
- દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે ઓમાનમાં વેપાર-રોકાણની નવી તકો
- ઓમાનમાં હાઇ-લેવલ મલ્ટી-સેક્ટર બિઝનેસ ડેલિગેશન મોકલવા ચેમ્બર પ્રમુખનો પ્રસ્તાવ; ટેક્સટાઇલ, ડાયમંડ અને ફાર્મા સેક્ટર પર વિશેષ ફોકસ
- 1 જૂનથી અમલી બનેલા ઇન્ડિયા-ઓમાન મુક્ત વ્યાપાર કરાર (CEPA) બાદ સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારને વૈશ્વિક સ્તરે મોટો વેગ મળી શકે એમ છે
- ભારત મસ્કત દૂતાવાસ દ્વારા ચેમ્બરના ડેલિગેશનને ઓમાન સરકાર અને ‘ઇન્વેસ્ટ ઓમાન’ સાથે B2B બેઠકો કરાવવા સંપૂર્ણ ખાતરી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આજે મસ્કત (ઓમાન) સ્થિત ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. ઝૂમ પર યોજાયેલી આ બેઠકનો ઉદ્દેશ મુખ્ય બેઉ દેશો વચ્ચે 1 જૂનથી અમલમાં આવેલા મુક્ત વેપાર કરાર બાદ અને ભારત-ઓમાન વચ્ચે વેપાર તેમજ રોકાણ સહકારને વધુ મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ) શ્રી કરનબીર સિંહ ચોહાણ અને ચેમ્બરના હોદ્દેદારો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અંગે સકારાત્મક મંથન થયું હતું.
દક્ષિણ ગુજરાતની આર્થિક તાકાત ઓમાનના બજારો સુધી પહોંચશે: પ્રમુખ અશોક જીરાવાલા
બેઠકના પ્રારંભમાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ ચેમ્બરની સત્તાવાર રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, “ચેમ્બર આજે દક્ષિણ ગુજરાતમાં 14,500 થી વધુ પ્રત્યક્ષ સભ્યો અને 155થી વધુ અગ્રણી વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.” તેમણે ઓમાનના સત્તાવાળાઓ સમક્ષ દક્ષિણ ગુજરાતના મુખ્ય ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, ડાયમંડ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જીની તાકાત રજૂ કરી હતી. તેમણે સૂચવ્યું કે ચેમ્બર ઓમાનમાં અગ્રણી કંપનીઓ સાથે B2B બેઠકો કરવા, સંયુક્ત સાહસો સ્થાપવા અને નિકાસની નવી તકો શોધવા માટે ટૂંક સમયમાં એક ઉચ્ચ સ્તરીય-મલ્ટી સેક્ટર પ્રતિનિધિમંડળ ઓમાન મોકલશે.
CEPA કરાર અને ઓમાનની વેપાર નીતિઓ અંગે ચર્ચા
ચેમ્બર તરફથી ઓમાનના ઇમ્પોર્ટ રેગ્યુલેશન્સ, કસ્ટમ્સ પ્રોસિજર અને પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ સમજવા માટે માર્કેટ ઇન્ટેલિજન્સ પૂરી પાડવા વિનંતી કરવામાં આવી હતી. ભારત-ઓમાન વચ્ચે થયેલા કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA)ના અમલીકરણ બાદ ઊભી થયેલી તકો તેમજ વર્તમાન પ્રાદેશિક કટોકટીની લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન પર પડનારી અસરો અંગે દૂતાવાસનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. જ્યારે ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ પોતાના ભૂતકાળના ઓમાન પ્રવાસના હકારાત્મક અનુભવો શેર કર્યા હતા.
ભારતીય દૂતાવાસ તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી
એમ્બેસી ઓફ ઇન્ડિયા, મસ્કત (ઓમાન) ના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ, પ્રેસ એન્ડ ઇન્ફોર્મેશન) તેમજ હેડ ઓફ ચાન્સરી શ્રી કરનબીર સિંહ ચોહાણે જણાવ્યું હતું કે, ઓમાનમાં ભારતમાંથી થતી આયાતમાં દક્ષિણ ગુજરાતના જે સેક્ટર્સનો મોટો હિસ્સો છે, તેમને ઓમાનના સ્થાનિક બજાર સાથે જોડવામાં આવશે. આ હેતુસર તેમણે ચેમ્બરને સેક્ટર વાઇઝ પ્રતિનિધિમંડળ લઈને ઓમાન આવવા આમંત્રણ આપ્યું હતું અને તે તમામ બેઠકોનું આયોજન ભારતીય દૂતાવાસ કરશે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત, તેમણે ઓમાનમાં યોજાનારા વિવિધ પ્રદર્શનો પૈકી મેડિકલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત એક્ઝિબિશન ‘ઓમાન હેલ્થ’ માં જોડાવા માટે ચેમ્બરના પ્રતિનિધિમંડળને વિશેષ આમંત્રણ આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલમાં ઓમાનમાં સોલાર એનર્જી (સૌર ઊર્જા) ક્ષેત્રે વિદેશી રોકાણને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
તેમણે ચેમ્બરને એક વિસ્તૃત પ્રસ્તાવ સબમિટ કરવા જણાવ્યું છે, જેના આધારે દૂતાવાસ ઓમાનની સત્તાવાર રોકાણ એજન્સી ‘ઇન્વેસ્ટ ઓમાન’ તેમજ સ્થાનિક સરકારી સત્તાવાળાઓ સાથે ચેમ્બરના સભ્યોની ઉચ્ચ સ્તરીય બેઠકોનું આયોજન કરાવી શકે.
આ બેઠકમાં દૂતાવાસ તરફથી માર્કેટિંગ આસિસ્ટન્ટ્સ સુશ્રી સોનિયા ધુરી અને સુશ્રી સબિહા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીને બેઠકનું સમાપન કર્યું હતું.








