CIA ALERT

ગુજરાત Archives - Page 129 of 158 - CIA Live

April 16, 2019
eway_bill.jpg
1min6400

જૂનાગઢમાં નવા નાણાકીય વર્ષના પ્રારંભે જે જીએસટી વિભાગે દરોડો પાડી રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ ઝડપી પાડયું હતું. જે પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી. જ્યારે પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

સૌરાષ્ટ્રના ગોંડલ અને ભાવનગરમાં કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ પકડાયા બાદ જીએસટી વિભાગની ટીમે નવા નાણાકીય વર્ષના પ્રારંભે જૂનાગઢમાં ખાદ્યતેલની 9 પેઢીઓ પર દરોડા પાડયા હતા. જે પ્રકરણમાં તપાસ કરાતા કુલ રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ પકડાયું હતું. આ કામગીરી બાદ જીએસટી તંત્રએ આ કૌભાંડના માસ્ટર માઇન્ડને પકડવા કવાયત હાથ ધરી હતી જે દિલીપ મોહનભાઇ સેજપાલ હોવાનું ખુલતા તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરેપી દિલીપ સેજપાલે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોના મજૂરી કામ કરતા અને નાના વેપાર ધંધો કરતા વ્યક્તિઓ પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવી લીધી હતી.

બાદમાં તેનો દુરૂપયોગ કરી જૂનાગઢમાં કુલ નવ પેઢીઓ ઉભી કરી હતી. આટલું જ નહીં તેણે આજ વ્યક્તિઓના મેળવેલા પુરાવાઓનો દુરઉપયોગ કરીને ગુજરાત રાજ્ય બહાર પણ બીજા 11 રાજ્યોમાં કુલ 15 પેઢીઓ ઉભી કરી જીએસટી નંબર મેળવી લીધા હતા. દિલીપ સેજપાલ દ્વારા કુલ રૂ.227 કરોડના ઇ-વે બીલ જનરેટ કરીને ગુજરાત રાજ્ય બહાર સીંગદાણા અને ધાણાનો માલ મોકલવામાં પણ ભૂમિકા ભજવી હતી. જેમાં કુલ 11 કરોડ જેટલા વેરાની રકમ સંડોવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, જીએસટી તંત્ર દ્વારા ગઇતા.પાંચના તમામ નવ સ્થળોએ તપાસ કરાઇ હતી ત્યારે આરોપી દિલીપ સેજપાલ ફરાર હતો. જેથી જૂનાગઢમાં તેના રહેણાનક સ્થળને સીલ કરી એસઆરપી મુકી દેવાઇ હતી. ત્યારબાદ તે તપાસ અધિકારી સમક્ષ હાજર તેના નિવેદનો લઇ આ કૌભાંડમાં તેની ધરપકડ કરાઇ હતી.

મજૂરો અને નાના ધંધાર્થી પાસેથી પાનકાર્ડ સહિતની માહિતી મેળવી હતી
જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરોપી દિલીપે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાં મજૂરી કામ અને નાના વેપાર ધંધો કરતા લોકો પાસેથી પાનકાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવીને જૂનાગઢમાં નવ બોગસ પેઢીઓ ઉભી કરી હતી. આ લોકો પાસેથી લોનની લાલચ આપી વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે.

April 16, 2019
election19.jpg
1min12710

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે માંડ અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે જાહેર પ્રચાર આગામી રવિવારે સાંજે 5 વાગ્યે બંધ થઈ જશે. તે પૂર્વે ગુજરાતમાં 26 લોકસભા વિસ્તારોમાં જાહેર પ્રચારમાં વેગ આવ્યો છે. સ્થાનિક, પ્રદેશના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતને ઘમરોળી રહ્યા છે.

છેલ્લા દિવસોમાં મતદારો પર અપેક્ષિત અસર પાડવા ભાજપ-કૉંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષો, ઉમેદવારો અને કાર્યકરો મથામણ કરી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત વ્યાપી ઝંઝાવતી પ્રવાસ શરૂ થઈ ગયા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. અમરેલી, પોરબંદર અને જૂનાગઢ બેઠકને ધ્યાને રાખી રાજુલા પાસે તેમની સભા યોજવામાં આવી હતી. તેઓ ફરી સંભવત તા. 19મીએ ગુજરાત આવશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે કોડીનારના પ્રવાસે આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જૂનાગઢમાં એક સભા ગજાવી ગયા હવે અમરેલી બેઠકમાં બીજી સભા ગજાવવા તા. 18મીએ આવી રહ્યા છે. કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની તા. 17મીએ ધોરાજીમાં રોડ-શો અને સભા માટે આવતા હોવાના અહેવાલ પણ મળ્યા હતા. ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સભા, સંમેલન, રોડ-શો વગેરે દ્વારા પ્રચારની પરાકાષ્ટા સર્જવાની રાજકીય પક્ષોની નેમ છે.

