આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાની તરફેણ કરી છે. આ દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ મહેશ્વરીએ EWSને યોગ્ય ગણાવ્યુ છે. આ બંનેએ 2019ના સુધારાની તરફેણ કરી છે. જસ્ટિસ પારડીવાલાએ પણ તેની તરફેણ કરી છે.
EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં 3 જજે આ અનામતની તરફેણ કરી છે જ્યારે બે જસ્ટિસ રવીન્દ્ર ભટ અને ચીફ જસ્ટિસ લલિત અનામતના વિરોધમાં ગયા છે.
જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ કહ્યું હતું કે, મારો નિર્ણય જસ્ટિસ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છે. તેમણે કહ્યું કે EWS ક્વોટા માન્ય અને બંધારણીય છે. 5 જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને જસ્ટિસ યુયુ લલિત આ અનામતની વિરોધમાં ગયા હતા. ચીફ જસ્ટિસ લલીતે આ બાબતને ગેરબંધારણીય ઠેરવી છે. ભટે કહ્યું કે, આ કાયદો ભેદભાવથી ભરેલો છે અને બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે, બંધારણના 103મા સુધારા દ્વારા, EWS અનામત અંગેનો કાયદો 2019માં સંસદમાંથી પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને અનેક અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેના પર લાંબી સુનાવણી બાદ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે તત્કાલિન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત વરિષ્ઠ વકીલોની દલીલો સાંભળ્યા બાદ 27 સપ્ટેમ્બરે કાયદાકીય પ્રશ્ન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે, શું EWS અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. શિક્ષણવિદ મોહન ગોપાલે 13 સપ્ટેમ્બરના રોજ બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી અને EWS ક્વોટા સુધારાનો વિરોધ કર્યો હતો.
બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. તમિલનાડુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ EWS ક્વોટાનો વિરોધ કરતા કહ્યું હતું કે, આર્થિક માપદંડ વર્ગીકરણ માટેનો આધાર ન હોઈ શકે અને સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહનીના ચુકાદા પર પુનર્વિચાર કરવો પડશે જો તે આ અનામત જાળવી રાખવાનો નિર્ણય કરશે.
ગુજરાતમાં એક તરફ 45 હજાર જેટલા ધો.12 બાયોલોજી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ લઇને તેમાં કારકિર્દી ઘડવાની તીવ્ર ઇચ્છા છે પરંતુ, તેમની પાસે મેરીટ સ્કોર ન હોવાથી કોઇ કાળે પ્રવેશ મળે તેમ નથી, તેની બીજી તરફ આજે એવી વિગતો સપાટી પર આવી કે 1449 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેરીટના આધારે મેડીકલ, ડેન્ટલમાં કન્ફર્મ એડમિશન મળ્યું હતું પરંતુ, તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ ફી ભરીને એડમિશન લીધું નહીં અને પ્રવેશ જતો કરતા શિક્ષણશાસ્ત્રીઓ પણ અચંબામાં પડી ગયા છે.ગુજરાતમાં મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયાનો આજે પહેલો રાઉન્ડ પૂરો થયો હતો.
ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ મેડીકલ અને ડેન્ટલમાં એડમિશન લિસ્ટ ગઇ તા.29મી ઓક્ટોબરે જાહેર કર્યું હતું અને તા.6 નવેમ્બર સુધીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા છે તેમને જરૂરી ફી ભર્યા બાદ હેલ્પ સેન્ટર પર જઇને ઓરિજિનલ ડોક્યુમેન્ટસ સબમિટ કરાવી લેવા માટે સૂચના આપી હતી. આજે 6 ઓક્ટોબરની અવધિ પૂર્ણ થયા બાદ એડમિશન કમિટીએ ડેટા ચકાસતા જાણવા મળ્યું કે ઓપન કેટેગરી સહિત જુદા જુદા વર્ગ-જ્ઞાતિના મળીને 1449 પ્રવેશાર્થીઓ કે જેમને ક્યાંકને ક્યાં મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમણે તેમનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કરતા સ્વાભાવિક છે કે કોઇને પણ આશ્ચર્ય થાય. કેમકે મેડીકલ ડેન્ટલની એક એક સીટ માટે સરેરાશ 8 વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થાય છે ત્યારે 1449 વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કર્યો હોવાની વાત સાહજિકતાથી ગળે ઉતરે તેવી નથી.જે વિદ્યાર્થીઓએ મેડીકલ ડેન્ટલમાં કન્ફર્મ પ્રવેશ જતો કર્યો છે તેમાં મેનેજમેન્ટ ક્વોટાની પણ અનેક બેઠકોનો સમાવેશ થાય છે. મેનેજમેન્ટ ક્વોટાનું સમગ્ર અભ્યાસક્રમનું પેકેજ સવાથી દોઢ કરોડ જેટલું થાય છે.
