કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. 71 વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. એક પછી એક ઓર્ગન ફેલ્યોર થવા માંડતા આખરે તા.25મી નવેમ્બર 2020ના રોજ બુધવારે સવારે 3.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અહેમદ પટેલ એવા લોકનેતા હતા, જેઓ સૌના મિત્ર હતા. અજાતશત્રુ હોય એવા બહુ જૂજ રાજનેતાઓ ભારતમાં થયા છે જે યાદીમાં અહેમદ પટેલ સ્થાન પામી શક્યા છે. તેમણે તેમનું સમગ્ર જીવન કોંગ્રેસને સમર્પત કરી દીધું. કોંગ્રેસને બેઠી કરવા માટે તેમણે પોતાનું જીવન ધરી દીધું હતું.
અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા, તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ. 1 ઓક્ટોબરના રોજ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને 15 નવેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરાયા હતા.
પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી
Saddened by the demise of Ahmed Patel Ji. He spent years in public life, serving society. Known for his sharp mind, his role in strengthening the Congress Party would always be remembered. Spoke to his son Faisal and expressed condolences. May Ahmed Bhai’s soul rest in peace.
ગુજરાતની મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે મોક રાઉન્ડનું રિઝલ્ટ બહાર પડ્યા પછી અનેક પ્રવેશાર્થી પરિવારોમાં ભારે હતાશા છવાઇ ગઇ છે કેમકે નીટ કટઓફ માર્કસ 2020માં ગત વર્ષ 2019 કરતા 40થી 63 માર્કસ ઉંચા ગયા છે. એનો મતલબ ગયા વર્ષ કરતા અત્યંત ઉંચા મેરીટ કટઓફને કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત તો રહેશે પરંતુ, તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ સરકારી મેડીકલ કોલેજમાં સસ્તામાં મેડીકલ ભણવાની તક ગુમાવવી પડશે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની મોંઘીદાટ ફીમાં અભ્યાસ કરવો પડશે.
નીચેના કોષ્ટક પરથી પરિસ્થિતિ પામી શકાશે કે ગુજરાતની સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ કેટલા ઉંચા ગયા છે. જેમકે અમદાવાદની બીજે મેડીકલ કોલેજ કે જે ગુજરાતની નંબર વન મેડીકલ કોલેજ ગણાય છે, જ્યાં પહેલું એડમિશન ક્લોઝ થાય છે એ બીજે મેડીકલ કોલેજમાં 2019માં ઓપન કેટેગરીનું કટઓફ 610 નીટ માર્કસ હતું જે આ વખતે 2020માં મોક રાઉન્ડમાં વધીને 650 થયું છે. એવી જ રીતે સુરત મેડીકલ કોલેજમાં 2019માં નીટ માર્કસનું કટઓફ 557 હતું જે વધીને 609 થયું છે.
ઉપરોક્ત ડેટા ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓના કટઓફ માર્કનો છે. આ જ પ્રકારે ઓપન ઇડબલ્યુએસ, એસ.સી., એસ.ટી., ઓબીસી વગેરે કેટેગરીમાં પણ નીટ માર્કસના કટઓફ 2019 કરતા ઉંચા ગયા છે પરીણામે ઓછા માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓમાં હતાશાનું મોજુ ફરી વળ્યું છે.
2020માં ગુજરાતમાં મેડીકલ બેઠકોની સંખ્યા વધીને 5508 થઇ
કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપના નેતાઓ રેલી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. સુરતમાં પણ આત્મારામ પરમારે કરંજ ખાતે રેલી યોજી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતાં.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે. જાહેર કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોવાને કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ નિર્ણય લીધો છે. હાલ આ સૂચના પછી હવે જ્યાં સુધી કોઈ નવી સૂચના નહીં મળે ત્યાં સુધી કોઈપણ કાર્યક્રમ યોજવામાં નહીં આવે.
