છેલ્લા અઠવાડિયાથી અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેને કારણે લોકલ સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર ગંભીર અસર થઈ હતી. આજે અપેક્ષા પ્રમાણે વરસાદ નહીં પડતા મુંબઈની ત્રણેય (પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઈન) લાઈનની લોકલ ટ્રેનસેવા મોડી પણ રેગ્યુલર દોડાવાઈ હતી. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-વિરાર સુધીની ટ્રેનસેવા પર બ્રેક વાગી હતી, જ્યારે મધ્ય રેલવેમાં મુંબઈ-પુણે રેલ રુટ પણ મંગળવારે મોડી રાતે શરુ થાય એવી શક્યતા છે. આ ઉપરાંત, મુંબઈ સહિત પાલઘર જિલ્લામાં ભારે વરસાદને કારણે લાંબા અંતરની મુંબઈથી અમદાવાદ/સૌરાષ્ટ્રની 49 મેલ-એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી જેનો ફટકો પ્રવાસીઓને પડ્યો હતો.
ભારે વરસાદનો ફટકો ફરી એકવાર લોકલ ટ્રેન સેવાને પડ્યો છે. પશ્ચિમ રેલવેએ હાલમાં ચર્ચગેટથી વસઈ રોડ વચ્ચે જ લોકલ સેવા ચાલુ છે, જ્યારે વસઈ રોડથી વિરાર વચ્ચેની લોકલ સેવા આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવી છે. નિર્ધારિત માત્રા કરતા વધુ પાણી ટ્રેક પર હોવાથી લોકલની ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવી છે. ચર્ચગેટથી વસઈ વચ્ચે લોકલ ટ્રેનો દોડાવાય છે, પરંતુ એ અંદાજે અડધો કલાક મોડી દોડી રહી છે. વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર પશ્ચિમ રેલવે પ્રશાસન સતત નજર રાખી રહ્યું છે અને વરસાદનું જોર ઘટતાં જ લોકલ સેવા પૂર્વવત્ (સામાન્ય) કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ હોવાની માહિતી રેલવે પ્રશાસને જણાવ્યું હતું.
છેલ્લા બે દિવસથી મુંબઈ સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઉભી થઈ હતી. જેમાં વસઈ-વિરાર, નાલાસોપારા સંપૂર્ણપણે જળમગ્ન બન્યા હતા. આ વિસ્તારોમાં આવેલા ઘરો, દુકાનોમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી, જેથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અહીંના વિસ્તારોમાં લગભગ 24 કલાક પછી વીજસેવા પૂર્વવત્ બની હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, હજુ પણ અનેક સોસાયટી જળમગ્ન બની છે, તેનાથી સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.
હવામાન વિભાગ દ્વારા પાલઘર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, અને આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરિણામે સાવચેતીના ભાગરૂપે જિલ્લાની સ્કૂલ-કોલેજ પણ બંધ રાખવામાં આવી હતી, પરંતુ આજે અપેક્ષા પ્રમાણે વરસાદ પડ્યો નહોતો, જેથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.
આ લોકલ ટ્રેન સેવાઓ પર અસર થતા સાંજના સમયે મુસાફરી કરતા પ્રવાસીઓને અસર થઈ હતી, જેમાં વિરાર, નાલાસોપારા, વસઈ જેવા વિસ્તારોમાં લોકલ ટ્રેન સેવાઓમાં વિલંબ જોવા મળતા પ્રવાસીઓને બસ, ટેક્સી અને ઓનલાઇન કેબ સર્વિસ પર નિર્ભર રહેવું પડ્યું હતું, જેના લીધે માર્ગ પરિવહન વધતા ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હતી.
બે દિવસના ભારે વરસાદ વચ્ચે પશ્ચિમ રેલવેમાં મંગળવારે સવાર સુધીમાં 49 ટ્રેન રદ કરવામાં આવી હતી, જ્યારે 23 ટ્રેનને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાતમાં ભિલાડથી બોરીવલી, ભિલાડથી વાપી, સંજાણથી મુંબઈ, વાપીથી મુંબઈ, વલસાડથી મુંબઈ એમ કુલ 17 બસ મારફત 1,020 પ્રવાસીને તેમના ડેસ્ટિનેશન પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે 7135 પ્રવાસીને કુલ 52.65 લાખનું રિફંડ ચૂકવ્યું હતું.
