
ચીન, જાપાન અને ભારતના અગ્રણી ટેક્સટાઇલ એન્જિનિયરીંગ ક્ષેત્રના ઉદ્યોગકારો તેમની ટેકનોલોજી અને પ્રોડક્ટ પ્રદર્શિત કરશે. પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો અંગે સેમિનારનું પણ આયોજન કરાયું છે.


ભારતીય માર્કેટમાં એપલના નવા આઇફોન XS અને XS મેક્સનું ઓછું વેચાણ થયું છે. એવા રિપોર્ટસ મળ્યા છે કે પ્રથમ વીકએન્ડના વેચાણ બાદ ભારતમાં સપ્લાય થયેલા જથ્થાનો 45 ટકા હિસ્સો વણવેચાયેલો પડ્યો છે અને આવું પહેલીવાર બન્યું છે. એક અધિકારીએ ભારતમાં હાલ મની ક્રાઇસીસનું કારણ પણ નવા આઇફોનના વેચાણ ઘટાડા માટે જણાવ્યું છે. કેટલાક એવું પણ માને છે કે શ્રાધ્ધપક્ષમાં ભારતીયો ખરીદી કરતા નથી એટલે પણ વેચાણ ઓછું થયું છે.
અગાઉનાં વર્ષોમાં એપલના ફોન જ્યારે પણ ભારતમાં વેચાણ માટે આવ્યા છે ત્યારે ખરીદદારોમાં તેની ભારે માંગ જોવા મળી છે. નવા આઇફોન ખરીદવા માટે ખરીદદારોની લાંબી લાઇનો જોવા મળી છે. એપલે લગભગ એક લાખ નવા આઇફોનની આયાત કરી છે અને વધુ ને વધુ સ્ટોર્સમાં તેને વેચાવા માટે મૂક્યા છે. વેચાણને વેગ આપવા માટે કંપનીએ નવી ટ્રેડ ચેનલમાં પણ પ્રવેશ કર્યો છે.
ગયા વર્ષે આઇફોન-8ને પણ નબળો પ્રતિસાદ મળ્યો હતો. ગયા વર્ષે આઇફોન Xના લોન્ચિંગના પ્રથમ ત્રણ દિવસની સરખામણીએ આઇફોન XS અને XS મેક્સનું વેચાણ 55-60 ટકા રહેવાની ધારણા હતી.
પ્રિ-બૂક કરાવનારા ઘણા ગ્રાહકોએ હજુ ખરીદી કરી નથી કારણ કે તેઓ શ્રાદ્ધના અપશુકનિયાળ સમયગાળામાં મળતા લાભનો ફાયદો લેવાની યોજના ધરાવે છે. પ્રથમ વીકએન્ડમાં નવા આઇફોન્સનું વેચાણ ગયા વર્ષના આઇફોન-8 કરતાં તો ચોક્કસપણે સારું રહ્યું છે પણ આઇફોન Xના વેચાણ કરતાં તો ઓછું છે. ઓક્ટોબરમાં નવરાત્રિ શરૂ થશે ત્યારે વેચાણ વધવાની અપેક્ષા છે.

જીએસટી સંગ્રહ સપ્ટેમ્બરમાં થોડો વધીને રૂા.94442 કરોડ રૂપિયા પહોંચ્યો છે. આ ઓગસ્ટ 2018 મહિનામાં આ આવક રૂ.93690 કરોડ રૂપિયા થઇ હતી.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 67 લાખ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) રિટર્ન દાખલ કરવામાં આવ્યાં હતાં. સરકારી આંકડા અનુસાર કુલ જીએસટી સંગ્રહમાંથી કેન્દ્રીય જીએસટી (સીજીએસટી) 15,318 કરોડ રૂપિયા, રાજ્યનો જીએસટી (એસજીએસટી) 21,061 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટી 50,070 કરોડ રૂપિયા જેમાં આયાતથી 25308 કરોડ રૂપિયાના સંગ્રહનો સમાવેશ છે અને સેસના 7993 કરોડ રૂપિયા રહ્યા છે. સેસમાં 769 કરોડ રૂપિયા આયાત પર કરવામાં આવેલો સંગ્રહ સામેલ છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે મોટાભાગના વિસ્તારોમાં પૂરતો વરસાદ વરસ્યો નથી તેમ જ હજુ પણ ખેડૂતોને નર્મદાનું પૂરતું સિંચાઇનું પાણી પણ આપવામાં આવતું નથી. બીજી બાજુ ખેતપેદાશોના ભાવ પણ તળિયે છે આવી અનેક સમસ્યાઆઓથી ઘેરાયેલા ખેડૂતોના માથે શિયાળુ સિઝનના જીરુ, ઘઉં, ઇસબગુલ, ચણા વરીયાળી અજમો સહિતના પાકોના વાવેતર પહેલા જ સરકારે આ પાકોમાં સૌથી વધારે વપરાતા રાસાયણિક ખાતરોના ભાવમાં તોતિંગ ભાવવધારો કર્યો છે.

ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી સરકાર ખેડૂતોને પોષણક્ષણ ભાવો તો આપી શક્તી નથી, તેની સાથે ખેત ઉત્પાદન માટે જરૂરી વસ્તુઓના પણ ભાવમાં વધારો કરી રહી છે. આમ ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો યોજનો દૂર રહી પણ જગતનો તાત દિવસેને દિવસે દેવાંના ડુંગર તળે તો ચોક્કસ દબાઈ રહ્યો છે. સરકારી અને સહકારી ખાતર કંપનીઓએ એનપીકે ખાતરમાં પ્રતિ બેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા હવે એનપીકે ખાતરની એક બેગનો ભાવ 1,340 રૂપિયા થઈ ગયો છે.
જ્યારે ડીએપી ખાતરમાં પ્રતિબેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા ડીએપી ખાતરની એક બેગનો ભાવ 1400 થયો છે. આ સાથે જ પોટાશ ખાતરની બેગમાં 230 રૂપિયાનો વધારો થતાં પોટાશ ખાતરની એક બેગનો ભાવ 950 રૂપિયા થયો છે. ખેડૂતોને મદદની બાબતે સરકારે હાથ અધ્ધર કરી દીધા હોય તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પેટ્રોલના ભાવ વધવાથી કદાચ વધારો થયો હોઇ શકે.
ટેક્સટાઇલ ઉદ્યોગના મહત્વના ચાલકબળ સમા વિવર્સે આજે ઉધનાથી મુગલીસરા પગપાળા રેલી કાઢીને પોતાના પડતર પ્રશ્નોના નિકાલની માગણી સાથે લાગણી વ્યક્ત કરી છે. સવારે 9 વાગ્યાથી જ વિવર્સ રેલી પ્રસ્થાન સ્થળે એકત્રિત થવા માંડ્યા હતા અને દસ વાગ્યે રેલીમાં જોત જોતામાં હજારો વિવર્સ ઉમટી પડ્યા હતા. વિવર્સે શાંતિપૂર્ણ રીતે પોતાની માગણીઓના પ્લેકાર્ડસ પ્રદર્શિત કરતા ચાલીને મુગલીસરા ખાતેની કચેરીએ પહોંચ્યા હતા.

મુગલીસરા સ્થિત પાલિકા કચેરી પર પહોંચ્યા બાદ સ્થાનિક આગેવાનોએ સંબોધન કર્યું હતું અને પાલિકાના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

દેશભરમાં કારોબારીઓ અને વેપારીઓને ઈ-વે બિલમાં આજરોજ તા. 1 ઓક્ટોબરથી મોટી રાહત મળી રહી છે. ધંધો કરનારાઓ પોતાનો સામાન એકથી બીજા રાજ્યમાં મોકલવા ઉપર થતા ખર્ચમાં ઘટાડો થશે. થોડા સમય અગાઉ સરકાર દ્વારા કરવામાં આવેલા કાનૂની સંશોધનના કારણે ખર્ચમાં ઘટાડો સંભવ થશે. આ સાથે સરકારે તેના ફોર્મમાં પણ ફેરફારો કર્યા છે. જ્યારે અડધા ડઝન રાજ્યોમાં જોબવર્કના સામાનની આવકજાવક ઈ-વે બિલથી મુક્ત થઈ જશે.

