પર દરોડાથી શરૂઆત કરાઈ હતી. ઈડીએ દરોડા દરમિયાન મર્ચન્ટ આઈડી અને ચીનના લોકો તરફથી નિયંત્રિત કંપનીઓના બેન્ક એકાઉન્ટ્સમાં રખાયેલા ૧૭ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. વધુમાં ઈડીના દરોડા હજુ ચાલુ છે.
કેટલીક કંપનીઓ ઓનલાઈન એપના માધ્યમથી લોન્સ આપે છે. આ કંપનીઓ ગેરકાયદે રીતે કામ કરી રહી હતી. તેમાંથી મોટાભાગની ચીની એપ્સ છે. ઈડી આ સોદાઓમાં મની લોન્ડરિંગની સંભાવનાઓની તપાસ કરી રહી છે. ઈડીનું કહેવું છે કે કેટલીક કંપનીઓ ગેરકાયદે રીતે કમાણી કરી રહી છે. તેઓ ભારતીયોના દસ્તાવેજનો ગેરકાયદે ઉપયોગ કરી તેમને ડમી નિર્દેશક બનાવીને આવું કરી રહી છે.
ઈડીનું કહેવું છે કે એપ આધારિત ‘ગેરકાયદે’ ઈન્સ્ટન્ટ લોન કેસમાં એપ કંપનીઓનું નિયંત્રણ ચીની લોકોના હાથમાં છે. આ કંપનીઓ પેમેન્ટ ગેટવે અને બેન્કો પાસે રખાયેલા વિવિધ મર્ચન્ટ આઈડી તથા ખાતાના માધ્યમથી શંકાસ્પદ અને ગેરકાયદે વ્યવસાય કરી રહી હતી. રેઝરપે પ્રાઈવેટ લિમિટેડ, કેશફ્રી પેમેન્ટ્સ અને પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ સાથે જ ચીની લોકો દ્વારા નિયંત્રિત કંપનીઓની તપાસ ચાલી રહી છે.
ઈડીએ કહ્યું કે તેનો મની લોન્ડરિંગ કેસ બેંગ્લુરુ પોલીસના સાઈબર ક્રાઈમ સ્ટેશન દ્વારા દાખલ કરાયેલી ૧૮ એફઆઈઆર પર આધારિત છે. ઈડીએ એમ પણ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અનેક ચીની લોન એપ કંપનીઓ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની એમસીએની વેબસાઈટ પર નોંધણી કરાવાયેલ સરનામા પર કામ નથી કરી રહી. તેઓ નકલી સરનામા પરથી ઓપરેટ કરી રહી છે. વધુમાં આ કેસ એવી કંપનીઓ અને વ્યક્તિઓ વિરુદ્ધ છે, જેઓ મોબાઈલ એપના માધ્યમથી નાની રકમની લોન લેનારા લોકો પાસેથી બળજબરીથી વસૂલી કરી રહી છે અને તેમનું શોષણ કરી રહી હતી.
ભારતમાં લોન એપથી છેતરપિંડી અને બદનામી થયા પછી આત્મહત્યાના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં ચીની નાગરિકોની સંડોવણી સામે આવી છે. તાજેતરમાં જ તામિલનાડુ પોલીસે લોન એપ કૌભાંડ પકડી પાડયું હતું. પોલીસે ચીનના બે નાગરિક સહિત ચાર આરોપીઓની ધરપકડ પણ કરી હતી.
દેશમાં ઝડપથી સાઈબર ક્રાઈમના કેસ વધ્યા છે અને લોકો મોટી સંખ્યામાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. એપથી તુરંત મળી રહેલી લોન લોકોને દેવાની જાળમાં ફાસવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ જાન્યુઆરી અને ફેબુ્રઆરી ૨૦૨૧ વચ્ચે ૮૧ એપ સ્ટોરની તપાસમાં જણાયું હતું કે તે સમયે ભારતમાં ૧,૧૦૦થી વધુ ડિજિટલ લોન એપ હયાત હતી. તેમાંથી આરબીઆઈએ લગભગ ૬૦૦ એપને ગેરકાયદે ગણાવી હતી. આરબીઆઈના નિર્દેશ પછી ગૂગલ પ્લે સ્ટોરને આ એપને પ્લે સ્ટોરથી હટાવવા નિર્દેશ પણ આપ્યા હતા.
– પંચમહાલથી અંબાજી ચાલતા જતા પગપાળા સંઘને અરવલ્લીના માલપુરમાં કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો
– રાજ્ય સરકારે મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે
ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે 2/9/22 અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે અડફેટે લેતા 1 સ્થાનિક વ્યક્તિ સહિત કુલ 7 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં કુલ 6 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને માલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે.
પંચમહાલથી અંબાજી ચાલતા જતા પગપાળા સંઘને અરવલ્લીના માલપુરમાં કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો. એક ઈનોવા કાર ચાલકે 12 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
અકસ્માત અંગે મળી રહેલી પ્રાથમિક વિગતો મુજબ, પદયાત્રીઓ રોડ પર ચાલી રહ્યા હતા આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઈનોવા કારે તેમને ફંગોળ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના બોનેટનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.