બિઝનેસ Archives - Page 80 of 92 - CIA Live

November 3, 2018
tax_consult.jpg
1min497

જીએસટીના અમલને 16 મહિના થવા આવ્યા છતાં જીએસટીના માળખામાં, ફ્રેમવર્કમાં પડી રહેલી તકલીફોનું નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું. પોતાના ક્લાયન્ટસને સામે ચાલીને જીએસટી રિટર્ન માટે સમજાવી તૈયાર કરતા ટેક્સ કન્સલ્ટન્ટસ પણ હવે તો તોબા પોકારી ઉઠ્યા છે. એક તો કાયદાની જટીલતા અને તેનાથી પણ વધારે તેના અમલીકરણની જટીલતા સામે તેઓ રોજ ઝઝુમી રહ્યાં છે. સર્વરને અપગ્રેડ નહિં કરાતા રોજબરોજ નવા પ્રશ્નો ઊભા થાય છે. તાજેતરમાં ધી સાઉથ ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશન દ્વારા જીએસટી કાઉન્સિલને રજૂઆત કરી આ પ્રશ્નોનું હવે તો નિરાકરણ લાવવા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

જીએસટી જ્યારે લાગુ પડ્યું ન હતું અને લાગુ પડ્યા પછી જ્યારે સુરતમાં વ્યાપારીઓ ખાસ કરીને ટેક્સટાઇલ વ્યાપારીઓ જીએસટીને ઇગ્નોર કરી રહ્યા હતા ત્યારે શહેરના ટેક્સ કન્સલ્ટન્ટસ એ જ ક્લાયન્ટસને જીએસટીની તરફેણમાં સમજાવ્યા હતા. આજે પરિસ્થિતિ એ થઇ કે એક તરફ જીએસટી નેટવર્ક યોગ્ય રીતે કામગીરી કરી શકતું નથી, ટેક્નોલોજી, પ્રોગ્રામિંગમાં અનેક છીંડા છે ત્યારે સૌથી વધારે મરો ટેક્સ કન્સલ્ટન્ટસનો થઇ રહ્યો છે. એક તરફ ન તો સરકાર સિસ્ટમ સુધારી રહી છે કે ન તો તેમાં અનુભવાય રહેલી તકલીફોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ક્લાયન્ટસ ટેક્સ કન્સલ્ટન્ટસને સામે પૂછી રહ્યા છે કે તમે તો કહેતા હતા ને જીએસટી સિસ્ટમ સુધરી જશે.

જીએસટીના કાયદાના અમલના 16 મહિના પછી પણ વેપારીઓઁએ અમુક વ્યવહાર માટે વકીલની સલાહ લેવી પડે છે. ટૂંકી સમયમર્યાદાઓ, ઉપરાઉપરી એક પછી એક પત્રકોની હારમાળા, સતત થઈ રહેલા બદલાવ અને આકરા દંડના કારણે વેપારધંધો સરળ બનાવવાના ઇરાદે બનાવાયેલો કાયદો અનેક વેપારીઓ માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. આ મુજબની રજૂઆત કરતાં આવદેનપત્રમાં ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ પ્રશાંત શાહ, શશાંક મીઠાઇવાલા, કુમાર દવે, વેપારી પ્રમોદ ભગત, મીતેષભાઈ વગેરેના પ્રતિનિધિ મંડળે વધુમાં જણાવ્યું છે કે, ભારતમાં કર-કાયદાઓનું 90 ટકા અનુપાલન કર વ્યવસાયિકો દ્ધારા જ થાય છે અને તેથી વેપારીઓ વતી સિસ્ટમ સામે તેઓ રીતસર ઝઝુમી રહ્યાં છે. સિસ્ટમની નાકામયાબીના હિસાબે વેપારીઓ દ્વારા અનેકવખત વારે-તહેવારો રજૂઆતો થઈ છે  જેનો 16-16 મહિના પછી પણ કોઈ ઉકેલ આવ્યો નથી.

આથી તેમની આ રજૂઆતોને જીએસટી કાઉન્સિલના ચેરમેન સુધી પહોંચાડવામાં આવે તેવી લાગણી સાથે કલેકટરને આજરોજ આવેદનપત્ર અપાયું છે. જેમાં ઝીણવટપૂર્ણ મુશ્કેલીઓને દર્શાવવામાં આવી છે જેથી કરીને તેની પર યોગ્ય કામ થાય.

જાણો તેમની મુશ્કેલીઓ….

  1.     —-જીએસટી નેટવર્ક પર એક સાથે અંદાજે 1,50,000 રિટર્ન ફાઈલ થઈ શકે છે અને દેશમાં જીએસટી નોંધણી ધરાવતા વેપારીઓની સંખ્યા 1.14 કરોડ છે એટલે સર્વરને અપગ્રેડ કરવું પડે. તેની કેપેસિટી વધારવી જોઈએ.
  2.   —- અનેક કિસ્સાઓ એવા છે જેમાં વેપારીઓને દિવસો સુધી પ્રયત્ન કર્યા પછી પણ જીએસટી કંપલાયન્સ કરી શક્યા નથી અને જેના કારણે તેઓને નાણાંકિય નુકશાન ભોગવવું પડે છે.
  3.   —- રિફંડની પ્રક્રિયા ખુબ જ જટિલ છે અનેક કિસ્સાઓમાં વેપારીઓને રિફંડ 90 દિવસે પણ મળતું નથી.
  4.    —–જીએસટી નેટવર્ક પર કોઈ તકલીફ હોય તો વેપારીઓ કે કર વ્યવસાયિકો જીએસટી હેલ્પ સેન્ટરમાં ફોન કરી કરીને થાકી જાય છે પરંતુ કોઈ જ હેલ્પ મળતી નથી અને હાસ્યાસ્પદ જવાબો મળે છે.
  5.    —–પોર્ટલની ખામીને કારણે છેલ્લા દિવસે રિટર્ન ન ભરી શકનારા વેપારીને પેનલ્ટીમાંથી મુકિત મળવી જોઈએ.
November 1, 2018
epharmacy.jpg
1min14030

મદ્રાસ હાઈ કોર્ટે તા.31મી ઓક્ટોબર 2018ના રોજ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશનની અરજીની સુનાવણી દરમ્યાન ૯ નવેમ્બર 2018 સુધી દવાઓનું ઑનલાઇન વેચાણ રોકવાના વચગાળાના આદેશને મંજૂરી આપી હતી.

અરજીમાં દવાઓના ઑનલાઇન વેચાણ માટેની લિન્ક્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ સંબંધિત અધિકારીઓને આપવાની માગણી કરવામાં આવી હતી. અદાલતે એ બાબતમાં કેન્દ્ર સરકારને જવાબ ફાઇલ કરવાનો આદેશ આપતાં અરજીની સુનાવણી ૯ નવેમ્બર પર મોકૂફ રાખી હતી.

કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશને અરજીમાં જણાવ્યું હતું કે ‘દવાઓનું ઑનલાઇન વેચાણ ગ્રાહકો માટે સગવડભર્યું હોઈ શકે છે, પરંતુ લાઇસન્સ વગર દવાઓની ઑનલાઇન ખરીદી જોખમી બની શકે છે; કારણ કે એ માધ્યમથી બનાવટી, એક્સપાયરી-ડેટ પસાર થઈ ગઈ હોય એવી, દૂષિત અને અસ્વીકૃત દવાઓ વેચાઈ શકે છે.’

October 31, 2018
electronic-store.png
1min7330

એમેઝોન અને ફ્લિપકાર્ટના ભારે ડિસ્કાઉન્ટ અને કેશ બેકના કારણે કન્ઝ્યુ ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન સ્ટોર્સને આ વખતે પાંચ વર્ષની સૌથી ખરાબ દિવાળીની આશંકા છે. સાત રિટેલ ચેઇન્સના જણાવ્યા અનુસાર નવરાત્રિથી શરૂ થયેલા લગભગ ત્રણ સપ્તાહના ગાળામાં દિવાળીનું વેચાણ 50 ટકા સુધી ગબડ્યું છે.

સાઉથ ગુજરાતના અગ્રણી સેલફોન રિટેલર રાહુલ ઓમએ જણાવ્યું કે અગાઉ ક્યારેય આટલી ખરાબ અસર દિવાળીના સમયે અનુભવાઇ નથી. ગ્રાહકો વધુ ઓનલાઇન ડિસ્કાઉન્ટની રાહ જોઈ રહ્યા હોવાથી સ્ટોર્સમાં હજુ પણ ખાસ અવરજવર શરૂ થઈ નથી. ઘણા ગ્રાહકોએ કદાચ તહેવારોની ખરીદી પૂરી પણ કરી લીધી છે.

ઓનલાઇન માર્કેટમાં ઘણી સ્માર્ટફોન બ્રાન્ડ્સે 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું છે અને મોટા ભાગના કિસ્સામાં ભાવ ડિસ્ટ્રિબ્યુટર પ્રાઇસ કરતાં પણ નીચા રહ્યા છે. ગયા વર્ષની ફેસ્ટિવલ સીઝન કરતાં વેચાણ 20-55 ટકાની રેન્જમાં ઘટ્યું હોવાની વાતને સમર્થન આપ્યું છે.

દેશભરના મોટા ભાગના સેલફોન સ્ટોર્સમાં વેચાણ 50-55 ટકા ઘટ્યું છે. ઓનલાઇન માર્કેટપ્લેસ દ્વારા પ્રેસ નોટ-૩નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અથવા તેમણે નિયમોની છટકબારીનો લાભ લીધો છે. ઉલ્લેખનીય છે કે, પ્રેસ નોટ-૩ અનુસાર ઇ-કોમર્સ માર્કેટપ્લેસ પર પ્રોડક્ટ પ્રાઇસિંગને પ્રભાવિત કરવા અને ભારે ડિસ્કાઉન્ટ આપવાના મુદ્દે પ્રતિબંધ મુકાયો છે. જેથી ઓફલાઇન રિટેલર્સને સ્પર્ધાત્મક માહોલ મળી શકે.

