CIA ALERT

ગુજરાત Archives - Page 143 of 158 - CIA Live

December 21, 2018
startups.jpg
1min4850

સરકારે જાન્યુઆરીમાં ભારતના ઊભરતા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટ-અપ ઇન્ડિયા એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો. જેનો હેતુ ટેક્સ હોલિડે સહિતનાં પ્રોત્સાહન, ઇન્સ્પેક્ટર રાજ મુક્ત સિસ્ટમ અને કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, DIPP દ્વારા વિવિધ કેટેગરીમાં રાજ્યોને રેન્કિંગ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેથી પ્રગતિ અને વિકાસનાં જુદાંજુદાં પાસાંમાં રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાનો માહોલ ઊભો કરી શકાય. વધુમાં આ સિસ્ટમને કારણે વિવિધ ક્ષેત્રોમાં રાજ્યોની પ્રગતિ પર પણ સતત નજર રાખી શકાય.

નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવાની બાબતમાં ગુજરાત નંબર-1 રાજ્ય બન્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP) દ્વારા રાજ્યોને અપાયેલા રેન્કિંગમાં ગુજરાતે આ સિદ્ધિ મેળવી છે. આ કેટેગરીમાં કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાને અગ્રણી રાજ્યોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

DIPP સેક્રેટરી રમેશ અભિષેકે તા.20મી ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું કે, “તમામ રાજ્યો આ કવાયતથી સ્ટાર્ટ-અપ્સની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.” ઉલ્લેખનીય છે કે, નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વિકસાવવા માટે લેવાયેલાં પગલાંને આધારે રેન્કિંગ આપવામાં આવ્યાં છે.

સમગ્ર પ્રક્રિયામાં 27 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશે ભાગ લીધો હતો. રેન્કિંગના માળખામાં ઇન્ટરવેન્શનની સાત કેટેગરી અને 38 એક્શન પોઇન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં પોલિસી સપોર્ટ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સીડ ફન્ડિંગ, એન્જલ અને વેન્ચર ફન્ડિંગ તેમજ સરળ નિયમોનો સમાવેશ થાય છે.

ગુજરાત આંત્રપ્રિન્યોરલ ઇકોસિસ્ટમના નિર્માણની દિશામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. સરકારના સહયોગ, ઉદ્યોગ સાહસિકોના જુસ્સા, બેસ્ટ કો-વર્કિંગ સ્પેસ, માર્કેટ વગેરે જેવી બાબતોમાં રાજ્ય હંમેશા ટોચના ક્રમે રહ્યું છે. એક વાર ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ સાથે પોતાની સમસ્યા રજૂ કરવાનો પ્રારંભ કરશે તો આપણે આગામી દિવસોમાં વધુ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્વિકૃત સ્ટાર્ટ-અપ સોલ્યુશન્સ જોઇ શકીશું.

December 20, 2018
Jasdan.jpg
1min6450

ભાજપ અને કૉંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન જસદણની પેટાચૂંટણીમાં 71.27 ટકા મતદાન થયું હતું. બાવળિયા અને નાકિયાનું ભાવિ EVMમાં કેદ થયું છે. 23 ડિસેમ્બરે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે બાવળિયાએ ગઢ સાચવ્યો કે પછી કૉંગ્રેસ બેઠક જાળી રાખી.

હાઈ વોલ્ટેજ એવી આ ચૂંટણી માટે ગુરૂવારે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થયું. જસદણ શહેર અને તેના 104 ગામડામાં 262 બુથ પર મતદાન થયું. ચૂંટણી માટે કુલ 8 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી કોણ જીતશે તે નક્કી કરવા માટે મતદાન થયું. મહિલાઓમાં મતદાનની ટકાવારી 68.42 રહી જ્યારે પુરૂષોમાં 73.82 ટકા