પુણેમાં ભૂસ્ખલન પછી મુંબઈ-પુણે રેલ વ્યવહાર ખંડિત થયા પછી મંગળવારે મોડી રાતના કદાચ ટ્રેનવ્યવહાર શરુ થઈ શકે છે. હાલના તબક્કે રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જેમાં એક લાઈન શરુ કરી છે, પરંતુ બીજી અને ત્રીજી માટે હજુ સમય લાગી શકે છે. મંગળવારે બપોર સુધીમાં 17 ટ્રેન રદ કરી છે, જ્યારે એક ટ્રેન આંશિક રદ કરી છે. બીજી ત્રણ શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે. રદ કરેલી ટ્રેનમાં પુણે-સીએસએમટી ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વિન, ઈન્ટરસિટી, ઈન્દ્રાયણી એક્સપ્રેસ, સિંહગઢ એક્સપ્રેસ સહિત પુણે-સોલાપુર ટ્રેન વગેરે રદ રાખી હતી. બીજી બાજુ 80,000 પ્રવાસીને રેલવેએ લગભગ 6 કરોડનું રિફંડ આપ્યું છે.
નોટિંગહામ ખાતે ઇંગ્લેન્ડ સામેની 3જી T20 મેચમાં ભારતને 125 રને શરમજનક હાર મળી. ઇંગ્લેન્ડે 201 રન કર્યા, જેમાં સોલ્ટના 70 અને કરનના 41 રન હતા. જવાબમાં ભારત માત્ર 76 રનમાં ઓલઆઉટ થયું. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં આ T20 ઇતિહાસમાં ભારતની સૌથી મોટી હાર છે, જેનાથી શ્રેણી જીતવાની આશા સમાપ્ત થઈ.
IND vs ENG 3rd T20I: ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને આ ફોર્મેટની અત્યાર સુધીની સૌથી શરમજનક અને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રને હરાવીને 5 મેચોની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. આ હાર સાથે શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની ભારતીય ટીમે શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી છે, હવે ભારત માત્ર આ શ્રેણી ડ્રો કરાવી શકે તેમ છે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે ઓપનર ફિલ સોલ્ટની દમદાર 70 રનની (44 બોલ, 7 ચોગ્ગા, 3 છગ્ગા) ઇનિંગ અને કેપ્ટન જોસ બટલરના 36 રનની મદદથી ઝડપી શરૂઆત કરી હતી. અંતિમ ઓવરોમાં સેમ કરને 24 બોલમાં અણનમ 41 રન ફટકારીને ઇંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 201 રન સુધી પહોંચાડ્યો હતો. ભારત તરફથી પ્રિન્સ યાદવ અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ ઝડપી હતી.
202 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પેસ એટેક સામે માત્ર 11.4 ઓવરમાં જ 76 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. T20 ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ ભારતની આ સૌથી મોટી હાર છે. આ પહેલા 2019માં ન્યૂઝીલેન્ડે ભારતને 80 રને હરાવ્યું હતું. આ ઉપરાંત, 76 રન એ ભારતનો T20માં બીજો સૌથી ઓછો સ્કોર છે (સૌથી ઓછો સ્કોર 2008માં 74 રન છે).
ભારતનો કોઈ પણ બેટ્સમેન 15 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ડેબ્યુટન્ટ વૈભવ સૂર્યવંશીએ 5 બોલમાં 2 છગ્ગા સાથે 13 રન અને ઇશાન કિશને 13 રન બનાવ્યા હતા. કેપ્ટન અય્યર માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે 4 વિકેટ અને જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી ભારતીય બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. આર્ચરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. હવે શ્રેણીની આગામી મેચો 9 અને 11 જુલાઈએ રમાશે.
મુંબઈમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભૂસ્ખલન અને રસ્તાઓ ધોવાઈ જવાથી હજારો મુસાફરો ફસાયા છે. IMDએ ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરતાં શાળાઓ-કૉલેજો બંધ રખાઈ છે. નાસિકમાં વાદળ ફાટવાની ચેતવણીથી મંદિરો બંધ કરાયા છે. કાશ્મીર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે.
મુંબઈ ટાપુ બન્યું, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને શહેરમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. આટલું જ નહીં કુદરતી પ્રકોપના કારણે અનેક મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રેલવે ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે હજારો મુસાફરો અધવચ્ચે ફસાઈ ગયા છે. સ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે કે માયાનગરી મુંબઈ હાલ એક ટાપુમાં ફેરવાઈ ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. બીજી તરફ માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશના અન્ય હિસ્સાઓમાં પણ અતિભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ભારે તારાજીના અહેવાલો મળી રહ્યા છે.