દિવાળીના તહેવારોમાં બજારોમાં થયેલા ફિઝિકલ ડિસ્ટન્સિંગના ભંગને કારણે ગુજરાતમાં વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલ્સ દ્વારા બેડની કુત્રિમ અછત ઉભી કરવાના થયેલા પ્રયાસ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલઆંખ કરીને આવી હોસ્પિટલ્સ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ કોર્પોરેશને ખાનગી ક્ષેત્રની ડેઝિગ્નેટેડ કોવિડ 19 હોસ્પિટલ્સને પથારીની કૃત્રિમ અછત ઉભી નહીં કરવા તાકીદ કરી છે.
આ રીતે કુત્રિમ અછત ઉભી થાય છે
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન એવું જોવા જાણવા મળ્યું કે અમદાવાદની કેટલીક હોસ્પિટલો કોરોનાના દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર ના હોવા છતા તેમને એડમિટ કરી દીધા છે, જ્યારે ખરેખર જરૂરીયાતવાળા દર્દીના સગાઓ પૂછપરછ કરે ત્યારે પહેલા બેડ નથી એમ કહી દેવામાં આવે. જે સગાઓ હોસ્પિટલ્સ પર પહોંચે તેમને ખૂબ મુશ્કેલીથી બેડ મળે તેમ છે, એનો રેટ પણ ઉંચો જણાવે છે અને ગરજવાન સગાઓ છેવટે પ્રાઇવેટ હોસ્પિટલ્સની ચુંગાલમાં ફસાય જાય છે અને આ રીતે બેડની કૃત્રિમ અછત સર્જાય છે.
કપરી સ્થિતિ વચ્ચે નફાખોરી પર ઉતરી આવેલી હોસ્પિટલ્સને ચેતવણી
ગયા અઠવાડીયે અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના નેતૃત્વમાં હાથ ધરાયેલી રીવ્યૂ બેઠકમાં ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપતા આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિને બંધ કરવા અને બેડની કૃત્રિમ અછતને ટાળવા સ્પષ્ટપણે જણઆવી દીધું છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પર દેખરેખ રાખવા અને યોગ્ય પગલાં લેવા માટે ડો. રાજીવ ગુપ્તાની સ્પેશ્યલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એએમસીની બેઠક બાદ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનને આ અંગે જાણ પણ કરવામાં આવી છે.
ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ નડતા, પરિક્રમાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર મોકૂફ રાખવાની કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જાહેરાત કરી છે. ડો. પારઘીએ પત્રકાર પરિષદમાં ગિરનાર પરિક્રમા મોકૂફ રખાયાની જાહેરાત કરી ઉમેર્યું કે, પરિક્રમાની પરંપરા જાળવવા માટે આગામી દિવસોમાં સાધુ-સંતો સાથે બેઠક યોજી શુકનરૂપી 10થી 15 લોકો પરિક્રમા કરી પરંપરા જળવાશે.
ગિરનારની ગોદમાં 36 કિ.મી.ની પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમાના પ્રારંભનો કોઇ ચોક્કસ ઇતિહાસમાં ઉલ્લેખ નથી પણ લોકવાયકા મુજબ પાંડવોએ ગિરનારની પરિક્રમા કરી હતી. ત્યારથી વિવિધ સંઘો દ્વારા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી એટલે કે પાંચ દી’ની પરિક્રમા યોજાતી રહે છે.
બીજી બાજુ વિવિધ સમાજોના ઉતારા મંડળોએ દિવાળી પહેલા પત્રકાર પરિષદ યોજી, લોકોની સુરક્ષાને ધ્યાને લઇ પરિક્રમામાં ઉતારા, અન્નક્ષેત્રો તથા ચા-પાણીના પરબોના સંચાલકોને પરિક્રમામાં ન આવવા અનુરોધ કર્યો હતો, એટલે કે સેવાભાવી સંસ્થાઓને પરિક્રમાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વહીવટી તંત્રની કોર કમિટીની બેઠક આજે યોજાઈ હતી. તેમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ તેમજ જંગલમાં સરકારની ગાઇડલાઇનનો અમલ અશક્ય હોય તેથી અંતે કલેક્ટરે પરિક્રમા બંધ રાખવાની જાહેરાત કરી હતી.