નવરાત્રિના ગાળામાં ‘ફેસ્ટિવલ સેલ’ની શરૂઆત પછી એમેઝોન અને ફ્લિપકાર્ટે ગયા સપ્તાહે બીજું સેલ લોન્ચ કર્યું હતું. બંને કંપની ચાલુ સપ્તાહે વધુ એક સેલની યોજના ધરાવે છે. કેટલીક બ્રાન્ડ્સે ઓફલાઇન સ્ટોર્સમાં ઓનલાઇન માર્કેટપ્લેસ સાથે જ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું, પણ તેમણે ડિસ્કાઉન્ટનો પૂરતો પ્રચાર કર્યો ન હતો. ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા ઓનલાઇન એક્સ્ક્લુઝિવ મોડલ્સ પર ડિસ્કાઉન્ટ અને મેગા એડ્વર્ટાઇઝિંગને કારણે ગ્રાહકોમાં ઓનલાઇન વિકલ્પ સૌથી સસ્તું હોવાનું વલણ ઊભું કર્યું હતું.

October 29, 2018
diamond1.jpg
1min7010

ભારતમાં રિ-કટિંગ તથા રિ-ડિઝાઇનિંગ માટે આવતા કટ અને પોલિશ હીરા પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારવામાં આવી હોવાથી સુરત-મુંબઇ સમેત હીરાના વેપાર સાથે સંકળાયેલા શહેરોની ઇકોનોમી પર ઘેરી અસર થઇ છે. હીરાના જોબવર્કનું કામ જે પહેલા ભારતને સૌથી વધુ મળતું હતું એ હવે ઇમ્પોર્ટ ડ્યુટી વધારાને કારણે ચીન અને થાઇલેન્ડ ભણી જઇ રહ્યું છે. વિદેશોમાંથી જોબવર્ક માટે ભારત આવતા હીરા પર ડ્યૂટી વધારાને કારણે ભારતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી છીનવાય જાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે.

  • 26 સપ્ટેમ્બરે કટ અને પોલિશ હીરાની આયાત પરની ડ્યૂટી પાંચ ટકાથી વધારીને 7.5 ટકા કરી
  • ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં કટ અને પોલિશ માટેના હીરાની આયાતમાં 31.83 ટકાનો ઘટાડો
  • હીરા કટ એન્ડ પોલીશનું કામ હવે થાઇલેન્ડ અને ચીન ભણી ઘસડાય રહ્યું છે

સરકારે આ વર્ષે 26 સપ્ટેમ્બરે કટ અને પોલિશ હીરાની આયાત પરની ડ્યૂટી પાંચ ટકાથી વધારીને 7.5 ટકા કરી દીધી છે. ચાલુ ખાતાની ખાધને ઘટાડવા માટે બિનઆવશ્યક આઇટમ્સ પરની આયાત ડ્યૂટીમાં વધારો કરવાના પગલાના ભાગરૂપે ડ્યૂટી વધારવામાં આવી હતી પણ તેની અવળી અસર રોજગારી પર પડશે એવી કોઇ ગણતરી સરકારની ન હતી.

જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૂત્રો કહે છે કે ડ્યૂટીમાં વધારો, બિઝનેસ કરવામાં સરળતાના અભાવે તથા પ્રવાહિતાની સમસ્યાના કારણે આગામી બે ત્રિમાસિક ગાળા દરમિયાન સુરતમાં હીરાના વેપારમાં સંકળાયેલા આશરે એક લાખ લોકોની રોજગારી સંભવિતપણે છીનવાય જાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે. ઘણા બધા હીરા રિ-કટિંગ માટે ભારતમાં આવતા હોય છે તે હવે ચીન તથા થાઇલેન્ડ જઈ રહ્યા છે. દેશમાં હીરાના વેપાર સાથે આશરે પાંચ લાખ લોકો સંકળાયેલા છે. ઉપરાંત હીરા ઉદ્યોગમાં પ્રવાહિતા સંદર્ભે પણ કોઈ રાહત નથી કેમ કે કોલેટરલ નોર્મ તથા રેટિંગના નોર્મ્સ વધારે કડક થયા છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં કટ અને પોલિશ એટલે કે જોબવર્ક માટેના હીરાની આયાતમાં 31.83 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. નાણાકીય વર્ષ 2018ના પ્રથમ છ માસિક ગાળા માટે ₹7,759.48 કરોડની કિંમતના કટ અને પોલિશ હીરાની આયાત થઈ હતી તેની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના સમાન ગાળા માટે ₹5,289.35 કરોડની કિંમતની આયાત નોંધાઈ છે.