સતત ત્રણ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોની રફતાર પર બ્રેક લગાવી દીધી છે. ભારે વરસાદના કારણે દેશની આર્થિક રાજધાનીને ભારતના અન્ય ભાગો સાથે જોડતાં મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે અને રેલવે લાઇનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે હજારો યાત્રી ફસાઈ ગયા છે.
ભારે વરસાદના કારણે સોમવાર સવાર સુધીમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઇવે અને મુંબઈ-કોંકણ રૂટ કાં તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તેના પર કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે ઈન્ટરસિટી મુવમેન્ટ લગભગ અટકી ગયો હતો.
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામ
મુંબઈ-અમદાવાદ હાઇવે પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. વહીવટી તંત્ર દ્વારા પૂરના પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ પાણીનું સ્તર વધુ હોવાના કારણે વાહનોની અવરજવર અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. બીજી તરફ કોંકણ રૂટ પર નાગોઠણે નજીક પરિસ્થિતિ વધુ વણસી છે. અહીં રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ જવાના કારણે મુસાફરો છેલ્લા 24 કલાક કરતાં પણ વધુ સમયથી ફસાયેલા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈમાં અતિભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરીને ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે મુંબઈની તમામ સરકારી, પ્રાઇવેટ તેમજ સિવિક સ્કૂલો અને કૉલેજોમાં મંગળવારે રજા જાહેર કરી દેવામાં આવી છે.
IMDએ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, ઈગતપુરી અને જિલ્લાના આસપાસના પશ્ચિમી વિસ્તારોમાં વાદળ ફાટવાની ચેતવણી આપી છે. આ ગંભીર ચેતવણીને પગલે નાસિમાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના પગરૂપે તંત્ર દ્વારા તમામ સ્કૂલો, કૉલેજો, સાપ્તાહિક બજારો તેમજ પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર અને સપ્તશ્રૃંગી માતાજીના મંદિર સહિતના મોટા મંદિરોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના થાત્રી વિસ્તારમાં પણ વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ આવેલા પાણીના પ્રચંડ પ્રવાહની ઝપેટમાં આવવાના કારણે અનેક વાહનો અને મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ કુદરતી હોનારતને પગલે સ્થાનિક રસ્તાઓ પર મોટા પ્રમાણમાં કાટમાળ અને કાદવ જમા થઈ ગયો છે.
IMDએ સમગ્ર ઓડિશામાં મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખરાબ હવામાનના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કાંગડા, મંડી, સિરમૌર અને શિમલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ ઉપરાંત ઉના, બિલાસપુર, હમીરપુર, સોલન અને કુલ્લુ જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદના કારણે મુંબઈ બન્યું ‘વર્ચ્યુઅલ ટાપુ’! ત્રણ તરફથી સંપર્ક તૂટ્યો, ટ્રેનો ઠપ, હાઈવે બંધ
મહારાષ્ટ્રમાં 3 દિવસના ભારે વરસાદે મુંબઈ સહિત પડોશી વિસ્તારોને ઘેરી લીધા છે. મુંબઈ-પુણે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે, જેથી હજારો મુસાફરો અટવાયા છે. 13 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીએ NDRF ટીમો તૈનાત કરી બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત અને ભારે વરસાદે મુંબઈ સહિતના પડોશી વિસ્તારોને બાનમાં લીધા છે. ભારતના આ આર્થિક પાટનગરને અન્ય રાજ્યો સાથે જોડતી સડક અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જેના કારણે હજારો મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરીને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
મુખ્ય હાઈવે ઠપ્પ કરોડોના ખર્ચે બનેલી ‘મિસિંગ લિંક’ પર ભૂસ્ખલન
સોમવાર સવાર સુધીમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને મુંબઈ-કોંકણ રૂટ પર વાહનવ્યવહાર કાં તો સંપૂર્ણ બંધ કરી દેવાયો છે અથવા તેના પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે: માત્ર બે મહિના પહેલાં જ શરૂ કરાયેલી 13 કિલોમીટર લાંબી ‘મિસિંગ લિંક’ બાયપાસ પર ટનલ 2 ના એક્ઝિટ પાસે ભારે ભૂસ્ખલન થયું હતું. રાષ્ટ્રપ્રમુખ શાસન પદ્ધતિ ન હોવા છતાં, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને ‘અભૂતપૂર્વ’ ગણાવી હતી, કારણ કે ત્યાં અંદાજે 100 ટન જેટલો કાટમાળ ખડકાયો હતો. જો કે, મોડી સાંજે આ રૂટ ફરી શરૂ કરાયો હતો.
મુંબઈ-અમદાવાદ હાઈવે: ભારે જળબંબાકારને કારણે આ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પાણી નિકાલની કામગીરી ચાલુ હોવા છતાં વાહનોની ગતિ અત્યંત ધીમી છે.
કોંકણ રૂટ: નાગોઠણે નજીક પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી અટવાયા છે.
ભૂસ્ખલન અને પાટા પર પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલવે (Western Railway) અને સેન્ટ્રલ રેલવેની સેવાઓ પર માઠી અસર પડી છે. પુણે અને મુંબઈ વચ્ચે ઠાકુરવાડી અને મંકી હિલ સેક્શનમાં ભૂસ્ખલન થતાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે. ગુજરાત તરફથી મુંબઈ જતી અનેક ટ્રેનોને અધવચ્ચે જ રોકી દેવી પડી છે, જેથી મુસાફરો કલાકો સુધી કોચમાં ફસાયેલા રહ્યા છે. પશ્ચિમ રેલવેની 20 થી વધુ લાંબા અંતરની ટ્રેનો મુંબઈ અને દક્ષિણ ગુજરાત વચ્ચે અટવાઈ છે, જ્યારે 40 થી વધુ સેવાઓને અસર થઈ છે. 10 ટ્રેનો રદ કરાઈ છે અને 8 ના સમયમાં ફેરફાર કરાયો છે.
આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગિરીશ મહાજનના જણાવ્યા અનુસાર, મુંબઈ અને પુણે પ્રદેશમાં છેલ્લા 3-4 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોના મોત નીપજ્યા છે. પુણેના માવળ તહેસીલના પાટણ ગામમાં ભૂસ્ખલનમાં ઘર દબાઈ જતાં બે લોકોના મોત થયા છે, જ્યારે ખેડ વિસ્તારમાં એક વ્યક્તિ પૂરમાં તણાઈ ગઈ છે. પાલઘરમાં માત્ર બે કલાકમાં 300 mm જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યાં તેજ પવનના કારણે રહેણાંક શાળાના પતરા ઉડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. મુંબઈમાં રવિવારે એક જ દિવસમાં 350 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે, જે સમગ્ર સીઝનની સરેરાશ (૮૦૦ વૃક્ષો) કરતાં ઘણી વધારે છે.
હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ, નાસિક અને ત્રિમ્બકેશ્વર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. નાસિકમાં મંગળવારે ‘ક્લાઉડબર્સ્ટ’ (વાદળ ફાટવા) જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે. સરકાર ૮ જુલાઈ સુધી આ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.
NDRF અને SDRF ની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન અને BMC ના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને પર્યટન સ્થળો કે ધોધ નજીક ન જવા અપીલ કરાઈ છે. ખાનગી ઓફિસોને ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) આપવા સલાહ અપાઈ છે, જ્યારે બિન-જરૂરી સરકારી કચેરીઓમાં હાફ-ડે જાહેર કરાયો છે.
સુરત, ૬ જુલાઈ ૨૦૨૬: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે તા. ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે, સરસાણા સ્થિત ‘ઉષાકાંત મારફતિયા હોલ’ ખાતે ‘વેપાર અને ઉદ્યોગને મજબૂત બનાવવાઃ સરકારની યોજનાઓ, વ્યવસાય વિકાસ અને નવી તકો’ વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં લોકસભાના સાંસદ અને CAIT ના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે ઉપસ્થિત રહીને વેપારીઓને વર્તમાન સમયની ટેકનોલોજી અને સરકારી નીતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વેપાર વૃદ્ધિ માટે અપગ્રેડેશન જરૂરી: પ્રમુખ અશોક જીરાવાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “ભારતના આર્થિક વિકાસમાં વેપાર અને ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક નવી યોજનાઓ, સુધારા અને નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આજના સ્પર્ધાત્મક યુગમાં બિઝનેસ ગ્રોથના નવા સ્કોપ તેમજ વેપાર વૃદ્ધિના માર્ગો વિશે જાણવું ઉદ્યોગકારો માટે ખૂબ જરૂરી છે.”