મોરબીની ઘટનામાં આખરે નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો શહેરી વિકાસ વિભાગે આદેશ કર્યો છે. દુર્ઘટના બની ત્યારે સંદીપસિંહે ઓરેવાએ નગરપાલિકાની પરવાનગી વિના જ બ્રિજ ખુલ્લો મુકી દીધો હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. જોકે, ત્યારથી જ એવા સવાલ થઈ રહ્યા હતા કે બ્રિજ પાંચ દિવસ સુધી ખુલ્લો રહ્યો, તેના પર હજારો લોકોની રોજ અવરજવર હતી ત્યાં સુધી નગરપાલિકા શું ઊંઘી રહી હતી? પોલીસે પણ તાજેતરમાં જ સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન સંદીપસિંહ ઝાલાએ બ્રિજને ફરી ખુલ્લો મુકવામાં રહેલા જોખમની નગરપાલિકાને જાણ હોવાનું પોલીસને જણાવ્યું હોવાની ચર્ચા છે. પોલીસ સમક્ષ સંદીપસિંહે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઓરેવાએ બ્રિજ ખુલ્લો મુકવા પરવાનગી નથી લીધી તેની પણ તેમને જાણ હતી. બ્રિજ પડ્યો ત્યારે ઝાલાએ દોષનો ટોપલો ઓરેવાના માથે ઢોળી દીધો હતો, અને નગરપાલિકાનો તેમાં કોઈ દોષ ના હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે કરેલી પૂછપરછમાં તેમણે વટાણા વેરી દીધા હતા, અને સ્વીકાર્યું હતું કે નગરપાલિકાને જાણ હતી કે જો બ્રિજ ખુલ્લો મુકાય અને મોટી સંખ્યામાં લોકો તેના પર ભેગા થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે.
મોરબી નગરપાલિકા બ્રિજ ખુલ્લો મુકવો જોખમી સાબિત થઈ શકે છે તેટલું જ નહીં, પરંતુ તેનું રિનોવેશન યોગ્ય રીતે ના થયું હોવાનું પણ જાણતી હતી. રિનોવેશન બરાબર ના થયું હોવાથી બ્રિજનો ઉપયોગ ભયાનક હોનારત સર્જી શકે છે તે વાત પણ નગરપાલિકાના અધિકારીઓથી છૂપી નહોતી. પોલીસે સંદીપસિંહને પોતે કરેલા દાવાના દસ્તાવેજ સોંપવા જણાવ્યું હતું તેમજ બ્રિજના રિપેરિંગ અને રિઓપનિંગમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ સવાલ કર્યા હતા.
આ ઘટનામાં મોરબી પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટબારીના ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ હજુય ફરાર છે. પોલીસ તેને શોધવા માટે તેની અમદાવાદ તેમજ મોરબી સ્થિત ઓફિસ પર અનેકવાર ચક્કર લગાવી ચુકી છે, પરંતુ જયસુખ પટેલ હજુય હાથ નથી લાગ્યો. જયસુખ પટેલ રાજ્ય બહાર હોવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ઓરેવાના કર્મચારીઓની કોલ ડિટેઈલ્સ ચકાસવાનું પણ શરુ કર્યું છે.
મોરબી ખાતે રવિવાર, Dated 30/10/22, સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 પર પહોંચી ગયો છે. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે સદોષ માણવવધની ફરિયાદ દાખલ થશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું.
આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.
મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.
રવિવાર, તા.30મી ઓક્ટોબર 2022ના સંધ્યાકાળે મોરબીમાં બનેલી ભયાનક અને અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતા અનેક લોકો પુલ નીચે મચ્છુ નદીના પાણીમાં અને પથ્થરો પર ખાબકતા ૧32થી વધુના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૫૦થી વધુને ઈજા પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. સોમવારે સવારે અજવાળું થતાં જ બચાવ કામગીરીમાં વેગ આવ્યો હતો. અનેક એજન્સીઓ દ્વારા નદીમાં હજુ પણ મૃતદેહોની શોધખોળ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના ગૃહમંત્રી સહિત અનેક અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આખી રાત ઉપસ્થિત રહ્યો હતો.
મચ્છુ નદીમાં દર્દથી કણસતા લોકોને તત્કાલ સારવાર પણ મળી શકી ન હતી અને મહિલા,બાળકો સહિત તરફડીને મોતને ભેટયા હતા. સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ રખાયેલ ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ વિ.સં.૨૦૭૯ના બેસતા વર્ષના દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે તા.30મી ઓક્ટોબર 2022ને રવિવારે રજાના હોવાથી લોકો સાહજિક હરવા ફરવા નીકળ્યા હતા તેને કારણે પુલ પર સાંજે ચિક્કાર ભીડ હતી ત્યારે પૂલ ધસી પડતા મરણોન્મુખ ચીસોથી મચ્છુ નદી ફરી એક વાર દ્રવી ઉઠી હતી.
નગરપાલિકાએ આ પુલની મરમ્મતનું કામ તથા સંચાલન મોરબીના અજન્તાગુ્રપના જયસુખ પટેલની ઓરેવા કંપનીને સોંપ્યું હતું. રિપેરીંગ માટે સાત મહિનાથી પુલ બંધ હતો અને નૂતન વર્ષના દિવસે કંપની દ્વારા તેને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. રિપેરીંગ માટે મોરબી નગરપાલિકાએ આશરે રૂ.૨ કરોડથી વધુ ખર્ચ કર્યો છે.
૪.૬૦ ફૂટ પહોળાઈ અને ૨૩૩ મીટરની લંબાઈ ધરાવતા આ તારના આધારે ઝુલતા રહેતા પુલ પર આજે રજાના પગલે ચિક્કાર ભીડ હતી અને લોકો મોજ માણી રહ્યા હતા ત્યાં જ પોણા સાત વાગ્યે તે વચ્ચેથી ધસી પડયો હતો.
મહિલા,બાળકો સહિત લોકો પુલ પરથી નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. મચ્છુ નદીમાં મોટા કાળમીંઢ પથ્થરો છે જેના પર લોકો પછડાઈને તરવાનો પણ પ્રયાસ ન કરી શકે એવી ગંભીર ઈજા સાથે મોતને ભેટયા હતા. બચાવ કાર્ય માટે મોરબીમાં અપુરતી ટીમોને પગલે રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ સહિત જિલ્લામાંથી એમ્બ્યુલન્સ, તરવૈયા બોલાવાયા હતા, રાજકોટથી ફાયરબ્રિગેડની સાત ટીમ ધસી ગઈ હતી.
ઘટના એટલી ભયાનક અને કરુણ હતી કે લોકો તારના આધારે કલાકો સુધી જીવ બચાવવા લટકતા નજરે પડયા હતા. નદીમાં પાણીમાં અને પથ્થર ઉપર ખૂબ ઉંચાઈથી પટકાયેલા લોકો કણસતાં રહીને મોતને ભેટયા હતા. દુર્ઘટનાના કલાક-બે કલાક સુધી તો મૃત્યુ આંક ઓછો હતો પરંતુ, રાત્રે એકપછી એક લાશો નદીની બહાર આવતી ગઈ ત્યારે અત્યંત કરુણદ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર અને હોસ્પિટલ પર લોકોના હૈયાફાટ આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાની અતિ કરુણતા એ હતી કે જ્યાં મચ્છુ નદીમાં ગંભીર ઈજાથી દર્દથી કણસતાં હતા તે જગ્યાથી ઉપર રસ્તા સુધી લાવવા કોઈ ઝડપી માર્ગ જ ન્હોતો.તેમને હોસ્પિટલે ઝડપથી પહોંચાડવા બચાવકાર્યમાં પણ મૂશ્કેલીઓ આવી હતી.
સ્થળ પર પહોંચેલા મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યા મૂજબ સાંજે ૬.૪૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી, પુલ વચ્ચેથી તૂટતા તેના પર રહેલા સેંકડો લોકો નીચે પટકાયા હતા. ટિકીટબારી પર ત્રણસો મુલાકાતીઓની ટિકીટ લેવાઈ હતી. બચાવ કાર્ય તુરંત શરુકરાયું હતું પરંતુ, શરુઆતના એકાદ કલાકમાં મૃત્યુ આંક જાણી ન્હોતો શકાયો અને રાત્રિના સાડા નવ સુધીમાં ૪૦થી વધુ ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. ઘટનાની સી.એમ.ઓફિસથી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આશરે સવા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનથી વાત કરી હતી અને ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કરીને બચાવકાર્યમાં લેશમાત્ર કચાશ ન રહે તે માટે તાકીદ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ આજે ઠેરઠેર યોજાયેલા કાર્યક્રમોને ટૂંકાવીને ઘટનાની જાણ થતા બાદ રાત્રિના સાડા નવ પછી મોરબી ધસી આવ્યા હતા. કેન્દ્ર દ્વારા મૃતકોને રૂ।.બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે.
