CIA ALERT

ગુજરાત Archives - Page 116 of 158 - CIA Live

July 8, 2019
valsad-rain-2.jpg
1min10020

જિલ્લામાં તા.૦૭/૦૭/૨૦૧૯ના રોજ સવારે ૬-૦૦ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૨૦૯ મિ.મી., પારડીમાં ૧૪૩, વાપીમાં ૧૯૭, ઉમરગામમાં ૯૮, ધરમપુરમાં ૧૯૫ અને કપરાડામાં ૨૧૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો જે સરેરાશ ૭ ઇંચ જેટલો હતો.

તા.૭મી જુલાઈના રોજ સવારે ૬થી સાંજના ૬ વાગ્યા દરમિયાન વલસાડ તાલુકામાં પપ મિ.મી. (૨.૧૭ ઇંચ), પારડીમાં ૭૬ (૩ ઇંચ), વાપીમાં ૧૩૧ (પ.૧૬ ઇંચ), ઉમરગામમાં ૨૩૪ (૯.૨૧ ઇંચ), ધરમપુરમાં ૫૯ (ર.૩૨ ઇંચ) અને કપરાડામાં ૧૧૦ મિ.મી. (૪.૩૩ ઇંચ) વરસાદ નોંધાતા દિવસ દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪.૩૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં થયેલા મોસમના કુલ વરસાદની વિગત જોઈએ તો વલસાડ તાલુકામાં ૮૬૯ મિ.મી. (૩૪.૨૧ ઇંચ), પારડીમાં ૮૦૨ (૩૧.૫૭ ઇંચ), વાપીમાં ૧૧૬૬ (૪૫.૯૧ ઇંચ), ઉમરગામમાં ૧૦૧૨ (૩૯.૮૪ ઇંચ), ધરમપુરમાં ૭૯૦ (૩૧.૧૦ ઇંચ) અને કપરાડામાં ૯૮૩ મિ.મી. (૩૮.૭૦ ઇંચ) વરસાદ નોંધાતા મોસમનો કુલ ૯૩૭ મિ.મી. એટલે કે ૩૬.૮૯ ઇંચ વરસી ચૂકયો છે.

July 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6650

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતના સૌથી નબળા શિક્ષણ મંત્રી નિવડેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના રાજમાં શિક્ષણ ક્ષેત્રના બદમાશ અધિકારીઓ બિન્ધાસ્ત પણે કેવી રમતો રમી જાણે છે તેનો તાજો દાખલો અહીં રજૂ કરી રહ્યો છું.

ગુજરાતમાં જ નહીં દેશમાં મેડીકલ અને ડેન્ટલ એડમિશન પ્રક્રિયા પારદર્શી બનાવવા માટે સુપ્રીમ કોર્ટ થી લઇને કાઉન્સિલો પણ કાર્યરત છે આવી સ્થિતિમાં ગુજરાતના શિક્ષણમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. હાલમાં મેડીકલ અને ડેન્ટલ કોર્સના પહેલા વર્ષમાં પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત સરકારે રચેલી પ્રવેશ કમિટીએ ચૂપચાપ પ્રવેશાર્થીઓ પાસે ચોઇશ ફિલિંગ શરૂ કરાવી દીધું છે.

મેડીકલ-પેરામેડિકલ પ્રવેશ સમિતિના અધિકારીઓઓ એ માહિતી દબાવી રાખી છે કે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીમાં કયા અનામત વર્ગના પ્રવેશાર્થીઓ માટે કેટલી સીટ્સ ઉપલબ્ધ છે?, આ માહિતી આપ્યા વગર પ્રવેશ સમિતિ કહે છે કે કાળજીપૂર્વક ચોઇશ ફિલિંગ કરવું, આવું ધુપ્પલ ફક્ત ગુજરાતમાં જ શક્ય બની શકે

આ લખાઇ રહ્યું છે ત્યારે તા.7મી જુલાઇ સવારે 10 વાગ્યે લેવાયેલા એડમિશન કમિટીની વેબસાઇટની સ્ક્રીન શોટ પરની સૂચના ઘણું બધું કહી જાય છે. એડમિશન કમિટીએ વેબસાઇટ પર જણાવ્યું છે કે હાલમાં ચોઇશ ફિલિંગ ચાલુ છે અને પ્રવેશાર્થીઓએ તા.8મી જુલાઇ 2019 સુધીમાં ચોઇશ ફિલિંગ પૂરું કરવું.