૯૦% વેપારીઓ ML અને AIના જ્ઞાનથી વંચિત: પ્રવીણ ખંડેલવાલ સાંસદ અને CAITના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “ઉદ્યોગકારોએ હંમેશા વેપારમાં વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવી જોઈએ. વેપાર કરતી વખતે સમયની સાથે અપગ્રેડ થવું આવશ્યક છે. હાલમાં સમગ્ર વેપાર ML (મશીન લર્નિંગ) અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થકી થઈ રહ્યો છે, પરંતુ ભારતમાં ૯૦% વેપારીઓને ML અને AI વિશેનું પૂર્ણ જ્ઞાન નથી. ઉદ્યોગકારોએ વેપાર ચલાવવાના જરૂરી ટૂલ્સની સમગ્ર માહિતી રાખવી જોઈએ.”
તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મુદ્રા યોજના, વિશ્વકર્મા યોજના, લખપતિ દીદી યોજના અને ડિજી સખી યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું કે, ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ PLI સ્કીમ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને આગામી સમયમાં ‘વન ટ્રેડ, વન લાયસન્સ’ નિયમ લાગુ થાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.
દિલ્હીમાં ભારતીય વેપાર મહોત્સવ: શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, CAIT અને ITPOના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ‘ભારતીય વેપાર મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ ૭,૦૦૦ સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટોલ રાખ્યા છે. આ મહોત્સવની 40થી વધુ દેશોના ઉદ્યોગકારો મુલાકાત લેશે, જે વેપારની નવી તકો ઊભી કરશે.
આ સેશનમાં ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, પૂર્વ પ્રમુખ અને ટેક્સટાઇલ ટાસ્કફોર્સ કમિટીના ચેરમેન શ્રી આશિષ ગુજરાતી, CAIT ગુજરાતના પ્રમુખ શ્રી પ્રમોદ ભગત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા ગ્રૂપ ચેરમેન શ્રી મનોજ અગ્રવાલે આપી હતી, સંચાલન શ્રી મિતેશ શાહે કર્યું હતું અને અંતમાં માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ આભારવિધિ કરી હતી.
સાઉથ ગુજરાત શિફલી એમ્બ્રોઈડરી એસોસિએશન દ્વારા ૯ મી એજીએમ મળી હતી. જેમાં તમામ મેમ્બરો અને હોદ્દેદારો હાજર રહ્યાં હતાં જેમાં પ્રમુખ પદે અશોકભાઈ મહેતા, ઉપપ્રમુખ પદે નરેશભાઇ લાખાણી , વજુભાઈ પટેલ, સુભાષભાઈ ગંગવાણી, ગોપાલભાઈ હુરિયા , સેક્રેટરી પદે સંજયભાઈ અગ્રવાલ , જોઈન્ટ સેક્રેટરી પદે જતીનભાઇ વાધાણી અને ખજાનચી પદે મનોજભાઈ અગ્રવાલ ની નિમણૂંક કરવામાં આવી હતી.
સંસ્થાના ઉપપ્રમુખ નરેશભાઇ લાખાણી એ કહ્યું હતું કે, છેલ્લાં ૯ વર્ષથી શિફલી એમ્બ્રોઈડરી એસોસિએશન કાર્યરત છે. સંસ્થામાં ૧૪૨ રજીસ્ટ્રર મેમ્બરો છે જ્યારે શહેરમાં શિફલી એમ્બ્રોઈડરી ના ૨૦૦ જેટલા યુનિટો કાર્યરત છે.
હાલ શિફલી વર્કની ડિમાન્ડ ભારત સહિત આંતરાષ્ટ્રીય માર્કેટમાં છે. એક્સપોર્ટમાં શિફલી વર્કનો હિસ્સો ખુબ જ મોટી માત્રામાં છે.
ખાસ કરીને હાલ પેમેન્ટનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે શિફલી એમ્બ્રોઈડરી એસોસએશન દ્વારા પણ મેમ્બરોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ સભ્યોને પરેશાની હોય તો સંસ્થા દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે.આ ઉપરાંત જે વેપારીઓ કારણ વગર ક્લેઈમ કરશે તો તેમની સાથે એસોસિએશનના મેમ્બરો કામ કરશે નહીં તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા તમામ સભ્યોને ઓછા ભાવે કામ ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અને અતિવૃષ્ટિની ચેતવણીને પગલે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વાહનવ્યવહારથી લઈને રેલવે અને શિક્ષણ સંસ્થાઓ સુધીની તમામ સેવાઓ પર વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે.
