CIA ALERT

Alert Archives - Page 441 of 519 - CIA Live

November 29, 2018
trade-fair.jpg
1min15340

સુતમાં એક તરફ એમ કહેવાય રહ્યું છે કે અભૂતપૂર્વ મંદીનો માહોલ છે અને લોકો ખાસ કરીને વ્યાપારીઓ અપૂર્વ નાણાંભીડમાંથી પસાર થઇ રહ્યા છે. ધંધો-ધાપો ચાલતો નથી. આવી સ્થિતિમાંથી બહાર નીકળતા સહેજેય એક વર્ષ જેટલો સમય નીકળી જાય તેમ છે. આમ છતાં સુરત બહારના ધંધાદારીઓ, વ્યાવસાયિકોના મતે સુરતમાં હજુ પણ લિક્વિડીટી છે અને જે લોકો રૂપિયા લઇને બેઠા છે, જેઓ રોકાણની યોગ્ય તકની રાહ જોઇને બેઠા છે એવા સુરતના બિઝનેસમેનની સંખ્યા પણ ખાસ્સી છે. સુરતની ઇકોનોમી પર સરવે કરનારી સંસ્થાઓ કહે છે કે સુરતના ઉદ્યોગપતિઓ સુરતમાં રોકાણ કરવાની જગ્યાએ દેશ કે દુનિયામાં જ્યાંથી સારુ એવું રિટર્ન મળે ત્યાં ઇન્વેસ્ટ કરવા માટે સતત તકોની શોધમાં હોય છે. અને આ જ કારણે સુરતમાં હવે ઇન્ટરનેશનલ પ્રોપર્ટીઓ વેચાવા માટે આવી રહી છે. પ્રોપર્ટીઓ વેચાણ એટલે દુબઇની 25 જેટલી પ્રાઇમ લોકેટેડ પ્રોપર્ટી હોય કે અમેરિકામાં 3.5 કરોડ કે તેનાથી વધુનું રોકાણ કરીને ઇન્વેસ્ટર વીઝા મેળવવાની પ્રોસેસ તમામમાં મિલક્ત ખરીદીનો સંદર્ભ હોય છે અને સુરતીઓ આ બાબતને એક સારી તક માનતા હોય આગામી તા.1 લી અને તા.2 ડિસેમ્બરે સુરતમાં દુબઇ અને અમેરિકાના EB-5 વીઝા માટે સુરતના વીઆઇપીઓ, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ માટે ખાસ કેમ્પ રાખવામાં આવ્યા છે.

  • તા.1 અને 2 ડિસેમ્બર 2018ના રોજ ટીજીબી ખાતે દુબઇની 25 પ્રોપર્ટીઓના વેચાણ માટે વીઆઇપીઓ માટે ખાસ શૉ
  • તા.1લી ડિસેમ્બરના રોજ સુરતમાં અમેરિકાના EB-5 વીઝા ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા માટે પણ સુરતી બિઝનેસમેનોને આકર્ષવાનો પ્રયાસ થશે

સુરતના આંગણે દુબઇ પ્રોપર્ટી શૉ

સુરતમાં આગામી તા.1લી અને 2જી ડિસેમ્બર 2018ના રોજ ધ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા પોતાની સંસ્થાનું નામ જાહેર કરાયું નથી કે દુબઇની પ્રોપર્ટીનું વેચાણ કોણ કરી રહ્યું છે પરંતુ, સોશ્યલ મિડીયામાં આપવામાં આવેલી જાહેરાતોમાં જણાવાયું છે કે દુબઇમાં સુરતી રોકાણકારો જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેમને 10 વર્ષના વીઝા ઉપરાંત બીજા અનેક બેનિફિટ્સ મળી શકે તેમ છે. 10 વર્ષના યુનાઇટેડ આરબ અમિરાતસના રેસિડેન્સી વીઝા માટે ઓછામાં ઓછું ભારતીય ચલણ મુજબ રૂ.1.2 કરોડનું રોકાણ દુબઇ ખાતે કરવું પડે તેમ જણાવાય છે.

સુરત ખાતે યોજાઇ રહેલા દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉમાં 25 જેટલી દુબઇની પ્રાઇમ લોકેશનવાળી પ્રોપર્ટીનું સેલિંગ ઓફર્સ તેમજ પેમેન્ટ પ્લાન્સ દર્શાવવામાં આવશે. આ પ્રોપર્ટી માટે ઇન્વેસ્ટર્સને પહેલા ત્રણ વર્ષ સુધી 8 ટકા જેટલું વળતર ચૂકવવાની પણ ગેરેન્ટી આપવામાં આવી રહી છે.

અમેરિકાના EB-5 વીઝા એટલે ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા જે

5 લાખ યુએસ ડોલર્સ અંદાજે 3.5 કરોડ રૂપિયામાં પડે

સુરતમાં તા.1લી ડિસેમ્બર 2018ના રોજ એક એવો પણ ઇન્વેસ્ટમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં અમેરિકા જવા માટે ઇચ્છુકોને જો ત્યાંના  રેસિડેન્સી વીઝા ન મળતા હોય તો EB-5 વીઝા એટલે કે અમેરિકામાં પ્રોપર્ટીમાં રોકાણ કરીને ત્યાના વીઝા મેળવી શકાય તે માટે આકર્ષવામાં આવશે. આ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કેમ્પનું આયોજન કોણે કર્યું છે તેની કોઇ જ માહિતી સોશ્યલ મિડીયા કેમ્પેનમાં આપવામાં આવી નથી. ફક્ત ટેલિફોનિક ઇન્કવાયરીમાં એવું કહેવાય રહ્યું છે કે તા.20મી નવેમ્બર 2018ના રોજ ઇન્કવાયરી કરનારાઓને આ શૉ ક્યાં રાખવામાં આવ્યો છે તેની માહિતી તેમના ટેલિફોન નંબર પર જણાવવામાં આવશે.

 

 

November 29, 2018
2.0.jpg
1min11850

દેશભરમાં આજે 2.0 રિલીઝ થઈ છે. રજનીકાંતના ચાહકોએ તેમની પરંપરા નિભાવતા દેશના અનેક ભાગોમાં સિનેમાઘરોની બહાર ઉત્સવ મનાવ્યો. અનેક શહેરોમાં સવારના 6 વાગ્યાથી જ શો શરૂ થઈ ગયા હતા. સ્ક્રીન પર રજનીકાંતની એંટ્રી થતા જ ચાહકો ગાંડા-ઘેલા થઈ ગયા હતા. એ પૂર્વે રજનીકાંત અને અક્ષયકુમારની ફિલ્મ 2.0ની પાઈરસી અટકાવવા માટે મદ્રાસ હાઈકોર્ટે મહત્વના નિર્દેશો આપ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે એક મોટો નિર્ણય લેતા આદેશ આપ્યો હતો કે 12 હજાર સાઈટ્સને તરત જ બ્લૉક કરવામાં આવે.

2.0ના રિલીઝ પૂર્વે જ પાઇરેસી કન્ટેન્ટ અપલોડ કરતી વેબ સાઈટ્સને બ્લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એવી તમામ વેબનો સમાવેશ થાય છે કે જે તમિલ ફિલ્મની પાઈરસી કરી તેને અપલોડ કરે છે. રાજ્યના 37 ઈંટરનેટ પ્રોવાઈડર્સને તાત્કાલિક આ સાઈટ્સ બ્લોક કરવાના આદેશ આપવામાં આવ્યો છે. આ લિસ્ટમાં એ 2 હજાર વેબસાઈટ્સના નામ પણ સામેલ છે જેને તમિલ રૉકર્સ નામની વેબસાઈટ ઑપરેટ કરે છે.

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એમ સુંદરે 2.0ની પ્રૉડ્યૂસર કંપની લયકા પ્રૉડક્શનની અરજી પણ આ આદેશ આપ્યો છે. જેમાં 12, 564 ગેરકાયદે વેબસાઈટના નામ આપવામાં આવ્યા હતા. જ્યારે તમિલ રૉકર્સને બ્લૉક કરવામાં આવી હતી તો તેની જગ્યાએ URLમાં ફેરફાર કરીને અનેક સાઈટ શરૂ કરવામાં આવી હતી. જેમને બ્લૉક કરવામાં આવી છે. પાઈરસીથી ફિલ્મોના બિઝનેસને મોટો ફટકો પડે છે. જેને જોતા આ અરજી કરવામાં આવી હતી

 

November 29, 2018
maratha.jpg
1min6030

ગુજરાતમાં પાટીદારો અનામત માટે છેલ્લા 4 વર્ષથી લડત ચલાવી રહ્યા છે, અનામત માટેની લડત કરતા વધારે હવે પાટીદાર આંદોલન ભાજપા અને સરકાર વિરુદ્ધનું આંદોલન બની રહ્યું છે. બીજી તરફ, પાટીદાર આંદોલન જ્યારે પૂરજોશમાં હતું અે સમયે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનનો ગણગણાટ પણ સંભળાતો ન હતો, આ જે પરિસ્થિતિ એ આવીને ઉભી છે કે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો અમલ તા.1લી ડિસેમ્બર 2108થી શરૂ કરવાના ચક્રો ગતિમાન છે.

આ મામલે અસ્સલ સુરતી ભાષામાં સવાલ કરીએ તો એમ પૂછાય કે ગુજરાતમાં પાટીદાર અનામતના મુદ્દે કોને ધંધો કરતા આવડ્યો નહીં ?, સરકાર કે પાટીદાર આંદોલનકારીઓને ?

મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત આપવાની દરખાસ્ત પણ રાજ્ય સરકાર લઇ આવી હતી અને તા.29મી નવેમ્બર 2018ના રોજ તેને વિધાનસભાએ મંજૂરી પણ આપી દીધી છે. વિધાનસભાના ઠરાવના આધારમાં ત્યાંના ઓબીસી કમિશનનો રિપોર્ટ મૂકવામાં આવ્યો છે. મતલબ કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા માટે પ્રોપર વે માં દરેક પ્રોસિજર કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં સુરતી ભાષામાં કહીએ તો કોઇને પણ ધંધો કરતા આવડ્યો નહીં, ખાયા-પીયા કુછ નહીં ગિલાસ તોડા બારા આના જેવો ઘાટ સર્જાયો છે.

મહારાષ્ટ્ર સરકારે શિક્ષણ અને રોજગારી મામલે મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ હતો જેને વિધાનસભામાં કોઇ ખાસ મુશ્કેલી વગર મંજૂર કરાયો છે. આ રિપોર્ટમાં આયોગના પ્રમુખની ભલામણો અને તેના પર સરકાર દ્વારા લેવાયેલા પગલાંની પણ માહિતી અપાશે. સીએમ ફડણવીસે 1 ડિસેમ્બરથી મરાઠા અનામત લાગુ કરવાનો સંકેત આપ્યો હતો. ત્યારે શિવસેના અને ભાજપે વ્હિપ જાહેર કરી તમામ ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા કહ્યું છે.