જસદમા વિંછિયામાં 68.07 ટકા, જસદણ તાલુકામાં 63.83, કમળાપુરમાં સરેરાશ 65, જસદણ શહેરમાં 64, ગોખલાણામાં 60, પાંચવડામાં 50 ટકા, ખાંડાધારમાં 70, ચિતલિયામાં 46, વાંગધ્રામાં 60, પાંચવડામાં 50, આંબરડીમાં 55, મોઢુકામાં 58, કોઢીમાં 55 ટકા મતદાન નોંધાયું. મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતનું ધ્યાન આજરોજ તા.20મી ડિસેમ્બર 2018ના રોજ જેના પર કેન્દ્રીત છે એ સૌરાષ્ટ્રના જસદણની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે યોજાઇ રહેલા મતદાનમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 54 ટકા જેટલું જંગી કહી શકાય તેટલું મતદાન થયું હતું. સવારથી જ મતદારોએ મતદાન માટે ભીડ લગાવી હતી. બપોરે 3 વાગ્યા સુધીમાં મળેલા મતદાનના આંકડા મુજબ એકંદરે 54 ટકા મતદાનમાં જસદણ પૂર્વમાં 52 ટકા , પશ્ચિમમાં 54 ટકા, ઉત્તરમાં 56 ટકા અને તાલુકામાં 58 ટકા મતદાન થયું હોવાની માહિતી ચૂંટણી કન્ટ્રોલ રૂમ પરથી સાંપડી હતી.

જસદણ બેઠક માટે જસદણ તાલુકાના ૧૬૫ મતદાન મથકો જેમાં, વિંછીયા તાલુકાના ૯૦ મથકો અને ગોંડલ તાલુકાના ૭ મતદાન મથકો મળી કુલ ૨૬૨ મતદાન મથકોએ મતદાન યોજાઇ રહ્યું છે. જે તમામ મથકો માટે કુલ ૨૬૨ ઈ.વી.એમના સેટ બુધવાર, તા.19મી ડિસેમ્બર 2018ના રોજ સવારથી રવાના કરવામાં આવ્યા હતા. એક ઇ.વી.એમ. સેટમાં કુલ ૩ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમાં એક બેલેટ યુનિટ,એક કંટ્રોલ યુનિટ તથા એક વી.વી.પેટ મશીન છે.

પાંચ રાજ્યોની પેટા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ જનતાનો મેન્ડેટ આવ્યો હોવાથી ભાજપમાં ફફડાટ ફેલાયો છે અને લોકસભા ચૂંટણીની અગાઉ જસદણ પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે મરણીયા પ્રયાસો કર્યા હતા અને પ્રદેશના ટોચના નેતાઓનો કાફલો પ્રચાર માટે ખડકી દીધો હતો. બાવળિયા અહીં લોકપ્રિય ચહેરો છે અને સારો લોકસંપર્ક ધરાવે છે પરંતુ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા હવે પ્રજા તેમને આવકારે છે કે જાકારો આપે છે તે જોવું રહેશે. જસદણ પેટા ચૂંટણીના પરિણામ 23 ડિસેમ્બરના આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે ગુરુ-ચેલો આ ચૂંટણી સામ સામે લડી રહ્યા છે. કોંગ્રેસે જેને ઉમેદવાર બનાવ્યા છે તે અવસર નાકિયા એક સમયે કુંવરજી બાવળિયાના ચેલા રહી ચૂક્યા છે

લોકસભાની ચૂંટણી પહેલા જો ભાજપ જસદણની બેઠક હારી જાય તો ગુજરાતમાં ભાજપની લોકપ્રિયતા પર ઘટી હોવાનું તારણ નીકળશે. સામે કોંગ્રેસનો ઉત્સાહ બેવડાશે.

જનતા નાકિયાને અવસર આપે છે કે પછી બાવળિયાને કમબેક કરાવે છે તે તો પરિણામના દિવસે જ જાણી શકાશે. હાલ તો અવસર નાકિયા અને કુંવરજી બાવળિયા બંનેનો જંગ રસપ્રદ બન્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુરુ-ચેલો આ ચૂંટણી સામ સામે લડી રહ્યા છે. કોંગ્રેસે જેને ઉમેદવાર બનાવ્યા છે તે અવસર નાકિયા એક સમયે કુંવરજી બાવળિયાના ચેલા રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. જનતા દળથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર બાવળિયા 1990માં પહેલી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ પહેલા જ પ્રયાસમાં હાર મળ્યા બાદ બાવળિયાએ કોંગ્રેસના હાથનો સાથ લીધો. કોંગ્રેસની ટિકિટ પરથી કુંવરજી સતત ચાર વખત જીત્યા. આ દરમિયાન 2009માં લોકસભાની ચૂંટણી પણ લડ્યા અને જીત્યા.

