ઇન્ડીયા Archives - Page 57 of 217 - CIA Live

June 28, 2021
nirmala.jpg
2min397

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Sitharaman) અલગ અલગ આઠ રાહત પેકજ (guarantee scheme)ની જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય ક્ષેત્ર (Health sectors) માટે એક નવું પેકેજ જાહેર કરાયું હતું.

નાણા મંત્રીએ કોવિડ પ્રભાવિત ક્ષેત્ર માટે 1.1 લાખ કરોડ લોન ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. કોરોના સંકટને પગલે ઊભી થયેલા પડકારોનો સામનો કરવા માટે કોવિડ-19થી પ્રભાવિત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં સ્વાસ્થ્ય ક્ષેત્રને 50 હજાર કરોડ અને અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયા.
>> અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયા.
>> સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે લોન પર 7.95%થી વધારે વાર્ષિક વ્યાજ નહીં હોય.
>> અન્ય ક્ષેત્રો માટે વ્યાજનો દર 8.25%થી વધારે નહીં હોય.

સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 100 કરોડથી વધારે લોન રકમ

લોન ગેરંટી સ્કીમ હેઠળ હેલ્થ સેક્ટર માટે 100 કરોડથી વધારે લોન રકમ રાખવામાં આવી છે. જેના પર મહત્તમ વ્યાજ 7.95 ટકા લાગશે. જ્યારે અન્ય સેક્ટર્સ માટે મહત્તમ વ્યાજ 8.25 ટકા રાખવામાં આવ્યું છે. જેના કવરેજમાં જરૂરી પ્રમાણે ફેરફાર કરવામાં આવશે.

ECLGS

>> ECLGSમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધારાના આપવામાં આવશે.
>> ECLGS 1.0, 2.0, 3.0માં અત્યારસુધી 2.69 લાખ કરોડ રૂપિાયનું વિતરણ
>> સૌથી પહેલા આ સ્કીમમાં ત્રણ લાખ કરોડ રૂપિયાની જાહેરાત થઈ હતી.
>> હવે આ સ્કીમની વિસ્તાર 4.5 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.
>> અત્યારસુધી શામેલ તમામ સેક્ટર્સને તેને લાભ મળશે.

ક્રેડિટ ગેરંટી સ્કીમ

>> નાના વેપારી, વ્યક્તિગત એનબીએફસી, માઈક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ 1.25 લાખ સુધીની લઈ શકશે.
>> જેના પર બેંકના MCLR પર વધારેમાં વધારે 2 ટકા ઉમેરીને વ્યાજ લઈ શકાશે.
>> આ લોનની મુદત ત્રણ વર્ષ હશે. સરકાર ગેરંટી આપશે.
>> આનો ઉદેશ્ય નવી લોનના વિતરણનો છે.
>> 89 દિવસના ડિફોલ્ટર સહિત તમામ પ્રકારના બોરોઅર આ માટે યોગ્ય ગણાશે.
>> આ સ્કીમનો લાભ 25 લાખ લોકોને મળશે.
>> આશરે 7500 કરોડ રૂપિયાનો જોગવાઈ કરવામાં આવશે. 31 માર્ચ, 2020 સુધી લાભ લઈ શકાશે.

પર્યટન ક્ષેત્ર:

ટૂરિસ્ટ ગાઇડ અને બીજા સ્ટેક હોલ્ડર્સ માટે આ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં વ્યક્તિગત લોન લઈ શકાશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ મદદ કરવામાં આવશે. જેમાં 100 ટકા ગેરંટી સરકાર તરફથી આપવામાં આવશે. 10 લાખ રૂપિયા પ્રતિ એજન્સી સુધી આપવામાં આવશે. જ્યારે લાઇસનધારક ટૂરિસ્ટ ગાઇડને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. જેમાં કોઈ પ્રોસેસિંગ કે ક્લૉઝર ચાર્જ નહીં હોય. આ ગેંરટી મુક્ત યોજના છે.

આત્મનિર્ભર ભારત રોજગાર

>> આ સ્કીમની મુદત વધારીને 31 માર્ચ, 2022 સુધી કરવામાં આવી છે.
>> અત્યારસુધી 21.42 લાખ લાભાર્થીઓને 9.2 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી.
>> આ સ્કીમ અતંર્ગત સરકાર 15 હજારથી ઓછી કમાણી કરતા કર્મચારીઓના અને કંપનીઓના પીએફની ચૂકવણી કરશે.
>> આ સ્કીમમાં 22,810 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. આશરે 58.50 લાખ લોકોને લાભ મળશે.
>> સરકાર કર્મચારી-કંપનીના 12%-12%નું પીએફ ભોગવશે.