મરાઠાઓને અનામતના ક્વોટા મામલે રાજ્ય પછાત વર્ગ આયોગનો રિપોર્ટ સદનમાં રજૂ કરવાની માગને લઈને વિધાનસભામાં હોબાળો થયો હતો. સીએમ દેવેન્દ્ર ફડણવીસે મરાઠાઓને અનામત આપવાની કાર્યવાહીમાં વિઘ્ન નાખવાનો આરોપ લગાવ્યો હતો.

સાથે જ આયોગની ભલામણો પર લેવાયેલા પગલાંનો રિપોર્ટ સદનમાં રજૂ કરવાની જાહેરાત પણ કરી હતી. સાથે જ દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષ પર સમાજમાં તણાવ ફેલાવવાનો આરોપ લગાવ્યો તો સરકાર મરાઠાઓને અનામત આપવા પ્રતિબદ્ધ હોવાનું પણ કહ્યું.

November 29, 2018
GOVT-JOBS.jpg
1min9080

  • ગુજરાત ત્રીજા વર્ગની 12 હજાર જગ્યાઓ માટે 38 લાખ અરજી
  • તલાટીની કુલ 1800 જગ્યા માટે 19 લાખ અરજીઓ
  • ફોરેસ્ટ બીટ ગાર્ડની 334 જગ્યાઓ માટે 4, 84, 000 અરજી
  • પોલીસ કોન્સ્ટેબલની 9, 713 જગ્યાઓ માટે માત્ર 8, 76, 000

સરકારી નોકરી મેળવવા માટે આજકાલ યુવાનોમાં કેટલી હોડ મચી ગઇ છે એની પ્રતીતિ કરાવતી ઘટના આકાર પામી છે. આજના જમાનામાં સરકારી કર્મચારી પછી ભલે એ ક્લાસ-થ્રી પદની કેમ ન હોય, લાઇફ સ્ટાઇલ, કાયદેસરની આવક એટલે કે પગાર અને આકસ્મિક આવક એટલે કે બેનંબરી આવક, ઠાઠ માઠ વગેરે જોઇને યંગસ્ટર્સ પણ હવે સરકારી નોકરી મેળવવા માટે ભારે પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે ક્રિમ ખાતું ગણાય. રેવન્યુ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારથી ખદબદતું ખાતું છે, સૌથી વધુ એન્ટી કરપ્શનના કેસો પણ રેવન્યુ ખાતામાં જ થતાં હોય છે. રેવન્યુ ખાતામાં આવતા તલાટીઓ ભ્રષ્ટાચાર આચરવા માટે સૌથી વધુ કુખ્યાત હોય છે. જમીનના દફતરમાં કોઠા કબાડા કરવા માટે તલાટીઓ ભારે બદનામ હોય છે. અને હવે એ જ તલાટી બનવા માટે શિક્ષિત બેરોજગારોએ કેવી પડાપડી કરી છે તેની વિગતો તલાટી માટે ગુજરાત સરકારે હાથ ધરેલી ભરતી પ્રક્રિયા અન્વયે મળેલી અરજીઓની સંખ્યા પરથી થઇને રહે છે.

ગુજરાતમાં તલાટીની નોકરીને વૈભવી માનવામાં આવે છે અને તલાટીઓને વૈભવશાળી. એવી બહું ઓછી જીવતી વારતા સાંભળવા મળે છે જેની પહેલી લાઇન એમ હોય કે, એક ગરીબ તલાટી હતો. જમીનના કોઠા કબાડા બહાર આવે ત્યારે પહેલું કુકર્મ જો કોઇએ કર્યું હોય તો એ તલાટીનું નામ છાપરે ચઢીને પોકારે. આવી સ્થિતિમાં હાલમાં ગુજરાતમાં તલાટીઓની ખાલી પડેલી 1800 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તલાટી બનવા માટે ભલભલા ઉમેદવારોએ ઝુકાવ્યું છે.

ગુજરાતમાં તલાટીની 1800 જેટલી જગ્યાઓ માટે કુલ 19 લાખ જેટલી અરજીઓ મળી છે.

તલાટી બનવા માટે આટલી મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગારોએ કરેલી અરજી એ બાબત પણ સૂચવે છે કે યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષાઓને અઘરી ગણતા યંગસ્ટર્સ માને છે કે તલાટીની પરીક્ષા સરળતાથી પાસ કરી દેવાશે.

ગુજરાતમાં બેકારીના આંકડા જાણે સતત વધી રહ્યા છે. તા.28મી નવેમ્બરના રોજ મળેલી ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતી હેરત પમાડે એવી છે. રાજ્યમાં ત્રીજા વર્ગની 12 હજાર ખાલી પડેલી જગ્યાઓ માટે અધધધ 38 લાખ અરજીઓ મળી છે. જેમાંથી 50 ટકા એટલે કે 19 લાખ અરજી તલાટીની પોસ્ટ માટે છે. જેમાં માત્ર 1800 જગ્યાઓ છે. અરજી કરવાની અંતિમ તારીખને હજુ સમય હોવાથી આ આંકડો હજુ વધી શકે છે.