જો કે આ જીત બાદ બોટાદ વિધાનસભા બેઠક પરથી કુંવરજીએ હારનો સામનો કરવો પડ્યો. પરંતુ જસદણ બેઠક પર કુંવરજીના નામના સિક્કા પડતા રહ્યા છે. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કેટલાક મહિનાઓ બાદ અચાનક જ કુંવરજીએ કોંગ્રેસને ટાટા કરીને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો. પક્ષપલટાની સાથે જ ભાજપે કુંવરજીને કેબિનેટ મંત્રીનું પદ આપી દીધું. હવે કુંવરજીને જીતાડવા એ ભાજપ માટે શાખનો સવાલ છે.

December 20, 2018
nilanshi.jpg
1min12670

મોડાસાના સાયરા ગામમાં રહેતી નીલાંશી પટેલ દસમા ધોરણમાં ભણે છે અને હાલમાં તેના નામે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ બન્યો છે. તે છ વર્ષની હતી ત્યારે છેલ્લે વાળ કપાવ્યા હતા. એ પછીથી તેણે કદી વાળ કપાવ્યા નથી. દસ વર્ષમાં તેના વાળ ૧.૭૫ મીટર જેટલા લાંબા થઈ ચૂક્યા છે. તે અઠવાડિયે એક વાર વાળ ધુએ છે.

અડધો કલાક વાળને સૂકવતાં થાય છે. રોજેરોજ વાળની ગૂંચ કાઢીને ઓળતાં પૂરો એક કલાક થાય છે. લાંબા વાળ હોવા છતાં તે સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે. ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને જબરો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે. થોડાક સમય પહેલાં તેને લિમ્કા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. અને હાલમાં ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ્સમાં સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ખિતાબ મળ્યો છે.

December 19, 2018
CIA_Live_Logo_New2.jpg
1min5800

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ ડીજી કોન્સફરન્સમાં હાજરી આપવા માટે 21 ડિસેમ્બરે ગુજરાત જશે. ગુજરાતમાં બીજી વાર ડીજી કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. કેવડિયા કોલોનીમાં આ કોન્ફરન્સનું આયોજન છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 20, 21, 22 ડિસેમ્બરને દિવસે ડીજી કોન્સફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાધુબેટમાં આવેલા ટેન્ટસિટીમાં યોજાશે. હાલ ત્યાં મીડિયાને જવાથી મનાઈ કરવામાં આવી છે.

ઑલ ઈંડિયા ડીજી કોન્ફરન્સમાં દેશની વિવિધ સુરક્ષા પાંખના 185 ડીજી હાજર રહેશે. રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સમાં વડાપ્રધાનની સાથે કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.

31 ઓક્ટોબરે જ વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. જેને દોઢ મહિના જેટલો જ સમય થયો ત્યાં ફરીથી મોદી એકતાની આ પ્રતિમાની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના રોકાણ માટે ખાસ રાજ દરબારી ટેન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

December 18, 2018
Shiva-Rudraksha.jpg
1min11070

હિન્દુ ધર્મના પુરાણોમાં  પારદ શિવલિંગનો ઉલ્લેખ છે કે વૈજ્ઞાનિક રીતે મરક્યુરી એટલે કે પારાને હિલિંગ (ઉપચાર માટેનું શ્રેષ્ઠ માધ્યમ) માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે.

અધ્યાત્મિક વિશ્વમાં પારદ્ શિવલીંગનું વિશેષ મહાત્ત્મય છે. પારદ્ શિવલીંગના સાનિધ્યમાં મેડીટેશન એટલે કે ધ્યાન ધરવાથી અનેક ગણા વધારે ફાયદાઓ મેળવી શકાયાના દાખલાઓ, પરચાઓ હાજરાહજૂર છે. રામાયણમાં ઉલ્લેખ છે કે રાવણે પણ પારદ શિવલીંગની ઉપાસના થકી અખુટ સમ્પદા અને લંકાની સોના પ્રાપ્ત કરી હતી. પારદને ભગવાન શિવના રજ અંશ તરીકે ઓળખવામાં આવે છે. પારદ્ શિવલિંગના આધ્યાત્મને નવી ઉંચાઈ તરફ લઈ જશે.

આગામી દિવસોમાં ભારત જ નહીં બલ્કે વિદેશોથી પણ લોકો શાંતિ મેળવવા વલસાડના રોલા ખાતે પધારશે કેમકે વલસાડ ખાતે વિશ્વનું સૌથી મોટું પારદ્ શિવલિંગની રચના કરવાનું મહાકાર્ય શરૂ થઇ ચૂક્યું છે.

