
માલદીવમાં માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના ઉમેદવાર ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે તા.23મી સપ્ટેમ્બર 2018ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી લીધી છે. માલદીવમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ ભારત માટે સારા સંકેત આપી રહ્યાં છે કારણ કે ઇબ્રાહીમ ભારતની સાથે મજબૂત સંબંધોના હિમાયતી રહ્યાં છે.
બહુમતી મેળવનાર ભારત તરફી સોલિહને 58.3 ટકા મત મળ્યા છે. ચૂંટણી પર નજર રાખનાર સ્વતંત્ર એજન્સી ટ્રાન્સપરન્સી માલદીવ્સના મતે સોલિહે નિર્ણાયક અંતરથી જીત પ્રાપ્ત કરી લીધી છે. બીજીબાજુ જીત બાદ સોલિહે પોતાના પહેલાં ભાષણમાં કહ્યું, આ ખુશી, ઉમ્મીદ, અને ઇતિહાસની પળ છે. તેની સાથે જ તેમણે કહ્યું કે સત્તાની શાંતિપૂર્ણ હસ્તાંતરણની અપીલ કરી છે.
જીતની જાહેરાતની સાથે જ સોલિહની માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના પીળા ઝંડા લઇ વિપક્ષ સમર્થક રસ્તા પર ઉતરી આવ્યા અને ખુશીનો એકરાર કર્યો. પરિણામ આવ્યા બાદ યામીનની તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી. સોલિહે કહ્યું કે હું યામીનને કહેવા માંગીશ કે તેઓ લોકોની ઇચ્છાનું સમ્માન કરે અને સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ કરે. તેની સાથે રાજકીય નેતાઓને જેલમાંથી છોડવાની પણ અપીલ કરી છે
ચૂંટણી પ્રક્રિયા પર ભારત અને ચીનની નજર હતી. આ બધાની વચ્ચે યુરોપિયન સંઘ અને અમેરિકાએ ચૂંટણીના સ્વતંત્ર અને નિષ્પક્ષ નહીં હોવા પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી હતી. યામીને રાજધાની માલેમાં મતદાન કેન્દ્ર ખુલ્યાના થોડાંક સમય બાદ જ મતદાન કર્યું. મતદાન શરૂ થતા પહેલાં પોલીસે વિપક્ષ માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી)ના પ્રચાર હેડક્વાર્ટર પર દરોડા પાડ્યા અને ‘ગેરકાયદે ગતિવિધિ’ને રોકવાની કોશિષના નામ પર બિલ્ડિંગની કેટલાંય કલાકો સુધી તપાસ ચાલી. આ સિલસિલામાં કોઇની ધરપકડ કરાઇ નહીં.



