April 16, 2019
congress.jpg
1min5640

વિસાવદરમાં ચૂંટણી પ્રચારની સભામાં પાંખી હાજરીને પગલે છેલ્લી ઘડીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કાર્યક્રમ રદ કર્યો હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જણાવ્યું હતું કે, ભાજપના કાર્યક્રમમાં હવે દાળિયુંય ન આવે.

સીએમ હૅલિકોપ્ટરથી અહીં આવ્યા હતા. અહીં ઉતર્યા બાદ ખબર પડી કે ફક્ત 100 લોકો જ હાજર છે. બીજેપીની સાથે સાથે અમારા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ પણ હતો. પોલીસે અમારા કાર્યકરોને ધમકાવીને અમારો કાર્યક્રમ બંધ રાખવાનું કહ્યું હતું. પોલીસે ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ કુદરતનું કરવું કહો કે બીજું કંઈ ભાજપનો કાર્યક્રમ રદ થઈ ગયો છે. આ ખેડૂતોનો વિસ્તાર છે. ખેડૂતના દીકરાને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ધુંબા માર્યા છે. તેમને ખબર જ હતી કે માણસો નહીં થાય. સોમવારે મુખ્ય પ્રધાનનો કાર્યક્રમ રદ થયો હતો. ભાજપે વિસાવદરમાં બક્ષીપંચ સંમેલન યોજ્યું હતું. દરમિયાન કાર્યક્રમ રદ થવા અંગે વિસાવદરના કૉંગ્રેસના ધારાસભ્ય રિબડિયાએ વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારમાં ખેડૂતોને બીજેપીએ ખૂબ હેરાન કર્યા છે. આજે લોકો સીએમના કાર્યક્રમમાં પાક વીમા અંગે રજૂઆત કરવાના હતા. આજે અહીં પાંચ હજાર લોકોનું જમણવાર પણ હતું. હું બીજેપીના લોકોને કહેવા માગું છું કે આ ખેડૂતોનો વિસ્તાર છે, અહીં ભાજપનું દાળિયુંય ન આવે. મતપેટી ખૂલે ત્યારે મુખ્યમંત્રી અને વડા પ્રધાને અહીં આવીને જોવું હોય જોે જોઈ લે, અહીં અમે જીતવાના છીએ.