યજ્ઞમૂર્તિ દાદાશ્રી અને ધ્યાન મૂર્તિ પૂજ્ય ગુરુશ્રી દ્વારા સૌથી મોટા પારદ્ શિવલિંગની રચના કરવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. ત્રણ મહિનાના ભગીરથ પુરુષાર્થ બાદ આ પારદ્ મહાલિંગમની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આ પારદ્ મહાલિંગમના નિર્માણમાં 3,333 કિલો પારો (મરક્યુરી)નો ઉપયોગ કરવામાં આવશે. આ આખાય કાર્યને દાદાશ્રી ફાઉન્ડેશનનો સહકાર સાંપડી રહ્યો છે.

ધ્યાનમૂર્તિ ગુરુશ્રીના કહેવા પ્રમાણે હાલ વિશ્વમાં સમસ્યાઓ વધી રહી છે. લોકો સ્ટ્રેસ ફીલ કરી રહ્યા છે, સાથે જ કેન્સર જેવા અસાધ્ય રોગો પણ વધી રહ્યા છે. આવા સમયમાં જો પારદના શિવલિંગ સામે ધ્યાન કરવામાં આવે તો માનસિક અને શારીરીક રીતે અનેકગણો ફાયદો થાય છે. એટલે જ અમે શિવલિંગનું મંદિર નહીં પરંતુ ધ્યાન કેન્દ્ર બનાવી રહ્યા છીએ.

તો દાદાશ્રીનું કહેવું છે કે પારદના શિવલીંગની સામે ધ્યાન કરવાથી અનેકગણા ફાયદો મળે છે. એટલે જ યોગીઓ ધ્યાન કરવા માટે પારદના શિવલીંગને પસંદ કરે છે

December 15, 2018
darshan1.jpg
1min6210
આજ રોજ શનિવાર, તા.15મી ડિસેમ્બર 2018ના રોજ સુરત સિંચાઇ વર્તુળ ખાતે ખેડૂત સમાજ ગુજરાત ના પ્રમુખ જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ એન.પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઈ નાયક, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશભાઈ પટેલ, માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ જયચંદભાઈ વસાવા, માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાન સુરેશભાઈ વસાવા, પીપોદરાગામના ડેપ્યુરિટી સરપંચ નશરૂમભાઈ શેખ, પીપોદરા સહકારી મંડળીના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવેલા ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે સિંચાઇના પાણી રોટેશનથી વિતરીત કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા બાબતે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.
સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતનો સુરત સિંચાઇ વર્તુળમાં આવતા વિસ્તારમાં ખેતી કરી રહેલા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં ત્યારે જ મળી રહેશે જ્યારે રોટેશન પ્રમાણે પાણી વિતરણ કરવામાં આવે અન્યથા ધરતીપુત્રોને મોટી નુકસાની થવાની દહેશત છે. આ વર્ષે આમેય વરસાદ ઓછો પડ્યો છે અને સમગ્ર રાજ્યમાં જળસંકટ સર્જાય તેવી ભીંતી પ્રવર્તી રહી છે ત્યારે સુરત જિલ્લાના સામાજિક-રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકે રજૂઆત કરી છે કે સુરતના ખેડૂતોને આયોજનબદ્ધ રીતે જો ખેતી સિંચાઇનું પાણી વિતરણ કરવામાં આવશે તો સમસ્યાને નિવારી શકાશે. ખેડૂતોની ફરીયાદો ઉપસ્થિત થાય એ પહેલા જ સિંચાઇ વિભાગે રોટેશનથી પાણી કેવી રીતે વિતરીત કરી શકાય એ માટેનું હોમવર્ક કરવું રહ્યું એમ દર્શન નાયકએ ઉમેર્યું હતું.
December 10, 2018
CIA_Live_Logo_New2.jpg
1min15480

લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવી પડી હતી, હજુ આ ઘટનાના મૂળ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં આજે તા.10મીએ મોડી સાંજે રાજ્ય સરકારના વહીવટ અને આઇ.ટી. વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રવિવારે તા.23મી ડિસેમ્બર 2018ના રોજ રાજ્યવ્યાપી ધોરણે યોજાનારી વન રક્ષક વર્ગ-3ની કુલ 334 જગ્યા માટેની ભરતી પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અને સમયપત્રક હવે પછી જાહેર કરવામાં આવશે.