પ્રાથમિક રીતે ઝુલતાપૂલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની પૂરતી ચકાસણીનો અભાવ,ઓવરલોડથી આ ભયાનક દુર્ઘટના સર્જાયાનું તારણ છે. જો કે સી.એમ.કક્ષાએથી આ ઘટનાની તપાસ કરાવાશે.
બેસતા વર્ષના દિવસે ઝૂલતો પુલ શરૂ કરાયો
મોરબીમાં ઝુલતો પુલ છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતો. સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે જ ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. દિવાળીના તહેવારોને પગલે ઝુલતા પુલ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. ઓરેવા કંપનીને ઝુલતા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઝુલતા પુલની સ્થિતી દયનીય બનતા તેનુ પુઃન સમારકામ કરવામાં આવ્યુ હતું. સમારકામ બાદ પણ ઝુલતો પુલ તૂટી પડયો હતો જેથી સમારકામની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.
ચાર દિવસમાં ૧૫ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ છેલ્લા ૭ મહિનાથી બંધ હતો અને તેનું રીનોવેશન કાર્ય ચાલુ હતું. હમણાં જ નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો. જે પછી દિવાળીનાં તહેવારો દરમિયાન ચાર દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી હતી.
ગુજરાતના જે વિસ્તારોમાં ભાજપ ક્યાંય નબળો જણાઈ રહ્યો હોય એવા વિસ્તારોમાં પીએમ મોદી રેલી અને સભાઓ યોજીને માહોલ ભાજપ તરફી કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યાં છે. એના જ ભાગરૂપે વડાપ્રધાન મોદી તા.30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.
વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બપોરે વડોદરામાં રોડ શો કર્યા બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે અને ત્યાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં રક્ષા ક્ષેત્રે કરોડોના રોકાણની જાહેરાત પણ કરશે. વડોદરાના કાર્યક્રમ બાદ તેઓ કેવડિયા રવાના થશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે.” વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરી કેવડિયા માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કેવડિયાથી વડોદરા એરપોર્ટ અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદથી થરાદ જવા રવાના થશે. થરાદમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જનસભાને સંબોધન બાદ વડાપ્રધાન અમદાવાદ પરત ફરશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાન મોદી 1 નવેમ્બરે સવારે સચિવાલયથી માનગઢ જવા રવાના થશે. માનગઢમા’ જનસભાને સંબોધન કરશે. માનગઢ થી વડાપ્રધાન બપોરે જાંબુઘોડા પહોંચશે જ્યાં નવી મેડિકલ’ કોલેજ સહિતના કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જંગી જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. જાંબુઘોડાથી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે.
ગાંધીનગર મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે. તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમને વડાપ્રધાન સંબોધશે. સ્નેહમિલન કાર્યક્રમ બાદ રાત્રે વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થશે.
કેન્દ્રની સરકારે દેશના તમામ નાગરિકોને સમાન હક્ક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાના કરેલા નિર્ણયના અનુસંધાને ગુજરાત સરકારે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. એટલે કે ગુજરાતમાં ટૂંકસમયમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ શરૂ થઇ શકે છે.
રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં કોમન સિવિલ કોડ માટે કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
આ બેઠકમાં કેબિનેટના તમામ મંત્રીઓએ મુખ્યમંત્રીને કોમન સિવિલ કોડનો અમલ કરવાનો અધિકાર આપ્યો છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે આ કોડના કારણે જ્ઞાાતિ, જાતિ કે ધર્મ આધારિત કાયદાની વિસંગતતા દૂર થશે. સામાજીક સદભાવના વધશે.
મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રક્ષણ માટે આ કાયદો મદદરૂપ થશે.
તેમણે કહ્યું કે જમીન, સંપત્તિ, વારસાઇ, દાન, લગ્ન, છૂટાછેડા તમામ જગ્યાએ ધર્મ આધારિતના બદલે માનવતા અને ન્યાય આધારિત નિર્ણયો સમાનતા લાવશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં અને ત્યારપછી ભાજપની સરકારો છે તે રાજ્યોમાં કોમન સિવિલ કોડની અમલીકરણના પ્રશ્ન પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ધ્યાન અપાયું છે. ગુજરાત પણ હવે તે દિશામાં આગળ વધી રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો કે નહીં તેનો નિર્ણય માત્ર સંસદ દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જ લઇ શકાય, રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય ન લઇ શકાય ના તો તેનો અમલ થઇ શકે. ગુજરાતની ભાજપ સરકાર લોકોને મોંઘવારી, બેરોજગારીથી ધ્યાન ભટકાવીને મુર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી નજીક આવી રહી છે તેથી આ મામલો ઉછાળવામાં આવ્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી દિવાળી પહેલાં રાજ્ય સરકારે ગરીબ, શ્રમિક અને મધ્યમવર્ગના પરિવારોને વર્ષમાં એલપીજી ગેસના કુલ બે સિલિન્ડર વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે સીએનજી અને પીએનજીમાં ૧૦ ટકા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ઘટાડવામાં આવ્યો છે. આ બન્ને નિર્ણયમાં કુલ ૧૬૫૦ કરોડની રાહત આપવામાં આવી છે.