કૃષિ ક્ષેત્ર

નાણા મંત્રીના કહેવા પ્રમાણે કૃષિ ક્ષેત્રમાં વર્ષ 2020-21 માટે 389.92 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા. જ્યારે 2021-22 દરમિયાન 432.48 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે. આ માટે 85 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે ડીએપી સહિત તમામ પ્રકારના ન્યૂટ્રિશન માટે સબસિડીની રકમ 14 હજાર કરોડ રૂપિયાથી વધારેનો વધારો કરવામાં આવ્યો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.

પ્રધાનમંત્રી ગ્રામીણ અન્ન યોજના

આ યોજના અંતર્ગત ગત વર્ષે 80 કરોડ લોકોને દર મહિને પાંચ કિલો ચોખા અને અન્ય અનાજ આપવામાં આવ્યું હતું. આ વખતે પણ મેથી નવેમ્બર સુધી ગરીબો માટે યોજના ચાલૂ રાખવામાં આવી છે. આ વખતે યોજના પાછળ 93,869 કરોડ રૂપિાય ખર્ચ થશે. બંને વર્ષને સાથે ગણીએ તો આ યોજના પાછળ કુલ 2 લાખ 27 હજાર 840 કરોડ રૂપિયા ખર્ચ થશે.

જાહેર સ્વાસ્થ્ય માટે 23,220 કરોડ રૂપિયા

ઇમરજન્સી હેલ્થ સેવા માટે આ વર્ષે 23,220 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે આ માટે 15 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાંથી 9,000થી વધારે કોવિડ હેલ્થ કેર સેન્ટર બન્યા હતા.

June 26, 2021
delta_variant.jpg
1min473

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોનાની બીજી લહેરની ખતરનાક અસરો અને ભયાવહ સ્થિતિમાંથી હજુ તો માંડ બહાર નીકળ્યાનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે કોરોના વાઇરસનો જ ડેલ્ટા પ્લસ મ્યુટેન્ટ વાઇરસ અંગે વિશ્વભરમાંથી મળી રહેલી ખબરો અને તેમાં ભારતની સ્થિતિ અંગેના મળી રહેલા અહેવાલો પરથી જણાય આવે છે કે ફરી આપણે હતા ત્યાંને ત્યાં તો નથી જઇ રહ્યા ને.

કોરોનાનો જ વાઇરસ વધુ ખતરનાક બનીનો ઉભરી રહ્યો છે, જાણો ડેલ્ટા પ્લસ વેરીએન્ટ વિશે

ડેલ્ટા વેરિયન્ટ અથવા તો or B.1.617.2 ભારતમાં સૌથી પહેલાં 2020ના અંતમાં જોવા મળ્યો હતો. અને હવે તે વિશ્વના 70 દેશોમાં જોવા મળ્યો છે અને યુકેમાં અત્યારે સૌથી મોટો વેરિયન્ટ છે. તે આલ્ફા વેરિયન્ટ કરતા 40 ટકા વધુ ટ્રાન્સમિસિબલ છે, એટલે કે આલ્ફા વેરિયન્ટથી 40 ટકા વધુ ઝડપથી તે પ્રસરે છે. આ થવાનું કારણ એ હોઇ શકે કે જેને તેનો ચેપ લાગે તેમાં ACE2નું ગઠન વધુ હોય છે. હૉસ્પિટલાઇઝેશનના વધતો દર તેના પ્રસારમાં જે કરતો હોય તેમ બની શકે છે.

VoC વાઇરસ ઓફ કન્સર્ન, ચિંતાનો વાઇરસ

INSACOGના જિનોમ સિક્વન્સીંગ રિપોર્ટ મુજબ, ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટ – ‘ચિંતાનો વેરિયન્ટ’ (VoC) તરીકે દર્શાવાયો છે. આ વેરિયન્ટમાં સંક્રમણતામાં વધારો થયો છે, ફેફસાની કોશિકાઓના રીસેપ્ટર્સ સાથે મજબૂત જોડાઈ શકવાની ક્ષમતા, અને એન્ટિબોડીને ચકમો આપીને તેના પ્રભાવને ઘટાડી શકવાની ક્ષમતા ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું કે નવા ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટને લીધે સંક્રમણ ક્ષમતા, રોગની તીવ્રતા, ફરીથી ચેપ અને રસીઓની અસરકારકતા, દવાઓ અને ઉપલબ્ધ નિદાન પરીક્ષણો પર નજર રાખવા માટે વધુ અભ્યાસ ચાલી રહ્યો છે.

ફેફસા પર સખત રીતે ચોંટી જાય છે ડેલ્ટા વાઇરસ

કહેવાય છે કે તે જલ્દી ફેલાય છે પણ તેના કેસિઝ ઓછા છે એટલે અત્યારે કંઇ પણ કહેવું શક્ય નથી. ડેલ્ટા વેરિયન્ટ ACE2 રિસેપ્ટરમાં મજબુતાઇથી બંધાય છે અને રિસેપ્ટરમાંવધુ ભળે છે. આ કારણે જ એમ મનાય છે કે તેનો ચેપ ઝડપી હોય છે  અને તે ચેપગ્રસ્ત વ્યક્તિના નેસોફેરિંજલ અને શ્વાસ નળીના નીચેના ભાગમાં હોય છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે ડેલ્ટા વેરિયન્ટનું એક સબ લિનિયેજ છે તે દેશના 174 જિલ્લાઓમાં આ વાઇરસ ઉપલબ્ધ હોવાનું તા.25મી જૂન 2021ના રોજની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે જણાવ્યું હતું. આ વાઇરસ ખાસ કરીને મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં જોવા મળ્યું હોવાની જાહેરાત કરી. મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં આ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે.

કોરોનાવાઇરસની બીજી લહેરમાંથી બહાર આવી રહ્યો છે અને ત્રીજી લહેરની વકી પણ માથે તોળાઇ રહી છે ત્યાં તો ડેલ્ટા વેરિયન્ટ જે કોવિડ-19નનો ટ્રાન્સમિસિબલ સ્ટ્રેઇન છે તે ટ્રેન્ડ થવા માંડ્યો છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને 85 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો પછી તેને ‘ડોમિનન્ટ લિનિયેજ’ તે થઇ શકે છેની ચેતવણી પણ આપી છે અને શક્યતા છે કે તે અન્ય રાષ્ટ્રોમાં પણ જોવા મળે.  WHOએ આ વાત કોવિડ-19 વિકલી એપિડેમિઓલોજિકલ અપડેટ માટે 22મી જૂને રિલીઝ કરેલ માહિતીમાં કરી હતી.

ડબલ માસ્કિંગ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ એક જ વિકલ્પ હાલ તુરત તો

ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા વેરિયન્ટ સામે અત્યારે જે વેક્સિન અપાય છે તેની એફિકસી વિશે આપણને જાણ નથી અને માટે જે પગલાં અત્યારે લઇએ છીએ તે જ લેવા જરૂરી છે. ઘરમાં પણ ડબલ માસ્કિંગ કરવું, સેનિટાઇઝ કરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવું – આ બાબતો પર જોર મૂકવું અનિવાર્ય છે. સરકારે અનલૉક પહેલાં બહુ જ તકેદારી રાખવાની જરૂર છે ને લોકોની આવન જાવન પર નિયંત્રણ પણ રાખવું જોઇએ વળી ઇન્ડોર્સ પણ ભીડ ન થાય તે અનિવાર્ય છે.

June 24, 2021
wtc.jpg
1min406
WTC final: New Zealand crowned champs with 8-wicket win over India |  Cricket - Hindustan Times

ન્યૂ ઝીલેન્ડે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ટાઇટલ અત્રે છઠ્ઠા અને છેલ્લા દિવસે બુધવારે સરળતાથી જીતી લીધું હતું. ૧૩૯ રનના લક્ષ્ય સાથે રમવા ઉતરેલી ન્યૂ ઝીલેન્ડની ટીમે ફક્ત બે વિકેટ ગુમાવી ૧૪૦ રન કર્યા હતાં. રોસ ટેલર અને કેન વિલિયમ્સને ત્રીજી વિકેટ માટે ૯૬ રનની અણનમ ભાગીદારી કરી હતી.

રોઝ ટેઈલર ૪૭ રન અને કેન વિલિયમ્સન ૪૬ રન બનાવ્યા હતા. ભારતનો બીજો દાવ ફક્ત ૧૭૦ રનમાં સમેટાઈ ગયો હતો. તે પછી ભારતીય પ્રશંસકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. ઓફસ્પીનર આર. અશ્ર્વિને શરુઆતમાં બે વિકેટ લેતાં ભારતીય પ્રશંસકોને થોડી આશા જાગી હતી પણ વિલિયમ્સન અને ટેલરે ધીરજપૂર્વક ચિત્ર બદલી નાખ્યું હતું.

ભારત તરફથી ઇશાંત શર્મા, મહંમદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા કોઈપણ વિકેટ મેળવવામાં નિષ્ફળ ગયા હતા.