હવે સવાલ એ થાય છે કે મેડીકલ એડમિશન કમિટી કોઇપણ પ્રકારના સીટ મેટ્રીક્સ જાહેર કર્યા વગર પ્રવેશાર્થીઓ પાસે ચોઇશ ફિલિંગ કરાવી જ કેવી રીતે શકે.

સીટ મેટ્રીક્સ એટલે જુદા જુદા અનામત વર્ગના વિદ્યાર્થીઓ, ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને કેટલી સીટસ મળે છે. આ વખતે ઇડબલ્યુએસ કેટેગરી નવી ઉમેરવામાં આવી છે. કેટલી મેડીકલ કોલેજોમાં ઇડબલ્યુએસ છે અને કેટલી મેડીકલ કોલેજોમાં નથી એ અંગે કોઇ જ માહિતી પ્રવેશાર્થીઓ પાસે નથી. એક તરફ પ્રવેશ કમિટી એવું કહે છે કે વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક ચોઇશ ફિલિંગ કરવું અને બીજી તરફ, જેના થકી ચોઇશ ફિલિંગ ચોકસાઇથી કરી શકાય એ સીટ મેટ્રીક્સની જ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

મેડીકલ એડમિશન કમિટીની વેબસાઇટ પર તા.7મી જુલાઇએ સવારે 10 વાગ્યે લેવામાં આવેલા સ્ક્રીન શોટની આ ઇમેજ ઘણું બધું કહી જાય છે. સીટ મેટ્રીક્સ જાહેર કર્યું નથી અને ચોઇશ ફિલિંગ પ્રક્રિયા આ સમયે જારી છે

સૌથી નબળા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહના રાજમાં આ પ્રકારે વાલીઓ વિદ્યાર્થીઓને અંધારામાં રાખીને કહેવાતી પારદર્શક પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રવેશ કમિટી અને સરકાર સાથે સંકળાયેલા કેટલાક ભેજાબાજ અધિકારીઓએ તરકટ રચીને મેડીકલ ડેન્ટલમાં સીટ મેટ્રીક્સ જાહેર થવા દીધું નથી. આવું કરવા પાછળ તેમનો આશય શું હોઇ શકે એ તપાસનો વિષય બન્યો છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ ઝાઝી ગતાગમ નથી હોતી પરીણામે જ્યાં  બાંયો ચઢાવવાની છે, તેઓ શાંતિથી બેસી રહે છે અને બિનજરૂરી મુદ્દાઓ પર આંદોલનો છેડી રહ્યા છે.

July 7, 2019
amit-jethwa-1280x732.jpg
1min6450
સમાવેશ: 11મીએ સજાનું એલાન : નવ વર્ષે આવ્યો ચુકાદો: સજાના એલાન પૂર્વે ગિરસોમનાથ જિલ્લામાં ગોઠવાયો બંદોબસ્ત
વર્ષ 2010માં અમદાવાદમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસમાં સીબીઆઇ કોર્ટે ચુકાદો આપતા ભાજપના પૂર્વ સાસંદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જેમાં દીનુ બોઘા સોલંકી ઉપરાંત શૈલેષ પંડયા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ,દીનુ બોઘાના ભત્રીજા શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણને દોષિત જાહેર કર્યા છે.
આરોપીઓને 11મી જુલાઇએ સજા સંભળાવવામાં આવશે.
દીનુ બોઘા દોષિત જાહેર થતાં ગિરસોમનાથ જિલ્લાના કોડીનાર, સૂત્રાપાડા, ઉના સહિતના વિસ્તારમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
અમિત જેઠવા હત્યા કેસની સુનાવણીમાં પહેલા 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતા. સીબીઆઇએ કેસની તપાસ હાથ ધરી પૂર્વ સાસંદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપી સામે ચાર્જશીટ કરી હતી.
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ ઘણી આરટીઆઇ કરી હતી. તેમણે જૂનાગઢ અને ગિરની આસપાસ ગેરકાયદે ઉત્ખનન મામલે પીઆઇએલ પણ કરી હતી.’ આ મામલે 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે પોઇન્ટ બ્લેક રેન્જથી ગોળી મારી હત્યા કરાઇ હતી. આ હત્યા પાછળ પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિત જેઠવાના પિતા ભીખાભાઇએ કર્યો હતો.
હત્યા બાદ ગુજરાત પોલીસે તપાસમાં કહ્યું હતું કે, દીનુ સોલંકીની હત્યામાં કોઇ ભૂમિકા નથી. પરંતુ આઇટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાના પિતાની પિટિશન પર હાઇકોર્ટે આ કેસ સીબીઆઇને તપાસ માટે આપ્યો હતો. આ સિવાય સોલંકીના જામીન પર પણ અમિત જેઠવાના પરિવારજનોએ પિટિશન દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2014માં સોલંકીને જામીન આપી દીધા હતા.
આ મામલામાં સીબીઆઇએ તપાસ હાથ ધરીને 6 સપ્ટેમ્બર, 2010ના રોજ હત્યા માટે સોપારી આપવા બદલ શિવા સોલંકીની ધરપકડ કરી હતી.
ભાજપના પૂર્વ સાસંદ દીનુ બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ થઇ હતી. આમ દીનુ સોલંકી સહિત સાત આરોપીઓની આ હત્યા કેસમાં ધરપકડ થઇ છે.
સીબીઆઇના વકીલે કોર્ટમાં આરોપીઓને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી જ્યારે બચાવ પક્ષના વકીલે પૂર્વ સાસંદ દીનુ બોઘાની વધુ ઉંમર થઇ ગઇ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સીબીઆઇ કોર્ટના જજ કે.એમ.દવેએ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. જેમની સજાની જાહેરાત 11મી જુલાઇના રોજ થશે.