સરકારે ઈ-વે બિલ જનરેટ કરવા માટે નવા ફોર્મનું પ્રારૂપ જારી કર્યું છે. જે આજે તા.1લી ઓક્ટોબર 2018થી અમલી થઇ ગયું છે. નવા પ્રારૂપમાં જરૂરિયાત વિનાના દસ્તાવેજો અને સૂચનામાં કાપ મૂકવામાં આવ્યો છે. જ્યારે નવાં સંશોધનના પાલન માટે અમુક નવી બાબતો પણ જોડવામાં આવી છે. જીએસટી નેટવર્કની દેખરેખ રાખતી કંપની જીએસટીએનના એક અધિકારીના કહેવા પ્રમાણે ટ્રાન્ઝેક્શનના આધાર ઉપર દસ્તાવેજ જમા કરવાના ડ્રોપ ડાઉન મેનુ પણ દસ્તાવેજોની સંખ્યા સિમિત કરવામાં આવી છે. 10 કરોડ રૂપિયાથી વધુ કિંમતના સામાનની આપૂર્તિ ઉપર ફોર્મ જનરેટ કરતાની સાથે જ સામાન મોકલનારા અને મેળવનારા વ્યક્તિને એસએમએસ એલર્ટ મળી જશે. દેશના અમુક રાજ્યોએ પણ લીધેલા મહત્ત્વના નિર્ણયો એક ઓક્ટોબરથી લાગુ થઈ જશે. જેમાં પંજાબ, ગુજરાત સહિત સાત રાજ્યોમાં જોબવર્ક માટે નિર્માતાને ત્યાંથી આવતા અથવા તૈયાર માલને ઈન્ટ્રાસ્ટેટ બિલથી મુક્ત કરવામાં આવ્યો છે.
ખેડૂતો શાકભાજી માર્કેટમાં વેચવા માટે આવે ત્યારે તેના પૂરતા ભાવ મળતા નથી. ત્યારબાદ હોલસેલ માર્કેટથી નાના વેપારીઓ-ફેરિયા પાસેથી ગ્રાહકો શાકભાજી ખરીદે ત્યારે ચારગણી કિંમત વસૂલવામાં આવતી હોય છે.પણ શાકભાજી પકવનારા ખેડૂતોને તો મામુલી રકમ જ મળે છે. દલાલો અને વચેટિયાઓ તગડો નફો કમાઈ લેતા હોય છે. ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં સુધીમાં ચાર ગણા વધારાના ભાવથી આવતાં સરવાળે ખોટ તો ખેડૂતો અને ગૃહિણીઓને પડે છે. લોકોને શાકભાજી સસ્તા મળી શકે તેમ છે પરંતુ વચેટિયાઓની બેફામ નફાખોરીના કારણે ખેતરથી ઘર સુધી પહોંચતાં લીલાં શાકભાજીના ભાવમાં ચાર ગણો વધારો નોંધાઇ જાય છે.