April 15, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5780

ચોટીલામાંથી યુવતીનું અપહરણ કરનાર લંપટ પ્રો. ધવલ ત્રિવેદીને ઝડપી લેવા ઈઇઈંને આદેશ
મુળ વડોદરા પંથકના અને ઘણા સમય પહેલા જામનગર હાઈવે પર આવેલી ગારડી કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા ધવલ ત્રિવેદી નામના લંપટ પ્રોફેસરે જામનગર પંથકની બે સગીર વિદ્યાર્થિનીઓનું અપહરણ કરી ગયો હતો અને બે વર્ષના અંતે રાજકોટ સીઆઈડી ક્રાઈમના સ્ટાફે પંજાબ પંથકમાંથી લંપટ ધવલ ત્રિવેદીને બંને સગીર વિદ્યાર્થિનીઓ સાથે ઝડપી લીધો હતો અને લંપટ ધવલ ત્રિવેદીને જેલમાં ધકેલી દીધો હતો.
આ મામલે કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે લંપટ ધવલ ત્રિવેદીને ર018માં આજીવન કેદની સજા ફટકારી હતી. લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી બે વખત છુટાછેડા લઈ ચુકયો છે અને આઠથી દસ યુવતીઓને ભગાડી ગયો છે. રાજકોટ જેલમાં સજા ભોગવતા ધવલ ત્રિવેદીએ બે વખત પેરોલ પર છુટયા બાદ પરત જેલમાં આવી ગયો હતો અને ત્રીજી વખત જેલમાંથી પેરોલ પર છુટયા બાદ ફરાર થઈ ગયો હતો અને ચોટીલામાં એક શખસ સાથે ભાગીદારીમાં ઈગ્લીશ કલાસીસ શરૂ કર્યા હતા અને એક વેપારીની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લંપટ ધવલ ત્રિવેદી યુવતીને લઈ નાસી છુટયો હતો. આ અંગે ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો હતો તેમજ ધવલ ત્રિવેદીના મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી અને દિલ્હીમાં એક શખસને મોબાઈલ વેચી દીધાનું ખુલ્યુ હતું બાદમાં એલસીબી તથા અન્ય સ્પેશ્યલ ટીમ દ્વારા ધવલ ત્રિવેદી અને યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહોતી. પોલીસ દ્વારા નેપાળ-પંજાબ-દિલ્હી સહિતના શહેરોમાં મેઈલ-વોટસએપ દ્વારા શાળા-કોલેજોમાં બંનેના ફોટોગ્રાફસ અને સમગ્ર વિગતો મોકલી મદદ માગવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ મળી નહોતી.
દરમિયાન યુવતીના પરિવારજનો દ્વારા હાઈકોર્ટમાં હેબીયસ કોપર્સની અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટે આ અરજીના મામલે સુનાવણી કરી હતી અને આ પ્રકરણની તપાસ સીબીઆઈને કરવા હુકમ કર્યે હતો અને લંપટ ધવલ ત્રિવેદી યુવતી સાથે નેપાળ નાસી છુટયો હોઇ તાકીદે નેપાળ તપાસ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી અને ચાર સપ્તાહમાં કોર્ટને રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો.
April 14, 2019
income_tax-1280x853.jpg
1min5740

અમદાવાદ, ગોધરા, વડોદરા, સુરત સહિત વિવિધ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 8 કરોડ, 11 લાખની રોકડ રકમ જપ્ત

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે મોટાપાયે રોકડની હેરફેર થતી હોવાની બાબતને ધ્યાનમાં લઈને ઈન્કમટૅક્સ વિભાગ સક્રિય બની શુક્રવારે સવારથી જ એક જાણીતી આંગડિયા પેઢીઓની અમદાવાદ, સુરત, ગોધરા, રાજકોટ, સહિતના સ્થળે આવેલી ઑફિસો પર દરોડા પાડીને કરોડોની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. લોકસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઈન્કમટૅક્સ વિભાગ વધુ સક્રિય થઈ આંગડિયા પેઢીઓ, ટૂર ઓપરેટરના ઑફિસ, એન્ટ્રી ઓપરેટર અને સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરીને અમદાવાદ, ગોધરા, વડોદરા, સુરત સહિત વિવિધ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 8 કરોડ, 11 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.

રૂ. ત્રણ કરોડના દાગીના, ઝવેરાત જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં જાણીતા એન્ટ્રી ઓપરેટરના ત્યાંથી રૂ. 46 લાખની રોકડ સાથે કરોડોની એન્ટ્રીની વિગતો મળી આવી હતી. નવરંગપુરામાં એક ટૂર ઓપરેટરના ત્યાં દરોડા પાડીને રૂ. 47.26 લાખ અને ઝવેરાત કબજે કરી હતી. ટૂર ઓપરેટરની સરદાર પટેલ કોલોની- નવરંગપુરામાં આવેલ ઑફિસ તેમ જ ધનંજય ટાવરમાં આવેલ બંગલોમાં સર્ચ ચાલી રહી હતી. અમેરિકા, માલ્ટામાં આવેલી કંપનીઓમાં તેમનું કરોડોનું રોકાણ કર્યાનું અને દુબઈમાં પણ ઑફિસો અને કંપની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ટૂર ઓપરેટર દ્વારા હવાલા મારફતે વિદેશોમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાની આશંકા છે. ઈન્કમટૅક્સ વિભાગ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે મોટાપાયે કરચોરીઓ સામે આવવાની શક્યતા છે.

April 12, 2019
pabubha.jpg
1min8100

2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન દ્વારકાની બેઠકના ઉમેદવાર પબુભા માણેકના ઉમેદવારીપત્રકમાં ટેકનિકલ ભૂલ હતી, જેને ચૂંટણી તંત્રએ નકારી પણ ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખી

2017ની વિધાનસભા ચંટણીમાં દ્વારકા બેઠક પરથી પબુભા માણેક ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. પબુભા માણેક સામે ચૂંટણી લડેલા ઉમેદવાર મેરામણ ગોરીયાએ હાઈકોર્ટમાં અરજી કરીને ચૂંટણી રદ કરવા માગ કરી હતી. મેરામણ ગોરીયાએ પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ હોવાનું કહીને ઉમેદવારી ફોર્મ જ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી હતી.