વન રક્ષક વર્ગ-3ની આ પરીક્ષા માટે પણ રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ ઉપરાંત ઉમેદવારોએ તૈયારી કરી હતી અને પરીક્ષાના કોલ લેટરની રાહ જોઇ રહ્યા હતા. આજે મોડી સાંજે પરીક્ષા રદ કરવાની જાહેરાતને પગલે લાખો ઉમેદવારો નિરાશ થયા હતા. આ સાથે જ ગુજરાત સરકારની આબરૂનું પણ લિલામ થવા પામ્યું છે. ભરતી પ્રક્રિયાઓ કે જેમાં એક સાથે લાખો ઉમેદવારો તૈયારી કરતા હોય છે એ છેલ્લી ઘડીએ રદ કરી દેવાથી ઉમેદવારોને માનસિક, શારીરીક, આર્થિક અને ભવિષ્યનું કેટલું મોટું નુકસાન વેઠવું પડે છે તેનો અંદાજો પણ સરકાર જાણતી ન હશે.

December 10, 2018
guj.jpg
1min5180

ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે ગુજરાતમાં ચાલુ વર્ષે જળસંકટ ઘેરું બન્યું છે. આ વર્ષે પડેલા સાધારણ વરસાદને લીધે પાણીની સમસ્યા સર્જાતા રવીપાકની વાવણીમાં પણ ઘટાડો નોંધાયો છે.

રાજ્યના ૨૦૪ જળાશયમાંથી ૮૩ જળાશયોમાં ૧૦ ટકાથી પણ ઓછી પાણીની સપાટી છે. તો કચ્છના જળાશયોમાં માત્ર ૧૧.૪૨ ટકા પાણી બચ્યું છે. હજુ તો શિયાળાની શરૂઆત જ થઈ છે ત્યારે રાજ્યના ૩૪ જળાશયો અત્યારથી તળિયાઝાટક થઈ ગયા છે. ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદના કારણે મોટાભાગના જળાશયો પૂરતા ભરાયા નહેતા. ઉનાળા પહેલા જ ૩૫ ડેમો તો તળિયા ઝાટક થઈ ગયા છે. શિયાળામાં પાણીની સ્થિતિ સર્જાતા ઉનાળો વધુ આકરો બનશે. સરદાર સરોવરમાં માત્ર ૬૨ ટકા જળસ્તર નોંધાયું છે. રાજ્યના ૧૪ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણી છે. જ્યારે કે ૧૩ જળાશયોમાં ૮૦થી ૯૦ ટકા પાણીનો જથ્થો બાકી છે. આ સિવાય ૧૦ જળાશયોમાં ૭૦થી ૮૦ ટકા પાણી છે. તો ૧૬૬ જળાશયોમાં ૭૦ ટકાથી ઓછું પાણી રહ્યુ છે. હજુ તો માત્ર શિયાળાની શરૂઆત થઈ છે, ત્યારે જ જળાશયોમાં ૫૦ ટકા જેટલું પાણી બાકી રહેતાં ગુજરાતમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે છે.

December 7, 2018
jica1-1280x960.jpg
1min6900

નરેન્દ્ર મોદીના કહેવાતા ડ્રીમ પ્રોજેક્ટ મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની જે કંપની 8000 કરોડ રૂપિયાનું ફાઇનાન્સ કરવાની છે એ જીકા કંપનીના પ્રતિનિધિમંડળે આજે કઠોર ખાતે સુરત અને ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ અસરગ્રસ્ત ખેડૂતો સાથે મિટીંગ યોજીને રજૂઆતો સાંભળી હતી. જીકા કંપની અને ખેડૂતોની આ મિટીંગ મેરેથોન રહી હતી અને 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગ સાંજે 7 વાગ્યા જ્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે પણ યથાવત હતી.

ખેડૂત આગેવાન તરફે દર્શન નાયક, આનંદભાઇ યાજ્ઞિક, જયેશભાઇ દેલાડ, જયેશભાઇ પટેલ પાલ સમેત 600થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જીકા કંપનીના પ્રતિનિધિ મંડળ સામે ખેડૂતોએ સ્પષ્ટ, મુદ્દાસર, આક્રમક અને નક્કર રજૂઆતો કરી હતી. ખેડૂતોની રજૂઆતોનો સૂર એ રહ્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર કરવાના ઇરાદે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોના મૂળભૂત હકોને પણ વિસરી જવાની પેરવી કરતા ખેડૂતોએ આક્રમક વલણ અપનાવવું પડ્યું હતું. ખેડૂતોની આક્રમક રજૂઆતોના મુખ્ય મુદ્દા આ મુજબ રહ્યા હતા.