રાહત
રૂપિયા કરોડમાં
વેટ ઘટાડાથી
રૂ. ૧૦૦૦
મફત સિલીન્ડર
રૃા. ૬૫૦
CNG ગ્રાહકો
૧૪ લાખ પૈકી ૪.૫ રિક્ષાચાલકો
CNG માં
કિલો દીઠ રૂ. ૬થી ૭ ઘટશે
PNG માં
ઘનમીટર દીઠ રૂ. ૫થી ૫.૫૦ ઘટશે
PNG ગ્રાહકો
૨૪.૨૧ લાખ
ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને બજેટમાં રાહત થાય તે માટે સરકારે બે મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજનામાં વર્ષ દરમ્યાન બે ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ ૩૮ લાખ પરિવારોને મળશે અને તેના થકી ૬૫૦ કરોડ રૂપિયાની બચત થશે.
રાજ્ય સરકારની એલપીજીપી અને પીએનજી સહાય યોજનાના અંદાજે ૨૦,૦૦૦ જેટલા લાભાર્થીઓ દ્વારા ગેસના સિલિન્ડરની રકમની ચુકવણી કર્યા બાદ રિફિલની પૂરેપૂરી ૧૦૫૦ની રકમ ગ્રાહકમાં બેંક ખાતામાં માત્ર ત્રણ દિવસમાં જમા કરવામાં આવશે.
બીજીતરફ સીએનજી અને પીએનજી ગેસમાં ૧૦ ટકા વેટ ઘટાડવાના કારણે સીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે ૬ થી ૭ રૂપિયા તેમજ પીએનજી ગેસમાં પ્રતિ ઘનમીટરે અંદાજે ૫.૦૦ થી ૫.૫૦ રૂપિયાનો ઘટાડો થશે. મંત્રીએ કહ્યું કે આજે ગુજરાતમાં ઘરેલુ ગેસ જોડાણની સંખ્યા ૨૪.૨૧ લાખ તથા સીએનજી સ્ટેશનની સંખ્યા ૮૫૫ છે.
ગુજરાતમાં ૧૪ લાખથી વધુ સીએનજી વાહનધારકો છે જેમાં માલવાહક વાહન, મુસાફર વાહન અને કારચાલકોના વાહનનો સમાવેશ થાય છે. અંદાજે ૪.૫૦ લાખ જેટલા માત્ર સીએનજી રીક્ષાચાલકોનો સમાવેશ થાય છે. પીએનજી અને સીએનજીમાં વેટના દર ઘટાડવાથી ૧૦૦૦ કરોડ રૂપિયાની રાહત થશે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં બદલાવના કારણે નેચરલ ગેસની કિંમતમાં વધારો થયો હોવાથી નાગરિકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું ભાન સરકારને થયું છે. હકીકતમાં ચૂંટણી આવતી હોવાથી મોંઘવારીથી બચવા સરકારે આ બન્ને જાહેરાત કરી છે.
દેશના ચૂંટણી પંચે આજે તા.14મી ઓક્ટોબરને શુક્રવારે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી હોઇ, સમગ્ર ગુજરાતમાં રાજકીય તખ્તે ભારે ચહલપહલ સર્જાવા પામી છે.
ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સના એજન્ડા કે જાહેરાત અંગે કોઇ જ જાણકારી આપી નથી.
ગુજરાત અને હિમાચલ પ્રદેશ બન્ને એવા રાજ્યો છે જેની પાંચ વર્ષની ટર્મ ડિસેમ્બર 2022માં પૂર્ણ થઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે. બંને રાજ્યોમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે.
ગુજરાતમાં રાજ્ય સરકારની એડમિશન કમિટીએ વર્ષ 2022-23 માટે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. રજિસ્ટ્રેશન સાથે જ એડમિશન કમિટીએ ચારેય અભ્યાસક્રમોમાં કોલેજો, સીટો, ફી સહિતની વિગતો પ્રકાશિત કરી છે. આ વખતે ગુજરાતમાં હાઇએસ્ટ 35 કોલેજોમાં 6 હજાર સીટો ઉપલબ્ધ બની શકી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.