અગાઉ બુધવારે ભારતે ૬૪/૨ના સ્કોરથી રમવાની શરૂઆત કરી હતી. જો કે ભારતનો કોઈ બેટ્સમેન ઝાઝુ ટકી શક્યો નહોતો અને ભારતની ટીમ ૧૭૦ રને તંબૂ ભેગી થઈ ગઈ હતી. જેમાં રિષભ પંત ૪૧ રન સાથે ટોપસ્કોરર હતો. રોહિત શર્મા ૩૦, વિરાટ કોહલી ૧૩, ચેતેશ્ર્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ ૧૫-૧૫ રન બનાવ્યા હતાં. ન્યૂ ઝીલેન્ડ વતી ટીમ સાઉધીએ ૪૮ રનમાં ચાર વિકેટ લીધી હતી.

ટૂંકો સ્કોર:

ભારત: ૨૧૭ અને ૧૭૦

ન્યૂ ઝીલેન્ડ: ૨૪૯ અને ૧૪૦-૨.

June 22, 2021
pawar_pk.jpg
1min458

વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે મજબૂત જંગ માટે તેમ જ આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ સામે વિપક્ષોની એકતાની શક્યતા તપાસવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે તા.22 જૂને યશવંત સિંહાના રાષ્ટ્રીય મંચના બેનર તળે વિપક્ષોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનું નક્કી થયું એ અગાઉ 21 જૂન 2021ની સવારે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર પવારને મળ્યા હતા.

પખવાડિયામાં કિશોર સાથે પવારની આ બીજી બેઠક થઇ એ મહત્ત્વની મનાય છે. આ પહેલા 11 જૂને કિશોર મુંબઈમાં પવારના નિવાસસ્થાને મળવા આવ્યા હતા.

અટલ સરકારમાં નાણા પ્રધાન અને વિદેશ પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ વર્ષ 2018માં ભાજપને રામ રામ કરીને રાષ્ટ્ર મંચની સ્થાપના કરી હતી અને મોદી સરકારની નીતિઓના વિરોધમાં તાજેતરમાં બંગાળની ચૂંટણી પહેલા સિંહા મમતા બેનરજીના તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા.

સિંહાના રાષ્ટ્ર મંચના બેનર તળે પહેલી વાર પવારે પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને સાંજે ચાર વાગ્યે વિપક્ષોની બેઠક બોલાવી છે. શરદ પવાર અને મમતા દીદી તરફથી સિંહાએ વિપક્ષોને આ બેઠકમાં બોલાવ્યા છે તેને કેવો પ્રતિભાવ મળે છે અને કોણ હાજરી આપશે એના પર સૌની નજર રહેશે. પવાર અને મમતા દીદી આ બેઠકના માધ્યમથી એ તપાસવા માગે છે કે વિપક્ષોની એકતા કેટલી છે અને કઇ પાર્ટી પોતાના કયા ગજાના નેતાને આ બેઠકમાં હાજરી આપવા મોકલે છે તેના પરથી આ વિપક્ષી એકતાનો અંદાજ બાંધવામાં આવે એવી શક્યતા છે.
પવાર અને સિંહા વતી રાષ્ટ્રીય મંચ તરફથી કેટલીક પાર્ટીને પાઠવેલા નિમંત્રણમાં જણાવાયું છે કે હાલમાં દેશની રાજકીય પરિસ્થિતિ વિશે શરદ પવાર અને યશવંત સિંહા સાથે આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. આ બેઠકમાં હાજર રહેવા તમને નિમંત્રણ છે.

‘કોરોના પ્રૉટોકોલ વચ્ચે વિપક્ષોની આ બેઠક અૉનલાઇન નહીં પરંતુ પવારના ધરે રૂબરૂમાં મળશે અને આ બેઠકમાં 15 જેટલા વિપક્ષી પાર્ટીના નેતાઓ હાજર રહેવાની ધારણા છે. હાલમાં આ કોઇ રાજકીય મોરચો નથી પરંતુ ભવિષ્યમાં ત્રીજો મોરચો આકાર લઇ શકે છે. કૉંગ્રેસને સત્તાવાર નિમંત્રણ મોકલાયું છે કે તેના તરફથી કોઇ આ બેઠકમાં હાજર રહેશે કે કેમ એની માહિતી મોડી સાંજ સુધી મળી નહોતી.

લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળના (આરજેડી)ના નેતા મનોજ ઝા, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને કૉંગ્રેસના નેતા વિવેક તણખા સહિતના કેટલાક નેતાઓને આ નિમંત્રણ પાઠવાયા છે, જેઓ અગાઉ પણ રાષ્ટ્ર મંચના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે. તામિલનાડુમાં સત્તાધીશ દ્રવિડ મુનેત્ર કડ્ઝગમ (ડીએમકે) તરફથી જણાવાયું હતું કે તેમને નિમંત્રણ નથી મળ્યું અને આ બેઠક વિશે કોઇ જાણકારી નથી.
આજે દિલ્હીમાં કિશોરની પવાર સાથે બેઠક બાદ વિપક્ષોની થનારી આ બેઠકની વિગતો બહાર આવી હતી. વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) અને મોદી સામે મજબૂત જંગ માટે આ બેઠકોના દોર ચાલી રહ્યાની અટકળો ચાલી રહી છે. દસ દિવસ પહેલા જ 11 જૂને મુંબઈમાં પવારના નિવાસસ્થાન સિલ્વર અૉકમાં કિશોર-પવાર વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી બેઠક થઇ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં મિશન 2024 અંતર્ગત મોદી સામે વિપક્ષના ચહેરાની ચર્ચા થશે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર સામે હાલમાં જણાતા અસંતોષની ચર્ચા થશે અને યુપીમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત વિકલ્પની શક્યતા પણ તપાસાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન મોદીને પણ મળ્યા હતા અને બાદમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં શિવસેના-ભાજપ’ રાજકીય રીતે એક નથી પરંતુ વડા પ્રધાન સાથેના સંબંધો યથાવત્ છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની મહા વિકાસ આઘાડીની સહિયારી સરકાર છે અને સમયાંતરે તેમાં મતભેદો પણ બહાર આવે છે. શિવસેનાએ એક વાર એમ પણ કહ્યું હતું કે અમારા દરવાજા ભાજપ માટે બંધ નથી. રાજકારણમાં કોઇ કાયમી શત્રુ કે મિત્ર નથી હોતા. પવારે જાહેર સભામાં શિવસેનાને તેની વફાદારીની યાદ પણ અપાવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંગાળમાં મમતા દીદીને પ્રચંડ બહુમતીથી જીતાડનારા કિશોર હવે દીદીને ભાજપ વિરોધી ત્રીજા મોરચાના ચહેરા તરીકે આગળ કરવાના પ્રયાસોમાં છે. પવાર આ ત્રીજા મોરચાના સંયોજકની ભૂમિકા નિભાવી શકે છે.

June 21, 2021
pm_modi.jpg
1min531

ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા દેશને સંબોધિત કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું, “દુનિયાના ઘણાં દેશો માટે યોગ દિવસ સદીઓ જૂનો સાંસ્કૃતિક પર્વ નથી. આ મુશ્કેલ સમયમાં લોકો તેને ભૂલી શક્યા હોત, તેની ઉપેક્ષા કરી શક્યા હોત. પરંતુ તેનાથી અલગ, લોકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે, યોગથી પ્રેમ વધ્યો છે.”

આજે દુનિયાભરમાં 7મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો છે. વડાપ્રધાને કહ્યું- “આજે જ્યારે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે, તો યોગ આશાનું કિરણ બની રહ્યો છે.” બે વર્ષથી ભલે દુનિયામાં અને ભારતમાં સાર્વજનિક રીતે કાર્યક્રમ આયોજિત ના કરાતો હોય, પરંતુ યોગ દિવસ પ્રત્યેનો ઉત્સાહ ઓછો નથી થયો.

કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે, “જ્યારે કોરોનાના અદૃષ્ય વાયરસે દુનિયામાં એન્ટ્રી કરી હતી, ત્યારે કોઈ દેશ, સાધનો, સામર્થ્યથી અને માનિસિક અવસ્થાથી, તેના માટે તૈયાર નહોતો. આપણે સૌએ જોયું કે આવા કઠીન સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યું.” વડાપ્રધાને કહ્યું કે, “ભારતના ઋષિયોએ, ભારતે જ્યારે પણ સ્વાસ્થ્યની વાત કરી છે, તો તેનો મતલબ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી થતો. માટે યોગમાં ફિઝિકલ હેલ્થની સાથે-સાથે મેન્ટલ હેલ્થ પર પણ ભાર આપવામાં આવ્યો છે. યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેંથ અને નેગેટિવિટીથી ક્રિએટિવિટી તરફનો રસ્તો બતાવે છે. યોગ આપણને અવસાદથી ઉમંગ અને પ્રમાદથી પ્રસાદ તરફ લઈ જાય છે.”