  1. પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતોને મળતા વળતરના ભાવોમાં અસમાનતા
  2. જમીનના બદલામાં વળતરનો રેટ માર્કેટ રેટ આધારિત હોવો જોઇએ
  3. જેમના મકાનો જઇ રહ્યા છે તેમના રેટની ગણતરીમાં ભારે અન્યાયની ભીંતિ
  4. પ્રોજેક્ટ માટે જમીન વપરાયા બાદ બાકી બચેલી પડતર જમીનનો મુદ્દો
  5. સ્થાનિકોને રોજગારીનો મુદ્દો

મોડીસાંજે અંંધારુ થઇ ગયા બાદ પણ ખેડૂતોની આક્રમક રજૂઆતોનો દૌર ચાલ્યો હતો. ખેડૂતો તરફે રજૂઆત કરી રહેલા સુરત જિલ્લાના સામાજિક, રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ખેડૂતોએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં રાજ્ય સરકારે જે સરમુખત્યારશાહીભર્યું વલણ અપનાવ્યું તેની પણ આકરી ટીકા કરી હતી. પ્રોજેક્ટને સફળ બનાવવા માટે હવાતિયા મારી રહેલી સરકારે ખેડૂતોના મૂળભૂત હકો છીનવી લેવા ઉપરાંત ખેડૂતોના પરિવારો જેના પર દાયકાઓથી નિર્ભર છે એ જમીન છીનવી લેવાની પેરવી કરતા ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે બાંયો ચઢાવવી પડી હતી.

દર્શન નાયકે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બદલામાં ખેડૂતોને જે દરથી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે, એ દરો સાવ બેબુનિયાદ છે. માર્કેટ રેટ અને રાજ્ય સરકારના રેટ વચ્ચે ભારે અસમાનતા રહેલી છે. એથી વિશેષ અરીયાવાઇઝ પણ દરોમાં અસમાનતા હોઇ, ખેડૂતો જમીન આપવાના મૂડમાં નથી.

December 7, 2018
patidar_paas_logo.jpg
1min7400

અલ્પેશ કથિરીયાની મુક્તિ સાથે શરૂ થનારી સંકલ્પ યાત્રાને સુરતથી

ખોડલધામ અને ખોડલધામથી ઉંઝા ઉમિયા ધામ ખાતે લઇ જવાનું આયોજન

ઉપર જોઇ રહ્યા છો એ ઇમેજ મુજબ આગામી તા.9મી ડિસેમ્બર 2018ના રોજ પાસના સુરતના જ નહીં બલ્કે ગુજરાતના ટોચના નેતા ગણાતા અલ્પેશ કથિરીયા ઉર્ફે અલ્પેશ ગબ્બરની સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી મુક્તિ થવા સાથે જ પાસ દ્વારા ત્રણ દિવસની સંકલ્પ યાત્રાનો આરંભ કરવાની જાહેરાત જોરશોરથી કરવામાં આવી છે.

અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિને વધાવવા માટે શક્ય એટલા પાટીદારોને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ઉપસ્થિત રહી ત્યાંથી રેલી આકારે વાયા ભેસ્તાન વરાછા સુધી જોડાવા માટે આહવાન કરવામાં આવી રહ્યા છે. સુરતના વરાછા, પૂણા, કતારગામ, અમરોલી, વેડ, ડભોલી વગેરે વિસ્તારોમાં રાત્રી સભાઓ તેમજ ઓટલા બેઠકો કરીને વધુને વધુ પાટીદારો અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સમયે યોજાનારી યાત્રામાં જોડાય તેવા પ્રયાસો કરવામા આવ્યા છે.

દરમિયાન પાસ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ત્રણ દિવસની સંકલ્પ યાત્રા સુરતથી નીકળીને પહેલા ખોડલધામ જશે, ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ ઉંઝા ઉમિયા માતાના ધામ ખાતે સંકલ્પ યાત્રાને વિરામ આપવામાં આવશે.

અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સાથે જ ત્રણ દિવસની સંકલ્પ યાત્રા યોજવા અંગે પાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે સુરત પોલીસ હરકતમાં આવી ગઇ છે અને પાસની સંકલ્પ યાત્રાના રૂટ તેમજ પાટીદારની બહુલ વસતિ ધરાવતા વરાછા, પૂણાના વિસ્તારોમાં પોલીસની હાજરી અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હોવાનું પ્રથમદર્શી નજરે જણાય આવે છે.