તલાટીની પોસ્ટ માટે સૌથી વધુ અરજીઓ મળી છે. આંકડાઓ પ્રમાણે એક જગ્યાઓ માટે આશરે 1, 055 ઉમેદવારોએ અરજી કરી છે. જ્યારે ફોરેસ્ટ બીટ ગાર્ડની 334 જગ્યાઓ માટે 4, 84, 000 અરજી મળી છે. એટલે કે એક પોસ્ટ માટે આશરે 1, 449 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની 9, 713 જગ્યાઓ માટે માત્ર 8, 76, 000 અરજીઓ આવી છે.

સરકારી નોકરી માટેની અરજીઓ અને વાસ્તવિક બેકારી વચ્ચે સીધો સંબંધ ન હોય શકે. કારણ કે ઘણી વાર સારી નોકરીની શોધમાં લોકો એક નોકરી હોવા છતા બીજી માટે અરજી કરે છે. જો કે કૉંગ્રેસે આ આંકડાઓને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ‘ આ આંકડાઓ પરથી સાબિત થાય છે કે રાજ્યમાં બેકારીએ ભરડો લીધો છે. ‘

 

November 29, 2018
china.png
1min4820

ઉત્તર ચીનના હેબૈ પ્રાંતમાં એક રાસાયણિક પ્લાન્ટ નજીક મસમોટો વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા બાવીસ જણનાં મોત નીપજ્યાં હતાં. ઘણા લોકોને ઈજા થઈ છે. છેલ્લા ચાર દિવસમાં ડ્રેગનના દેશમાં બીજો મોટો ઔદ્યોગિક અકસ્માત થયો છે.

ક્વીન્ગડોન્ગના ઝાન્ગજીઆકૌમાં હેબૈ શેન્ઘૂઆ કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં 12-20 વાગ્યે આ ધડાકો થયો હતો. આથી આગની જ્વાળાઓ લપકારા મારતાં તેમાં આસપાસના વાહનો ભસ્મીભૂત થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ડઝનબધ ટ્રક સહિત લગભગ 50 વાહનો ભસ્મીભૂત થયા હતા. રાત્રે આકાશમાં કાળાડિબાંગ ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા.

ઈજાગ્રસ્તોને નિકટની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે તેમ જ શોધ કામગીરી ચાલી રહી છે. ગ્લોબલ ફોરચ્યુન 500 એન્ટરપ્રાઈઝમાં સરકારની માલિકીની કેમચાઈના 167મા ક્રમાંકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બીજીંગથી વાયવ્ય ખૂણે 156 કિમીના અંતરે આવેલા ઝાન્ગજીઆકૌ ખાતે 2022માં વિન્ટર ઓલિમ્પીક્સ યોજાશે.

હજી 24મી નવેમ્બરે થયેલા વિસ્ફોટમાં બે જણનાં મોત નીપજ્યાં હતાં તેમ જ 57 લોકોને ઈજા થઈ હતી. 370 રહેઠાણને હાનિ થઈ છે તેમ જ 15 જમીનદોસ્ત થયા હતા.

November 29, 2018
online_fraud-1280x720.jpg
1min12970

ઇન્ટરનેટ કે સોશ્યલ મિડીયા સાઇટ્સ, સોશ્યલ નેટવર્કિંગ સાઇટ વગેરે પર મૂકવામાં આવતી, પોસ્ટ કરવામાં આવતી બધી માહિતી, વિડીયો, ફોટા કે અન્ય મટિરિયલ્સ પર ભરોસો મૂકનારા મોટા ભાગે પસ્તાયા છે. ઇન્ટરનેટ પર મૂકાતી માહિતીને વેરાફાય થઇ શકે નહીં, અને ખુદ ભરોસો મૂકનારે વેરીફાય કર્યા પછી આગળ વધવું જોઇએ અન્યથા મુંબઇની એક યુવતિને આવો અનુભવ કેટલા રૂપિયામાં પડ્યો એ જાણીને તમે ક્યારેય ઇન્ટરનેટ પરની માહિતીને સાચી નહીં માની બેસો એ વાતની ગેરન્ટી છે.

મેટ્રીમોનિયલ સાઇટ પર યુવક સાથે થયેલો પરિચય 32 વર્ષની યુવતીને ભારે પડયો હતો. વિદેશમાં એરપોર્ટ પર મની લોન્ડરિંગની શંકા પરથી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ વિભાગે તાબામાં લીધો હોવાનું જુઠ્ઠાણું ચલાવી યુવતી પાસેથી રૂ. 26.49 લાખ પડાવવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ ધરપકડ કરેલા યુવકની ઓળખ નિમેશ ચોટલિયા તરીકે થઇ હતી. ધરપકડ બાદ નિમેશને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેને 4 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

અમેરિકામાં વર્ક વિઝા પર નોકરી કરતી યુવતીએ મેટ્રીમોનિયલ વેબસાઇટ પર પોતાનો પ્રોફાઇલ અપલોડ કર્યો હતો. ત્યાર બાદ મેટ્રીમોનિયલ સાઇટ મારફત તેનો પરિચય નિમેશ સાથે થયો હતો. નિમેશે તેને કહ્યું હતું કે તેણે ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કર્યો છે અને મુંબઈની બીકેસી ખાતે આવેલી કંપનીમાં હાર્ડવેર નેટવર્કિંગ વિભાગનો હેડ છે. તેણે યુકેની અનેક કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. દરમિયાન યુવતીએ નિમેશના માતા-પિતા સાથે લગ્ન વિશે વાતચીત કરવાનું નક્કી કર્યું હતું, પણ વરલીમાં ફ્લેટ લીધા બાદ વાતચીત કરવાનું નિમેશે તેને કહ્યું હતું.