યોગ દિવસ પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “જ્યારે ભારતે યુનાઈટેડ નેશનમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ નો પ્રસ્તાવ રાખ્યો હતો, તો તેની પાછળ એ જ ભાવના હતી, કે આ યોગ દુનિયા માટે ફાયદાકારક છે. આજે આ દિશામાં ભારતે યુનાઈટડ નેશન, WHO સાથે મળીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે દુનિયાને M-Yoga એપની શક્તિ મળવા જઈ રહી છે. આ એપમાં કોમન યોગ પ્રોટોકોલ પર યોગ પ્રશિક્ષણની ઘણા વિડીયો દુનિયાની અલગ-અલગ ભાષામાં ઉપલબ્ધ હશે.”

June 21, 2021
jobloss.jpg
1min394

કોરોના મહામારીની બીજી લહેરના પરિણામે ભારતમાં રોજગારીની સ્થિતિ અત્યંત દયનિય બની ગઇ છે એવું જણાવતા સેન્ટ્રર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઇઆઇ) એ જણાવ્યુ કે, ભારતમાં લેબર માર્કેટની સ્થિતિ એપ્રિલ-મે દરમિયાન ગત વર્ષની તુલનાએ પણ અત્યંત ખરાબ છે જ્યારે પાછલા વર્ષે દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન હતુ.

સીએમઇઆઇ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ દર્શાવે છે કે, દેશમાં મે ૨૦૨૧માં બેરોજગારીનો દર વધીને ૧૧.૯ ટકા થયો છે, જે જૂનમાં પણ વધી રહ્યો છે. ૬ જૂન, ૨૦૨૧ સુધીના ૩૦ દિવસનો સરેરાશ બેરોજગારીનો દર હાલ ૧૩ ટકાના સ્તરે પહોંચી ગયો છે. તો બીજી બાજુ શ્રમિકોની ભાગીદારી ૪૦ ટકાથી નીચે ઉતરી ગઇ અને તે હાલ ૩૯.૭ ટકા થઇ ગઇ છે. તો શ્રમ બજારના સૌથી મોટો માપદંડ ગણાતો રોજગારી દર મે મહિનામાં ઘટીને ૩૫.૩ ટકા અને ૬ જૂન, ૨૦૨૧ સુધીમાં વધુ ઘટીને ૩૪.૬ ટકા ટકા થયો છે.

સીએમઇઆઇના સીઇઓ મહેશ વ્યાસે જણાવ્યુ હતુ કે, એપ્રિલ અને મે ૨૦૨૦ના દેશવ્યાપી લોકડાઉન બાદ જ ભારતના લેબર માર્કેટની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. છેલ્લા ચાર સપ્તાહ દરમિયાન લેબર માર્કેટની સ્થિતિ ઝડપથી બગડી છે.

જો કે તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકડાઉનના કારણે અસંગઠિત ક્ષેત્રોમાં ગુમાવેલી અનૌપચારિક નોકરીઓમાં ઝડપી રિકવરીની અપેક્ષા છે, પરંતુ લોકડાઉનથી સ્વતંત્ર રોજગારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૧ બાદથી કૃષિ સિવાયના ક્ષેત્રોમાં કુલ ૩.૬૮ કરોડ લોકોએ ગુમાવી છે. તેમાં દૈનિક વેતન મેળવતા મજૂરોની સંખ્યા ૨.૩૧ કરોડ છે. તો પગારદાર લોકોની સંખ્યા ૮૫ લાખ અને બાકીના સ્વરોજગાર મેળવનાર છે. રોજગારી મોરચે પરિસ્થિતિ સુધારવા કે વર્ષ ૨૦૧૯-૨૦ના સ્તરે પરત લઇ જવા માટે ભારતીય અર્થવ્યવસ્થામાં મક્કમ રિકવરીની આવશ્યકતા છે.

June 21, 2021
mutual_funds.jpg
1min447

કોરોના મહામારીમાં પણ સેવિંગ્સ રેશિયો પોઝિટવ જોવા મળી રહ્યો છે. માર્ચ-૨૦૨૦માં ઇક્વિટી માર્કેટમાં આવેલા જંગી ઘટાડા બાદ માર્કેટ સરેરાશ બમણું વધ્યું છે જેની સાથે-સાથે મ્યૂચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં પણ રોકાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ઇક્વિટી માર્કેટની અનિશ્ર્ચિતત્તાને લઇને નવા પ્રવેશતા રોકાણકારો મ્યૂચ્યુઅલ ફંડમાં એસઆઇપીમાં રોકાણ કરી રહ્યાં છે.

એસઆઇપી મે માસમાં ઓલટાઇમ હાઇ ૪.૬૭ લાખ કરોડની સપાટી પર પહોંચ્યું છે. એસઆઇપીમાં રોકાણ છેલ્લા પાંચ વર્ષમાં ચાર ગણું વધ્યું છે. ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ એસઆઇપી એયુએમ રૂ.૧૨૫૩૯૪ કરોડની હતી જે વધીને ૩૧ મેના અંતે રૂ.૪૬૭૩૬૬.૧૩ કરોડ આંબી ગઇ છે. આમ સરેરાશ વાર્ષિક ધોરણે ૩૦ ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે.

એમ્ફી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, એસઆઈપી એયુએમ આ વર્ષે મે મહિનામાં ચાર ગણા ઉછાળા સાથે રૂ.૪.૬૭ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. વાર્ષિક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીના યોગદાનમાં પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન બે ગણો વધારો થયો છે, જે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ., ૯૬૦૮૦ કરોડ થયો છે, જે વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૪૩૯૨૧ કરોડ હતો.

ઉપરાંત, માસિક એસઆઈપી યોગદાન મે ૨૦૨૧ સુધીમાં ૨.૫૨ ગણી ઝડપી વૃદ્ધિ નોંધાવી ૮,૮૧૯ કરોડ રૂપિયા પહોંચ્યું છે જે ઓગસ્ટ ૨૦૧૬માં માસિક રૂ.૩૪૯૭ કરોડ રહ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં, એસઆઈપીમાં પ્રથમ પાંચ મહિનામાં રૂ. ૪૨,૧૪૮ કરોડનું રોકાણ આવ્યું છે.

સતત ઘટી રહેલા બેન્કના વ્યાજદર સામે સતત વધી રહેલા ફુગાવાના કારણે રોકાણ માધ્યમ બદલવું નાના બચતકારોએ ઉચીત સમજ્યું છે. લાંબા ગાળાના ઉચ્ચત્તમ ગુણાત્મક વળતર, માત્ર મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસમાંથી જ આવી શકે છે. તેથી એમએફ એસેટ ક્લાસ પ્રત્યે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.

નાના બચતકર્તાઓ બેંક થાપણોથી દૂર, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં બચત કરી રહ્યા છે, કારણ કે બેન્કના દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એસઆઈપીએ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા આપવામાં આવતી એક રોકાણ પદ્ધતિ છે જેમાં વ્યક્તિગત બચતકારણે નિયત સમયાંતરે પસંદ કરેલ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસ પ્રત્યે રિટેલ રોકાણકારોના રસમાં વૃદ્ધિ નોંધાઈ છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એસઆઈપી ખાતા મે ૨૦૨૧ માં લગભગ ચાર ગણા ઉછાળા સાથે ૩.૮૮ કરોડ પર પહોંચી ગયા છે, જે એપ્રિલ ૨૦૧૬માં એક કરોડ જ હતા. મહિના-દર-મહિનાના ધોરણે નોંધાયેલા નવા એસઆઈપીની સંખ્યા, એપ્રિલ ૨૦૧૬ માં ૫.૮૮ લાખની સરખામણીએ ૩૧ મે, ૨૦૨૧ સુધીમાં સરેરાશ ત્રણ ગણા ઉછાળા સાથે ૧૫.૪૮ લાખ થઈ ગઈ છે.

June 19, 2021
Milkha-Singh.jpg
1min605

છ દિવસ પહેલાં મિલ્ખા સિંહની પત્નીનું પણ મૃત્યુ થયું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

‘ફ્લાઈંગ શિખ’ (Flying Sikh)ના નામે ઓળખાતા પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહ (Milkha Singh)નું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ (COVID-19) સંક્રમણનો ભોગ બન્યા હતા. તેમણે ચંડીગઢની PGIMER હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. હજી છ દિવસ પહેલાં જ તેમની પત્ની અને ભારતીય મહિલા વોલીબોલ ટીમના ભુતપુર્વ કપ્તાન ૮૫ વર્ષીય નિર્મલ કૌર (Niramal Kaur)નું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે નિધન થયું હતું.