ગિરનાર પરિક્રમામાં દર વર્ષે 10થી 12 લાખ ભાવિકો ઉમટે છે. આ માનવભીડ અને જંગલ વિસ્તાર હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અશક્ય છે તેમજ સરકારના જાહેરનામા મુજબ 200થી વધુ માણસો એકત્ર થવા ઉપર પ્રતિબંધ હોવાથી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાતમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમીયોપેથી કોલેજના પહેલા વર્ષની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે એડમિશન કમિટીએ આજરોજ તા.19મી નવેમ્બર 2020થી જ મોક રાઉન્ડનું ચોઇશ ફિલિંગ શરૂ કરી દીધું છે. કોઇપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર તા.19થી 21 સુધી મોકરાઉન્ડનું ચોઇશ ફિલિંગ કરવા માટે વેબસાઇટમાં વિકલ્પને ઇનેબલ કરવામાં આવ્યા છે.
આ પૂર્વે એડમિશન કમિટીએ બિલકુલ હંગામી ધોરણે (પ્રોવિઝનલ) મેરીટ લિસ્ટ જાહેર કર્યું છે. આ મેરીટ લિસ્ટને ફાઇનલ ન ગણવા માટે એડમિશન કમિટીએ તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું છે. ડોક્યુમેન્ટ્સની ખરાઇ બાદ ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.
હાલ તુરત વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યવાહી અંગેની પ્રેક્ટિસ મળી રહે તે માટે મોકરાઉન્ડમાં ચોઇશ ફિલિંગનો વિકલ્પ ઇનેબલ કરવામાં આવ્યો છે.
મુંબઈ સેન્ટ્રલ અને સુરત વચ્ચે દોડતી ફલાઇંગ રાણીને ગયા અઠવાડિયા દરમિયાન એક જ સપ્તાહ દોડાવવાનો નિર્ણય લીધા બાદ તા.18મી નવેમ્બર 2020ને બુધવારે ફ્લાઈંગ રાણીને વધુ સવા મહિનો દોડાવવાનો નિર્ણય લીધો છે, એમ વેસ્ટર્ન રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. કોરોનાના સંકટ વચ્ચે મુંબઈથી સુરત વચ્ચે વધતા પ્રવાસીઓના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ફલાઇંગ રાણીને ડિસેમ્બરના અંત સુધીમાં દોડાવવાનો વેસ્ટર્ન રેલવેએ નિર્ણય લીધો છે.
મુંબઈ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી સુપરફાસ્ટ સ્પેશિયલ ઍક્સ્પ્રેસ (ટ્રેન નંબર ૦૨૯૨૧/૦૨૯૨૨) હવે ૨૦મી નવેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધી દરરોજ દોડશે. આ વિશેષ ટ્રેન પહેલા ૧૯મી નવેમ્બર સુધી જ દોડવાની હતી. મુંબઈ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી સુપરફાસ્ટ સ્પેશિયલ ઍક્સ્પ્રેસ ટ્રેન (૦૨૯૨૧) મુંબઈ સેન્ટ્રલ પરથી સાંજે ૫.૫૫ વાગ્યે ઉપડશે અને રાત્રે ૧૦.૩૫ વાગ્યે સુરત પહોંચશે. આ જ પ્રમાણે સુરત-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન (૦૨૯૨૨) સુરતથી સવારે ૫.૪૦ વાગ્યે રવાના થશે, જે સવારે ૧૦.૨૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન અંધેરી, બોરીવલી, પાલઘર, દહાણુ રોડ, વાપી, વલસાડ, બિલિમોરા જંકશન, અમલસાડ, નવસારી, મરોલી, સચિન અને ઉધના જંકશનમાં હોલ્ટ રહેશે, એવું યાદીમાં જણાવાયું હતું.
Gujarat : એક બાદ એક નેતા પણ સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં ભાજપના ત્રણ પ્રધાન સહિત ૧૯ અને કૉંગ્રેસના ૧૫ ધારાસભ્ય મળીને કુલ ૩૪ ધારાસભ્ય સંક્રમિત થયા છે. જ્યારે ભાજપના છ અને કોંગ્રેસના બે એમ કુલ આઠ સાંસદને પણ ચેપ લાગ્યો છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી અને બે પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે, જેમાંથી કોરોનામુક્ત થયા બાદ કેશુભાઈ પટેલનું નિધન થઈ ગયું હતું. આમ, કુલ ૪૫ મોટા નેતાને કોરોના થઈ ચૂક્યો છે.
૧૦ દિવસ પહેલાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ભાજપના બારડોલીના સંસદસભ્ય પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ ૧૩મી નવેમ્બરે રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નરહરિ અમીન તથા અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ એહમદ પટેલ પણ સંક્રમિત થયા હતા. જ્યારે રવિવારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ કોરોનાગ્રસ્ત થયા હતા આમ, બે દિવસમાં બે સાંસદ અને એક ધારાસભ્યને સંક્રમણ લાગ્યું છે.
હાલ રાજ્યસભા સાંસદ, અભય ભારદ્વાજની ચેન્નઈમાં સારવાર ચાલી રહી છે. એકમો પદ્ધતિથી સારવાર કરતાં ભારદ્વાજની તબિયતમાં સુધારો થયો છે અને થોડા દિવસમાં જ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીન હાલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા એહમદ પટેલની હાલ ગુડગાંવની પ્રખ્યાત મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં જાણીતા ડોકટરોની સઘન સારવારને કારણે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની તબિયત ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. સારવારમાં અડચણ નિવારવા પરિવાર સહિત બધા માટે મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોસ્પિટલ તરફથી આપવામાં આવી રહેલી માહિતી મુજબ તેમનું ભજ્ઞ૨ અને ક્રિએટિનાઇન ઝડપથી કાબૂમાં આવતું હોવાથી આગળની સારવાર માટે ઉજ્જવળ સંજોગો જણાય રહ્યા છે.
ગુજરાતમાં આજે તા.18મી નવેમ્બર 2020ના રોજ ત્રણ મોટા ગમખ્વાર માર્ગ અકસ્માતોમાં 19થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી સાંપડી છે. વડોદરા નજીક પાવાગઢ જઇ રહેલા સુરતના રહેવાસીના એક ટેમ્પોને નડેલા અકસ્માતમાં 5 મહિલા સહિત 12 લોકોના મોત થયા હતા જ્યારે 16 ઈજાગ્રસ્ત થયા હતા. વાહન અકસ્માતના બીજા બનાવમાં સુરેન્દ્રનગર-લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતા 4 લોકોના મોત થયા છે જ્યારે એકને ઈજાઓ થઈ છે. અકસ્માતનો ત્રીજો બનાવ સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 જેટલા મુસાફરોને ઈજા થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વડોદરા નેશનલ હાઇવે પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ મૃતકોમાં 5 મહિલાઓ અને બે બાળકો શામેલ છે. અકસ્માતમાં 17 લોકોને ગંભીર ઈજાઓ થતાં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતમાં મોતને ભેટનાર લોકો સુરતના વરાછા અને પૂણે ગામમાં રહેતા હતા અને સુરતમાં હીરા ઉદ્યોગમાં નોકરી-ધંધા સાથે સંકળાયેલા હતા. આ લોકો રાત્રે 12 વાગ્યે સુરતથી પાવાગઢ દર્શન કરવા માટે રવાના થયા હતા. આ દરમિયાન વહેલી સવારે વડોદરા નજીક અકસ્માત નડ્યો હતો.
સુરત બારડોલી રોડ પર બે લક્ઝરી બસો અથડાઇ
કડોદરા-બારડોલી રોડ પર દસ્તાન ફાટક પાસે બે ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરમાં કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત
સુરેન્દ્રનગરમાં ગઈકાલે મોડીરાત્રે કાર અકસ્માતની ઘટના 4 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માત લખતર હાઈવે પર થયો છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત પછી આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી.