મેરામણ ગોરિયાની રજૂઆત હતી કે પબુભા માણેકે પોતાના ઉમેદવારી ફોર્મના ભાગ 1 માં તેઓ કઈ બેઠક પર ચૂંટણી લડવા માગે છે, તે દર્શાવેલું ન હતું, પરિણામે તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે. આ મામલે ચૂંટણી અધિકારીએ ઉમેદવારને નોટિસ પણ ફટકારી હતી. જો કે કોંગ્રેસની વાંધા અરજી ન સ્વીકારાતા ચૂંટણી યોજાઈ હતી.

આખરે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પોતાના વકીલ મારફતે આ અંગેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.

હાઇકોર્ટના ચૂકાદાની સાથે જ ભાજપામાં ભૂકંપ મચી ગયો હતો. હવે દ્વારકાની બેઠક પર ફરીથી ચૂંટણી યોજવી પડશે. હાલમાં ચૂંટાયેલા જાહેર થયેલા ધારાસભ્ય પબુભા માણેક હવે એમ.એલ.એ. મટીને સામાન્ય મતદાર બનીને રહી ગયા છે.

April 12, 2019
pakvima.jpg
1min6290

ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખંખેરી તેની સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ સહિત આસપાસનાં ખેડૂતો પોતાની માગણી સાથે સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ખેડૂતોએ પાક વીમા મુદ્દે કિસાન સંઘ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ખેડૂતો સભા સ્થળે ભેગા થયા હતા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા સરકારની જોહૂકમી સામે 36 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગણી કરી હતી.

રાજકોટમાં ખેડૂતોની રેલી અને સભા માટે મંજૂરી મળી નહોતી, તેમ છતાં ખેડૂતોએ રેલી કાઢી હતી જેની સામે પોલીસે પડધરીમાં ભેગા થયેલા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. રાજકોટ સહિત આસપાસના ખેડૂતો મામલતદારને આવેદન પત્ર આપવા માટે ભેગા થયા હતા જેમાં ખેડૂતોની માગણી હતી કે પ્રીમિયમ ભરતા હોવા છતાં વીમા કંપનીઓ ખેડૂતોને કહે છે કે ક્રોપ કટિંગ થયું છે.

સરકારે કોઈ પણ ભોગે અછતગ્રસ્ત તાલુકાઓને પાક વીમો અપાવવો પડશે. ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખંખેરી તેની સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે.

વીમા કંપનીઓએ માત્ર ગુજરાતમાંથી 2000 કરોડનો નફો કરી લીધો છે. ખેડૂતોને રેલી કાઢવા માટે સરકારે પરમિશન આપી નહોતી. તેમ જ સભા સ્થળે પોલીસની મોટી ફોજ ઊભી કરી દેવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, અમને સરકાર તરફથી રેલી કે સભાની મંજૂરી આપવામાં આવી નથી, તેમ છતાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈશું. અમને કોઈ રોકી શકે તેમ નથી.

ખેડૂતોએ વધુમાં કહ્યું હતું કે, અમારો આક્રોશ પાક વીમા કંપનીઓ સામે છે. ક્રોપ કટિંગમાં મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. કિશાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે એક બાજુ અનેક તાલુકા અછતગ્રસ્ત જાહેર થયા છે બીજી બાજુ સરકારે પાક વીમો નથી આપ્યો સરકારે પાક વીમો આપવો જ પડશે. પાક વીમા મુદ્દે કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,

રેલી બાદ તમામ ખેડૂતો સભા સ્થળે ભેગા થયા હતા, ત્યારે સરકારની જોહૂકમી સામે 36 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગણી કરી ખેડૂતોએ કહ્યું કે, પાક વીમા કંપનીઓ સાથે સરકારને પણ ખેડૂતોની ચિંતા નથી. તેઓ પણ અમારી કોઈ માગણીઓ સ્વીકારતા નથી.

