CIA ALERT

ઇન્ડીયા Archives - Page 177 of 218 - CIA Live

July 1, 2019
gst.jpg
1min4920
જીએસટીની અમલવારીને બે વર્ષ થવાનાં અવસરે સરકાર નવી રીટર્ન સીસ્ટમ શરૂ કરી શકે છે. નાણા મંત્રાલય આવતીકાલ સોમવારે આ કરમાળખામાં સુધારાની જાહેરાત કરે તેવી સંભાવના છે. જેમાં નવી રીટર્ન સીસ્ટમ, કેશ લેજર સીસ્ટમ (રોકડ ખાતા પ્રણાલી)ને તર્કસંગત બનાવવા અને સિંગલ રીફન્ડ, ડિસ્બર્સિંગ મિકેનિઝમ સહિતની બાબતો સામેલ થઈ શકે છે.
કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર આવતીકાલે જીએસટી સંબંધિત કાર્યક્રમની અધ્યક્ષતા સંભાળશે અને તેમની સાથે આમાં વિભિન્ન વિભાગોના મુખ્ય સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. નાણા મંત્રાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય અર્થતંત્રમાં જીએસટીનું આગમન બાજી પલટાવનારું બની રહ્યું છે. તેનાથી બહુસ્તરીય જટિલ કરમાળખું સરળ અને પારદર્શી બન્યું છે. 1 જુલાઈથી પ્રાયોગિક ધોરણે નવી રીટર્ન સીસ્ટમ લાગુ કરી દેવામાં આવશે અને 1 ઓક્ટોબરથી તે ફરજિયાત બની જશે.
એક રોકડ ખાતાના સંદર્ભમાં સરકારે તેને તર્કસંગત બનાવતા 20 બાબતોને પાંચ મુખ્ય વર્ગમાં સામેલ કરશે. ટેક્સ, વ્યાજ, પેનલ્ટી, ફી અને અન્ય આવી બાબતો માટે એક જ રોકડ ખાતુ રહેશે. આ ઉપરાંત સિંગલ રીફન્ડ, ડિસ્બર્સિંગ મિકેનિઝમમાં તમામ ચાર મુખ્ય બાબત એટલે કે સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી અને સેસ માટે રીફન્ડની એક જ વ્યવસ્થા અમલી બનશે.
June 29, 2019
diamond.png
1min4690
વૈશ્વિક સ્તરે ફેલાયેલી મંદીની અસર હીરા-ઝવેરાત ઉદ્યોગને થઇ છે. ગત વર્ષે ભારતીય મૂળની ટોચની હીરાની પેઢીએ અમેરિકામાં નાદારી નોંધાવી હતી. ચાલુ વર્ષે ભારતીય મૂળની વધુ એક ટોચની જ્વલેરી પેઢીએ અમેરિકામાં નાદારી નોંધાવતાં હીરાઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લગભગ  60 મીલીયન ડોલરની નાદારી નોંધાવે તેમ છે.
2006માં પાર્ટનરશીપથી ધંધાની શરૂઆત કરનાર હીરાનાં આ ધંધાર્થીએ જોત-જોતમાં મોટું સાહસ ખેડયું હતું. આ કંપનીએ મુંબઈ, સુરત ઉપરાંત હોંગકોગ અને ન્યુયોર્કમાં મોટી ઓફિસો ઉભી કરી હતી. ભારતીય મૂળની અમેરિકા સ્થિત કંપની લૂઝ ડાયમંડ, જેમ સ્ટોન અને બ્રાન્ડેડ જ્વેલરીનું મોટું કામ કરતી હતી.
થોડા જ વખતમાં આ કંપનીનાં માથે દેવું વધી જતાં ધ સધર્ન ન્યૂયોર્ક કોર્ટમાં નાદારી નોંધાવવા માટે અરજી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ કંપની 60 મિલીયન ડોલરમાં નાદારી નોંધાવશે. કંપનીએ નાદારી નોંધાવવા માટે અરજી કરતાં સુરત અને મુંબઈનાં હીરાબજારમાં સોપો પડી ગયો છે.
ભારતીય મૂળની કંપનીની અમેરિકામાં નાદારીની ઘટનાનાં પડઘા સુરત અને મુંબઈમાં પડયા છે. પરંતુ, વર્ષે દહાડે હીરાઉદ્યોગમાં નાની-મોટી થઈને કેટલીય કંપનીઓ અંદાજે રૂા. 1 હજાર કરોડનાં ઉઠમણાં કરે છે.
પીએનબી બેન્કનાં લોન કૌભાંડ બાદ હીરા-ઝવેરાત ઉદ્યોગને બેન્કો તરફથી મળતી સુવિધાઓમાં મોટી કપાત આવી છે. જેનાં કારણે કંપનીઓની મૂડીનું ધોવાણ સતત થઈ રહ્યું છે. ટોચની હીરાની પેઢીઓને ટકી રહેવા માટે દબાણનો અનુભવ થઈ રહ્યો છે.
June 29, 2019
jk.jpg
1min5230

ગૃહ પ્રધાન અમિત શાહે બે દિવસ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. શુક્રવારે તેમણે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસનની મુદત વધુ છ માસ લંબાવવા માટે લોકસભામાં કાનૂની ઠરાવ મુક્યો હતો. જેને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. હાલ ત્યાં રાષ્ટ્રપતિશાસન છે જે 3 જુલાઈ 2019 સુધી છે તેને વધુ છ માસ માટે લંબાવવા રજૂઆત થઈ હતી. ઠરાવ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે અભ્યાસ અને સમીક્ષા કર્યા બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજવા નિર્ણય લીધો હતો તેથી 3, જુલાઈ બાદ રાષ્ટ્રપતિશાસન લંબાવવું જરૂરી છે.

તેમણે કહ્યું હતું કે રાજ્યપાલશાસન બાદ રાષ્ટ્રપતિશાસન દરમિયાન સરકાર આતંકવાદના મૂળિયાં સુધી પહોંચી શકી છે. અગાઉની ચૂંટણી વખતે રાજ્યમાં ભારે હિંસા થતી હતી. હવે આ બધું બદલાયું છે. લોકસભાની ચૂંટણી રાજ્યમાં શાંતિથી થઈ હતી.

તેમણે આ ઠરાવને પસાર કરવા વિપક્ષોને પાર્ટી લાઈન ઉપર જઈને સમર્થન આપવા વિનંતી કરી હતી. ગૃહ પ્રધાન બન્યા બાદ અમિત શાહે પ્રથમવાર આ દરખાસ્ત મૂકી છે.

રાજ્યમાંથી આતંકવાદની નાબૂદી તથા લોકશાહીને પુુન: સ્થાપિત કરવાની સરકારની ટોચની પ્રાધાન્યતા છે. રાજ્યમાં આ સમયગાળામાં કોઈવાર ચૂંટણી કરાઈ નથી. રમજાન તહેવાર, અમરનાથ યાત્રા આ સમયમાં હોય છે.

રાજ્યમાં અગાઉ રાજ્યપાલશાસન સાતવાર તથા રાષ્ટ્રપતિશાસન બે વાર લાદવામાં આવ્યું હતું. રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ અંકુશમાં છે. સરકાર 15000 બંકર નિર્ધારિત સમયગાળામાં બાંધશે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિશાસન કયા કારણસર લાદવામાં આવ્યું તેના કારણો તેમણે ગૃહમાં જણાવ્યા હતા.

અમિત શાહે જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન (સુધારિત) બિલ-2019 પણ લોકસભામાં રજૂ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના આંતરરાષ્ટ્રીય સરહદે રહેતા લોકોને આ અનામતનો લાભ મળશે.

વિપક્ષોના અમુક સભ્યોએ આ બિલનો વિરોધ કર્યો હતો. જોકે, સ્પીકર ઓમ બિરલાએ માગણી નકારી કાઢી હતી.

June 28, 2019
whatsapp.jpg
1min5050

વ્હોટ્સએપે તેના પેમેન્ટ બિઝનેસ માટે ભારતમાં ડેટા સ્ટોરેજ ફેસિલિટી સ્થાપી હોવાની વિગતો વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી છે. ગ્રાહકોની પ્રાઇવેસી સાથે કોઇ સમાધાન નહીં એવા સૂત્ર સાથે અગાઉ ભારત સરકારને ડેટા સંગ્રહની ચોખ્ખી ના પાડી દેનાર વિશ્વની સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક વ્હોટ્સ એપ એ ભારતમાં પેમેન્ટ બિઝનેસ માટે ડેટા સંગ્રહ કરવાની સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા માટે ભઆરતમાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું હોવાનું જાણવા મળે છે.

ફેસબૂકની માલિકીના મેસેજિંગ એપ દ્વારા હવે ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસને લોકો માટે સત્તાવાર રીતે ગમે ત્યારે લોંચ કરવામાં આવશે એમ મનાય છે. ભારતના બેન્કિંગ રેગ્યુલેટર માટે આ બાબત સિદ્ધિ સમાન છે કેમકે, તેમણે એ નિયમ બનાવ્યો છે કે ગ્લોબલ પેમેન્ટ કંપનીઓએ ભારતના યુઝર્સનો ટ્રાન્ઝેક્શન ડેટા ભારતમાં જ સ્ટોર કરવો પડશે, આ નિયમ વ્હોટ્સ એપ જેવી કંપનીના સંચાલકો પાસે પળાવ્યો છે.

એવું માનવામાં આવે છે કે વ્હોટ્સએપ આઇસીઆઇસીઆઇ બેન્કની સાથે તેના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ આધારિત સર્વિસ ટૂંક સમયમાં લોંચ કરી શકે છે. એ પછી તબકકાવાર એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને એસબીઆઇ સાથેની સર્વિસ પણ શરૂ કરવામાં આવશે.

આરબીઆઇના નોર્મ્સ પ્રમાણે પેમેન્ટ કંપનીઓએ સૌથી પહેલાં ભારતમાં ડેટા સ્ટોરેજ ફેસિલિટી સ્થાપવી પડશે અને ત્યાર બાદ સેન્ટ્રલ બેન્કને ઓડિટ રિપોર્ટ આપવો પડશે. 6 એપ્રિલ 2018ના રોજ આરબીઆઇએ એક નોટમાં જણાવ્યું હતું કે, “તમામ સિસ્ટમ પ્રોવાઇડર્સે એ સુનિશ્ચિત કરવાનું છે કે પેમેન્ટ સિસ્ટમને લગતો તમામ ડેટા ભારતીય સિસ્ટમમાં જ સંગ્રહ કરવાનો રહેશે.”

આ ઓડિટ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી) દ્વારા નીમેલા ઓડિટર્સ દ્વારા થવો જોઈએ.

વ્હોટ્સએપે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ICICI સાથે ભાગીદારીમાં પેમેન્ટ ફીચર શરૂ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બિટા સર્વિસ પૂરતો મર્યાદિત રખાયો હતો. ભારત બહાર પ્રોસેસ થતા તમામ ડોમેસ્ટિક ડેટાને 24 કલાકની અંદર ભારત લાવીને તેને લોકલ સ્તરે સ્ટોર કરવાનો રહેશે.ચાલુ વર્ષે ઓનલાઇન રિટેલ કંપની એમેઝોને પણ ડેટા લોકલાઇઝેશનની માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું અને યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ શરૂ કરી હતી.

June 28, 2019
india_wi.jpg
1min4580

-વેસ્ટ ઇન્ડિઝ સામે 125 રને એક તરફી વિજય : શમીની 4 વિકેટ

-ભારત 50 ઓવર: 7/268 વેસ્ટ ઇન્ડિઝ 34.2 ઓવર: 143 ઓલઆઉટ

વિશ્વ કપ અભિયાનમાં સડસડાટ આગેકૂચ કરી રહેલી ટીમ ઇન્ડિયાએ આજે વેસ્ટ ઇન્ડિઝ સામે 12પ’ રને પ્રભાવશાળી વિજય હાંસલ કર્યોં હતો. વિજય રથ પર સવાર કોહલીસેના 6 મેચમાં 11 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલની નજીક પહોંચી ગઈ છે.
સુકાની અને મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીના 72 અને એમએસ ધોનીના અણનમ પ6 રનથી ભારતના 7 વિકેટે 268 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝનો 34.2 ઓવરમાં 143 રનમાં ધબડકો થયો હતો.
ભારત તરફથી શમીએ કાતિલ બોલિંગ કરીને 16 રનમાં 4 વિકેટ લીધી હતી. જયારે ચહલ અને બુમરાહને 2-2 વિકેટ મળી હતી. હાર્દિક-કુલદિપના ફાળે 1-1 વિકેટ આવી હતી.
ભારતે વિશ્વ કપમાં વેસ્ટ ઇન્ડિઝ સામે પાછલા 27 વર્ષથી ચાલ્યો આવતો અપરાજીત રહેવાનો ક્રમ આજે પણ જાળવી રાખ્યો હતો. પહેલા શાનદાર બેટિંગ અને પછી ચુસ્ત બોલિંગ-ફિલ્ડીંગથી ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું હતું.
આઇસીસી ક્રમાંકમાં ફરી નંબર વન બનનાર ટીમ ઇન્ડિયાના પેસ એન્ડ સ્પિન એટેક સામે ગેલ સહિતના તમામ કેરેબિયન બેટધરો નતમસ્તક થઇ ગયા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ 31 રન સુનિલ એમ્બ્રિસે કર્યાં હતા. ગેલ (6), હોપ (પ), પૂરન (28), હેટમાયર (18), સુકાની હોલ્ડર (6) નિષ્ફળ રહયા હતા. ભારતીય ટીમની ટકકર હવે રવિવારે ઇંગ્લેન્ડ સામે થશે.
June 27, 2019
kailash.png
1min4750

તિબેટમાં કૈલાસ માનસરોવરની યાત્રા કરીને પાછા ફરી રહેલા 200 જેટલા ભારતીય યાત્રાળુઓ નેપાળના હુમલા જિલ્લામાં કથિત રીતે ખાનગી ટૂર ઑપરેટરના વાંકે ફસાયા હોવાનો દાવો યાત્રાળુઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

તિબેટના બુરાંગથી ભારત-ચીન સરહદ નજીક આવેલ હિલસા ટાઉનમાં ભારતીય યાત્રાળુઓ હાલ ફસાયા છે. અહીંથી તુરંત જ હેલિકોપ્ટર દ્વારા સિમિકોટ અને ત્યાંથી તેઓ નેપાલગંજ તરફ રવાના થવાના હતા, પણ જ્યારે તેઓ હિલસા પહોંચ્યા ત્યારે એમની પહેલાના યાત્રાળુઓને પણ રોકવામાં આવ્યા હતા અને આ કારણસર એમને પણ ત્યાં રોકાવાની ફરજ પાડવામાં આવી હતી. પંકજ ભટનાગર નામના એક યાત્રાળુએ જણાવ્યું હતું કે ટૂર ઓપરેટરે અમારી અગાઉના અનેક યાત્રાળુને ત્યાં રોકાવાની ફરજ પાડી હતી અને એ કારણે અમારે પણ ત્યાં રોકાવું પડયું હતું. તેઓ ત્રણ દિવસથી અહીં છે અને એમના ગયા બાદ અમને જવા મળશે.

અન્ય એક યાત્રાળુએ પણ ફરિયાદ કરી હતી કે યાત્રાળુઓની સંખ્યા પ્રમાણે અહીં વ્યવસ્થા નથી અને સતત પડી રહેલા વરસાદને લીધે એમાં વધારો થાય છે. ઓપરેટરો યોગ્ય જવાબ નથી આપતા. ભારતીય ટૂર ઓપરેટરે જણાવ્યું હતું કે હવામાન ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટર સેવા હાલ બંધ હતી, પણ હવે હવામાન સુધરી રહ્યું હોવાથી હેલિકોપ્ટર સિમિકોટ મોકલવામાં આવી રહ્યા છે. જે લોકો હિલસામાં પહેલા આવ્યા હશે, એમને પહેલા સિમિકોટ મોકલવામાં આવશે. જોકે, વરિષ્ઠ નાગરિકો અને બીમાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.

June 27, 2019
modi_vic.jpg
1min5110

રાષ્ટ્રપતિના સંભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર રાજયસભામાં જવાબ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પણ કૉંગ્રેસની વિવિધ મુદ્દાઓ પર ટીકા કરી હતી. ભાજપની જંગી જીત, ઇવીએમની ટીકા, એક રાષ્ટ્ર એક ચૂંટણી, રાજયસભામાં વિધેયકો પસાર નહીં થવા દેવાની વિપક્ષની વૃત્તિ, મોબલિન્ચિંગ, આસામ સમજૂતી, જમ્મુ – કાશ્મીર, બિહારમાં મગજનો તાવ સહિત સંખ્યાબંધ વર્તમાન મુદ્દાઓ મોદીએ પોતાના જવાબમાં આવરી લીધા હતા.

ઇવીએમથી હાર્યા છે તેવા વિપક્ષની રજૂઆતને ખોટી ગણાવતા મોદીએ શેર ટાંકયો હતો.

‘તાઉમ્ર યહી ભૂલ કરતા રહા, ધૂલ ચેહરે પર થી, આયના સાફ કરતા રહા.’ તેમણે કહ્યું હતું કે, એનડીએની જીત એટલે દેશની હાર, લોકશાહીની હાર’ તેવું કૉંગ્રેસનું કથન ‘ઘમંડની પરાકાષ્ઠા’ છે.

આ નિવેદનથી લોકશાહીનું, જનતા જનાર્દનનું મોટું અપમાન થયું છે, તેમ તેમણે કહ્યું હતું. કૉંગ્રેસ કહે છે કે તમે જીત્યા અને દેશ હારી ગયો તો શું વાયનાડમાં (રાહુલ ગાંધીની જીત), રાયબરેલીમાં (સોનિયા ગાંધીની જીત) અને અન્ય સ્થળોમાં (જ્યાં કૉંગ્રેસ જીત્યું છે), તમિળનાડુમાં શું દેશ, લોકશાહીની હાર થઈ છે તેવો પ્રશ્ર્ન પૂછી કૉંગ્રેસના ઘમંડી કથન પર પલટવાર કર્યો હતો. 55-60 વર્ષ સુધી દેશ પર રાજ કરનારો પક્ષ (કૉંગ્રેસ) 17 રાજયમાં એક બેઠક પણ નહીં મેળવી શકયો.

તેમણે કહ્યું કે, જે લોકો હારી ગયા છે, જેમનો ઘમંડ તૂટ્યો છે. તેઓ જનતાનો આભાર નહીં માનશે પણ હું તો જનતા જનાર્દનનો આભાર માનું છું. એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા કરવા તો આવો તેમ તેમણે કહ્યું હતું. ચૂંટણીકીય સુધારાઓ કરવા જોઈએ અને થતા રહેવા જોઈએ. જે લોકો પોતાની ખામીઓ બાબતમાં વિચાર નથી કરવા માગતા તેઓ ઈવીએમને દોષ દઈ રહ્યા છે. તમે વિજય પચાવી નથી શકતા અને હાર સ્વીકારી નથી શકતા, તે દર્શાવે છે કે તમારામાં કંઈક ખામી છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણીથી લોકોમાં ગૂંચવાડો ઊભો થતો નથી તેવું સમજાવતા તેમણે કહ્યું હતું કે, ઓડિશામાં વિધાનસભામાં અને લોકસભામાં જુદા જુદા પક્ષ જીત્યા છે.

તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિવેદન યાદ અપાવ્યું હતું. જેમણે કહ્યું હતું કે, વિપક્ષને વિરોધ કરવાનો હક્ક છે, પણ ગૃહનું કામકાજ ખોરવી કાઢવાનો હક્ક નથી. મોદીએ કહ્યું કે, રાજયસભામાં કાર્યવાહી ખોરવી નાખનારાઓને પ્રજાએ સજા (મત નહીં આપવીને) આપી છે. કૉંગ્રેસના એક નેતાએ રાજયસભામાં કહ્યું હતું કે, ‘અમને ન્યૂ ઈન્ડિયા નહીં પણ ઑલ્ડ ઈન્ડિયા’ આપો તેનો જવાબ આપતા મોદીએ સામો પ્રશ્ર્ન કર્યો કે, ‘જ્યાં કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણય પત્રકાર પરિષદમાં ફાડી નાખવામાં આવતા હતા. સંરક્ષણ સોદાઓમાંથી મળેલા લાભથી પિકનિક થતી હતી શું તેવું ‘ઑલ્ડ ઈન્ડિયા’ જોઈએ છે? ઝારખંડમાં મોબલિન્ચિંગથી માર્યા ગયેલા યુવાન બાબતમાં દુ:ખ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે, ગુનેગારોને કડક સજા થશે પણ સમગ્ર ઝારખંડને દોષ આપવો જોઈએ નહીં.

‘આસામ કરાર’ દરમિયાન ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (એનઆરસી) સ્વીકાર કર્યો હતો તે યાદ અપાવતા મોદીએ કહ્યું કે, આ મુદ્દો અમારે માટે રાષ્ટ્રીય સુરક્ષાનો છે, વૉટબેંકનો નથી. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડા પ્રધાન બનતે તો કાશ્મીરનો પ્રશ્ર્ન નહીં રહેતે તેવું યાદ અપાવતા મોદીએ કહ્યું કે, સરદાર કૉંગ્રેસના નેતા હતા આથી કૉંગ્રેસના સભ્યોએ ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ની મુલાકાત એક વાર તો લેવી જ જોઈએ. બિહારમાં ‘મગજના તાવ’થી બાળકોના મૃત્યુ બાબતમાં તેમણે કહ્યું હતું કે, તે ખૂબ જ દુ:ખદ છે અને શર્મનાક છે.

June 25, 2019
vidaadhar.jpg
1min13090

બૅંક ખાતા ખોલવા અને મોબાઈ ફોન કનેકશન મેળવવા ઓળખના પુરાવા તરીકે ‘આધાર’નો ઉપયોગ કરવાનો વિકલ્પ આપતું વિધેયક સોમવારે લોકસભામાં દાખલ કરવામાં આવ્યું હતું. સૂચિત વિધેયક પછી આધાર એકટ 2016માં બદલાવ કરવામાં આવશે અને માર્ચમાં બહાર પાડવામાં આવેલો વટહુકમનું સ્થાન લેશે. ધારાધોરણોનો ભંગ કરવા બદલ કડક પગલાની સૂચિત વિધેયકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સૂચિત વિધેયકનો આરએસપીના સાંસદ એન. કે. પ્રેમચંદ્રને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આધાર પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પ્રેમચંદ્રને દાવો કર્યો હતો કે ખાનગી કંપનીઓ ગુપ્ત ડૅટા મેળવી લેશે અને ગુપ્તતાનો હક સહિતના મૂળભૂત અધિકારોનો ભંગ થશે.

કેન્દ્રીય આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે આરએસપીના સાંસદની રજૂઆતના પ્રતિભાવમાં કહ્યું હતું કે, આધાર કાયદો રાષ્ટ્રહિતમાં છે અને વ્યક્તિની ગુપ્તતાનો ભંગ કરતો નથી. તેમણે કહ્યું કે, 60 કરોડથી વધુ લોકોએ મોબાઈલ સિમ કાર્ડ આધાર દ્વારા મેળવ્યા છે અને હવે તે ફરજિયાત પણ નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર સુચિત આધાર વિધેયક છે.

વાસ્તવિક આધાર નંબર છુપાવવો હોય તો વૈકલ્પિક ‘વર્ચ્યુઅલ આઇડેન્ટિ નંબર’ પણ ઉપયોગ થઈ શકે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

આધાર કાયદાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

કોઈ વ્યક્તિની ઓળખનો બિનઅધિકૃત ઉપયોગ કરનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. સેન્ટ્રલ આઇડેન્ટિટીઝ ડૅટા રિપોઝિટરીમાં રહેલો ડૅટા બિનઅધિકૃત રીતે મેળવવાનો પ્રયત્ન કરનારાને અને ડૅટામાં છેડછાડ કરનારાઓને હાલમાં ત્રણ વર્ષની સજાની રાખવામાં આવી છે તે વધારીને દસ વર્ષ કરવાની જોગવાઈ સૂચિત ખરડામાં રાખવામાં આવી છે.

June 25, 2019
income-tax_-refund.jpg
1min4730

લોકસભામાં સોમવારે એક પ્રશ્ર્નના લેખિત ઉત્તરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, 2019ના 1, એપ્રિલથી 18 જૂન સુધીમાં આવકવેરા વિભાગે રૂ. 64700 કરોડના રિફન્ડ ઈસ્યુ કર્યા છે. 2018-19ના નાણાંકીય વર્ષમાં રૂ. 1.61 લાખ કરોડ છૂટા કરાયા હતા.

2018-19ના એસેસમેન્ટ વર્ષ માટે 6.49 કરોડ ઈ-રીટર્ન સુપરત થયા છે. જે અગાઉના વર્ષ કરતા 18.65 ટકા વધુ છે. સરકારે નાના કરદાતા સહિત તમામ કરદાતાના રિફન્ડ ઈસ્યૂને સૌથી વધુ પ્રાધાન્યતા આપી છે.

0.5 ટકાથી પણ ઓછા આઇટી રિટર્ન સ્ક્રૂટીની માટે પસંદ કર્યા છે. મોટાભાગના રિટર્નનું પ્રોસેસિંગ ઝડપી થયું છે અને રિફન્ડ ઈસ્યુ થયા છે. કરદાતાને 26.9 કરોડ એસએમએસ અને ઈ-મેઈલ મોકલાયા હતા.

June 25, 2019
bjp_candidates.jpg
1min4910

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટેની ચૂંટણી માટે ભાજપે પોતાના બંને ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં એક નામ છે વિદેશ મંત્રી એસ. જયશંકર અને બીજુ નામ છે જુગલજી ઠાકોરનું. આ બંને ઉમેદવારો મંગળવારે બપોરે ચૂંટણી ફોર્મ ભરશે. આ બન્ને ઉમેદવારો જોગાનુંજોગ એક જ રાશી, મકર રાશીના છે.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો લોકસભાની ચૂંટણીમાં વિજય થતા ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો પર 5 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. આ બંને બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

ભાજપે જે બે ઉમેદવારો જાહેર કર્યા તેમાં એસ. જયશંકરને પીએમ મોદીએ કેબિનેટમાં સ્થાન આપી વિદેશ મંત્રી બનાવ્યા છે. જેમણે કોઈ ચૂંટણી લડી નહોવાથી તેમને ગુજરાતની બેઠક પરથી રાજ્યસભાની ચૂંટણી લડાવવામાં આવશે તેવી શક્યાતા હતી જે હવે સાચી ઠરી છે. બીજા ઉમેદવાર જુગલજી ઠાકોર બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં તેમની સારી પકડ છે. સાથે ઠાકોર સમાજના આગેવાન ગણવામાં આવે છે.

ગુજરાત કોંગ્રેસે આ બંને બેઠકો માટે ઉમેદવારોની પસંદગીનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે. જોકે એવી પણ બાબતો સામે આવી રહી છે કે કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર આ ચૂંટણી લડવા માટે તૈયાર નથી.