આ વખતે કોવીડ-19ને કારણે ગુજ્જુઓએ આંતર રાજ્ય પ્રવાસોની જગ્યાએ ગુજરાતમાં ને ગુજરાતમાં જ પ્રવાસ કરવાનું મુનાસિબ માન્યુ છે અને એ જ કારણોસર સૌરાષ્ટ્રના તમામ ડેસ્ટીનેશન્સ ફુલ થઇ ગયા છે. સૌરાષ્ટ્રના ટુરીસ્ટ્સ પ્લેસીસ જેમકે ગીરનાર, ભવનાથ, દ્વારકા, સોમનાથ, સાસણગીર તેમજ અનેક નાના મોટા ડેસ્ટીનેશન્સ પર ભારે ભીડ ઉમટી પડ્યાના અહેવાલો છે.
પ્રકાશપર્વ દીપાવલીની રજાઓ ગાળવા પ્રવાસીઓ કુદરતી સાનિધ્ય ગિરનાર, ભવનાથ અને સાસણમાં ઉમટતા મેળામય માહોલ છવાયો છે. રીસોર્ટ, ફાર્મહાઉસ, ગેસ્ટ હાઉસો, રેસ્ટોરન્ટો હાઉસફુલ થયા છે. આ પ્રવાસીઓ કોરોનાને વિસરી રજાની મજા માણી રહ્યા છે. છેલ્લા સાત-આઠ માસથી કોરોનાને કારણે લોકો ઘરબંધીમાં ફેરવાયા હતા પરંતુ હવે કોરોના સંક્રમણ ઘટતા અને લોકો પણ કોરોનાના ભયથી દૂર થયા છે. દિવાળી પર્વની રજા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી વાતાવરણ માણવા માટે ગિરનાર, ભવનાથ, સાસણ, તુલસીશ્યામ, માધવપુર જેવાં સ્થળોએ નીકળી પડયા છે.
ગિરનાર રોપ-વેમાં ઊંચા ભાડાદર હોવા છતાં પ્રવાસીઓ ઉમટતા રોપ-વેની તમામ 25 ટ્રોલીઓ અવિરત દોડવા લાગી છે. આ ભાડા પરવડે તેમ ન હોય તેવા શારીરિક સક્ષમ પ્રવાસીઓ પગથિયાં ચડી ગિરનાર દર્શન માટે સીડી ઉપર લાઇનો લાગી છે. જોકે રોપ-વેમાં ભારે ભીડ થતાં પ્રવાસીઓને કલાકો સુધી તડકામાં શેકાવું પડયું હતું. તેવી રીતે ભવનાથ તળેટીમાં પ્રવાસીઓની ભીડ જામી છે. જટાશંકર, કાશ્મીરીબાપુની જગ્યા તથા ગિરનારના ટેકરાઓ ઉપર પ્રવાસીઓની ભીડ નજરે પડયા છે જ્યારે ઉપરકોટ, સક્કરબાગમાં પણ પ્રવાસીઓની લાઇનો લાગી છે. તેથી જૂનાગઢ શહેરનાં રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસોમાં ભીડ જામી છે.
જયારે સિંહદર્શન માટેના એકમાત્ર સ્થળ સાસણમાં પ્રવાસીઓનો મેળાવડો જામ્યો છે. સિંહદર્શન પણ હાઉસફુલ થયું છે. ઓનલાઇન બુકિંગ પૂરું થતાં પ્રવાસીઓને સિંહદર્શનનો લાભ મળે તેમ ન હોય તેથી દેવળિયામાં સિંહદર્શન કરી પ્રવાસીઓ સંતોષ માની રહ્યા છે. પ્રવાસીઓની ભીડને કારણે સાસણના રીસોર્ટ, ફાર્મહાઉસ, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ હાઉસફુલ થયા છે.
ઉપરાંત તુલસીશ્યામમાં વન્ય સંપદા અને કુદરતના ખોળે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. તેમ માધવપુરના દરિયા કિનારે પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. આ માનવ મહેરામણ જોતા લોકોએ કોરોનાનો ડર દૂર કર્યો હોય તેમ જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં રજાની મજા પરિવાર સાથે માણવા લોકો વર્ષોવર્ષ મોટી સંખ્યામાં આવે છે. તેમ આ વર્ષે પણ પ્રવાસીઓની ભીડ સારી જામી છે અને પ્રવાસીઓ પ્રકૃતિના ખોળે રજાની મજા માણી રહ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.