April 12, 2019
onlinevoter-1280x958.png
1min5800

જિલ્લામાં કુલ એક લાખ એક હજાર ઓનલાઇન મતદાર રજિસ્ટર્ડ થયા છે. જેમાથી 7500નું પ્રથમ વખત રજિસ્ટ્રેશન એક જ સ્થળે અને એક જ સમયે કરવામાં આવ્યું હતું. જેનો વિશ્ર્વ વિક્રમ નોંધાયો છે, એવું જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશના ચૂંટણીપંચે પણ આ ઉપલબ્ધિની નોંધ લીધી છે તથા આ પહેલથી ગુજરાત યુનિવર્સિટી અને શહેરના યુવાવર્ગે દેશને એક નવી રાહ ચીંધી છે. દરમિયાન ઉંમર અને અનુભવની સદી વટાવી ચુકેલા અમદાવાદ જિલ્લાના શતાયુ મતદારોનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. વિક્રાંત પાંડેએ સન્માન કર્યું હતું અને જણાવ્યું હતું કે યુવા મતદારોને આ શતાયુ મતદારો પ્રેરણારૂપ બની રહેશે. અમદાવાદ જિલ્લામાં કુલ 719 શતાયુ મતદારો છે જે અમદાવાદ જિલ્લાનું ગૌરવ છે. દરમિયાન લોકશાહીના જતન માટે દરેક મતદારોને મતદાન અવશ્ય કરવા જિલ્લા કલેકટરે ખાસ અપીલ કરી હતી.

April 10, 2019
jitu-2.jpg
1min12420

મોદીને સારુ લગાડવા ભાજપા પ્રમુખ વાઘાણી સમેતના નેતાઓનો બેફામ વાણી વિલાસ

ભાજપાના સુપ્રીમો નરેન્દ્ર મોદીને સારુ લગાડવા માટે ભાજપાના નેતાઓ કંઇપણ હદે ઉતરી શકે છે. છેલ્લા સપ્તાહથી જે રીતે ગુજરાતમાં રાજકીય નેતાઓ ખાસ કરીને ભાજપી નેતાઓ એવું નથી કે તેમની જીભ લપસી જાય છે પરંતુ, ઇરાદાપૂર્વક કેટલાક શબ્દ પ્રયોગ કરીને રાહુલ ગાંધી કે કોંગ્રેસને ભાંડી રહ્યા છે, બેફામ વાણી-વિલાસને મિડીયા ચગાવે છે અને એ રીતે મોદીની નજરમાં આવી શકાય, એ રૂએ ભાજપીઓ બેફામ વાણી વિસાલ કરી રહ્યા છે. તાજેતરમાં પ્રદેશ ભાજપાના પ્રમુખ જીતુ વાઘાણીએ સુરત ખાતે કોંગ્રેસીઓને હરામજાદા કરીને સંબોધ્યા હતા.

થોડા દિવસો પહેલા જીતુ વાઘાણીના દિકરાને કોલેજે પરીક્ષામાંથી ચોરી કરતા પકડ્યો હતો, હવે ચૂંટણી પંચે જીતુ વાઘાણીને પકડ્યા છે ચૂંટણીના નિયમ ભંગ માટે

એવું નથી કે ફક્ત ભાજપીઓ જ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે પરંતુ, જાહેરસભામાં કોંગ્રેસીઓ પણ ભાજપીઓને અનેક ખરીખોટી ખરાબ ભાષામાં સંભળાવી પ્રજા સામે અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કરી રહ્યા છે. કોંગ્રેસી નેતાઓ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આવું કરી રહ્યા છે જ્યારે ભાજપીઓ મોદીની નજરમાં આવવા માટે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે આવા અશોભનીય શબ્દોનો પ્રયાગ કર્યો હતો, જેની ચૂંટણી પંચે ગંભીર નોંધ લઇ સુઓમોટો ફરિયાદ દાખલ કરી છે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પાસે તેમણે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાબતે ચૂંટણી પંચ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. સુઓમોટો એટલે કોઇ ફરિયાદી વગર ચૂંટણી પંચે જાતે જ ઘટનાની નોંધ લઇને ફરીયાદ દાખલ કરી છે.