ઉદ્યોગની કુલ નિકાસની ટકાવારી તરીકે ઉદ્યોગ પાસે કામગીરીને ચાલુ રાખવા માટે પૂરતા પ્રમાણમાં ફાઇનાન્સ નથી. અવાસ્તવિક કોલેટરલ નોર્મના કારણે તેમાં વધારે ઘટાડો થશે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાના કારણે ડોલરમાં ફાઇનાન્સમાં વધારે ઘટાડો નોંધાયો છે જેથી મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરતમાં કટિંગ અને પોલિશિંગ એકમોએ તેમની નફાકારકતાને જાળવી રાખવા માટે દિવાળીની રજાઓને એક પખવાડિયા પહેલાં જ શરૂ કરી દીધી છે.ઘરઆંગણાના બજારમાં પણ હીરાનો ઉપાડ ઘટ્યો છે. ટ્રેડર્સ કહે છે કે સેન્ટિમેન્ટ તેજીમય નથી કેમ કે ફાઇનાન્શિયલ માર્કેટ પડી ભાંગ્યું છે.

October 26, 2018
su1.jpg
1min14310

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

  • સુમુલ ડેરીએ એકલા હાથે 80 ટન ઉપરાંત ઘારી વેચી
  • ક્વોન્ટિટી ઉપરાંત સુમુલ ડેરીની ઘારી સ્વાદ રસીયા સુરતીઓએ મોંફાટ વખાણી
  • ભારતના અન્ય શહેરો અને વિદેશોમાં સપ્લાય થયેલી મોટા ભાગની ઘારી સુમુલ ડેરીની

દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરી રહેલી અને સુરતની ઓળખ બની ચૂકેલી સુમુલ ડેરીએ આ વખતે ફક્ત સુરતીઓના પોતિકા તહેવાર, ચંદી પડવાના પર્વને અનુલક્ષીને સુરતીઓમાં ખવાતી ઘારીનું બમ્પર વેચાણ કર્યું છે. સ્વાદના શોખીન સુરતીઓમાં ઘારી વેચાણમાં સુમુલ ડેરીની ઘારી સૌથી વધુ વેચાઇ એટલું જ નહીં ચંદી પડવાની પૂર્ણાહૂતિ બાદ મળેલા રિવ્યુમાં ગ્રાહકોએ સુમુલ ડેરીની ઘારીની ક્વોલિટી વખાણી પણ છે. સોશ્યલ મિડીયા પર અનેક ગ્રાહકોએ સુમુલ ડેરીની ઘારીની ક્વોલિટીને વખાણી છે.

ચંદી પડવા ના દિવસે ઘારી અને ભૂસું ખાવાનો રિવાજ આખા ભારત કે ગુજરાતમાં ફક્ત સુરતમાં છે. સુરતમાં દાયકાઓથી ચંદી પડવાએ ઘારી ખાવાનો રિવાજ છે. અત્યાર સુધી સુરતમાં ઘારીઓનું વેચાણ જુદી જુદી બ્રાન્ડથી થતું હતું. જેમકે કોટ વિસ્તારમાં આવેલી મીઠાઇની શોપ્સથી શરૂ કરીને સામાજિક સ્તરે સોસાયટીઓ, સમાજ, મંડળ, પેઢી દ્વારા ઘારી બનાવીને વેચાતી હતી. આમ, સુરતીઓની ઘારીની માગને સંતોષવા માટે અનેક ઘારી પ્રોડ્યુસર્સ અત્યાર સુધી આ સિઝનલ બિઝનેસ કરી જાણતા હતા.

પરંતુ, 2018ના ચંદી પડવાએ ઘારી વેચાણના પેરામીટર્સ બદલી નાંખ્યા છે. તા.25મી ઓક્ટોબર 2018ની રાત્રે ચંદી પડવાનો તહેવાર પૂરો થયા પછી જે માર્કેટ રિવ્યુ મળ્યા છે એમાં સુમુલ ડેરીની ઘારી વધુ તો વેચાઇ પણ સાથોસાથ સુમુલની ઘારીની ક્વોલિટી પણ સ્વાદ રસીયા સુરતીઓએ વખાણી છે. એક અંદાજ મુજબ સુમુલ ડેરીએ 80 ટનથી વધુ ઘારી ચંદી પડવાના તહેવાર પૂર્વે માર્કેટમાં વેચી કાઢી છે. સુરતના અન્ય ઘારી પ્રોડ્યુસર્સના વેચાણના આંકડાઓની સરખામણી કરાતાં એવું તારણ સપાટી પર આવ્યું કે આ વખતે સુમુલ ડેરીએ ઘારી વેચાણના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ઘારી વેચાણમાં સુમુલ ડેરીએ તેનું એક હથ્થુ શાસન જમાવી દીધું છે.