મુંબઈ-પુણે હાઈવે સંપૂર્ણપણે બંધ
સતત વરસાદ અને લેન્ડસ્લાઈડના જોખમને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે તેમ જ જૂનો મુંબઈ-પુણે હાઈવે બંને માર્ગો પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા આગામી આદેશ સુધી બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોને હાલ આ માર્ગો પર મુસાફરી ન કરવા અને અતિ આવશ્યક કામ હોય તો જ પ્રશાસનની સત્તાવાર સૂચનાઓ મેળવીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.
લોકલ ટ્રેનવ્યવહાર પણ ખોરવાયો
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ વરસાદના કારણે ધીમી પડી ગઈ છે. જોકે પ્રશાસન દ્વારા શાળા અને કોલેજમાં જાહેર કરવામાં આવેલી રજાને પગલે મુંબઈગરાઓએ ઘરે જ રહેવાનું મુનાસિબ માન્યું હતું. પશ્ચિમ રેલવે પર વસઈ અને નાલાસોપારા રેલવે સ્ટેશનો પર ટ્રેકના પાટા પાણીમાં ગરકાવ થઈ જતાં પશ્ચિમ રેલવેની સેવાઓ અડધો કલાક જેટલી મોડી ચાલી રહી છે.જ્યારે મધ્ય રેલવે પર મેઈન લાઈન પર લોકલ ટ્રેનો અડધો કલાક જેટલી મોડી દોડી રહી છે. કલ્યાણ સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ટ્રેનો વિલંબથી દોડી રહી છે.
સાત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિવૃષ્ટિની ચેતવણીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં રૂપે પુણે, થાણે, રાયગઢ સહિત રાજ્યના સાત મુખ્ય જિલ્લાઓમાં આજે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને હવામાન વિભાગની અને પ્રશાસનની ઑફિશિયલ અપડેટ્સ જોયા બાદ જ ઘરની બહાર નીકળવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત
મુશળધાર વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલીઓ અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપીને મુંબઈ યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી દ્વારા આજે એટલે કે છઠ્ઠી જુલાઈના રોજ યોજાનારી મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ પોસ્ટપોન કરવામાં આવી છે. પરીક્ષા અને મૂલ્યાંકન મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સ્થગિત રાખવામાં આવેલી પરીક્ષાઓનું નવું અને સુધારેલું ટાઈમટેબલ ટૂંક સમયમાં જ મુંબઈ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી ટ્રોફી જીતી. 151 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ 17.1 ઓવરમાં હાંસલ કર્યો. બેથ મૂનીના 64 અને ફોએબે લિચફિલ્ડના 48 રનની મદદથી કાંગારુ ટીમે રેકોર્ડ 7મી વખત આ ખિતાબ જીત્યો છે.
ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ક્રિકેટ જગતમાં પોતાનું આધિપત્ય સાબિત કર્યું છે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રવિવારે (5 જુલાઈ) રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે કરારી હાર આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે આપેલા 151 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધો હતો. સોફી મોલિનક્સની કપ્તાની હેઠળની કાંગારૂ ટીમે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નથી, જે તેમના મજબૂત ફોર્મને દર્શાવે છે.
મહિલા ટી20 ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી સફળ ટીમ રહી છે અને આ વર્ષે જીત સાથે તેમણે રેકોર્ડ 7મી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ 2010, 2012, 2014, 2018, 2020 અને 2023માં પણ વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે. ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય ટીમોની વાત કરીએ તો ઈંગ્લેન્ડ (2009), વેસ્ટઇન્ડીઝ (2016) અને ન્યૂઝીલેન્ડ (2024) માત્ર એક-એક વાર જ આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે.
બેથ મૂની અને લિચફિલ્ડની વિસ્ફોટક બેટિંગ
151 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી અને બીજી જ ઓવરમાં ઓપનર જોર્જિયા વોલ આઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ ફોએબે લિચફિલ્ડ અને વિકેટકીપર બેટર બેથ મૂનીએ શાનદાર વાપસી કરાવી હતી. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 100 રનની મેચ વિનિંગ ભાગીદારી થઈ હતી, જેણે ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
લિચફિલ્ડે 35 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ધમાકેદાર 48 રન બનાવ્યા હતા. જ્યારે બેથ મૂનીએ 49 બોલમાં 10 ચોગ્ગા ફટકારીને 64 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ બંનેના આઉટ થયા બાદ એલિસ પેરી (અણનમ 13) અને એશ્લે ગાર્ડનર (અણનમ 3)ની જોડીએ ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લોટ ડીન, સોફી એક્લેસ્ટોન અને લોરેન બેલે 1-1 વિકેટ ઝડપી હતી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ માટે કેપ્ટન નેટ સાઇવર-બ્રન્ટે સૌથી વધુ 53 બોલમાં 5 ચોગ્ગા સાથે અણનમ 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ ફ્રેયા કેમ્પે પણ આક્રમક બેટિંગ કરતા 28 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 44 રન ફટકાર્યા હતા. આ બંને પ્લેયર્સે પાંચમી વિકેટ માટે અણનમ 80 રનની ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. જોકે, એમી જોન્સ (6 રન), ડેની વ્યાટ-હોજ (8 રન) અને હીથર નાઇટ (2 રન) જેવી સ્ટાર પ્લેયર્સ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ, લુસી હેમિલ્ટન, સોફી મોલિનક્સ અને એનાબેલ સધરલેન્ડે 1-1 વિકેટ મેળવી હતી.
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી કરોડો ચાહકોને ચોંકાવ્યા છે. FIFA વર્લ્ડ કપ 2026 માં નોર્વે સામે બ્રાઝિલની 2-1થી હાર બાદ 34 વર્ષીય નેમારે ભાવુક થઈને નિવૃત્તિ લીધી. તેમણે ‘મેટલાઈફ સ્ટેડિયમ’માં પોતાની પ્રથમ અને અંતિમ મેચ રમી. 16 વર્ષના કરિયરમાં 129 મેચમાં 80 ગોલ સાથે તેઓ બ્રાઝિલના સફળતમ ગોલસ્કોરર બન્યા.
બ્રાઝિલના સ્ટાર અને વિશ્વના દિગ્ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરીને કરોડો ચાહકોને આંચકો આપ્યો છે. ફિફા વર્લ્ડ કપ 2026 ના રાઉન્ડ ઓફ-16 મુકાબલામાં નોર્વે સામે બ્રાઝિલનો 2-1 થી પરાજય થયો હતો, જેની સાથે જ બ્રાઝિલનું વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાઈ ગયું હતું. આ શરમજનક હાર બાદ 34 વર્ષીય નેમારે ભારે હૈયે આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. મેચ બાદ ભાવુક થયેલા નેમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “મેં મારી પૂરેપૂરી કોશિશ કરી. મારો પ્રવાસ જ્યાંથી શરૂ થયો હતો, આજે ત્યાં જ પૂરો થઈ ગયો છે. હવે બધું સમાપ્ત થઈ ગયું છે.”
નેમારના આ આખરી મુકાબલામાં એક અદભુત સંયોગ પણ જોવા મળ્યો હતો. તેમણે 9 ઓગસ્ટ 2010ના રોજ અમેરિકા સામે ‘મેટલાઈફ સ્ટેડિયમ’ ખાતે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમીને કરિયરની શરૂઆત કરી હતી. લગભગ 16 વર્ષ બાદ, બ્રાઝિલની જર્સીમાં તેમણે પોતાની છેલ્લી મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમીને ફૂટબોલ જગતને અલવિદા કહ્યું હતું. પોતાની છેલ્લી મેચમાં નેમાર જમણા પગની પિંડલી (રાઈટ કાફ) ની ઈજાના કારણે શરૂઆતની પ્લેઈંગ 11માં સામેલ નહોતા. જોકે, તેઓ બેન્ચ પરથી મેદાનમાં આવ્યા હતા અને મેચની છેલ્લી મિનિટોમાં પેનલ્ટી દ્વારા શાનદાર ગોલ પણ કર્યો હતો, પરંતુ તે બ્રાઝિલને હારથી બચાવી શક્યો નહોતો.
છેલ્લા કેટલાક વર્ષોથી નેમારનું કરિયર સતત ઈજાઓથી પ્રભાવિત રહ્યું હતું, જેના કારણે તેઓ પોતાની જૂની લય ગુમાવી બેઠા હતા. આ આખા વર્લ્ડ કપ દરમિયાન પણ તેઓ ફિટનેસની સમસ્યાઓ સામે ઝઝૂમતા રહ્યા અને બ્રાઝિલની પાંચ મેચોમાંથી માત્ર બે જ મેચ રમી શક્યા હતા. ગ્રુપ સ્ટેજમાં સ્કોટલેન્ડ સામેની મેચમાં પણ તેઓ માત્ર 15 મિનિટ જ મેદાન પર વિતાવી શક્યા હતા. ઈજાઓએ તેમના પ્રદર્શનને ઘણું સીમિત કરી દીધું હતું.
આ આઘાતજનક વિદાય સાથે જ નેમારના 16 વર્ષ લાંબા ઈન્ટરનેશનલ કરિયરનો અંત આવ્યો છે. તેઓ બ્રાઝિલના ફૂટબોલ ઈતિહાસના સૌથી સફળ ગોલ સ્કોરર તરીકે નિવૃત્ત થયા છે. તેમણે દેશ માટે 129 ઇન્ટરનેશનલ મેચો રમીને રેકોર્ડબ્રેક 80 ગોલ નોંધાવ્યા છે અને ટીમને અનેક યાદગાર જીત અપાવી છે. નેમારની નિવૃત્તિ બાદ હવે બ્રાઝિલિયન ફૂટબોલ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં ટીમની કમાન નવી પેઢીના યુવા ખેલાડીઓના હાથમાં રહેશે.
04/07/2026 એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત, ફરી એકવાર પોતાની રમત-ગમતની પ્રતિભાને સાબિત કરતાં ગુજરાત સરકારની ફ્લેગશિપ સ્પોર્ટ્સ પહેલ, ખેલ મહાકુંભ 2025 2026ના જિલ્લા સ્તરની ફાઇનલમાં ઓવરઓલ રનર અપ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વિદ્યાર્થીઓએ ટુર્નામેન્ટની કુલ પોઇન્ટ સિસ્ટમ હેઠળ વિવિધ રમતોમાં ભાગ લીધો અને એથ્લેટિક્સ, સ્વિમિંગ, બાસ્કેટબોલ, ફૂટબોલ, કરાટે, સ્કેટિંગ, લોન ટેનિસ, બેડમિન્ટન તથા ટેબલ ટેનિસમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તેમના આ પ્રદર્શનને માન્યતા આપતાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યક્તિગત રોકડ ઇનામ આપવાની સાથો-સાથ એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ રૂ. 90,000નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું છે.
આ સિદ્ધિ સ્કૂલના રમત-ગમત ક્ષેત્રે સતત રેકોર્ડમાં ઉમેરો કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલે વિવિધ રમત-ગમત સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.
આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં સુનિતા મટુ, પ્રિન્સિપાલ, એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલે જણાવ્યું છે કે, “આ સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકો દ્વારા દર્શાવાયેલી સમર્પણ, શિસ્ત અને રમત-ગમતની ઉત્તમતા પ્રતિબિંબિત કરે છે. એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે માનીએ છીએ કે રમત-ગમત આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને નેતૃત્વ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને આ માન્યતા અમને સર્વાંગી ઉત્તમતા પ્રોત્સાહિત કરવા માટે પ્રેરણા આપે છે.”
દેશના અગ્રણી વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય પ્રમુખ તથા દિલ્હીની ચાંદની ચોક લોકસભા બેઠકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે સુરતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના વેપારીઓને આગામી 12થી 15 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા ભારત વ્યાપાર મહોત્સવમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરત દેશનું અગ્રણી વેપાર અને ઉદ્યોગ કેન્દ્ર હોવાથી મહોત્સવમાં સુરતની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે કૈટના સુરત પ્રમુખ પ્રમોદ ભગત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોક જીરાવાલા સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારત વ્યાપાર મહોત્સવ દેશભરના ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ, સેવા ક્ષેત્ર અને એમએસએમઈ એકમોને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ છે. આ મહોત્સવ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો, માર્કેટિંગની તકો અને વેપારના વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થશે.
તેમણે જણાવ્યું હતું કે સુરતમાંથી અત્યાર સુધીમાં અંદાજે 7 હજાર સ્ક્વેર ફૂટ જેટલી પ્રદર્શન જગ્યાના સ્ટોલનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેમાં સૌથી વધુ ભાગીદારી ટેક્સટાઇલ ઉદ્યોગની છે, જે સુરતના કાપડ ઉદ્યોગની રાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ દર્શાવે છે. આગામી દિવસોમાં ડાયમંડ, જ્વેલરી, કેમિકલ, એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ અને અન્ય સેવા ક્ષેત્રના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.
પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાનના **’સ્વદેશી વેચો, સ્વદેશી ખરીદો’**ના સંદેશને વધુ મજબૂત બનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે, રોજગારીમાં વધારો થશે અને નાના-મધ્યમ વેપારીઓને નવી તકો મળશે. ભારત વ્યાપાર મહોત્સવ આ દિશામાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.
ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે આ મહોત્સવ નવા બજારો સુધી પહોંચવાનો ઉત્તમ અવસર છે. ચેમ્બર દ્વારા પણ સભ્યોને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સુરતના ઉત્પાદનો અને સેવાઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ મળી શકે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.