
લોકસભાએ મંગળવારે ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮ને પસાર કર્યો હતો. આ ખરડો રાજ્યસભામાં પસાર થયા તે પછી ગ્રાહક સુરક્ષા ધારા, ૧૯૮૬નું સ્થાન લેશે.
ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકો ખામીવાળા માલસામાન કે સેવાની વધુ સારી રીતે ફરિયાદ કરી શકે એવી જોગવાઇ છે.
કેન્દ્રના અન્ન અને ગ્રાહકોની બાબતોને લગતા ખાતાના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે ખરડાનો હેતુ ગ્રાહકોની ફરિયાદ જલદી ઉકેલવાનો છે.
લોકસભામાં વિપક્ષે રજૂ કરેલા બધા સુધારા નકારી કઢાયા તે પછી આ ખરડો પસાર કરાયો હતો.
રાજ્યભામાં ગયા વર્ષના ડિસેમ્બરમાં આ ખરડો પસાર થઇ નહોતો શક્યો અને તેથી તેની મુદત પૂરી થઇ ગઇ હતી. હવે આ નવો ખરડો ફરી રાજ્યસભામાં મોકલાશે.
ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ રચવાની પણ જોગવાઇ છે.
નવા ખરડામાં ખામીવાળા માલસામાનને પાછો લેવાની અને તેનું પૂરું રિફંડ આપવાની પણ જોગવાઇ છે.
પાસવાને જણાવ્યું હતું કે ગેરમાર્ગે દોરતી જાહેરખબરો આપનારાઓ સામે પગલાં લેવાની આ ખરડામાં જોગવાઇ છે.ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સાંસદ રાજીવપ્રતાપ રુડીએ વીજળી પુરવઠો ખંડિત થાય અને કૉલ ડ્રૉપ કરાય તો એવા સંજોગમાં પણ ગ્રાહકોને લાભ આપતી જોગવાઇનો આ ખરડામાં સમાવેશ કરવાની માગણી કરી હતી.
કૉંગ્રેસ, દ્રમુક, બસપ સહિતના વિપક્ષોએ આ ખરડાનો વિરોધ કર્યો હતો.























