
આગામી મંગળવારથી શરૂ થઇ રહેલા ગણેશોત્સવને અનુલક્ષીને સુરતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મુંબઇની તર્જ પર સુરતમાં પણ ગણેશોત્સવની ધામધૂમ જોવા મળી રહી છે, આ દરમિયાન ગણપતિ બાપ્પાનું મુંબઇ સેન્ટ્રલથી સુરત શતાબ્દી ટ્રેનમાં ટ્રાવેલિંગની ઘટનાએ કુલીઓથી લઇને મુસાફરોમાં ભારે કૂતુહલ જગાડ્યું હતું અને ગણપતિ બાપ્પા સાક્ષાત મુસાફરી કરી રહ્યા હોય એ રીતે મુસાફરોએ અનુભૂતિ કરી હતી. શતાબ્દી ટ્રેનના લગભગ દરેક મુસાફરોએ બાપ્પા જે કોચમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યાં જઇને દર્શન-પૂજન કર્યા હતા.
ગણેશોત્સવ દરમિયાન અનેક પરિવારો છે જેઓ પ્યોર માટીના ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનો આગ્રહ રાખે છે અને મહારાષ્ટ્ર મુંબઇમાં એવા ગણેશ મૂર્તિકારો છે જે ફક્ત આવા ભાવિકો માટે ગણેશજીની માટીની મૂર્તિ બનાવે છે. સુરતના ભૂલકાવિહાર સ્કુલના ટ્રસ્ટી કેતન વકીલ અને મીતા વકીલે આ રીતે જ મુંબઇથી પ્યોર માટીના ગણપતિની મૂર્તિ તૈયાર કરાવડાવી હતી. મૂર્તિ તૈયાર થઇ ગયા બાદ તેમણે ગણપતિ બાપ્પાને સુરત લાવવા માટે ખાસ મુંબઇ સેન્ટ્રલથી ઉપડતી રાજધાની સુપરફાસ્ટ ટ્રેનમાં થ્રી ટાયર એસીમાં ટિકીટ બુક કરાવી હતી.

ગણપતિ બાપ્પાની મૂર્તિને મુંબઇ સેન્ટ્રલ પર લાવવામાં આવી ત્યારે કુલીઓ પણ બાપ્પાની મૂર્તિ જોઇને ગદગદિત થઇ ગયા હતા અને તેમણે બાપ્પાને એસ્કોર્ટ કરીને છેક કોચમાં તેમની સીટ બિરાજમાન થયા ત્યાં સુધી તેમની સાથે રહ્યા. બીજી તરફ ગણપતિ બાપ્પા રાજધાનીમાં ટ્રાવેલિંગ કરી રહ્યાની વાત સમગ્ર મુંબઇ સેન્ટ્રલ અને રાજધાનીમાં ટ્રાવેલ કરી રહેલા મુસાફરો સુધી પહોંચી હતી, જેને લઇને જાણે બાપ્પા સાક્ષાત ટ્રાવેલિંગ કરતા હોય તે રીતે લગભગ દરેક કોચમાંથી મુસાફરોએ સમગ્ર ટ્રાવેલિંગ દરમિયાન બાપ્પાના દર્શન પૂજન કર્યા હતા. રાજધાની ટ્રેનમાં મુંબઇ સેન્ટ્રલથી સુરત સ્ટેશન સુધીની સફર જાણે બાપ્પામય બની ગયાની અનુભૂતિ પેસેન્જરોએ કરી હતી.
બાપ્પા @ મુંબઇ સેન્ટ્રલ
