July 6, 2019
sarita_gayakwad.jpg
1min5890

દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લામાંથી વૈશ્વિક સ્તરની એથ્લિટ બનેલી યુવતિ, સરિતા ગાયકવાડે યુરોપ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સરિતાએ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે આ દોડ માત્ર 54.21 સેકન્ડમાં જ પૂર્ણ કરી હતી.

સરીતા ગાયકવાડ ડાંગના નાના અમથા કરાંડીઆંબા ગામમાં જન્મીને ત્યાં જ ઉછરી છે. એથ્લેટિક્સ ખાસ કરીને દોડવામાં તેની પારંગતતાને પગલે સમગ્ર ગુજરાતમાં લોકોએ તેને ડાંગ એક્સપ્રેસનું બિરુદ આપ્યું છે.

સરીતા ગાયકવાડ એ 2018માં એશિયન ગેમ્સમાં 4X400ની રીલે ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડાંગના એવા ગામ જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી ત્યાંથી સરિતા ગાયકવાડ એ પોતાની સફરની શરૂઆત કરી હતી.

સરિતના ગામમાં વાહન વ્યવહાર પણ નથી. ગામથી ચાર થી પાંચ કિમી દૂર ચાલીએ ત્યારે બસ મળે છે. મોબાઈલ ફોનના ટાવર મેળવવા માટે નજીકના પહાડ પર જવું પડે છે. ત્યારે તમે વિચારી શકો છો કે તેના માટે આ સફર કેટલી કઠિન રહી હશે. પરંતુ આ તમામ અડચણોને પાર કરીને સરિતા દેશને ગૌરવ અપાવી રહી છે. સરિતાના માતા પિતાએ તેની સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે. તેમના પિતા ખેત મજૂર તરીકે કામ કરે છે. અને તેઓ દીકરીની સફળતાથી ખૂબ જ ખુશ છે.

સરિતના કોચએ કહ્યું હતું કે, સરિતાએ શૂઝ વગર દોડ લગાવી છે. અને જીતી પણ છે. તેને પહેલા શૂઝ સાથે દોડવું ફાવતું જ નહોતું. પરંતુ બાદમાં તેણે શૂઝ સાથે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી અને તેને સફળતા મળતી ગઈ. નડિયાદમાં તાલિમ લીધા બાદ તેને પટિયાલામાં નેશનલ કેમ્પમાં જવા મળ્યું અને બાદમાં તેણે જે સિદ્ધીઓ મેળવી તે ખરેખર બિરદાવવા લાયક છે. અત્યાર સુધી તેણે અનેક મેડલ્સ જીત્યા છે. અને હવે તેના ખાતામાં વધુ એક મેડલ મેળવ્યો છે. અને તેની આ દોડ યથાવત રહેશે.

July 5, 2019
Haren-Pandya.jpg
1min5440

અગાઉ ગુજરાત હાઇકોર્ટે ગુજરાતના માજી ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં જેમને નિર્દોષ જાહેર કર્યા હતા એ તમામ આરોપીઓને આજે દેશની સર્વોચ્ચ અદાલતે દોષિત જાહેર કર્યા છે.