દરમિયાન તેણે યુવતીને કહ્યું હતું કે તે લંડન જઇ રહ્યો છે અને ત્યાંથી તે ન્યૂ યોર્ક આવીને તેને મળશે. જોકે બાદમાં તેણે કહ્યું હતું કે તેને ન્યૂજર્સી ખાતે એરપોર્ટ પર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન વિભાગે મની લોન્ડરિંગની શંકા પરથી તાબામાં લીધો હતો અને તેમાં યુવતીનું નામ આવ્યું હોવાથી આમાંથી અમેરિકન ડોલર તેના મુંબઈના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાનું યુવતીને જણાવ્યું હતું. યુવતીએ વખતોવખત 37,122 અમેરિકન ડોલર (રૂ. 26.49 લાખ) નિમેશના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

દરમિયાન યુવતીને શંકા જતાં તેણે મેટ્રીમોનિયલ સાઇટ પર નિમેશે આપેલા સરનામે જઇને તેના પરિવારને મળવા માટે પોતાના પિતાને કહ્યું હતું. આથી યુવતીના માતા-પિતા નિમેશના પાર્લામાં આવેલા ઘરે ગયા હતા, જ્યાં નિમેશ પાંચ વર્ષમાં ક્યારે પણ વિદેશ ગયો ન હોવાનું તેમને જાણવા મળ્યું હતું. છેતરપિંડી થયાની જાણ થતાં યુવતીના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, એમ પોલીસે કહ્યું હતું.

November 29, 2018
varacha_bank_logo.png
1min29480
કોઇ સહકારી બેંકની વાસ્તવિક કામગીરી શું હોય શકે ? , સહકારી બેંકોની સ્થાપના પાછળ કયો આશય હશે? વગેરે બાબતની પ્રતીતિ કરવી હોય તો સુરતની વરાછા કો.ઓ. બેંકની કામગીરીને જોવી, જાણવી, માણવી પડે. વરાછા કો.ઓ. બેંક ખરેખર એવી સહકારી બેંક બની છે કે જે ખાતેદારો સાથે ફક્ત ધંધાકીય કે આર્થિક લેવડ-દેવડ જ નથી કરતી પરંતુ, ખાતેદારો, બેંકના ગ્રાહકોને સુખ-દુખમાં સહભાગી પણ બને છે, ખાસ કરીને દુખમાં તો ભાગીદાર અવશ્ય બને છે.
એવું નથી કે કોઇ સહકારી બેંક માટે ફક્ત બેંકના કર્મચારીઓ કે ડિરેક્ટરો જ કામ કરતા હોય, સુરતના વરાછા રોડની આ બેંક માટે તો બિલકુલ સેવાભાવી રીતે એક એવી ફૌજ કામ કરે છે બેંકની દરેક બ્રાંચ અને ગ્રાહકો વચ્ચે સેતુ સાધી આપે છે. કદાચ બેંક તેના ગ્રાહકથી સંપૂર્ણ રીતે વાકેફ ન હોય અને તેની સાથે અન્યાય કરી બેસે પણ વરાછા કો.ઓ. બેંક દ્વારા ઉભી કરવામાં આવેલી બ્રાન્ચ કમિટીના સભ્યો જે તે બ્રાન્ચમાં કામકાજ અર્થે આવતા ખાતેદારો, ગ્રાહકો વગેરેની કામગીરી, સામાજિક સ્ટેટસ, આર્થિક સ્ટેટસ વગેરેથી બેંકને વાકેફ કરીને એવી ઉપયોગી સલાહ આપે છેકે બેંક સચોટ નિર્ણય લે છે.
વરાછા કો.ઓ. બેંકના ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાએ વધુમાં જણાવ્યું હતું વરાછા બેંકએ એક પણ રૂપિયાનું વધારાનું ભારણ ઉભું કર્યા વગર 200થી વધુ સ્વયં સેવકોની આખી ફૌજ તૈયાર કરી છે. વરાછા બેંક આજે કુલ 23 બ્રાન્ચ ધરાવે છે, આ તમામ બ્રાન્ચમાં વિકાસ કમિટીનું ગઠન કરાયું છે. વિકાસ કમિટીને કાયદાકીય રીતે બેંક સાથે કોઇ જ સંબંધ નથી આમ છતાં, વિકાસ કમિટીના સભ્યો બેંક માટે બિલકુલ નિશ્વાર્થ પણે સેવા બજાવે છે. બેંક માટે આ વિકાસ કમિટીઓના સભ્યોની સેવા અત્યંત અમૂલ્ય થઇ પડી છે.
વધુમાં તાજેતરમાં વરાછાબેંકના ખાતેદાર સ્વ.વસંતભાઈ નારણભાઈ પોકળનું અકસ્માતે અવસાન થયું હતું. બેંકના નિયમો મુજબ કોઇ ખાતેદારનું અકસ્માત નિધન થાય તો તેમના ચોક્કસ રકમ આર્થિક વળતર રૂપે મળે તેવી ગોઠવણ કરવામાં આવી છે. બેંકના ખાતેદાર સ્વ. શ્રી વસંતભાઇ પોકળનું નિધન થતાં તેમના  વારસદાર શ્રી નારણભાઈ મોહનભાઈ પોકળને રૂ. ૩,૦૦,૦૦૦ ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વરાછા બેંકના માજી. ચેરમેન શ્રી પ્રવિણભાઈ પાનસુરીયા, ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા તેમજ મુખ્યશાખા વિકાસ કમિટિ સભ્ય ભાવેશભાઈ રફાળિયા વગેરે આગેવાનોના હસ્તે આ નેક કાર્ય પાર પાડવામાં આવ્યું હતું.
November 28, 2018
income_tax.jpg
1min11220