સામાન્ય રીતે વરસાદ પછીના એક મહિના પછી નવાં શાકભાજીની આવક શરૂ થઈ જાય છે, પરંતુ વચેટિયાઓની તગડી નફાખોરીના કારણે ગૃહિણી સુધી જ્યારે શાકભાજી પહોંચે ત્યારે તેના ભાવ તગડા થઈ જાય છે.
હરાજીમાં હોલસેલમાં મોટા ભાગનાં શાકભાજીના પ્રતિકિલો રૂ. ૧૦ની અંદરના ભાવે વેચાણ થઈ રહ્યું છે. લસણના ભાવ ગગડીને તળિયે ગયા છે. માર્કેટયાર્ડમાં લસણ ૭૫ પૈસા કિલો વેચાયું હતું. ખેડૂતો પાસેથી નબળું લસણ પ્રતિકિલો ૭૫ પૈસાથી થી ૧ રૂપિયા, મધ્યમ લસણ ૪ થી ૫ રૂપિયા અને બેસ્ટ લસણનો ભાવ હોલસેલમાં રૂ. ૯ થી ૧૦ ના ભાવે ખરીદાયું હતું. જે બજારમાં રૂ. ૪૦ થી ૬૦ પ્રતિકિલો વેચાણ થઈ રહ્યું છે.
એપીએમસીના જણાવ્યા અનુસાર એક સપ્તાહથી શાકભાજી વધુ સસ્તાં થયાં છે. વધુ આવકની અસરે શાકભાજી વધુ સસ્તાં થયાં છે. ફ્લાવર અને ટામેટાંની આવક વધી છે. મહારાષ્ટ્રનાં ટામેટાંની સામે ગુજરાતનાં ટામેટાંની આવક પણ વધી છે. ગવારની આવક પણ વધી છે, તેનું રૂ. ૫થી ૭ના પ્રતિકિલો વેચાણ થઈ રહ્યું છે. અત્યારે લીલોતરી શાકભાજી સસ્તાં હોવાં જોઈએ તેના બદલે દરેક શાકભાજી પ્રતિકિલો રૂ. ૪૦થી ૬૦ પ્રતિકિલો મળી રહ્યાં છે. એક સમયે ૧૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહેલાં લાલચોળ ટામેટાં અત્યારે બજારમાં રૂ.૩૦એ કિલો વેચાઇ રહ્યાં છે. ગૃહિણીઓ હાલમાં આ ભાવે મળી રહેલાં શાકભાજીથી ખુશ છે.
લોકોને સસ્તાં હોવાનાં જણાતાં શાકભાજી હજુ પણ વધુ સસ્તાં થઈ શકે છે, પરંતુ વચેટિયાઓની બેફામ નફાખોરીના પરિણામે ખેતરથી ઘર સુધી પહોંચતાં શાકભાજીમાં ચાર ગણો વધારો થઈ જાય છે. મોટા ભાગનાં શાકભાજી રૂ.ર૦ પ્રતિકિલો આસપાસ મળી શકે તેમ છે. કેટલાક ખેડૂતો હાલમાં શાકભાજીનાં પોટલાં માર્કેટયાર્ડ સુધી લઇ જવા તૈયાર નથી, કારણ કે મજૂરી, દવા, બિયારણ અને વાહનખર્ચ ગણતાં આવકની સામે જાવક વધુ હોઇ ખોટનો ધંધો થઇ શકે છે. હજુ ૧પ દિવસ પહેલાં જ શાકભાજીના ભાવ સાંભળીને ગૃહિણીઓ શાકભાજી ખરીદવાનું ટાળતી હતી. ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ હંમેશાં નીચા રહે છે, કારણ કે આ સિઝનમાં શાકભાજીની આવકમાં ખૂબ વધારો થાય છે. હજુ લસણની જેમ જ ડુંગળીના ભાવમાં પણ કડાકો બોલશે. હાલમાં ડુંગળી માત્ર ૩થી ૪ રૂ. કિલોના ભાવે હોલસેલમાં વેચાઇ રહી છે. તેથી તેના બજારભાવ ગગડશે.
Jayesh Brahmbhatt 98253 44944
તા.27મીએ ઇચ્છાપોર ખાતે આવેલા જાણીતા હીરા ઉદ્યોગપતિ હરી ક્રિષ્ણા એક્સપોર્ટના સવજીભાઇ ધોળકીયાએ તેમના ત્રણ મેનેજરોને મર્સિડીઝ કાર મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે ભેંટ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમને અનુલક્ષીને હીરા ઉદ્યોગમાં એટલે આશ્ચર્ય થયું છે કે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે મર્સિડીઝ કાર ભેંટમાં આપવાના કાર્યક્રમ પૂર્વે ગયા શનિવારે, તા.22મી સપ્ટેમ્બર 2018ની સાંજે આ કાર્યક્રમ યોજાઇ ચૂક્યો હતો. હરી કૃષ્ણ પરિવારના સેંકડો કર્મચારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા એ દબદબાભર્યા કાર્યક્રમમાં ત્રણે મેનેજરોને મંચ પર બોલાવીને તેમના પરિવારજનોની હાજરીમાં મર્સિડીઝની ચાવી ભેંટમાં આપવામાં આવી ચૂકી હતી અને પરિવારજનોએ સમારોહ સ્થળે જ મર્સિડીઝ રાઇડ માણી લીધી હતી. એ પછી ફરીથી તા.28મી સપ્ટેમ્બર 2018ના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે મર્સિડીઝ કાર ત્રણેય મેનેજરોને ભેંટમાં આપવાનો કાર્યક્રમ કેમ રાખવામાં આવ્યો ? એ તર્ક વિતર્ક છે.
સવાલો તો એ પણ ઉઠી રહ્યા છે કે શું મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને એ બાબતની જાણકારી આપવામાં આવી હતી કે હરી કૃષ્ણ એક્સપોર્ટસના મેનેજરોને છ દિવસ અગાઉ મર્સિડીઝની ચાવી અપાઈ ચૂકી હતી ? અને ભેંટ પામનાર અધિકારીઓ પરિવાર સમેત તેને સ્વીકારી ચૂક્યા છે.
સવજીભાઇ ધોળકીયા તો પાક્કા વેપારી માણસ છે, તેઓ મર્સિડીઝ જેવી મોંઘીદાટ કાર ભેંટ આપતા હોય તો એ ભેંટ આપવાનો કાર્યક્રમ એકાદ બે વખત શું 15-20 વખત પણ કરી શકે તેમાં કોઇને શું વાંધો હોય. પણ જ્યારે રાજ્યપાલ જેવી વિશિષ્ટ વ્યક્તિને હસ્તે આવો કાર્યક્રમ કરવાનો હોય ત્યારે તેની ગરિમા જાળવવી પડે છે.
CIA liveએ આજે સવારે હરી કૃષ્ણ એક્સપોર્ટના સવજીભાઇ ધોળકીયાને વ્હોટ્સએપ પર બે સવાલ કર્યા હતા. તેમણે સવાલો વાંચ્યા પછી જવાબ આપવાનું ટાળ્યું હતું. હરી કૃષ્ણ એક્સપોર્ટના અન્ય આધારભૂત સૂત્રએ સીઆઈએ સાથે વાત કરતા નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 22મી તારીખે મર્સીડીઝ અપાઇ હતી એ વાત સાચી, પણ આનંદીબહેન આવવાના હતા એ વાત પછી ખબર પડી એટલે ફરીથી કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો.
હરીકૃષ્ણ એક્સપોર્ટના અન્ય એક વ્યક્તિએ બચાવમાં જણાવ્યું હતું કે મુખ્ય કાર્યક્રમ મૃતક કર્મચારીને રૂ.1 કરોડનો ચેક અર્પણ કરવાનો હતો. તો સવાલ એ ઉપસ્થિત થાય કે મધ્યપ્રદેશના રાજ્યપાલના હસ્તે ગાડીની ચાવી ફરી વખત કેમ અપાઇ ?
સવજીભાઇ ધોળકીયા એટલા મશહૂર ઉદ્યોગપતિ છે કે મિડીયા માઇલેજ માટે થઇને આવું તો ન જ કરે કે એકનો એક કાર્યક્રમ ફરી વખત યોજે આવી સ્થિતિમાં મુખ્ય સવાલ એ જ ઉપસ્થિત થાય છે કે એક વખત જે ભેંટ અપાઇ ચૂકી હતી એ જ ફરીથી મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ જેવા બંધારણિય વડાના હસ્તે આપવા પાછળનું પ્રયોજન શું ?
હરી કૃષ્ણ એક્સપોર્ટ તરફથી આ અંગે જે પણ કંઇ સ્પષ્ટતા કે પ્રતિક્રિયા સત્તાવાર રીતે અમને જ્યારે પણ સાંપડશે ત્યારે અમે અહીં તેને અક્ષરશઃ પ્રકાશિત કરીશું.

