સૌરાષ્ટ્ર Archives - Page 17 of 61 - CIA Live

October 29, 2021
gujarat-police.jpg
1min449

ગુજરાતભરમાં પોલીસ સંવર્ગના વિવિધ સ્તરના કર્મચારીઓને પગાર અને ભથ્થાંને સમાવતાં ગ્રેડ પેના મુદ્દે Dt.29/10/21 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આઇજીપી (વહીવટ) બ્રિજેશ ઝાના વડપણ હેઠળની કમિટી કર્મચારીઓના સંવર્ગ, પરિવારજનોની જે કોઇ પણ રજૂઆતો હશે એ સાંભળીને હાલની વિસંગતતાઓ સંદર્ભે અભ્યાસ કરી બે માસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર નિર્ણય કરશે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચોવીસ કલાક કાર્યરત રહેતા ડિસિપ્લિન્ડ ફોર્સ એવા પોલીસદળના હથિયારી, બિન હથિયારી, ફિલ્ડ અને પોલીસ સ્ટેશન, એસઆરપી જેવા સંવર્ગના વિવિધ કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં લાંબા સમયથી વિસંગતતાને લઇને અવારનવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ અલગ અલગ રીતે થતી રજૂઆતોનું પરિણામ આવતું ન હતું. બીજી તરફ લાંબા સમયથી અસહ્ય મોંઘવારી અને ભાવ વધારાને પગલે પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારની માગને સંતોષી શકતા ન હોવા પોતાની લાગણીઓને સોશીયલ મીડિયા મારફતે વહેતી મુકી હતી. આ લાગણીઓનો પડઘો પાડવા પોલીસ કર્મીઓના પરિવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ભેગા થઇ ગયા હતા. એમના સમર્થનમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરો, નગરોમાં પણ પરિવારના સભ્યો સાથે સાદા ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ પણ દેખાવોમાં જોડાતા મામલો વધારે પેચિદો બની ગયો હતો.

જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલા જ દિવસથી પોલીસ ગ્રેડ પેના મામલે સરકારનું વલણ હકારાત્મક છે એમ જાહેર કરવા સાથે આંદોલન કરતાં પરિવારના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસ પૂર્વે અને આજે પણ બેઠક યોજી  હતી. સંઘવીએ સમગ્ર રજૂઆતને ગંભીરતાથી લઇ તેનો યોગ્ય ઉકેલ લાવી પોલીસ તંત્રમાં ગ્રેડ પેના મામલે પ્રવર્તતો અસંતોષ દૂર કરવા કમિટી રચવા સૂચના આપી હતી. આ સૂચનાને પગલે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે પોલીસ પરિવાર પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજ્યા પછી કમિટીની રચના જાહેર કરી હતી. આ સાથે હવે આંદોલન પણ પૂરું થયાનું દેખાવો કરતાં પરિવારજનોએ જાહેર કર્યું હતું.

પોલીસ વડાએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, પોલીસ કર્મચારીઓ અને પરિવારજનોની માગણીઓને લઇ કમિટી બનાવવામાં આવી છે ત્યારે હવે એમના પ્રશ્નોને લઇ ચાલતા દેખાવો, ધરણાં આંદોલન પૂરું થાય છે. હવે કોઇ તત્વો દ્વારા આ મુદ્દાને લઇ પોલીસ કર્મચારીઓમાં અસંતોષ ફેલાવવા કે આંદોલન કરવાની કે પછી સોશિયલ મીડિયામાં વિરોધ કરવાની બાબત ધ્યાને આવશે તો તેવા લોકો સામે ‘ધી પોલીસ (એન્સાઇન્ટમેન્ટ ટુ ડિસઅફેક્શન) એક્ટ, ૧૯૯૨’ અને ‘ધી પોલીસ ફોર્સિસ (રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, ૧૯૬૬’ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. જો કોઇ પોલીસ કર્મચારી પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો એની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરાશે.

અમદાવાદ શહેર ઉપરાંત બનાસકાંઠા, જામનગરમાં પોલીસ કર્મચારીઓએ આંદોલનાત્મક, દેખાવો જેવી પ્રવૃત્તિ કરતાં ગૃહ વિભાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને અમુક પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમ, પણ તેમણે જાહેર કર્યું હતું. 

October 23, 2021
Gujarat-Police.jpg
1min347

રાજ્ય સરકારે એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે શારીરિક કસોટી પાસ કરનાર તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.

રાજ્ય સરકારના આ નિર્ણય અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પોલીસના સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં રાજ્યમાં વધુમાં વધુ શિક્ષિત યુવાનોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી પરીક્ષામાં જરૂરી સુધારાઓ કરવા અંગે રાજ્ય સરકાર દ્વાર મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે.

તમામ ઉમેદવારોની માગણી અને લાગણીને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતમાં હકારાત્મક વિચારણા કરીને સબ ઈન્સ્પેક્ટર સંવર્ગોમાં 15 ગણા અને લોક રક્ષક સંવર્ગોમાં 8 ગણા મેરિટ મેરિટોરિયસ ઉમેદવારોને આગામી તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની પ્રવર્તમાન જોગવાઈઓને રદ કરીને શારીરિક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવા સંદર્ભે પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારો કરવામાં આવેલ છે.

એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વીટ કરીને નવા નિયમો અંગે માહિતી આપી હતી. તેઓએ પોસ્ટ કરતાં લખ્યું હતું કે, લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર: શારીરિક કસોટી પાસ કરનાર એટલે કે 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા 9.5 મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ- વજન- છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.

રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27,847 જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો.

આ ભરતી અંગે અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યમાં બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પ્લાટૂન કમાન્ડર), ઈન્ટેલિજન્સ ઓફિસર, બિન-હથિયારી અસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ (માનદ)ની મળીને અંદાજીત 27,847 જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

October 16, 2021
girlion.jpg
1min481

દેશની શાન સમાન ગીર જંગલમાં વનરાજોનું વેકેશન પૂર્ણ થતા આવતીકાલથી 16થી સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે, ઓનલાઇન પરમીટ મેળવનાર પ્રવાસીઓ સાસણ પહોંચ્યા છે.

ચોમાસુ અને નવરાજોના મેટીંગ પીરીયડને કારણે ચાર માસ સાસણ જંગલમાં સિંહ દર્શન બંધ રહે છે, તે આજે પૂર્ણ થતા આવતીકાલ તા.16થી સિંહ દર્શનનો પ્રારંભ થશે, જીપ્સી, ગાઇડ અને વનતંત્ર આ માટે સજ્જ થયું છે. કોરોના મહામારીને કારણે લાંબો સમય ગીર જંગલના સાસણમાં સિંહ દર્શન બંધ રહ્યા હતા અને સંક્રમણ ઘટતા શરૂ થયા બાદ ચોમાસું આવી જતા વનરાજોનું વેકેશન શરૂ થતા સિંહ દર્શન બંધ રહ્યા બાદ આવતી કાલથી શરૂ થઇ રહ્યું છે અને  આગામી સપ્તાહ સુધીનું રજિસ્ટ્રેશન હોવાનું વનસૂત્રો જણાવી રહ્યા છે.

October 2, 2021
Saurastra.png
1min432
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલિયા વિસ્તારની આ તસવીરમાં જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં મોટા ભાગે આવી જ હાલત જોવા મળી રહી છે

ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ભારે વરસાદથી તેમ જ નદી-નાળાં છલકાતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે અને કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતનો ઊભો પાક ધોવાયો છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. પહેલાં તો વરસાદ ખેંચાયો હતો અને હવે જતાં-જતાં વરસાદ જાણે કે વિનાશ વેરતો હોય તેમ ધોધમાર વરસાદ પડતાં કંઈ કેટલાય વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી ગયા છે. વિસાવદર, માળિયા હાટીના, તાલાલા, વેરાવળ, ખંભાળિયા, ઉમરાળા, સાવરકુંડલા, લીલિયા, કોડીનાર, સુત્રાપાડા, ઉના, માંગરોળ સહિતના પંથકોનાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. કેટલાક પાક લણવા પર આવ્યા હતા ત્યારે આકાશી આફત આવી અને વરસાદે રસાતાળ કરી દેતાં ખેડૂતો માટે જાણે કે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સરજાઈ છે.

સાવરકુંડલાના વિધાનસભ્ય પ્રતાપ દુધાતે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. નદીકિનારાનાં ગામોને વધારે નુકસાન થયું છે. કપાસ, તલ, મગફળીનો પાક તૈયાર હતો એ ફેલ ગયો છે. અમારા વિસ્તારનાં ૧૧૭ ગામો છે ત્યાં વરસાદ અને પૂરના કારણે ખેતરોમાં નુકસાન થયું છે. સરકારે સાવરકુંડલા અને લીલિયા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવી આર્થિક પૅકેજ જાહેર કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી  માગણી કરી છે.’

September 25, 2021
Garba-Nights.jpg
1min435

આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે. તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં પણ અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર-ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે. તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં પણ અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર-ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં નહીં આવે

રાજ્ય સરકારે ૪૦૦ વ્યક્તિની મર્યાદામાં શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો કરવાની છૂટ આપી છે. અર્થાત્ હવે આગામી નવરાત્રિની ઉજવણી નિયમોને આધિન ધામધૂમથી કરી શકાશે. સરકારે હાલના રાતના ૧૧થી સવારના ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. જે હવે રાતના ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી રહેશે. જોકે, રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં નહીં આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત સરકારે અંતિમક્રિયા માટે પણ વ્યક્તિઓની ઉપસ્થિતિની સંખ્યામાં વધારો મંજૂર કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી. જેમાં હાલના કોરનાના સંક્રમણની કેસોની સ્થિતિ સહિતના અન્ય મુદ્દાને ધ્યાનમાં લઈને આ નિર્ણયો લીધા છે. અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર જેવા આઠ મહાનગરોમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં હવે રપમીના શનિવારથી રાત્રિના ૧ર વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે એટલે કે, હાલના જે રાતના ૧૧થી સાવરના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં છે. તેમાં એક કલાકનો ઘટાડો કરાયો છે. જે ૧૦મી ઓક્ટોબર, ર૦ર૧ના સવારના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.  

અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ વાગ્યા સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં, તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.

September 24, 2021
somnath.jpg
1min694

અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ ફરી જીવંત થાય તે માટે ટ્રસ્ટી મંડળ પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સહિતના અનેક ભાગો સુવર્ણ મઢીત કરવામાં આવેલ છે. ત્યારે હવે આ કડીમાં સોમનાથ મંદિરના ટોચના શિખરને સુવર્ણ મઢીત કરવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વિચાર કરવામાં આવેલ છે. આ કામગીરી કરાવવા બાબતે ટ્રસ્ટ દ્રારા એક વિજ્ઞાપન પ્રસિઘ્ઘ કરી કામ કરનાર ઇચ્છકુને આમંત્રિત કર્યા હોવાનું જાણવા મળેલ છે.

” પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મંદિરના શીખર સમાન ટોચને સુવર્ણ મઢીત કરવાની યોજના સોમનાથ ટ્રસ્ટએ હાથ ધરી છે. જેમાં મંદિર દરિયા કિનારે હોવાથી કઇ રીતે આ કામગીરી શકય બને તે માટે જરૂરી વિચારણા કરવામાં આવી રહેલ છે. જેમાં આ સુવર્ણની કામગીરી કરવા માટે કોન્ટ્રાકટ આપવા એકપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) ઈચ્છુકો પાસેથી અરજી મંગાવી છે. જેમાં 30 સપ્ટેમ્બર સુધી અરજી ઓનલાઈન જમા કરાવી શકાશે. જેમાં મંદિર સમુદ્રના કિનારે જ હોવાથી આ બાબતે વધુ તકેદારી રાખવી પડશે, મંદિરના શિખરની ઉંચાઈ અંદાજે 10 ફૂટ હશે તેમજ ઈઓઆઈ જમા કરાવ્યા બાદ જે તે ઇચ્છુકો સર્વે કરી શિખરને સુવર્ણ મઢવાની કામગીરી કંઇ રીતે થશે, કેટલી ટકાઉ હશે, તેમાં સોના ઉપરાંત શું શું ઉપયોગ કરવાની જરૂરીયાત રહેશે, કેટલા કિલો સોનાની જરૂરિયાત પડશે. તેવી બાબતોનું તારણ કાઢવામાં આવશે.

શિખર પર અન્ય ધાતુઓ લગાવવામાં આવે તો તેને કાટ લાગવાની શકયતા વધુ રહેશે જ્યારે કિંમતી ધાતુ સોનાને એ બાબતનું જોખમ ઘણું ઓછું રહે છે. શિખરને સુવર્ણ મઢીત કરવાની યોજના માટે દેશભરમાંથી શિવભકતોને ભાગીદારી માટે આમંત્રિત કરવામાં આવશે. આ પ્રોજેકટ હાથમાં લેનાર જે કોઇએ પણ કામગીરી પૂર્ણ કર્યા બાદ 10 વર્ષ સુઘી મેન્ટેનન્સની જવાબદારી નિભાવવાની રહેશે.’

ભુતકાળમાં સોમનાથ મંદિર સોનાનું હોવાનું ઇતિહાસમાં અંકાયેલુ છે. ત્યારે ફરી સોમનાથ મંદિર સુવર્ણનું બને તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ તબકકાવાર કામગીરી કરી રહ્યું છે. જેમાં અત્યારસુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સ્થંભ, દરવાજા, શિવલીંગનું થાળુ, શિખર પરની ઘ્વજા, કળશ, ડમરૂ સહિત 100 કીલો વઘુ સોનાથી સુવર્ણ મઢીત થઇ ચુકી છે. જ્યારે હાલ મંદિરના નૃત્ય મંડપના શિખર પરના કળશોને સુવર્ણ મઢીત કરવાની યોજના ચાલી રહી છે. જેમાં ઘણા કળશો દાતાઓના સહયોગરૂપી દાનથી સુવર્ણ મઢીત થઇ જતા ફીટ કરવામાં આવેલ છે.

ગુજરાતમાં ઘણા મંદિરો સુવર્ણ મઢીત છે. જેમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના મીનારાને 70 કિલો સોનેથી મઢવામાં આવ્યા છે તો 2015 માં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ 115 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે.

September 21, 2021
rain_forecast.png
1min513

આઈએમડી ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર પર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. ‘અનુકૂળ સ્થિતિ હજી પણ રાજ્યને વરસાદ આપશે. બુધવાર બાદથી ક્યારેક ભારે વરસાદની શક્યતાની સાથે છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે’, તેમ તેમણે કહ્યું હતું.

21/9/21, મંગળવારે પંચમહાલ, મહીસાગર, નવસારી અને વલસાડના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવો ઉલ્લેખ આઈએમડીએ કર્યો હતો. શુક્રવારે ડાંગ, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, તેમ આગાહીમાં ઉમેરવામાં આવ્યું હતું.

dt.20/9/21 સોમવારે, રાતે 8 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં 2.83 ઈંચ, બોડેલીમાં 2.51 ઈંચ, પાવી જેતપુરમાં 1.96 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણાના ઉંઝામાં 1.92 ઈંચ, ખેડાના માતરમાં 1.81 ઈંચ અને મહેસાણાના વિસનગરમાં 1.69 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદે રાજ્યના જળાશયો અને ખેતીને નવું જીવન આપ્યું છે, જે સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં અછતનો સામનો કરી રહ્યા હતા.