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાષ્ટ્રમાં રહીને રાષ્ટ્રનો દ્રોહ કરનારાઓને ભાજપ ક્યારેય સાંખી નહીં લે. પછી તે કોઇપણ ધર્મસંપ્રદાયનો હોય. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસના મંત્રી મોહમ્મદ સુરતી, જે દેશદ્રોહીની ગાડીમાંથી હથિયારો પકડાયા હોય તેની પાર્ટીને મત હોય ખરા? તેમણે કહ્યું  કે કોંગ્રેસ અલગ રીતે લઇને વોટ બેંકની રાજનીતિ કરીને ભડકાવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી વિશે એવું કહ્યું હતું કે, રાહુલ જ્યારે નાના હતા અને દૂધ પીતા હતા ત્યારે પણ તેમના રક્ષણ માટે કમાન્ડો રહેતા હતા ત્યાર બાદ તેમણે માફી  પણ માગી હતી. ઉપરાંત તેઓએ ફરીથી તાજેતરમાં એવું કહ્યું કે, રાજીવ ગાંધી જુઠા હતા. તેમનો પુત્ર પણ જુઠો છે અને પુત્રી પણ જુઠી છે. જેને લઇને પણ ભારે હોબાળો મચ્યો હતો. હવે ફરીથી સુરતની જાહેરમાં કોંગ્રેસની આલોચના કરતા તેઓએ કોંગ્રેસને હરામજાદા જેવા શબ્દથી નવાજ્યા હતા.

કોંગ્રેસીઓ પણ પોતાનું વજુદ બતાવવા ભાજપીઓને

શરમાવે તેવા નિવેદનો કરી રહ્યા છે

કોંગી ધારાસભ્ય ગેનીબેન, નેતા મોઢવાડિયાની અભદ્ર ટિપ્પણી

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બેફામ કરેલા નિવેદનોએ ભાજપીઓને વધુ ઉશ્કેર્યા છે.

થરાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયના આરંભ પ્રસંગે વાવના ધારાસભ્ય  ગેનીબેને વડાપ્રધાન મોદીનું નામ લીધા વિના આકરા પ્રહારો કરતા કહ્યું કે, કાળું નાણું  5 વર્ષમાં તમારા રાજમાં આવ્યું નથી પરંતુ મારે એમને સીધુ પૂછવું છે કે કાળું નાણું બહારથી લાવવા કોણે, એના બાપાએ ના પાડી હતી કે ના લાવતા.  આમ ગેનીબેન અભદ્ર શબ્દો બોલીને વડાપ્રધાનની ગરીમા જાળવી ન હતી. અગાઉ પણ ગેનીબેન પોતાના વિવાદિત વિધાનોના કારણે અનેક વખત ચર્ચામાં રહેલા છે.

એવી જ રીતે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ડીસા ખાતે સભાને સંબોધતા કહ્યું કે, એના ભક્તો રોજ કહે છે, અમારા સાહેબની છાતી 56 ઇંચની, અમારા સાહેબની છાતી 100 ઇંચની. કોઇ મજબૂત માણસ હોય અમારા બળદેવજી જેવા તો એની છાતી કેટલા ઇંચની હોય 36 ઇંચની, ઠઠના પહેલવાન હોય એની છાતી 42 ઇંચની હોય અને 56 ઇંચની છાતી કોની હોય? ગધેડાની અને 100 ઇંચની છાતી પાડાની હોય.

April 10, 2019
congressMLa.jpg
1min5430
પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખરીફ પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22 થી 49.40 ટકા સુધીનું પ્રીમીયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજુ મળ્યા નથી, તેથી કોંગ્રેસના 3 ધારાસભ્યેએ આ મામલે સરકાર સામે મોરચો માંડયો છે.’ પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માગણી સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણા કૃષિભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેઠા છે.
કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યો આખી રાત ધરણા પર બેઠા’ હતા અને હજી પણ આ ઘરણા ચાલુ જ હોવાનું જાણવા મળે છે. કૃષિ નિયામક પાક વીમાની રકમની ચૂકવણીનો હિસાબ આપે પછી જ ધરણા પરથી ઉઠશે તેવું કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યુ હતું.
ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાક વીમાની ચૂકવણી બેન્કો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં સરકારે તાલુકાઓ ગત ચોમાસાની સીઝનમાં અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. તેવા તાલુકાઓમાં ઝીરો ટકા પાક વીમો આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોને અલગ અલગ ટકા પાક વીમો ચૂકવવાતા ખેડૂત સંગઠનો રોષે ભરાયા છે ત્યારે ખેડૂતોને ન્યાય અપાવવાની માગણી સાથે આ ત્રણેય ધારાસભ્યોએ રાતભર મોરચો માંડયો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કૃષિભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઇને રાજ્યપાલ અને લોકઅદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે. ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાવવાની ચીમકી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.