ભારતની કુલ વસ્તી આશરે 135 કરોડની છે, જેની સામે 5.29 કરોડ કરદાતાઓ છે. એટલેકે, 3.90 ટકા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે

તેની સરખામણીએ ગુજરાતની 6.80 કરોડની વસ્તીમાંથી 68 લાખ કરદાતાઓ છે. એટલેકે રાજ્યની વસ્તીના 10 ટકા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે. વર્ષ 2018-19 ના વર્ષમાં ગુજરાતીઓ રૂ. 55,571 કરોડ ઇન્કમટેક્સ ભરશે. જેની સામે કેન્દ્ર સરકાર ગુજરાતને માત્ર રૂ. 6,040 કરોડ રકમ ફાળવશે. સૌથી વધુ રકમ 35, 168 કરોડ રૂપિયા ઉત્તરપ્રદેશને ફાળવવામાં આવશે. વેજલપુરમાં આવેલા ઇન્કમ ટેક્સના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી), નવી દિલ્હીના ચેરમેન સુશીલ ચંદ્રાએ આ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે દેશભરમાં સૌથી વધારે કરદાતાઓ ગુજરાતમાં છે. કરદાતાઓ તેમના ટેક્સ રિટર્નમાં ચોખ્ખી આવક દર્શાવે તે જરૂરી છે. હવે કરદાતાઓનું રિટર્ન એસેસમેન્ટ 0.5 ટકા જેટલું નહિવત્ થઇ ગયું છે.

ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે, હાલમાં અમે 70 દેશો સાથે સમજૂતી કરીને ત્યાં થતાં ઇન્વેસ્ટમેન્ટની માહિતીની આપ-લે કરવામાં આવશે. ગયા વર્ષે દેશમાં ઇન્કમટેક્સના 1.06 કરોડ કરદાતાઓ સામે ચાલુ વર્ષે 1.25 કરોડ નવા કરદાતા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 87 લાખ કરદાતાઓ ઉમેરાયા છે. ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ આઇટી કમિશનર અજયદાસ મહેરોત્રાએ જણાવ્યું કે, ગુજરાતના નાણાકીય વર્ષ 18-19માટે રૂ.55 હજાર કરોડનો ટાર્ગેટ અપાયો છે. જેની સામે 26 નવેમ્બર, 2018 સુધીમાં રૂ.25.58 કરોડનો ટાર્ગેટ પૂરો કર્યો છે.

November 27, 2018
rupin.jpg
2min35540

લેખક  સી.એ. રૂપીન પચ્ચીગર

ડીરેકટર

ગુજરાત બિનઅનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ

ગુજરાત રાજય સરકાર દ્વારા હાલમાં બિન અનામત વર્ગ એટલે કે સવર્ણ જાતિઓ માટે વિવિધ યોજનાઓની જાહેરાત થઈ છે. હાલ પર્યંત અનામત વર્ગ એટલે કે એસ.સી., એસ.ટી. અને ઓબીસી માટે અનેક યોજનાઓ રાજય દ્વારા બહાર પાડવામાં આવી હતી અને એનો લાભ અનામત વર્ગની જ્ઞાતિઓને મળે છે. પરંતુ હવે ગુજરાત રાજય સરકાર દ્વારા બિન અનામત વર્ગના લોકો એટલે સવર્ણ જ્ઞાતિઓને પણ એની આર્થિક રીતે નબળા કુટુંબો માટે મદદ થાય અને સવર્ણ જ્ઞાતિના આર્થિક રીતે નબળા બાળકોને શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓને લાભ મળે એવા હેતુથી આઠ પ્રકારની યોજના જાહેર કરવામાં આવી છે.

ગુજરાત રાજય સરકાર દ્વારા “ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ” ની રચના કરવામાં આવી છે. જેના ચેરમેન, વાઈસ ચેરમેન અને પાંચ ડિરેકટર તથા મેનેજીંગ ડિરેકટરની એપોઈન્ટમેન્ટ કરવામાં આવી છે. આ નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્કીમને નિગમની વેબ સાઈટ www.Gueedc.gujarat.gov.in  પર મૂકવામાં આવી છે. આ વેબ સાઈટ પર વિવિધ સ્કીમની વિસ્તૃત માહિતી, ફોર્મ અને અરજી કરવાની પધ્ધતિ પણ જણાવવામાં આવી છે. બિન અનામતમાં આવતો કોઈપણ વિદ્યાર્થી કે વ્યકિત આ સ્કીમનો લાભ થઈ શકશે.

બિન અનામત વર્ગમાં કોણ આવી શકે ?

જે વ્યકિત એસ.સી., એસ.ટી, ઓબીસીમાં ન આવતો હોય તે વ્યકિત બિન અનામત વર્ગની સ્કીમનો લાભ લઈ શકે. એટલે કે એસ.સી., એસ.ટી. અને ઓબીસી સિવાયની તમામ જ્ઞાતિઓને આ સ્કીમનો લાભ મળશે. એક અંદાજ મુજબ ૫૯ જ્ઞાતિઓને આ સ્કીમનો લાભ મળશે.

સ્કીમનો લાભ લેવા શું કરવું ?