ગત મહિને ૨૦ મેના રોજ મિલ્ખા સિંહ અને તેમની પત્ની નિર્મલ કૌર કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ ૨૪ મેના રોજ મિલ્ખા સિંહને એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી પરિવારના આગ્રહથી ૩૦મેના રોજ તેમને હૉસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ઘરમાં જ ચાલતી હતી. જોકે, થોડાક દિવસ પહેલાં તેમનું ઑક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું અને ૩ જૂનના રોજ મિલ્ખા સિંહને ફરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં ચાલી રહી હતી. નિર્મલ કૌરનું નિધન ૧૩ જૂનના રોજ સાંજે ચાર વાગ્યે થયું હતું. ICUમાં દાખલ હોવાથી મિલ્ખા સિંહ પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહોતા.

June 19, 2021
indianhocky.jpg
1min444

ટોક્યો ઓલિમ્પિકની ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમ જાહેર થઇ છે. 16 ખેલાડીની પુરુષ ટીમમાં દસ એવા ખેલાડી છે જે પહેલીવાર ઓલિમ્પિક રમશે. ટીમમાં ઇજા બાદ લાંબા સમયે ડિફેન્ડર બીરેન્દ્ર લાકડાની વાપસી થઇ છે. પુરુષ હોકી ટીમમાં અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ, મિડફિલ્ડર મનપ્રિતસિંઘ, ડિફેન્ડર હરમનપ્રિત, રૂપિન્દરપાલ, સુરેન્દ્રકુમાર અને ફોરવર્ડ મનદિપસિંઘ સામેલ છે. જેઓ ઓલિમ્પિક રમી ચૂકયા છે. અનુભવી ખેલાડીઓ એસ. વી. સુનિલ, આકાશદિપ અને રમનદિપને ટીમમાં જગ્યા મળી નથી. ટીમના સુકાની તરીકે મનપ્રિતસિંઘ યથાવત રહેશે.

ભારતીય પુરુષ હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં પૂલ એમાં છે. તેની સાથે ગત ચેમ્પિયન આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સ્પેન અને યજમાન જાપાન છે. ભારતે છેલ્લે 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતીય મહિલા હોકી ટીમમાં આઠ ખેલાડી ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરશે. ટીમમાં 8 ખેલાડી એવી છે કે તેઓ રિયો ઓલિમ્પિકમાં રમી ચૂકી છે. ટીમનું સુકાન સ્ટાર સ્ટ્રાઇકર રાની રામપાલ સંભાળશે.ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં ત્રીજીવાર ભાગ લઇ રહી છે. આ પહેલા 1980 અને પછી 2016ના ઓલિમ્પિકમાં કવોલીફાઇ થઇ હતી.

June 17, 2021
vaccine-1.jpg
1min444

સરકાર દેશના દરેક નાગરિકને કોરોનાની રસી રુપે સુરક્ષા કવચ પુરુ પાડવા તત્પર છે. આજ કારણ છે કે સરકાર દેશમાં દરેક નાગરિકને કોરોના રસીનું અભિયાન ચલાવી રહી છે.  હવે રસીકરણને સરળ બનાવવા લોકોને સુવિધા મળે તે માટે કોવિન એપ અથવા વેબસાઈટ પરન રજિસ્ટ્રેશનના ફરજિયાતપણાને સમાપ્ત કર્યુ છે.  સરકારના નવા નિયમ મુજબ કોઈ વ્યક્તિ પોતાની નજીકના વેક્સીનેશન સેન્ટર જઈને ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવી શકે છે  અને રસી લઈ શકે છે.

સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોના રસી દેશના દરેક ખુણા સુધી પહોંચાડવા માટે હેલ્થ વર્કર્સ તથા આશા વર્કર્સ ગ્રામિણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં જશે અને લોકોને ઓન સાઈટ રજિસ્ટ્રેશન માટે જાગૃત કરશે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો હજું પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કરાવી શકતા. એજ કારણ છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના રસીકરણ અભિયાનની સ્પીડ ઘણી ઓછી છે.

સરકારે 21 જૂનથી ફરી રસીકરણ અભિયાનની કમાન હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે.  કેન્દ્રે આશ્વાસન આપ્યુ છે કે આ મહિને 12 કરોડ રસીના ડોઝ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે 13 જૂન સુધી કોવિનના માધ્યમથી કરવામાં આવેલા 28.36 કરોડ રજિસ્ટ્રેશનમાંથી 16.45 કરોડ (58 ટકા) લાભાર્થીઓએ ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

ભારતમાં કોરોનાના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીથી થઈ હતી. 16 જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં 26 કરોડથી વધારે લોકોને કોરોના રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. આરોગ્ય મંત્રલયના મતે મંગળવારે 18-44 વર્ષની ઉંમરના 13,13, 438 લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે, જ્યારે 54, 375 લોકોને બીજો ડોઝ લગાવાયો છે.