ક્વોલિટી પ્રોડેક્ટસે સુમુલની વિશ્વસનીયતાને મજબૂત બનાવી છે : માર્કેટિંગ હેડ ડો. મનીષ

સુમુલ ડેરીના માર્કેટિંગ હેડ ડો.મનીષભાઇએ સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું કે સુમુલ ડેરી ક્વોલિટી પ્રોડકશન સાથે કોઇ જ કોમ્પ્રોમાઇસ કરતી નથી. સુમુલ ડેરની ઘારીની બનાવટમાં ક્યાંય મેનમેઇડ એલિમેન્ટ હોતું નથી. સુમુલ ડેરી દ્વારા સંપૂર્ણ પણે મશીન મેડથી ઘારીને શેપ અપાય એટલું જ નહીં ઘારીમાં જેટલા પણ પ્રકારના ઇન્ગ્રિડીયન્ટસ વપરાયા એની ક્વોલિટી અવ્વલ દરજ્જાની હોય, સુરત સમેત બહારગામના ગ્રાહકો સુમુલની તમામ પ્રોડક્ટસને આંખ મીંચીને અપનાવે છે. ઘારી વેચાણમાં પણ એમ જ જોવા મળ્યું હતું. સ્વાદના શોખીન સુરતીઓ ઉપરાંત સુરતના અન્ય શહેરો તેમજ વિદેશોમાં પણ લોકોએ પોતાના સગાવહાલાઓને સુમુલ ડેરીની ઘારી મોકલવાનું જ મુનાસિબ માન્યું છે. ક્વોલિટી પ્રોડક્ટસને કારણે ગ્રાહકોમાં સુમુલ ડેરીની વિશ્વસનીયતા સજ્જડ બની છે.

October 25, 2018
IndiGo_logo.png
1min8940

ઉડ્ડયન ઉદ્યોગની નં 1 કંપની ઇન્ડિગોએ તેના 64 ડેસ્ટિનેશન્સના નેટવર્ક માટે દિવાળી સ્પેશિયલ સેલ લોન્ચ કર્યો છે, જેની હેઠળ તે ₹899 જેટલા પ્રારંભિક ભાડામાં હવાઈટિકિટ વેચશે. ભારતની એરલાઇન કંપનીઓની બેલેન્સશીટ પહેલેથી જ ખોટમાં છે ત્યારે આવી સસ્તી ટિકિટની સ્પર્ધા વધવાને કારણે તેમની નાણાકીય મુશ્કેલી વધુ ખરાબ થઈ શકે છે. “24 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર માટે શરૂ થયેલી આ ઓફરમાં 10 લાખ સીટ આવરી લેવાઈ છે. આ ઓફર હેઠળ 8 નવેમ્બર 2018થી 15 એપ્રિલ 2019 વચ્ચેની ટિકિટો ખરીદી શકાશે, જેની પ્રારંભિક કિંમત ₹899 (ઓલ-ઇન્ક્લુઝિવ)થી શરૂ થશે.” એમ ઇન્ડિગોએ તા.24 ઓક્ટોબર 2018ના એક નિવેદનમાં જણાવ્યું હતું. ઇન્ડિગોએ પ્રવાસની પિક સીઝન દરમિયાન લોન્ચ કરેલા સેલનું અનુકરણ હરીફ એરલાઇન્સ પણ કરે તેવી શક્યતા છે.

October 24, 2018
Hari_Krishna_Exports_Logo.png
1min12470
  • સુરતની હરેકૃષ્ણ હીરાની પેઢીએ 600 કર્મચારીઓને કાર લઇ આપી, તા.25મી ઓક્ટોબર 2018ના રોજ કારની ચાવી અર્પણ કરાશે
  • નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે પોતાની ઓફિસમાં 2 દિવ્યાંગ મહિલા કર્મચારીઓ સમેત 4 કર્મચારીઓને ટોકન રૂપે ચાવી અર્પણ કરશે
  • સુરતની હરેકૃષ્ણ હીરાની પેઢીના સવજીભાઇ ધોળકીયા કહે છે કે તેજી હોય કે મંદી મોટરકાર આપવાના મામલાને કોઇ અસર નથી પહોંચતી કેમકે એ કર્મચારીઓએ કરેલી એક્સટ્રા મહેનતના જ પૈસા છે
  • દરેક કર્મચારીઓને ઇન્સેન્ટિવ પેટે રૂ.6 હજાર ફિક્સ, જેમાંથી લોનનો હપ્તો કંપની બારોબાર ભરશે

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

સુરતની જાણીતી હીરાની પેઢી હરેકૃષ્ણે એક્સપોર્ટ દ્વારા ચાલુ વર્ષે પણ દિવાળી પૂર્વે તેના 600 કર્મચારીઓને મોટરકારની ચાવી અર્પણ કરવાનો કાર્યક્રમ તા.25મી ઓક્ટોબર 2018ના રોજ યોજી રહી છે.

 

કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ હરે કૃષ્ણ પેઢીના સ્થાપક સવજીભાઇ ધોળકીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે મોટરકાર આપવાના કાર્યક્રમને સ્કીલ ઇન્ડિયા ઇન્સેન્ટીવ મિશન નામ આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મોટરકાર એવા કર્મચારીઓને મળી રહી છે જેમણે તેમનામાં સ્કીલ ડેવલપ કરી કંપનીને ફાયદો કરાવ્યો છે. ટૂંકમાં કંપની માટે કર્મચારીઓએ કરેલી મહેનતનું પરિણામ તેઓ તેમને મોટરકાર અપાવીને કે ઘર લેવા માટેની ફિક્સ ડિપોઝિટ કરીને ચૂકવશે.

સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે કર્મચારીઓને ઇન્સેન્ટીવ માટે પસંદ કરવામાં આવેલા 600 કર્મચારીઓએ પોતાને મોટરકાર જોઇએ છે તેવી માગણી કરતા તેમણે મારુતી સેલેરીયો, મારુતી અલ્ટો અને રેનૉલ્ટ ક્વીડ કાર લઇ આપી છે. તેમણે મોટરકાર ઉત્પાદક કંપનીઓ સાથે જ સીધું ડિલિંગ કર્યું છે એટલે પ્રતિકાર 80 હજાર જેટલું જંગી ડિસ્કાઉન્ટ મળ્યું હોવાનું પણ સવજીભાઇએ કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ કાર્યક્રમમાં આવે એટલા માટે સંપર્ક કરાયો હતો પણ તેઓ વ્યસ્ત હોવાથી નહીં આવી શકે પણ, તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે તેઓ દિલ્હી ખાતે સુરતની હરેકૃષ્ણ એક્સપોર્ટના 4 કર્મચારીઓ જેમાં 2 દિવ્યાંગ મહિલા કર્મચારીનો સમાવેશ થાય છે તેમને ટોકન ચાવી ગીફ્ટ કરશે એ પછી સુરત ખાતે ઇચ્છાપોરમાં હરેકૃષ્ણ કંપની ખાતે બાકીના કર્મચારીઓને કાર ભેટમાં આપવામાં આવશે.

કર્મચારીઓને કાર વિતરીત કરાયા પછી કંપની તેમના વતી હપ્તો ભરશે, આ હપ્તોની રકમ એ જે તે કર્મચારીઓએ કરેલી મહેનતના બદલામાં તેમને આપવામાં આવેલું પ્રતિ માસ રૂ.6 હજારની રકમનું ઇન્સેન્ટીવ જ છે.

સવજીભાઇએ એક વાત મહત્વની એ પણ કરી કે ઇન્સેન્ટીવ પામનારા દરેક કર્મચારીઓને માગે એટલે કાર નથી આપતા પણ તેઓ પહેલા એ ચેક કરે છે કે કર્મચારી પાસે પોતાનું ઘર છે કે નહીં, ઘર ન હોય તો તેઓ પહેલા ઘર લેવા માટે ઇન્સેન્ટિવના નાણાં ઉપયોગમાં લેવાની સૂચના આપે છે, જેમની પાસે ઘર હોય તેઓને જ કાર લેવાની પરમિશન અપાય છે.

October 18, 2018
ravan.jpg
1min7790
  • રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 25 ટકા સુધી વધારો
  • ફટાકડાના ભાવમાં તોતિંગ વધારો
  • મટિરિયલ પર જીએસટીની ચૂકવણી

દશેરા પર્વે મનોરંજન માટે ખાસ કરીને બાળકોના મનોરંજન માટે રાવણદહનનો કાર્યક્રમો યોજાય છે. પણ આ વખતે રાવણને પણ જીએસટી અને મોંઘવારી એવા નડ્યા કે વિરાટ કદના રાવણને વામન કદના કરી દેવા પડ્યા છે. બજારમાં દશેરાએ રાવણ દહન માટેના રાવણો તૈયાર કરી આપનારાઓએ રાવણોના ભાવમાં 35 ટકા જેટલો જંગી વધારો કર્યો હોવાથી આ વખતે ગુજરાતના અનેક શહેરોમાં રાવણોના કદ પાછલા વર્ષોની તુલનામાં નાના થઇ ગયા છે.

રાવણોને પણ ગુજરાતમાં આ વર્ષે મોંઘવારી અસર કરી રહી છે. ગુજરાતમાં દશેરાના દિવસે રાવણદહન માટે તૈયાર કરી આપવામાં આવતા રાવણનાં પૂતળાં મોંઘવારીને કારણે ઓછાં વેચાયાં છે તો જ્યાં રાવણદહન થાય છે ત્યાં રાવણનાં નાના કદના પૂતળાંના ઓર્ડર અપાયા હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વાપી, અમદાવાદ અને મુંબઇથી દર વર્ષે રાવણ તૈયાર કરીને મોકલવામાં આવે છે અને એ માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરો એક મહિના પહેલાંથી રાવણ દહન સ્થળે ડેરા તંબુ તાણીને રાવણનાં પૂતળાં બનાવે છે.