સ્કીમનો લાભ લેવા એણે કલેકટરશ્રી અથવા તેના સમકક્ષ જિલ્લા અધિકારી પાસેથી બિન અનામત વર્ગમાં આવો છો એવુ પ્રમાણપત્ર મેળવવુ પડશે અને અરજી સાથે જોડવુ પડશે. તદુંપરાંત તેની આવકનો દાખલો પણ મેળવી અરજી સાથે જોડવો પડશે. વેબ સાઈટ પર જે તે જિલ્લા અધિકારીના નામ, સરનામા, ટેલીફોન નંબર આપ્યા છે. તેનો સંપર્ક કરી ત્યાં અરજી પહોંચાડવી પડશે. અરજી સાથે જરૂરી તમામ દસ્તાવેજ અને પૂરાવા આપવાના રહેશે.

વિવિધ સ્કીમ :

રાજય સરકાર દ્વારા આઠ પ્રકારની સ્કીમ મૂકવામાં આવી છે. જેમાં ત્રણ સ્કીમ લોન માટેની છે. એક સ્કીમ વ્યાજ સહાયની અને ચાર સ્કીમ આર્થિક સહાયની છે.

૧.      વિદેશ અભ્યાસ લોન

અ.  યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો :

ધોરણ ૧૨ પછી MBBS માટે, ડિપ્લોમા પછી ડિગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રીસર્ચ જેવા ટેનીકલ,  પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને રૂ. ૧૫ લાખ સુધીની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.

બ.  લાયકાત :  આ માટે વિદ્યાર્થીએ ધો. ૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ ગુણાંક મેળવેલ હોવા જોઈએ.

.  વ્યાજનો દર : ૪ ટકા લેખે સાદું વ્યાજ

ડ.  આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

ઈ.  લોનની ભરપાઈ :

(૧) રૂ. ૫ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૨) રૂ. ૫ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૬ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૩) ભરપાઈ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા કરવામાં આવશે.

(૪) લોન લેનાર નિશ્વિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચૂકવણી કરી શકશે.

(૫) અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવા પાત્ર રહેશે નહિ.

ઉ. જામીન/દસ્તાવેજ :

(૧) સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીનખત રજુ કરવાનું રહેશે.

(૨) સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કરતાં વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા કોઈ સગાં સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

(૩) દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

૨.      શૈક્ષણિક અભ્યાસ યોજના

અ.  યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો :

રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો ઈજંનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમયોપેથીક, ફિઝયોથેરેપી, વેટરનરી, નર્સીગ વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે અભ્યાસક્રમની કુલ ટયુશન ફી અથવા ૧૦ લાખ એ બે પૈકી જે ઓછુ હોય તે રકમની લોન નિગમ તરફથી આપવામાં આવશે. પરંતુ આ સ્કીમનો લાભ બી.બી.એ., બી.કોમ, બીએસસી, બીએ વગેરે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળી શકશે નહી. અરજદાર બિનઅનામત વર્ગના હોવા જોઈએ.

બ.  લાયકાત : વિદ્યાર્થીએ ધો. ૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ ગુણાંક પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.

ક.  વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ

ડ.  આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક રૂ. ૩ લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.

ઈ.  લોનની ભરપાઈ :

(૧) રૂ. ૫ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૨) રૂ. ૫ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યાના ૧ વર્ષ બાદ ૬ વર્ષના એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

(૩) ભરપાઈ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા કરવામાં આવશે.

(૪) લોન લેનાર નિશ્વિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચૂકવણી કરી શકશે.

(૫) અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે

વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવા પાત્ર રહેશે નહિ.

ઉ. જામીન/દસ્તાવેજ :

(૧) સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીનખત રજુ કરવાનું રહેશે.

(૨) સમગ્ર કોર્ષની લોનની કુલ  રકમ રૂ. ૭.૫૦ લાખ કરતાં વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા કોઈ સગાં સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

(૩) દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

૩.      સ્વ રોજગારલક્ષી યોજના         

       અ.  યોજનાનું સ્વરૂપ અને લોન સહાયના ધોરણો

  • રીક્ષા લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે સ્વ રોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનીટ કોસ્ટ
  • ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન (જરૂરી સ્ટ્રકચર સહિત) મેળવવા માટે ઓનરોડ યુનીટ કોસ્ટ
  • વ્યવસાય જેવા કે કરીયાણાંની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈપણ સ્વરોજગારલક્ષી યોજના માટે

ઉપરોકત ત્રણેય યોજના માટે રૂ. ૧૦ લાખ અથવા ખરેખર થનાર ખર્ચ એ બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમની લોન મળી શકશે.

બ.  કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

ક. ધિરાણના માપદંડ :

(૧) વાહન માટે લોનની યોજનામાં અરજદાર પાસે પાકુ લાયસન્સ હોવુ જોઈએ.

(૨) મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઈપોથીકેશન) કરવાનું રહેશે.

(૩) વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા હપ્તામાં લોન ભરવાની રહેશે.

(૪) નાના વ્યવસાયકારોએ લોન મેળવ્યાના ત્રણ માસમાં વ્યવસાય શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.

ડ. જામીન/દસ્તાવેજ :

(૧) લોનની રકમ રૂ. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીનખત રજુ કરવાનું રહેશે.

(૨) લોનની રકમ રૂ. ૭.૫૦ લાખ કરતાં વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા કોઈ સગાં સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

(૩) દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.