હરેન પંડયાની હત્યા કેસમાં 12 વ્યક્તિઓને નિર્દોષ છોડી દેવાના ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા સામે સીબીઆઈ અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આ કેસમાં આજે તા.5મી જુલાઇ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતાં હરેન પંડ્યા હત્યા કેસના 12 આરોપીઓને દોષિત જાહેર કર્યાં છે.
જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી પીઠે ગુજરાત ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતા ગુજરાત હાઈકોર્ટના 2011ના આદેશને પલટાવી નાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે NGO CPILની ફરીથી તપાસની માગણી કરતી અરજીને ફગાવી દેતા NGO પર રુ.50000નું દંડ પણ ફટકાર્યો છે.
July 5, 2019
rajyasabha.jpg
1min6130

રાજ્યસભા ગુજરાતની બે બેઠકો માટે આજે શુક્રવારે સવારે 10ના ટકોરે  પેટા ચૂંટણી અંતર્ગત મતદાન શરૂ થયું હતું. મતદાન સાંજે 4 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે અલગ અલગ મતદાનથી પેટા ચૂંટણીના અગાઉના નિર્ણય મુજબ કાર્યક્રમ જાહેર કર્યો હોવાથી ભાજપના જ બન્ને ઉમેદવારો વિજયી બનશે એ નિશ્ચિત છે.

ભાજપે કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર તેમજ એક બેઠક પર મહેસાણાના ઓબીસી આગેવાન જુગલ ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.

પાંચ વાગ્યા બાદ મતગણતરી થશે અને તુરત જ પરિણામ જાહેર કરી દેવાશે.

ગુજરાતની આ બન્ને બેઠકો પર અગાઉ હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની રાજ્યસભાના સભ્ય બન્યા હતા, બન્નેના લોકસભામાં વિજય પછી ગુજરાતની રાજ્યસભાની આ બેઠકો ખાલી પડી હતી.

July 5, 2019
narmada.jpg
1min11260

ગુજરાત સરકાર દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસથી ગુજરાતમાં સિંચાઇની જરૂરિયાતવાળા વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી પહોંચાડવાની કરાયેલી જાહેરાતના પગલે આજે તા.4 થી જુલાઇ, 2019ને ગુરુવારના રોજ સવારે 8 કલાકે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ભુમલીયા નજીક ડેમની મુખ્ય નહેરમાંથી 5307 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડીયા સબ-ડિવિઝનનાં મદદનીશ ઇજનેર શ્રી વિકાસભાઇ ખોડાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પૂરું પડાશે. બુધવાર સુધી સુધી માત્ર પીવાના પાણી માટે 2800 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતો હતો. નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા. 4થી જુલાઇના રોજ સવારે 8 કલાકે નર્મદા ડેમમાં 16 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમમાં પાણીની ઉક્ત આવકને લીધે બુધવાર કરતાં આજે ડેમની સપાટીમાં 17 સે.મી. વધારો નોંધાયો છે.

July 5, 2019
GPSC.jpg
1min12280

સર્વોચ્ચ અદાલતે ગુરુવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયામાં ઉંમર (વયમર્યાદા)ને લગતી બાંધછોડનો લાભ મેળવનારો અનામત વર્ગનો ઉમેદવાર બાદમાં સામાન્ય વર્ગની જગ્યા (હોદ્દા)માં પોતાના સમાવેશની માગણી કરી ન શકે.

ન્યાયાધીશ એસ. અબ્દુલ નાઝીર અને ન્યાયાધીશ ઇંદિરા બેનરજીની બનેલી બૅન્ચે આ સંબંધમાં ગુજરાત વડી અદાલતે આપેલા ચુકાદાને બહાલી આપી હતી.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયાને યોગ્ય ઠેરવતા ગુજરાતની વડી અદાલતના હુકમને નીરવકુમાર દિલીપભાઇ મકવાણા નામના એક ઉમેદવારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.

સર્વોચ્ચ અદાલતની બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે લેખિત પરીક્ષા અને હોદ્દા માટેની પસંદગીના અન્ય કિસ્સામાં વયમર્યાદા, અનુભવ, (શૈક્ષણિક) લાયકાત જેવી બાબતમાં રાહત કે છૂટછાટનો લાભ મેળવનારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમ જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના સભ્ય તરીકે અરજી કરનારા ઉમેદવારો બાદમાં સામાન્ય વર્ગ માટેના હોદ્દા માટે દાવો કરી ન શકે.

બૅન્ચે ગુજરાત સરકારના 2000ની 21મી જાન્યુઆરી અને 2004ની 23મી જુલાઇના ગુજરાત સરકારના પરિપત્રોનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં જણાવાયું હતું કે અમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત જાતિને અનામતનો લાભ આપવા યોગ્ય નીતિ ઘડી છે.

July 3, 2019
guj_budget.jpg
1min4950
નાણામંત્રી નીતિનભાઇ પટેલે અંદાજપત્રમાં નવી ‘સમાધાન યોજના’ની જાહેરાત કરી છે. જીએસટી માળખાના અમલીકરણ પૂર્વે રાજ્યમાં ચાલી રહેલા વિવિધ ટેક્સના વિવાદો મોટી સંખ્યામાં પડેલા છે. તેનો નિકાલ આવે, સરકારના નાણાં છૂટા થાય અને વેપારીઓનો બોજ ઘટે તે માટે આ યોજના 15 ઓગસ્ટથી છ માસ માટે અમલમાં મૂકવામાં આવનાર છે.
નાણામંત્રીએ કહ્યું હતુ કે દેશમાં જીએસટી આવ્યા પહેલા સેલ્સ ટેક્સ, વેટ, મોટર સ્પીરીટ ટેક્સ, સીએસટી, એન્ટ્રી ટેક્સ, સુગર કેન પર્ચેઝ ટેક્સ વગેરે જેવા વેરા અમલમાં હતા. તમામ વેપારી વર્ગના આ ટેક્સને લગતા 20 હજારથી વધારે વિવાદિત કેસ પડતર છે. આ કેસનો નિકાલ કરવા માટે’ ગુજરાત ચેમ્બર સહિતના અસંખ્ય વેપારી સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી હતી.
આમ આવા પડતર કેસના નિકાલ માટે સરકાર સક્રિય થઇ છે. તેના અસરકારક નિકાલ માટે આગામી 15 ઓગસ્ટના દિવસથી છ માસ માટે આ સમાધાન યોજના અમલમાં આવનાર છે. આ યોજના દરમિયાન બાકી રહેલો વેરો ભરપાઇ કરવામાં આવશે તો સરકાર વ્યાજ અને દંડની રકમમાં રાહત આપવાની છે. જે કરદાતાના મૂળ માંગણાની રકમ રૂ. 100 કરોડ કરતા ઓછી હોય તો તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેવાનો છે. વેપાર-ઉદ્યોગ આલમે આ જાહેરાતને આવકારી છે.’
July 3, 2019
2018_5large_gujarat_map.jpg
1min6420

શિક્ષણના વિકાસ પાછળ ૩૦,૦૪૫ કરોડપાણી પુરવઠો પાછળ રૂ. ૪૩૦૦ કરોડ વપરાશે

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે નાણાં પ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકારનું ૨,૦૪,૮૧૫ કરોડનું ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. રાજ્ય સરકારે ખેડૂતો માટે લોન, સિંચાઈથી લઈને ખેતર માટે નવા વીજ જોડાણને લઈ નવી જોગવાઈઓ કરી છે.

આ ઉપરાંત યુવાઓને રોજગારીની નવી તકો ઊભા કરવાની માટેની જોગવાઈ બજેટમાં રાખી છે. રાજ્યની માળખાકિય અને સુખાકારીની સગવડો વધે તે માટે પણ સરકારે પોતાના બજેટમાં નવી યોજનાઓનો સમાવેશ કર્યો છે. જોકે સમાધાન યોજના હેઠળ બાકી વેરા અને દંડમાં રાહત આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે જ્યારે નવા વર્ષથી હવે સોગંદનામા માટે ખેડૂતો અને લોકો દ્વારા કરવામાં આવતા નોટરાઇઝ સ્ટેમ્પ માટેની ડ્યુટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

રૂ. ૩૦થી રૂ. ૨૦૦ સુધીનો વધારો થશે. આમ સરકારે એકદંરે રૂ. ૨૮૭ કરોડ જેટલો સીધો જ કરવેરા વધારો લોકો ઉપર ઝીંક્યો છે. નાણાં પ્રધાને ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બેજટમાં બેઝિક જરૂરિયાતો માટે ૬૫ ટકા જેટલી ફાળવણી કરવામાં આવી છે. કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ માટે કુલ બજેટના ૨૦.૬૩ ટકા, જ્યારે પાણી, પુરવઠો, સ્વચ્છતા, આવાસન અને શહેરી વિકાસ માટે ૧૫.૭૬ ટકા તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૮.૪૩ ટકા તથા શિક્ષણ, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ માટે ૨૦.૭૯ ટકા મળીને લગભગ ૬૫ ટકા જેટલી ફાળવણી કરી છે.

આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૧૦,૮૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના ૪.૯૦ લાખ નાગરિકોને ૮૧૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે ૪૫૦ કરોડની જોગવાઈ કરી છે.