September 21, 2021
dams.jpg
1min426

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી શરૂ થયેલા વરસાદને પગલે હવે અછતની  સ્થિતિ નિવારાઇ છે. રવિવાર dt. 19/9/21 અને સોમવારે 20/9/21 પણ રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે.  

રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. ગુજરાતમાં વરસાદ પછી ૨૦૬ ડેમો પૈકી ૭૧ ડેમોમાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યમાં આવા ૭૧ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે. જ્યારે ૨૦ ડેમોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને ૮ ડેમો એવા છે જ્યાં ૮૦ ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગનું સિગ્નલ અપાયું છે. સોમવારે સવારે પૂરા થતા  છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકાઓમાં વરસાદ થયો હતો . તેમજ દિવસ દરમિયાન પણ અનેક ઠેકાણે હળવાથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો.

વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ૧૯મી સપ્ટેમ્બરની સ્થિતિએ ૫૧ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમોમાં ૬૬.૪૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં અત્યારે ૭૭.૦૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૯.૨૦ ટકા અને કચ્છના ૨૦ ડેમમાં ૨૬.૪૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૫૬.૯૩ ટકા ઉપરાંત સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

September 20, 2021
drugs.jpg
1min468

કચ્છના મુંદ્રા બંદરેથી કરોડોનું ડ્રગ્સ પકડાયા પછી ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ કચ્છમાં ધામા નાંખીને બેઠા હતાં એ સમયે ભારતીય જળસીમામાંથી અજાણ્યા સેટેલાઇટ સિગ્નલ ઇન્ટરસેપ્ટ કરી ગુજરાત એટીએસે કોડ લેગ્વેજને ઉકેલતા પોરબંદર અને ઓખાની વચ્ચે મોટા પાયે ડ્રગ્સ લેન્ડ થઇ રહ્યું હોવાની વિગત મળતા ગુજરાત એટીએસે કોસ્ટ ગાર્ડની મદદથી ઓખા અને પોરબંદરની વચ્ચે 200 નોટિકલ માઇલ દૂર 250 કરોડનું 50 કિલો હેરોઇન સાત ઇરાનીઓ સાથે ઝડપી પાડયું હતું.

અત્યાર સુધી ડ્રગ્સ પાકિસ્તાની બોટમાં આવતું હતું. પરંતુ ડ્રગ પેડલરોએ અફઘાનિસ્તાનની બોટનો ડ્રગ્સની હેરાફેરીમાં પહેલો પ્રયોગ કર્યો, મુંદ્રા બંદરેથી ટેલ્કમ પાવડરની આડમાં 3500 કરોડનુ ડ્રગ હસન હુસેન કંપની દ્વારા કંદહારથી ઇન્ટરસિડની જહાજમાં લાવ્યા પછી તમામ એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી.

આ જ કેસની તપાસમાં મુંદ્રા પહોચેલી એટીએસની ટીમે કંદહારથી આવેલા ડ્રગ્સના આ કન્સાઇનમેન્ટમાં કનેક્શન શોધવા માટે દરિયામાં વપરાતા સેટેલાઇટ સિગ્નલ્સને ઇન્ટરસેપ્ટ કરવાનું ચાલુ કર્યું. આ સિગ્નલોને આંતરી રહ્યા હતા ત્યારે શુક્રવારે બપોરે અલગ ફ્રિકવન્સીથી ભારતીય જળસીમા પાસે સેટેલાઇટ સિગ્નલ આવી રહ્યા હતાં. અરબી અને ઉર્દુ ભાષામાં આવતા કોડના સિગ્નલ શુક્રવારે મોડી સાંજ સુધીમાં ઉકેલાઇ ગયા. કોસ્ટ ગાર્ડના કમાન્ડર ચંદ્રા મહાપાત્રાએ જણાવ્યું કે, અમને એટીએસ તરફથી માહિતિ મળી. પેટ્રાલિંગ દરમિયાન અમે અમારી બોટ સિગ્નલની દિશા તરફ વાળી દીધી જ્યાં એક ઇરાની બોટ અમનૈ નજરે પડી હતી. ભારતીય જળસીમાં ઘુસેલી આ ઇરાની બોટ 200 નોટિકલ માઇલ દૂર હતી. ઇરાનની આ કોમર્શિયલ બોટમાં અમારી ટીમે હલ્લો બોલ્યો ત્યારે એમાં સાત ઇરાની હતા અને બોટની તપાસ કરતાં અંદરથી 250 કરોડનું હેરોઇન મળી આવ્યું હતું.