(૧) ગુજરાતના ડોમીસાઈલ વતની હોવા જોઈએ. અને બિન અનામત વર્ગના હોવા જોઈએ.

(૨) અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુઘીની હોવી જોઈએ.

(૩) ધિરાણનો વ્યાજ દર વાર્ષિક પુરૂષ માટે ૫% સાદુ વ્યાજ અને મહિલા માટે ૪% સાદુ વ્યાજ રહેશે. પ્રતિવર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

૪.    યોજનાનું નામ : સ્નાતક તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય.

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો :

  • તબીબ, વકીલ, ટેકનીક્લ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લીનીક, લેબોરેટરી, રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો તેને બેન્ક પાસેથી લીધેલ રૂ. ૧૦.૦૦ લાખ સુઘીની લોન પર ૫ % વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

        લાયકાતના ધોરણો :

  • વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
  • અરજદાર ગુજરાતના ડોમીસાઈલ વતની હોવા જોઈએ. અને બિન અનામતવર્ગના હોવા જોઈએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુઘીની હોવી જોઈએ.
  • બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજુ કરવાના રહેશે.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

 યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણૉ :

  • બિનઅનામતવર્ગના વિદ્યાર્થીઓ જે સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા

મેડીકલમાં  અભ્યાસ કરતાં હોય અને પોતાના પરિવારથી દુર, પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂ. ૧૨૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.

  • કોઈપણ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

૬.    યોજનાનું નામ : ટયુશન સહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો :

  • બિનઅનામતવર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.
  • કોઈપણ સમાજ/ટ્રસ્ટ/સેવાભાવી સંસ્થા દ્વારા સંચાલિત ટયુશન/કોચીંગ કલાસમાં અભ્યાસ કરતાં લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓને ઉપર મુજબની સહાય મળવાપાત્ર થશે.
  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ.
  • દરેક વર્ષમાં માત્ર એકજ વાર સહાય મળવાપાત્ર થશે.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ

૭.    યોજનાનું નામ : જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય.

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો :

  • બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) ની તૈયારીના કોચીંગ માટે, ધોરણ-૧૦ માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછુ હોય તે કોચીંગ સહાય આપવામાં આવશે.
  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જોઈએ.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

 ૮.    યોજનાનું નામ : સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય

 યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણૉ :

 *      બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી(G.P.S.C.) વર્ગ-૧,  વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને, તાલીમાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછુ હોય તે સહાય તરીકે મળવાપાત્ર થશે.

  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૬૦ ટકા કે તેથી વધુ.
  • આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

 

November 27, 2018
ilfs.jpg
1min14330

ગુજરાત સરકારે એક અળવિતરો નિણર્ય કર્યો છે અને એ એ છે કે નાદારી નોંધાવનાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસ (IL&FS)નો 50 ટકા હિસ્સો ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટિ)માં ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત મુખ્યમંત્રી વિજય રુપાણીએ મુંબઇની મુલાકાત દરમિયાન કરી હતી.

  • IL&FS ગિફ્ટસિટીમાં મેનેજમેન્ટના અધિકારો ધરાવતી હતી
  • ગુજરાત અરબન ડેવલપમેન્ટ કંપની અને IL&FS દ્વારા આ પ્રોજેકટને પ્રમોટ કરવામાં આવ્યો
  • ગિફ્ટ સિટીમાં પ્રોજેકટ હેઠળ 62 મિલયન સ્કેવર ફૂટમાં કમર્શિયલ, રેસિડેન્શિયલ અને સોશિયલ રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ કરવામાં આવશે

તા.26મી નવેમ્બર 2018ના રોજ મુંબઇ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુંબઈમાં આ અંગે જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં વિલંબ ન થવો જોઇએ. ઉલ્લેખનીય છે કે IL&FS ગિફ્ટસિટીમાં મેનેજમેન્ટના અધિકારો ધરાવતી હતી. પરંતુ, કંપની સપ્ટેમ્બરમાં 9100 કરોડનું દેવું ભરી શકી નહીં અને સરવાળે 7000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે જોખમ સર્જાયું છે.

આ પ્રોજેકટ હેઠળ 62 મિલયન સ્કેવર ફૂટમાં કમર્શિયલ, રેસિડેન્શિયલ અને સોશિયલ રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. જે રાજધાની ગાંધીનગરની નજીક 359 હેકટરમાં ફેલાયેલું હશે. આ પ્રોજેકટ દેશના ફાઈનાન્શિયલ કેપિટલ મુંબઈને ટક્કર આપશે.  હાલ IL&FSના હિસ્સાની કિંમત નક્કી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યત્વે રાજય સરકારની કંપની ગુજરાત અરબન ડેવલપમેન્ટ કંપની અને IL&FS દ્વારા આ પ્રોજેકટને પ્રમોટ કરવામાં આવ્યો હતો, જેમાં બંનેનો હિસ્સો સમાન હતો.

મુખ્યમંત્રી રૂપાણીએ સોમવારે વધુમાં જણાવ્યું હતું કે અમે ગિફટ સિટિમાં IL&FSનો હિસ્સો ખરીદવા અંગેનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેકટનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. હાલ વિશ્વની મોટી બેન્કો અને ટોપ ફાઈનાન્શિયલ કંપનીઓએ તેમની ઓફિસ ગિફટ સિટિમાં શરૂ કરી છે. અમે દરેક ફાઈનાન્શિયલ કંપનીને ગિફ્ટ સિટિમાં તેનો બેઝ શરૂ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ.