CIA ALERT
29. March 2024

Related Articles



મોરબીમાં પુલ હોનારતમાં 132ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત, હજુ પણ મૃતકોની શોધખોળ જારી

Share On :
Print Friendly, PDF & Email

સોમવાર તા.31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યે અપડેટેડ સમાચાર

રવિવાર, તા.30મી ઓક્ટોબર 2022ના સંધ્યાકાળે મોરબીમાં બનેલી ભયાનક અને અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતા અનેક લોકો પુલ નીચે મચ્છુ નદીના પાણીમાં અને પથ્થરો પર ખાબકતા ૧32થી વધુના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૫૦થી વધુને ઈજા પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. સોમવારે સવારે અજવાળું થતાં જ બચાવ કામગીરીમાં વેગ આવ્યો હતો. અનેક એજન્સીઓ દ્વારા નદીમાં હજુ પણ મૃતદેહોની શોધખોળ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના ગૃહમંત્રી સહિત અનેક અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આખી રાત ઉપસ્થિત રહ્યો હતો.

મચ્છુ નદીમાં દર્દથી કણસતા લોકોને તત્કાલ સારવાર પણ મળી શકી ન હતી અને મહિલા,બાળકો સહિત તરફડીને મોતને ભેટયા હતા. સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ રખાયેલ ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ વિ.સં.૨૦૭૯ના બેસતા વર્ષના દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે તા.30મી ઓક્ટોબર 2022ને રવિવારે રજાના હોવાથી લોકો સાહજિક હરવા ફરવા નીકળ્યા હતા તેને કારણે પુલ પર સાંજે ચિક્કાર ભીડ હતી ત્યારે પૂલ ધસી પડતા મરણોન્મુખ ચીસોથી મચ્છુ નદી ફરી એક વાર દ્રવી ઉઠી હતી. 

નગરપાલિકાએ આ પુલની મરમ્મતનું કામ તથા સંચાલન મોરબીના અજન્તાગુ્રપના જયસુખ પટેલની ઓરેવા કંપનીને સોંપ્યું  હતું. રિપેરીંગ માટે  સાત મહિનાથી પુલ બંધ હતો અને નૂતન વર્ષના દિવસે કંપની દ્વારા તેને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. રિપેરીંગ માટે મોરબી નગરપાલિકાએ આશરે રૂ.૨ કરોડથી વધુ ખર્ચ કર્યો છે. 

૪.૬૦ ફૂટ પહોળાઈ અને ૨૩૩ મીટરની લંબાઈ ધરાવતા આ તારના આધારે ઝુલતા રહેતા પુલ પર આજે રજાના પગલે ચિક્કાર ભીડ હતી અને લોકો મોજ માણી રહ્યા હતા ત્યાં જ  પોણા સાત વાગ્યે તે વચ્ચેથી ધસી પડયો હતો.

મહિલા,બાળકો સહિત લોકો પુલ પરથી નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. મચ્છુ નદીમાં  મોટા કાળમીંઢ પથ્થરો છે જેના પર લોકો પછડાઈને તરવાનો પણ પ્રયાસ ન કરી શકે એવી ગંભીર ઈજા સાથે મોતને ભેટયા હતા. બચાવ કાર્ય માટે મોરબીમાં અપુરતી ટીમોને પગલે રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ સહિત જિલ્લામાંથી એમ્બ્યુલન્સ, તરવૈયા બોલાવાયા હતા, રાજકોટથી ફાયરબ્રિગેડની સાત ટીમ ધસી ગઈ હતી. 

ઘટના એટલી ભયાનક અને કરુણ હતી કે લોકો તારના આધારે કલાકો સુધી જીવ બચાવવા લટકતા નજરે પડયા હતા. નદીમાં પાણીમાં અને પથ્થર ઉપર ખૂબ ઉંચાઈથી પટકાયેલા  લોકો કણસતાં રહીને મોતને ભેટયા હતા. દુર્ઘટનાના કલાક-બે કલાક સુધી તો મૃત્યુ આંક ઓછો હતો પરંતુ, રાત્રે એકપછી એક લાશો નદીની બહાર આવતી ગઈ ત્યારે અત્યંત કરુણદ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર અને હોસ્પિટલ પર લોકોના હૈયાફાટ આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી. 

ઘટનાની અતિ કરુણતા એ હતી કે જ્યાં મચ્છુ નદીમાં ગંભીર ઈજાથી દર્દથી કણસતાં હતા તે જગ્યાથી ઉપર રસ્તા સુધી લાવવા કોઈ ઝડપી માર્ગ જ ન્હોતો.તેમને હોસ્પિટલે ઝડપથી પહોંચાડવા બચાવકાર્યમાં પણ મૂશ્કેલીઓ આવી હતી.  

સ્થળ પર પહોંચેલા મંત્રી  બ્રિજેશ મેરજાએ જણાવ્યા મૂજબ સાંજે ૬.૪૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી, પુલ વચ્ચેથી તૂટતા તેના પર રહેલા સેંકડો લોકો નીચે પટકાયા હતા. ટિકીટબારી પર ત્રણસો મુલાકાતીઓની ટિકીટ લેવાઈ હતી. બચાવ કાર્ય તુરંત શરુકરાયું હતું પરંતુ, શરુઆતના એકાદ કલાકમાં મૃત્યુ આંક જાણી ન્હોતો શકાયો અને રાત્રિના સાડા નવ સુધીમાં ૪૦થી વધુ ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે.  ઘટનાની સી.એમ.ઓફિસથી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આશરે સવા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનથી વાત કરી હતી અને ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કરીને બચાવકાર્યમાં લેશમાત્ર કચાશ ન રહે તે માટે તાકીદ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ આજે ઠેરઠેર યોજાયેલા કાર્યક્રમોને ટૂંકાવીને ઘટનાની જાણ થતા બાદ રાત્રિના સાડા નવ પછી મોરબી ધસી આવ્યા હતા. કેન્દ્ર દ્વારા મૃતકોને રૂ।.બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે. 

પ્રાથમિક રીતે ઝુલતાપૂલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની પૂરતી ચકાસણીનો  અભાવ,ઓવરલોડથી આ ભયાનક દુર્ઘટના સર્જાયાનું તારણ છે. જો કે સી.એમ.કક્ષાએથી આ ઘટનાની તપાસ કરાવાશે.

બેસતા વર્ષના દિવસે ઝૂલતો પુલ શરૂ કરાયો

મોરબીમાં ઝુલતો પુલ છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતો. સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે જ ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. દિવાળીના તહેવારોને પગલે ઝુલતા પુલ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. ઓરેવા કંપનીને ઝુલતા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઝુલતા પુલની સ્થિતી દયનીય બનતા તેનુ પુઃન સમારકામ કરવામાં આવ્યુ હતું. સમારકામ બાદ પણ ઝુલતો પુલ તૂટી પડયો હતો જેથી સમારકામની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.

ચાર દિવસમાં ૧૫ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ છેલ્લા ૭ મહિનાથી બંધ હતો અને તેનું રીનોવેશન કાર્ય ચાલુ હતું. હમણાં જ નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો. જે પછી દિવાળીનાં તહેવારો દરમિયાન ચાર દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી હતી. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :