
તાજેતરની ક્રેડિટ કટોકટીમાં અનેક ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને ફટકો લાગ્યા બાદ સેબીએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે નિયમો કડક બનાવ્યા છે. આ ઉપરાંત પ્રમોટર્સના શેર પ્લેજિંગ માટે ડિસ્ક્લોઝરના નિયમો ચુસ્ત બનાવવા, ડિફરન્શિયલ વોટિંગ રાઇટ્સ સાથેના શેર ઇશ્યૂ કરવાના નિયમોમાં સરળતા અને ઊંચી રોયલ્ટી પેમેન્ટ માટે શેરહોલ્ડરની મંજૂરી લેવા સહિતના નિયમો સેબીના બોર્ડ દ્વારા લેવાયા હતા.
સેબીએ મ્યુચ્યુઅલ ફંડની લિક્વિડ સ્કીમ્સમાં ઓછામાં ઓછો 20 ટકા હિસ્સો સરકારી સિક્યોરિટી અને રોકડ જેવી લિક્વિડ એસેટ્સમાં રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. લિક્વિડ સ્કીમ્સના રોકાણકારો સાત દિવસની અંદર એક્ઝિટ કરે તો તેના પર એક્ઝિટ લોડ લાગુ થશે.
સેબીએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે તેમના રોકાણના ઓછામાં ઓછા ચાર ગણું સિક્યોરિટી કવર ફરજિયાત કર્યું છે જ્યારે હાલમાં આ નિયમ માત્ર 1.5 ગણાથી 1.7 ગણા કવરનો છે. રેગ્યુલેટરે લિક્વિડ અને ઓવરનાઇટ સ્કીમ્સને શોર્ટ ટર્મ ડિપોઝિટ અને સ્ટ્રક્ચર્ડ ઓબ્લિગેશન્સ હોય તેવી મની માર્કેટ સાધનોમાં રોકાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ માત્ર લિસ્ટેડ એનસીડીમાં રોકાણ કરી શકશે.
સેબીના ચેરમેન અજય ત્યાગીએ જણાવ્યું કે, અમે કોઈ સ્ટેન્ડસ્ટીલ એગ્રીમેન્ટને માન્ય રાખતા નથી. મ્યુચ્યુઅલ ફંડ્સ બેન્કો નથી તેથી તેમાં સ્ટેન્ડસ્ટીલ જેવું કંઈ હોતું નથી. તેઓ ધિરાણ કરવાના બદલે રોકાણ કરી રહ્યા છે. ઉદ્યોગમાં વધારે શિસ્ત લાવવા માટે આ કરવામાં આવ્યું છે.

મોંઘવારીમાં થતા સતત વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ સતત ખોરવાઇ રહ્યું છે. તેવામાં સિંગતેલના ભાવ આજે આસમાને પહોંચી ગયા હતા ત્યારે આ વર્ષે સાતમ – આઠમ તહેવાર પૂર્વે સિંગતેલના ભાવમાં છેલ્લા 20 દિવસમાં નવી મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોએ 120 રૂપિયાનો વધારો થયો હતો. જયારે જૂની મગફળીના સિંગતેલના ભાવમાં ડબ્બે 20 દિવસમાં 90 રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે.
![]()
ગત વર્ષે સૌરાષ્ટ્રમાં 15 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવા પામ્યું છે. અને સરકાર પાસે ગત વર્ષની જૂની 4 લાખ ટન મગફળી જથ્થો પડેલ છે. કુલ મળી આ વર્ષે 19 લાખ ટન મગફળી છે. એટલે કે, ગત વર્ષની સરખામણીએ 50 ટકા ઓછી મગફળી હોવાથી આ વર્ષે સિંગતેલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. તહેવાર સમયે તો સિંગતેલની બજારમાં તેજી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે તહેવાર પૂર્વે પણ સિંગતેલની બજારમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા 20 દિવસમાં સિંગતેલના ભાવમાં નવી મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 120નો જંગી વધારો કરવામાં આવ્યો છે જયારે જૂની મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 90નો વધારો કરવામાં આવ્યો હતો જે હજુ પણ આગામી 10થી 15 દિવસમાં 40થી 50 રૂપિયા જેટલો ભાવવધારો વેપારીઓએ જણાવ્યું હતુ
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) તરફથી મુંબઈમાં રૂ. 7000 કરોડનો વર્સોવા-બાન્દ્રા સી-લિંક પ્રોજેક્ટનો કૉન્ટ્રેક્ટ મેળવ્યો હોવાનું રિલાયન્સ ઇન્ફાસ્ટ્રકચરે બુધવારે જણાવ્યું હતું. વર્સોવા-બાન્દ્રા સી-લિંક એ 17.17 કિલોમીટરનો મહત્ત્વનો પ્રકલ્પ છે, જેની લંબાઇ બાન્દ્રા-વરલી સી-લિંક કરતા ત્રણ ગણી વધુ છે. બાન્દ્રા-વરલી સી-લિંકની લંબાઇ 5.6 કિલોમીટર છે. 24મી જૂન, 2019ના કરાર કર્યા બાદ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર આ પ્રકલ્પ 60 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે, એમ કંપનીએ જણાવ્યું હતું.

આ પ્રકલ્પને કારણે મુંબઈગરાઓ 90 મિનિટનો પ્રયાસ ફક્ત દસ મિનિટમાં કરી શકશે.
31મી માર્ચે કંપની દ્વારા ત્રિમાસિક ખોટ રૂ. 3,301 કરોડ દેખાડી હતી જ્યારે અગાઉના નાણાકીય વર્ષમાં સમાન સમયગાળા દરમિયાન કંપની તરફથી રૂ. 133.66 કરોડનો નફો દેખાડવામાં આવ્યો હતો. આ સિવાય 2018-19માં કંપનીએ વાર્ષિક રૂ. 2,426.82 કરોડની ખોટ દેખાડી હતી જ્યારે 2017-18માં કંપનીને વાર્ષિક રૂ. 1,255.50 કરોડનો નફો થયો હતો.
નાઈજિરિયામાં ઓઈલરિગ, જહાજ, જેટ વિમાન અને લંડનમાં ફ્લેટ સહિતની 9778 કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિ પર ઈડી દ્વારા ગુજરાતની કંપની સ્ટર્લિંગ બાયોટેક સામેના મનિલોન્ડરિંગ કેસના સંબંધમાં ટાંચ મૂકવામાં આવી હતી.

ઈડી દ્વારા આ પ્રકારની સંપત્તિ પર ટાંચ મૂકવાનો સૌથી મોટો ઓર્ડર છે, જેનું કુલ મૂલ્ય 9778 કરોડ રૂપિયા છે. મોટા ભાગની સંપત્તિ વિદેશમાં છે. ઈડીએ એક નિવેદનમાં કહ્યું કે નાઈજિરિયામાં ચાર ઓઈલરિગ, ઓએમએમ 143 નામનું ઓઈલફિલ્ડ, પનામામાં નોંધાયેલા ચાર જહાજ તુલજાભવાની, વરિન્ડા, ભાવ્યા અને બ્રહ્માણિટેક, અમેરિકામાં નોંધાયેલું ગલ્ફસ્ટ્રીમ જેટ અને લંડનમાં એક ફ્લેટ વિગેરે પર ટાંચ મૂકવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મનિલોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઈડીએ ટાંચ મૂકવા અંગેનો પ્રોવિઝનલ ઓર્ડર બહાર પાડ્યો હતો. કંપનીની વિદેશમાંની સંપત્તિ સહિત 9778 કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિ ટાંચમાં મૂકવામાં આવી છે. આંધ્ર બૅંક સહિત બૅંકોના એક જૂથ પાસેથી કંપનીએ 5000 કરોડ રૂપિયાથી વધુની લોન મેળવી હતી અને તે લોન એનપીએ (નોન પર્ફોર્મિંગ એસેટ) બની હતી એટલે કે ચૂકવવામાં આવી ન હતી. આ રકમ 8100 કરોડ રૂપિયા જેટલી થઈ છે. સીબીઆઈની એફઆઈઆર અને ચાર્જશીટના આધાર પર ઈડીએ કથિત બૅંક ફ્રોડ કૌભાંડના સંબંધમાં ક્રિમિનલ કેસ કર્યો હતો. વડોદરાના સાંડેસરા ભાઈઓ કંપનીના પ્રમોટર છે.
સાંડેસરાઓ સામે કેટલાક હાઈપ્રોફાઈલ રાજકારણીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવા અંગે પણ ઈડી અને સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. સાંડેસરાભાઈઓએ નાઈજિરિયામાં આશ્રય લીધો છે અને ભારત તેમના પ્રત્યર્પણ માટે પ્રયત્ન કરી રહ્યું છે.

લોકસભામાં સોમવારે એક પ્રશ્ર્નના લેખિત ઉત્તરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, 2019ના 1, એપ્રિલથી 18 જૂન સુધીમાં આવકવેરા વિભાગે રૂ. 64700 કરોડના રિફન્ડ ઈસ્યુ કર્યા છે. 2018-19ના નાણાંકીય વર્ષમાં રૂ. 1.61 લાખ કરોડ છૂટા કરાયા હતા.
2018-19ના એસેસમેન્ટ વર્ષ માટે 6.49 કરોડ ઈ-રીટર્ન સુપરત થયા છે. જે અગાઉના વર્ષ કરતા 18.65 ટકા વધુ છે. સરકારે નાના કરદાતા સહિત તમામ કરદાતાના રિફન્ડ ઈસ્યૂને સૌથી વધુ પ્રાધાન્યતા આપી છે.
0.5 ટકાથી પણ ઓછા આઇટી રિટર્ન સ્ક્રૂટીની માટે પસંદ કર્યા છે. મોટાભાગના રિટર્નનું પ્રોસેસિંગ ઝડપી થયું છે અને રિફન્ડ ઈસ્યુ થયા છે. કરદાતાને 26.9 કરોડ એસએમએસ અને ઈ-મેઈલ મોકલાયા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદના બન્ને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધતા જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર ઔદ્યોગિક વિકાસને નવું જોમ પૂરું પાડવા અને રોજગારીની નવી તક ઊભી કરવા માટે ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરશે.
તેમણે દેશની મહિલાઓની સમાનતા માટે ‘ટ્રિપલ તલાક’ અને ‘નિકાહ-હલાલા’ જેવા સામાજિક દૂષણ દૂર કરવા સરકાર કટિબદ્ધ હોવાનો દાવો કર્યો હતો.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મોદી સરકાર કાળાં નાણાં સામેની ઝુંબેશ વધુ વેગવાન બનાવશે અને ભ્રષ્ટાચાર રોકવા માટે વધારે અસરકારક નીતિ ઘડી કાઢશે.
રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સરકાર દ્રુતગતિ માર્ગ (એક્સ્પ્રેસવે) ઉપરાંત 35,000 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ કરશે.
આ ઉપરાંત, નવા સારા શહેરી માળખાના નિર્માણ દ્વારા રોજગારીની નવી તક ઊભી કરાશે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ‘સાગરમાલા પ્રકલ્પ’ હેઠળ કાંઠાના વિસ્તારો અને આસપાસના બંદરોને જોડતા સારી ગુણવત્તાના રસ્તા તૈયાર કરાશે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રદૂષણને નાથવા માટે ઇલેક્ટ્રૉનિક વાહનોના ઉત્પાદનને વધારવા પ્રોત્સાહન આપશે.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર રેલવે, વાહનવ્યવહાર ઝડપી બનાવવા ઉપરાંત ‘ઊડે દેશ કા આમ નાગરિક’ (ઉડાન) યોજના હેઠળ નાના શહેરોને વિમાનમાર્ગે જોડવાનું કાર્ય ઝડપી બનાવશે. રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સરકાર લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ધિરાણ મેળવવાનું વધુ સરળ બનાવશે.
તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર દેશની સલામતી વ્યવસ્થાને પ્રાધાન્ય આપશે. પાડોશી દેશમાંથી થતી ઘૂસણખોરીને રોકવા વધુ અસરકારક પગલાં ભરાશે. આ ઉપરાંત, નક્સલવાદને પણ ખતમ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે દાવો કર્યો હતો કે ત્રાસવાદ સામેની લડતમાં વિશ્ર્વના અનેક દેશ હવે ભારતની સાથે છે. મસૂદ અઝહર જેવા આંતરરાષ્ટ્રીય ત્રાસવાદીઓ, તેઓના સંગઠનો અને સાયબર ગુના સામે પગલાં લેવાઇ રહ્યા છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ‘ટ્રિપલ તલાક’, ‘નિકાહ-હલાલા’ જેવા સામાજિક દૂષણને નાબૂદ કરીને દેશની મહિલાઓને સમાન અધિકાર અપાવશે.
તેમણે જણાવ્યું હતું કે આ વખતે 78 મહિલા સાંસદ તરીકે ચૂંટાઇ આવી છે. લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા આ વખતે સૌથી વધુ છે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનને કારણે સ્ત્રીભ્રૂણ-હત્યામાં ઘણો ઘટાડો થયો છે.
તેમણે જણાવ્યું હતું કે મોદી સરકાર ‘રાષ્ટ્રીય આજીવિકા અભિયાન’ હેઠળની ‘દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય આજીવિકા યોજના’માં ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારની તક પૂરી પાડે છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાંની ત્રણ કરોડ મહિલાને રૂપિયા બે લાખ કરોડથી વધુનું કરજ અપાયું હતું. તેમણે સાંસદોને દેશના સામાન્ય નાગરિકોને પ્રેરણા મળે એ રીતે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતને પોતાના નાગરિકો દ્વારા સ્વિટ્ઝર્લેન્ડ સહિતના 146 દેશમાં જમા કરાવાયેલા કાળાંને લગતી માહિતી મળી રહી છે. કોવિંદે જણાવ્યું હતું કે લોકપાલની નિમણૂક કરીને વહીવટી કામમાં પારદર્શકતા વધારાશે.
આ ઉપરાંત, સરકારી કામકાજમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ પણ વધારવામાં આવશે. તેમણે મોદી સરકાર વતી દાવો કર્યો હતો કે દેશની જનતાએ 2014માં શરૂ થયેલા રાષ્ટ્રના ઝડપી વિકાસને વેગ આપવા માટે સરકારને ભવ્ય બહુમતીથી સત્તા પર બેસાડી છે.

ચોમાસાની અને તહેવારોની સિઝન નજીક આવી છે, તેમ ખાવાના તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. ૪૦ રૂપિયાના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ ૧૮૧૦ રૂપિયાએ પહોંચ્યો હતો. સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો.
બે દિવસમાં એક ડબ્બે રૂપિયા ૪૦નો વધારો જોવા મળ્યો હતો. આ માટે વાવેતરના દાણાની માગમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. માગમાં વધારો થવાની સાથે દાણાંના ભાવમાં પણ વધારો થયો હતો. તો બીજી તરફ, કપાસિયા તેલમાં પણ ૧૦ રૂપિયાનો ભાવવધારો નોંધાયો હતો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૧૨૭૦ રૂપિયે પહોંચ્યો હતો.
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેથી માર્કેટમાં અને ઘરોમાં તળેલી વાનગીઓની ડિમાન્ડ વધુ રહેશે. સાથે જ ભજિયાનું વેચાણ ચોમાસામાં વધી જાય છે. તો બીજી તરફ, હવે શ્રાવણ મહિનો નજીક હોઈ વિવિધ તહેવારો શરૂ થશે. જેને કારણે તળેલી વાનગીઓ અને ફરસાણની ડિમાન્ડ વધુ રહેશે ત્યારે વધી રહેલી આ મોંઘવારીમાં તેલના વધતા ભાવ ગૃહિણીનું બજેટ તથા ગરીબોના તહેવારોને પર પણ અસર કરી શકે છે.