સહકારી બેંકિંગ ક્ષેત્રે અગ્રણી હરોળમાં જેનું નામ લેવાય છે એ વરાછા કો.ઓ.બેંક સુરતએ નક્કર અને નોંધપાત્ર પ્રગતિ કરી છે. દક્ષિણ ગુજરાત અર્બન કો.ઓ. બેંક ફેડરેશન (સ્કોબા) તરફથી કેરળના કોવાલમ ખાતે તાજેતરમાં સ્કોબા એવોર્ડ 2018 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કેટેગરીમાં દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોને એવોર્ડ એનાયત થયા હતા. જેમાં વરાછા કો.ઓ. બેંકને તેની કામગીરી અને વિકાસને ધ્યાનમાં રાખીને ત્રણ એવોર્ડ એનાયત કરાયા હતા.

વર્ષ 2017-18 બેંકિંગ ક્ષેત્ર માટે મુશ્કેલીભર્યું રહ્યું હતું. એવા સમયમાં વરાછા કો.ઓ. બેંકએ ધિરાણમાં 33 ટકા અને થાપણમાં 10 ટકાનો ગ્રોથ કર્યો છે. આ કામગીરી માટે સ્કોબાએ વરાછા બેંકને ટોટલ બિઝનેસ ગ્રોથ અને એક્સપાન્સન એવોર્ડ એનાયત કર્યો હતો. વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં પ્રોફિટીબિલીટી મેનેજમેન્ટ માટે પણ વરાછા બેંકની કામગીરીને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતની તમામ સહકારી બેંકોમાં વિવિધ માપદંડને આધારે 23 બ્રાન્ચ અને રૂ.2100 કરોડનો બિઝનેસ ધરાવતી વરાછા બેંકને 2017-18 માટે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખાસ એવોર્ડ આપીને તેના વર્તમાન ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાને બહુમાનિત કરાયા હતા. વરાછા કો.ઓ. બેંક વતી શ્રી કાનજીભાઇ ભાલાળાએ ત્રણેય એવોર્ડ સ્વીકાર્યા હતા. બેંકના સ્થાપક ચેરમેન શ્રી પી.બી. ઢાકેચા, ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળા, એમ.ડી. શ્રી ભવાનભાઇ નવાપરા તથા બેંકના મહિલા ડિરેક્ટર શ્રીમતી વિમળાબેન વાઘાણીની આખી ટીમ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહીને બહુમાન સ્વીકાર્યું હતું.

રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોમાં નિયમાનુસાર સ્થાનિક લોકોને રોજગારી આપવાની રહે છે, પરંતુ મોટા ભાગના ઉદ્યોગમાં ગુજરાતીઓને નોકરીથી વંચિત રાખવામાં આવતો હોવાના મુદ્દે નવરાત્રિ બાદ દશેરાથી રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી છે ત્યારે તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં જે ઉદ્યોગો કે સર્વિસ સેક્ટરમાં સાહસો ઉદ્યોગો આવશે તેમણે 80 ટકા ગુજરાતીઓને રોજગાર આપવા તેમજ જે વિસ્તારમાં તે સ્થપાય ત્યાંના 25 ટકા સ્થાનિક લોકોને રોજગાર આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, સરકાર આગામી દિવસોમાં તેને કાયદાનું સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી રહી છે.

અમદાવાદમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના અંતર્ગત 8500 યુવાનોને કરારપત્રોનું વિતરણ સમારંભને સંબોધતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ યુવાનો ને બેકારી ભથ્થું આપવાની માંગ કરે છે પરંતુ અમે બેકારીભથ્થું આપી બેકારોની સંખ્યા વધારવામાં નહીં યુવાનો પ્રત્યે પોઝિટિવ એટિટ્યુડ રાખી તેના કૌશલ્ય અને શક્તિને નવી તક આપી પરિશ્રમની પરાકાષ્ટા સર્જી હર હાથ કો કામ નો મંત્ર લઇ ને ચાલનારા લોકો છીએ. પ્રધાનમંત્રીએ મેઇક ઈન ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા જે સંકલ્પ કર્યા છે તેને સાકાર કરવા ગુજરાત માં માર્ચ 2019 પહેલા 1 લાખ યુવાનોને આ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના માં કૌશલ્યવાન બનાવવા છે.
રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે ઈમ્પોર્ટને કારણે આપણે ઘણું સહન કર્યું હવે મેઇક ઈન ઇન્ડિયા અન્વયે આ દેશની ધરતી પર જ નવીનતમ ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ ઉત્પાદન કરવા છે. આ માટે નવી ટેકનોલોજી ને અનુરૂપ 140 જેટલા નવા કોર્સ તાલુકે તાલુકે આઈ ટી આઈ સાથે શરૂ કર્યા છે.