સુરતમાં રહીને રાવણદહન માટે રાવણ તૈયાર કરી આપતા અબ્બાસ અલી કહે છે કે 25થી 50 ફૂટ જેટલાં ઊંચાં રાવણનાં પૂતળાંનો અૉર્ડર  અત્યાર સુધી મળતા હતા. આ વર્ષે ભાવતાલની વાતચીતમાં જ ઓર્ડર પર 30 ટકા કાપ આવી ગયો છે. જીએસટી અને રાવણ માટે ઉપયોગી મટીરીયલ અને ફટાકડાના ભાવ વધારાને કારણે રાવણના ભાવ 35 ટકા જેટલા વધાર્યા છે. આમ આ વર્ષે રાવણ દહન કરનારાઓએ પોતાનું બજેટ વધાર્યું નથી એટલે આ વર્ષે દશેરામાં મોંઘવારીને કારણે રાવણની માગણી ઓછી થઈ ગઈ છે.

રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 28 ટકા વધારો થયો છે રાવણ દહન કરાવનારા આયોજકોએ ભાવ વધારાને પગલે ઓછા ફટાકડા નાખવાનું કહેવા ઉપરાંત નાના કદના તૈયાર કરાવ્યા છે.

 

October 15, 2018
Online-vs-Offline-Shopping-Shop-Online.jpg
1min8530
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર આખું વર્ષ સેલ જેવો માહોલ હોઇ, ઓફલાઇન ફેશન અને લાઇફસ્ટાઈલ રિટેલર્સને દિવાળીના મહત્ત્વના ગાળામાં વેચાણ વધારવામાં મુશ્કેલી
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર ફેશન પ્રોડક્ટ્સ પર 40થી 90 ટકા ડિસ્કાઉન્ટ ઓફર થાય છે

દિવાળી સેલ્સ હવે કોઇ પ્રસંગ પૂરતું મર્યાદિત નથી. દાયકા અગાઉના સમયમાં જે લોકો ભારતમાં રાષ્ટ્રવ્યાપી સ્તરે મેગા સેલ કરી રહ્યા હતા એ હવે સેલ નથી કરી રહ્યા અને જણાવી રહ્યા છે કે, ઓનલાઇન શોપિંગ તેમજ ઇ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન આખા વર્ષ દરમિયાન બમ્પર સેલ આપી રહ્યા છે જેના કારણે ઓફલાઇન ફેશન અને લાઇફસ્ટાઈલ રિટેલર્સને દિવાળીના મહત્ત્વના ગાળામાં વેચાણ વધારવામાં મુશ્કેલી પડે છે. તા.10 ઓક્ટોબર 2018થી એમોઝોન અને ફ્લીપકાર્ડના મેગા સેલ શરૂ થયા હતા જેમાં ફેશન પ્રોડક્ટ્સ પર 40થી 90 ટકા ડિસ્કાઉન્ટ ઓફર થાય છે.

યુએસ પોલો એસોસિયેશન, ગેપ, એરોપોસ્ટેલ, એડ હાર્ડી, ફ્લાઇંગ મશીન જેવી બ્રાન્ડનું માર્કેટિંગ કરતી કંપની અરવિંદ બ્રાન્ડ્સના લાઇફસ્ટાઇલ બ્રાન્ડના અગ્રણીએ જણાવ્યું કે આ એવો જમાનો ચાલી રહ્યો છે કે આખા વર્ષ દરમિયાન દિવાળી હોય છે. ઓનલાઇન શોપિંગ સાઇટ્સ દ્વારા સતત આપવામાં આવતા ડિસ્કાઉન્ટિંગ તરફ તેઓ અંગૂલી નિર્દેશ કરી રહ્યા હતા. ઓનલાઇન કંપનીઓ સામે ટક્કર લેવા ઓફલાઇન કંપનીઓએ પણ ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે.

ઓફલાઇન રિટેલર્સ માટે દિવાળીમાં બિઝનેસ ઘણો વધારે થતો હતો પરંતુ હવે તે માત્ર બે સપ્તાહની કામગીરી રહી ગઈ છે. પાંચ વર્ષ અગાઉ દિવાળી વખતે એક મહિના સુધી ધમધોકાર બિઝનેસ ચાલતો હતો. દુબઈ સ્થિત લાઇફસ્ટાઈલ ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઓફલાઇન રિટેલર્સનો દિવાળી બિઝનેસ હવે ઘટીને ફક્ત 20 ટકા થઇ ગયો છે જે પાંચ વર્ષ અગાઉ 25થી 30 ટકા હતો. દિવાળી હજુ પણ ઓફલાઇન ફેશન રિટેલર્સ માટે સૌથી મોટો રેવન્યુ જનરેટર તહેવાર છે.

દિવાળી પર નિર્ભરતા ઘટી છે કારણ કે હવે ડિસ્કાઉન્ટિંગ માટેના ઘણા સમયગાળા છે. તેથી દિવાળી વેચાણ પર તેની ચોક્કસ અસર પડે છે. રિટેલર્સે વર્ષના અલગ સમયગાળામાં મોટા પ્રમાણમાં સેલ્સ પ્રોપર્ટી રચી છે જેમાં સારું એવું વેચાણ પણ કરી શકાય છે. દિવાળી હજુ પણ મહત્ત્વનો સમયગાળો છે પરંતુ તમે એક પ્રોપર્ટી પર વધુ પડતા આધારિત નથી.

પરંપરાગત રીતે જોવામાં આવે તો દિવાળી એ ફેશન અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ માટે બહુ ડિસ્કાઉન્ટિંગ સિઝન નથી. રિટેલર્સ હંમેશાથી પૂર્ણ ભાવે વેચાણ કરતા રહ્યા છે. તેમાં તેઓ વાઉચર અને ગિફ્ટ કુપનની સ્કીમ આપે છે અથવા બે જિન્સ પર એક શર્ટ ફ્રી આપવા જેવી સ્કીમ લોન્ચ કરતા હતા. પરંતુ ફ્લિપકાર્ટ, એમેઝોનના આગમન પછી ચિત્ર બદલાઈ ગયું છે. ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને ઓનલાઇન શોપિંગ તરફ ખેંચવા માટે કરોડો ડોલરનો ખર્ચ કરે છે. પરિણામે ઓફલાઇન રિટેલર્સે પોતાનું લિમિટેડ ડિસ્કાઉન્ટ આપવું પડ્યું છે. તેમાં તેમના માર્જિનમાં ઘટાડો થયો હતો. લગભગ ત્રણ વર્ષ અગાઉ ઓફલાઇન સ્ટોર્સ દ્વારા સરેરાશ 15 ટકા ડિસ્કાઉન્ટ અપાતું હતું જે હવે વધીને 23 ટકા થયું છે.

October 12, 2018
java_motorbike.jpg
1min6360

મહિન્દ્રા ગ્રૂપની કંપની ક્લાસિક લિજેન્ડ્સ પ્રા લિ આગામી મહિને ભારતમાં વીતેલા જમાનાની લોકપ્રિય મોટરસાઇકલ બ્રાન્ડ જાવાને ફરી લોન્ચ કરશે. ક્લાસિક લિજેન્ડ્સમાં મહિન્દ્રા ગ્રૂપ 60 ટકા હિસ્સો ધરાવે છે. તે 2018માં 15 નવેમ્બરે ત્રણ નવી પ્રોડક્ટ રજૂ કરશે. તે ભારતીય મોટર સાઇકલ સેગમેન્ટમાં 250 સીસીથી ઉપરના મેડ સેગમેન્ટમાં સક્રિય થવા માંગે છે.

જાવા બાઇક મધ્યપ્રદેશમાં મહિન્દ્રા ગ્રૂપના પિથમપુર પ્લાન્ટમાંથી રોલ આઉટ કરવામાં આવશે

કંપનીના અધિકારીએ કહ્યું કે અમે ત્રણ પ્રોડક્ટ સાથે બ્રાન્ડ રજૂ કરવા માંગીએ છીએ. અમે જાવા સાથે મિડ-સેગમેન્ટ પ્લેયર બનવાના છીએ. જોકે, તેમણે અન્ય પ્રોડક્ટ લાઇનની માહિતી આપી ન હતી. જાવા મોડલ ૧૫ નવેમ્બરે પ્રદર્શિત કર્યા બાદ ટૂંક સમયમાં વેચાણ માટે મુકાશે.

જાવા જે સેગમેન્ટમાં રજૂ થશે તેમાં અત્યારે રોયલ એન્ફિલ્ડનું પ્રભુત્વ છે. આ ઉપરાંત વૈશ્વિક કંપનીઓ હાર્લી ડેવિડસન અને ટ્રાયમ્ફ પણ સેગમેન્ટમાં હિસ્સો મેળવવા પ્રયાસ કરશે. ક્લાસિક લિજેન્ડ્સે ગુરુવારે ૨૯૩ સીસીનું લિક્વિડ કુલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન રજૂ કર્યું હતું જે નવા જાવા મોટરસાઇકલમાં ફીટ કરાશે.

ગ્રૂપના પૂણે સ્થિત આર એન્ડ ડી સેન્ટર અને વરાસે, ઇટલી સ્થિત ટેક્‌નિકલ સેન્ટરના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. જાવાનું ડીએનએ ધરાવતું એન્જિન બનાવ્યું છે જે ક્લાસિક હોવાની સાથે સ્પોર્ટી છે. લોન્ચ વખતે ભારતમાં 100 ડીલરશિપ હશે. તેઓ ભારતીય માર્કેટ માટે બુલિશ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા ગ્રાહકો માસ સેગમેન્ટમાંથી મિડ અને અપર એન્ડ મોટરસાઇકલ સેગમેન્ટ તરફ અપગ્રેડ થયા છે જેથી તેમના માટે તકમાં વધારો થયો છે.

જાવા બાઇક મધ્યપ્રદેશમાં મહિન્દ્રા ગ્રૂપના પિથમપુર પ્લાન્ટમાંથી રોલ આઉટ કરવામાં આવશે. તેમાં મહિન્દ્રાની ઉત્પાદન ક્ષમતા, સોર્સિંગ અને આર એન્ડ ડીનો ઉપયોગ કરવામાં આવશે.