આ અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ભૂતપૂર્વ અધિકારી એ. કે. શર્માએ કહ્યું કે, સામાન્ય રીતે ઇરાન અને અફઘાનથી આવતી બોટમાં ડ્રગ્સ આવતા ન હતાં. ઇરાન અને અફઘાન વચ્ચે 40 મિલિયન ડોલરનો વેપાર છે. અફઘાનિસ્તાન જ્યાં સુધી તાલિબાનના કબજામાં ન હતું ત્યાં સુધી એમણે પોતાની બોટમાં કે ઇરાનની મદદ લઇને કોઇની બોટમાં ભારતમાં ડ્રગ્સ પહોંચાડવાની હિંમત કરી ન હતી, પણ હવે અફઘાનમાં તાલિબાની રાજ આવી ગયું છે ત્યારે અફઘાની બોટ ઉપરાંત ઇરાની બોટનો પણ ડ્રગ ટ્રાફાકિંગમાં ઉપયોગ શરૂ કર્યો હોય તેમ લાગે છે. ‘

September 17, 2021
societynews-1280x1040.jpg
1min405

સુરતના વરાછા વિસ્તારમાં ખરા અર્થમાં બહુજન હિતાય, બહુજન સુખાય સૂત્રને ચરિતાર્થ કરી રહેલી માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા સુરત ડાયમંડ હોસ્પિટલને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તરફથી રૂ.50 લાખની માતબર રકમનું દાન પ્રાપ્ત થયું છે.

તાજેતરમાં ગઇ તા.15મી સપ્ટેમ્બરના રોજ બેંગ્લોર ખાતે આયોજિત ઇન્ડીયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ અંતર્ગત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના કોર્પોરેટ સોશ્યો રિસ્પોન્સિબિલીટી પ્રોગ્રામના ભાગરૂપે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્માઇ, કર્ણાટક રાજ્યના ઉદ્યોગ-વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્રી એસ. સુરેશકુમાર, એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી ઇ.વી. રમન્ના રેડ્ડી, જીજેઇપીસીના ચેરમેન શ્રી કોલિન શાહ, વાઇસ ચેરમેન શ્રી વિપુલ શાહ વગેરે આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે સુરત ડાયમંડ હોસ્પિટલ વતી સેક્રેટરી શ્રી દિનેશ નાવડીયાએ રૂ.50 લાખના દાનનો ચેક સ્વીકાર્યો હતો. સુરત ડાયમંડ હોસ્પિટલને આ રકમનું દાન હોસ્પિટલમાં તબીબી સેવાઓ માટેની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ઘણું ઉપયોગી બળ પૂરું પાડશે. આ તકે સુરત ડાયમંડ હોસ્પિટલ વતી પ્રમુખ શ્રી સી.પી.વાનાણી, સેક્રેટરી શ્રી દિનેશ નાવડીયા સમેત સમગ્ર ટ્રસ્ટીમંડળ અને હોસ્પિટલ પરિવાર જીજેઇપીસીનો ખૂબખૂબ આભાર પ્રગટ કરે છે.